Aage bhi jaane na tu - 18 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 18

The Author
Featured Books
  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

Categories
Share

આગે ભી જાને ના તુ - 18

પ્રકરણ - ૧૮/અઢાર

ગતાંકમાં વાંચ્યું.......

આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ અને તરાના વેજપરથી ભાગી જઇ એક નાનકડા ગામની ધર્મશાળામાં આશરો લે છે જ્યાં કમરપટ્ટો ન મળવાના આઘાતથી તરાના મૃત્યુ પામે છે. વલ્લભરાય પણ ઉદયસિંહના ડરથી વેજપર છોડી વડોદરા પહોંચી જાય છે સાથે લાજુબાઈ અને જમનાને પણ લઈ જાય છે. આમિર અલી કાયમી સ્વરૂપે ખીમજી પટેલનું રૂપ લઈ રાજપરાનો નિવાસી બને છે.....

હવે આગળ......

ખીમજી પટેલને રાજપરામાં રહેતા લગભગ એક દાયકો વીતી ગયો. આ એક દાયકામાં ખીમજી પટેલ બે ખેતર અને એક ડેલીબંધ મકાનના માલિક બની ગયા હતા પણ એમના દિલમાં વલ્લભરાય અને લાજુબાઈ સામે બદલો લેવાની ભાવના ઓછી થવાને બદલે તીવ્ર બનતી જતી હતી. એક પણ દિવસ એ બંનેને યાદ કર્યા વગરનો વીતતો નહોતો.

આ બાજુ જોરાવરસિંહના પિતા લખપતસિંહનું પણ વૃદ્ધાવસ્થા અને બીમારીને લીધે અવસાન થઈ ગયું અને જમીનદારીની સઘળી જવાબદારી જોરવરસિંહના માથે આવી હતી. સાંસારિક જવાબદારીઓની સાથે જોરવરસિંહ અને કનકબાએ રાજપરા પ્રત્યે પણ પોતાની જવાબદારી સુપેરે નિભાવી હતી.

એક દિવસ ખીમજી પટેલને વ્યવસાયિક કામ અંગે વડોદરા જવાનું થયું. દેશભરમાં હવે રેલવે સેવા હોવાથી મુસાફરી સરળ અને સુગમ બની ગઈ હતી. ખીમજી પટેલ પણ ટીકીટ લઈ રેલ દ્વારા વડોદરા પહોંચ્યા. એમ.જી.રોડ પર આવેલી એક દુકાનમાંથી ખેતી માટેનો જરૂરી સામાન લઈ એ વડોદરાના એક ઉપવિસ્તારમાં આવેલા ગેસ્ટહાઉસમાં પાછા ફરતા હતા ત્યાં એમની નજર એક જર-ઝવેરાતની નાની એવી દુકાન પર પડી, જ્યાં એમણે એક અછડતો ચહેરો જોયો જે એમને જાણીતો લાગ્યો , ખીમજી પટેલના પગ ત્યાં જ અટકી ગયા પણ મનોમન વિચાર કર્યા પછી એ વડોદરાના ઉપવિસ્તારમાં આવેલા એક ગેસ્ટહાઉસમાં જ્યાં એ રોકાયા હતા ત્યાં ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે નાહીને તૈયાર થઈ ખીમજી પટેલ ગેસ્ટહાઉસમાંથી બહાર નીકળી મેઈન રોડ પર આવેલી એક ઈરાની હોટેલમાં ચા-નાસ્તો કરી એમ.જી.રોડ તરફ ચાલવા લાગ્યા. દસ-પંદર
મિનિટ ચાલ્યા પછી ખીમજી પટેલ એ જ ઝવેરાતની દુકાન આગળ આવી પહોંચ્યા. આસપાસ નજર નાખી ખીમજી પટેલ દુકાનની અંદર ગલ્લે બેઠેલી વ્યક્તિ પાસે જઈ ઉભા રહ્યા.

"શેઠ, ચાંદીની પાયલ બતાવશો? ઘરવાળી માટે લેવી છે." ખીમજી પટેલે ગલ્લે બેઠેલા શેઠને પાયલ બતાવવા કહ્યું.

