ઓગણસિત્તેર
“કૃણાલભાઈ? તમે? અહિયાં?” કૃણાલને અચાનક જ જોઇને સોનલબાને આશ્ચર્ય થયું.
“મારું અને વરુણીયાનું ઘર અહીં પાછળની ગલીમાં જ છે.” કૃણાલે જવાબ આપ્યો.
“ઓહ... તમે બેય ભાઈઓએ ક્યારેય આ બેનને પોતાને ઘેર બોલાવી છે કે મને ખબર હોય?” સોનલબાએ કટાક્ષથી ભરપૂર સ્મિત સાથે કહ્યું.
“હા... વેરી સોરી. ચાલો અત્યારેજ.” કૃણાલે તરતજ સોનલબાને ઘરે આવવા માટે આગ્રહ કરી દીધો.
“ના, ના... હવે મારે ઘરે જવું પડશે, નહીં તો પપ્પા ફોન કરી કરીને મને હેરાન કરશે. પણ તમે પહેલા એ કહો કે તમે અહીંયા કેવી રીતે આવ્યા?” સોનલબાએ ફરીથી પ્રશ્ન પૂછ્યો.
“હું મેડમના જવાની રાહ જોતો જોતો પેલી ગલીમાં, એક ખૂણામાં સંતાઈને ઉભો હતો, એમને જતાં જોયા એટલે રસ્તો ક્રોસ કરીને આવી ગયો, જાણવા માટે કે એમને કોઈ શંકા તો નથી પડીને આપણા વિષે?” કૃણાલને આતુરતા હતી, એ જાણવા માટે, કે સુંદરી અને સોનલબા વચ્ચે શું વાત થઇ હશે.
“શંકા તો બિલકુલ નથી, એની શાંતિ છે. પણ મેડમ ડિસ્ટર્બ જરૂર છે, ભઈલા અને એમના ભાઈની અચાનક અને અકસ્માતે થયેલી મુલાકાતને કારણે.” સોનલબાએ કૃણાલને નિશ્ચિંત કરી દેતા વાતની શરૂઆત કરી.
“હમમ... એ તો ઓબવિયસ છે ને? એમને તો રીતસરનો શોક જ લાગ્યો હશે કે આમ આવી રીતે એ બંને મળ્યાં પણ ખરાં અને એટલુંજ નહીં પણ બંને ફ્રેન્ડ્સ પણ બની ગયા!” કૃણાલ હસીને બોલી રહ્યો હતો.
“કૃણાલભાઈ, આપણને અત્યારે ભલે મજા આવતી હોય, મેં પણ એમને અંદર બે ત્રણ વાતો પર પીન કરીને મજા લીધી, પણ ખરેખર કહું તો એમનો ચહેરો મારાથી જોઈ શકાતો ન હતો. એકદમ ટેન્શનથી ભરપૂર. સાચું કહું તો ભઈલાએ જ્યારથી પોતાના પ્રેમને એમની સામે ભલે ભૂલથી, પણ સ્વીકાર કર્યો છે ત્યારથી આપણે જ્યારે પહેલીવાર એમને કોલેજમાં જોયાં હતાં તેનાથી સાવ બદલાઈ ગયા છે.
પહેલા એમનો ચહેરો ખીલેલા ગુલાબની જેમ હતો, આજે એ સાવ ચીમળાઈ ગયેલાં હોય એવું દેખાયું. મને ખૂબ દુઃખ થયું એમને જોઇને.” સોનલબાનો અવાજ થોડો ભારે થયો અને એમની માંજરી આંખોના ખૂણા ભીના પણ થયાં.
“વરુણે પ્રેમનો ઈઝહાર કર્યો ત્યારથી નહીં બેનબા, પણ જ્યારથી એમના અને વરુણ વિષે કોલેજમાં અફવા ફેલાઈ ત્યારથી કહો. એ દુઃખી છે, પણ એમના દુઃખનું કારણ બીજું છે. એ જાણીજોઈને બધું દબાવવા માંગે છે. જ્યારે વરુણીયો મન ખુલ્લું કરીને દુઃખી છે. અહીં હતો ત્યારથી રોજ એને જોતો. એ પહેલાં જેટલું બોલતો, બકબક કરતો, મારી સળી કરે રાખતો, એનાથી સાવ વિરુદ્ધ એકદમ શાંત થઇ ગયો, જરૂર પડે તો જ બોલતો.
બસ આખો દિવસ ક્રિકેટ, ક્રિકેટ અને ક્રિકેટ! આંટીએ પણ મને ઘણીવાર પૂછ્યું આ બાબતે, પણ મેં વાત ઉડાવી દીધી. વરુણ પાસે દુઃખી થવાનું કારણ છે, પણ મેડમે ખુદ દુઃખી થવાનું નક્કી કર્યું છે તો આપણે પણ શું કરી શકીએ?” કૃણાલે સ્પષ્ટ વાત કરી.
