Momentary happiness in Gujarati Short Stories by જયદિપ એન. સાદિયા books and stories PDF | ક્ષણિક સુખ

Featured Books
Categories
Share

ક્ષણિક સુખ

[ અસ્વીકરણ ]
" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "

************

થોડાંક અમથા સુખ માટે આપણે આજીવન મોટા દુઃખ ને જાણે અજાણે આમંત્રણ આપી દેતાં હોઈએ છીએ.
કંઈક આવું જ બન્યું મીત સાથે.....

મધ્યમ વર્ગ પરિવાર માં ઉછેર થયેલાં રાકેશભાઈ અને શીતલ બેન નો એક નો એક દીકરો મીત. પહેલેથી ભણવામાં ખૂબ હોંશિયાર, સ્વભાવે લાગણીશીલ અને નિખાલસ, આદરભાવ અને વડીલો પ્રત્યે માન તેને સંસ્કાર માં જ મળ્યું હતું.

મીત એ MBBS નું શિક્ષણ લઈ પોતાની જ ડિસ્પેન્સરી શરૂ કરી, વાણી વર્તન એ ખૂબ સારો એટલે તેની દાક્તરી પ્રેક્ટિસ ખૂબ સફળ જઈ રહી હતી. જોત જોતાં માં દોઢ વર્ષ વહી ગયાં અને મીત માટે તો સામે થી લગ્ન માટે પ્રસ્તાવ આવવાં લાગ્યા.

બે - ચાર પ્રસ્તાવો માં એક કન્યા ધ્યાન માં આવી અને વાતચીત આગળ વધી અને જોતજોતામાં મીત અને કોમલ ની સગાઈ થઈ ગઈ.

કોમલ ખૂબ આદરભાવ, પરિવાર પ્રત્યે ખૂબ જવાબદાર અને સૌથી ખૂબજ કાળજી લેનાર એવી કન્યા મીત ને મળી ગઈ જેની ખુશીમાં બંને નાં પરિવાર ખૂબ ખુશ હતાં. કોમલ પણ પોતાનું MBA કરી એક પ્રાઇવેટ કંપની માં નોકરી કરતી હતી.

સગાઈ નાં સાત મહિના બાદ મીત અને કોમલ નાં ખૂબ ધૂમ ધામ થી લગ્ન થયાં. બન્ને પોતાની જવાબદારી અને કર્યો પ્રત્યે એટલાં સમજદાર કે ના પૂછો વાત..! એકબીજાં પ્રત્યે ભરપૂર પ્રેમ અને કાળજી રાખતાં હતાં.

એક દિવસ મીત ને અન્ય ડોક્ટરો ની મુલાકાત અર્થે બહાર જવાનું થયું, પાછા ફરતાં મુસાફરી દરમિયાન એક યુવતી સાથે પરિચય થયો, થોડી વાત ચીત થઈ એક હોટલ માં બંને રોકાયા. બંને એ સાથે ડિનર લીધું અને બંને વચ્ચે સંવેદનશીલ માહોલ માં શારીરિક સંબંધ બંધાયો.

સવારે જ્યારે મીત જાગ્યો આજુબાજુ જોયું તો પેલી યુવતી તો નહોતી પણ એક પત્ર છોડતી ગઈ હતી. મીત એ તરત એ પત્ર ખોલ્યો અને વાંચ્યું.

મીત ની આંખો ફાટી ગઈ જાણે પગ નીચે થી ધરતી સરકી ગઈ હોય એવું લાગ્યું. એ પત્ર માં લખ્યું હતું, " આપનું HIV ve પરિવાર માં હાર્દિક સ્વાગત છે."

મીત ખૂબ જ ડરી ગયો ઘરે આવી ને તેને થોડાં દિવસો સામાન્ય રહેવાનો પ્રયત્ન કર્યો પણ આખરે ના રહી શક્યો, કોમલ ને આ બાબતે બધી વાત કરી.

કોમલ ખૂબ નારાજ થઈ અને કહ્યું " મેં કોઈ દિવસ આપણાં અંગત જીવનમાં ક્યારેય ના પાડી છે..? શું મેં રસ નથી બતાવ્યો..? શું મેં તમને ખુશ નથી રાખ્યા...? તમે મારાં સાથે આવું કેમ કર્યું..? મને આપણાં સુંદર લગ્નજીવન નું અભિમાન હતું માત્ર આટલું જ નહીં મને તમારું ખૂબ અભિમાન હતું, મારી બધી બહેનપણી માં સૌના પતિ કરતાં મારો મીત સૌથી અનોખો છે સૌ એના દુઃખ ગાતી પણ મારે તો તમારાં જોડે સદાય સુખ હતું બધી વાતો માં.તમે આજે મારો વિશ્વાસ મારું અભિમાન અને તમારાં પ્રત્યે મારો પ્રેમ સાથે સાથે સ્પર્શ તોડયો છે. "

કોમલ ને રડતાં જોઈ મીત પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને કહ્યું," કોમલ, તે કોઈ ખામી કે કોઈ કસર બાકી નથી રાખી હું ખબર નહિ કેમ આમાં આવી ગયો મને મારી ભૂલ ની સજા મારાં કર્મ એ આપી છે મને ખૂબ પસ્તાવો છે તું મને આજીવન માફ નહીં કરે હું જાણું છું પણ તું મારી સાથે રહેજે નહિતર હું હવે ની જીંદગી જરાય નહીં જીવી શકું...".

વર્ષો વીતી ગયાં છે, કોમલ અને મીત બંને એક સમયે જે સુંદર જીવન જીવતાં હતાં આજે બંને એક સમજૌતા ભર્યા જીવન ની સફર ખેડી રહ્યાં છે જ્યાં નથી પ્રેમ, લાગણી કે નથી હેત કે કોઈ હરખ બસ છે તો માત્ર એક મૌન.... માત્ર મૌન.

સારાંશ :

આપણે કોઈ વિષય માં ક્ષણિક સુખ ની લાલચ માં આજીવન નું દુઃખ ખરીદી લઈએ છીએ જે માત્ર ભૂલ કરનાર જ નહીં તેની સાથે જોડાયેલા તમામ લોકો પણ વગર વાંકે ભોગવે છે.
ગુસ્સો, આવેશ, લાગણી અને હરખ માં ક્યારેય ભાન ભૂલવું ના જોઈએ જેથી જ્યારે વાતાવરણ સ્વસ્થ થાય ત્યારે તેની સાથે આપણે પણ પહેલાં ની જેમ જ સ્વસ્થ હોઈએ.

જયશ્રી ક્રિષ્ના,

આપનો કિંમતી સમય કાઢી મારી વાર્તા વાંચવા બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. આપને આ વાર્તા કેવી લાગી ? એ વિશે આપનો પ્રતિભાવ આપ મને Rate & Comment દ્વારા આપી શકો છો. આપનો પ્રતિભાવ મને લેખન માટે પ્રેરણા આપશે.

આભારસહ,

સહસ્નેહ આપનો,
જયદીપ એન. સાદિયા "સ્પર્શ"

****** સમાપ્ત ******