" હરિ ૐ...સ્વામીજી આપશ્રી એ શરૂઆતમાં વાત કરી કે આત્મા તેર દિવસ સુધી ઘરમાં રહી શકે છે અને એ પછી એ સૂક્ષ્મ જગત માં કાયમ માટે ગતિ કરે છે તો એ વિશે વિસ્તારથી જાણવાની ઈચ્છા છે."
" મૃત્યુ પછી આત્મા પોતાના ઘરમાં પરિવારજનો સાથે વધુમાં વધુ તેર દિવસ સુધી રહી શકે છે અને એ દરમિયાન એ આત્મા માટે જે પણ પ્રાર્થના પૂજન ભજન વગેરે કરવામાં આવે છે એનાથી એને ઘણી શાંતિ મળે છે. તેરમા દિવસે આત્માને પોતાનું ઘર અને સ્વજનો છોડવા પડે છે. જે પણ એના માર્ગદર્શક સબંધી એને લેવા આવ્યા હોય એમની સાથે સૂક્ષ્મ જગત માં આત્મા ઉર્ધ્વ ગતિ કરે છે !! આ આત્માને ચિત્રગુપ્ત પાસે લઈ જવામાં આવે છે એવી કથા શાસ્ત્રોમાં છે પણ રોજ પૃથ્વી ઉપર લાખો મૃત્યુ થતા હોય છે એટલે દરેકના કર્મોને જોઈને ન્યાય કરાવવા માટે કોઈ ચિત્રગુપ્ત નહીં પણ આખું નેટવર્ક ગોઠવાયેલું હોય છે. !! "
" હું એક વાર અમેરિકા ગયો ત્યારે મુંબઈ કોન્સ્યુલેટમાં વિઝા લેવા માટે મારે જવું પડેલું. ત્યાં વિઝા આપવાની અનેક વિન્ડો હતી. જેનો નંબર જે વિન્ડો ઉપર લાગે ત્યાં એને જવાનું. વિઝા માગનાર વ્યક્તિના તમામ પેપર અને પાસપોર્ટ વિન્ડો ઉપર બેઠેલો અધિકારી બરાબર ચેક કરે અને એ પછી જ એ નિર્ણય આપે કે અમેરિકા જવાના વિઝા આપવા કે નહીં. આ કામ પણ બરાબર એના જેવું જ."
" આત્માને પણ આ રીતે કોઈપણ ન્યાય કરતા દિવ્ય આત્મા પાસે લઈ જવામાં આવે છે. જો મરનાર આત્માએ દીક્ષા લીધેલી હોય કે કોઈ ગુરુ કરેલા હોય અને તીવ્ર પણે એમને વળગી રહેલો હોય તો એનો ન્યાય કરનાર મહાત્મા પણ એ જ સમુદાયના કોઈ દિવ્ય સિદ્ધપુરુષ એનો ન્યાય કરે છે. અને આગળની ગતિ નક્કી કરે છે. પણ આ ગુરુ પોતે સિદ્ધ હોય તો જ આ શક્ય બને છે. કળિયુગમાં ગુરુ બની બેઠેલા એવા કેટલાય પાખંડી લોકો પણ હોય છે એટલે એમને માનનારાને આ નિયમ લાગુ પડતો નથી."
" દરેક આત્માને પૃથ્વીથી ઘણે દૂર અને ખૂબ ઉંચાઈએ એક ચોક્કસ જગ્યાએ શરૂઆતમાં લઈ જવામાં આવે છે. લઈ જનાર વ્યક્તિ જે તે આત્માનો કોઈ મિત્ર પણ હોઈ શકે છે કે કોઈ સંબંધી પણ હોઈ શકે છે પણ એ એવી વ્યક્તિ હોય છે કે જે સૂક્ષ્મ જગતથી પૂરેપૂરો વાકેફ હોય છે, પરિચિત હોય છે. અને જેણે સૂક્ષ્મ લોકમાં રહીને આધ્યાત્મિક પ્રગતિ કરી હોય છે. જેથી તે એક માર્ગદર્શક તરીકે આત્માને લઈને એને મળેલા આદેશ મુજબ ચોક્કસ સ્થાને જાય છે અને ત્યાં એના તમામ કર્મો ને અગાઉ મેં કહ્યું એમ જોવામાં આવે છે. "
" આત્માએ પૃથ્વી ઉપર જન્મ લઈને જે પણ સારા માઠા કર્મો કર્યા હોય એનું ગુપ્ત ચિત્ર ત્યાં જોવામાં આવે છે અને પછી કયા લોકમાં એને મોકલવો એ નક્કી કરવામાં આવે છે. એ પ્રથમ લોકમાં એટલે કે પ્રેતલોકમાં પણ પાછો જઈ શકે છે અને સારા કર્મો કરેલા હોય તો ચોથા કે પાંચમા લોક સુધી પણ જઈ શકે છે. પણ આ નિર્ણય ત્યાં બેઠેલા સિદ્ધ મહાપુરુષો લેતા હોય છે કે જે ન્યાયાધીશ નું કામ કરે છે અને તેઓ ધર્મરાજ કે ચિત્રગુપ્તના પ્રતિનિધિ જેવા જ હોય છે. દરરોજ લાખો મૃત્યુ થતાં હોય છે એટલે ન્યાય આપવા માટે કોઈ એક જ વ્યક્તિ નથી હોતી પણ આખું એક નેટવર્ક હોય છે. આ સ્થળ જોવા માટે મેં બહુ વિનંતી કરેલી પણ મને ત્યાં સુધી જવાની પરમિશન નહોતી મળી. " સ્વામીજીએ કહ્યું.
