અનેરી તો અન્ય વિચારે વિચારવા લાગી,પણ કવનનું મન ડિસ્ટર્બ થઈ ગયું.....
કૃપાલ:-"અરે શું થઈ ગયું આટલી વારમાં લંચ બ્રેક પહેલા તો મૂડ સારો હતો ભાઈ નો?"
કવન:"અમસ્તુ. કંઈ જ નથી થયું".
કૃપાલ:-"અમસ્તું કંઈ ન થાય બોલ શું થયું?"
કવન:-"અચાનક ઘર યાદ આવી ગયું."
કૃપાલ:-"તને કોઈ દિવસ ઘર ભુલાવાનું જ નથી કેમકે તારે ઘર ભુલવુ નથી, ચાલ આજે કોઈ મસ્ત ફિલ્મ જોવા જઈએ."
(બંને વચ્ચે વાતચીત ચાલુ છે ત્યાં ઋચા મેમ આવે છે.)
ઋચા:-"ક્યાં જવાની વાત ચાલે છે?"
કૃપાલ:-"સારું થયું તમે આવી ગયા હવે સાથે ફિલ્મ જોવા જઈશું".
કવન:-"અમે સાંજે ફિલ્મ જોવા જવાનું વિચારીએ છીએ."
ઋચા:-"તો તો હું નહિ જોડાઈ શકું, મને એમાં રસ પડતો નથી. મને સપના ની દુનિયામાં નહી પરંતુ સપના સાચા કરવામાં રસ પડે છે."
કૃપાલ:-(હસતા હસતા) કવન તારે આવું છે સપનાની દુનિયામાં કે અહીં જ બેઠા બેઠા સપના પુરા કરવા છે?"
કવન:-"ના મને સાથે આવું ગમશે."
કૃપાલ:-"ઓકે ડન 6:00 વાગ્યે મળીએ."
(કૃપાલ નીકળી જાય છે)
ઋચા:-"ઘરે જવાનો હમણાં?"
કવન:-"નામ મેમ, હમણાં વિચાર નથી કેમકે બે દિવસ જઈશ તો ફરી પાછુ અહીં અઠવાડિયું નહીં ગમે."
ઋચા:-"સાચી વાત પણ હું તેમાં પૂરેપૂરી સહમત નથી, હું તો થોડો સમય એકલી રહી શકું એટલે જ આ નોકરી સ્વીકારી છે."
કવન:-"સોરી મેમ, તમને ખરાબ ન લાગે તે એક પ્રશ્ન પૂછું?"
ઋચા:-"એમાં ખરાબ શું લાગે ,મને નહી ગમે તો હું જવાબ નહી આપુ."
કવન:-"તમારે એકલા રહેવાની શું જરૂર છે?"
ઋચા:-"ફક્ત મારે નહીં મારા પતિને પણ."
કવન:-"હું કંઈ સમજ્યો નહીં."
ઋચા:-"અમે બંને એકબીજાની એટલા નજીક આવી ગયા કે સંબંધમાં ગૂંગળામણ પ્રવેશવા લાગી."
કવન:-"માફ કરજો મેમ, હું તમારી લાઈફ ની અંદર ઈન્ટરફિઅર કરવા નથી માંગતો."
ઋચા:-"મારી જિંદગીમાં અંદર-બહાર જેવું કશું જ નથી જે બહાર દેખાય છે તે જ અંદર છે. હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યને સાથે લઈ દરિયાની જેમ એક જગ્યાએ સીમામાં રહીને રહેવા નથી માગતી અને મારા પતિ બધું સંસ્મરણ માં સાચવી સ્થિરતાને સ્વીકારી ફક્ત સંવેદના મા જીવવા માગે છે કવન."
કવન:-"તેમાં ખોટું શું છે?"
ઋચા:-"અમારા બંનેમાંથી કોઈ ખોટું નથી પણ અમારા બંનેનું સત્ય અલગ અલગ છે અને એકબીજાના સત્ય સુધી પહોચવાનો માર્ગ અમે જાતે પસંદ કરેલો છે."
કવન:-"તમારા પતિ?"
ઋચા:-"મારા પતિ વતનમાં જ છે એક સરસ, તેના મતે સફળ અને સંતોષપૂર્ણ જીવન વિતાવે છે પણ મને આગળની જીંદગીમાં વધારે સંતોષજનક સફળતા દેખાય છે તેમને નાનકડા town city માં નિવૃત્ત થવું છે અને મને સપનામાં પણ મેટ્રોસિટી દેખાય છે....." "અને એટલે જ અમે બંને એકબીજાને ખુશ રાખવા થોડો સમય એકબીજાને એકલતા આપી વિચાર કરવાનો સમય આપ્યો છે અને થોડો સમય દૂર રહેશું તો એકબીજા સુધી પહોંચવાનો માર્ગ શોધતા થઈ જાશું."
કવન:-"ખૂબ જ સારી હકારાત્મકતા છે મેમ તમારા બંનેમાં."
ઋચા:-"તું મને મેમ નહિ કહે તો ચાલશે."
કવન:-"હવે તો આદત થઈ ગઈ છે મેમ."
ઋચા:-"સારું મને એક નવો મિત્ર મળ્યો જેની પાસે હું વ્યક્ત થઈ શકીશ."
