Proud to be a Gujrati in Gujarati Motivational Stories by Piyush Dhameliya books and stories PDF | મને ગર્વ છે હું ગુજરાતી છું

Featured Books
Categories
Share

મને ગર્વ છે હું ગુજરાતી છું

સ્વીકાર્ય
આ વાર્તા નો ભાવ કોઈ ભાષા કે કોઈ ભાષા સાથે સંકળાયેલા વ્યક્તિ ને ઠેસ પહોંચાડવાનો નથી. આ વાતો માત્ર મારી ભાવના અને મારા વિચારો વ્યક્ત કરવામાં મારી મદદ કરે છે. હું દરેક ભાષા ને મારા અંતર નાં ઊંડાણ થી આવકારું છું. અને હું તેનો આદર કરું છું.
આભાર


ગઈ કાલ, એટલે પાંચ મે, બે હજાર ને ઓગણીસ નાં રોજ રાત્રે હું અને મારો પરમમિત્ર ભાવેશ બંને સાંજ નાં છ વાગ્યા ની આસપાસ રાજકોટ ટી જંક્શન પર ચા પીવા માટે એકત્ર થયા. રાજકોટ ટી જંક્શન એટલે અમારો ચા પીવાનો અને લાંબી ગપશપ કરવાનો અડ્ડો... રાજકોટ ટી જંક્શન વિશે મે વિગતવાર મારી બીજી સ્ટોરી માં લખ્યું જ છે. અમે બંને મિત્રો જ્યાં ચા પીતા હતા એવામાં "ટ્રીનન ટ્રિનન" અવાજ આવ્યો... ભાવેશ ભાઈ નાં ફોન ની ઘંટડી રણકી. ભાવેશભાઈ નાં અન્ય એક મિત્ર નો કોલ હતો. તેઓએ એમને પણ ચા પીવા માટે આમંત્રિત કર્યા.
થોડી જ વારમાં તે બીજા મીત્ર પણ ત્યાં આવી પહોંચ્યા. ત્યારબાદ અમારી ત્રિપુટી જામી અને અને વાતો એ વળગ્યા. ચા પીતા પીતા આહી તહી ની વાતો કરવાની અને લાંબી અંત નાં આવે તેવી દલીલો કરવાની મજા જ કઈક અલગ હોય છે. લાંબી દલીલો નાં અંતે અમે ત્રણેયે નાસ્તા નો પ્રોગ્રામ બનાવ્યો. અમે ગુજરાતી એટલે ખાવાનો જબરો શોખ. એમ પણ ગુજરાતીઓ ને ખાવાનો શોખ સ્વભાવ માં જ હોય છે. જેમ "આવ" વિના અંદર નાં જવાય એમ "ભાવ" વિના ભોજન નાં જ થાય. અમે ત્રણેય લોકો નાસ્તા નાં બહાને એક નજીકના રેસ્ટોરન્ટ માં ગયા. ત્યાં ભાવેશભાઈ નાં મિત્ર એ કહ્યું કે તેમની પાસે જાય વસાવડા સર નાં તે સાંજ ના કાર્યક્રમના ફ્રી પાસ છે. અને તે આ કાર્યક્રમ માં જઈ શકે એમ નથી. અને આમ નાસ્તો કરતા કરતા અમારો બીજો એક કાર્યક્રમ તૈયાર થયો. મે અને ભાવેશ ભાઈ એ નક્કી કર્યું કે બંને એ જમી લીધા પછી આઠ વાગ્યા નાં "જય વસાવડા સર" નાં કાર્યક્રમ માં જવું અને તેઓને સાંભળવા.
આ કાર્યક્રમ શિક્ષક જગત ને અનુલક્ષીને હતો એટલે હું તેના તરફ ખાસ આકર્ષાયો. કેમકે હું પણ અંતે એક શિક્ષક જ છું. અને એમ પણ હું જય સર નો જબરો ફેન. એટલે હું તુરંત જ તૈયાર થઈ ગયો. હું અને ભાવેશ બંને ત્યાં પહોંચ્યા. એ કાર્યક્રમ માં જય સર નાં વિષયો હતા "ટકાવારી કે નોલેજ" અને "અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમ"
