પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૬
નાગદાએ જામગીરને જોયા પછી તેના મનમાં જાતજાતના વિચાર આવી ગયા. પિતા ડૉ.ઝાલનના ખાસ મિત્ર એવા જામગીરકાકા અહીં કેમ આવ્યા હશે? એ મારા આ ચહેરાને ઓળખતા નથી પણ હું પિતાના ઘરમાં જ રહું છું એટલે કોઇ શંકા ઊભી થઇ શકે છે. એવી કોઇ શંકાને જામગીરકાકાના મનમાં સ્થાન જ ના રહે એ માટે નાગદાએ મનથી સ્વસ્થ થઇ અજાણ્યા થઇ નવાઇથી પૂછ્યું:"કોણ છો તમે?"
જામગીર નાગદાને જોઇ રહ્યા. તેનો ચહેરો જયના સાથે કોઇ રીતે મળતો આવતો ન હતો. ચિલ્વા ભગતે શા માટે અહીં મોકલ્યા છે એનો એમને અંદાજ આવી રહ્યો ન હતો. નાગદાને જવાબ આપતાં જામગીરે કહ્યું:"હું ગામનો એક વૃધ્ધ રહીશ જામગીર છું. અમારું બકરીનું બચ્ચુ તમારા વાડામાં કૂદીને જતું રહ્યું છે. એને લેવા અંદર આવવા દેશો?" કહીને જામગીરે તરત જ પ્રશ્ન પૂછ્યો:"દીકરી...તું કોણ છે? મેં ઓળખી નહીં. ડૉ.ઝાલનનું આ મકાન કાયમ બંધ જ રહે છે..."
નાગદા સતર્ક થઇ ગઇ. જામગીરકાકા તેની ઓળખ પૂછી રહ્યા છે. બકરીનું બચ્ચુ તો બહાનું લાગે છે. તેમનો આશય શું હોય શકે? નાગદાએ હસીને કહ્યું:"ડૉ.ઝાલનના દૂરના મામાની દીકરી છું. મારું નામ નાગદા છે. મને ખબર પડી કે ડો.ઝાલનનો પરિવાર હવે રહ્યો નથી એટલે અહીં રહેવા આવી છું. મારી મા ડો.ઝાલનની સંપત્તિની વારસ છે. થોડા દિવસમાં આ મકાન વેચીને જતી રહેવાની છું. તમને કોઇ વાંધો તો નથી ને? હું અહીં ફળ-ફૂલ વેચી મારું ગુજરાન ચલાવી રહી છું." પછી સ્વરમાં સહેજ તીખાશ ઉમેરી બોલી:"તમને કોઇ વાંધો તો નથી ને?"
"અરે દીકરી! મને શું વાંધો હોય શકે. મારા માટે તો ડૉ.ઝાલનની દીકરી જયના હતી એવી જ તું ગણાય... કોઇ કામકાજ હોય તો કહેજે..." પછી થોડે દૂર ઊભેલી રેતા તરફ ફરીને બોલ્યા:"આ મારા ભાઇની દીકરી સાવી છે. એને બકરીના બચ્ચા રમાડવાનો બહુ શોખ છે. મારે ત્યાં આવી છે ત્યારથી લાવરું જોડે જ રમતી રહે છે! લાવરું દોડતું દોડતું તમારા મકાનના વાડામાં જતું રહ્યું છે. એ મને કહેવા આવી કે એને ત્યાંથી લાવી આપો. મેં કહ્યું કે તું એકલી જઇને લઇ આવને. તો મને કહે કે એકલા જતાં બીક લાગે છે. મેં એને ડૉ.ઝાલન અને એમની પુત્રી જયનાના મોતની વાત કરી હતી. એ ગભરાતી હતી. કહે કે આવી જગ્યાએ ભૂત-બૂત હોય તો! મેં કહ્યું કે એવું કંઇ હોતું નથી. અહીં આવીને આ ઘર ફરતેની વાડના દરવાજે અંદરથી તાળું જોયું ત્યારે મને થયું કે નક્કી કોઇ રહેવા આવ્યું છે..."
જામગીરની એક-એક વાત નાગદાને આંચકો આપી રહી હતી. નાગદા સમજી રહી હતી કે આવી વાતો કરીને તે પોતાના અસ્તિત્વ પર શંકા વ્યકત કરી રહ્યા છે. એ જાણતા નથી કે આ જયના ગાંડી નથી. એનો નવો અવતાર નાગદા છે. જે તેના ધ્યેયમાં સફળ થઇને જ રહેવાની છે. હમણાં નરવીર વિશે કોઇ વાત છેડવી નથી. તેને મારા પતિ તરીકેની ઓળખ આપવી નથી. નરવીરની મુલાકાત આ લોકો સાથે થશે તો એમના કરતાં નરવીરના મનમાં વધારે પ્રશ્નો ઊભા થશે. એ પહેલાં મારે મારું ધ્યેય પૂરું કરવાનું છે. જામગીરકાકાની સાથે આવેલી આ છોકરી મને કેમ ટીકી ટીકીને જોઇ રહી છે? લાગે છે કે મારું રૂપ જોઇ આભી બની ગઇ છે! નાગદા મનમાં જ મુસ્કુરાતી બોલી:"કાકા, તમે અહીં જ ઊભા રહો. હું લાવરું શોધીને લાવું છું..." અને તેની નજર મકાનના બારી બારણાં તરફ ગઇ. તેને એ વાતની શાંતિ થઇ કે નરવીર હજુ ત્યાં જ બેસી રહ્યો છે. સારું છે કે બહાર આવ્યો નથી.
