Dear Paankhar - 23 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ - ૨૩

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ - ૨૩

આકાંક્ષાએ સિદ્ધાર્થને મેસેજ કર્યો , ' મેઈલ કરી દીધો છે. '
' ઓકે. હું જોઈ લઉ છું. મોક્ષ અને મોક્ષા શું કરે છે ? ' સિદ્ધાર્થનો વળતો મેસેજ આવ્યો.
' હમણાં જ સુઈ ગયા. ' આકાંક્ષાએ ચહેરા પર ફીક્કી સ્મિત સાથે લખ્યું.
' આજે મને નીંદર જ નથી આવતી.' સિદ્ધાર્થે લખ્યું.
' કેમ ? શું થયું ? કોઈ ટેન્શન છે કે ?' આકાંક્ષાએ પૂછ્યું.
' તને તકલીફમાં જોવુ છું ને તો બહુ દુઃખ થાય છે. ભૂલ મારી હતી અને સજા તું ભોગવી રહી છું. ' સિદ્ધાર્થેનાં મેસેજમાં લાગણીની સાથે સાથે એક ભાવના છલકી રહી હતી.
' મારી જીંદગી એ મારી જવાબદારી છે. તમે મારા પ્રોબ્લેમનો ભાર તમારા માથા પર ના લઈ લો. ' આકાંક્ષાએ સિદ્ધાર્થને સમજાવતાં લખ્યું.
' આજે હું પણ એકલો છું અને તું પણ એકલી છું છતાં આપણે અલગ અલગ રહેવા માટે મજબૂર છીએ. તું ખુશ હોત તો વાંધો નહોતો પણ આજે તને જોઈને મારું દિલ બહુ દુખાય છે.' સિદ્ધાર્થની આંખોની ભીનાશ આકાંક્ષા જોઈ નહોતી શકતી પણ મહેસુસ ચોક્કસ કરી રહી હતી.
' નસીબ આગળ કોનું ચાલ્યું છે ? કદાચ આજ મારું નસીબ હતુ. મેં એને સ્વીકારી લીધું છે. ' આકાંક્ષાએ લખ્યું.
' મને સ્વીકાર્ય નથી . ' સિદ્ધાર્થના મેસેજમાં એની લાગણી ઊભરાઈને બહાર આવી રહી હતી.
' હવે આજ મારી જિંદગી છે. તમારો આટલો સાથ પણ બહુ છે મારા માટે. ' આકાંક્ષાએ ભાવુક થઈને લખ્યું.
' હંમેશા રહેશે. ' સિદ્ધાર્થે લખ્યું.
' તો મારે બીજુ શું જોઈએ ? બાય. ગુડ નાઈટ. ' આકાંક્ષાની આંખ ભરાઈ આવી. હવે એ આગળ ટાઈપ નહોતી કરી શકતી.
સિદ્ધાર્થે પણ ગુડ નાઈટ જવાબમાં લખ્યું અને ફોન સાઈડ પર મૂકી દીધો.
સહેજ વાર રહીને સિદ્ધાર્થે ફોન હાથમાં લઈને ચેક કર્યો કે કદાચ આકાંક્ષાનો મેસેજ તો નથી આવ્યો ને ? પરંતુ કોઈ મેસેજ નહોતો. સિદ્ધાર્થનું મન ઉદ્વિગ્ન થઈ રહ્યું હતું. આમ તો એ સ્વભાવે શાંત હતો પણ આકાંક્ષાની જિંદગીમાં ઘટતી ઘટનાઓથી એનું મન વિચલિત થઈ રહ્યું હતું. ક્યાંક ને ક્યાંક એને અપરાધભાવના આવી રહી હતી.

