🤩 🌷 ખુશી - એક પોતીકી પરિભાષા
સોનાનાં પાંજરામાં પુરાયેલા પક્ષી માટે ખુશી ની પરિભાષા સ્વતંત્રતા હોય, રોટલા માટે મજૂરી કરતાં માણસ માટે ખુશી ની વ્યાખ્યા બે ટંકનું ભોજન હોય, પોતાનાં નિવસ્ત્ર બાળકો માટે પુરુ શરીર ઢાંકી શકે તેટલા કપડાં હોય... કોઈપણ પત્ની માટે ખુશી ની પરિભાષા પોતાનાં પતિનો જીવનભરનો પ્રમાણિક અને અર્થસભર સંગાથ હોય. પતિગમે તેટલી ગિફ્ટ આપતો હોય, વખાણ કરતો હોય પણ તેનામાં સંબંધ માટે નિષ્ઠા ન હોય, નિસ્વાર્થ લાગણીનો અભાવ હોય તો પત્ની ખુશ ક્યારેય નથી રહી શકતી. ઉપરછલ્લો સંવાદ કે ઉપરછલ્લી " દાખવેલી" કે "બતાવેલી" લાગણી, ઊભડક વર્ષ ગાંઠ અને એનિવર્સરીની ઉજવણી ત્યાં સુધી જ સાર્થક નીવડે છે જ્યાં સુધી "માનવતા" અને "સંવેદનશીલતાનુ " તત્વ બંને વચ્ચે જીવંત હોય છે. એકબીજા માટે અને એકબીજાનાં ઘરના સભ્યો માટે પણ. માણસ જેવો છે તેવો વર્તી શકે, માણસનાં વિચાર વાણી અને વર્તનમાં ઐક્ય હોય ,તેને થોડાંક લાભ માટે કૃત્રિમતાના વાઘા પહેરી પોતાના "સ્વ" તત્વને હાની પહોંચાડતો ન હોય, તે નિર્દોષ નિખાલસ અને દ્વેષ કપટથી રહિત હોય તો એ સુખી થોડો ઓછો હોય તોપણ દરેક પરિસ્થિતિમાં અંતરથી ખુશ ચોક્કસ રહી શકે છે.
દરેક સુખી માણસ સુખની અનુભૂતિ કરે જ છે.... એ કહેવું મુશ્કેલ છે.
સુખ હોવું અને સુખની અનુભૂતિ અંતરથી કરવી, અનુભવવી તે બંને અલગ વસ્તુ છે. લોકોની નજરમાં કોઈ વ્યક્તિ પાસે બધું જ સુખ છે કદાચ હોય પણ ખરું પણ ત્યાં માણસનો સ્વભાવ તેને નડી જાય છે. સ્વભાવમાં રહેલો 'અભાવ' તેને નડી જાય છે. સ્વભાવમાં રહેલો અસંતોષ ,સુખ ને પચાવી શકવાની તેની અક્ષમતા તને નડી જાય છે.
સાચો સુખી તે જ છે જે સુખને પચાવી શકે છે અને દુઃખમાં હિંમત હાર્યા વગર પોતાની આત્મા જોડે પ્રામાણિક રહીને ઝઝુમી શકે છે. ભલભલા ફિલોસોફરો નાનું મોટું દુઃખ જીવનમાં આવતા અસત્યનો, જૂઠાણાનો સહારો લઈ, ખોટાના પડખે ઉભા રહી જઈ, તેમાંથી બહાર આવવા શોર્ટકર્ટ્સ અપનાવી તરફડિયા મારતાં હોય છે. પણ પોતાની આત્માને નિર્લેપ રાખી, પોતાની જાત જોડે પ્રમાણિક રહી , સાચાં હોવ તો એકલાં ઊભા રહી ઝઝૂમી શકવાની હિંમત દાખવનાર જ સાચા સુખની અનુભૂતિ કરી શકે છે.
સાચી ખુશી આંતરિક છે. અને આપણે બહારની આડંબરથી ભરેલ વસ્તુઓમાં તેને શોધતાં રહીએ છીએ....