હાલના સમયમાં લોકો પોતાના બાળકોને સમાજ ને દેખાડવા માટે અંગ્રેજી માધ્યમ માં ભણવા બેસારી દે છે અને તેઓ તેમની ક્ષમતા પણ જોતા નથી. અને આ સમાજ તેઓને ટકાવારી નાં બેઝ પર જજ કરતા હોય છે. આથી આવા લોકોને જાગ્રત કરવા જરૂરી છે. હું આમાંના બે સવાલ માથી બીજા સવાલનો જવાબ સાંભળવા આતુર હતો.
તેઓ જવાબ આપતા કહે છે કે તેઓ લગભગ 27 જેટલા વિવિધ દેશોમાં હાર્યા ફર્યા છે તથા તેઓના વક્તવ્યો પણ રજૂ કર્યા છે. તેઓ જેટલી પણ જગ્યાઓએ ગયા ત્યાં બધેજ વસતા લોકો ને અંગ્રેજી ભાષા કડકડાટ બોલતા આવડે છે. પરંતુ એની સાથે તેઓ પોતાની માતૃભાષા પણ વાંચી, બોલી અને લખી શકે છે. તેઓ કહે છે કે જો કોઈ એક ભાષા નાં સંપર્ક માં રહેવાથી કે બે ભાષા માં વ્યવહાર કરવાથી એ ભાષા બોલતા કે સમજતા આવડી જાય છે. પણ એ સમયે આપણી માતૃભાષા આપડાથી વિસરાય જાય એ કેટલા ટકા યોગ્ય છે? મત મુજબ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાંનાં નાના બાળકો ને અંગ્રેજી વાંચતા , લખતા અને બોલતા, સમજતા આવડે છે પરંતુ તેઓ પોતાની માતૃ ભાષા માં વાંચી કે લખી શકતા નથી. પરિવાર અને આસપાસ નાં વાતાવરણ ને કારણે તેઓ ગુજરાતી સમજતા કે બોલતા તો શીખી જાય છે. પરંતુ લખતા કે વાંચન કરવા તેઓ ને શાળાનો સહારો લેવો પડે છે. ત્યારે આજે આપણી શાળાઓ અંગ્રેજી માધ્યમ ચલાવે છે અને તેમાં ગૌણ વિષય તરીકે ગુજરાતી ચલાવે છે. અને છેલ્લે પરિણામે બાળકો નું માતૃભાષા નું જ્ઞાન અધૂરું રહી જાય છે. આમ અંગ્રેજી ભાષાના જ્ઞાન પાછળ ની ગાંડી દોડ ને કારણે તેઓ પોતાની માતૃભાષા ને ભૂલતા જાય છે.
હું નથી કહેતો કે તમે તમારા બાળકને અંગ્રેજી શાળામાં ન બેસાડો કે પછી તમે અંગ્રેજી શાળાઓ બંધ કરો. પરંતુ તેની જગ્યા પર ગુજરાતી શાળામાં અંગ્રેજી વિષય ને વધુ મજબૂત બનાવો તથા અંગ્રેજી મધ્યમ ની શાળાઓ માં ગુજરાતી વિષય ને વધુ મજબૂત બનાવો જેથી કરી બંને ભાષા ઓ ત્રાજવાની જેમ સંતુલિત રહે. જેટલો ગુજરાતી વિષય જીવન માં જરૂરી છે એટલોજ અંગ્રેજી વિષય છે પરંતુ બંનેમાંથી એક પસંદ કરવા જતાં પહેલો રહી ન જાય એ બાબત નું ધ્યાન રાખવું જોઈએ.

વાલીઓ ની સ્થિતિ :-
પ્રશ્ન:- વાલીઓ શા માટે પોતાના બાળક ને અંગ્રેજી શાળાઓમાં દાખલા કરાવે છે ?

