અમ્મા અને દિક્ષાના દિવસ રાત, બેચેની અને ચિંતાએ ઘેરી લીધા હતા. વિરાજની ચિંતામાં ચેનથી શ્વાસ લેવો કે ગળેથી કોળિયો ઊતારવો એમનાં માટે મુશ્કેલ થઈ પડ્યો હતો.
આવી મુશ્કેલ ઘડીમાં તો ગમેતેવી મજબૂત વ્યક્તિ હોય હલબલી જાય અને વિચાર શક્તિ હણાઈ જાય. આવા સમયે પણ અમ્માનું મગજ અનેકગણી ગતિએ દોડવા માંડ્યું હતું. બેભાન થવાનું તરકટ કરી એમાંથી રસ્તો કાઢીને આશાનું કિરણ શોધવાનું કામ કર્યું હતું. માના સ્વરૂપમાં એક નારી, જગતજનની કે જગદંબા પણ બની જાય છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. જીવનનો પૂર્વાર્ધ વટાવી ઉત્તરાર્ધમાં પ્રવેશેલા અને સાઠ વટાવી ચૂકેલા અમ્માએ પલાઠી વાળીને નિરાંતે હાશ્ કરીને ક્યાં કદીયે ભરેલું ભાણું માણ્યું હતું !
'વિરુએ કેફિયત કરવાથી સંબંધ મધુરતામાં ભળી ગયા પછી હવે અતિરેક અને અવિશ્વાસ ન હોય ત્યાં એ સંબંધમાં કોઈ લેબલની જરૂર નથી રહેતી. વિરુને ખોવાની હૈયે કસક તો ઘણી હતી પણ હવે એની વિરહની વેદનામાં જીવવાની મજા જ કંઈક ઔર છે.'
રસોઈ કરતાં કરતાં દિક્ષાનો વિચાર ધોધ ક્યાંય સુધી વહેતો રહ્યો.
'વિરાજનું અદ્રશ્ય સત્ય સાંભળીને પોતે એટલી હદે ગભરાઈ ગઈ હતી કે ગમે તેવી મજબૂત વ્યક્તિ હોય ફસડાઈ જ પડે. સાથે સાથે અમ્મા શું પ્રતિક્રિયા આપશે કે એમને પોતાને કેવી રીતે સંભાળી શકશે એ ચિંતા સતાવતી હતી. પણ એ જ વાત આટલી આસાનીથી અમ્મા સંભાળી શકશે એવી ક્યાં કશી ખબર હતી! કોઈને કંઈ જ સૂઝે નહીં એવા કપરા સંજોગોમાં અમ્માએ પૂરેપૂરી પરિપક્વતા વાપરીને સંબંધોના તાણાવાણાને નાજુકતાથી સંભાળી લીધાં હતાં. પહેલાં તો અમ્મા થોડા વિહવળ થઈ લથડી પડ્યાં હતાં, ને પછી પોતે તો સ્વસ્થતા કેળવી લીધી સાથે મને પણ પોતાના ફફડતા હોઠેય સાંત્વના આપીને એમના પ્રેમાળ સ્પર્શથી માથે હાથ ફેરવી સ્વસ્થ રહેવા માટે હૂંફ આપી. આવી વિપરીત પરિસ્થિતિમાં એવી કઈ આંતરિક શક્તિ વડે એમનું બળ પુરુ પડતું હશે? અંદર ધરબી દીધેલો આ બળબળતો અગ્નિ કેવી રીતે જીરવાતો હશે? અનુભવોનો નિચોડ જ કામ લાગતો હશે! કે પછી આવી શક્તિ તો કાન્હો જ આપતો હશે!'
સુખ ન ઇચ્છે મા સંસારનાં..
માની કેવી પ્રીત, તમામ સુખ
ત્યાગી એ જાણીને કરે જતન..
દુઃખણાં સંતાડીનેય રહે રાજી..
મા સ્વરૂપે એજ તો છે જગતજનની
સુખ ન ઇચ્છે મા સંસારનાં..
આત્મદર્શી મા રહે સુખમાં સદા..
સુખ ન ઇચ્છે મા સંસારનાં.. -©રુહાના.!
