Steps to Success - 7 in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | સફળતાનાં સોપાનો - 7

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

સફળતાનાં સોપાનો - 7

નામ:- સફળતાનું સોપાન છઠુ - હિંમત(Courage)
લેખિકા:- સ્નેહલ જાની

નમસ્તે મિત્રો.
ફરીથી સ્વાગત છે તમારું મારી આ ધારાવાહિક 'સફળતાનાં સોપાનો'માં. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર આટલો સરસ પ્રતિસાદ આપવા બદલ. આશા રાખું છું કે તમે આ ભાગની રાહ જોઈને બેઠા હશો.😊

અગાઉ આપણે જોયું કે કેવી રીતે યોગ્યતા અને એકાગ્રતાનાં સમન્વયથી સફળતા મેળવી શકાય છે. પોતાની કલ્પનાશક્તિ અને જરૂરિયાતનો ઉપયોગ કરી સર્જનાત્મકતા દ્વારા કોઈક ઉપયોગી શોધ કરી શકાય છે. આજે આપણે જોવાના છીએ સફળતાનું છઠુ સોપાન courage એટલે કે હિંમત. મિત્રો, વ્યક્તિમાં હિંમત ક્યારે આવે?

મારા મતે વ્યક્તિમાં હિંમત હોવાનાં કે આવવાનાં ઘણાં બધાં પરિબળો છે, જેમ કે, ખૂબ નાની ઉંમરે ઘણી બધી જવાબદારીઓ આવી પડવી, પીઠ પાછળ ઘણું મોટું પરિબળ સાથ આપતું હોય, કોઈનાથી ડરતાં ન હોય, કે પછી કોઈની પડી ન હોય.

પણ અહીં આપણે ચર્ચા કરવાની છે સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નની શરૂઆત કરવા માટેની હિંમતની. ઘણી વાર એવું બને છે કે વ્યક્તિ પાસે યોગ્યતા હોય છે, એ કામ કરી શકવા સક્ષમ હોય છે, એની સર્જનાત્મકતા પણ ખૂબ ઊંચી હોય છે, પણ એને હંમેશા એ વાતનો ડર રહે છે કે હું નિષ્ફળ થઈશ તો? મારુ કામ કોઈને નહીં ગમશે તો? અને આવા જ કારણોથી એ કામની શરૂઆત કરવાની હિંમત કરતી નથી. આવી વ્યક્તિને કોઈ યોગ્ય માર્ગદર્શકની જરુર છે. જો એ માર્ગદર્શક માત્ર એ વ્યક્તિમાં રહેલ ડર દૂર કરી દેશે ને તો પણ પેલી વ્યક્તિ હિંમતપૂર્વક આગળ વધશે.

વિચારો કે જો હાલમાં જે ટોચના ઉદ્યોગપતિઓ છે તેમણે પોતાનો બિઝનેસ ચાલુ કરવા માટે હિંમત ભેગી ન કરી હોત અને શરૂઆતમાં જ હથિયાર હેઠા મૂક્યા હોત તો શું એમની આટલી પ્રગતિ થઈ શકી હોત? ક્યારેય નહીં. આપણી ગોલ્ડન ગર્લ હિમા દાસ, સૌ જાણે જ છે કે કેવા કેવા સંઘર્ષો પછી એ આજે અહીં પહોચી છે! જો એણે હિંમત ન બતાવી હોત તો કદાચ કોઈક સાથે લગ્ન કરીને ગુમનામ થઈ ગઈ હોત.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ધંધો શરુ કરવા બાબતે સલાહ લેવા આવે ત્યારે એને એનાં નકારાત્મક અને સકારાત્મક બંને પાસાઓ સમજાવવા, પણ નકારાત્મક પાસાઓ એવી રીતે સમજાવવા કે એ વ્યક્તિની હિંમત ભાંગી જવાને બદલે એ આવનાર મુસીબતનો સામનો પૂરી હિંમતથી કરે અને સફળ પણ થાય.

