Aage bhi jaane na tu - 19 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 19

The Author
Featured Books
Categories
Share

આગે ભી જાને ના તુ - 19

પ્રકરણ - ૧૯/ઓગણીસ

ગતાંકમાં વાંચ્યું.....

ખીમજી પટેલ વ્યવસાયિક કામ અંગે વડોદરા આવે છે જ્યાં અનાયાસે એમની મુલાકાત વલ્લભરાય પારેખ સાથે એમની પેઢી પર થાય છે. ખીમજી પટેલ વલ્લભરાયને કમરપટ્ટા અંગે પૂછપરછ કરે છે પણ વલ્લભરાય પોતાની પાસે કમરપટ્ટો હોવાનો ઇનકાર કરે છે. ખીમજી પટેલના પરત જતાં પેઢીએ લાજુબાઈ આવે છે અને વલ્લભરાય એને સાંજે ખીમજી પટેલને મળવા જવાના હોવાનું કહે છે....

હવે આગળ......

"આટલી સુરક્ષિત જગ્યાએ મુકેલો કમરપટ્ટો આખરે ગયો ક્યાં"? કોણે ચોર્યો હશે?" લાજુબાઈને લાગેલા જોરદાર ઝટકાની કળ ધીમે ધીમે વળી રહી હતી. " આટલા વર્ષોમાં નથી વલ્લભશેઠ વડોદરા છોડીને ક્યાંય ગયા કે નથી એમના ઓરડામાં કોઈ બહારી વ્યક્તિ આવી, તો પછી.....આખરે.....," વિચારોમાં અટવાયેલી લાજુબાઈને વલ્લભરાયે હાક મારી.

"લાજુબાઈ... ઓ.... લાજુબાઈ..., ક્યાં ખોવાઈ ગયા, મેં જમી લીધું છે, આ ટિફિન લેતા જાઓ અને ઘરે જઈને નિર્મળાને કે'જો મને સાંજે ઘરે આવતા મોડું થશે. હું ક્યાં જવાનો છું એ તમારા સિવાય કોઈ જાણવું પણ ના જોઈએ, સમજ્યા, તમે ઘરે જાઓ હવે," ટીફીનની થેલી લાજુબાઈને હાથમાં પકડાવી વલ્લભરાય પાછા ગલ્લે ગોઠવેલી ગાદીએ બેસી ગયા.

"જી....શેઠ... બસ એક વાતનુ ધ્યાન રાખજો કે માલિકનો બહુ ભરોસો નહીં કરતા, એમના સ્વભાવની ખબર હોવાથી જ તો એમને જોઈને પણ અજાણી બની એમને બોલાવ્યા નહીં, જો બોલાવત તો ભગવાન જાણે એ મારા શું હાલ કરત? સાચવજો શેઠ, અમે રહ્યા નાના માણસ, નાના મોઢે મોટી વાત ન કરી શકાય," લાજુબાઈ ટિફિનની થેલી લઈ પાછી ઘરે જવા નીકળી.

થોડેક આગળ ગયા પછી લાજુબાઈને લાગ્યું કે કોઈ એમનો પીછો કરી રહ્યું છે, પાછળ વળીને જોયું પણ કોઈ દેખાયું નહીં એટલે એ ચાલવા લાગી પણ હજી કોઈ એની પાછળ પાછળ આવતું હોય એમ લાગતાં એ ઝડપભેર ઘર તરફની ગલીમાં વળી ગઈ.

"કોઇ મારો પીછો કરી રહ્યું હતું એ મારો ભરમ હતો કે ખરેખર કોઈ હતું" મનોમન વિચારોમાં વિચરતી લાજુબાઈ ક્યારે ઘરે પહોંચી ગઈ ખબર જ ન પડી. દરવાજો ખખડાવ્યા બાદ નિર્મળાએ દરવાજો ખોલ્યો અને લાજુબાઈએ અંદર જઈ ગભરાટમાં બહાર જોયા વગર જ દરવાજો બંધ કરીને કડી મારી દીધી. દરવાજો બંધ કરતાં પહેલાં જો એણે એકવાર બહાર જોયું હોત તો પણ એ ન જોઈ શકી હોત કે ઘરની સામેના કેરીના ઝાડની પાછળ કોઈ છુપાઈને એની હિલચાલ પર નજર રાખી રહ્યું હતું. કોઈ પીછો કરતું હતું એ કોઈ ભરમ નહીં પણ હકીકત હતી અને જો લાજુબાઈએ પીછો કરનાર વ્યક્તિનો ચહેરો જોયો હોત તો એના પગ તળેથી જમીન સરકી જાત.