ગલ્લે બેઠેલા શેઠ છાપું વાંચવામાં મશગુલ હતા એટલે નજર ઊંચી કર્યા વગર જ એમણે દુકાનમાં નોકરી કરતા બીજા માણસને ખીમજી પટેલને પાયલ બતાવવા કહ્યું. જો શેઠે નજર ઊંચી કરી ખીમજી પટેલ તરફ જોયું હોત તો છાપું વાંચ્યા વગર જ એમના હોશકોશ ઉડી જાત અને છાપું ક્યાંય ઉડીને પડ્યું હોત. એ ગલ્લે બેઠેલા શેઠ બીજું કોઈ નહીં પણ ખુદ વલ્લભરાય હતા. વલ્લભરાયના કહેવાથી દુકાનમાં રહેલા નોકરે દુકાનમાં રહેલા કબાટના ખાનામાંથી એક પેટી કાઢી ખીમજી પટેલને પાયલ બતાવવા લાગ્યો. એક પછી એક પાયલ જોવાનો ઢોંગ કરતા ખીમજી પટેલ આડકતરી નજરે ગલ્લા તરફ જોઈ લેતા હતા.

"કોઈ એવી અદભુત, બેનમૂન કારીગરીવાળી પાયલ બતાવો ભાઈ, દૂર ગામડેથી આવેલો માણસ છું, શહેરમાં આવ્યો છું તો કોઈક નવી નકશીકામવાળી પાયલ લઈ જવાનો વિચારું છું. મારી ઘરવાળીને પાયલનો બહુ શોખ છે." વલ્લભરાય તરફ નજર નાખતા ખીમજી પટેલ બોલ્યા.

"ક્યાંથી આવો છો ભાઈ?" નોકરે ખીમજી પટેલને બીજી પેટીમાંથી પાયલ બતાવતા પૂછ્યું.

"રાજપરાથી, રાજસ્થાન અને ગુજરાતની સરહદે અરવલ્લીની પર્વતમાળા પાસે આવેલા નાનકડા ગામડાનો રહેવાસી છું," ખીમજી પટેલ જાણીજોઈને ઊંચા અવાજે બોલ્યા.

"રાજપરા" નામ સાંભળતા જ ગાદીપર બેઠેલા વલ્લભરાય રીતસર ઉછળી પડ્યા અને છાપાના પાના એમના હાથમાંથી ઉડીને દુકાનમાં વિખેરાઈ ગયા, ચશ્મા સરખા કરી એમણે રાજપરાનું નામ લેનાર વ્યક્તિ સામે જોયું તો સામે ખીમજી પટેલને જોઈ જગ્યા પરથી ઉભા થઇ ગયા.

"ખી....મ.....જી.....પટેલ....., ત....ત....મે......અહીંયા?" વલ્લભરાયનો જીભ પરનો કાબૂ જતો રહ્યો. ગે ગે ફેં ફેં કરતા વલ્લભરાય ગલ્લેથી બહાર આવ્યા ને જોયું તો ખીમજી પટેલના ચહેરા પર આવેલું ખંધાઈભર્યું સ્મિત જોઈ એમના ધોતિયાની પકડ ઢીલી થઈ ગઈ. મનમાં અજંપો વ્યાપી ગયો, કપાળે ચિંતામિશ્રિત કરચલીઓ વળી ગઈ. પરસેવાનો રેલો ગળાપરથી નીચે ઉતરવા લાગ્યો. ઝભ્ભાના ખિસ્સામાંથી રૂમાલ કાઢતા વલ્લભરાયનો હાથ થરથરવા લાગ્યો. એમનો ચહેરો જોઈ એમની કફોડી સ્થિતિનો ખ્યાલ ખીમજી પટેલને આવી ગયો. જેમતેમ સ્વસ્થતા જાળવી વલ્લભરાયે ખીમજી પટેલ સામે આછું સ્મિત આપી ખાલી પડેલી ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો અને નોકરને ચા લેવા મોકલી આપ્યો. ખીમજી પટેલ ખુરશીમાં બેસી ગયા.

