Love ???
કદાચ તું આજે પણ જાણે છે કે કઈ હદ સુધીનો પ્રેમ હતો મારો, હતો નહીં આજે પણ છે. પહેલી મુલાકાતથી લઈ અત્યાર સુધી મારા અસંખ્ય નકારોની વચ્ચે તે મને પકડી જ રાખી. ''કેમ?'' એનો જવાબ મને આજ સુધી તારા તરફથી મળ્યો નથી. કાંઈ કેટલીય વાર સાચા-ખોટા જગડાઓ કરી તારાથી દૂર થવાના બધા જ વ્યર્થ પ્રયત્નો હું કરતી. તને પહેલાની જેમ મારા રિસાઈ જવાથી કે રડવાથી કોઈ ફરક પડતો નથી હવે. છતાં તું કેમ મને મુકતો નથી એનું કારણ મને નથી મળતું. કારણ જાતે વિચારવા બેસું, તો એટલુ નિમ્ન તારા માટે વિચારવું મને યોગ્ય લાગતું નથી. છતાં એક વિચાર તો આવે જ, કે એવું તે શું છે જે તું કબૂલી નથી શકતો ? દુનિયામાં કેટલાય લોકો હશે જે એક નથી થઈ શકતા, પણ તેઓ એકબીજા સાથે સમધાને અલગ તો થઈ જ જાય છે . તું કદાચ તારા ભવિષ્યની શરૂઆત સુધી મને સાથે રાખવા માંગતો હોઈશ. પણ હું એક વિકલ્પ તો નથી ને ? મારૂ પણ એક જીવન છે , જેમાં ખુશ રહેવાનો મારો હક છે, પણ એ શક્ય ક્યારે બને ? તું કોઈ જવાબ તો આપ. આટલી હદે સ્વાર્થી બનીશ તો પ્રેમના નામે તું કાઈ જ કમાઈ નહીં શકે. એક નામ યાદ આવતા જ આંખોમાં સંતુષ્ટિનું એક આંસુ તરે અને એક ચહેરો ઉભરાય, ત્યારે નફરતનો કે કશુંક ખૂટી પાડવાનો એક પણ અંશ ના હોવો જોઈએ. સમજે છે ને તું ? ભલે અલગ થવાના છીએ એ પાક્કું છે પણ એટલી તો હિંમત તારે રાખવી જ જોઈતી હતી કે મારા સવાલોના જવાબ મને આપી શકે, વાસ્તવિકતાને તું સ્વીકારી શકે. સંબંધનું કોઈ મૂલ્ય હોય, તો જીંદગીભર એકબીજાને સાથ આપવાના ઘણાં રસ્તાઓ નીકળી શકે, જેમાં પોતપોતાની જિંદગીમાં નવી આવેલ વ્યક્તિને છેતરવું પડે એવો સંબંધ રાખવાની જરૂર નથી હોતી. અંતરથી ચાહીએ એને ભલે દૂરથી જ નિભાવી જાણીએ એની સંતુષ્ટિ કંઈક અલગ જ હોતી હશે. ''પ્રેમ'' શબ્દ સાંભળતાં જ એક ચોખ્ખી આકૃતિ પાંપણોની અંદર ફરતી થઈ જાય, અને એ ક્ષણની અનુભૂતિ તમને ક્યારેય ઉદાસ ના થવા દે, અને એમાં ક્યારેય એ વીતી ગયેલા સમયનો અફસોસ ના હોય. હંમેશા અટ્ટહાસ્ય સાથે મારા સવાલોની ટાળી દેવું કેટલું યોગ્ય છે ? તું ત્યારે પણ જાણતો હતો અલબત્ત જાણે જ છે કે તારા વગર હું કાંઈ જ નથી.. પણ સાથે આપણે બંને એ હકીકતથી પણ અજાણ નહોતા કે ગમે તે કરી છૂટીશું તોય આપણને ક્યારેય એક થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું નથી. એટલે જ હું તારાથી હંમેશા દૂર ભાગતી. મારી અંદર કશુંક કાયમ મને રોકતું, ''અટકી જા, નહીં જીવી શકે જ્યારે આ હાથ છૂટશે.'' પણ હું તો બધી જ વાતે જિદ્દી એટલે મારું હૃદય પણ હઠ લઈને બેઠું, અને કહેતી, એની એટલી તાકાત ક્યાં કે મારાથી અલગ રહી શકે ?'' મગજ તો મારું રોજ સવારે અટકી જવાના વિચાર સાથે મને ઉઠાડતું, પણ મજાલ છે કે મારું હૃદય એને અનુસરે ? હું તો કેટલીય વાર પાગલ જેવા સવાલો કરી કરી ને થાકી, હસીને પૂછ્યું તને, રડીને પૂછ્યું તને, જગડીને પણ પૂછ્યું તને... ''તું કેમ અચાનક બદલાઈ ગયો ? મારા ફક્ત ઉદાસ થઈ જવાથી તું મને હસાવવા માટે પાગલ થઈ જતો, આખી-આખી રાતની વાતો, ચા-કોફી સાથે સાચી ખોટી ફરિયાદો, એક-એક સેકન્ડના એકબીજાને આપતા હિસાબો...અને બસ ખિલખિલાટ હાસ્ય. બહુ ઝડપથી તું બદલાતો ગયો, હું તારાથી છૂટી પડી જવાની બીકે તને અનુસરતી રહી. આજે સમયનું વહેણ બદલાઈ ગયું છે, આજે મારા રડવાથી પણ તને ફરક નથી પડતો, પાંચ-દસ મિનિટની વાતો પણ ઔપચારિક બનીને રહી ગઈ છે. ચા-કોફી ભુલાઈ ગયા, ત્યાં એકબીજાની કાળજીની વાત જ ક્યાં રહી ? યાદ નથી કે છેલ્લે બન્ને સાથે ક્યારે ખિલખિલાટ હસ્યા હોઈશું ? તારા થકી હું છેતરાઈ હોઉં એ વાત મને ગળે નથી ઉતરતી, કેમકે મેં આ સંબંધને દિલથી અને પુરેપુરા તારા ઉપરના વિશ્વાસને લીધે જ સ્વીકાર્યો હતો. છતાં તારા આ બદલાયેલા વહેવારને અવગણી પણ નથી શકતી.
છેલ્લીવાર પણ તને પૂછ્યું હતું, એકવાર તો કારણ કહે મને ?'' પણ તે હંમેશની જેમ મને પાગલ કહીને વાત અધૂરી જ મૂકી. હું એ સવાલના જવાબની રાહ ત્યારે પણ જોતી હતી અને અત્યારે પણ...
ફર્ક બસ એટલો જ છે કે ત્યારે તું જાણે કે કાંઈ થયું જ ન હોય એમ મારી સામે આવીને ફરી પાછો ઉભો રહી જતો અને બધું જ ભૂલીને હું ફરી ''તારા''મય થઈ જતી અને આજે....???