હેલો કલ્પના ....
કેમ છે તું....? આવ આપણે કંઈક લખીએ.. રાત્રી નો એક થયો..
ને સાલી આ ઊંઘ વેરણ થઇ. ઉઠ્યો. પાણી પીધું અને હિંચકે બેઠો. નીરવ શાંતિ.. ક્યાંય કોઈ અવાજ નહિ. થોડીવાર આંખો મીંચી બેસી રહ્યો... ગમ્યું અને પછી ફોન લઇ પ્રતિલિપિ ખોલી વાર્તા વાંચી. કવિતાઓ વાંચી લેખક લેખિકા મિત્રો ને પ્રતિભાવો લખ્યા.
ત્યાંતો ઠંડી હવા ની લહેરખી આવી. ઘર ની સામે ઉભેલા બે આસોપાલવ ને એક બોરસલ્લી ઝૂમ્યા.. ખરી ગયેલા પાંદડા ઓ ની સરસરાહટ.. મારા મન માં સરસરાહટ જગાવી ગઈ. વૃક્ષો ના થડીએ ઘડીક હાથ ફેરવ્યો અને હું કોમન પ્લોટ ના બાંકડે આવી ને બેઠો. આ એજ બાંકડો છે જ્યાં સવારે સાંજે સોસાયટી ના વડીલો બેઠા હોય ને હું ઓફિસ જવા નીકળું તો કાયમ અમે બધા એકબીજાને હાથ જોડી "સીતારામ"...એમ હાકલ પાડી ને કહીએ.
ઘર પરિવાર, સોસાયટી ના પ્રશ્નો, આવનારી ચૂંટણી ની મિટિંગો,સામાજિક રાજકીય, ક્રિકેટ, આવનારા લગ્ન પ્રસંગો, કોરોના વગેરે વગેરે કાંઈ કેટલાય વિષયો પર ની ચર્ચાઓ સાંભળી ચૂકેલો આ બાંકડો અત્યારે નીરવ રાત્રી માં ખામોશ સૂતો છે.
સોસાયટી ની શેરી સુમસામ ભાસે છે. એવામાં એક કૂતરું આવી ને થોડુંક દૂર ઉભું રહ્યું. મે પાસે બોલાવ્યું ને માથે હાથ ફેરવી ને બુચકાર્યું..અને એ મોં ઊંચું કરી ને વ્હાલ નો સ્વાદ માણવા લાગ્યું... કુદરત ની કેવી કરામત છે કેમ? પ્રત્યેક જીવ વ્હાલ નો તરસ્યો હોય...
ક્યારેક ક્યારેક મુખ્ય રોડ પર પરથી કોઈક વાહન પસાર થાય ત્યારે એની કર્કશ ઘરઘરાટી વાતાવરણ ની શાંતિ ને ચીરી નાંખે છે. રાત્રી કર્ફયુ તો અમલ માં છે. તોય હજી ગાડીઓ ની આવન જાવન ચાલુ જ છે. દુનિયા છે.. ચાલ્યા જ કરવાની છે. મને અત્યારે એ લોક ડાઉન ના દિવસો યાદ આવી ગયા.. પાક્કું.. પુરા દોઢ મહિના સુધી ઘર ની બહાર પગ જ નહોતો મુક્યો.. ગામડે માં બાપ એકલા અને અમને તેડાવે પણ પાસ બનતો જ નહોતો.. અમરેલી જિલ્લા માં નો એન્ટ્રી હતી.. પણ કેવી શાંતિ હતી. સવારે ધાબા પર જઈ ને જોઈએ તો આખું આકાશ સ્વચ્છ, પ્રદુષણ મુક્ત. જાણે કોઈ હિલ સ્ટેશન.. વાહ
આપણે આપણા જ રચેલા પ્રદુષણ ના અજગર ના ભરડા માં ગુંગળાઈ ને જીવીએ છીએ એમ તમને નથી લાગતું?
ગામડા નું જીવન સારુ છે હવા, પાણી, ખોરાક વગેરે ચોખ્ખું મળે પણ ત્યાં ય હવે પ્લાસ્ટિક ના પ્રદુષણ વધવા મંડ્યા છે. હું પ્લાસ્ટિક ની થેલી વાપરવા નો વિરોધી છું. પણ બીજી બધી ચીજ વસ્તુઓ પ્લાસ્ટિક માં પેક થઇ ને આવે છે એનું શું કરવું.?. આ બધો કચરો ભેગો થઇ ને ક્યા જઈ ને અટકશે એ મોટો વિચાર માંગી લે એવો પ્રાણ પ્રશ્ન છે..
