Mamata's affection in Gujarati Short Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | ‘મા‘ ની મમતા

Featured Books
Categories
Share

‘મા‘ ની મમતા

//માની મમતા//

આજે રવિવાર હતો નાયરાને જોવા આવવાના છે , એવું તેને તેના પપ્પાએ જણાવ્યું. તેણીએ હીંમત એકઠી કરીને ધડકતે હૃદયે ચોખવટ કરી કે તે રાહુલના પ્રેમમાં છે, અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે.

નાયરાના પપ્પાનું સમાજમાં મોભાદાર સ્થાન હતું અને તેમની ગણના ગામના અગ્રગણ્ય વ્યકિત તરીકે થતી હતી. તેવા નાયારાના પપ્પાનો ગુસ્સો આસમાને ચડી ગયો....ઘણું.....ઘણું બોલી ગયા. તેની મમ્મી તે સમયે ત્યાં હાજર હતી છતાં તે કંઇ જ ન બોલી શકી. અને તેના નાના ભાઈએ પપ્પાની વાતમાં હાજી હા કરી.

મહેમાનો આવ્યા..બીકની મારી નાયરા પપ્પાના હુકમો પ્રમાણે વર્તતી રહી.. છોકરાવાળાએ હા પાડી. પપ્પાએ પણ હા પાડી દીધી, અને હવે પછીના માસના પહેલા રવિવારે સગાઈ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું.

એ દિવસે નાયરા મહેમાનો સાથે જમવા બેઠી પણ તેને જમવામાં નું કંઇ ભાવ્યું નહીં. કારણ તેને તેના મનગમતા રાહુલ સાથે લગ્ન કરવા હતાં પરંતુ તેના પપ્પાની નામરજી સામે કંઇ બોલી શકી ન હતી. તેને આજે જોવા આવવાના હતા એટલે ઘરમાં તેમના નજીકના કહેવાય તેવા કેટલાંક મહેમાનો આવેલ હતાં તેમના ગયા બાદ તે પોતાના ઓરડામાં ગઈ. આજે તેનો દિવસ ન હતો તેની મનમાં જે ઇચ્છા-મનોકામના હતી તે અધુરી રહી ગયેલ હતી જેના પરિણામ સ્વરૂપ તેને મન મુકીને રડવું હતું. પણ તે રૂમમાં હતી તે રૂમના બારણાની અંદરની કડી અંદરથી તુટેલી હતી જેને કારણે બારણું ઠાલું વાસ્યુંને ઓશીકામાં માથું ઘાલીને પડી રહી. તેના રૂમમાં આવાની જાણ અન્ય કોઇને ન હતી. આમ છતાં થોડો જ સમય પસાર થયો ત્યાં તો બારણું ખોલી કોઈ અંદર આવ્યું તેમ તેને પુરો અહેસાસ થયો આમ છતાં તેણે ઇરાદાપૂર્વક જ ઉંચું ઉપાડીને જોવાનીસહેજ પણ તસ્દીન લીધી, ત્યાં એની પીઠપર એક હાથ ફરવા લાગ્યો, એ હાથ અન્ય કોઇકોઇનહીં પરંતુ તેને જન્મ આપનાર તેની મમ્મીનો હતો.

" બેટા , તું રાહુલ સાથે સુખી થઈશ ? ભવિષ્ય માટે ગંભીરતાથી વિચાર કર્યો છે?” જરા સ્વસ્થ થઈ નાયરા બોલી, ‘‘મમ્મી રાહુલ સારો ભણેલો અને હોશીયાર છોકરો છે. તેને પોતાનો સ્વતંત્ર દુકાનનો ધંધો છે, તેણે તેના મમ્મી-પપ્પાને મારી સાથે લગ્ન કરવા માટે મનાવી લીધા છે. મમ્મી તમે પપ્પાને સમજાવો ને..”

