With bumps in Gujarati Love Stories by CA Aanal Goswami Varma books and stories PDF | ઝૂમખી વાળી

Featured Books
Categories
Share

ઝૂમખી વાળી

વ્હાલા વાચક મિત્રો,

મારી પ્રથમ રેડિયો વાર્તા " ઝૂમખી વાળી" માતૃભારતી પ્લેટફોર્મ પર આપતા મને ખુબજ ખુશી થઇ રહી છે. આ સાથે મને એ વાત નો આનંદ પણ છે કે મરી વાર્તા ઘર પછી મારી વાર્તા અને નોવેલ ના માતૃભારતી પર કુલ બાર હજાર ડાઉનલોડ થઇ ચુક્યા છે અને હજી ચાલુ છે. આ બધું તમારા સહકાર વિના શક્ય ન જ બન્યું હોત. મારી વાર્તા "ઝૂમખી વાળી" ને પણ આવો જ સહકાર આપવા વિનંતી.

© આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com .

ઝૂમખી વાળી

મુંબઈ ના રેડિયો સિટી ૯૯ બેન્ડ પર સવારે ૭ થી ૧૧ નો શૉ કરતી શિખા આજે ૫ વર્ષ પછી અમદાવાદ પાછી આવી હતી. એને મીડિયા માં હોવાને કારણે લોકડાઉંન ની માહિતી પહેલેથી જ મળી ગઈ હતી અને એટલે જ એ આજે શનિવારે ફ્લાઈટ માં ઘેર આવી ગઈ હતી. એના શોઝ સોમ થી શુક્ર થતા અને શનિ રવિ રજા રહેતી એટલે બે દિવસ એની પાસે સમય હતો.

એ આવતા વેંત પહેલા પોતાના રૂમ ની બાલ્કની માં ગઈ. સુંદર ફૂલો થી શુશોભીત હેંગિંગ કુંડા, ગ્રીન લોન વાળું આર્ટિફિશિયલ કાર્પેટ, વિન્ડચામ લગાવેલ આ બાલ્કની એટલે શિખા માટે સ્વર્ગ.વિન્ડચેમ નો સતત થતો અવાજ , જમીન પર મુકેલા ૧૦ કુંડા પર એક સરખા વાવેલા એરિક પામ અને આ બધા થી ઉપર એની બાલ્કની ને લગભગ અડધી કવર કરતું એના ગેટ પાસે આવેલું ગુલમહોર નું ઝાડ . જે કપાતું બચાવવા માટે એણે ઉપવાસ સુધ્ધાં કરેલા છે. એની બાલ્કની માં બર્ડ ફીડર પણ છે જેમાં ચકલી ,ખિસકોલી અને કાબર દાણા ખાવા આવે છે. અને ત્યાં મુકેલો નેતર નો ઝૂલો એટલે એના માટે વિસામો.

રવિવારે સવારે ૯ વાગ્યે તો પ્રધાન મંત્રી સાહેબ નો સંદેશો આવી ગયો કે હવે આજ રાત થી લોકડાઉંન અને એ આખો દિવસ એણે પોતાની ટિમ સાથે અહીંયા ઘરે થી કામ કરવા માટે જરૂરી સેટઅપ કરવામાં વિતાવ્યો જેના માટે કદાચ એ લોકો તૈયાર હતા અને એટલેજ દરેક રેડિયો જોકી ને સમયસર એમના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા હતા.આખરે બધું પૂરું થતા રાત ના ૧૦.૩૦ થયા અને એ પોતાના ઝૂલા પર બેસીને કાલ માટે ની સ્ક્રિપ્ટ વાંચી રહી હતી જે મુજબ દર અડધો કલાક ના સમયાંતર પછી એણે લોકો ને કોરોના માટે જરૂરી તકેદારીઓ લેવા વિશે કહેવાનું હતું. ૫ એક વર્ષ થી પોતાના કામમાં માહેર અને મુંબઈ સિટી માં બેસ્ટ રેડિયો જોકિ નો એવોર્ડ જીતી ચુકેલી શિખા ને સ્ક્રિપ્ટ વાંચતા-વાંચતા લાગ્યું કે જયારે આખો દેશ આવા ભય ના ઓછા હેઠળ છે તો કેમ ના કંઈક એવું કરવું જેનાથી બધાનો મૂડ થોડા સમય માટે સારો થઇ જાય અને એકદમ એક આઈડિયા આવતા એણે પોતાના ચીફ એડિટર ને મેલ કર્યો અને એની ધારણા મુજબ એના ચીફ એડિટર અવિનાશ નો અડધો કલાક માં અપૂર્વલ આપતો મેસેજ આવ્યો.