" મોટાભાગના આત્માઓને આ કળિયુગ ની અંદર એક થી ત્રણ લોકો વચ્ચે જ મોકલવામાં આવે છે. પ્રથમ લોક તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલો અને પૃથ્વીથી લાખો માઈલ સુધી પથરાયેલો છે. કળિયુગમાં એટલા બધા પાપ કર્મો અને દગા ફટકા લોકો કરતા હોય છે કે પ્રથમ લોક થી આગળ અમુક લોકો જઈ શકતા જ નથી અને સજા ભોગવવા ફરી ફરી જન્મ લેવો પડે છે. કેટલાક દુષ્ટ આત્માઓ એટલા બધા પાપી હોય છે કે એમને પશુ યોની માં જવાની સજા કરવામાં આવે છે અને તરત અમલ કરવામાં પણ આવે છે. આખી જિંદગી ભૂત ભુવા અને તાંત્રિક સાધનામાં પસાર કરી હોય એવા આત્માઓને એવી નીચલી શક્તિઓ પાસે જ મોકલી દેવામાં આવે છે જેને તેઓ માનતા હોય ! આ બધી નીચલા કક્ષાની શક્તિઓનાં નાના નાના મંડળો પહેલા બીજા લોકમાં જ હોય છે. આવા ભટકી ગયેલા આત્માઓની સ્થિતિ ખૂબ જ દયાજનક હોય છે. પૃથ્વી પરના તાંત્રિક સાધકો આવા પ્રેતાત્માઓ નો ઉપયોગ પણ કરતા હોય છે. "
" સ્વામીજી એક સવાલ પૂછું ? હમણાં આપશ્રી એ કહ્યું કે જેમણે અનાહત ચક્ર સિદ્ધ કર્યું હોય એવા ધ્યાન યોગી કે પછી ઈશ્વરના નામ સ્મરણથી જ આંખમાંથી આંસુ આવે એવી તીવ્ર ભક્તિ કરનારા ભક્તો જ ચોથા લોકમાં પ્રવેશ કરી શકે. પણ હમણાં આપે એમ પણ કહ્યું કે કલા અને સાહિત્યને વરેલા આત્માઓ ચોથા લોકમાં જઇ શકતા હોય છે. તો આ વાત થોડીક વિરોધાભાસી નથી ? "
" અને સ્વામી જી... સંગીત કળા સિદ્ધ હોય, અભિનય કળા સિદ્ધ હોય કે પછી ઊંચા સાહિત્યકાર હોય તેવી વ્યક્તિઓ પૃથ્વી ઉપર આધ્યાત્મિક હોય એ જરૂરી નથી. એ તો સંપૂર્ણ ભૌતિક સુખોમાં ડૂબેલા હોય છે તો એમને ચોથા લોકમાં પ્રવેશવાનો અધિકાર કેવી રીતે મળે ? "
" બહુ જ સરસ સવાલ કર્યો છે પુષ્કરભાઈ તમે ! જુઓ ચોથા લોક નો વિસ્તાર ત્રણ ભાગમાં વહેચાયેલો છે. આ લોક પણ લાખો માઈલો સુધી પથરાયેલો અને ઘણો મોટો છે. અને એમાં ઉપરનું સ્તર પણ અલગ છે અને નીચેનું સ્તર પણ અલગ છે !! નીચલાં બે સ્તરને ગંધર્વ લોક અને વિદ્યાધર લોક કહેવામાં આવે છે. સૌથી નીચે વિદ્યાધર લોક છે અને એની ઉપર ગંધર્વ લોક છે. તે પછી ચોથો લોક ચાલુ થાય છે જેની આપણે ચર્ચા કરેલી. જે કલાકારોએ સાધના કરેલી હોય અને અનાહત ચક્ર સુધી પહોંચેલા હોય તે જ ઉપરના ચોથા લોક માં પ્રવેશ કરી શકે બાકી તો ગંધર્વ લોકમાં જ એમને એમની આ કળાનું વિશેષ જ્ઞાન આપવામાં આવે છે. કોઈપણ કલા કે કોઈ પણ વિદ્યા એ ઈશ્વરનું જ ઐશ્વર્ય છે અને ઈશ્વરના જ્ઞાન નો એક ભાગ છે !! તમામ રાગ રાગિણી નું જ્ઞાન, તમામ પ્રકારની નૃત્યકલાનું જ્ઞાન, તમામ પ્રકારની અભિનય કળા વગેરે આ ગંધર્વ લોકમાંથી જ પૃથ્વી ઉપર જાય છે."