ચાલો એક નાનકડી વાર્તાથી આ વાત સમજીએ.

એક છોકરો - અત્યંત ગરીબ ઘરનો. ઘરમાં બે વખત જમવાના પણ ફાંફાં પડતાં હતાં. પણ એને ભણવાની ખૂબ જ ધગશ. ક્યારેય ક્લાસમાં પાછો ન પડે. હંમેશા પ્રથમ પાંચમાં જ નંબર લાવે. પ્રાથમિક શિક્ષણ તો જેમ તેમ પૂરું કર્યું, પણ હવે આગળ ભણવા માટે પૈસાની તંગી પડવા લાગી. ભણવું તો હતું જ. એ, એનાં માતા પિતા બધાં વિચારવા લાગ્યા કે હવે શું? પછી અંતે એ છોકરાએ જ કહ્યું કે એ ભણવાની સાથે સાથે કામ પણ કરશે. જે કમાણી થશે એ એનાં ભણતર માટે વાપરશે. એનાં માતા પિતાએ સહમતિ દર્શાવી. ખાવા પીવાનો તમામ ખર્ચ માતા પિતા ઉઠાવશે અને ભણવાનો એ છોકરો પોતે.

એનાં પિતાનો શાકભાજીનો ધંધો હતો, પણ બહુ મોટા પાયે ન હતો. એટલે સાંજના સમયે એ છોકરો પણ પિતાને મદદ કરવાને બહાને બજાર જતો. જ્યારે ગ્રાહક ન હોય ત્યારે બેસીને એ વાંચતો. સવારે એ ઘરે ઘરે જઈને પેપર વહેંચતો. આમ, એ પોતાનું ભણતર પોતાનાં જ ખર્ચે ભણી રહ્યો હતો. આગળ જતાં પોતાનું ભણતર પુરુ કરીને એ શાકભાજીનો જ મોટો વેપારી બની ગયો. હવે એ બજારમાં જતો ન હતો, નાનાં વિક્રેતા એની પાસે શાકભાજી ખરીદતાં હતાં. આગળ જતાં તેણે પોતે જ શાકભાજીની ખેતી શરૂ કરી. એ ઈમાનદારીથી કામ કરતો હોવાથી એની પાસે શાક લેવા આવનાર વિક્રેતાઓ પણ વધતા ગયા અને પછી તો એવી હાલત થઈ ગઈ કે એણે પોતાનાં કામને પહોચી વળવા માણસો કામ પર રાખ્યા. એનાં પિતા એની સાથે બેસે છે, પરંતુ સંપૂર્ણ નિવૃત્તિ લઈને. પોતાનાં અનુભવને આધારે એ પોતાનાં દીકરાને સલાહ સૂચનો આપતાં.

હવે તમે જ કહો જો આ છોકરાએ હિંમત હારીને ભણવાનું છોડી દીધું હોત તો? એ ન તો આગળ ભણી શક્યો હોત કે ન તો પોતાનાં પિતાનો ધંધો મોટા પાયા પર આગળ વધારી શક્યો હોત! એની હિંમત જ એને અહીં સુધી લાવી હતી.

માટે જ મિત્રો, ક્યારેય જીવનમાં નાસીપાસ ન થવું. હિંમત હારી જઈશું તો ક્યારેય સફળતા મેળવી જ ન શકાશે. બીજા આપણને માત્ર પ્રેરણા જ આપી શકે છે, હિંમત તો આપણે જાતે જ ભેગી કરવી પડશે. આ જ હિંમત આપણને સફળતા અપાવશે.

ન હાર એ માનવી મુસીબતોથી,
મુસીબતો છે પરીક્ષા જીવનની,
કર સામનો મુસીબતનો હિંમતથી,
મળશે સફળતા કદમ કદમ પર!

વાંચવા બદલ આભાર🙏
જય શ્રી કૃષ્ણ.
- સ્નેહલ જાની