એમ.બી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ, દહેગામ ખાતે મનોવિજ્ઞાનના માસ્ટર ડિગ્રીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને હ્યુમન સાયકોલોજી પર એક લેક્ચર આપવા માટે મારે જવાનું હતું. હું કૈક અંશે બેચેન હતો, કેમ કે હવે હું આ બધાથી થાક્યો હતો. આખો સમય આ જ કરવું પડતું. હવે મને આમ લેક્ચર લેવા વિશેષ રીતે બોલાવે એ ઓછું ગમતું. મેં મારું આખું જીવન આ જ કર્યું. બહુ ચર્ચાઓ કરેલી. લેકચર્સ પણ ખૂબ આપ્યા. એવોર્ડસ પણ એટલા જ જીતેલા. એવોર્ડસથી માનોને કે મારા ડ્રોઈંગરૂમનો આખો શૉકેસ ભરાયેલો હતો. પ્રેમ અને જીવન વિશેના મારા મહાનિબંધને ખૂબ વખાણવામાં આવેલો. સાહિત્ય અકાદમીના મોટા સાહિત્યકારોએ મારા એ નિબંધની ખૂબ નોંધ લીધેલી. વળી મને ચર્ચાઓ ગમતી. પણ આ રીતે લેક્ચર આપવા જવાનું હવે મને ઓછું ગમતું. કેમ કે આજના જુવાનીયાને પ્રેમ એક રમત હતી એમ હું માનતો. બીજું કે, આજના અને પહેલાના છોકરાંઓય રોમિયો અને જુલિયટ તેમ જ દેવદાસગીરીને જ પ્રેમ સમજતા. મને તે બાબત કયારેય ગળે ઉતરતી નહોતી. એટલે પ્રેમ વિશેના જવાબ આપવા મોટા ભાગે હું ટાળતો. પણ, હું મનુષ્ય મનોવિજ્ઞાન જાણતો અને સમજતો હોવાથી મને ખબર હતી કે આવા લેક્ચરમાં પ્રેમ વિશેના સવાલો ઉઠવાના જ. કેમ કે કોલેજના યુવક યુવતીઓની ઉત્કંઠા મને સારી રીતે સમજાતી. વળી, અહીં તો સાયકોલજીના માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓને મારે સંબોધવાના હતા. મનુષ્યની વિજાતીય પ્રેમ વિશેની નબળાઈઓ હું સારી રીતે જાણતો અને સમજતો.
પણ ખેર...
મારે લેક્ચર આપવા જવુ જ પડ્યું.
અને અપેક્ષા મુજબ જ આજના જુવાનિયાઓના લેકચરની શરૂઆતમાં જ,"પ્રેમની પરિભાષા શુ..? લવ હેટ રિલેશનશિપ કોને કહેવાય.? પ્રેમ એટલે એક જ વ્યક્તિના સાંનિધ્યની આદત માત્ર..?" જેવા સવાલો ચાલુ થઈ ગયા.
તેથી...
ના છૂટકે મેં મારા માસ્ટર ડિગ્રીના અભ્યાસના જીવન દરમિયાન બનેલી એક ઘટના વિશે કહેવાનું ચાલુ કર્યું. એ વાત હતી મારા તે સમયના મિત્રો વૈશુ અને જેન્તીની.
અને મેં નીચે મુજબ આખી ઘટના તે વર્ગખંડમાં વર્ણવી.
વૈશુ અને જેન્તીની ઓળખાણ મને મારા એક મિત્ર દ્વારા થયેલી.
વૈશું એટલે વૈશાલી અને જેન્તી એટલે જયંતિ જોખમ. પણ જવા દો વાત.
જયંતિ વિશેષણોનો મોહતાજ નહોતો.
આ બંને પાત્રોને અલગ અલગ રીતે મળેલ કોઈ વ્યક્તિ ભાગ્યે જ એમને પતિ-પત્ની માને.
અરે ,
તેઓ સાથે હોય ત્યારે જાહેરમાં પણ એવી રીતે વર્તતા કે તેમની વાતો કે સંવાદ સાંભળીને ભાગ્યે જ કોઈને એમ થાય કે તેઓ પતિ-પત્ની હશે.