આખો દિવસ વીતી ગયો, સાંજ થવાની શરૂઆત થઈ ગઈ હતી. સ્વચ્છ નિલવર્ણ આકાશ કેસરિયા રંગછટાની આભાથી સજી રહ્યું હતું. અંધકારના ઓળા ધરતી પર ફરી વળે એના પહેલાં બજારમાં ખરીદી કરવા આવેલા રાહદારીઓ ઘરે પાછા ફરવાની ઉતાવળમાં હતા. રસ્તા પર ભીડનું સ્થાન ભેંકારે લેવાનું શરૂ થઈ ગયું હોય એમ જાણી વલ્લભરાય નોકરને રજા આપી પેઢીને અંદર-બહારથી બરાબર ચકાસી, પેઢી વધાવી, લાકડાનો મોટો દરવાજો વ્યવસ્થિત બંધ કરી તાળું મારી બહાર લોખંડની જાળીવાળા દરવાજે તાળું મારી, ખીમજી પટેલે કહેલા સરનામે જવા દુકાનની વિરુદ્ધ દિશામાં પગ ઉપાડ્યા. વલ્લભરાયના ચહેરા પર પરસેવાની સાથે ગભરાટ પણ રેલાઈ રહ્યો હતો. થોડી થોડીવારે પાછળ વળી કોઈ પીછો તો નથી કરતુંને એ જોઈ લેતા હતા. થોડે આગળ જઈ ચાર રસ્તા પર આવી એમણે એક ટાંગો રોક્યો અને ટાંગામાં બેસી ટાંગાવાળાને સરકારી ગેસ્ટહાઉસ તરફ લઈ જવા કહ્યું. ટાંગાવાળાએ ઘોડાને એ દિશામાં વાળ્યો.

લગભગ દસેક મિનિટ પછી ગેસ્ટહાઉસ આવી જતાં વલ્લભરાય પૈસા ચૂકવી, રૂમાલથી પરસેવો સાફ કરતા કરતા ટાંગામાંથી નીચે ઉતરી ગેસ્ટહાઉસના ગેટ પાસે પહોંચ્યા. હવે એમની ચાલ પણ ધીમી પડી ગઈ હતી. આમતેમ જોતા જોતા વલ્લભરાય ખીમજી પટેલ રોકાયા હતા એ રૂમના દરવાજે આવી દરવાજો ખટખટાવવા હાથ ઊંચો કર્યો.

"વલ્લભશેઠ, દરવાજો ખુલ્લો જ છે. મારી જેમ એ પણ તમારા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. સ્હેજ ધક્કો મારીને દરવાજો ખોલીને અંદર આવી જાઓ," વલ્લભરાય ખીમજી પટેલની સૂચનાનું પાલન કરી દરવાજો ખોલી અંદર ગયા ને જોયું તો ખીમજી પટેલ પલંગમાં બેસી બીડી પી રહ્યા હતા.

"બેસો શેઠ, આ ખુરશીમાં," ખીમજી પટેલે ઉભા થઈ લાકડાની ખુરશી આગળ કરી ને વલ્લભરાય ગભરાતા ગભરાતા એમાં બેઠા," અરે.... શેઠ ડરો નહીં, હું તમને ખાઈ નહીં જાઉં. મને તો બસ મારા પ્રશ્નોનો સાચેસાચો જવાબ જોઈએ છે અને મારી તરાનાનો કમરપટ્ટો પાછો મળી જાય એટલે હું અહીંથી જતો રહીશ."

"ખીમજી પટેલ, હું હજીપણ સાચું જ કહું છું કે એ કમરપટ્ટો મારી પાસે નથી. તમને એમ લાગે છે કે રાતોરાત વેજપર છોડી અમે અહીંયા કેમ આવ્યા તો સાંભળો. આઝમગઢથી રાજા ઉદયસિંહે તમને શોધવા સિપાહીઓ મોકલ્યા હતા. એમને શંકા હતી કે તમે વેજપરમાં સંતાયા છો. એમના ભાઈ અર્જુનસિંહની મોતનો બદલો લેવા માંગતા હતા. અમારી સાથે સાથે લાજુબાઈની સલામતી પણ જોખમમાં હતી એટલે નાછૂટકે અમારે વેજપરથી અહીંયા વડોદરા આવવું પડ્યું અને બીજી વાત, તરાનાનો કમરપટ્ટો ત્યારે મારી પાસે હતો એ વાત સાચી પણ, અહીં આવ્યા પછી કેટલાક મહિનાઓ પછી તરાનાનો કમરપટ્ટો જે પેટીમાં મુક્યો હતો એ પેટી જ ચોરાઈ ગઈ. મને પોતાને ખબર નથી આખરે એ કમરપટ્ટો મારી તિજોરીમાંથી ચોર્યો કોણે?" વલ્લભરાયે હકીકત કહી સંભળાવી.

