અડસઠ
“તને હિન્ટ તો મળી જ ગઈ હશે સોનલ, કે મેં તને આમ અચાનક જ કેમ મળવા માટે બોલાવી.” સુંદરીએ પ્રશ્ન કર્યો.
સુંદરીના મેસેજ અનુસાર તે અને સોનલબા અત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક કોફી શોપમાં બેઠાં હતાં અને કોફીના નાના નાના ઘૂંટડા ભરતાં ભરતાં વાતો કરી રહ્યાં હતાં.
“ના, મેડમ. મને કોઈજ ખ્યાલ નથી કે તમે મને મળવા કેમ બોલાવી છે.” સોનલબાએ સ્વસ્થતાથી જવાબ આપ્યો.
“જો હું તારા પર કોઈજ શંકા નથી કરી રહી, કારણકે મને તારા પર વિશ્વાસ છે પણ કશુંક એવું બન્યું છે કે મારે તારી સાથે સ્પષ્ટ વાત કરી લેવી જોઈએ એવું મને લાગ્યું એટલે તને આમ અચાનક જ મળવા બોલાવી લીધી.” સુંદરીએ પોતે જે વાત કરવા જઈ રહી હતી તેની ભૂમિકા બાંધવા લાગી.
“એ જ સારું રહેશે મેડમ. તમને જે યોગ્ય લાગે તે તમે મને કહી શકો છો, તમને મારા પર શંકા હોય તો પણ અને ન હોય તો પણ.” સોનલબાને ખ્યાલ તો આવી જ ગયો હતો કે સુંદરી હવે જે વાત તેમને કરવા જઈ રહી છે તે શું હોઈ શકે છે આથી તેમણે પોતે બિલકુલ એ અંગે બેખબર હોવાનો ડોળ કરીને કહ્યું.
“હમમ.. વાત એવી છે કે મારો ભાઈ અને તમારો ભાઈ એકબીજાને સારી રીતે ઓળખે છે.” સુંદરીએ થોડા નિરાશા મિશ્રિત ગુસ્સા સાથે કહ્યું.
“યુ મીન, વરૂણભાઈ?” સોનલબાએ જાણીજોઈને વરૂણનું નામ સુંદરી સામે કહ્યું એ જાણતા હોવા છતાં કે સુંદરીએ પોતાની વાત કરતાં વરૂણનું નામ લીધું ન હતું, કદાચ એને એનું નામ લેવું પણ ગમતું ન હતું.
“સોનલ? એના સિવાય તારો બીજો કયો ભાઈ છે?” સુંદરી થોડી અકળાઈ.
“ઓકે, સમજી ગઈ, તો પ્રોબ્લેમ શું છે મેડમ?” સોનલબા હજી પણ બંધાવા માંગતા ન હતાં.
“મારે જે નહોતું જોઈતું એ જ થયું. પણ મને એ સમજાતું નથી કે એ બંને મળ્યાં કેવી રીતે? તેં તો મને પ્રોમિસ આપ્યું હતું કે તું એને મારા ભાઈ વિષે અને એના નવા બિઝનેસ વિષે કશું જ નહીં કહે, તો એ બંને મળ્યાં કેવી રીતે?” સુંદરીએ છેવટે ખુલ્લાં રહસ્ય પરથી પડદો ઊંચક્યો.
“તમને ખરેખર મારા પર શંકા નથી?” સોનલબાને હવે ખાતરી કરવી હતી.
“ના, ના મને તારા પર વિશ્વાસ છે અને તારા સિવાય ફક્ત કિશન અંકલને જ આ વાતની ખબર હતી અને ત્રીજા અરુમા, આઈ મીન આપણા અરુણા મેડમ. તો પછી આ બંને કેવી રીતે મળ્યા એ મને ખબર નથી પડતી. આ ગાંઠ ઉકેલવા જ મેં તને અહીં બોલાવી છે.” સુંદરીએ છેવટે સોનલબાને મળવા માટેનો પોતાનો હેતુ શું છે એ સ્પષ્ટ કર્યો.
“મેડમ, ઘણી મુલાકાતો અચાનક થઇ જતી હોય છે અને ઘણી મુલાકાતો પાછળ ઉપરવાળાની ઈચ્છા હોય છે. મારા ખ્યાલથી ભઈલા અને તમારા ભાઈ વચ્ચેની મુલાકાત આ બંનેનું કોમ્બિનેશન હોઈ શકે છે.” સોનલબા અગાઉથી જ બધું વિચારીને જ અહીં આવ્યા હતા.
સુંદરીને વરુણ અને શ્યામલની મુલાકાત બાબતે પોતાના પર શંકા નથી એ સ્પષ્ટ થઇ જતાં સોનલબા હવે આત્મવિશ્વાસનો અનુભવ કરી રહ્યા હતા.
