Losted - 45 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 45

Featured Books
Categories
Share

લોસ્ટેડ - 45

લોસ્ટેડ 45


રિંકલ ચૌહાણ


રાજેશ ભાઈ નો અવાજ સાંભળી હેતલબેન ગુસ્સે ભરાયાં, દરવાજો ખોલી એક અંગાર ઝરતી નજર એમણે રાજેશ ભાઈ પર નાખી, એકાદ મીનીટ માટે તો રાજેશ ભાઈ પણ ગભરાઈ ગયા.


"તું ચિંતા ન કર હેતલ, હું આવી ગયો છું ને. મને જેવી ખબર પડી કે એક છોકરી આપણા ઘરે આવી ને તમને બધાય ને જબરદસ્તી લઈ ગઈ ત્યારે હું સમજી ગયો હતો કે આ છોકરી સિવાય આવી નીચ હરકત કોઈ ન કરી શકે. ઈ. સાહેબ અરેસ્ટ કરી લો આને.." રાજેશ ભાઈ એ આધ્વીકા તરફ આંગળી ચીંધી.
"મિ. ચૌધરી, મહેરબાની કરીને તમે તમે હાલ અહીં થી જાઓ." આધ્વીકા એ તેની જગ્યા પર ઊભા ઊભા જ કીધું.
"ઈ. તમે તમારી નજરે મારા પરિવાર ને અહીં જોયો ને? તો તમે રાહ શેની જુઓ છો. અરેસ્ટ કરી લો આ છોકરી ને." રાજેશ ભાઈ આધ્વીકા ની વાત તરફ ધ્યાન આપ્યા વગર જ ઘરમાં દાખલ થયા.


"થોભી જાઓ, આધ્વીકા અમને અહીં જબરદસ્તી નથી લાવી, અમે ત્રણેય અમારી મરજી થી આવ્યા છીએ. તમને વિશ્વાસ ન આવતો હોય તો પુછી લો બન્ને છોકરાઓને..." હેતલબેન એ રાજેશ ભાઈ તરફ એજ અંગાર ઝરતી નજરે જોઈ ને કીધું.


રાહુલ અને રયાન એ હેતલબેન ની વાત માં હામી ભરી.


"તારું મગજ તો ઠેકાણે છે ને હેતલ? તું આ છોકરી ને બચાવવા માંગે છે?" પોલીસ ના જતા જ રાજેશ ભાઈ નો પિત્તો ગયો.


"તમે મારા બાળકો ને મારા થી દુર કેમ રાખ્યાં? તમારી પોતાની સંતાન ને બંધક બનાવતા તમને લાજ ન આવી, માત્ર અને માત્ર તમારા કારણે મારી મીનું આજ આપણી વચ્ચે નથી... જવાબ આપો મને રાજેશ...." હેતલબેન એ રાજેશ ભાઈ ને કોલર થી પકડી ને હચમચાવી નાખ્યાં.


"શું બકવાસ કરે છે તું? તને ભાન છે તું શું બોલી રહી છે?" રાજેશ ભાઈ ગભરાઈ ગયા હતા.


"હા, મારી દિકરી ને એ નરાધમો એ મારી છે પણ એની મોત પાછળ સૌથી મોટો હાથ તમારો હતો, તમે એને બંધક ન બનાવી હોત તો આજ એના ગુનેગારો જેલ માં અને મીનું અહીં આપણી વચ્ચે હોત.... તમે બાપ ના નામ પર કલંક છો કલંક."


"હેતતતતતતલ....." રાજેશ ભાઈ ગુસ્સા માં હેતલબેન પર હાથ ઉઠાવવા જતા હતા પણ તેમનો હાથ હવા માં રોકાઈ ગયો, બધા લોકો એ મિતલ સામે જોયું, તેની આંખો માંથી લાય વરસી રહી હતી. એક ઝાટકા સાથે રાજેશ ભાઈ ઊપર ઊઠ્યા અને નીચે પછડાયા.


"મારી માં ઊપર હાથ ઉગામવાની હિંમત કઈ રીતે થઈ તમારી, એ હાથ ને હું જડ માંથી ઉખાડી નાખીશ જે હાથ મારી માં ઊપર ઊઠશે." મિતલ ભયાનક રુપ લઈ ચુકી હતી.


