The Daughter in Gujarati Moral Stories by શિતલ માલાણી books and stories PDF | દીકરી નામની જ્યોત

Featured Books
Categories
Share

દીકરી નામની જ્યોત

કાલિંદી એ આજ બે વર્ષ પછી પોતાની આંખને અરીસા સામે માંડી. કાળા ડાઘમાં આંખ પણ ફિક્કી લાગતી તી. સફેદ વાળ ઉમરની ચાડી ખાતા હતા. સુકાયેલ શરીર કમજોરીની વેદના દેખાડતા હતા.

એ એક ફોટા સામે જોઈ દીવો કરે છે અને ખોવાઈ જાય છે એની લાડકીની યાદમાં.

એના લગ્ન વીસ વર્ષની વયમાં જ કેયુર સાથે થયા હતા. કેયુર નું દિલ ને પરિવાર બેય મોટું. એ મોટા પરિવારમાં એ લક્ષ્મીજી જેવા ઠાઠથી રહેતી. એના આગમન સમયે એના સાસુએ પરિવાર સાથે ઘરના ઉંબરે દિવા પ્રગટાવીને કંકુ પગલાં કરાવેલા. એ ક્ષણ એના માટે જીવનભરની યાદ હતી. એના આગમન પછી સમયાંતરે ત્રણ દેરાણીઓ પણ આવી. મમતામયી મા બની એને પરિવારની મોતીની માળા સ્નેહ અને સાચવણથી ગુંથી હતી.

એક જ કમી હતી જીવનમા સંતાનની. એ રોજ ભગવાનને ફૂલ પધરાવી ફૂલની પાંખડી માંગતી. પણ કોઈ પરિણામ ન આવતું. ત્રણે દેરના દિકરાને એની મોટી મમ્મી વહાલી લાગતી.
એક દિવસ અચાનક રસોડામાં રસોઈ કરતા કરતા કાલિંદીને ચકકર આવતા એ પડી જાય છે. તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. બધા અચાનક બનેલી ઘટનાથી સ્તબ્ધ થઈ જાય છે. પરંતુ, જયારે કાલિંદી હોંશમાં આવે છે ત્યારે ડોકટર એને શુભ સમાચાર આપે છે કે એની કોખમા બાળક છે જેની અસરથી એને ચકકર આવ્યા હતા. કાલિંદીના લગ્નને પાંત્રીસ પુરા થયા હતા. આ ઉંમરમાં આ સમાચારથી આખા પરિવારને ખુશી થાય છે. એ ઘરે આવે છે ત્યારે નાની દેરાણીએ ભગવાન પાસે દિપક જલાવી ભગવાનનો આભાર માને છે.

બધા કાલિંદી નું ખુબ ધ્યાન રાખે છે. કાલિંદી કેયુરને કહે છે આ સપનું સાચુ પડશે. "જો દિકરો આવે તો દેવાંશ ને દિકરી આવે તો દેવાંશી!!" બેય હરખના આંસુ સારે છે.
કાલિંદી દિવસમાં દસ વાર અરીસામાં જોઈ પોતાનામાં થતા ફેરફાર જોયા રાખે છે. આરામની સાથે એ પોતાના બાળકને મનભરીને સંવાદ નો સેતુ રચે છે. એ રોજ " તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો...." એ ગણગણ્યા કરતી હોય છે.

આમ જ, દિવાળીના દિવસે એને ત્યાં 'લક્ષ્મી' પધારે છે. એ પણ નાના પગલે...બધા હરખાઈ છે. જે ઘરમાં દિકરીની ખોટ હોયને ત્યાં આવા શુભ સમાચાર. એક અઠવાડિયા પછી
' દેવાંશી' ઘરે પહોંચે છે. ભાવભીની આંખોથી સ્વાગત થાય છે. દિવા જેવી દિકરીના માનમાં ઘરની ફરતી બાજુ દિપમાળા કરી પ્રકાશમય જીવનના આશિર્વાદ આપી કાલિંદીના ઓવારણા લેવાય છે.