" પણ ગંધર્વ લોકમાં માત્ર એ લોકો જ પ્રવેશી શકે છે કે જેઓ સંપૂર્ણપણે કોઈપણ કળાને વરેલા છે અને એમાં જ ડૂબેલા હોય છે. જિંદગી આખી જેમણે કોઈપણ કળાને સમર્પિત કરી દીધી હોય એવા ધૂની આત્માઓ જ ત્યાં પ્રવેશી શકે છે. એવું જ વિદ્યાધર લોકનું પણ છે. "
પાંચમો લોક જનઃ લોક કહેવાય છે અને આ લોકમાં માત્ર સાધકોને જ પ્રવેશ મળે છે. અહીં માત્ર ઉચ્ચ આત્માઓ જ નિવાસ કરતા હોય છે. ઉચ્ચ આત્માઓ નો મતલબ માત્ર સાધુ સંતો કે સંન્યાસી નહીં પણ ધ્યાનમાં બેસીને જેમણે આજ્ઞાચક્ર સુધીની ગતિ કરી હોય અને જે ઈચ્છાઓ અને રાગદ્વેષથી સંપૂર્ણપણે મુક્ત થયા હોય અને જેમના દિલમાં બીજાના માટે માત્ર પ્રેમ અને કરુણા ના ભાવ હોય તે તમામ આત્માઓ ઉચ્ચ આત્માઓની શ્રેણીમાં આવે છે. અહીં પ્રવેશતા આત્માઓ ભક્તિમાર્ગે થી પણ આવેલા હોય, જ્ઞાનમાર્ગ થી પણ આવેલા હોય કે કર્મયોગ થી પણ આવેલા હોય છે. આ આત્માઓનું કામ ચોથા લોકમાં વસતા પવિત્ર આત્માઓને જ્ઞાન આપવાનું, સાધના કરાવવાનું અને જરૂરી માર્ગદર્શન આપવાનું હોય છે. આ પાંચમાં લોકમાં દિવ્યજ્ઞાન ની શાળાઓ પણ આવેલી છે જ્યાં ઈશ્વરનું જ્ઞાન આપવામાં આવે છે જેથી આત્મા વધુ ને વધુ ઉચ્ચ ગતિ કરી મુક્તિ તરફ આગળ વધે. "
" છઠ્ઠો લોક તપો લોક છે અને નામ પ્રમાણે આ લોક માત્ર ને માત્ર તપસ્વીઓ માટે જ છે જ્યાં સિદ્ધપુરુષો અને ઋષિમુનિઓ સતત ધ્યાન અને સમાધિ અવસ્થામાં રહેતા હોય છે. આપણા શાસ્ત્રોમાં સપ્તઋષિ ની જે વાત લખેલી છે તે પણ આ લોકમાં નિવાસ કરે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે પણ આખી પૃથ્વી નું સંચાલન આ છઠ્ઠા લોકના સિદ્ધ પુરુષો જ કરતા હોય છે. સમગ્ર બ્રહ્માંડમાં ફેરફાર કરવાની અને ગ્રહોને ચલાયમાન કરવાની શક્તિ આ મહાત્માઓ પાસે છે. "
"સાતમો છેલ્લો લોક સત્યલોક કહેવાય છે પણ આ લોક વિશેની વધારે માહિતી મને કોઈની પણ પાસે થી મળી નથી." સ્વામીજીએ કહ્યું
" ખરેખર અદભૂત વાતો આપશ્રીએ અમને કરી છે સ્વામીજી !! " પુષ્કરભાઈ બોલ્યા.
