Short story collection in Gujarati Short Stories by Falguni Shah books and stories PDF | ટૂંકી વાર્તા સંગ્રહ - 4

Featured Books
Categories
Share

ટૂંકી વાર્તા સંગ્રહ - 4

✍️ મેસેજ ✍️

જતીને પત્ની રીનાને આપેલી જન્મદિવસની પાર્ટીથી ખુદ રીના અને બંનેનાં સગાંવહાલાં , દોસ્તારો , ને વેપારી વર્તુળ બધાં જ આશ્ચર્યચકિત થઈ ગયા.બધા જ રીનાને ખૂબ જ નસીબદાર કહેતાં.

એ આખી રાત રીના મનનાં આકાશમાં ખુશ થઈને ગર્વથી વિહરતી રહી...પોતાને ખૂબ જ સારો પતિ મળવા માટે અભિમાન આવી ગયું.
શાંત મને અવિરત વિચારતા વિચારતા ક્યારે રીનાને નીંદર આવી ગ‌ઈ એ ખબર જ ના રહી..!!

થોડાંક દિવસ પછી જતીન બિઝનેસનાં કામથી સીંગાપોર રવાના થઈ ગયો. એ આખુંય અઠવાડિયું રીના જતીનને મીસ કરતી રહી.એના વગર રીનાને ગમ્યું નહીં.જતીન પણ ફોનથી સંપર્ક માં રહેતો.
અઠવાડિયા પછી જ્યારે જતીન પાછો ફર્યો ત્યારે એને હૈયે હાશ થઈ..!!

બીજા દિવસે જતીન સૂતો હતો ત્યારે એનાં લોક મોબાઈલની સ્ક્રીન પર એક મેસેજ રીનાએ વાંચ્યો,
"Mr. & Mrs. Desai, thank you very much for Travelling Singapore through Our Airlines. Visit again. Have a Good Day".

..... ને પછી રીનાનાં મનની શાંતિ.... ??
-ફાલ્ગુની શાહ ©

############################


✍️આગમન ✍️

એક તરફ આજે ભત્રીજા નું લગ્ન હોવા છતાં ત્યાં જવા માટે હૈયે કોઈ હરખ નહોતો, કેમકે ગૌરીબેન ને ગ‌ઈ વસંતપંચમી નો દિવસ યાદ આવી ગયો ને આંખ ચોધાર વરસી પડી.
નરેનભાઈનું અચાનક હ્રદયરોગના હુમલાથી મૃત્યુ થયા ને આજે વરસ થયું. એ વાતે મન ભરાઈ આવ્યું.
તો બીજી તરફ લગ્નનાં દસ વર્ષ પછી પહેલી સુવાવડ માટે પિયર ગયેલી વહુ શ્યામાની ચિંતા કોરી રહી હતી એમને.
એમણે દિકરા આશિષ ને એકલા જ લગ્નમાં હાજરી આપી આવવા કહ્યું.આશીષે આગ્રહ કર્યો સાથે આવવા માટે.પરંતુ વહેતા વસંતનાં ઠંડા વાયરા પણ એમને દઝાડી રહ્યા હતા.મનનો ઉચાટ વંટોળિયો બનીને એમને દરેક હરખથી દૂર ફંગોળી રહ્યો હતો.
ત્યાં જ એમનો મોબાઈલ રણક્યો.
"મમ્મી, ઓ મમ્મી , તું મારા દિકરાની દાદી બની ગ‌ઈ છું. ને હું બાપ . મમ્મી મને તો લાગે છે કે પપ્પા એ જ ફરી જનમ લીધો છે. મમ્મી , તારા આશીર્વાદ મને ફળ્યા."

આ સાંભળી ને ગૌરીબેન તો અવાચક થઈ ગયાં ને નરેનભાઈ નાં ફોટા પાસે જઈને બોલ્યાં," આખરે તમે તમારૂં વચન પુરું કર્યું ખરૂં...!! "
ને નરેનભાઈ નાં ફોટો ફ્રેમ પર આંગણાં માં ખિલેલા વાસંતી કેસૂડા નું પ્રતિબિંબ એમનાં આગમનની સાક્ષી પૂરી રહ્યું હતું..!!!
-ફાલ્ગુની શાહ ©

############################

✍️એક જ ક્ષણ✍️

અચાનક મનોજ અને નયના આજે સાત વર્ષ પછી અંબાજી મંદિરનાં પરિસરમાં મળી ગયાં.અને એક જ ક્ષણમાં આખોય ભુતકાળ બંનેની નજર સામેથી પસાર થઈ ગયો.
સાથે વિતાવેલા એ પંદર વર્ષ,
સુખદુઃખ નાં તડકાં-છાયાં,
બે સુંદર દિકરીઓ નો જનમ,
હસતો ખેલતો પરિવાર,
મનોજનાં લગ્નેતર સંબંધોની દુનિયા,
લગ્નજીવનમાં તિરાડ,
અસહ્ય સંબંધોનો ભાર,
એકજ ક્ષણમાં બે સહીથી બંનેનો છૂટાછેડાથી છૂટકારો,
નિર્દોષ દિકરીઓ ‌‍મા-બાપથી અળગી થઈ ગઈ,
પરિવાર છિન્નભિન્ન,
બંને દિકરીઓનું નિમ્ન પાત્ર સાથે ભાગીને પરણવું,
મનોજને અનૈતિક સંબંધોમાં મળેલો વિશ્વાસઘાત,
નયનાએ એકલે હાથે કરેલા તમામ સંઘર્ષો,

અને
આજે
અંતે બંને જીવનનાં એક એવા ત્રિભેટે આવીને ઉભા છે કે નથી પાછળ જ‌ઈ શકાતું કે નહીં આગળ વધી શકાય કે નથી સમાધાન સાધી શકાતું.

એક જ ક્ષણ
હા,
એક જ ક્ષણ
બંનેએ કોઈક જગ્યાએ વિચારવાની કે અટકવાની જરૂર હતી.
નયનાએ બીજું બધું ભૂલીને ,જતું કરીને ફક્ત માસૂમ દિકરીઓનો વિચાર કરીને ,
અને મનોજે પણ દિકરીઓનો વિચાર કરીને બીજું બધું ભૂલાવી દ‌ઈને જ‌ઈને અટકી જવું જોઈતું હતું.


માત્ર...

એક જ ક્ષણ....

બંનેએ છૂટાછેડા લેતાં પહેલાં આ સત્ય વિચારવા માટે લીધી હોત તો કદાચ નહીં પણ ચોક્કસ આજે એજ પરિવાર સુખી પરિવાર ગણાતો હોત..!!

-ફાલ્ગુની શાહ ©