મમ્મીએ નિસાસો નાખ્યો.. બેટા તને મારી ઉપર ભરોસો નથી શું મેં તેમને સમજાવવાના પ્રયાસ નહીં કર્યા હોય ? પરંતુ તે કોઇ હિસાબે સમજે એવા નથી મેં આ બાબતમાં અનેક વિચારો કરેલ અને અનેક વખત તેમને સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ જતાં હું આજે તને છેલ્લે એ જ કહેવા આવી છું કે, જો તને રાહુલ પસંદ હોય તારી દ્રષ્ટ્રિએ સારો હોય તો તને હું કહું છું.. ‘‘તું ભાગી જા..અને તેની સાથે લગ્ન કરી લે..” નાયરા પલંગમાંથી એક જ ઝાટકે બેઠી થઈ ગઈ. ‘‘હેં મમ્મી આ તમે શું બોલો છો.. ? સમાજમાં આપણી આબરુનું શું ? નાના ભાઈ બહેનની સગાઈમાં તકલીફ નહીં પડે ?”

" બેટા, આજથી પચીસ વરસ પહેલાં મારી સામે આવી જ સ્થિતિ આવી હતી. મેં મારા ઘર-સમાજનું વિચાર્યું. અને મારા પોતાના સુખથી વંચિત થઈ ગઈ. મારું શરીર જ તારા પપ્પાની પત્ની છે, મન નહીં.. મને અંદરોઅંદર બહુ મોટી આશા-અપેક્ષાઓ ભરાયેલ હતી કે, હું મારાઘર-સમાજ માટે મારી જીંદગીઓની ખુશીઓનું બલીદાન આપું તે બલીદાન તારા પપ્પા એરે નહી જવા દે તેવી આશા હતી કે મારા પતિ અને તારા પપ્પાનો પ્રેમ મારા ઘા પર મલમ બનશે. પણ દુર્ભાગ્યે એમના હૃદયમાં મલમ નામની કોઇ વસ્તુ જ નથી. અને આજે તેમની સાથે જીંદગીના રપ થી વધુ વર્ષો વીતી ગયા પરંતુ પરિસ્થિતિમાં ત્યારે કે આજની તારીખમાં પણ કોઇ જ ફેર પડેલ નથી. મારી સલાહ સાચી કે ખોટી, તું ભલે ગમે તે માને કે ન માને પણ હું મારી દીકરી સાથે આવું ન થાય એમ હું અંતરથી ઈચ્છું છું અને આજે એટલેજ ‘માં તરીકે આમ તને કહી રહી છું”

નાયરા મમ્મીને ભેટી અને તેના નયનોમાંથી હર્ષના આસું આવી ગયા.

“મમ્મી, હું તો તમને સાવ લાગણી શૂન્ય માનતી હતી. પણ તમે તો લાગણીની ગંગા-ભરમાળ છો..”

મમ્મીનો હાથ તેની પીઠ પર ફરતો રહ્યો..

" બેટા, બારણાંની કડી તુટી નથી મેં જાતે જ તોડી નાખી હતી. મને પુરેપુરી ખબર હતી કે તારે રાહુલ સાથે લગ્ન કરવા છે, પરંતુ તારા પપ્પાની નારાજગી સામે આજે ૨૫ વર્ષો બાદ હું નથી બોલી શકી અને કોઇ જ તેમનો નીર્ણય સામે અવાજ ઉઠાવી શકેલ નથી તેવા આજના સમયે મારી લાડકી દિકરી આવેશમાં આવી કંઇ અયોગ્ય કદમ ન ઉઠાવે તેનો ખ્યાલ મારે રાખવાનો હતો અને હું રાખતી હતી. મારી પણ ઇચ્છા છે કે તું તારા મનગમતાં રાહુલ સાથે લગ્ન કર અને તારો સંસાર સુખેથી વસાવ એવી મારી અંતરની લાગણી હતી. અને લે.. આ દશેક હજાર રુપિયા છે. જે મેં મારી અંગત બચત તરીકે ભેગા કરેલ તે તને આપું છું તું રાખ તારે કામ આવશે.

દિપક એમ. ચિટણીસ

dchitnis3@gmail.com