anant nee vaate in Gujarati Spiritual Stories by Dr. Brijesh Mungra books and stories PDF | અનંત ની વાટે

Featured Books
Categories
Share

અનંત ની વાટે

અનંત ની વાટે

જીવન માં બનતી ઘટનાઓ માણસ ને ઘણું શીખવી જાય છે પણ અમુક વખતે જીવન માં આમૂલ પરીવર્તન કરી નાખે છે .એવો જ એક કિસ્સો અહી પ્રસ્તુત છે ......

આમ તો બેંક ની દિનચર્યા નિયમિતપણે ચાલતી હતી. પણ આજે દીપક્સર અમદાવાદ થી ખાસ રાજકોટ ની મેઈન બ્રાંચ ની વિઝીટ માં આવવના હોઈ ઘણી અફડાતફડી મચી હતી. દરેક સ્ટાફ નાં ચેહરા પર ચિંતા ની લકીર સ્પષ્ટ નજરે પડતી હતી. દીપક પટેલ..... રીજનલ હેડ ઓફ મોસ્ટ ગ્રોઈંગ પ્રાઇવેટ સેક્ટર બેંક ઓફ ગુજરાત. ખુબ અનુભવી , મેહનતું અને શિસ્તપાલન નાં આગ્રહી .ખુબ કડક સ્વભાવ નાં ,ચોક્કસાઈ નાં વરેલા અને વર્ષો નો બેન્કિંગ ક્ષેત્ર નો બહોળો અનુભવ. કદાચ.આજ કારણ થી બેંક નાં નાના મોટા નિર્ણયો માં તેમની સલાહ લેવાતી .

દીપક સર આજે નિયત સમયે રાજકોટ ઓફિસે પહોચ્યા .આમ પણ દીપક સર એટલે હરતું ફરતું ટાઈમ મેનજમેન્ટ ઇન્સ્ટીટયુટ. પેહલા આખી ઓફીસ માં લટાર મારી .ડેસ્ક પર ચડેલી ડસ્ટ જોઇને સફાઈ કર્મચારીઓની ધૂળ કાઢી નાખી .ત્યાર બાદ બેંક ની તમામ કામગીરી પર બાજ નજર કરી . બ્રાંચ મેનેજર અને બેંક નો તમામ સ્ટાફ દીપક પટેલ થી રીતસર ફફડી રહ્યા હતા .આખો દિવસ બેંક ની કામગીરી અને રેકર્ડ ચકાસવામાં જતો રહ્યો.સાંજે દીપક ભાઈ મોડા અમદાવાદ ઘેર પહોચ્યા .લાઈટ ડીનર લઇ તેને નિંદ્રા દેવી નું શરણ સ્વીકાર્યું.

રાત્રે ત્રણેક વાગ્યે આખું શરીર માં એમને ખાલી ચડવા માંડી. દીપક ભાઈ એ આંખો ખોલી પણ તેનું અડધું અંગ લકવાગ્રસ્ત થઇ ચુક્યું હતું. આટલા વર્ષોની સખ્ત મેહનત અને ઘણા સ્ટ્રેસ નું આ પરિણામ હતું. તેમને ઉભા થવાની કોશિશ કરી. પરંતુ ધડામ દઈને લથડી પડ્યા. તેમના પત્ની સરલાબેન જાગી ગયા.ઘર નાં સભ્યો એ તાત્કલિક અમ્બુલંસ બોલાવી .એક તરફ રાત્રી ની નીરવ શાંતિ ,અમ્બુલંસ નાં સાયરન નો આવાજ અને ચીર નિંદ્રા માં પોઢેલા દીપકભાઈ ....

દીપક ભાઈ ને જાણે એક દિવ્ય પ્રકાશ તેમની તરફ ખેચી રહ્યો હતો. આખું શરીર જાણે અચેતન બની ગયું હતું. થોડા સમય બાદ .....તેને આંખો ખોલી .ચોતરફ દિવ્ય તેજોમય પ્રકાશ નું સામ્રાજ્ય છવાયેલું હતું. તેમની સામે અનંત અવકાશ અને દુર થી એક તેજોમય વલય દ્રષ્ટિ ગોચર થતું હતું. એ તેજોમય વલય ની ફરતે નાના નાના પ્રકાશ પુંજ જાણે એની પ્રદક્ષિણા કરી રહ્યા હતા . હવે દીપક ભાઈ ને એહસાસ થયો કે એના શરીરે એનો સાથ છોડી દીધો છે અને એ ઈશ્વર નાં દરબાર માં આવી પોહ્ચ્યા છે .જે વર્ષો થી સાંભળ્યું એવા યમલોક કે વિરાટ યમ સૈનિકો નું ક્યાય અસ્તિત્વ ન હતું. હતું તો એક વિશાળ તેજોમય વલય અને ચોતરફ એક દિવ્ય વાતાવરણ .દીપક ભાઈ અનાયાસે એ વલય તરફ આકર્ષિત થતા જતા હતા .એક પછી એક દ્વાર વટાવી એ ત્યાં પોહચી ગયા. વ્યથિત હદયે તે એમની સમક્ષ નતમસ્તક થઇ રડી પડ્યા.હવે દીપક ભાઈ થી નાં રેહવાયું .

“હે ઈશ્વર ,કઈ રીતે ,શા માટે ?”

ચારે તરફ નીરવ શાંતિ હતી.પ્રકાશ પુંજ ની શોભા જોતા જ બનતી હતી .અને ખુદ નું અસ્તિત્વ પણ તેમાં જ એમને દેદીપ્યમાન થતું હતું. એ પુંજ માંથી અંતે એક અવાજ આવ્યો .