આકાંક્ષા પડખાં ફેરવી - ફેરવીને ઉંઘવાનો પ્રયત્ન કરી રહી હતી. ફરી - ફરીને યોગિની દેવીની વાત યાદ આવી રહી હતી .
' એમણે એવું કેમ કહ્યું હશે કે બીજા લગ્નનો વિચાર કરવો ખોટો નથી. ત્યારે તો અમોલ પણ ડિવોર્સ માંગતા હતા. પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો એવું કાંઈ શક્ય નથી. તો પછી શું કારણ હશે ? કે‌ પછી એમણે એમજ કહ્યું હશે. પણ જો એમજ કહ્યું હોય તો આ વાત વિશે જ કેમ ? ભાવીનાં ભીતરમાં શું લખ્યું છે કોને ખબર છે ? અત્યારે તો વાસ્તવિકતા એજ છે કે અમોલને ઓપરેશન પછી જલ્દી ઉભું થવાનું. તન્વી શું પ્રતિક્રિયા આપે છે એ પણ ખબર નથી. એ બધી જ વાતો પર મારું ભવિષ્ય ટક્યું છે. હા! મારું ભવિષ્ય મારા હાથમાં નથી. અત્યારે હું જે કર્મ કરીશ એજ મારા હાથ માં છે. ' વિચારતા વિચારતા આકાંક્ષા સૂઈ ગયી . રાતમાં વચ્ચેજ આંખ ખુલી ગઈ. ઘડિયાળ માં જોયું , ત્રણ વાગ્યા હતા. પાછો સૂવાનો પ્રયત્ન કર્યો . ખૂબ પ્રયત્ન પછી આંખ લાગી ગઈ. સવારનું પાંચ વાગ્યાનું અલાર્મ વાગ્યું . એણે અલાર્મ બંધ કર્યું . વાળ બાંધ્યા. મોઢું ધોયું. રસોડામાં જઈને ચા મુકી. દમયંતીબહેન અને ભરતભાઈ પણ જાગી ગયા હતા.

" મને તો રાત્રે ઉંઘ જ નહોતી આવતી. કેમ કરીને રાત કાઢી. શું ખબર શું થવા બેઠું છે? આજે મનહરભાઈ અને ભાવનાબહેન આવે ને ‌તો એમને કહેવું છે કે તન્વીને અહીં થી લઈને જાય . બહુ નાટકો થઈ ગયા એના હવે ! " દમયંતીબહેન ભરતભાઈ સાથે વાત કરતાં હતાં.

" એ લોકો એ તો એમનો પ્રયત્ન કર્યો જ હતો ને ? પણ એ વાત સાચી છે. એ છોકરીએ એની જિંદગી વિશે વિચારવું જોઈએ. આમ કોઈનો સંસાર ખરાબ ના કરવો જોઈએ. વાંક તો આપણા છોકરાનો કોઈ ઓછો નથી. પણ છોકરા મોટા થાય પછી એમને પોતાના નિર્ણય સાચા અને મા-બાપ ખોટા લાગવા માંડે છે. મોડુ થાય એ પહેલાં જો સમજણ આવી જાય તો સારું છે. " ભરતભાઈ પોતાનું દિલ ઠાલવી રહ્યા હતા.

' ગુડ મોર્નિંગ' કહી આકાંક્ષા એ એમને ચા આપી અને બીજા કામમાં વળગી ગઈ. બાળકોનાં ટીફીનની તૈયારીની સાથે સાથે એમને ઉઠાડીને તૈયાર કર્યા. પોતે પણ તૈયાર થઈ. ટિફિન ભર્યા અને સ્કૂલ બસનાં સ્ટોપ પર બાળકોને મૂકવા ગઈ .

મનહરભાઈ અને ભાવનાબહેન સીધા હોસ્પિટલ પહોંચી ગયા હતાં. તન્વીને જોઈને ખૂબ દુઃખી થઈ ગયા હતા . ડૉક્ટરનાં રિપોર્ટ જોયા તો મનહરભાઈની છાતીમાં જાણે દુખાવો થઈ ગયો. ભાવનાબહેને પોતાનું કપાળ કૂટયુ. તન્વીને આ બધું જોઈને અકળામણ થઈ રહી હતી.
" બંધ કરો તમારા નાટકો અને ચાલ્યા જાવ અહીં થી. " તન્વીએ ગુસ્સે થઈને કહ્યું.
" આ શું બોલુ છું ? તને શરમ‌ નથી આવતી ? પોતે પાપે પ્રપંચે પૂરી છું અને અમને નાટક બંધ કરવાનું કહું છું. ક્યાંય મોઢુ બતાવાને લાયક નથી રાખ્યા અમને. " ભાવનાબહેને ગુસ્સામાં કહ્યું.
" તારા લીધે મારા બાળપણનાં મિત્ર જોડે મારે સંબંધ તૂટી ગયો. તે તો તારી જિંદગી ખાડામાં ‌નાખી જ છે. અમનેય જોડે નાખી દીધાં. " મનહરભાઈએ પણ ભાવના બહેનનો સાદ પૂરાવતા કહ્યું.
" મારી જિંદગીમાં તમારે લોકો એ દખલ કરવાની કોઈ જરૂર નથી. " તન્વીએ રુક્ષતાથી કહ્યું.
" સારુ થયુ તારા પેટ માં જ તારું પાપ મરી ગયું. વગર લગ્ન કરે તારે છોકરું કરવું હતું ? અમારા સંસ્કાર લજાવવામાં તે કોઈ કમી નથી રાખી ! "ભાવનાબહેનને જાણે પોક મૂકીને રડવું હતું પણ કેમ કરીને એ પોતાને સંભાળી રહ્યા હતા.