એકબીજા માટે તદ્દન અપમાનજનક ભાષા તેઓ વાપરતા"તું આવો...!" "તું તેવી...!"
જાણે કે બે મિત્રો ના ઝઘડતા હોય..?
તેમના આવા અતાર્કિક અને અપમાનજનક ઝઘડા અને તેમના એકબીજા માટેના વિચિત્ર પ્રેમને હું મૂક સાક્ષી બનીને જોતો.
હું તે વખતે તેમના શહેરની કોલેજમાં રહીને મારુ Ph.D પૂરું કરી રહ્યો હતો.
વ્યક્તિગત રીતે તેઓ મને ગમતા. કેમ કે હું તે બન્નેનો દોસ્ત હતો.
તેઓ બન્ને મારા મિત્રો હતા. મારી સાથે અલગ અલગ બેસીને તેઓ તેમની બાબત ચર્ચતા.
તેઓ બંને લવમેરેજ કરીને જોડાયેલા હતા.
લગ્ન વખતે વૈશું(વૈશાલી) કદાચ 18થી 19ની હશે, પહેલા મને ચોક્કસ ખબર નહોતી. પછી ખબર પડેલી કારણ કે હું તેમના જીવનમાં બહુ બાદમાં પ્રવેશેલો.
વૈશાલી રૂપિયાવાળા મા-બાપની મોઢે ચડાવેલી એકની એક છોકરી હતી. કોઈપણ કામ પહેલા કરવાનું તેના પરિણામ વિશે બાદમાં આપત્તિ આવે ત્યારે વિચારવાનું. એવો જબરજસ્ત તેની માન્યતા હતી. એ જ રીતે બરાબરની આગ લાગી જાય પછી જ કૂવો ખોદવો જોઈએ તેવી સજ્જડ માન્યતા પણ વૈશુએ કેળવી રાખી હતી.
જયંતિ સાથેના તેના લગ્ન ય તેની આવી વિચારશૈલીનું જ પરિણામ હતું.
જયંતી તેનાથી આઠ વર્ષ કે તેથી વધુ મોટો હતો.
પણ અહીં જયંતિની ઉંમરમાં વાંધો નહોતો, જયંતિ વ્યક્તિ જ આખેઆખો વાંધા સ્વરૂપ હતો.
દારૂ અને જુગારની આદતને તે પોતાના એચિવમેન્ટની જેમ વર્ણવતો.
તો વળી, સામે વૈશુ ય પોતાની અલ્લડતા, વેસ્ટર્ન કલ્ચર (એ જમાનામાં નવાઈ હતી ય ખરી)ને પોતાના એચિવમેન્ટસ ગણાવતી.
લોકો જયંતીને "જોખમ" તરીકે ઓળખતા.
જયંતી પણ લોકોની તે માન્યતાને સાર્થક કરવા દિવસ-રાત નિતનવાં કારનામા કરતો.
વૈશુએ પોતાની સ્વતંત્ર માનસિકતા સિદ્ધ કરવા માટે જ જાણે કે ભાગીને જયંતિ જોડે લગ્ન કર્યા હતા.
ભાગી જઈને લગ્ન કરવું એ વૈશુ માટે અત્યંત ઉત્તેજનાપૂર્ણ કાર્ય હતું, જે તેણે હોંશે હોંશે કર્યું હતું.
વૈશુને જોયા, સમજ્યા અને જાણ્યા પછી મને એટલો તો ખ્યાલ આવી જ ગયેલો કે એક પીઝા ખાવાના નિર્ણય કરવા માટે લીધેલા સમયથી વધુ સમય ભાગ્યે જ તેણે આ લગ્ન કરવાના વિચારને આપ્યો હશે.
સામાન્ય રીતે એવી કહેવત છે કે "એણે પગ પર કુહાડો માર્યો.., પણ હું કહીશ કે ના...એને શાંત પડેલી કુહાડી પર જઈને જાતે પગ માર્યો છે.!"
અને તેણે પોતાના આ સાહસિક કાર્યમાં.
ના..જયંતિને પૂરો ઓળખ્યો.
ના..થોડોક ય વિચાર કર્યો,
અરે ..ખુદ પોતાને ઓળખવાનો પ્રયત્ન પણ ના કર્યો.