“ હે માનવ,અત્યાર સુધી નું તારું જીવન સ્વકેન્દ્રી રહ્યું છે .તું તારા કર્મો નો વિસ્તાર કર.તારી પાસે રહેલા અસીમિત પ્રેમ નાં પ્રવાહ ને વેહવા દે. તારા પરિવાર નાં નિર્વાહ સાથે તારી સામાજિક અને આત્મિક ફરજો થી સજાગ થા .સમજવાની આ જ ક્ષણ છે .આ ફરતે પ્રદક્ષિણા કરતી દિવ્ય આત્માઓ તેના કર્મ સહીત અહી મોજુદ છે .સમગ્ર સૃષ્ટિ ની તમામ આત્માઓ નું મૂળ સ્થાન અહી છે .આ તમામ તેમના કર્મ મુજબ યોની ધારણ કરશે એ એની જ રાહ માં છે.અને ફરીથી અહી આવશે .તેનું કર્મ બંધન સમાપ્ત થતા અંતે મારામાં ભળી જશે .દીપક ભાઈ નતમસ્તક થઇ આ દિવ્ય વાણી સાંભળી રહ્યા હતા .તેની નજર સામે હવે અસંખ્ય દિવ્ય પુંજ દેખાઈ રહ્યા હતા .આ એહસાસ અવર્ણનીય હતો.

“જા વત્સ .હવે પ્રસ્થાન કર ,તારું કર્મ હજુ બાકી છે. “ આ ગેબી અવાજ ગુંજી ઉઠ્યો .તેમની આંખો સામે વળી બધું ફરવા માંડ્યું .તેમને જાણે કઈક ખેચી રહ્યું હતું.એક ઊંડા શ્વાસ સાથે તેની આંખો ખુલી .એ હોસ્પિટલ નાં બીછાને સુતા હતા .ભાન માં આવતા મેડીકલ ટીમ તુરંત તપાસ માં લાગી ગઈ.

સામે તેમના પત્ની સરલાબેન વિહીવળ નજરે દીપક ભાઈ સામું જોઈ રહ્યા હતા .તેમના પ્રેમાળ હાથો નાં સ્પર્શ નો અનુભવ થતાં દીપકભાઈ ની આંખો માંથી આંસુ સરી પડ્યા .

“મને શું થયું હતું ?” દીપક ભાઈ એ પ્રશ્નાર્થ કર્યો.

“તમને કાલે રાત્રે સ્ટ્રોક આવ્યો હતો.પણ હવે બધું સારું છે,તમે હવે આરામ કરો .”પણ તેમનું મન હજુ એ દિવ્ય તેજ નો અનુભવ કરી રહ્યું હતું.

આખરે એકાદ મહિના બાદ દીપક ભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા .પણ આ ઘટના બાદ તેના સ્વભાવ ,વર્તન અને પ્રકૃતિ માં જાણે ધરમૂળ થી પરિવર્તન આવી ગયું. તેમને એ દિવ્ય પુંજ સતત એની આસપાસ છે આવો આભાસ થતો હતો. તેમના પરિવાર ની જેમ ઓફીસ નાં લોકો એ દીપક ભાઈ માં નવા જ વ્યક્તિત્વ નો અનુભવ કર્યો . માન ની જગ્યા હવે સન્માને લઇ લીધી હતી .કડક સ્વભાવ નાં દીપક ભાઈ વિનમ્ર અને મૃદુ બની ગયા હતા .તેમને સામાજિક પ્રવૃત્તિ મા પણ રસ દાખવવાનું શરુ કર્યું. આટલા વર્ષો નાં બેન્કિંગ અનુભવ નો નીચોડ અમને યુવાનો ને આપવાનું શરુ કર્યું.

એક આહ્લાદક સવારે તે રેહઠાણ ની નજીક નાં બગીચા માં વૃક્ષારોપણ કરી રહ્યા હતા .તેના ખાસ મિત્ર મનુભાઈ તેને જોઈ ત્યાં આવી ચડ્યા જેમને અહી ઘણું ખરું વૃક્ષારોપણ નું કામ કર્યું હતું .તેઓ દીપક ભાઈ ને આમ જોઈ આશ્ચર્ય માં પડી ગયા .

“દીપક ભાઈ બેન્કર અને વૃક્ષારોપણ, આ હું શું જોઈ રહ્યો છું ?”તેમને વેધક પ્રશ્ન કર્યો.

“હું આ બીજ રોપી રહ્યો છું .જે વિરાટ વૃક્ષ બની અનેક ને શીતળતા આપશે. “દીપક ભાઈ એ હસી ને કહ્યું .

“હા ,પણ હું તમારો આમ કેહવાનો અર્થ બરાબર સમજ્યો નહી ..?” મનુ ભાઈ હજી આશ્ચર્ય થી દીપક ભાઈ સામે જોઈ રહ્યા હતા .

“ જુવો ,આ બીજ એ આપનું કર્મ છે .એ એક દિવસ વિરાટ બનશે .એ ખુદ ને અને અન્ય ને શીતળતા નો અનુભુવ કરાવશે અને એક દિવસ નવો માર્ગ પણ ચીંધશે .”દીપક ભાઈ એ બીજ રોપતા કહ્યું .મનુભાઈ દીપક ભાઈ માં થયેલા આ ધરખમ ફેરફાર ને અનુભવી રહ્યા હતા .જયારે દીપક ભાઈ એ દિવ્ય તેજોમય વલય અને એ ગેબી અવાજ ને અનુભવી રહ્યા હતા.જાણે કોઈ એમને કહી રહ્યું હતું . “ તારું કર્મ હજુ બાકી છે એ પૂર્ણ કર .......... .

By:- Dr. Brijesh Mungra