“તારું એવું માનવું છે કે શ્યામલભાઈ અને એની મુલાકાત પાછળ ઉપરવાળાની ઈચ્છા છે? આ તું શું કહી રહી છે?” સુંદરીની અકળામણ વધી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
“મેં કહ્યું કે અચાનક મુલાકાત અને ઉપરવાળાની ઈચ્છાનું કોમ્બિનેશન છે. અચાનક એટલા માટે કારણકે ભઈલો મારા ખ્યાલથી એ જ એરિયામાં દરરોજ પ્રેક્ટીસ કરવા જતો હતો જ્યાં તમારા ભાઈની ચ્હાની શોપ છે અને ઈશ્વરની ઈચ્છા એટલા માટે કારણકે આપણે આ વાત બધી રીતે છુપાવવા માંગતા હતાં તેમ છતાં એ બંને મળ્યાં.” સોનલબાએ સંપૂર્ણ વિશ્વાસ સાથે કહ્યું.
“એ એ એરિયામાં પ્રેક્ટિસ કરવા જતા હતા એવું તમને કોણે કહ્યું?” સુંદરીની ભમરો તણાઈ.
“ભઈલાએ જ તો. દરરોજ સવારે સાડા છથી સાડા નવ એ યુનિવર્સીટી ગ્રાઉન્ડ પર જ પ્રેક્ટીસ કરવા જતો હતો. ત્યાંથી એના ઘરે જતાં જ પેલા સાત રસ્તા આવે. ગયો હશે કોઈ દિવસ, અચાનક, ચ્હા પીવા. આમ પણ મારો ભઈલો ચ્હાનો રસિયો છે, તો મળી ગયા હશે બંને.” સોનલબા હવે બરોબર વાર્તા ઉભી કરી રહ્યા હતા.
“પણ મારા ભાઈની જ શોપ કેમ? ત્યાં બીજા ઘણા ચ્હાવાળા ઉભા હોય છે, એ જ કેમ?” સુંદરીની શંકા હજી પણ દૂર થવાનું નામ નહોતી લઇ રહી.
“એ જ તો ઈશ્વરની ઈચ્છા જેમ મેં કહ્યું. ભઈલો કોઈ નહીં ને તમારા જ ભાઈની શોપ પર કેમ ગયો? ભગવાને જ મોકલ્યોને?” સોનલબાએ પોતાની મજબૂત વાર્તાનો મજબૂત અંત આણ્યો.
“હમમ...” સુંદરી કોઈ વિચારમાં ખોવાઈ ગઈ.
સોનલબાએ જે રીતે વરુણનો પક્ષ રાખ્યો હતો તેનાથી તેને વધુ શંકા કરવાની જરૂર ન પડી.
“મને એક વાત નથી સમજાતી મેડમ. તમારા ભાઈને કેવી રીતે ખબર પડી કે એને જે વ્યક્તિ મળે છે એ મારો ભઈલો જ છે?” પ્રશ્ન પૂછવાનો વારો હવે સોનલબાનો હતો.
“એણે જ મને કાલે કહ્યું. આમ તો દર બે-ત્રણ દિવસે મને મુંબઈ ઇન્ડિયન્સની મેચ હોય ત્યારે સાંજે બોલાવે અને ટોસ ઉછળી જાય એટલે મને કહે કે હવે ઘેર જા. કાલે રવિવાર હતો એટલે મુંબઈ ઇન્ડિયન્સની મેચ બપોરે હતી, તો મને બપોરે બોલાવી. ટોસ ઉછળતાં પહેલાં મને કાલે પહેલીવાર કહ્યું કે એનો કોઈ મિત્ર છે જે ચ્હા પીવા દરરોજ આવતો એ કદાચ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આજે રમશે.
ટોસ થયો અને એનું નામ જેવું બોલાયું કે શ્યામલભાઈએ ઉત્સાહમાં આવી જઈને રીતસર બૂમ પાડી. એમણે બૂમ પાડી ત્યારે હું નામ સાંભળી ન શકી. પછી જ્યારે ટીમનો ઇન્ટ્રો ફોટોગ્રાફ્સ અને નામ સાથે થયું ત્યારે મને તેમણે દેખાડ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આ બંને તો એકબીજાને ઓળખે છે અને એ પણ આટલી સારી રીતે! બંને પાછા એકબીજાને મિત્રો પણ ગણે છે!” સુંદરીએ આખી વાત સોનલબાને કહી.
“હમમ... તો હવે આપણે શું કરી શકીએ? જે થવાનું હતું એ થઇને જ રહ્યું. ભઈલો અત્યારે તો આઈપીએલ રમી રહ્યો છે પણ એક દોઢ મહિના પછી જ્યારે પાછો આવશે અને તમારા ભાઈ તમને એની સાથે ઓળખાણ કરાવવા બોલાવશે ત્યારે તમે શું કરશો?” સોનલબાને હવે સુંદરીને મૂંઝવણમાં મુકવાની મજા આવી રહી હતી.
જો કે સોનલબાનો આ બધું કરવા પાછળનો ઈરાદો સુંદરીને વરુણની વધુ નજીક લાવવાનો જ હતો.