"એમ કેમ બને શેઠ, વર્ષો સુધી તમારી સાથે કામ કર્યું છે, અને તમારી તિજોરી કેટલી મજબૂત અને સુરક્ષિત છે એની જાણ મને પણ છે શેઠ. ચોરીની વાત મને અપચો કરાવે છે. હજીય કહું છું કે બધું સાચેસાચું બકી દયો તો અહીંથી સહીસલામત ઘેર પહોંચશો નહીંતર......." ખીમજી પટેલમાં રહેલો આમિર અલી જાગી ગયો હતો અને હવે એ ધમકીની ભાષા બોલવા લાગ્યા હતા.

"પ...ટે....લ.... વેજપરમાં તરાનાનો કમરપટ્ટો ચોર્યો એ માટે હું તમારી માફી માંગુ છું પણ હવે એ કમરપટ્ટો મારી પાસે નથી અને હું કેવી રીતે જાણું કોણે ચોર્યો ને શા માટે? પટેલ .... મારો વિશ્વાસ કરો," વલ્લભરાય હાથ જોડી કરગરી રહ્યા હતા.

"હા...હા...હા....હા...., શેઠ ચાલાકી નહીં, કમરપટ્ટો આપી દયો એટલે તમેય છુટ્ટા ને હુંય છુટ્ટો. પછી તમે કોણ ને હું કોણ," ખીમજી પટેલે વલ્લભરાયની ગરદન પકડી લીધી.

"આ.....આ....શું....કરો....છો...? પટેલ, મારી વાત માનો, માતાજીના સોગંદ ખાઈ કહું છું એ કમરપટ્ટો હવે મારી પાસે નથી. છોડી દયો... મને જવા દયો," શેઠને પોતાના હાથ પગ ઢીલા પડી જતા લાગ્યા. "આટલા વર્ષોમાં નથી હું ક્યાંય ઘર છોડીને નથી ગયો કે નથી મારા ઓરડામાં મારી પરવાનગી વગર કોઈ આવતું. પટેલ આટલા વર્ષો મારી સાથે કામ કર્યું છે તો ભરોસો પણ કરો," વલ્લભરાયનો અવાજ ભરાઈ ગયો.

ખીમજી પટેલે વલ્લભરાયની ગરદન પરથી હાથ હટાવી લીધો, વલ્લભરાય પડતા પડતા રહી ગયા અને ખુરશીમાં પાછા બેસી ગયા.

"જાઓ.... શેઠ.... ઘરે પાછા જાઓ.... મોડું થશે તો શેઠાણી ક્યાંક પોલીસમાં ફરીયાદ ના નોંધાવી દે તમારા ગાયબ થવાની... તમને પંદર દિવસની મહેતલ આપું છું ગમે ત્યાંથી મને તરાનાનો કમરપટ્ટો લાવી આપો નહીંતર તમારી સાથે તમારા પરિવારની સલામતીનો પણ વિચાર કરી લેજો....," ક્રોધિત થઈ ખીમજી પટેલે છેલ્લી ચેતવણીરુપ ધમકી આપી.

"હું મારાથી બનતી કોશિશ કરીશ....પટેલ... " કહી આગળ-પાછળ જોયા વગર પડતા આખડતા વલ્લભરાય દરવાજો ખોલી રીતસર દોડીને મેન રોડ પર આવ્યા અને એક ખાલી ટાંગો દેખાતા ટાંગાવાળાને રોકી એમાં બેસી ગયા અને પાછા ઘરે આવ્યા.

"આજે બહુ મોડું થયું તમને," વલ્લભરાયે ઘરમાં પગ મુકતા જ નિર્મળાએ સવાલ કર્યો.

"હમમ... આજે મુંબઈથી એક વેપારી આવ્યા હતા એમની જોડે બેઠક હતી. એમને આપણી પાસેથી એમની દીકરીના લગ્ન માટે કેટલાક નવી ડિઝાઇન કારીગરીવાળા દાગીના જોઈએ છે એટલે એમની સાથે બેસી બધી ચર્ચા કરી એમાં મોડું થઈ ગયું," બોલતાં બોલતાં વલ્લભરાયનો સ્વર થોડો થોથવાઈ ગયો, "લાજુબાઈ પાણી આપજો ને પીવા માટે" વલ્લભરાય અને લાજુબાઈની આંખો સામસામે મળી એટલે લાજુબાઈની આંખોમાં ઉઠેલા પ્રશ્નોનું નિરાકરણ વલ્લભરાયે પોતાની આંખોના ઈશારે આપી દીધું. લાજુબાઈ પાણી લેવા રસોડામાં ગઈ.