" સ્વામીજી બીજો એક સવાલ મનમાં અત્યારે પેદા થયો. આપશ્રી એ પાંચમા અને છઠ્ઠા લોકમાં સિદ્ધપુરુષો અને ઋષિમુનિઓ ની વાત કરી. પણ જે લોકો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ પાળતા હોય અથવા તો જૈન બૌદ્ધ કે પછી પારસી હોય એવા લોકોનું શું ? " મારા થી પુછાઈ ગયું.
" જુઓ સૌથી પહેલી બાબત તો એ છે આ તમામ લોક ને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. આપણો કહેવાતો ધર્મ કોઈને કોઈ અવતારો સાથે સંકળાયેલો છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહાવીર સ્વામી, ગૌત્તમ બુદ્ધ, મહંમદ પયગંબર, ઈસુ ખ્રિસ્ત, મહાત્મા જરથરુષ્ટ વગેરે અવતારો ખરેખર તો નિરાકાર સચ્ચિદાનંદ પરમાત્માના જુદા જુદા સમયે પ્રગટ થયેલા ચૈતન્ય સ્વરૂપો જ છે જેમણે પ્રેમ અને કરુણાનો સંદેશ જગતને આપ્યો. તેમને માનનારા અનુયાયીઓએ એમના સંદેશ અને કથનોને એક ધર્મ સ્વરૂપે જોયા. આ રીતે અલગ-અલગ ધર્મો સમયાંતરે પૃથ્વી પર સ્થપાતા ગયા. "
" સમગ્ર બ્રહ્માંડ ચૈતન્ય તત્વથી ભરપૂર છે. ઈશ્વરનું કોઈ સ્વરૂપ નથી. ઈશ્વર પોતે એક એવી શક્તિ અથવા એનર્જી છે જે જડ અને ચેતન બધામાં સર્વત્ર વ્યાપેલી છે. અને સૂર્ય સ્વરૂપે એ આખા જગતને પ્રાણ તત્વ પૂરું પાડીને ચલાવે છે. પૃથ્વી ઉપર જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ઈશ્વરનું ચૈતન્ય ઘનીભૂત થયું અને એ સ્થૂળ સ્વરૂપે પ્રગટ થયો. વિશાળ મહાસાગરમાં જ્યારે પણ કાતિલ ઠંડી પડે એટલે દરિયા નો કેટલોક ભાગ બરફ બની જાય છે જેને આપણે હિમશીલા કહીએ છીએ. ફરી પાછો એ ઓગળી જાય એટલે પાણી બની જાય છે. અવતારનું પણ એવું જ સમજવું. "
" અને જુદા જુદા ધર્મોની વાત કરું તો આ પૃથ્વી ઉપર અનેક સમુદ્ર છે અને દરેકના અલગ-અલગ નામ છે. એટલાન્ટિક મહાસાગર, પ્રશાંત મહાસાગર, અરબી સમુદ્ર, હિંદ મહાસાગર વગેરે. હવે આ સમુદ્રમાંથી ગરમીમાં વરાળ થઈને જ્યારે વાદળો બની જાય છે ત્યારે એ વાદળોના કોઈ નામ નથી હોતા. એ માત્ર પૃથ્વી ઉપર વરસાદ વરસાવવા નું જ કામ કરે છે. નામ ગુણ રૂપ વગેરે માત્ર પૃથ્વી ઉપર જ છે. સૂક્ષ્મ થયા પછી ઓળખ બદલાઈ જાય છે. પછી આ હિંદ મહાસાગરનું વાદળ કે પ્રશાંત મહાસાગરનું વાદળ એવું અલગ અસ્તિત્વ રહેતું નથી. ધર્મનું પણ એવું જ સમજો !!
એટલે મૃત્યુ પછી ખરેખર તો કોઈ ધર્મ રહેતો જ નથી તોપણ સમગ્ર જગત માન્યતાઓથી ચાલે છે એટલે સૂક્ષ્મ શરીર પણ જ્યાં સુધી સાચું જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી ધર્મના વાડા માં જ ફર્યા કરે છે. આ વાડા જેમ તૂટતા જાય, સત્ય સમજાતું જાય, આત્મતત્વ પ્રગટ થાય તેમ તેમ ઉપરના લોકના દરવાજા ખુલતા જાય. મેં બધા જ દિવ્ય આત્માઓને પૂછ્યું પણ ઈશ્વરને આજ સુધી કોઈએ જોયો નથી. એની જબરદસ્ત સત્તા ચાલી રહી છે પણ એ માત્ર પ્રકાશ અને શક્તિ રૂપે જ પ્રગટ થયેલો રહે છે.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)