કવન:-"ઓલવેઝ વેલકમ મેમ."
💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮
અનેરી ઘરે આવી ત્યારે શિલ્પાબેન ફોનમાં કોઈ સાથે વાત કરતા હતા.
અનેરી:-"મમ્મી... મમ્મી.... ક્યાં ગઈ?"
શિલ્પાબેન:-"હા બેટા બોલ."
અનેરી:-"કંઈ નહીં તું રિપોર્ટ કરાવી આવી?"
શિલ્પાબેન:-" હા, બે દિવસ પછી રિપોર્ટ આવશે."
અનેરી:-"સારુ, પપ્પા ક્યાં?"
શિલ્પાબેન:-"તારા પપ્પા તેના કોઈ મિત્ર અમેરિકાથી આવ્યા છે તેને મળવા ગયા છે, રાત્રે જમીને આવશે."
અનેરી:-"તો આજે આપણે બંને ફ્રી એમ ને?"
શિલ્પાબેન:-" હા, હા હું વિચારતી હતી કે આજે તારો કબાટ ગોઠવીએ".
અનેરી:-"ના ભાઈ ના આજે નહીં આજે તો મારો એક બીજો વિચાર છે. રસ્તામાં જ વિચારતી હતી કે આપણે બંને ક્યાંક ફરવા જઇએ?"
શિલ્પાબેન:-"હવે ક્યાં જવું છે હમણાં તો તું બહારથી આવી?"
અનેરી:-"એ તો હું આવીને તું ક્યાં ફરવા ગઈ છે આજે તો પાછી નવરાશ છે અને વરસાદ જેવું પણ છે ચાલ તને એક સરસ જગ્યાએ લઇ જવું. અહીંથી થોડે દૂર કાંઠા વિનાનો એક દરિયા કિનારો છે ત્યાં જઈએ ચાલ"
શિલ્પાબેન પણ જ્યારથી રિપોર્ટ કરાવી આવ્યા ત્યારથી ગમતું ન હતું એટલે જવા તૈયાર થઈ ગયા."
💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮
આ તે તારું કેવું ભીનું સ્મરણ....
બંધ થાય નયન ને બધું જ ઝરણ ઝરણ....
( ઇન્દિરા થાનકી)
સ્મરણ ને બંધન કેવું? સ્મરણ તો કઈ ગતિ અને કેવી ગતિએ ક્યાં ક્યાં લઈ જાય તેની કોઈ સીમા જ નથી..........
કવન અને કૃપાલ થિયેટરમાં 'હાફ ગર્લફ્રેન્ડ' ફિલ્મ જોવા આવ્યા અને કવન નું મન
યે બારિશ કા પાની.....
ગીત સાથે ન દેખાતા વરસાદમાં ભીંજાઈ રહ્યું હતું......
💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮
ઘણા વખતે શિલ્પાબેન અને અનેરી નિરાંતે બેઠા હતા શિલ્પાબેન ને વિચાર આવ્યો કે અત્યારે જ યોગ્ય સમય છે અને તેની સાથે થોડી વાત કરી લવું...
શિલ્પાબેન:-"અનેરી મને કાલે વિચાર આવતો હતો તારા માટે મૂરતિયો શોધવા માંડીએ, લગ્ન થોડા મોડા કરજે વાંધો નહીં , પણ સગાઈ કરી લઈએ તો કેવું?"
અનેરી:-"કોની વાત કરે છે?"
શિલ્પાબેન:-"તારા માટે હું અને તારા પપ્પા આમ તો શોધીએ છીએ પણ તારા મનમાં કોઈ વસી ગયું હોય તો કહે?"
અનેરી:-"મનમાં તો ઘણા વસી જાય હૃદયમાં વસે તે સાચું."
શિલ્પાબેન:-"એવું નથી હોતું અનેરી, આપણને જે સમજે તે સાચવી લે."
અનેરી:-"અને હું તેને નહિ સમજી શકું તો?"
શિલ્પાબેન:-"તને ગમે તેવું પાત્ર શોધીએ તો?"
અનેરી:-"તેને શોધવું ના પડે તે આપોઆપ સામે આવી જાય."
અને ત્યાં તો અનેરી ની હૃદયમૂર્તી, સાક્ષાત અનેરી ની સામે આવીને ઊભી રહી ગઈ....
સામેના રસ્તા પર એક જાણીતી આકૃતિ વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ એક પગ ફૂટ પારી પર અને બીજો પગ રસ્તા પર... ડોક્ટર અનિકેત જાની પોતાની ધૂનમાં ચાલ્યા જતા અનેરિને દેખાયા...
શિલ્પાબેન પોતાની વાત કરવા ઇચ્છતા હતા પણ અનેરીની આંખોમાં કંઈક અલગ જ ભાવ જોયો. ત્યાં તો શિલ્પાબેન ને ઉધરસ આવવાની શરૂઆત થઈ અને આ વખતે તો જાણે ઉધરસ કેવી? પાણી પીવા છતાંય બંધ થવાનું નામ જ ન લે અને અનેરી ઘરે જવા ઉતાવળી બની અને સાથે સાથે પ્રકૃતિ અદ્રશ્ય ચિંતાના વાદળોથી ઘેરાવા લાગી.......
(ક્રમશ)