JO JITA WO SIKANDAR in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | જો જીતા વો સિકંદર..!

Featured Books
Categories
Share

જો જીતા વો સિકંદર..!

જો જીતા વો સિકંદર..!

મોડે મોડે અને ઉમરની છેલ્લી ઓવરમાં શ્રીશ્રી ભગાને પણ રાજકારણનો ચટાકો લાગ્યો. મા-બાપ ને પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર નાનું લાગ્યું, ને નેતા બની દેશની સેવા કરવાની એની ભાવના અડીખમ હતી. સ્થાનિક ચૂંટણીના જેવાં બ્યુગલ સંભળાયા, એટલે શ્રીશ્રી ભગાએ પણ ખાદીની એક જોડ સિવડાવી લીધી. સાઈ કલ પર મહાત્મા ગાંધીજીનો ફોટો ચઢાવી દીધો, પણ સૂત્ર બોલતો હતો ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે..!’ આ રાજકારણના ચટકા, માંકડના ચટકા કરતાં પણ ખતરનાક હોય દાદૂ..! માંકડની ટેવ સુતેલાને ચટકા ભરવાની અને, રાજકારણીની ટેવ, જાગતાને પણ ચટાકેદાર ચટાકા આપવાની. ખુરશી ચીજ ઐસી હૈ..! એના મોહમાં ભલભલાના મોંઢા પલળી જાય. શાસન કરવાના ફુવારા છૂટવા માંડે. પૂરું રાષ્ટ્રગીત આવડે કે નહિ આવડે, શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પાંચ નામ મોંઢે હોય કે ના હોય, પણ સતાને હાંસિલ કરવા માટે કુછ ભી કર શકતા હૈ..! ચૂંટણી જાહેત થાય ત્યારથી વિનય સપ્તાહ’ ઉજવવા માંડે.

એકવાર એક બકરી એના બચ્ચા સાથે જંગલમાંથી પસાર થતી હતી. અને બકરીના બચ્ચાંએ સામેથી આવતો સિંહ જોયો. બચ્ચાંએ એની મમ્મીને કહ્યું, ‘મમ્મી..! આજે આપણા રામ રમી જવાના..! બકરી કહે, ચિંતા ના કર. આજે આ સિંહ આપણને કંઈ નહિ કરે. થયું પણ એવું જ. સિંહે બકરીને વંદન કરી પૂછ્યું, ‘ કેમ છે દીકરા.....! બાલબચ્ચા સાથે ખુશમાં છો ને..? ‘ આ સાંભળીને પેલું બકરીનું બચ્ચું તો ગેલમાં આવી ગયું...! “ મમ્મી...કમાલ છે....? જંગલનો રાજા જેવો રાજા આજે આટલો વિવેકી કેમ થઇ ગયો....? ત્યારે બકરી બોલી, ‘ બેટા....! જંગલમાં ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે...! “ પ્રાણી જેવા પ્રાણી જો સમય સાથે બદલાતો હોય, તો આ તો માણસ છે..!