ક્રિએટિવ ફિલ્ડ માં કામ કરતા લોકો ની આજ ખાસિયત હોય છે. એમને કામ કરવા માટે સ્વતંત્રતા મળે છે એ પોતાની રીતે પોતાનું કામ કરવાની રીત નક્કી કરી શકે છે. કાલ થી એને પોતાનો શૉ અહીંયા ઘરે થી કરવાનો હતો અને એ એના માટે બિલકુલ તૈયાર હતી.

સોમવારે સવારે ૭ વાગતા જ એણે શરૂ કર્યું " ગુડ મોર્નિંગ લીસ્ટનર ", આજ થી તમારી શિખા તમારે માટે અમદાવાદ માં રહેલા પોતાના ઘરે થી શો કરશે અને તમને ખબર છે શું ? ..............હું કોરોના વિશે વાત કરવાની જ નથી , હું તો વાત કરવાની છું આપણા ઘર માં રહેલી બાલ્કની વિશે. હવે આપણે એક મહિનો આપણા ઘર માં જ રહેવાનું છે તો ચલો શરૂ થઇ જાવ અને કરો વાતો તમારા ઘર માં આવેલ બાલ્કની અને એની સાથે જોડાયેલ યાદો ની.

અને બસ પછી તો રોજ રેડિયો માં શિખા ને સાંભળતા લોકો ની પોતાની બાલ્કની સાથે જોડાયેલ સ્ટોરી બહાર આવવા લાગી. આ આખા આઈડિયા ને લીધે TRP વધી રહી હતી. લોકો આ શૉ ને સાંભળી રહ્યા હતા અને પોતાના ઘર માં જ રહીને પોતાની બાલ્કની વિશે વાતો કરી રહ્યા હતા. કેટકેટલી અલગ વાતો સાંભળવા મળી રહી હતી.

૧૧ માં દિવસે એક ફોન આવ્યો , ફોન પણ જેવો હેલો અવાજ સાંભળ્યો કે શિખા પોતે મલકી પડી . આ અવાજ ની ભીડ માં રહીને એ અવાજ થી માણસ ને ઓળખવા લાગી હતી. એ ઘેરા બારિટોન અવાજ માં હેલો સાંભળીને એને પોતાને એ કોલર ની વાત માં રસ પડવા લાગ્યો. એ બોલ્યો કે હું અવિનાશ છું અને મને આ થીમ બહુજ ગમી. હું એક IT એન્જીનીર છું અને મને બે ઘડી ની પણ નવરાશ ન હોવાથી હું બાલ્કની તો શું ઘર ના સોફા પર પણ બેસવા માટે નવરો નથી હોતો. પણ હવે વર્ક ફ્રોમ હોમ થયા પછી સતત ઘર માં રહેવાથી મને મારા ઘર માટે કંઈક કરવાની ઈચ્છા થઇ. રોજ સવારે જયારે હું સૂર્યપ્રકાશ માટે મારા હોલ ની બારી અને બાલ્કની માં જતો દરવાજો ખોલું છું તો મને સામે ના ઘર ની સુંદર બાલ્કની દેખાય છે. ત્યાં બહુજ સુંદર કુંડા લટકાવેલ છે જેમાં રંગબેરંગી ફૂલ છે. નીચે મુકેલા કુંડા માં એક સરખા પામ જેવા દેખાતા છોડ છે . એક બર્ડ ફીડર છે જેને લીધે ચકલા, કોયલ અને ખિસકોલી ત્યાં ફરતી રહે છે. આ બાલ્કની ને અડીને એક મોટું ગુલમહોર નું ઝાડ છે જેના કારણે એ આખી જગ્યા બહુ સુંદર લાગે છે. આટલું સાંભળતા તો શિખા એક મિનિટ માટે શ્વાસ ચુકી ગઈ કારણ કે આ તો એની જ બાલ્કની જેવી લાગતી બાલ્કની ની, ના કદાચ એની જ બાલ્કની ની વાત થતી હતી.

ત્યાં એ બારિટોન અવાજ ફરીથી બોલ્યો કે RJ શિખા , (શિખા તો એના અવાજ માં પોતાનું નામ સાંભળતા મન માં એક આહ ભરી બેઠી) મારી વાત અહીંયા પુરી નથી થતી. આ પવન ને લીધે હલતા ગુલમોર ના ઝાડ અને પામ ની વચ્ચે થી તડકા ને પણ ચળાઈને જવું પડે એવી જગ્યા પડે છે અને એ જગ્યા એ તડકાની સાથે મારી નજર પણ જાય છે. ત્યાં એક છોકરી દેખાય છે એ લગભગ સવારે ૩ એક કલાક ત્યાંજ હોય છે એવું મને આટલા દિવસ થી લાગે છે. એનો ચહેરો નથી દેખાતો મને પણ એનો જમણો કાન દેખાય છે જેમાં રોજ અલગ અલગ ઝૂમખી હોય છે. એ છોકરી નું સ્મિત બહુ સુંદર હશે અને એ વારે વારે હસતી હશે એવું લાગે છે. એની સાથે એના કાન નું એ ઝુમખું પણ હસતું હોય એમ હાલતું હોય છે અને… અને તમને ખબર મને એ છોકરી સાથે પ્રેમ થઇ ગયો છે. એનો આખો ચહેરો જોયા વગર એને સાંભળ્યા વગર મને એની જોડે પ્રેમ થઇ ગયો છે .