"શેઠ, મને અંદાજ નહોતો કે તમે અને લાજુબાઈ મારી સાથે આવડો મોટો દગો કરશો ને મને તમારી મેલી રમતનો શિકાર બનાવશો. તમારી રમતથી મારી તરાનાએ જીવ ગુમાવ્યો. કમરપટ્ટો ગુમાવ્યાનો આઘાત એ જીરવી ના શકી. બાળવાર્તામાં જેમ જાદુગરનો જીવ પોપટમાં હોય એમ તરાનાનો જીવ એના કમરપટ્ટામાં હતો. તમને શોધવા હું ક્યાં ક્યાં ભટક્યો પણ મારી કિસ્મત મારાથી બે ડગલાં આગળ નીકળતી અને તમને શોધવાના મકસદ સાથે જીવતા દાયકા ઉપર સમય વીતી ગયો અને આખરે આજે કિસ્મતે મને સાથ આપ્યો અને અનાયાસે તમારી ભાળ મળી ગઈ." એકીશ્વાસે ખીમજી પટેલે પોતાની રામકહાણી વલ્લભરાયને સંભળાવી.

"જુઓ, પટેલ.... મારી વાત તો સાંભળો, તમે મારા પર ખોટો આરોપ મૂકી રહ્યા છો, મેં કોઈ કમરપટ્ટો નથી લીધો. હું સાચું કહું છું અને લાજુબાઈ પર તમને ભરોસો નથી, એ તો તમારી પોતાની સાથી હતી, મને નથી લાગતું કે એણે પણ કમરપટ્ટો જોયો કે લીધો હોય. મારી વાત સમજવાની કોશિશ કરો પટેલ," વલ્લભરાયે ખીમજી પટેલને પાણીનો ગ્લાસ આપ્યો.

"તો.... તો પછી તમે લોકો રાતોરાત વેજપર છોડી અહીં કને કેમ આવ્યા," ખીમજી પટેલે ખુલાસો માંગ્યો, "મને ખબર છે શેઠ, તમે ભલે ગમે તેટલું જૂઠું બોલો પણ તમારી આંખો ક્યારેય જૂઠું નહીં બોલે. કમરપટ્ટો હજી પણ તમારી પાસે જ છે અને મને લાજુબાઈ પર પણ ભરોસો નથી રહ્યો. શેઠ, મારામાં રહેલો આમિર અલી ફરી જાગી જાય એના કરતાં તમે સાચેસાચુ કહી દયો તો વધુ સારું, નહિતર.....," ખીમજી પટેલ હજી આગળ કાંઈ કહેવા જાય ત્યાં સુધી વલ્લભરાયે મોકલેલો નોકર ચા લઈને પાછો આવ્યો એટલે ખીમજી પટેલે વાત પડતી મૂકી પણ આંખો અને આંગળીના ઈશારે એમણે વલ્લભરાયને થોડામાં ઘણું સમજાવી દીધું. ચા પીને ખાલી કપ મુક્તા ખીમજી પટેલે પહેરણની બાંયથી મોં લૂછી ખિસ્સામાંથી બીડીનું બંડલ કાઢી એક બીડી લઈ સળગાવી અને સળગતી દીવાસળી વલ્લભરાય તરફ ફેંકવા હાથ ઊંચો કર્યો પણ વલ્લભરાયના ચહેરા પર ગભરાટના ભાવ જોઈ ખીમજી પટેલે દીવાસળી ફૂંક મારી ઓલવી દીધી અને દુકાન બહાર ફેંકી દીધી.

"અરે..... શેઠ, તમે તો ગભરાઈ ગયા, એમ કાંઈ કમરપટ્ટો લીધા વગર તમને થોડી મારી નખાય, અરે... તમને તો નાનીસરખી ઇજા પણ ના કરાય," ખીમજી પટેલે અટ્ટહાસ્ય કર્યું અને એના અવાજથી વલ્લભરાય વધુ ગભરાયા.

"પટેલ, તમે હમણાં અહીંથી ચાલ્યા જાઓ અને ક્યાં રોકાયા છો એનું સરનામું આપી દયો, હું સાંજે તમને મળવા આવું છું," વલ્લભરાયથી આપોઆપ બંને હાથ જોડાઈ ગયા.

"ઠીક છે શેઠ, પણ કોઈ ચાલાકી નહીં, તમારી સાથે તો મેં વર્ષો સુધી કામ કર્યું છે એટલે બહુ જ સારી રીતે તમને ઓળખું છું. સાંજે મળીયે," ખીમજી પટેલે ગેસ્ટહાઉસનું સરનામું આપ્યું અને પેઢીનો ઓટલો ઉતરી ગયા.