અહીં એક વાત યાદ આવી ગઈ.. અમે કોલેજ માં હતા ત્યારે મિત્રો ઇંગલિશ ફિલ્મો જોવા જતા.. અમારા અમદાવાદ માં 70 સિનેમા હતી એમાં બેજ સિનેમા એવી હતી જેમાં ઇંગલિશ ફિલ્મો આવતી.. લાલદરવાજા ભદ્ર પાસે એડવાન્સ સિનેમા અને બીજી મિરઝાપુર પાસે મધુરમ, એમાંય જેમ્સ બોન્ડ ની ફિલ્મ આવી એટલે પહોંચી જ જવાનુ સાયકલ લઇ ને.. હા રોજી ઘોડી છે રાંગ માં પછી ભલે ને ગમે તેટલો લાંબો મારગ હોય...હવે ફિલમમાં જઈએ..☺️ ત્યારે ત્યાં ફિલ્મ માં લેડી શોપિંગ મોલ માં શોપિંગ કરતી... ત્યાં તો આજથી 50-60 વર્ષો પહેલા ય શોપિંગ મોલ હતા.. જેવા આપણે ત્યાં અત્યારે છે ...ત્યારે એ લેડી બધી ચીજ વસ્તુઓ કેશ કાઉન્ટર પર થી ખાખી પેપર બેગ માં ભરી બે હાથે ઊંચકી બહાર આવતી.. મને વિચાર આવતો.. "ઊંચકતા આટલી બધી તકલીફ પડે છે તો આ લોકો નાકા વાળી પ્લાસ્ટિક ની થેલી કેમ નહિ વાપરતા હોય? વસ્તુઓ લઇ જવા માં સરળતા તો રહે".. મિત્રો મારા આ પ્રશ્ન નો જવાબ તમને મળી ગયો હશે.. ખરું ને ...?
આપણે ત્યાં શોપિંગ મોલ માં હજી પેપર બેગ નથી આવી.. અને ત્યાં વિદેશો માં વર્ષો પહેલા આવી ગયેલી... કેટલી જાગૃત પ્રજા..!
વર્ષો પછી આપણે ત્યાં પ્લાસ્ટિક ઝબલા પર પ્રતિબંધ આવ્યો ત્યારે મને પેલી ઇંગલિશ ફિલમ વાળી વાત સમજાઈ.. જોકે હજી અહીં તો પ્લાસ્ટિક બેગ માં વેચાણ ચાલુ જ છે.. થીકનેસ વધારી છે પણ રિસાયકલ કરી કરી કેટલું કરીશું... અંતે તો એ કચરો બળવાનો જ છે ને બહુ મોટા ઝેરી પ્રદુષણ નો ભાગ બનવાનો જ છે.. એના કરતાં કાપડ ની થેલીઓ સારી.. જૂનું તે સોનુ... પણ કાપડ ની થેલી વાપરવા માં તો ઈજ્જત જવા જેવું લાગે.. આજના ફેશનપરસ્ત આધુનિક લોકો ને ... ત્યારે પ્રશ્ન એ થાય કે ..આપણી આધુનિકતા અભિશાપ તો નથી બની રહી?...
અંત માં એટલું કહીશ કે ...
ચાલો યાર થોડા દેશી થઇ જઈએ
મોટર વાહન ને થૉડો આરામ આપી
સાયકલ ને પાછી વ્હાલી કરી લઈએ
પીઝા પાસ્તા ને મૂકિએ તડકે અને
દાળ-કઢી માં રોટલા ચોળી લઈએ
ચાલો યાર થોડા દેશી થઇ જઇએ....
ભૌતિકતા ની આ આંધળી દોટ છોડી
પ્રકૃતિ તરફ પાછા હવે વળીએ...
શિક્ષણ બધું જરૂરી છે "બકુલ" પણ
માતૃભાષા ને પ્રેમ કરી લઈએ...
ચાલો યાર થોડા દેશી થઇ જઇએ....
-બકુલ ની કલમે...✍️
આજ નું ચિંતન
19-02-2021