“સાચી વાત છે, કૃણાલભાઈ. બસ આપણે પ્રાર્થના કરીએ કે સહુ સારાવાના થઇ જાય. એકવાર ભઈલો આઈપીએલ રમીને પાછો આવે એટલે આપણે ફરીથી કશો પ્લાન કરીને આ વાતને એક નિર્ણય સુધી લઇ જઈએ, આ પાર કે પેલી પાર.” સોનલબાએ કહ્યું.
“સાચી વાત છે સોનલબેન.” કૃણાલે પણ સ્મિત સાથે સોનલબાની વાત સાથે પોતાની સહમતી દર્શાવી.
==::==
“રીતસર ગાંડા થઇ ગયા છે એની પાછળ, અરુમા. જ્યારે પણ એમની મેચ પતે અને જો એમનું પરફોર્મન્સ સારું હોય કે એમની ટીમ જીતી હોય કે તરતજ મને કૉલ આવે એમનો. તે મેચ જોઈ? કેવું મસ્ત રમ્યો નહીં? બસ એમના વખાણ ચાલુ જ હોય.” સુંદરીએ અરુણાબેનને કહ્યું.
“તો એમાં વાંધો શું છે સુંદરી?” અરુણાબેને ઠરેલા સ્વરમાં જવાબ આપ્યો.
“મને બહુ બીક લાગે છે અરુમા. આ બંનેએ નહોતું મળવું જોઈતું. ક્યારેય? જો મને ખ્યાલ હોત કે એ યુનિવર્સીટી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા જાય છે તો હું કિશન અંકલના આઈડિયાને ક્યારેય હા ન પાડત.” અકળાયેલી સુંદરીએ ચ્હાનો ઘૂંટડો પીધો.
“જો બેટા, બધું આપણા હાથમાં હોત તો જોઈતું’તું જ શું? અમુક નિર્ણયો ભગવાન કરતો હોય છે, કદાચ એની જ ઈચ્છા હશે કે તારા જીવનમાં આવેલા બે પુરુષો જેમાંથી એક તારો ભાઈ છે અને બીજો જેને તારા પ્રત્યે અનહદ લાગણી છે એ બંને મળે તો પછી એ અમદાવાદ તો શું દુનિયાના કોઇપણ ખૂણામાં મળત. તું અકળાઈને તારી તબિયત બગાડી રહી છે.” અરુણાબેને સુંદરીના ખભા પર હાથ મુકતાં કહ્યું.
“તમે પણ સોનલની જેમ જ બોલી રહ્યા છો.” સુંદરીના સ્વરમાં સ્પષ્ટ નિરાશા હતી.
“બેટા, જે સત્ય છે એ તો દેખાય જ ને? નહીં તો શ્યામલ અને વરુણ જે જિંદગીમાં ક્યારેય એકબીજાને નહોતા મળ્યા એ અચાનક જ આમ મળે અને એ પણ વરુણે તારા સમક્ષ પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો તેના બાદ જ? સુંદરી તું વિચાર તો કર કે એમના મળવાની ઘટના તો છેક હવે બની પણ એ ઘટના બને એના માટે એની સાથે સંકળાયેલી બીજી કેટલી બધી ઘટનાઓ બની ગઈ આ અઢી-ત્રણ વર્ષમાં.” અરુણાબેન સુંદરી સામે જોઇને બોલી રહ્યા હતા.
“એટલે? હું સમજી નહીં.” સુંદરીની ભમરો તણાઈ.
“શ્યામલ એની ગુનાની દુનિયામાં મસ્ત હતો. અચાનક જ એણે તારો પીછો કરવાનો શરુ કર્યો. વરુણે તને એનાથી બચાવી, ભલે તને કે વરુણને એ હકીકતનો ખ્યાલ ન હતો કે એ શ્યામલ જ છે જે તારો ભાઈ છે. પછી તું અને શ્યામલ મળ્યા, તેં એને ગુનાની દુનિયા છોડી દેવા કહ્યું અને એણે એમ કર્યું પણ ખરું. પછી તેં એને ચ્હાની દુકાન ખોલી આપી, અને વરુણ એને ત્યાં મળ્યો. તને નથી લાગતું કે આમાં જરાય ઈશ્વરીય સંકેત નથી?” અરુણાબેને સુંદરીની સામે સતત જોઇને પૂછ્યું.
“મને કશીજ ખબર નથી પડી રહી અરુમા કે તમે શું કહી રહ્યાં છો!” સુંદરીએ પોતાની અણસમજ દેખાડી.
“સુંદરી, મારો કહેવાનો મતલબ એટલો જ છે કે વરુણ અને શ્યામલની મુલાકાત ઉભી થાય એ પાછળ ઈશ્વરે બીજી ઘણીબધી ઘટનાઓ પણ ઉભી કરી, નહીં તો એક ગુનેગાર આમ આસાનીથી એ દુનિયા છોડી દેવા માટે તૈયાર થાય ખરો?