“હમમ... હું પણ એજ વિચારતી હતી. મને બહુ બીક લાગે છે. જો મારો અને એનો ભેટો આ રીતે શ્યામલભાઈ સામે થશે તો મારું શું થશે? હું કેવી રીતે રીએક્ટ કરીશ? અને એ કશું બોલી જશે તો?” સુંદરીના સુંદર ચહેરા પર ચિંતા છવાઈ ગઈ.
“મારો ભઈલો કાંઈ રાક્ષસ નથી મેડમ, મેં તમને ઘણી વાર કહ્યું છે કે એ એની એઈજ કરતાં ઘણો મેચ્યોર છે અને એટલેજ મને વિશ્વાસ છે કે એ તમને કાયમ તકલીફના સમયે સાચવી લેશે.” સોનલબાએ કાયમ અને સાચવી લેશે શબ્દો પર ભાર મુકીને સુંદરીનું આવનારું ભવિષ્ય કેવું હોઈ શકે એનો સંકેત કર્યો.
“તું જ તારા ભાઈને કહી દે ને?” સુંદરી હવે સંભવિત મુશ્કેલીના ભયમાંથી તાત્કાલિક દૂર થવા માંગતી હતી.
“હું કેવી રીતે કહું?” સોનલબાએ આશ્ચર્ય સાથે કહ્યું.
“કેમ? તું નહીં તો એને કોણ કહેશે કે જ્યારે અમે મળીએ ત્યારે એ અજાણ્યો હોય એવું વર્તન કરે? અમને બંનેને તો તું એકલી જ જાણે છે ને?” સુંદરીએ સોનલબાને સમજાવવાની કોશિશ કરી.
“પણ મેં તો તમને પ્રોમિસ આપ્યું છે ને કે હું તમારા ભાઈ વિષે મારા ભઈલાને કશું જ નહીં કહું. તો પછી...” સોનલબાએ સુંદરીની વધુ મજા લેતાં વાક્ય અધૂરું મુક્યું.
“હવે હું જ તને કહું છું કે તું એને શ્યામલભાઈ અને મારા સબંધ વિષે કહી દે. હવે જ્યારે એ બંને એકબીજાને ઓળખે છે અને વળી એકબીજાને દોસ્ત કહે છે તો પછી મારે માટે શ્યામલભાઈથી બચવા માટે આ એક જ રસ્તો બાકી છે.” સુંદરીનું આંખો ગોળગોળ ફરવા લાગી.
“ઠીક છે, જો હવે તમે મને તમારા પ્રોમિસમાંથી મુક્ત કરી જ છે તો હું ભઈલાને વાત કરીશ, પણ...” સોનલબા હજી આગળ બોલે ત્યાં જ.
“... પણ? પણ શું સોનલ?” સુંદરી ફરીથી અકળાઈ.
“પણ હમણાં નહીં. એ આઈપીએલ રમીને અમદાવાદ પાછો આવે, થોડો સેટ થાય પછી જ. તમારે મને એટલો સમય તો આપવો જ પડશે. દોઢ-બે મહિના રોજ રમીને, કુટુંબથી દૂર રહીને એ થાકી ગયો હશે ફિઝીકલી અને ઈમોશનલી પણ. એને થોડા દિવસ આપીશ પછી જ શાંતિથી આ રીતે કોફી પીતાં પીતાં એને સમજાવી દઈશ.” સોનલબાએ સુંદરીને હિંમત આપતાં કહ્યું.
“પણ એ જો નહીં માને તો?” સુંદરીની શંકા અને ચિંતા બંને એક જ પ્રશ્નમાં વ્યક્ત થઇ.
“મેડમ, તમે ક્યારે મારા ભઈલાને ઓળખશો? એણે ફક્ત તમારા માટે આખી કોલેજ છોડી દીધી, મારા અને કૃણાલભાઈ જેવા મિત્રોથી દૂર થઇ ગયો. હજી પણ તમને એના પર શંકા છે?” સોનલબાએ જરા ગુસ્સાવાળા સૂરમાં કહ્યું.
“ઓકે, આઈ ટ્રસ્ટ યુ! તો નીકળીએ?” સુંદરીએ છેવટે વિશ્વાસ તો કર્યો પણ વરુણનો નહીં સોનલબાનો.
સોનલબાએ પણ તેની નોંધ લીધી.
સુંદરીએ બીલ ચુકવ્યું અને પછી બંને કોફી શોપમાંથી બહાર આવ્યા. સુંદરીએ બહાર પાર્ક કરેલું પોતાનું હોન્ડા સ્ટાર્ટ કર્યું હેલ્મેટ પહેરી અને સોનલબાને આવજો કરીને તેને હંકારી મુક્યું.
જેવું સુંદરીનું હોન્ડા સોનલબાની નજરેથી ઓઝલ થયું કે બીજી તરફથી કૃણાલ આવીને સોનલબાથી સહેજ દૂર ઉભો રહ્યો. સોનલબાને એને જોઇને આશ્ચર્ય થયું.
==:: પ્રકરણ ૬૮ સમાપ્ત ::==