પ્રકરણ- વીસમું/૨૦
ત્રણ મહિનાના પાંગરેલા ગર્ભ સાથે અડધી રાત્રે જ રાણી લાલસિંગની મબલખ મિલકતને ઠોકર મારીને તેની મમતાની માયાને મહેફૂઝ રીતે સંકેલીને ભાગી છુટી.
એ કળવું મુશ્કિલ હતું કે, ફાર્મ હાઉસ તરફ પુરપાટ દોડતી કારની ગતિ વધુ હતી કે લાલસિંગના ક્રોધાવેશમાં છટકેલી મતિની ગતિ. ફાર્મ હાઉસ પહોંચતા સુધીમાં તો લાલસિંગના મગજતંતુમાં કુતુહલના કંઇક જંતુ ખદબદવા લાગ્યા.
હજુ કારની ગતિ ધીમે પડે એ પહેલાં તો ઉતાવળે ઉતરીને સામે ગભરાઈને ઊભેલા રઘુને પૂછ્યું,
‘અલ્યાં, કેમનું થયું આ ?
લાલસિંગના પ્રકોપથી સારી રીતે પરિચિત રઘુ સ્હેજ થોથવાતા બોલ્યો,
‘ઈ.. શેઠ...રાણીબેન..રોજ વ્હેલી સવારે તેના નિયમિત સમયે ઉઠીને ફાર્મ હાઉસનો એક ચક્કર લગાવે છે.. પણ રોજિંદા સમય કરતાં આજે અડધો કલાક મોડું થતાં અમે બારણે ટકોરા માર્યા પણ..કોઈ જવાબ ન આવ્યો એટલે બારણાંને સ્હેજ ધક્કો લગાવતાં ઉઘડી ગયું... અને અંદર જઈને જોયું તો.. ઓરડો ખાલી.. પછી આખુ ફાર્મ હાઉસ ખુંદી માર્યું. આસપાસના વિસ્તારમાં’ય ફરી વળ્યાં, બુમો પણ પાડી પણ ક્યાંય પત્તો જડ્યો નહીં.’
‘એલા બુદ્ધિનાના બળદીયા પહેલાં મને ફોન ન કરાય ? આવેશ પર અંકુશ રાખીને આટલું બોલ્યા પછી લાલસિંગે રાણીના રૂમમાં આવીને જોયું તો બધું જ સુવય્વ્સ્થિત એમ ને એમ પડ્યું હતું. રાણીએ તેના વસ્ત્રો સિવાય કોઈ વસ્તુને હાથ નહતો અડકાવ્યો.
ગાંડાતુર ગજરાજની જેમ દિશા શૂન્ય થઈને દોડતાં અવિચારણીય અશ્વને કેમ અંકુશ કરવો એ લાલસિંગ માટે એક સાથે અનેક મોરચે લડવા જેવું કપરું કામ હતું.
જે ગતિ એ આવ્યો હતાં તેની બમણી ગતિ એ આવ્યાં બંગલા પર. અને બંગલે પહોંચે એ પહેલાં રણદીપને શક્ય એટલી ઝડપે બંગલે પહોંચવાનું કહેતા રણદીપ પણ બંગલે આવી ગયો હતો.
કુસુમ પણ ગર્ભવતી છે એ વાત છુપાવવા રાણીની સાથે સાથે કુસુમને પણ લાલસિંગે એક ખુફિયા અને સુરક્ષિત સ્થળ પર રાખી હતી.
લાલસિંગનું આટલું રૌદ્ર સ્વરૂપ રણદીપ પહેલી વાર જોઈ રહ્યો હતો..
‘શું થયું લાલ ?’. રણદીપે પૂછ્યું...
રુદ્રાવતારમાં રોષરાગનો રાગડો તાણીને લાલસિંગ બે હાથ ઉંચા કરીને હલાવતાં તાડૂક્યા...
’ભાગી ગઈ ઓલી... ઈ ભુલકું જણે એ પહેલાં તો ભરોસાની ભેંસે પાડો જણ્યો.’
‘કોણ.. રાણી ? અચંબા સાથે રણદીપે
‘હા, અત્યારે તો એ રાણી એ મારી હાલત ગુલામ જેવી કરી નાખી છે.’
‘હવે એને ક્યાં ગોતવી ? ‘ ફરી રણદીપે પૂછ્યું..
બે મિનીટ વિચારીને લાલસિંગ બોલ્યા..
‘તું પહેલાં ઝટ એક કામ કર, ગમે ત્યાંથી પેલા રણજીતને ઉઠાવી લાવ. પણ જો એને કંઈ વાત ન કરીશ. આ રણજીત અને રાણીનું કાવતરું જ છે.’
‘હમણાં લઇ આવું. અને જો મને કોઈ કાવતરાની ગંધ આવી તો..એનો વાંહો કાબરો કરી નાખીશ તું જો જે.’ ગુસ્સાના જુસ્સામાં આવતાં રણદીપ બોલ્યો.