તેનું પરિણામ તેઓ બંને ભોગવતા હતા. બંનેમાંથી એકેય માં ફ્યુચર પ્લાનિંગ જેવું કશું નહોતું.
એકની એક વ્યક્તિને સૌથી વધુ છૂટાછેડા આપવાનો અનોખો રેકોર્ડ કાયમ કરવાના પ્રયત્નના ભાગરૂપે તેમણે (હું તેમના સંપર્કમાં હતો તે સમય સુધીમાં) ચારેક વાર એકબીજાને છુટાછેડા લખી આપ્યા હતા.
અને બાદમાં તેઓ વધુ વખત એકબીજાને છૂટાછેડા લખી આપી શકે છે, એવી સારી શક્યતાના દર્શન થતાં જ પાછા ભેગા થઈ જતા.
વળી તે બંને જણાને વિજાતીયને મિત્રોની આદત હતી.
તેઓ બંને કયારેક જાહેરમાં એકબીજા સાથે એવી મસ્તી કરતા અને એકબીજા સાથે એવું તોફાન કરતા કે તમે અન્ય કોઈ કપલને આદર્શ ઘણી જ ન શકો. તમને તેઓ બન્ને સૌથી વધુ પ્રેમાળ જોડી જ લાગે.
તેઓ બંને હોટલમાં જમતા હોય ત્યાં કોઈ અન્ય કપલ જમતું હોય અને પ્રેમમાં મસ્ત હોય તો તે જોઈને જ વૈશું એ જોડીની મજાક જરૂર ઉડાવતી. ખાસ કરીને તે જોડામાં રહેલ સ્ત્રી પાત્રની તે મજાક ઉડાડતી.
હું આ તે વખતે જોઈને વિચારતો,"તે આવું કેમ કરતી હશે..?"
પછી મને સમજાતું કે કારણ સ્પષ્ટ છે. વૈશુના પોતાના મનનો છાનો અસંતોષ તેને પેલી સ્ત્રી તરફ ઇર્ષ્યા કરવા પ્રેરતો. પોતાની અસલ જિંદગીમાં નિષ્ફળ એવી વૈશું બીજા પ્રેમીઓની મજાક ઉડાવતી હતી.
જયંતિ પણ ઓછો નહોતો.? તે ય પછી તેના નાટકોમાં ચાર ચાંદ લગાડી દેતો.
બસ..આમ જ અમારી જિંદગી ચાલતી હતી.
વૈશુ અને જયંતિ ઝઘડીને છૂટાછેડા લીધા બાદ પણ કેમ ભેગા થઈ જતા હતા તેનું વધુ પડતું ઓબ્ઝર્વેશન કરતાં મને સમજાયું હતું કે,"તે બંને વચ્ચે પ્રેમનફરત(લવ-હેટ)ના રિલેશનશિપ હતા, પહેલા તેઓ બન્ને એકબીજાને છોડી દેતા, પછી બંને એમ વિચારતા કે હું અન્યને છોડીશ તો અન્ય પાત્ર મારાથી વધુ સુખી તો નહીં થઈ જાય ને.?" આવું વિચારીને પાછા ભેગા થઈ જતા.
વળી અંગત રીતે એક જ બાબતમાં બંને સરખા લોભિયા હતા, રૂપિયાની બાબતમાં..
વૈશુ રિસાઈને પિયરમાં બેઠી હોય અને ભૂલથી પણ વૈશુંને ખબર પડે કે જેન્તી જોડે ક્યાંકથી રૂપિયા આવ્યા છે તો નાક વગરની થઈને પોતાની ફાંગી આંખો પટપટાવી જયંતિના ઘેર પહોંચી જતી.
તો વળી, જયંતિ તેની ય સાઈડ કાપે તેવો હતો.
વૈશુ પિયર જતી રહે તો વાંધો નહીં પણ તેને ક્યાંયથી સમાચાર મળે કે," વૈશું મુવી જોવા ગઈ અને હોટેલમાં જમવા ગયી છે, ત્યાં ખૂબ સુખી છે..!" એટલે ખલાસ. દારૂનો પેગ મારતો'કને જયંતિ સીધો સસરાને ઘેર...
ત્યાં જઈને મોટેમોટેથી બુમો પાડીને ધમાલ કરતો.