આ સાંભળીને શિખા ના ગાલ પર શરમ ના શેરડા પડી ગયા . પણ અચાનક એનું મગજ બોલ્યું કે ખાત્રી તો કર કે તુજ છે એને ચહેરો ક્યાં દેખાય છે ફક્ત ઝૂમખી જોઈને કોઈ થોડી પ્રેમ માં પડી શકે એ પણ IT વાળો. એણે એણે પૂછ્યું કે તમને દેખાય છે કે એણે કેવી ઝૂમખી પહેરી છે તો એ કહે છે કે પર્પલ કલર નું પતંગિયું છે અને એની નીચે ઘુમ્મટ જેવું કંઈક દેખાય છે એના જમણા હાથ પર ટેટૂ છે પણ…. અરે આજે બારી પર પડદો પડી ગયો.. આમ બોલતા એ નિરાશ થઇ જાય છે.

અડધી મિનિટ માટે બન્ને પક્ષે ચુપકીદી છવાઈ જાય છે પણ પછી તરત જ શિખા જેને નીચા નમી ને બારી નો પડદો બંધ કરી દીધો હોય છે એ બોલે છે કે , અવિનાશ, પહેલા તો મને તમને કહેવા દો કે તમારો અવાજ બહુજ સરસ છે. અને અમને બહુજ આનંદ થયો તમારી આ લવ સ્ટોરી સાંભળીને પણ શું આમ કોઈ ની બાલ્કની માંથી ઘર ની અંદર સુધી પહોંચી જવું યોગ્ય છે? તો અવિનાશ બોલ્યો કે RJ શિખા તમે મને ખોટો સમજી રહ્યા છો. હું તો એ બાલ્કની ના સૌંદર્ય પાછળ આકર્ષાઈ ને ત્યાં જોતો હતો પણ ત્યાં મને એના ઝુમખા દેખાઈ ગયા. રોજ રોજ અલગ અલગ એ ઝૂમખાં જોઈને મને આ નિરાશા વાળા વાતાવરણ માં પણ ખુબ આનંદ મળે છે. ૧૦ મિનિટ માંડ એ આનંદ લઇ શકું છું અને પછી કામ કરવા અંદર જતા રહેવું પડે છે. મારુ આમ જોવું એને કોઈ હાનિ તો નહીં જ પહોંચાડતું હોય. હા, મને ખુશી જરૂર મળે છે. કેટલો ફ્રેન્ક અને સાચો જવાબ.


શિખા પૂછે છે કે અવિનાશ શું તમે હજી ત્યાંજ ઉભા છો ? અવિનાશ કહે છે હા, રખેને પડદો ખુલી જાય એ રાહ જોઉં છું. અને જો દરવાજો જ ખુલે તો ? અવિનાશ બોલ્યો એટલે હું કઈ સમજ્યો નહિ. શિખા ઉભી થઇ. પોતાની બાલ્કની નો દરવાજો ખોલી ને બહાર આવી અને બોલી અવિનાશ, જો તારી ઝુમખા વાળી. અને અવિનાશ અને શિખા બંને એક બીજા ને બસ જોતા જ રહ્યા અને ફાઈનલી એક મિનિટ સુધી અવાજ ન આવતા સિસ્ટમ એ કંટ્રોલ પોતાના હાથ માં લીધો અને સોન્ગ હતું " મેરે સામને વાળી ખિડકી મેં એક ચાંદ કે ટુકડા રહેતા હૈ.............

તો આ હતી શિખા અને અવિનાશ ની એક ક્યુટ લવ સ્ટોરી. અને હા અવિનાશ, ચકલી ,ખિસકોલી અને કાબર આવે છે દાણા ખાવા ના કે કોયલ, મારા IT વાળા પ્રેમી.

સ્ટે ટ્યુન ફોર મોર સચ ક્યુટ સ્ટોરીઝ.RJ શિખા સાઈનિંગ ઑફ ફ્રોમ હર બાલ્કની. સાઈઓનારા, ટેક કેર.


© આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com .