"પણ... આજે તમારા ચહેરા પર મને ભય કેમ દેખાય છે, કાંઈ થયું છે પેઢીમાં, ધંધામાં કોઈ નુકસાન, નોકર સાથે ચણભણ?" નિર્મળાએ જાણે વલ્લભરાયની ચોરી પકડી પાડી હોય એમ સીધો સવાલરૂપી વાર કર્યો.

"ના....ના.... નિર્મળા, એવું કાંઈ જ નથી બન્યું અને આ ચહેરા પર ભય નહીં પણ થાક છે. તનેય કેવા કેવા વિચારો આવે છે?" વલ્લભરાયે નિરથર્ક હસવાનો પ્રયત્ન કર્યો અને નિર્મળાએ આગળ કંઈ પૂછવાનું યોગ્ય ન લાગતાં મોઢું ખોલવાનું માંડી વાળ્યું.

"શેઠ... જમવાની થાળી કાઢી રાખી છે," લાજુબાઈએ વલ્લભરાયને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું.

"લાજુબાઈ, આજે ઘણું મોડું થઈ ગયું છે તો તમે તમારા ઓરડામાં જઈ આરામ કરો. હું કામ પતાવી દઈશ. હવે કાંઈ વધારે કામ નથી. જમનાને પણ ઊંઘ આવતી હશે કયાંક એ તમારી રાહ જોતી જોતી સુઈ ના ગઈ હોય," નિર્મળાના દયાળુ સ્વભાવે લાજુબાઈ અને જમના બંનેને પારકામાંથી પોતીકા કરી લીધા હતા અને એ બંને નિર્મળાનો પડ્યો બોલ ઝીલતા હતા.

"ભલે...." કહી લાજુબાઈ પોતાના ઓરડામાં આવી ગઈ.

"આખરે, શેઠ અને માલિક વચ્ચે શું વાત થઈ હશે. શેઠાણીબાની જેમ મને પણ એમના ચહેરા પર ડર તો દેખાયો જ હતો પણ હમણાં શેઠને કાંઈ પૂછવું નથી," મનોમન વિચારતી વિચારતી લાજુબાઈ જમનાને માથે હાથ ફેરવતી ફેરવતી સુઈ ગઈ.

"કહું છું....સાંભળો છો...," નિર્મળાએ વલ્લભરાયને થાળી આપી પોતે એમની સામે બેસી ગઈ, " પરમદિવસે આપણો અનંત બરાબર ત્રણ મહિના પછી ઘરે આવી રહ્યો છે. હું શું કહું છું, હવે એને કામ અંગે બહારગામ મોકલવાનું બંધ કરો, આ વર્ષે એના લગ્ન લેવા છે. સારી છોકરી જોઈ પરણાવી દઈએ. ભગવાન પાસે એટલુંજ માંગુ છું કે એના સુખી સંસારમાં ઠરીઠામ થાય અને આપણો ધંધો આગળ વધારે અને સાથે સાથે આપણા ખાનદાનનું નામ પણ....," નિર્મળાએ એક માં સહજ ઈચ્છા વ્યક્ત કરી.

"સાચી વાત છે તારી.... હવે એનો સંસાર માંડવાનો સમય આવી ગયો છે. આ વખતે અનંત પાછો આવે એટલે એના માટે સારી છોકરી શોધવાનું શરૂ કરી દઈએ," વલ્લભરાયે જમતાં જમતાં નિર્મળા સાથે ચર્ચા કરી અને જમીને હાથ મોઢું ધોઈ બહાર આવી બેઠા. નિર્મળા પણ કામ પરવારી બહાર આવી વલ્લભરાયની બાજુમાં બેસી ગઈ. બંનેએ અનંતના લગ્ન અને ભવિષ્યના સપના જોવા શરૂ કરી દીધા પણ અનંતના આવ્યા પછી ભવિષ્યમાં શું અઘટિત બનવાનું હતું એ જોવાનું સામર્થ્ય નિર્મળા અને વલ્લભરાયમાં નહોંતુ. આવનારી આંધીથી અજાણ નિર્મળા અને વલ્લભરાય આવનારા દિવસોના સોનેરી સપના અને મંગળ કામનાની પ્રાર્થના કરતા બંને પોતાના રૂમમાં જઇ સુઈ ગયા.

વધુ આવતા અંકે....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.