તન્વીને કમર પર વાગ્યું હતું. દવાઓની અસરનાં લીધે એને અહેસાસ નહોતો થયો. પરંતુ ભાવનાબહેનનાં શબ્દોથી એ ડઘાઈ ગઈ.
" સિસ્ટર ! સિસ્ટર ! " કહી બૂમો પાડવા લાગી .
" શું થયું ? એની પ્રોબ્લેમ ?" નર્સ દોડીને આવી અને પૂછ્યું.
" મારા બાળકને કશું થયું તો નથી ને ? " તન્વીએ પૂછ્યું.
" મિસકૅરેજ થઈ ગયું . " નર્સે ધીમે રહીને કહ્યું.
" મિસકૅરૅજ થઈ ગયું ?" તન્વીએ એકદમ ઉંચા અવાજથી પૂછ્યું.
" હા ! તમને અહીં લાવવામાં આવ્યા એ પહેલાં જ !" નર્સે કહ્યું.
" કે પછી તમે કોઈનાં કહેવાથી એવુ કર્યુ ? " તન્વીએ શંકાથી પૂછ્યું.
" ના! રિપોર્ટ જોઈ લો. તમે અહીં આવ્યા એ પહેલાં જ તમને મિસકૅરેજ થઈ ગયું હતું. " નર્સે કહ્યું.
તન્વીએ ગુસ્સાથી ઉભી થવાની કોશિશ કરી. પરંતુ એ ઉઠી ના શકી. નર્સ તેની મદદે આવી. " બાથરૂમ માં જવું છે ?"
" ના મારે અમોલને મળવું છે ! ક્યાં છે એ ?" તન્વીએ કહ્યું.
" બાજુની રુમમાં છે. પણ તમે ત્યાં નહીં જાવ !" નર્સે કહ્યું.
" કેમ ના જવું ? હું જઈશ ! જોવું છું કોણ રોકે છે મને ?" નર્સે જલ્દી થી ત્રણ-ચાર બૅલ વગાડ્યા અને તન્વીને પકડી રાખી. ઈમરજન્સી બૅલ સાંભળીને વોર્ડ બૉય દોડીને આવી ગયા.
" બાજુ ની રુમમાં જવાની જીદ કરે છે. મારાથી હૅન્ડલ નથી થઈ રહી. " નર્સે વોર્ડ બૉયને કહ્યું.
" મેડમ ! તમારે આરામની જરૂર છે. " નર્સે સમજાવતાં કહ્યું.
ભાવનાબહેન પણ તન્વી પર ગુસ્સે થઈ રહ્યા હતા. આ બધાં અવાજ સાંભળીને ગૌતમ તન્વીની રુમ‌માં આવ્યો.
" ગૌતમ ! ગૌતમ ! પ્લીઝ ! હું હાથ જોડું છું . મને અમોલ પાસે લઈ જા. !" તન્વીએ આજીજી કરી.
" અમોલની તબિયત બહુ ખરાબ છે .એને આરામ કરવા દે અને તું પણ આરામ કર. " ગૌતમે કહ્યું.
" આ બધું તમારુ પ્લાનિંગ છે ને અમને હેરાન કરવા નું ? સાચુ કહેજો ? " તન્વીએ ગુસ્સેથી ગૌતમને કહ્યું.
નર્સે અવાક થઈ ને કહ્યું , " અરે ! એમણે તો તમને લોહી આપ્યું છે અને તમે એમના પર જ આરોપ લગાવો. અને હમણાં તો એમની આગળ હાથ જોડતાં હતાં. અને આ એકદમ રંગ બદલાઈ ગયો ?"
" એક્ટિંગ સારી કરી લઉં છું. પણ હવે તારા પર વિશ્વાસ કરવો એનાથી મોટી મૂર્ખામી કોઈ નહીં હોય. " કહી ગૌતમ જતો રહ્યો.

(ક્રમશઃ)