મંજરી સતત દિક્ષા સાથે ફોન ઉપર વાત કરીને અહીંની જાણકારી મેળવતી રહેતી હતી. આજે અમ્માને અને દિક્ષાને એકસાથે ઘરે હોવાનું સાંભળીને એના હર્ષાશ્રુ છલકાઈ ગયાં. મનમાં હાશ થઈ પણ એ ઘડીભર માટેય ટકી નહીં. જ્યારે દિક્ષાએ એને જણાવ્યું કે વિરાજ હજુ હૉસ્પિટલમાં છે. ત્યારે મંજરીને અચરજ થયું. ત્યારે દિક્ષાએ અજુક્ત અથતિ ઈતિ બધી વાત એને કરી. મંજરીના શ્વાસ બોલતાં હતાં અને હૈયું સાંભળતું હતું. પૂતળાની જેમ એ બધું સાંભળતી રહી. એણે અમ્મા અને ભઈલું સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઘણાં સમય પછી અમ્માનો અવાજ સાંભળીને પહાડ પરથી પાણીનો ધોધ પડે એમ આંખોથી અશ્રુ ધારા વહી નીકળી. અમ્માનુંય વાત્સલ્ય આંખો પરથી નીતરતું સીધું એના દિલમાં ઉતરી ગયું. ક્યાંય સુધી એકમેક સાથે વાતો કરતું રહ્યું એક ખાલી મૌન. લાંબા લાંબા શ્વાસના તાંતણે જ બંને છેડેથી જોડાયેલા રહ્યાં.
"મંજી દીકરા બોલ. દિપકકુમાર અને ભાણીયા કેમ છે?" અમ્મા ખામોશી તોડીને પહેલ કરી બોલ્યાં.
"બધાં સરસ છે અમ્મા." જવાબમાં મંજરીએ ટૂંકમાં વાત પતાવી. એને બોલવું તો ઘણું હતું પણ અત્યારે આવે વખતે કહેવા જેવા કોઈ શબ્દો એની પાસે નહોતાં. ભઈલું સાથેય વાત તો કરવી હતી પણ બાજેલા ડૂમાને ગળેથી ઉતારી એટલું જ બોલી શકી. "ભઈલું!"
એક સાથે સૌની બુદ્ધિને કામે લગાવવાથી સફળતા પ્રાપ્ત નથી કરી શકાતી. અને એનું ચિંતન એને જ કરવાનું છે. જીવન એનાથી ઝૈડકાયું છે, તો જોડવુંય એને જ પડશેને.?"
જરીકવાર રોકાઈને અમ્મા બોલ્યાં,
"સફળતા તો નિશ્ચિત જ છે. અહીંની જરાય તું ચિંતા ના કરતી. સૌ સારાવાના થશે. દિક્ષા વહુએ પેટ છુટી થઈ શકે એટલી બધી વાત કરી છે. મંજી દીકરા, મહા મૃત્યુંજયના જાપ કરતી રહેજે. વિરુનું અને એના સ્વાસ્થ્યનું રક્ષણ થતું રહેશે."
"અમે બધાંયે મંત્રોચ્ચાર કરી રહ્યાં છીએ અમ્મા. ભાણીયા પણ મામા માટે અમારી સાથે જોડાય છે. ભઈલુંને બેશક સફળતા મળશે જ પાક્કી ખાતરી છે." આમ બંન્ને તરફે એકબીજાનું ધ્યાન રાખવાનું કહીને ફોન મૂકાયો.
વિરાજને તો જાણે કાળનો ઘંટ પોતાના ગળામાં વીંટળાઈ ગયો હોય એવી ગુંગળામણ નતાશા સાથે થતી હતી. દિક્ષા સાથે વાત કરવાનું મન તો બહુ થયું હતું પણ નતાશા કોઈ ચાન્સ જ આપતી નહોતી. એકબાજુ એણે જ મસ્કા મારી મારીને હૉસ્પિટલમાં એને રોકી રાખી હતી ને હવે એ કોઈ કામથી બહાર નીકળે તો દિક્ષા સાથે વાત કરી શકાય એવી ફિરાતમાં હતો. ત્યાં જ નતાશા ફોનમાં વાત કરતી કરતી કંઈજ કહ્યાં વિના બહાર જતી રહી. તરત વિરાજે દિક્ષાને ફોન જોડ્યો.
વિરાજનો નંબર જોઈને દિક્ષાનું મોઢું મલકાઈ ઉઠ્યું. પહેલી રીંગે એણે ફોન ઉપાડી લીધો. વિરાજ ભાવનાવશ કશું બોલી ન શક્યો. એ દિક્ષાનો અવાજ સાંભળવા માંગતો હતો. દિક્ષા બોલવા જતી જ હતી ત્યાં મનમાં એક વિચાર ઝબક્યો, 'કદાચ વિરુને બદલે નતાશા ફોન કરીને અમે શું કરવા ઇચ્છીએ છીએ એ જાણવા માંગતી હશે તો? એને શંકા તો નહીં થઈ ગઈ હોય ને?' એ વિચારે એ ચૂપ રહી ગઈ હતી. એના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. અને થોડીવાર બંન્ને બાજુ મૌન વાતો કરતું રહ્યું.