‘પણ, પહેલાં મને વાત કરીને ખાત્રી કરી લેવા દે. આપણે ધારીએ છીએ એટલો આ મામલો સહેલો નથી. મને તો એવું લાગે છે, કયાંય આપણું કળ અને બળ બન્ને ટૂંકું ન પડે.’ અગમચેતીના આગાહીનો અણસાર આવી જતાં લાલસિંગ તેના બળાપા પર બ્રેક મારતાં બોલ્યા.
‘જી, ઠીક છે, હું રણજીતને લઈને ઝટ આવું છું.’
એમ કહીને રણદીપ ઉતાવળે રવાના થયો.
હવે લાલસિંગનો ભરડો લીધો વિમાસણના વંટોળે.
રાણી જતી રહી તેના કરતાં પણ વધુ આંચકો અને અચંબો લાલસિંગને એ વાતનો લાગ્યો કે એક એવી બાઈ કે જેને બે ટંક ભરપેટ ભોજનમાં જ સૃષ્ટિના સમગ્ર સુખની સંતુષ્ટી થઇ જતી હોય એવી સ્ત્રી આજીવન ભરપુર દોમ દોમ સાહ્યબી ભોગવવાની સુવર્ણતકને ઠોકર મારીને કઈ રીતે જઈ શકે ? ક્યાં, શું ખૂટ્યું ? અત્યાર સુધી તેની વાત કે વર્તણુક પરથી કોઈ લાલચના ચિન્હો નહતા દેખાયા કે નહતી કોઈ શરત મુકી અથવા કોઈ મોટી રકમની માંગણી કે બાહેંધરીની વાત કરી તો પછી અચાનક શું થયું હશે ? રણજીતની કોઈ ચાલ હશે ? અને હવે તેને શોધવી પણ ક્યાં ? પોલીસ ફરિયાદ પણ ક્યા આધારે કરવી ? પિતૃત્વની પાઘડી પહેરવા પરંપરાગત પેઢી દર પેઢીથી અકબંધ ચાલી આવતી પૈતૃકની પ્રતિષ્ઠાની પણ પત્તર ઠોકી નાખી. ફરજંદ પાકે એ પહેલાં ફજેતાનો ફજેતફાળકો ફેર ફુદરડી ફેરવી ગયો. એક મામુલી તરુણી લાલસિંગના સામ, દામ, દંડ અને ભેદના ભૂંગળાની પીપુડી વાળીને તેના ગલોફાંમાં ખોસતી ગઈ. વારસની આસ તૂટતા ઉકળતા લાવારસની માફક ભભૂકતો લાલચોળ લાલસિંગ તેની આ મહામુર્ખામી પર કાબુ બહારનો કોપાયમાન થયો હતો.
લાલસિંગની લાઈફમાં પૈસો, પદ, પ્રતિષ્ઠા, પાવરથી મુકેલા પ્રસ્તાવના પ્રત્યુતરમાં પ્રથમવાર તેને આવા અવળા પ્રતિકારનો પરિચય થયો હતો.
અડધો કલાકમાં રણદીપ સામાન્ય લાગતી પરિસ્થિતિમાં રણજીતને લઈને આવ્યો. રણજીત આ અકલ્પિત ઘટનાથી સાવ અજાણ જ હતો. એને એમ કે ફરી લાલસિંગ જેવી દૂઝણી ગાયને દોહવાનો લાહવો મળ્યો છે. લાલચુ અને લંપટ રણજીત મનમાં ને મનમાં લાખોના લાડવા વાળતા લાલસિંગના પગ પાસે બેસીને બે હાથ જોડતા બોલ્યો..
‘એ.. શેઠ ને ઘણી ખમ્મા... હુકમ કરો બાપલા.. આ તમારો દાસ આવી પુઈગો.’
મણના હિસાબે જ માખણ ચોપડતા રણજીત બોલ્યો.
લાલસિંગને થયું કે પહેલાં માખણ તારવી લઉં પછી એક જ તાવડામાં રણજીત અને માખણ બન્નેને તળી નાખીશ.
‘જો રણજીત હું એક જ વાર પૂછીશ.. જે હોય એ સાચે સાચું કહી દેજે.. નહીં તો જો આ રઘવાયો રણદીપ આંખ મીંચીને તૂટી પડ્યો તો...આખી જિંદગી ભેગા કરીશ તોય તારા હાડકાં ભેગા નહીં થાય સમજી લે જે.’
રણજીત તો મનમાં રાજ્યાભિષેકના મનોરથ લઈને આવ્યો’તો અને અહીં તો વનવાસ નહીં પણ સીધા વૈકુંઠના વિઝાનો ઠપ્પો મારવાની મારામારી કેમ ચાલી રહી છે એ જાણીને રણજીતને થયું કે હવે તો રામાપીર રખોપા કરે તો સારું એવું મનોમન બબડતા અને થથરતાં માંડ માંડ બોલ્યો..
‘હેં.. શેઠ મારા જેવા અભણથી કોઈ ચૂક થઇ છે ?
‘રાણી ક્યાં છે ? લાલસિંગે પૂછ્યું.
