Ghar in Gujarati Short Stories by Jasmina Shah books and stories PDF | ઘર

Featured Books
Categories
Share

ઘર

" ઘર "
સિમોલીના મુખ ઉપર આજે એક અજબ પ્રકારની ખુશી નજરાઈ રહી હતી. કંઈક હાશિલ કર્યાની ખુશી હતી તે, કંઈક મેળવ્યા પછી સંતોષ અનુભવ્યાની ખુશી હતી તે..! અને મમ્મી-પપ્પાના મુખ ઉપર પણ ખુશી હતી પોતાની દીકરી સીમોલી માટે ગૌરવ અનુભવ્યાની એક અદ્ભુત ખુશી....

ગૌરવ કેમ ન હોય...!! દીકરા કરતાં પણ ચડિયાતી, આગળ નીકળી જાય તેવી હતી તેમની દીકરી સીમોલી..!! ખૂબ જ લાડકોડથી અને પ્રેમથી બંનેને દીકરાને અને દીકરીને ભાવનાબેન અને અતુલભાઈએ તકલીફો વેઠીને પણ ઇંગ્લિશ મીડિયમમાં ઉચ્ચ શિક્ષણ આપી ભણાવી ગણાવીને મોટા કર્યા હતાં કદાચ તેનું જ આ ફળ હતું ભાવનાબેનની અપાર ભક્તિ અને અતુલભાઇની ધર્મનિષ્ઠાએ તેમના ઘરને બચાવી લીધું હતું. નહીં તો, આજે આ સવા ત્રણ કરોડનો બંગલો નીલામ થઈ જવાનો હતો. અને ભાવનાબેન, અતુલભાઇ અને દીકરો પ્રિન્સ ઘર વગરના થઈ જવાના હતા પણ દીકરી સીમોલીએ ઘરની લાજ બચાવી લીધી હતી.

સીમોલી ભણવામાં પહેલેથી ખૂબજ હોંશિયાર, દેખાવમાં એકદમ રૂપાળી, ગોરો વાન, લાંબા કાળા વાળ અને આકર્ષક વ્યક્તિત્વ, કોઈને પણ પ્રભાવિત કરી દે તેવી વાક્છટા, એમ.ફાર્મ. સુધી ભણીને દવાની કંપનીમાં તેને તરત જ જોબ મળી ગઈ હતી. પછી અતુલભાઇના મિત્ર મુકેશભાઈએ એમની ઓળખાણમાં રેહાન નામનો ગ્રીનકાર્ડ ધરાવતો એક હોનહાર અને હેન્ડસમ છોકરો બતાવ્યો. રોહન જેવા છોકરાને "ના " પાડવાની કોઇ જગ્યા જ ન હતી. પરંતુ યુ.એસ.એ. નું માગું આવતાં સીમોલીએ મમ્મી પપ્પાને છોડીને યુ.એસ.એ સેટલ થવાની "ના" પાડી પણ પપ્પા અતુલભાઈની ઈચ્છા તેને યુ.એસ.એ. મોકલવાની ખૂબ હતી તેથી તેણે "હા" પાડી. લગ્ન થયાના એક વર્ષમાં જ રેહાને તેને પોતાની પાસે ન્યૂયોર્ક બોલાવી લીધી. ભણેલી-ગણેલી અને હોંશિયાર સીમોલીને યુ.એસ.એ. માં પણ ખૂબજ સરસ જોબ મળી ગઈ. ત્યાં ગયા પછી તેણે પોતાને માટે નવી કાર પણ ખરીદી લીધી અને પોતાનું હાઉસ પણ ખરીદી લીધું.

આ બાજુ સીમોલીના ગયા પછી પપ્પા અતુલભાઇને ધંધામાં ખૂબ જ મોટો ફટકો વાગ્યો. મમ્મી-પપ્પાએ આ વાતની જાણ સીમોલીને ન થવા દીધી પરંતુ પરિસ્થિતિ વધારે ને વધારે બગડતી ગઈ અતુલભાઇનો પોતાનો બંગલો નીલામ થઈ જાય તેવી પરિસ્થિતિ આવી પડી.

દીકરો પ્રિન્સ ખૂબ જ હોંશિયાર હતો તેણે આ બધીજ વાત ખાનગીમાં સીમોલીને જણાવી દીધી બંગલો નીલામ થાય તે પહેલાં સીમોલી દેવાની તમામ રોકડ રકમ પોતાની સાથે ઇન્ડિયા લઈને આવી ગઈ.

અતુલભાઇ અને ભાવનાબેને દીકરીના પૈસા લેવાનો સાફ ઇન્કાર કર્યો પણ સીમોલીએ મમ્મી પપ્પાને સમજાવ્યા કે આ ઘર સાથે મારી પણ અઢળક યાદો તેમજ અપાર લાગણીઓ જોડાયેલી છે, આ ઘરમાં જ મારું બાળપણ વીત્યું, બા-દાદાના અને તમારા મારી પર આશીર્વાદથી હું ભણી-ગણીને કાબેલ બની. શૈશવ છોડીને યુવાન બની. મારા હાથ કંકુવાળા થયા. આ ઘરની ભીંત ઉપર હું કંકુથાપા લગાવી... મેં સાસરની વાટ પકડી,‌ આજે તમારા બધાના આશીર્વાદથી જ હું ખૂબજ સુખી છું તો મારા આ ઘરને હું આમ નીલામ થતું કેવી રીતે જોઈ શકું..??

અને તમે જ તો કહેતા હતા કે હું તમારી દીકરી જ નહિ પણ દીકરો પણ છું અને આ ઘર મારું જ છે તો મારી પણ ફરજ છે કે મારા ઘરને બચાવી લેવું અને હું મારી ફરજ પૂરી કરી રહી છું.

ભાવનાબેન અને અતુલભાઇ દીકરી સીમોલીને અને પ્રિન્સને ભેટીને ખૂબજ રડી પડ્યા. પ્રિન્સની સમય સૂચકતા અને સીમોલીને આપેલી કેળવણી રંગ લાવી તેણે ભાવનાબેન અને અતુલભાઇનું ખાલી ઘર જ ન બચાવ્યું પણ સમાજમાં ઈજ્જત પણ બચાવી લીધી હતી.

દીકરી હો તો સીમોલી જેવી....

~ જસ્મીના શાહ 'જસ્મીન' દહૈગામ