Transition - 6 in Gujarati Fiction Stories by Kirtipalsinh Gohil books and stories PDF | સંક્રમણ - 6

Featured Books
Categories
Share

સંક્રમણ - 6

ઇન્સ્પેકટર ઢોલીરાજ તેમની ટીમ સાથે હોટલની અંદર છે. જે રૂમમાં મર્ડર થયું છે તે રૂમ તરફ તેઓ જઈ રહ્યા છે. હોટલના તમામ સ્ટાફને એકતરફ કરી દેવામાં આવ્યા છે. હોટલના અન્ય મહેમાનોને તેમના રૂમમાં જ રહેવા માટે કહેવામાં આવે છે.

ઢોલીરાજ રૂમમાં પહોંચે છે અને જુએ છે કે યુવતીનો મૃત દેહ પલંગ પર પડ્યો છે. લગભગ પચીસેક વર્ષીય યુવતી હોવાનું જણાય છે. તેણીના પીઠમાં કટાર ઘૂપેલી છે. તે કટાર નો હાથો સોનાનો બનેલો છે. જેને જોઈને ઢોલીરાજને આશ્ચર્ય થાય છે. યુવતીની લાશનું વધારે નિરીક્ષણ કરતા જણાય છે કે તેણીના હાથ પર ઘણા બધા બ્લેડના નિશાનો જોવા મળે છે. તેણીના બીજા હાથ પર દિલનું ટેટૂ બનાવેલું છે જેમાં ' રટ્ટક ' લખાયેલું છે. તેને જોઈને બીજો ઓફિસર ઢોલીરાજને તે તરફ ઈશારો કરે છે.

"પ્રેમ પ્રકરણનો મામલો લાગે છે. શું કહેવું તમારું?" તે પૂછે છે.

"હા એવું જણાય તો છે પણ ચોક્કસ ન કહી શકાય. એક હાથ માં બ્લેડના ચીરા માર્યા છે. આજકાલ પ્રેમમાં લોકો ઘણી રીતે પોતાની માનસિકતા બદલી દે છે. બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ દૂર જતા રહે, છુટા થઈ જાય, દગો દઈ દે અથવા તો એકબીજાને જલાવા માટે હાથ પર ચેકા મારવા, બધી જગ્યાએ અકળાઈ રહેવું, ઘરના સદસ્યો સામે ચિલ્લાવું, રૂમમાં પુરાઈ રહેવું અને એવી રીતે વર્તવું કે જાણે એમનો પ્રેમ જ ખાસ છે બાકી બધું જાણે બક્વાસ છે. પોતાને શારીરિક અને માનસિક તકલીફો આપીને જાણે તેઓ પર ફિલ્મો બની રહી હોય તેમ હીરો હિરોઈન બનીને વર્તન કરતા હોય છે. એમને ખબર નથી હોતી કે તેમના આવા વર્તનથી તેમના પરિવારો તેમજ મિત્રો પર કેવું વીતતું હશે. પણ આ કેસમાં મને થોડું અજુગતું લાગી રહ્યું છે. તપાસ કરો કે આ કોણ છે અને ક્યાં રહે છે. કદાચ બિચારીના પરિવારને ખબર પણ નહી હોય." તપાસ કરવાનો આદેશ આપીને ઢોલીરાજ રૂમમાં દરેક જગ્યાએ નજર ફેરવે છે અને પછી રૂમની બહાર જઈને હોટલના મેનેજરને મળે છે.

"સર, આ યુવતી અમારે ત્યાં દર મહિને આવતી જ હોય છે. દર વખતે કોઈક ને કોઈક એની સાથે હોય જ છે પણ આ વખતે તેણી એકલી આવી હતી." હોટલ નો મેનેજર બોલે છે.

"દર મહિને આવતી જતી હોય છે મતલબ તમે તેણી વિશે જાણતાં જ હશો ને?" ઢોલીરાજ પૂછે છે.

"તેણી અહીંના નજીક હાઇવે પર થતી બાઈકની રેસ લગાવતી ટોળકીની જ એક સદસ્ય છે. ઘણીવાર તે યુવક યુવતીઓ અહી રોકાવા આવતા હોય છે." મેનેજર જણાવે છે.