શ્યામલે ગુનાઓ કરવાનું છોડ્યું એટલે એને નવી દુનિયામાં પ્રવેશ કરવાની તક મળે અને એટલેજ એ વરુણને મળે જે તને ખૂબ પ્રેમ કરે છે બેટા. કદાચ ભગવાન શ્યામલ થકી વરુણને તારી સાથે મેળવવા માંગે છે અને એટલા માટેજ ભગવાને જ અઢી-ત્રણ વર્ષની ઘટનાઓ ઉભી કરી જેથી વરુણ અને શ્યામલની મુલાકાત થાય. શ્યામલ સમક્ષ વરુણની સારી ઈમેજ ઉભી થાય અને છેવટે શ્યામલ તારા અને વરુણના સબંધ માટે હા પાડી દે અથવાતો તને એ સબંધ સ્વીકારવા માટે સમજાવે.” અરુણાબેને ફરીથી સુંદરીના હાથ પર પોતાનો હાથ મૂક્યો.
“અરુમા, તમે પણ? જ્યારે મેં સ્પષ્ટ કહ્યું છે કે એ છોકરો મને નથી ગમતો અને એની સાથે મારે કોઈજ સબંધ નથી જોઈતો તો પણ તમે આવું કહી રહ્યા છો? મને સમજાવી રહ્યા છો? સોનલ તો જાણેકે વરુણને પોતાનો ભાઈ માને છે, પણ તમે તો મારી મા ની જગ્યાએ છો, તમે તો મને સપોર્ટ કરો?” આટલું કહેતાં સુંદરીની આંખમાં પાણી આવી ગયાં.
“મા, છું એટલેજ તને હું એ કહી રહી છું જે મને દીવા જેવું સ્પષ્ટ દેખાય છે. મેં કદાચ તને પહેલાં પણ કહ્યું છે અને ફરીથી કહી રહી છું કે વરુણને કદાચ હું એકાદ-બે વાર જ મળી છું, પણ તેં એના વિષે મને જે કહ્યું છે એનાથી મને તો એવું લાગે છે કે એ અત્યંત સંસ્કારી અને ડાહ્યો છોકરો છે.
એનાં મનમાં જો મેલ હોતને તો કોલેજમાં તમારા બંને વિષે અફવા ફેલાઈ એનો એણે લાભ લીધો હોત અથવાતો એને ઇગ્નોર કરીને મજા લીધી હોત. પણ એણે એવું ન કર્યું, એણે તારા માટે પોતાના ભણતરની ચિંતા કર્યા વગર જ કોલેજ છોડવાનો નિર્ણય એક ઝાટકે જ લઇ લીધો.
હું તારી મા ની જગ્યાએ છું, તે હમણાં જ કહ્યું ને? તો હું તારા વિષે જે વિચારતી હોઈશ એ સાચું જ વિચારતી હોઈશને? તારી પાસે ઘણોસમય છે સુંદરી, હજી વિચાર. શાંતિથી વિચાર. પછી આપણે ફરીથી આ બાબતે વાત કરીશું.” આ વખતે અરુણાબેને સુંદરીની હથેળી દબાવી.
“તમારી નિયત પર મારે શંકા કરવાનો કોઈ સવાલ જ નથી. પણ મારું મન ખબર નહીં નથી માનતું. મને કોઇપણ રીતે આ સબંધ યોગ્ય નથી લાગતો. એનું નામ કે એનો ચહેરો સામે આવી જાય કે તરતજ ગુસ્સો આવવા લાગે છે. મારે ગમે તે રીતે એનાથી દૂર થવું છે પણ... મને તો ખૂબ ટેન્શન થાય છે.” આટલું કહીને સુંદરીએ પોતાની મુઠ્ઠી ભીડી.
“ટેન્શન કરવાથી કોઈજ લાભ નથી.” અરુણાબેને સુંદરીના માથા પર હાથ ફેરવતાં કહ્યું.
“ટેન્શન તો થાયજ ને અરુમા. આવતા વિકેન્ડમાં આઈપીએલની ફાઈનલ છે. એનો મતલબ છે કે એના પછીના એક કે બે દિવસમાં એ અમદાવાદ આવશે. અમદાવાદ આવશે પછી એ જરૂર થોડા દિવસમાં શ્યામલભાઈને મળશે. એ વખતે જો શ્યામલભાઈએ મને એને મળવા બોલાવી લીધી તો? મારું શું થશે?” સુંદરીએ પોતાની મુઠ્ઠી બીજા હાથની હથેળીથી દબાવતાં કહ્યું.
==:: પ્રકરણ ૬૯ સમાપ્ત ::==