તેનો આ ધારાવાહિક કાર્યક્રમ વૈશુના બાપના પડોશીઓએ સેંકડોવાર જોયો હતો.
જયંતિ એવુ માનતો કે વૈશુને સુખી કરવાનો જન્મસિદ્ધ અધિકાર તેની અને માત્ર તેની પાસે જ છે. અન્ય કોઈ વ્યક્તિ અરે ખુદ વૈશું પણ એકલી એકલી પોતાની જાતને સુખી ના કરી શકે.
તેઓના આ વિચિત્ર પ્રકારના પ્રેમનું હજારો વાર મારી આગળ પ્રદર્શન થતું મેં જોયેલું. તેમની આવી હરકતોને લીધે જ તેમની માત્ર બે વરસની દીકરી જયંતીના ભાઈના ઘેર મુકવામાં આવેલી અને તે ત્યાં જ ઉછરતી.
તેઓના આવા પ્રેમની પરિભાષા તે વખતે મને કયારેય સમજાઈ જ નહોતી.
શરૂઆતમાં કયારેક મને એવું લાગતું કે તેઓ તેમની આવી લાગણીઓનું પ્રદર્શન કરીને મને છેતરતા હતા, અથવા લાગણીની આ રમતના પ્રદર્શન વડે મને ફસાવી રહ્યા હતા અને ક્યાંકને ક્યાંક મારો આર્થીક, સામાજિક કે માનસિક ઉપયોગ કરવા માંગેતા હતા. હાસ્તો, હું હતો પણ અમીર ઘરનો નબીરો ..!
અને...
એટલે છેવટે થાકીને હું તેમનાથી દૂર થતો ગયો હતો. વળી..
મારો અભ્યાસક્રમ પૂરો થતાં હું સુરત આવી ગયેલો અને મારા જીવનમાં આગળ વધી ગયેલો.
ત્યાર બાદ મને ઘણીવાર તેમની યાદ આવેલી અને હું એકાંતમાં બેસીને તેમના વિશે વિચારતો. ત્યારે મને સમજાતું કે તેઓ મને નહોતા છેતરતા પણ પોતાના લગ્નજીવનનું આવું વરવું પ્રદર્શન કરીને, પોતાના પ્રેમની આવી વિચિત્ર પરિભાષા સર્જીને તેઓ પોતાની જાતને છેતરતા હતા.
ક્યાં સુધી તેઓ આવી રીતે જિંદગી જીવશે..?
બંનેને ખબર હતી કે પોતાના જીવનસાથી વગર પોતાને ચાલતું નથી. બંને જાણતા કે પાસે રૂપીયા આવતા જ તેઓ એકબીજા સામે ભાગતાં. બંને એ પણ જાણતા કે લોકો સામે કરાતા તેઓના પ્રેમના પ્રદર્શનની હકીકત પણ લોકો જાણી ગયા હતા. બન્નેને ખબર હતી કે બન્ને એકબીજાનું સુખ જોઈ શકતા નહોતા કે નહોતા એકબીજાને સુખી કરી શકવાના.
બંનેને એ ય ખબર હતી કે પોતાના સાથીને વિજાતીય મિત્રોની આદત હતી. આડકતરી રીતે એકબીજાની આદત પણ સંતોષી ય આપતા.
પેલું કહેવાય છે ને કે બંને પાત્રો એકબીજાને જાણી લે તો સુખી થવાય. પણ અહીં ઊલટું હતું. એકબીજાની નસનસથી વાકેફ હોવા છતા તેઓ સુખી નહોતા.
અથવા કહો કે એટલે જ સુખી નહોતા.
ને છેલ્લે હું એવું વિચારીને એમની યાદોને ખૂણામાં ભંડારતો કે,"જો ઈશ્વર આપણને કૈક ભેટ આપે છે, એમ શેતાન પણ આપણને કૈક આપતો હોય છે, એવું માનવામાં આવે તો વૈશાલી અને જયંતિ બંને એકબીજાને ગોડ ગિફ્ટ નહીં પણ ડેવિડ ગિફ્ટ સ્વરૂપે મળ્યા હતા એમ કહી શકાય.!"