આખા ઘટનાક્રમનો સ્હેજ પણ અણસાર રણજીતને નહતો. એટલે આ સવાલ સાંભળતા જ નવાઈ સાથે રણજીતે પૂછ્યું.
‘મારાં માલિક, ત્રણ મહિનાથી તો એ ક્યાં છે ઈયે મને નથ ખબર. હું તમને સોંપીને વયો ગ્યો’તો. પણ શું થયું?’
‘રાણી ભાગી ગઈ છે...અને તારા સિવાય એ આવડું મોટું પગલું ન ભરે. તમારા બન્નેની આ ચાલ હતી કે, આ રીતે લાલસિંગને જાલસાજીની જાળમાં ફંસાવીને રાતોરાત અમીર બનવાના ઓરતા જાગ્યા’તા એમ ? હજુ છેલ્લી વાર પૂછું છું, જે હોય એ બકી નાખ નહીં તો સરખાઈનો ઠોકી નાખીશ.’ લાલસિંગનો બળાપો હવે બોર્ડર લાઈન પર આવી ગયો હતો.
રાણી ભાગી ગઈ ? પારાવાર પ્રકોપથી ધૂણતા લાલસિંગના આટલાં શબ્દો સાંભળતાં તો રણજીતના એવું લાગ્યું કે હવે અંતિમ સંસ્કાર પણ નસીબમાં હોય તો સારું.
રડમસ અને દયામણા ચહેરે બે હાથ જોડીને આજીજી કરતાં રણજીત બોલ્યો..
‘શેઠ... તમ તમારે જે સમજતાં હોઈ ઈ.. ભૂખ્યા પેટે ઘણી રાતો કાઢી છે પણ કોઈના ગળા નથી કાઈપા. અને અમારા જેવા અભણ માણહનું આ સેરના બાપને છેતરવાનું શું ગજું ? મારા રામાપીરના હમ રાણીની મને કોઈ ભાળ નથ અને ત્રણ મહિનાથી મેં ઈને જોય જ નથ.’
‘લાલ... આ રીઢા ગુનેગાર ગડદાપાટું સિવાય બીજી કોઈ ભાષા નહીં સમજે.. હમણાં ઊંધાં હાથની બે પડશે એટલે મંડશે પઢાવેલો પોપટ પટપટ બોલવા.’ રોષમાં આવેલો રણદીપ બોલ્યો..
હજુ લાલસિંગ કશું બોલે એ પહેલાં તો રણદીપે રણજીતના જડબામાં એક લાત મારીને પાડી દીધો... અને નિર્દોષ રણજીતની રાડ ફાટી ગઈ. રીઢા ગુન્હેગારની જેમ રણદીપે રણજીતને બેહદ ઢોર માર માર્યો.. પણ છેલ્લે સુધી મારની પીડાથી કણસતો રણજીત બે હાથ જોડી કાકલુદી કરવા છતાં તેની નિર્દોષતા સાબિત ન કરી શક્યો.
અસહ્ય માર અને રણજીતના શબ્દો પરથી લાલસિંગને લાગ્યું કે, આ ષડયંત્રમાં તે સામેલ નથી. એટલે ધમકી આપીને તગેડી મુક્યો.
રાતોરાત અંધારામાં ઓગળી ગયેલી રાણીના તપાસનો તાગ મેળવવા સતત પંદર દિવસ સુધી લગાતાર લાલસિંગે ઉગામેલા બધાં જ હથિયાર અંતે બુઠ્ઠા નીકળ્યા.
કુસુમને પરત બોલાવીને વિગતવાર બધી વાત કહી સંભળાવતા.. કુસુમ બોલી..
‘ખોટું ન લગાડતાં લાલ પણ.. તમે જર ના જોરે તમારી જીદ્દમાં ભાન ભૂલીને વિધિના વિધાન જેવી લાલટરેખા ભૂંસવાની ભૂલ કરી બેઠાં. મિલકતથી સ્ત્રીની કાયા વશમાં થાય માયા નહીં. નવી નક્કોર કડકડતી નોટના સુગંધ જેવી મમતા અને માયા મેળવતાં પહેલાં માથું મુકવું પડે. જોયુંને તમારો અંશ અને વંશ રાણીને તેના જીવથી પણ કેટલો વધુ વ્હાલો છે. લાલસિંગની પહોંચ અને પૈસોને હડસેલીને હથેળી પર જીવ લઈને હાલી નીકળીને. સંતાન સુખની સંપતિ સામે તો મહાલક્ષ્મીનું રાજસ્વ પણ ટૂંકું પડે એ વાત મારી મારા જેવી વાંઝણીથી વિશષ કોણ સારી રીતે સમજી શકશે ?..
આટલું બોલતા કુસુમ તેનું રુદન ન રોકી શકતાં ઉઠીને બાલ્કનીમાં જતી રહી.
અને આ તરફ.....
