Asamanjas.... - 4 in Gujarati Love Stories by Rohiniba Raahi books and stories PDF | અસમંજસ.... - 4

Featured Books
Categories
Share

અસમંજસ.... - 4

આગળ જોયું કે કનક પોતાની લાગણી છુપાવી પોતાના કામમાં મન પરોવવાની કોશિશ કરે છે. છતાં કેટલીક વાતો તેના મનને વ્યથિત કરી જાય છે.

થોડા સમય માટે તે પોતાના અતીતને વાગોળવા લાગે છે.

કનકને ઘરમાં કોઈ પણ છોકરા સાથે મિત્રતા તો દૂર પણ દૂરથી વાત કરવાની પણ મનાઈ હતી. કનકને એ વાતની કોઈ ચિંતા નહતી, કારણ કે કોલેજમાં તેણે એડમિશન લીધું ત્યારથી કોઈ જ છોકરા સાથે તે વાત કરતી નહિ. કોઈ છોકરો પણ તેની તરફ જોવે નહિ. કારણ કે કનક શ્યામરંગી અને ચશ્માવાળી હતી. તેની બહેનપણીઓ જેટલી સુંદરતા તેનામાં ન હતી. તેથી તેને બોલાવે પણ નહીં. કનકને એક વાતથી શાંતિ હતી કે ઘરમાં જે વાતની મનાઈ છે એ ક્યારેય તૂટે નહિ. એ હમેશા વાંચવા લખવામાં જ સમય પસાર કરતી. પણ કહેવાય છે ને કે સમય જેટલું બળવાન કોઈ ન હોઈ શકે. કનક સાથે પણ કંઈક આવું જ બન્યું.

એકવાર તેને નક્ષિત મળે છે. તે કનકની દરેક પ્રવૃત્તિથી અવગત હતો. અવગત જ નહીં પણ નક્ષિત કનકને જેટલી સારી રીતે ઓળખે છે એટલી જાણકારી કનકને સુધ્ધાં પણ નથી હોતી. અલબત્ત નક્ષિત તો કનકની દરેક પ્રવૃત્તિમાં તેની સાથે રહેવા મથતો. નક્ષિત નહતો જાણતો કે તેના મનમાં કનક માટે શું ભાવ છે. પણ તે કનક સાથે રહેવામાં ખુશી જ અનુભવતો. કનક પણ તેની મદદ કરવાની વૃત્તિથી ખુશ થતી. નક્ષિત તેની સાથે હોય તો તેને કોઈ જાતનો ડર રહેતો નહિ.

નક્ષિત દેખાવે સારો ઉજળો હતો. વણિક પરિવારનો સપૂત હતો. અને તે કનકને મનોમન ચાહવા લાગ્યો હતો. એ શ્યામરંગી ચેહરો હમેશા પોતાને આકર્ષતો હોય એવો અનુભવ થતો. પણ એ જાણતો ન હતો કે આ ચાહત તેને કદાચ ઘણી તકલીફ આપવાની છે.

" કનક તું આટલી સાદી કેમ રહે છે?" - વાત વાતમાં નક્ષિત કનકને પૂછે છે.

" બસ મને કોઈ ખાસ શોખ નથી." - સહજતાથી જ કનક જવાબ આપે છે.

" પણ તું ગાય ત્યારે તારો અવાજ તો ક્લાસિકલ અને કોયલ જેવો સુંદર અને મધુર છે."

" તે ક્યારે સાંભળ્યું.?" - વિસ્મય પામતા કનક આંખો નાની કરીને પૂછે છે.

" તે સોલો સિગિંગમાં પાર્ટીસીપેટ કર્યું હતું ત્યારે."

" પણ મેં તો આ વર્ષે સ્પર્ધામાં ભાગ લીધો જ નથી."

" ગયા વર્ષે."

" એટલે તું મને ગયા વર્ષથી ઓળખે છે એમ?" - કનકની આશ્ચર્યતા તેની આંખોમાં સ્પષ્ટ દેખાય આવે છે.

" હા, ત્યારે તારો અવાજ સાંભળતા સાંભળતા ત્યાં તારી સુધી આવેલો અને ત્યારે પહેલી વાર જ તને જોઈ હતી. અને પહેલી નજરે જ..." - નક્ષિત એકાએક કંઈક કહેતાં અટકી જાય છે.

" શું ? "

" કંઈ નહીં "

" અરે બોલ..શું કહેતો હતો.?"

" કહીશ તો તું ક્યારેય મને બોલાવે નહિ તો..."

" તું નહિ કહે તો સાચે નહિ બોલાવું."

" કનક જો આજે કહી દઉં છું. મને નથી ખબર કે એ પછી તારું વર્તન મારા પ્રત્યે કેવું હશે. છતાં કહું છું."

" હા હા બોલ.."

" આઈ લવ યુ" - અવાજમાં ડર અને આંખો બંધ કરીને નક્ષિત બોલી દે છે.

કનક એકાએક સ્તબ્ધ થઈ ગઈ. તેનાથી કંઈ બોલાયું નહિ. એનો અવાજ રૂંધાય ગયો. શું કહેવું શું ન કહેવું એને સમજાયું નહીં. કંઈ પણ જવાબ આપ્યા વગર એ ઘર તરફ દોડી ગઈ. તેણે કોઈ પણ જાણ વગર કોલેજમાં રજા પાડી દીધી. ત્રણ દિવસ તે કોલેજ ન ગઈ.


શું કનક અને નક્ષિત ફરી મળશે?...

જોઈશું આગળના ભાગમાં

ક્રમશઃ....

★ દર્શાવેલ પાત્ર, ઘટના, સંવાદ અને પરિવેશ કાલ્પનિક છે.★