મા - દીકરીની સફર ચાલુ થાય છે હવે. કેયુર એ બેયને શાંતિથી સુતા જોઈને હરખાય છે. લાંબી પ્રતિક્ષા નું આવું સોનેરી ફળ!! જે મેળવ્યા પછી એ પણ ગદગદ થાય છે.
દેવાંશી હવે છ વર્ષની થઈ છે. આખા પરિવારની લાડકી માટે બધા મોંએ આવતા વેણને મોતીમાં ફેરવી ખુશ રાખે છે.

ઉનાળું વેકેશન હોવાથી બે દિયરના પરિવાર દુબઈ જાય છે ફરવા. એક દેરાણી પિયર જાય છે રજા ગાળવા. ઘરે પાંચ સભ્યો જ હોય છે. વહેલી સવારે દેવાંશી પાણીની ટાંકીમાં પડી જાય છે. ટાંકી ખાલી હોવાથી એનું તળ એના માથાને ઈજાગ્રસ્ત કરી દે છે. આંતરીક ઘા ને લીધે એ સુધ્ધ બુધ્ધ ખોઈ બેસે છે. બધાના જીવ તાળવે ચોંટી જાય છે.

'નાની જાનનો ઘા ઊંડો હતો એ એની બોલવાની શક્તિ ખોઈ બેઠી તી. આંખો પણ ' સ્થિર ' થઈ ગઈ તી. જીવિત હતી પણ 'ખાટલામાં જીંદગી' ગુજારવા મજબુર હતી.'

કાલિંદી રડી જ નહોતી. એ એટલી હિંમત દાખવતી કે એને જોઈ બીજા પણ રડી પડતા.કેયુર પણ કાલિંદીની જેમ મનથી સ્વસ્થ હોવાનો ડોળ કરતો.

આમ જ બીજા ચાર વર્ષ કાઢયા પણ સ્થિતિમાં લગીરે સુધાર નહીં. એક દિવસ પ્રસંગોપાત બધા ઘરથી બહાર હતા .ઘરે હતા માત્ર કાલિંદી ને દેવાંશી. સવારમાં જ દેવાંશીને ગભરામણ અનુભવાતી હતી. એ એકીટશે મંદિર સામે જોઈ મુક પ્રાર્થના કરતી હતી. કાલિંદીએ ખીર ખવડાવી તો એની સ્થિર આંખોમાં હલનચલન થવા લાગી ને આંસુ સાથે. એ કાલિંદીની સામે જોઈ હોઠ ફફડાવી પોતાના માટે ગીત ગાવાનું કે છે..ત............મ..........એવા છુટક ને ભાંગ્યા તુટ્યા શબ્દે....!!

કાલિંદી પણ ધીમા સ્વરે "તમે મારા દેવના દીધેલ છો........" આવું વાકય પુરૂ કરે જ છે કે મંદિરમાં દીવા સામે જોઈ દેવાંશી રડે છે. કાલિંદી જયોત જલાવી એની પીડા શાંત થાય એવું માંગે છે. ત્યાં એના શરીરની સ્થિતિ અનિયંત્રણ થાય છે. પણ એ ઓ.....મ...ન.. એવું બોલવા જાય છે પણ ત્યાં તો કાલિંદી એને ખોળે લઈ મોટેથી " ઓમ નમો ભગવતે વાસુદેવાય".. આવું બોલવાનું ચાલુ કરે છે..... માથામાં હાથ ફેરવી દેવાંશીને સહેલાવે છે. એનો અવાજ સાંભળી કેયુર ને બધા આવે છે કે એ દેવાંશી ની જીવનજયોત ઓલવાઇ જાય છે.

બધા હતપ્રભ બની નિ:સાસા નાખતા રડે છે. આજ એ દોઢ વર્ષ પછી કાલિંદી અરીસાને જોઈ પોતાની દીકરીની છાંયા શોધવા માટે મથે છે.

થોડું જીવનારી વ્યક્તિ કેટલો પ્રભાવ છોડતી જાય છે.

શિતલ માલાણી"સહજ"

૭/૨/૨૦૨૧

જામનગર