રાણી.....એક નિમ્ન કરતાં પણ ન્યુનત્તમ કક્ષાની અભણ સ્ત્રીએ એકલપંડે એકે હજારા જેવા લાલસિંગ સામે માતૃત્વના બળે બંડ પોકારીને બગાવત કરવાની ગાંઠ મારી લેતા અંતે..પુર્વાનુભ્યાસ કરીને રાત્રીના એક વાગ્યા પછી સૌની નજર ચુકાવીને ફાર્મ હાઉસના પાછળના ભાગેથી ભાગી છૂટવામાં સફળ રહી...દોડતાં ને ચાલતાં અંધારી રાત્રે સુમસામ રસ્તો પાર કરીને આશરે ત્રણેક કિ.મી. પછી આવી મેઈન હાઇવે પર..
બળિયા નસીબના જોરે એક ભલો માણસ રાણીને તેના ટ્રકમાં બેસાડીને શહેરમાં નિશુલ્ક ઉતારી ગયો. ક્યાં જવાનું છે ? એ ખુદને ખ્યાલ નથી. ઓટો રીક્ષામાં બેસીને આવી રેલ્વે સ્ટેશને. ચહેરો સાડીના પાલવની આડમાં ઢાંકીને ઘાંઘાની જેમ આમ તેમ જોતી એન્ટર થઇ પ્લેટફોર્મમાં. ક્યાં જવું ? શું કરવું ? પહેલાં નક્કી કર્યું કે આ શહેરથી દુર જતું રહેવું. એટલે સામે પડેલી ટ્રેનમાં ઘુસી ગઈ.
સમય હતો રાત્રીના ત્રણ વાગ્યાનો.
કશી જ ગતાગમ વગર ફર્સ્ટ ક્લાસ ટુ ટાયર એ.સી. કોચમાં દાખલ થઇ ગઈ. ટ્રેન ઉપડવાને અડધો કલાકની વાર હતી. એક સીટ પર શિક્ષિત લાગતી જીન્સ અને ટોપમાં સજ્જ એક યુવતી બેઠી હતી, તેના પગ પાસે જઈને રાણી બેસી ગઈ. વીખલાયેલા વાળ, સુકાયેલું ગળું. ચહેરા પર એક છુપો ડર. સામાનમાં એક ગાંઠ વાળેલું પોટલું.
આશ્ચર્ય અને વિનમ્રતાઅને ખુબ શાંતિથી પેલી યુવતીએ પુછ્યું,
‘તમારે ક્યાં જવું છે બેન ?
જે સજ્ન્નતા અને સ્નેહસભર શબ્દોના સ્વર સાથે પેલી યુવતીએ પૂછ્યું.. ત્યાં છેલ્લાં ત્રણ મહિનાથી રાણીની ભીતર ભારોભાર ભરાયેલા વ્યથાની વેદના આંસુ વાટે ચુપચાપ વહેવા લાગી.
એટલે પેલી યુવતીએ રાણીની હરકતથી હૈરત થતાં હમદર્દીથી પૂછ્યું,
‘અરે.. કેમ રડો છો. ? ક્યાં જવું છે તમારે ? એકલા છો ? અને આ હાલતમાં
હું એટલા માટે પૂછું છું કે, આ ફર્સ્ટ ક્લાસનો કોચ છે, કયાંક ગલફતથી તો તમે નથી ચડી ગયા ને ?
તીવ્ર તરસથી સખત ગળું સુકાતું હતું. એટલે રાણીએ પૂછ્યું..
‘બેબે...બેન તમારી પાસે પાણી છે ?’ એમ કહેતા પેલી યુવતીએ તેની પાણીની બોટલ આપતાં રાણીએ ઉઘાડીતા જ અદ્ધર રાખીને એ રીતે ગટગટાવી જાણે કે વરસોથી તરસી હોય. એ પછી તૃપ્તિ સાથે નિરાંતનો શ્વાસ લેતા રાણી બોલી..
‘બેન..આ ડબામાં નઈ હું તો આ જગતમાં જ ભૂલથી આવી ગઈ છું. ક્યાં જાવું છે ? શું કામ જાવું છે ઈની કઈ ખબર નથ.’
રાણીના અસમંજસભર્યા જવાબથી યુવતીને વધુ આશ્ચર્ય થયું.
‘શું નામ છે તમારું ? ક્યાં રહો છો ?
થોડીવાર વિચાર્યા પછી રાણીને થયું કે, હવે નવી જગ્યાએ, નવી જિંદગી નવા નામથી શરુ કરીશ. એટલે બોલી..
‘દેવિકા, રહું છું તો અંયા જ પણ હવે અય નથ રેવું.’
‘તો ક્યાં જશો ? યુવતીએ પૂછ્યું.
‘ઈ નથ ખબર ? પણ બેન કાક બે ટેમના રોટલા અને માથું ઢાકવા છત મલી જાય તો રામાપીરનો પાડ’
‘પણ.. તારા ઘરવાળા, કોઈક તો હશે ને ?
રાણીને થયું આ સારા ઘરની બાઈ છે, એને મારું દુખડું સંભળાવું, રખેને તેના મનમાં રામ વસે તો મને કંઇક આશરો મળી જાય. એમ વિચારતાં બોલી...
‘બેન.. મારા પેટમાં ઈનું બચું છે. ઈ એમ કે છે કે તું આ બચું પડવી નાખ. એટલે હું ઘેરથી બે જીવને બચાવા હાલી નીકળી. હવે રામાપીર મારગ સુજાડે ન્યા જાય.’