મરજીવા દરિયા ખુંદવા જાય અને જો ટોર્ચ લાઈટ સાથે ન રાખે તો મોતી ની પ્રાપ્તિ દુર્લભ છે. ભલે તમારાં રસ્તા , ધ્યેય સ્પષ્ટ હોય પણ આત્મા નું અજવાળું ન હોય,અંતર આત્માના અવાજની દીવાદાંડીને અનુસરવાની તમે હિંમત ન દાખવી શકતા હોવ, તો તમે સુખી થશો પણ સુખની અનુભૂતિ નહીં મેળવી શકો. કેટલી અઘરી સિચ્યુએશન હોય!!! રોટલી સામે પડી છે પણ તમે ખાઈ નથી શકતા કારણ કે વચ્ચે અહમની, દંભની દીવાલ છે. હિમાલયની ટોચ પર પહોંચ્યા પછી તમારામાં જીવંતતા હશે તેની સુંદરતા, તેની ભવ્યતા અનુભવવાની આંતરિક શક્તિ દ્રષ્ટિ હશે તો તમે તેને અનુભવી શકશો. બાકી સ્વેટર પહેરી, ઝંડો રોપી, થોડી સેલ્ફી લઇ નીચે ઉતરી આવશો.... ને વાહ-વાહી મેળવશો.. શું વાહવાહી મેળવવાથી તમે સુખી થઇ ગયા?? ચોક્કસથી નહીં. એ જ રીતે સફળતાની ટોચ પર પહોંચ્યા પછી તમે આંતરિક રીતે સમૃદ્ધ થયા હશો તો જ તેની ખુશી અનુભવી શકશો. અર્થપૂર્ણ સફળતા મેળવી શકશો.
તમે પોતાના સંપર્કમાં આવતાં માણસો, તે નજીકનાં સંબંધો હોય કે માત્ર સંપર્કમાં આવતાં હોય એવાં વ્યક્તિઓને શાબ્દિક, અશાબ્દિક કે વર્તનથી દુઃખી કરી તેમને છેતરી,દગો દઈ કે તેમની આત્માને દુઃખી કરી પોતે જો સફળ થયા હોવ તો એ શક્ય જ નથી કે તમે ખુશી અનુભવો. જીવન એક રીફ્લેક્શન છે. તમે જે અનુભવો છો તે તમારા કર્મોનું રીફ્લેક્શન છે. જેવું આપો છો તેવું જ રિફ્લેક્શન મેળવો છો. ખુશી વહેચવાથી વધે છે બસ એવું જ. દુઃખ વહેચવાથી ઘટે છે એ સાચું પણ પોતાનું જ દુઃખ વહેંચ્યા કરો એવું નહીં ક્યારેક કોકના દુઃખમાં પણ ભાગ પડાવો. તમે તેનું દુઃખ ભલે દુર ના કરી શકો પણ તેના દુઃખને સંવેદી શકો ,અનુભવી શકો, હાથમાં હાથ પકડી 'હું છું તારી સાથે' પૂરા મનથી કહી શકો. તેને મોરલ સપોર્ટ સતત આપી શકો તો તે તમારા કર્મોનું જમા પાસું છે. હા તેમાં પણ "મેં મારી જમા પાસાની ચેકબુક ફુલ કરવા આવું કર્યું" તેનો હિસાબ ન રાખતા. 'મેં કર્યું' તેવો ભાવ ના રાખતાં.
જે કર્મમાં અકર્મને અને અકર્મમા કર્મને જાણે છે તે જ સાચો જ્ઞાની છે.
આ ગીતાનાં વિધાનના કેટલાં ગહન અને ઊંડા અર્થ છે. તેને જો થોડો પણ આત્મસાત કરી શકીએ તો સાચાં અર્થમાં સુખની અનુભૂતિ કરી શકાય. બાકી બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે. આ જગતમાં પ્રશંસા અને પૈસા બે જ મળે છે સુખ તો જાતે કમાવવું પડે છે કર્મોથી.
ચોધાર આંસુએ રડી પડ્યું સુખ
મારી દ્વિધાને તું વિસારે ન પાડ એ ખુશી...!!!
ખુશીએ સ્થિતપ્રજ્ઞ થઈને કહ્યું...
"સસ્તુ સુખ મને ગમતું નથી.... ખુશી અનુભવવા તો તારે ભીતરથી સમૃદ્ધ થવું પડશે...."
મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