મારા અર્થે જવાબ:-
અંગ્રેજી એ બ્રિટિશરો નાં સમય થી ભારત માં છે એટલેકે આઝાદી મળ્યા પહેલેથીજ આપના દેશમાં અંગ્રેજી છે. પરંતુ એ સમયે ભારત માં અંગ્રેજી વિષય નું જ્ઞાન ખુબજ મોંઘુ હતું તથા તે શિક્ષણ માત્ર બ્રિટિશરોના બાળકો પૂરતું હતું. ભારતીય ને તેઓની શાળાઓ માથી ધકેલી ને કાઢી મુકવામાં આવતા હતા. આથી આપણા પૂર્વજો પાસે પણ અંગ્રેજી વિષય નું જ્ઞાન ન હતું. તથા આઝાદી પછી બ્રિટિશરો તો ભારત થી ચાલ્યા ગયા. તેઓ ની અંગ્રેજી ભાષા ભારતમાં જ રહી પરંતુ એ સમયે શિક્ષણ ક્ષેત્રે આજના સમય જેટલી જાગરૂકતા ન હતી.
આજથી અમુક વર્ષો પહેલા જ્યારે આપનાં માતા પિતા મુસાફરી માટે ટ્રેન માં કે જમવા અર્થે હોટેલમાં જતા અથવા પૈસા વટાવવા માટે બેંકોમાં જતા ત્યારે તેઓએ એક સામાન્ય મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો. અને એ મુશ્કેલી એટલે અંગ્રેજી ભાષાકીય જ્ઞાન નો અભાવ. જે એમની પાસે ન હતું. રેલવે સ્ટેશન માં ટિકિટ પાક્કી થઈ છે કે નહિ તે જોવાના પાટિયા પર લખાયેલ નામ અંગ્રેજી માં, કોઈ જાહેરાત તો એ પણ અંગ્રેજીમાં. હોટેલમાં મેન્યું કાર્ડ પણ અંગ્રેજીમાં, હવે એમને કોણ સમજાવે કે હોચપોચ એટલે જ ખીચડી. ત્યારબાદ આ જ મુસીબતનો સામનો તેઓને બેંકોમાં કરવો પડ્યો. ત્યારે તેઓએ નક્કી કર્યું કે ગમે તે સંજોગોમાં આપણે આપણા બાળકોને આ મુસીબતનો સામનો નહીં કરવા દઈએ. એનો અર્થ એવું નથી કે આવા સ્થળોએ બાળકો ને મોકલવા જ નહિ. આમ વિચારી તેઓએ પોતાના બાળકોને ગુજરાતી માધ્યમમાંથી ફેરવી અંગ્રેજી માધ્યમમાં બેસાડી દીધા. એનું મુખ્ય કારણ એ હતું કે તેઓ ઈચ્છતા હતા કે પોતે નહીં પણ પોતાનું બાળક આગળ વધે ત્યારે ભવિષ્યમાં તેમને આ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે.
મારા અર્થે સારા શિક્ષણ માટે માધ્યમ બદલવાની જરૂર નથી. પરંતુ પોતાના જ માધ્યમ માં જે તે વિષય શ્રેષ્ઠ બનાવી શકાય છે. તે વિષયના પુસ્તકો નું સારી રીતે અધ્યયન કરી શકાય કે તે વિષય અધ્યાપક પાસેથી સારી રીતે સમજી શકાય છે
હું ગુજરાતી માધ્યમ માં ભણેલો અને માધ્યમ વર્ગીય માણસ છું. મને અંગ્રેજી લખતા, વાંચતા અને બોલતા પણ આવડે છે અને હું સારી રીતે અને સુવાચ્ય ગુજરાતી પણ લખી શકું છું, બોલી શકું છું કે વાંચી પણ શકુ છું. આથી જ હું કહું છું કે
"મને ગર્વ છે કે હું ગુજરાતી છું"
મને મારી માતૃભાષા પ્રત્યે "આદર, માન અને પ્રેમ" છે,
એટલેજ
મને મારા ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રત્યે "હેમ" છે.

જય જય ગરવી ગુજરાત