પછી આસું સારતાં યુવતી તરફ બે હાથ જોડીને એક ભિક્ષુકની જેમ દયાની ભીખ માંગતા રાણી બોલી..
‘બેન.. મને તમારી ભેળી લઇ જાઓ. આખો જન્મારો તમારી ચાકરી કરેય. તમારો અપકાર મરતા લગણ નઈ ભૂલું. બસ, મારા પંડ માંયલો જીવ પગભર થય જાય ત્યાં લગણ જીવી જાઉ તો ઘણું. અને.... મારી કને ટકટ રૂપિયા’ય છે.’
એમ કહીને ધ્રુજતા હાથે પોટલું ખોલીને તેમાં લાલસિંગે રાજીખુશીથી આપેલા પાંચ હજાર કાઢીને યુવતીની સામે ધરતાં બોલી..
‘બેન આટલા પૈસામાં તો ટકટ આવી જાહે ને ?
ભારોભાર વ્યથા કરતાં રાણીની આંખમાં ઉભરાતી તેના સચ્ચાઈની ચમકથી પેલી યુવતી અંજાઈ અને મુંજાઈ ગઈ.. શું બોલવું ? શું કહેવું ? એક અભણ સ્ત્રી તેના બાળકને જીવાડવા રાજીખુશીથી બેધડક કઈ હદ સુધીની કુરબાની આપવાં તૈયાર છે ? આટલું વિચારતાં તો યુવતીના આંખોની કોર ભીની થઇ ગઈ..
‘આવો અહીં સીટ પર બેસો. મારું નામ અવંતિકા છે અને હું એક ડોકટર છું. અને હું તો છેક દિલ્હી રહું છું. તમે છેક ત્યાં આવશો ? તેનો પરિચય આપતાં અવંતિકા બોલી.
‘અરે.. બેન છેક ને ઓલા યમરાજના ઘર લગણ પુગી ગઈ’તી તો...આ તમારું દેલી ઈથી તો છેટુ નથ ને ? અને જેને દાડા જ કાઢવાના હોય ઈને શું ફરક પડે મેલ માં હોય કે જેલમાં ? રાણી તેની આગવી છટામાં જવાબ આપતાં બોલી.
અવંતિકા મનમાં વિચારતી હતી કે, છે અભણ, પણ તેની સોચ કે સમજણમાં અક્ષરજ્ઞાનની ઉણપ દેખાતી નથી. અને માણસાઈ દ્રષ્ટીએ એક સ્ત્રી થઈને એક નિસહાય, મજબુર ગર્ભવતી સ્ત્રીને આ રીતે તેના હાલ પર છોડી દેવા અવંતિકાનો અંતરઆત્મા મંજુર નહતો. અને માનવ ધર્મની સાથે મારા કર્મનો મર્મ છે લોકોનો જીવ બચાવવાનો. એટલે થયું કે જ્યાં સુધી આ પગભર ન થઇ જાય ત્યાં સુધી તેને સાથે રાખીને શક્ય એટલી સહાય કરવી. એ રીતે રાણી.. દેવિકા નામ ધારણ કરીને અવંતિકા સાથે દિલ્હી આવી પહોંચી..
અવંતિકા દેસાઈ.
ધનવાન કુટુંબની એકમાત્ર પુત્રી. મૂળ વતન ગુજરાતમાં. ત્રણ પેઢીથી તેમનો પરિવાર ધંધાર્થે દિલ્હી સ્થાયી થયો હતો. બે વર્ષ પહેલાં જ એમ.બી.બી.એસ. કમ્પ્લીટ કરીને ગત વર્ષે તેના જ કોલેજ મિત્ર અને ડોકટર ધ્વનિલ શાહ સાથે લગ્નેત્તર સંબંધમાં જોડાઈને દાંપત્યજીવનમાં ડગ માંડ્યા હતાં. બે દિવસ પહેલાં આ શહેરમાં આવી તેના કઝીન સિસ્ટરના મેરેજ એટેન્ડ કરીને આજે દિલ્હી પરત ફરી રહી હતી.
અવંતિકાએ તેના રેસીડેન્સના સર્વન્ટ હાઉસમાં જ રાણીના રહેવા અને કામની વ્યવસ્થા કરી આપી હતી. અને અવંતિકાના ઉપકારના બદલાની અવેજીમાં રાણીએ પરસેવા સાથે તેની બેજોડ ઈમાનદારીનો પુરાવો પૂરો પાડીને અવંતિકાના હ્રદયમાં સદાય માટે તેનું એક આગવું સ્થાન સ્થાપિત કરી દીધું હતું.
એક દિવસ એ ખુશીહાલીના ખજાનાને બમણો કરતાં પુત્રીનો જન્મ આપ્યો રાણીએ અને નામ આપ્યું અવંતિકા એ... તરુણા. રૂ ના પૂમડા જેવી કોમળ અને માસુમ તરુણાને અશ્રુધારા સાથે છાતી સરખી ચાંપતા રાણીને એમ થું કે.. બસ.. જગ જીતી લીધી અને જિંદગી જીવી લીધી. જીવ માંથી જીવ છુટ્ટો પડતાં જીવ આવ્યો.