આટલું બોલીને મેં મારી વાત અને લેક્ચર પૂર્ણ કર્યું. વિદ્યાર્થીઓ અને અન્ય પ્રાધ્યાપકોએ મારા લેક્ચરને તાળીઓથી વધાવ્યું. સૌની સામે ગૌરવપૂર્ણ નજર નાંખતો હું આચાર્ય સાહેબની કેબિનમાં પહોંચ્યો. આચાર્ય સાહેબ અને પ્રાધ્યાપકોએ મારો ખૂબ આભાર માન્યો. બાદમાં સ્ટાફરૂમમાથી નાસ્તો પતાવીને હું નીકળી રહ્યો હતો કે એક વિદ્યાર્થીની મને મળવા આવી અને બોલી,"સર, હું લોપા..આ કોલેજમાં ભણું છું, મારા દૂરના કાકાને ત્યાં રહીને અહીં મનોવિજ્ઞાન ભણું છું. મેં તમારો લેક્ચર સાંભળ્યો. હું એ ક્લાસમાં જ હતી. તમને એક સવાલ પૂછવા માંગુ છું કે બાદમાં વૈશું અને જયંતિનુ શુ થયું એ કહેશો.?"
મેં કહ્યું,"માફ કરજે, બેટા. પણ મને ખબર નથી કે તેમનું શુ થયું. વર્ષો થયા મેં એમને જોયા નથી...!"
લોપા બોલી," આપ કેમ જુઓ, સર.. ધનવાન બાપના એકના એક દીકરા અને પૈસાના જોરે મોટા શહેરમાં આપ ભણવા આવી ગયા. પહેલા જયંતિને દારૂમાં નશામાં ડુબાડયો અને બાદમાં વૈશાલીને પ્રેમમાં ફસાવીને બરાબર ભોગવી લીધી. પછી ધરાઈ ગયા અને ભણવાનું પૂરું થયું એટલે છુમંતર થઈ ગયા, એમ જ ને.? હું એ જ જયંતિ અને વૈશુની દીકરી છું. એક તરફ મારા બાપ જેન્તીને બીજી સ્ત્રીઓના રવાડે ચડાવવો અને બીજી તરફ તેમની આવી જ વાતો મારી માતાને વિજાતીય પ્રેમમાં કાઈ ખોટું નથી એવું સમજવાનારા આપ જ ને.? તમારી આપેલી એ દારૂની લતને લીધે મારા બાપની બન્ને કિડની ખલાસ થઈ ગયી. અને મારી માએ હા.. મારી મા વૈશુએ તેમને એક કિડની આપીને જીવાડયા છે. અને આજે મારો બાપ રીક્ષા ચલાવે છે અને મારી મા લોકોના કપડાં સીવે છે. સમજાય છે.? એમનો પ્રેમ સમજાય છે.? તમારે તો મારી માતાને તમારી રખાત બનાવીને રાખવી હતી અને એટલે જ મારા માબાપના છૂટાછેડા કરાવવા તમે આકાશ પાતાળ એક કરેલું..હે ને.? પણ આપ હારી ગયા. આપની સાયકોલોજી મારી મા આગળ ના ચાલી, હે ને..? હું ધારત તો અંદર કલાસરૂમમાં જ તમને પ્રેમની પરિભાષા શીખવાડી દેત, પણ..મારા એ સંસ્કાર નથી, કેમ કે હું વૈશું અને જયંતીની દીકરી છું. વળી, હું નહોતી ઇચ્છતી કે ગુરુ શિષ્યની મર્યાદાનો કોઈ ભંગ થાય. માટે હવે મહેરબાની કરીને મારી નજર આગળથી દૂર થાઓ. અને હા...આજ પછી તમારી ગંદી જુબાન પર મારા માબાપનું નામ લેતા નહિ, અન્યથા ગુરુશિષ્ય ની મર્યાદા હવે નહિ રહે..!" ભયાનક ક્રોધને પરાણે વશમાં કરતીકને મારી તરફ નફરતની આગભરેલી નજર નાખતી લોપા ગયી. મારા શરીરમાં એક સાથે લાખો વીંછીઓએ મારેલા ડંખની વેદના ઉપડી.
-- અનિરુદ્ધ ઠક્કર "આગંતુક"