અહીં વલ્લભરાયની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ, ખીમજી પટેલને સાચી હકીકત એ કહી શકતા નહોતા અને ખોટું બોલી શકતા નહોતા, જો ખોટું બોલતાં પકડાઈ ગયા તો ખીમજી પટેલ એમની સાથે કેવું વર્તન કરશે અને કેવી પરિસ્થિતિ ઉભી કરશે એ સારી પેઠે જાણતા હતા. હવે શું કરવું એવી અસમંજસમાં વલ્લભરાય પેઢીમાં આંટા મારવા લાગ્યા અને થોડીવારમાં થાકી હારીને લમણે હાથ દઈ ગાદીએ બેસી ગયા.

"સાહેબ, સાહેબ, હું જમવાનું લાયવી છું,"

"હં.... હેં......હા...." વલ્લભરાય બેબાકળા બની સામે જોઈ રહ્યા. સામે લાજુબાઈ બપોરે જમવાનું ટિફિન લઈ પેઢીએ આવી હતી. લગનગાળો હોવાથી પેઢીએ સારા પ્રમાણમાં ઘરાકી રહેતી હોવાથી નિર્મળા રોજ લાજુબાઈને બપોરે ટિફિન આપવા મોકલતી.

"સાહેબ, મેં હમણાં જ માલિકને પેઢીનો ઓટલો ઉતરતાં જોયા, શું માલિક ખરેખર અહીં આયવા હતા. એમનું ધ્યાન બીજી તરફ હોવાથી એમણે મને આવતા ન જોઈ પણ એમના ચહેરા પર નારાજગી જરૂર દેખાતી હતી." લાજુબાઈએ ટિફિન નોકરના હાથમાં આપ્યું અને નોકર ટિફિન લઈ પેઢી પાછળની નાની ઓરડીમાં જતો રહ્યો.

"હા... લાજુબાઈ, ખીમજી પટેલ અત્યારે અહીં, વડોદરામાં જ છે, હમણાં જ મને કહીને ગયા છે કે જો હું કમરપટ્ટો એમને પાછો નહીં આપું તો...... અને હું એમને કેવી રીતે સમજાવું કે એ કમરપટ્ટો મારી પાસે છે જ નહીં. વેજપરમાં એ કમરપટ્ટો મેં જરૂર ચોરી લીધો હતો પણ અહીં આવ્યા પછી એ કમરપટ્ટો મારા ઓરડામાંથી ચોરાઈ ગયો છે અને હું પણ નથી જાણતો એ કમરપટ્ટો કોણે ચોર્યો ને કોની પાસે છે. સાચું કહીશ તો એ માનશે નહીં અને ખોટું બોલીશ તો પકડાઈ જવાની બીક રહેશે. લાજુબાઈ, હવે તમે જ કહો મારે શું કરવું? મેં ખીમજી પટેલને સાંજે મળવાનું વચન આપ્યું છે," વલ્લભરાયનો સ્વર ઢીલો પડી ગયો હતો અને શરીર થોડું થોડું કાંપતું હતું.

"હેં...... આ તમે શું કયો છો સાહેબ?" મોઢે હાથ દાબતા લાજુબાઈ આશ્ચર્ય પામી ગઈ. " તો.... તો... સાહેબ, એ કમરપટ્ટો છે ક્યાં?"

"લાજુબાઈ, એ જ તો મોટી મોકાણ છે કે કમરપટ્ટો ક્યાં છે એ મનેય નથી ખબર. જે પેટીમાં મેં કમરપટ્ટો મુક્યો હતો એ પેટી જ ગાયબ થઈ ગઈ છે."

"શું....." લાજુબાઈ મોમાં આંગળા નાખી ગઈ. "સાહેબ ખરેખર સાચું બોલે છે કે પાછી કોઈ નવી રમતની નવી યોજના ઘડી રહ્યા છે અને જો સાચું બોલતા હોય તો આટલી સુરક્ષિત રીતે મુકેલો કમરપટ્ટો આખરે ચોર્યો કોણે?" લાજુબાઈના કપાળે નવાઈ સાથે અનેક પ્રશ્નો સાથેની ચિંતામિશ્રિત રેખાઓ ખેંચાઈ ગઈ. "કમરપટ્ટો ગયો ક્યાં.....?"

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.