સમય સાથે તરુણાએ પણ પા પા પગલી માંડી..
તડકા છાયાની સાપ સીડી ચડતા ઉતરતા સમયચક્રએ એક દસકાની પરિક્રમા કરી લીધી.
દસ વર્ષમાં અવંતિકા એક પુત્ર અને પુત્રીની માતા બની ગઈ હતી. પણ રાણી અને અવંતિકા બન્નેને તાજ્જુબ હતું તરુણાની અજીબો ગરીબ અને ઉટપટાંગ હરકતોથી.
તરુણાને અભ્યાસ પ્રત્યેની રુચિ નહીંવત. રમત રમવાની કે રખડપટ્ટી કરવાની ખરી પણ, છોકરાઓ સાથે. હેયર સ્ટાઈલ પણ છોકરાઓ જેવી. છોકરીઓના વસ્ત્રો પહેરવા. પણ તરુણાને નહતું ગમતું. ખપ પુરતું બોલવાનું. નાની અમથી બાબતમાં અન્યાય થતાં તરત જ ગુસ્સે થઇ જતી.
પંદરેક વર્ષની ઉંમર થતાં તો અધ્ધવચ્ચે અભ્યાસ પડતો મુકીને નાના મોટા કામે વળગી ગઈ. ત્યારે અવંતિકા અને રાણી સાથે તરુણાને સારા એવા મતભેદ ઉભાં થયાં હતા. પણ સ્વતંત્ર મિજાજ અને તામસી તાસીરની તરુણા તેનું ધાર્યું જ કરતી. આવી હરકતો થી રાણીને તેના ભવિષ્યની ચિંતા રહ્યા કરતી.
અને એક દિવસ સાંજના સમયે...
અવંતિકા રાણીને મળવા તેના રૂમ પર આવી. રાણી કંઇક સીવણકામ લઈને ખાટલે બેઠી હતી. રાણી સાથે થોડી આડી અવળી ઔપચારિક વાતચીત કર્યા પછી અચનાક અવંતિકા એ પૂછ્યું.
‘દેવિકા, આટલા વર્ષો પછી મારો તમારાં પર કોઈ હક્ક ખરો ?
અવંતિકાની સામું જોઇને બીજી જ પળે રાણીએ જવાબ આપ્યો..
‘બેન.. આ અમે મા-દીકરી બન્ને જે શ્વાસ લઇ એ છે ને ઈ તમે આપેલા ઉછીના છે. અને તમારા સિવાય બીજું છે પણ કોણ અમારું ? પણ કેમ આજે આટલા વરહે આવું પુય્છું ?
‘તેનો જવાબ હું તમને પછી આપીશ પણ, પહેલાં જે હક્ક આપ્યો છે એ હાકથી પૂછી રહી છું.. અને ઈશ્વરને સાક્ષી રાખીને કહેજો કે... તરુણાના પિતા કોણ છે ?
વર્ષો પહેલાંના મૂઢમારની માંડ કળ વળી હતી ત્યાં અવંતિકાના સણસણતાં સવાલે રાણીના શાંત ચિતમાં એક સિસકારો પાડી દીધો.. પણ દોઢ દાયકા પછી આજે આ સવાલ અવંતિકાને આ સવાલ સુજ્યો શા માટે ?
આંખોમાં ઝળઝળિયા સાથે રાણી બોલી.
‘બેન.. મારા ચામડા ઉતારીને તમને ખાહડા પેરાવું તોય તમારું રુણ ન ઉતરે. હવે....હાંભરો મારી કરમ કઠણાઇ....
‘મારું નામ દેવિકા નથ.. મારું નામ રાણી છે.... ખોટું નામ એટલે આપ્યું કે મારે ગુજરી ગયેલાં ભવની ભવાઈ ભેળી નોતી રાખવી.’
એ પછી.. રાણી તે સમજણી થઇ ત્યારથી લઈને છેક.. ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં ઘુસી ગઈ ત્યાં સુધીની વીતકકથા વ્ય્થાસાથે રાણીએ અવંતિકાને સજળનેત્રે સંભળાવી.
થોડ સમય માટે...સન્નાટો વ્યાપી ગયો.
એ પછી તાલી પડતાં અવંતિકા બોલી...
‘આ સવાલ મેં તમને આટલે વર્ષે એટલા માટે પૂછ્યો કે.. તરુણાનું ઉકળતું લોહી, લાલસિંગના પ્રકૃતિનો પરિચય આપે છે.’
‘હમ્મ્મ્મ.. હવે સમજાયું કે તરુણાની આ અસાધારણ અનુમાન આંકવાના આંતરિક સુઝ કોને આભારી છે એમ. અને જો જો.. ભવિષ્યમાં તરુણા એવા ઈંડા ચીતરશે કે મોરને પણ નવાઈ લાગશે.’
