The truth of the dream ..,. in Gujarati Short Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | સ્વપ્નનું સત્ય..,.

Featured Books
Categories
Share

સ્વપ્નનું સત્ય..,.

ઝાકળ ભર્યા ઉગેલા પ્રભાતમાં સદાયે યુવાનો જેવી સ્ફૂર્તિથી મોર્નિંગ વોક માં હંમેશા આગળ રહેતાં અનુરાગ શર્મા આજે દૂરનાં એક બાંકડે કંઇક વિચારમાં ધ્યાનસ્થ બેઠા હતા.

( અનુરાગ શર્મા એટલે બાહ્ય જિંદગીમાં રિટાયર્ડ ઇજનેર પરંતુ પોતાના આનંદ માટે લખતા ત્યારે લેખક.)

"આંટી નહિ ઉઠ્યા હોય અંકલ !તેને વાદળોમાં શોધો નહિ"

અનુરાગ શર્મા ની મોર્નિંગ વોક ની બેસ્ટી માનસી નો અવાજ સાંભળી અનુરાગ શર્મા ચમક્યા

"અરે બ્યુટી આજે તું વહેલી શું કહેવાય?"

"મારા મમ્મીએ શરત રાખી છે કે હું જે દિવસે મોડી ઉઠીશ ત્યારે મોબાઈલ નહિ મળે"

"તો પછી મારે તારી મમ્મીને નહિ પણ મોબાઈલ ને thank u કહેવાનું એમ ને?"

"હા",પણ આજે કેમ તમે ઝાંખા ઝાંખા લાગો છો?"

અનુરાગ:-"તને શું કહું માનસી મારું મન સતત ત્રણ દિવસથી અજંપામાં છે"

માનસી:-"કેમ"?

અનુરાગ:-"મને એક સપનું આવ્યું હતુ મારી યુવાનીનું, હું મોબાઈલ માં કવિતા ટાઈપ કરતો હતો."

માનસી:-"તો તો સારું ને,આમ તો તમે મારી વાત માની સ્માર્ટ ફોન શીખતા નથી."

અનુરાગ:-"એટલે જ મને વિચાર આવે છે પાછું આ સપનું આટલાથી અટકતું નથી ત્યારબાદ હું મારી જ કવિતા મારી ડાયરીમાંથી વાંચતો હતો જે ડાયરી વર્ષો પહેલા ખોવાઈ ચૂકી છે અને કાલે તો હદ થઈ ગઈ એક મોટા સમારંભમાં મારું સન્માન થઈ રહ્યું છે પરંતુ મને મારા નામ અનુરાગ શર્મા નહીં પરંતુ આશુતોષ શાસ્ત્રી ના નામે બોલાવવામાં આવે છે ત્યારથી મને ક્યાંય ગમતું નથી અને રહી રહીને તારી આંટી કવિતા યાદ આવ્યા કરે છે જેને જોઈને કોલેજ જીવન દરમ્યાન મેં આ બધી કવિતાઓ લખી હતી બસ ત્યારથી જ નથી ગમતું...."

માનસી:-"બસ આટલી વાત?, તેમાં શું મૂંઝાઈ ગયા."

અનુરાગ:-” આમ વાત નાની છે માનસી પરંતુ મારા વ્યક્તિત્વ થી વિરુદ્ધ ત્રણેય ઘટનાઓ સપનામાં આવે છે અને તારી આ આંટીને જરાય ન ગમતું હોય એવું લાગે છે બસ એટલે મને ચેન પડતું નથી."

માનસી:-"અંકલ અંકલ મને તો છેને આ તમારી વાત સાંભળીને મેં હમણાં જ જોયેલી એક મસ્ત રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ યાદ આવી ગઈ."

અનુરાગ:-"હું સાચી વાત કરું છું માનસી"

માનસી:-તો તો હું ક્યાં ખોટી વાત કહું છું? અંકલ. ચાલો આજે આપણે તમને ન ગમતા મોબાઈલથી તમારા સ્વપ્નનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરીએ, શું નામ કહ્યું તમે એ વ્યક્તિનું જે તમને સંભળાય છે સપનામાં?"

અનુરાગ:-'આસુતોષ શાસ્ત્રી'.

માનસી મોબાઇલમાં આશુતોષ શાસ્ત્રીનું નામ સર્ચ કરવા લાગી અને અનુરાગ શર્મા પોતાની અર્ધાંગિની કવિતા શર્માને યાદ કરતા કરતા જૂના સમયમાં ચાલ્યા ગયા.
અને પોતાની જ એક કવિતા ગણગણવા લાગ્યા...

"સ્વપ્ન સમ આવવું..
ઝરણાં સમ વહેવું..
સ્મરણ સમ રહેવું...

અને ત્યાજ માનસી એ વચ્ચેથી કવિતા પૂર્ણ કરી..

ગમતું મને જોઈ તારું હરખાવું...

અનુરાગ શર્માના કાન ચમક્યા...
"આ.. આ કવિતા તને કેમ આવડે?"

માનસી મોબાઈલ માં અનુરાગ શર્મા ને એક જાણીતા બ્લોગ થી પ્રસિદ્ધ થયેલા આશુતોષ શાસ્ત્રી ની કવિતાઓ બતાવે છે (જે કવિતાઓ હકીકતમાં અનુરાગ શર્માની છે.)
અનુરાગ શર્મા ઉદાસ થઈ ગયા માનસીએ તે જોયું.
માનસી:-અંકલ તમે કહો છો તે ડાયરી તમે કોઈને આપી છે?"