મા-બાપ ભલે વૃદ્ધાશ્રમનો આશરો શોધતા હોય, પણ રાષ્ટ્રની ચિંતા કરવા માંડે. દેશભક્તિની ખુમારી તો એવી બતાવે કે, કપડાં બદલે, પક્ષ બદલે પણ દાંત નહિ બદલે..! ચૂંટણી આવતાં જ મગજમાં એવો વંટોળ ફૂંકાવા માંડે કે, ‘મારા વગર આ ગામ કે રાષ્ટ્રનું કલ્યાણ થઇ જ નહિ શકે એવી ખુમારીના જોશમાં આવી જાય.’ કેટલાંક ઉમેદવારો જાતે-જાતે પીઠી લગાવીને પૈણવા તૈયાર થઇ જાય, એમ ‘તારી સંગે કોઈના આવે તો એકલો જાને રે’ ની માફક એકલો પણ ચૂંટણી લડવા માંડે, ત્યારે અમુકને પાર્ટી જ પીઠી ચોળે, ને પાર્ટી જ વરઘોડો પણ કાઢી આપે..! કોરોનાને કારણે મનોરંજનના ક્ષેત્રોમાં ભલે આંશિક તાળાબંધી હોય, પણ ચૂંટણીના પરિણામ નહિ આવે ત્યાં સુધી, આ લોકોના ખેલ જોવાનો પણ એક આનંદ છે મામૂ..! જેમ પૈણવાની તાલાવેલીવાળાને કમુરતા નડતા નથી. એમ, ચૂંટણી લડનાર કુંભમેળો આવ્યો હોય, એમ થનગનવા માંડે, પછી ભલે ને, આત્મ સન્માન, આત્મ ગૌરવ કે ફેશ લક્ષણા ભક્તિના પરપોટા હોય કે ના હોય..! ગુજરાતીમાં કહેવત છે કે, ‘લગને-લગને કુંવારા’ એમ, ચૂંટણી-ચૂંટણીએ આવાં ઉમેદવારો દુબારા પણ જોવા મળે. હાર્યો જુગારી બમણું રમે, એમ હાર્યો ઉમેદવાર વારંવાર ચૂંટણી લડે..! આજકાલ ચારેયકોર સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સૌ કોઈ ખુરશી ધારણ કરીને ખુશી મેળવવાની વેતરણમાં છે. બની ઠનીને મુરતિયાઓ એવાં તૈયાર થઇ ગયાં છે કે, બાણાવળી અર્જુનને માછલી દેખાયેલી એમ, ઉમેદવારને પોતાની ખુરશી દેખાય. ભૂત-પલિત-ડાકણ-પિશાચની ઝાપટ નહિ લાગે, તે માટે લોકો પહેલાં ગળામાં માદળિયું બાંધતા, આ લોકો હવે ગળામાં માદળિયાં બાંધતા નથી. પાર્ટીનો ખેસ ચઢાવે. જેથી મતદારની નજર પડે કે, હું કયા ઘરાનાનો માલ છું..! ચૂંટણીમાં ઉમેદવારની ભૂગોળ કે ઈતિહાસ ક્યા જોવાય છે? ચલણમાં ચાલે એ રૂપિયો ને બાકીના ઢબૂડા..! મને તો કવિ કરશનદાસ માણેક ની પેલી કવિતા યાદ આવે છે કે,

મને એ જ સમજાતું નથી કે આવું શેને થાય છે,

આજ ફૂલડાઓ ડૂબી જતા પથ્થરો તરી જાય છે

કામધેનુને મળે નહિ એકેય સુકું તણખલું અને

લીલાંછમ્મ ખેતરો આજે આખલા ચરી જાય છે

આ જગતની ચાલને કોઈ ઓળખી શક્યું નથી. સોક્રેટીસને આ દુનિયા ઝેર આપી શકે છે. એક જ પોતડી પહેરીને અંગ્રેજો સામે ઝઝૂમીને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીને ગોળીએ દઈ શકે છે. સ્તંભ ઉપર ચઢાવી શરીરમાં ખીલા ભોંકીને ઇસુ ખ્રિસ્તનો જીવ લઇ શકે છે. ને સોક્રેટીસને...? જવા દો યાર...! નાળીયેર ભરેલું હોય તો એને વધેરી નાંખવાનું, અને ખોટું હોય તો હીરા-માણેક જડીને એને માથે ચઢાવવાનો અહીં રીવાજ છે. જો જીતા વો સિકંદર..! શ્રીશ્રી ભગાને ટેન્શન છે કે, ચૂંટણીના ઢંઢેરામાં ‘મેનુફીસ્ટ’ માં બતાવું શું..? અસ્સલ, દાંડી પીટીને ઢંઢેરો બહાર પડાતો. પણ સમય જતાં ઢંઢેરામાં પણ એવો બદલાવ આવી ગયો કે, ચૂંટણી પણ જેહાદી બનતી ગઈ. દાંડી પીટવાને બદલે ઉમેદવાર કે એના મળતિયાને પીટવાની ફેશન આવતી ગઈ. ઢંઢેરાએ પણ વાઘાં બદલ્યાં. ઢંઢેરો ચૂંટણીની બગલમાં સંતાઈ ગયો, ને ‘મેનુફીસ્ટ’ બની ગયો. ઢંઢેરા પીટાવાને બદલે પ્રગટ થવા માંડ્યા. ઢંઢેરાનું આમ તો મૂળ કામ જ એવું કે, મતદાર ઊંઘતો ના હોવો જોઈએ. આવો આપને શ્રીશ્રી ભગાનું ચૂંટણી પ્રવચન સંભળાવું..!