‘પણ બેન.. એક જ બીક છે...જતે દાડે આ વાત લાલસિંગના કાન સુધી પુગી ગઈ તો..અમને મા દીકરીને કોણ બચાવશે.. ? ’ રાણી બોલી.
અવંતિકા મનોમન બોલી....’ લાલસિંગને કોણ બચાવશે.. એમ બોલો ?..
‘સાચે રાણી.... તરુણા માટે જીવના જોખમે લાલસિંગની લખલુંટ દૌલતને લાત માર્યા પછી કાયા અને કાળજું બાળી, માયાની છાયામાં સ્નેહજળ સીંચને વ્હાલની વેલને જે સંજોગોમાં ઉછરી છે તે જાણી ને આજે તમને સૌ સૌ સલામ ભરવાનું મન થાય છે.’
ભીના આંખની કોરે અવંતિકા બોલી..
‘મને મારી ફિકર નથ. મને આ છોડીના વચાર જોઇને એમ થાય કે આનું શું થાહે ?
ચિંતા કરતાં રાણી બોલી.
‘રાણી... કોને ઊંધા ચતા કરવાના છે એ તરુણા ખુબ સારી રીતે જાણે છે. અટેલે એ ચિંતા સામેવાળો કરે. અને હવે બીજી વાત..મેં નક્કી કર્યું છે કે,.. હું મારા પરિવાર સાથે બે-પાંચ વર્ષમાં અમેરિકા જતી રહીશ. ત્યાં સુધીમાં હું તમારી પણ બધી વ્યવસ્થા કરતી જઈશ. હવે હું જાઉં છું.’
એમ કહીને અવંતિકા તેના બંગલા તરફ ચાલવા લાગી.
હવે સમય થઇ ગયો.. અવંતિકાનો ઇન્ડિયાને અલવિદા કહેવાનો. અને જે શહેરને રાણીને રાણી અલવિદા કહીને આવી હતી ત્યાં ફરી તેના અહોભાગ્યના અનુસંધાનને જોડવા મહા મુસ્કિલથી રાણીને લઈ જવામાં અંતે અવંતિકા સફળ રહી.. ત્યાં તેના ખાનદાની મકાનમાં આજીવન નિશુલ્ક રહેવાની વ્યવસ્થા કરી આપી. બાજુમાં રહેતી અને તેની કઝીન રાઘવ રાઠોડની બહેનને તેમની ભલામણ કરી આપી.
અમેરિકા જવાની આગલી રાત્રે તરુણાને એકાંતમાં બોલાવી તેની પાસે બેસાડીને પ્રેમથી માથે હાથ ફેરવ્યા પછી કોઈપણ સંજોગોમાં તેના દિમાગનો કાબુ નહીં ગુમાવવાનું વચન લઈને...અવંતિકાએ તરુણાને રાણીના અપ્રતિમ સમર્પણનો સારાંશ ટૂંકમાં સમજાવીને રાણીને થયેલા અવાસ્તવિક અત્યાચારનો ભોગ બનેલી રાણીને તેના તપસ્વી જેવા ત્યાગના બલિદાન માટે નહીં પણ...કમ સે કમ અંધારામાં છાનાછપના માત્ર રૂપિયાના જોરે લોહીના સંબંધને છીનવી લેવાના સાહસને સાર્વજનિક કરીને એકવાર બાપના બાપ થઈને વટથી હક્ક અને હિસ્સો હાંસિલ કરીને સાબિત કરી દે કે તું લાલસિંગનું જ લોહી છે.
કળથી કે બળથી કોઈ તરુણા હાથમાંનો રૂમાલ ઝુંટવી લે તો પણ તરુણા સાંખી ન લ્યે...તો આજે તેના અને રાણીના અસ્તિત્વને જે રીતે કીડી મકોડાની જેમ કચડી નાખવામાં આવ્યું હતું એ વાત સંભાળીને તરુણાની રક્તવાહિનીઓમાં પ્રતિશોધના પ્રતિકોપથી ઉમટેલા પારાવાર પીડાના ઘોડાપુર જેવા અતિક્રમણને અંકુશ કરતાં તરુણા ખુદ પાષાણ બની ગઈ. એ જ પળે તરુણા એ મનોમન પ્રણ લીધું કે..
જે પૈસાની ગરમીથી લાલસિંગે રાણીની જવાની બરબાદ કરી હતી હવે તરુણા તેની ગરમીથી લાલસિંગના પૈસાની ગરમીની ચરબી ઉતારીને જ જંપ લેશે.
અને આ શહેરમાં આવ્યાનાં સાતમાં જ દિવસે અચનાક એક દિવસે ઓટો સ્ટેન્ડ પર રણજીતને તરુણા સાથે રાણી નજરે પડતાં..જ બે જ મીનીટમાં બે દાયકા જૂના અતીતનું અનુસંધાન અનાયસે જ જોડાઈ ગયું..... અને રણજીતના રાજકારણની પૃષ્ઠભૂમિનું માધ્યમ બનાવીને લાલસિંગ સામે રણભૂમિમાં ઉતરવું તરુણા માટે આસાન થઇ પડ્યું.