વિરાજનો અવાજ સાંભળીને જાણે અધધ મળી ગયું હોય એમ ખુશીઓની લહેરખી ફરી વળી. આંખે અશ્રુ ભરાઈ આવ્યાં.
"બોલોને વિરુ કેમ બોલતા નથી?"
"તારી સાથે શબ્દો વિનાની વાતો કરવી ગમે છે!"
"તમારો અવાજ સાંભળવા હું બેચેન થઈ ગઈ હતી વિરુ."
"હું પણ દિક્ષુ. તમને બધાં ને બહુ તકલીફો આપી છે મેં. ડૉક્ટરે, એકાદ બે દિવસમાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનું કહ્યું છે. પણ હમણાં તો આપણે એકબીજાનો અવાજ સાંભળીને જ ચલાવી લેવું પડશે દિક્ષુ."
"ઇટ્સ ઓકે વિરુ. હાઉઝ ધ જોશ?"
"દિક્ષુ... આ રણ મેદાન થોડું છે! તે જોશ જોઈએ. અહીંયા તો હોશમાં રહીને કામ કરવું પડશે." એકદમ ધીમા અવાજે મોઢેં આડો હાથ રાખીને વિરાજ બોલ્યો, "નહીંતર નતાશા નામની ડાકણ બધાંને કાચોને કાચો ફોલી ખાય એવી છે." વોર્ડમાં વિરાજનું ખડખડાટ હાસ્ય ગુંજી ઉઠ્યું.
"હા હો..વિરુ.. આંખ, કાન, નાક બધું બરોબર ખુલ્લા રાખી સચેત રહેજો. એ નાગણ ક્યારે ફૂંફાડો મારે કહેવાય નહીં."
"દિક્ષુ, મનમાં આટલો બધો ગભરાટ ના રાખ."
"બેદરકારીને કારણે આપણું કામ બગડે એવું ના થાય વિરુ! એની પૂરેપૂરી તકેદારી રાખજો."
"અહીંની પરિસ્થિતિને હું મેનેજ કરી લઈશ. ડોન્ટ વરી અબાઉટ ધેટ. પહેલાં હું એવું વિચારતો હતો કે, બધાં સારા જ હોય, હું દરેક વ્યક્તિ ઉપર ભારોભાર ભરોસો મૂકીને ચાલતો હતો. પણ એવું નથી. પહેલાં જેવું કશું હવે નહીં થાય."
એની સાથે વેલ્ડીંગની જેમ ફીટ થયેલી યાદો ને ભૂતકાળમાં વિતાવેલી એ ક્ષણો દિક્ષાના ગળામાં મોટા ડુસકા સાથે મનમાં તો ઘણું બધું ભરાઈ ગયું હતું. એનો શ્વાસ રુંધાઈ રહ્યો હતો. એ દડદડ અશ્રુઓનો વરસાદ વાટે વહી નીકળ્યું. ધ્રુસકે ચડેલી દિક્ષાના મગજમાં ભરાઈ રહેલો અત્યાર સુધીનો દાવાનળ ભડભડ બળબળતો હતો. વિરાજ ઉપર વ્યક્ત ન થઈ શકેલો ગુસ્સો, એમાંથી જન્મેલી હતાશા, વિરાજને ખોવાનો ડર, એ બધું જ વહેતું રહ્યું. આ બાજુ વિરાજની આંખો અને હૈયુંય આજે કાબૂ બહાર નીકળી ગયું હતું. આજે હળવાશ મહેસૂસ કરી રહ્યો હતો. હૉસ્પિટલમાં નીરવ શાંતિએ હુંકાર કર્યો. વિરાજ વાતો કરતો હતો દિક્ષા સાથે પણ નજર તો દરવાજે જ મંડાયેલી હતી.©
ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 60 માં પોતાનાથી થયેલી ભૂલોના રચાયેલા કેદખાનામાં વિરાજ પોતે જ પૂરાઈ ગયો હતો. હવે તરફડીયા મારવાનો કોઈ ફાયદો ન હતો. એમાંથી નીકળવાનો કારસો એણે જ રચવાનો હતો.