"શરમ નથી આવતી તમને? એ લોકોને સમજવવાને બદલે તમે હોટલની તિજોરી ભરો છો." ઢોલીરાજ કહે છે.

"સર, હું શું કરી શકું? હું તો માત્ર નોકરી કરું છું. આ બધા યુવક યુવતીઓ માલદાર ઘરના હોય છે. તેઓ તેમના ઘરના લોકોનું ન સાંભળતા હોય તો મારું ક્યાંથી માને. તેઓ દર અઠવાડિયે હાઇવે પર રેસ લગાવતા હોય છે. ઘણીવાર લોકોએ ફરિયાદ કરી છે પણ કોઈ નિકાલ નથી આવ્યો." મેનેજર કહે છે.

"આ યુવતી વિશે જેટલી પણ જાણકારી તમારી પાસે હોય એ અમને આપો. ધ્યાન રાખજો કે કંઈ પણ છુપુ રાખવાની કોશિશ કરી છે તો..." ઢોલીરાજ મેનેજર ને કહે છે. અને પછી પાછા પોતાની તપાસમાં લાગી જાય છે.

હોટલથી દુર શહેરની બીજી તરફ એક સોસાયટીમાં એક ૨૦ વર્ષીય યુવાન ખૂબ જ ખુશ છે. તેની જીદને કારણે તેના પિતાએ તેને એક મોંઘી સુપર બાઈક અપાવી છે. હજી હમણાં થોડાજ કલાક પહેલા ઘરે આવી છે. આજુબાજુ ના લોકો અને તે યુવાનના મિત્રો પણ આ આકર્ષક બાઈકને જોવા એકઠા થયા છે.

"બેટા, બાઈક તો લાવી દીધી છે પણ ધ્યાનથી ચલાવજે." યુવાનની માતા ચિંતિત મુખે તેને કહે છે.

"અરે મમ્મી, હું હવે કંઈ નાનો નથી. મને બાઈક આવડે છે. જુઓ તમે..." કહીને તે યુવાન બાઈક ચાલુ કરીને એક બે રાઉન્ડ સોસાયટીમાં ફેરવે છે. બધા લોકો ફોટા પાડે છે. સેલ્ફી લે છે. ત્યાર બાદ બધા લોકો પોત પોતાના કામે વળગે છે. યુવાન અને તેના મિત્રો બાઈક લઈને સોસાયટીની બહાર જાય છે.

"તમે બાઈક શું કામ અપાવી? છોકરા તો જીદ કરે પણ ..." સોસાયટીની બહાર જઈ રહેલ યુવાનને જોતાં જોતાં તેની મમ્મી તેના પિતાને પોતાની ચિંતા જણાવે છે.

"અરે તો શું કરું? તને ખબર છે ને કે કેટલી જીદ કરી તી એણે. ખાતો પીતો પણ નહોતો અને બંધ રૂમમાં બેસી રહેતો. કેટલું સમજાવ્યું પણ ન માન્યો તો પછી શું કરું? આખરે માં બાપ છીએ. સંતાનની જીદ આગળ માવતર હમેશા ઢીલું પડી જ જાય છે." યુવાનના પિતા બોલે છે.

"મને બહુ જ ચિંતા થાય છે. પેલા હાઈવે પર રેસ લગાવનાર નબીરાઓને જોઈને આ જીદ પર ચડ્યો હતો. એને બી રેસ લગાવી છે ને હીરો બનવું છે. બસ, હવે નહિ. બાઇક લાવી દીધી છે ને બહુ થયું. હમણાં આંટો મારીને આવે એટલે બાઈકની ચાવી લઇ લઉં. ભલે જીદ કરે કે ધમપછાડા કરે. નથી આપવી. અહીં એક તો ઘર ચલાવવા માટે લોન પર લોન લઈને બેઠા છીએ ને હવે એમાં આ બાઈકની લોન. હવે ઘણું થયું." યુવાનની મમ્મી ખિજાઈને બોલીને ઘર માં જતી રહે છે. ચિંતિત મુખે પિતા પણ ઘરમાં જતાં રહે છે.

આ તરફ આ યુવાન સોસાયટીથી બહાર નજીકના એક રોડ પર આવે છે. તેના મિત્રો અને તે ફોટા પાડે છે. બધા ખુશ છે.