એમાં રણજીતની બે મંછા હતી... લાલસિંગ સામે તેને પળ પળ બાળતી બળતરાનો બદલો લેવા તરુણાને રાજકારણમાં લાવીને લાલસિંગ વિરુદ્ધ તેના કાનમાં હદ બહારનું ઝેર ઓકીને લાલસિંગને આફતમાં મૂકી દે એટલી નફરત ઊભી કરવી અથવા ખુફિયા રીતે રાણી અને તરુણાની જાણકારીની બાતમી આપવા માટે લાલસિંગ પાસે કોઈ મોટી રકમનો તોડ કરવો. પણ તરુણાએ એક જ ધડાકે સૌ મનમાં પરણેલાં રાજકારણીઓને મનમાં જ રાંડી નાખ્યા.
અને અંતે આજે કુસુમ અને તરુણા બન્નેએ તેમની સંયુક્ત સમજણના આધારે લાલસિંગને તેની અસલી ઓળખથી પરિચિત કરાવવાનું લક્ષ્ય પૂરું કર્યું...
હિમાલય જેવા ભવ્ય ભૂતકાળના શિખરથી લઈને તળેટી સુધીના અનેક આરોહ અવરોહની પરિક્રમા કરીને આવ્યા પછી.....સૌના અધ્ધરજીવ સાથેની અસમંજસ શાંત પડી. લાલસિંગ, કુસુમ અને રાણી સૌ ચુપચાપ આંસુ સારતાં મુરલીધરે માંડેલી ચોપાટના ભાગ અને ભોગ બનીને કરેલી ભૂલને વાગોળતા રહ્યા... એક તરુણા સિવાય.
તરુણાના મન મસ્તિષ્કમાં પ્રતિશોધની ક્રોધાગ્ની હજુ’યે ઓલવાઈ નહતી. લાલસિંગ એ માલમતાના મદમાં મા-દીકરીને આપેલા ડામના દામની કિંમત ચુકવવાની બાકી હતી. બે દાયકામાં દોજખ જેવી વિતાળેલી બેનામ જિંદગીની બળતરાનો અહેસાસ હજુ લાલસિંગને કરાવવાનો બાકી હતો.
પાષાણને પણ પીગળાવે તેવી પીડાનો ઘુંટડો ગળે ઉતારતાં લાલીસિંગની સામે જોઈને તરુણા બોલી..
‘બોલો....શું કિંમત ચૂકવશો...અમારી ? આ શહેરના બાપ લાલસિંગ ચતુર્વેદીની દીકરી અને તેની જનેતા જેણે લાવારીસની માફક બાવીસ વર્ષ રોજ મરી મરીને એટલાં માટે કાઢવા પડ્યા કે તમે પૈસાના જોરે બાપ બન્યા છો ? જે દૌલતની ગરમીના જોરે બાપ બન્યા હતા.. આજે ક્યાં ગઈ એ દૌલત અને એ ગરમી ? બંધ બારણે કંચનથી કોખની કિંમત ચૂકવીને બાપ બનીને ધોળા દિવસે સરેઆમ મર્દાનગી સાબિત કરવી હતી તો...માયા સાથે કાયા સોંપનાર એ સ્ત્રીના માતૃત્વની શું કિંમત આંકી હતી ? બસ વાત એટલી જ હતી કે.. તમારે માત્ર અને માત્ર પૈસા ફેંકીને બાપ બનવાથી મતલબ હતો અને...જયારે માત્ર તમારાં પૈસાની ગરમીથી માતૃત્વનું અંકુર ફૂંટયુ ત્યારે એક મા ની રગોમા વહેતી લાગણીમાં તમારાં રૂપિયાના રક્તકણોની લાલશ ઝાંખી પડી ગઈ. તમારે તન અને ધનથી બાપ બનવું હતું અને મારી મા ને મન થી પણ. જેની ઓળખ છુપાવવા અને મીટાવવા તમારી પુંજીનો પનો ટૂંકો પડ્યો આજે એ જ ઓળખે તેની હેસિયત બતાવીને તમારી આબરૂ, ઈજ્જત અને પુંજી બચાવી છે. શક્ય છે કે હું તમને માફ કરી શકું પણ ભૂલી તો નહીં જ શકું.’
બાવીસ વર્ષથી બાંધી રાખેલો બળાપાનો બાંધ આજે તરુણાએ તોડી નાખ્યો, ફક્ત રાણી અને કુસુમને ખાતર. છતાં તરુણાની આંખમાં અશ્રુનું એક ટીપું નહતું.
શરમના માર્યા લાલસિંગની દશા દનનીય હતી.
ખુબ મોડી રાત થઇ ગઈ હોવા છતાં વનરાજસિંહ, ભાનુપ્રતાપ,રાઘવ,ભૂપત અને રણજીત સૌને તરુણા એ એક પછી એક કોલ કરીને સવારે અગિયાર વાગ્યે અચૂક લાલસિંગના બંગલે આવવાનો રીતસર આદેશ આપી દીધો..
-વધુ આવતાં અંતિમ અંકમાં...
© વિજય રાવલ
'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484