મહેરબાન-કદરદાન-ફુલદાન-મતદાન..! આપ સૌને આ બાગબાનના જય ગરવી ગુજરાત..! મિત્રો, જોતજોતામાં પાંચ વર્ષ ક્યાં પૂરાં થઇ ગયા, એની ખબર શુદ્ધાં નાં પડી. અલબત આપ સૌને પડી હશે, એની ના નથી. સૌને થતું હશે કે, પાંચ-પાંચ વર્ષ સુધી અમે આપને ઢંઢોળ્યા નહિ, ને આજે ચૂંટણી આવી ત્યારે કેમ પ્રગટ થયાં.? પણ સાચી વાત કહું તો અમે સહેજ પણ અળગા થયાં નથી. ખુરશીમાં બેઠાં-બેઠા પણ આપ સૌના જ દર્શન કર્યા છે. તમે તો અમારી દાઢમાં રહ્યાં છો..! પેટ્રોલના ભાવ વધ્યા ત્યારે અમને યાદ કર્યા હશે, લાઈનમાં ઉભા રહેવાની તક આપી ત્યારે યાદ કર્યા હશે, શાકભાજીના ભાવો સળગ્યા ત્યારે યાદ કર્યા હશે, તમે અત્ર-તત્ર-સર્વત્ર અમારા નામની માળાઓ જપી છે એ અમે જાણીએ છીએ. કારણ કે બુજુ બધું તો ઠીક, આપે યાદ કર્યા યેથી અમે અટકડી પણ ખુબ ખાધી છે..! લગન ટાણે મોઢું બતાવે એને જ કુટુંબી કહેવાય. એમ અમે ચૂંટણીના ટાણે તો આવીને ઉભા છીએ, એના ગલગલીયાં કરો..! તમે બધા મારો ઈતિહાસ નહિ જોશો. માત્ર મારી ભૂગોળ તરફ ધ્યાન આપો. ચૂંટણીએ મારી આંખને ઉઘાડી દીધી છે....! આંખમાંથી ‘વેરઝેર‘ ના મોતિયા કઢાવી નાંખ્યા છે. આ વખતે મારે હારવું નથી. મને ઘણીવાર હરાવ્યો છે, એ હું ભૂલ્યો નથી. પણ આ વખતે મારા નામ ઉપર જ ચોકડી મારજો ભઈલા..! ચોકડી એટલે મને મત આપીને જીતાડજો. મારી આ અંતિમ ઈચ્છા છે....! યાદ રહી જાય એવું નિશાન આ વખતે મને મળ્યું છે. મારું નિશાન છે કૂતરો. તમે એક કુતરાને મત આપો છો એવો ભાવ રાખીને પણ મત આપજો. જાણો તો છો કે, કૂતરા જેવું વફાદાર પ્રાણી એકેય નથી. એની વફાદારીને હું સહેજ પણ આંચ નહિ આવવા દઉં. . સમાજમાં હું દાખલો બેસાડીશ કે, માત્ર કુતરાઓ જ વફાદાર હોય છે, એવું નથી. માણસને જો ચૂંટવામાં આવે તો એ પણ વફાદાર રહી શકે છે. કુતરાઓ જેમ રાતે ઊંઘ્યા વિના મહોલ્લાની રખેવાળી કરે છે, એમ હું પણ તમારા માટે જાગતો રહીશ. ભારત માતાકી જય..!

__________________________________________________________________સંપૂર્ણ