"મિતલ રોકાઈ જા, આ ભુલ ન કર મિતલ...." ત્યાં હાજર બધા જ લોકો મિતલ ને આ બધું ન કરવા માટે વિનંતી કરી રહ્યા હતા.


"મિતલ???? તમે બધા કોની સાથે વાત કરી રહ્યા છો?" રાજેશ ભાઈ અચાનક બનેલી ઘટના થી શોક્ડ થઈ ગયા હતા. અચાનક જ રાજેશ ભાઈ એ હેતલબેન ઊપર ઊગામેલો હાથ તેની જાતે ઊંધી દિશામાં વળવા લાગ્યો. રાજેશ ભાઈ હવે ઘણી હદે ગભરાયા હતા, તેમનો હાથ સામાન્ય થી વધારે વળી રહ્યો હતો, ધીરે ધીરે પાછળ ની બાજુ વળી રહેલો હાથ‌ એક કડાકા સાથે નિશ્ચેત બની ગયો.


બધા લોકો રાખ ના ઘેરામાંથી બહાર આવી ચુક્યા હતાં, પરંતુ ત્યાં થી કોઈ આગળ નહોતું વધી શકતું. એક અદ્રશ્ય દિવાલ સામે હોય એમ વારંવાર બધા ના પગ પાછળ પડી રહ્યા હતા.


રાજેશ ભાઈ ના હાથ માં અસહ્ય પીડા થઈ રહી હતી, હવે તેમને સમજાઈ રહ્યું હતું કે અહીં આવી ને એમણે કેટલી મોટી ભૂલ કરી છે.


"બેટા છોડી દે એ તારા પિતા છે." હેતલબેન રડવા લાગ્યા.
"જન્મ આપવા થી આ માણસ મારા પિતા નથી બની જતા, એમણે ક્યારેય મને પિતા જેવો પ્રેમ આપ્યો જ નથી. કારણ કે હું છોકરી છું, આ માણસ એ હંમેશા મારા અને રયાન ભાઈ વચ્ચે ફરક કર્યો છે, હંમેશા તને દુઃખ આપ્યું છે મમ્મા, હંમેશા આપણ ને બન્ને ને સ્ત્રી હોવાની સજા આપી છે તો કોણ પિતા અને કેવા પિતા?" મિતલ એ ગુસ્સામાં કીધું, રાજેશ ભાઈ મિતલ નો અવાજ સાંભળી શકતા હતા પરંતુ તેને જોઈ શકતા નહોતા.
"બેટા, બેટા ક્યાં છે તું? મારી સામે આવ બેટા, તારા પપ્પા દર્દ માં છે બેટા. મને માફ કરી દે અને મને હોસ્પિટલ જવા દે મારી દિકરી..." રાજેશ ભાઈ દર્દ માં કણસતા હતા.

"હું તમને મારીશ નહીં, પણ તમને હોસ્પિટલ પણ નહીં જવા દઉં. તમે ત્યાં સુધી આમ જ એકલા પડ્યા રહેશો જ્યાં સુધી તમારો હાથ એટલો નકામો ન બની જાય કે દવા પણ તમારા હાથ ને ઠીક ન કરી શકે. યાદ કરો કે આ હાથ તમે મારા ઉપર અને મમ્મા પર કેટલી વાર ઉપાડ્યો છે? તમારી સજા એ જ છે કે તમે છેલ્લી વાર મારો ચહેરો પણ નહીં જોઈ શકો." મિતલ ની આંખો માં અનહદ દુઃખ હતું.


આધ્વીકા સામે જોઈ એ ફરીથી બોલી,"આધ્વીકા હું જાણું છું કે મારા પાર્થિવ શરીરને તું જરૂર થી શોધી લાવીશ, પરંતુ મારા શરીર પર આ માણસ નો પડછાયો પણ ન પડે, મારી છેલ્લી ઈચ્છા છે કે રાજેશ ચૌધરી મારા અંતિમ સંસ્કાર માં ન જોડાય. મારી ઈચ્છા પૂરી કરીશ ને?"

ક્રમશઃ