"દીકરી...તું શું કામ દોડધામ કરે છે? અમે અંદર જઇ શોધી લઇશું..."
"તમે ઊભા રહો ને..આ તાળું ખોલવા ચાવી લેવા જાઉં ને પાછી આવું એટલીવારમાં તો લાવરું લઇને આવીશ." બોલતી નાગદા દોડતી જેવી ગઇ. તેને થયું કે ઉડીને જઇ લાવરું શોધી લાવીને એમને આપી દઉં. તે મકાનની આસપાસના ઝાડની આજુબાજુ જોતી મકાનની પાછળના ભાગમાં ગઇ ત્યાં લાવરું મળી ગયું. તે દોડતી પાછી આવી અને લાવરું સોંપીને બોલી:"આ લો.." પછી એમના જવાબની રાહ જોયા વગર મકાન તરફ ઉતાવળા પગલે જવા લાગી. રેતાએ જોયું કે નાગદા સુંદર જ નહીં ઉછળતા મોજાં જેવી હતી. તેનું યૌવન શહેરની છોકરીઓથી વધુ ખીલેલું હતું. તેનું રૂપ કોઇ અપ્સરાને ભૂલાવી દે એવું હતું.
જામગીરે મોટેથી કહ્યું:"આભાર દીકરી! કોઇ કામ હોય તો કહેજે..."
નાગદાએ તેમની વાત સાંભળી- ના સાંભળી કરી.
રેતાએ ફરી એકવખત મકાનની બારી પર નજર નાખી. કોઇ દેખાતું ન હતું.
જામગીર અને રેતા પાછા વળીને ચાલવા લાગ્યા ત્યારે નરવીર બારી પાસે આવી ગયો હતો. તેણે જામગીર અને રેતાને જતાં જોયાં. તેને કંઇ સમજાયું નહીં. નાગદા ઘરમાં આવી રહી હતી એનો ખ્યાલ આવી ગયો એટલે નરવીર ઝડપી પગલે પોતાની જગ્યાએ જવા લાગ્યો.
નાગદા અંદર આવી અને જોયું કે બારીથી થોડે દૂર નરવીર જમીન પર પડેલો હતો. તે ચમકી.
***
જામગીર અને રેતા થોડીવાર સુધી ચૂપચાપ ચાલતા જ રહ્યા. રેતા માટે લાવરું સંભાળવાનું કામ સરળ ન હતું. થોડે દૂર ગયા પછી જામગીરે એને પોતાના હાથમાં લઇ લીધું અને બોલ્યા:"બેટા, ચિલ્વા ભગતની શંકા સાચી લાગે છે. આ છોકરી...નાગદા રહસ્યમય છે. ડો.ઝાલનના બહુ સગાં ન હતા. એ ખરેખર એમના સગાની દીકરી છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે..."
રેતા રડવા લાગી:"કાકા...મારો વિરેન મને પાછો ક્યારે મળશે? એને ડો.ઝાલનની છોકરી જ લઇ ગઇ હશે? મને મારો પતિ પાછો મળશે ને? એ હેમખેમ હશે ને? કાકા...તમારા પર જ અમારી બધી આશા છે..."
જામગીર કહે:"તું ચિંતા ના કરીશ. ચિલ્વા ભગત કોઇ રસ્તો શોધી કાઢશે..."
જામગીર અને રેતા નાગદાની નજરથી ઓઝલ થાય એટલા દૂર પહોંચી ગયા પછી ઝાડની ઓથે ઊભેલા ચિલ્વા ભગત અને શીવલાલ પણ ઝડપી પગલે તેમની પાછળ પહોંચવા લાગ્યા. રસ્તામાં ચિલ્વા ભગતે પૂછ્યું:"ભાઇ, તેં જે છોકરીને નર્સ તરીકે જોઇ હતી એનો ચહેરો આ મકાનવાળી છોકરી જેવો જ હતો?"
શીવલાલ ગભરાયેલો હતો. તે ધ્રૂજતા અવાજે બોલ્યો:"ના...આ છોકરી તો એનાથી વધારે સુંદર હતી. આ છોકરી તો આકાશમાંથી ઉતરી આવેલી કોઇ પરી જેવી દેખાતી હતી..."
ચિલ્વા ભગત અચાનક આંખ બંધ કરી બોલ્યા:"એને ખબર નથી કે ચહેરો બદલવાથી દુનિયા બદલાઇ જતી નથી..."
શીવલાલ નવાઇથી ચિલ્વા ભગતને જોઇ રહ્યો.
વધુ સત્તરમા પ્રકરણમાં...
***