"હવે એક કામ કરીએ. હું બાઈક ચલાવું ને તમે બધા મારો ફોટો પાડજો અને વિડિયો ઉતારજો." કહીને તે યુવાન બાઈકને ચલાવે છે.

એક બે આંટા મારીને પછી પોતાના ફોટા અને વીડિયો જોઈને તે ઉત્સાહમાં આવી જાય છે, "હજી એકવાર. અને આ વખતે સ્પીડ માં આવીશ. તમે બધા વિડિયો ઉતારજો. અલગ અલગ ઇફેક્ટમાં વિડિયો ઉતારજો તો મજા આવશે." કહીને તે બાઈક લઈને રોડ પર દૂર જાય છે.

મિત્રો બધા ફોન લઈને ઊભા છે. આજુ બાજુ ના વાહનો અને અન્ય લોકો પણ આ બધા પર નજર કરી રહ્યા છે અને માત્ર કપાળ પર હાથ મારતા આ યુવાનોને રોકવાને બદલે મનોમન ધુત્કારી રહ્યા છે.

પેલો યુવાન બાઈક ચલાવી રહ્યો છે. રોડ પર તેની નવી બાઈક એકદમ સડસડાટ દોડી રહી છે. તેને મજા પડી ગઈ છે. આગળ ના વાહનોની નજદીકથી કટ મારીને તે હીરોના ભાવે ખુશ થઈ રહ્યો છે. તેના ઉત્સાહની સાથે સાથે તેની સુપર બાઈકની સુપર સ્પીડ પણ વધી રહી છે. તે હવે પુર ઝડપે બાઈકને હાંકી રહ્યો છે. મિત્રો તેની રાહ જોઈ રહ્યા છે અને વિડિયો ચાલુ જ છે. વિડિયોમાં આવતો દેખાઈને તેઓ પણ ઉત્સાહમાં કિકયારિયો કરે છે.

આ જોઈને પેલો યુવાન વધારે ઉત્સાહમાં આવે છે અને ચાલુ બાઈક પર બંને હાથ છોડીને ફિલ્મના હીરોની જેમ દંભ કરવા જાય છે ને ત્યાં જ બાઈકનું નિયંત્રણ ગુમાવે છે અને રોડ પર ઉછળતા અને પટકાતાં તેનો વીડિયો બની જાય છે. તેના મિત્રો અને આસપાસ ના તમામ લોકોની ચીખ નીકળી જાય છે.

મોડી રાત્રે જ્યારે તે યુવાનના પિતા હોસ્પિટલેથી ઘરે પાછા આવે છે ત્યારે સોસાયટીના તમામ લોકો તેમની પાસે આવે છે. તમામ લોકો દુઃખી છે. ચૂપ છે. નિરાશ છે.

"કેવું છે હવે એને?" એક વડીલ યુવાનના પિતા ને પૂછે છે. યુવાનનાં પિતા ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગે છે. બધા તેમને શાંત કરે છે. બેસાડે છે.

"બહેન ક્યાં છે?" પાડોશી સ્ત્રી પૂછે છે.

"તેણી તો ભાનમાં જ નથી. છોકરાની હાલત જોઈને તો તેણી પોતે જ બેભાન થઈ ગઈ છે. તેણીની હાલત પણ નાજુક થઈ ગઈ છે. હમણાં થોડી વાર પહેલા જ તેણી હોશમાં આવી છે. એને બહુ સંભાળીને શાંત કરીને હું અહી આવ્યો છું જરૂરિયાતની વસ્તુ લેવા માટે." યુવાનનાં પિતા કહે છે.

"અને તમારા પુત્રની પરિસ્થિતિ કેવી છે? ડોકટરો શું કહે છે?" બીજા એક વડીલ પૂછે છે.

"હવે શું કહું. તેના હાથ અને પગ તૂટી ગયા છે. સળિયા નાખવા પડશે. એક આંખ નકામી થઈ ગઈ છે. પાંચ થી આઠ લાખનો ખર્ચ થશે અને ત્યાર પછી પણ બચવાની આશા નથી બતાવી. કેમકે દિમાગ પર ભારે અસર પડી છે. ચોવીસ કલાક કીધા છે." બોલતા બોલતા ફરી તે રડવા લાગે છે. તમામ લોકો આ સાંભળીને નિસાસો નાખીને એકબીજા સામે જોવા લાગે છે.

* * *