અનુરાગ:-"ના પરંતુ તે તો કોલેજ સમયથી જ ક્યાં ખોવાઈ ગઈ છે, અને પછી તો મારી સાચી કવિતા જ મારી જિંદગીમાં આવી ગઈ એટલે એ ડાયરી નુ મહત્વ મારા માટે રહ્યું નહી, પણ હા તારા આંટીને એ વાતનો હંમેશા અફસોસ રહેતો.

માનસી:-"તમે આશુતોષ કુમાર શાસ્ત્રી ને ઓળખો છો?"

અનુરાગ :-"આશુતોષ નામના કોઈ વ્યક્તિને હું નથી ઓળખતો પરંતુ અમારી સાથે કોલેજમાં કુમાર શાસ્ત્રી નામનો એક છોકરો હતો પરંતુ તેને પણ તારી આંટી કવિતા જ ગમી ગઈ હતી એટલે મારો પ્રતિસ્પર્ધી હતો.

માનસી:-"અંકલ ચાલો આપણે આશુતોષ શાસ્ત્રી નો સંપર્ક કરીએ."

અનુરાગ:-"હવે તે બધી વાતનો અર્થ નથી માનસી. મારી સાચી કવિતા ચાલી ગઈ તો પછી આ કવિતાનો શું અફસોસ કરવો?"

માનસી:-"પરંતુ આ સાચી કવિતા ના આત્માને દુઃખ થાય છે તેનું તમારે કંઈક કરવું જોઈએ કે નહીં?"મને તો લાગે છે કે આંટી જ તમને સપનામાં આવી, સંકેત આપી તમારી કવિતા તમારા સુધી પહોંચાડવા માગે છે.

અનુરાગ:-"જેવી તારી મરજી."

માનસી આશુતોષ શાસ્ત્રીના નંબર શોધી તેને તેનો સંપર્ક કરે છે. ફોન લગાડી અનુરાગને વાત કરવાનું કહે છે.

અનુરાગ:-"હેલ્લો, હું અનુરાગ શર્મા વાત કરું છું મારે જરા તમારી કવિતાઓ વિશે વાત કરવી હતી."

(સામા છેડે વાત સાંભળી આશુતોષને પરસેવો વળી ગયો)

અનુરાગ:-"હેલ્લો?"
આશુતોષ:-"હા,હા આપણે રૂબરૂ મળીએ?"
અનુરાગ:-"ચોક્કસ."
આશુતોષ:-"તમે સરનામું લખાવો આજે સાંજે જ મળવા આવું છું".

અનુરાગ તેને સરનામું લખાવે છે

સાંજે આશુતોષ શાસ્ત્રી અનુરાગ શર્માને મળવા આવે છે તેના હાથમાં અનુરાગને પરિચિત ડાયરી જોવા મળે છે.

આશુતોષ આવીને સીધો જ અનુરાગને પગે પડી જાય છે અને માફી માગવા લાગે છે અનુરાગ તેને ઉભો કરે છે પાણી આપે છે અને શાંત થવાનું કહે છે. આશુતોષ અનુરાગને તેની ડાયરી પરત કરે છે.

અનુરાગ:( હસતાં હસતાં) આ તારી પાસે કેમ આવી?

આશુતોષ:-"મને માફ કરી દો અંકલ હું તમારા મિત્ર કુમાર શાસ્ત્રી નો દીકરો છું બે વર્ષ પહેલાં જ તેમનું મૃત્યુ થયું અને મૃત્યુ થયું ત્યારે તેમણે મને પાસે બોલાવી ને આ ડાયરી આપી હતી અને કહ્યું હતું કે આ ડાયરી તેના સાચા હાથ સુધી નહીં પહોંચે તો મારો ઈશ્વર મને કોઈ દિવસ માફ નહીં કરે તમારું નામ આપી અને કહ્યું હતું પરત આપવાનું પરંતુ તમારી કવિતાઓ વાંચીને મારી લાલચને રોકી શક્યો નહીં અને આવડી મોટી દુનિયામાં કોઈને શું ખબર પડવાની એમ વિચારીને મારા જ નામે તમારી કવિતાઓ છપાવતો રહ્યો. તમારે મને જે સજા આપવી હોય તે આપો મને મંજુર છે પરંતુ મને માફી આપો.

અનુરાગ:-"માફી આપવા વાળો હું કોણ? હું તો તને દોષિત ગણતો જ નથી અને આ કવિતાઓ મેં મારી 'કવિતા ' માટે લખી હતી આ ડાયરી મને પાછી મળી ગઈ મારા માટે તો એ જ સુખદ છે.હા, પણ મને એક પ્રશ્નનો ઉત્તર આપ તને આ કવિતાઓ જ્યારે છપાય ત્યારે આનંદ આવ્યો હતો?"

આશુતોષ:-"ના, અંકલ મને હંમેશા એ વાતનો પસ્તાવો થતો હતો પરંતુ મારી લાલસામાં તે પસ્તાવો ધૂંધળો થઈ જતો હતો અને હું તમારો દોષિત બનતો ગયો.

અનુરાગ:-” કોઈ દોષિત બને એ મારી કવિતાને તો જરાય ન ગમે એટલે આજથી એ વિચાર મનમાંથી કાઢી નાખજે અને તારી ખરી કવિતાની શોધ કરજે."

અને અનુરાગ તેની પ્રિય કવિતા એ જ જાણે સ્વપ્નમાં સંકેત આપ્યો હોય તેમ વાદળ પછીતે જોવા લાગ્યા અને જાણે કવિતા કહેતી હોય

"કેટલીવાર અનુરાગ તમને કહ્યું કે તમારી કવિતા સાચવીને રાખો નહિતર....."