Vicious - 15 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | શાતિર - 15

Featured Books
Categories
Share

શાતિર - 15

( પ્રકરણ : ૧૫ )

કબીર મહામુશીબતમાં મુકાયો હતો. કબીરને હરમને પચાસ કરોડ રૂપિયા સાથે મુંબઈ-પૂના હાઈવે પર બોલાવ્યો હતો, અને મુંબઈથી બહાર નીકળીને પૂના હાઈવે પર ચઢવાના નાકા પર અત્યારે પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસ એકે-એક વાહનને ચેક કરીને એને આગળ વધવા દઈ રહી હતી. પોલીસ કબીરને શોધી રહી હતી. કબીરની કારની ડીકીમાં તેણે બેન્કમાંથી ચોરેલા પચાસ કરોડ રૂપિયા પડયા હતા. કબીર નાકા પરની પોલીસના હાથમાં પકડાઈ જાય એમ હતો, પણ તેણે કાંચીને બચાવવા માટે શયતાન હરમન પાસે વહેલામાં વહેલી તકે પહોંચવાનું હતું, અને એટલે તેણે નાકાબંધી પરની પોલીસથી ડર્યા વિના-એમની પરવા કર્યા વિના આગળ વધ્યા વિના છુટકો નહોતો. તેણે કારને નાકા તરફ આગળ વધારવાની ચાલુ રાખી હતી. તેણે લાઈનમાં ઊભેલા વાહનોની પાછળ કાર ઊભી રાખી દીધી હતી.

અત્યારે તેની કારની આગળ હવે ફકત બે વાહનો હતા. એ બે વાહનોને પોલીસ ચેક કરી લે એ પછી તેનો જ વારો આવવાનો હતો !

કબીર મન-મગજને બિલકુલ શાંત કરીને બેસી રહ્યો. ‘પોલીસ તેને ઓળખી જશે, તો શું થશે ? ! પોલીસના આ ઘેરામાંથી તે કેવી રીતના બચીને નીકળી શકશે ? !’ એવા કોઈ સવાલો અત્યારે તેના મન-મગજમાં નહોતા. પણ તેની પાસે એક જવાબ જરૂર હતો, ‘ગમે તે થશે, પણ તે પચાસ કરોડ રૂપિયા સાથે હરમન પાસે પહોંચશે અને પોતાની દીકરી કાંચીને જરૂર બચાવી લેશે !’

‘ચાલો-ચાલો ! કાર આગળ આવવા દો !’ કબીરની આગળની ટેકસીને ચેક કરીને, એને રવાના કરીને સબ ઈન્સ્પેકટર પાટેકરે કબીરને કહેવાની સાથે જ, કબીરને એની કાર નજીક લાવવા માટેનો ઈશારો કર્યો.

કબીરે એક ઊંડો શ્વાસ લેતાં કાર સબ ઈન્સ્પેકટર પાટેકર તરફ કાર આગળ વધારી.

પાટેકરની આજુબાજુ બીજા ચાર હથિયારધારી પોલીસવાળા ઊભા હતા.

કબીરે એમની નજીક કાર પહોંચાડીને ઊભી રાખી.

એ ચારેય પોલીસવાળા કબીરની કારને ઘેરીને, અંદર ઝાંખવા લાગ્યા, તો પાટેકર કબીરની બારી તરફ ઝૂક્યો.

કબીરે ચહેરા પર બેફિકરાઈ જાળવી રાખતાં પાટેકર  સામે જોયું : ‘જી, સાહેબ ? !’

‘...રૂટિન ચેકિંગ છે !’ પાટેકર બોલ્યો : ‘ડીકી ખોલો !’

‘જી, સાહેબ !’ કબીર બોલ્યો : ‘પણ જલદી ચેક કરી લો, તો તમારી મહેરબાની સાહેબ ! મારે વહેલામાં વહેલી તકે પૂના પહોંચવાનું છે. મારી મા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે. જો મારે પહોંચવામાં મોડું થશે તો....’ અને આગળનું વાકય અધૂરું મૂકીને કબીરે આગળ કહ્યું : ‘...હું ડીકી ખોલુ છું, તમે ફટાફટ ચેક કરી લો ને, સાહેબ !’ અને કબીર દરવાજો ખોલવા ગયો, ત્યાં જ પાટેકર બોલ્યો : ‘રહેવા દો, ચાલશે ! ‘મા’ના મરવાની છેલ્લી ઘડીએ પાસે ન હોવાના દુઃખ અને અફસોસની મને ખબર છે !’ અને પાટેકર કબીરની કાર પાસેથી સહેજ દૂર થયો. ‘ભાઈને જવા દો !’ એણે પોતાના સાથી પોલીસોને હુકમ આપ્યો.

એના સાથી પોલીસો કબીરની કારથી દૂર થયા.

‘થૅન્કયૂ, સાહેબ !’ કહેતાં કબીરે ત્યાંથી કાર આગળ વધારી.

નાકા પાસેથી-પોલીસોની વચ્ચેથી કબીરની કાર આગળ વધીને પૂના હાઈવે પર ચઢી, એટલે તેણે રાહતનો એક શ્વાસ લઈને કારને પૂના હાઈવે પર દોડાવી.

તો તેની કારનું ચેકિંગ કર્યા વિના તેને આગળ વધી જવાની મંજૂરી આપનાર નાકા પર ઊભેલો પાટેકર અત્યારે સબ ઈન્સ્પેકટર ગોખલેને મોબાઈલ ફોન લગાવી ચૂકયો હતો.

થોડીક વાર પહેલાં એની પાસે કબીરનો ફોટો પહોંચી જવાની સાથે જ ગોખલેનો મેસેજ પણ આવી ગયો હતો કે, ‘‘કબીરને જુઓ તો એને રોકશો નહિ, એને પકડશો નહિ અને એનો પીછો કરવાની સાથે જ ગોખલેને ખબર કરવી !’

અને એટલે જ પાટેકર બે સાદા વેશમાં રહેલા પોતાના સાથી પોલીસોને કારમાં કબીરની પાછળ જવાનો હુકમ આપીને, ગોખલેને મોબાઈલ લગાવ્યો હતો.

‘બોલો !’ પાટેકરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી ગોખલેનો અવાજ સંભળાયો, એટલે પાટેકર કહ્યું : ‘ગોખલે ! કબીર કારમાં આવ્યો હતો ! મેં એને પૂના હાઈવે પર આગળ વધી જવા દીધો છે અને એની પાછળ બે સાથીઓ દોડાવ્યા છે !’

‘ગુડ ! વૅરી ગુડ !’ સામેથી ગોખલેએ કહ્યું.

‘હમણાં થોડીક વારમાં જ એ સાથી તમને કૉલ કરીને કબીરનું અપડેટ આપશે !’

‘ગુડ-ગુડ ! વેરી-વેરી ગુડ !’ મોબાઈલ ફોનમાં સામેથી ગોખલેનો ખુશીથી રણકતો અવાજ સંભળાયો, અને પછી સામેથી ગોખલેએ વાત પૂરી કરી દીઘી.

ગોખલે અત્યારે ઈન્સ્પેકટર સાઈરસ સાથે જીપમાં હતો  અને પૂના હાઈવેથી ખાસ દૂર નહોતો.

એેની જીપની પાછળ, ત્રણ જીપમાં એના પંદર સાથી પોલીસવાળાઓે આવી રહ્યા હતા.

ગોખલેએ બાજુમાં બેઠેલા ઈન્સ્પેકટર સાઈરસને, ‘કબીર મળી ગયો છે, અને એ કારમાં પૂના હાઈવે પર આગળ વધી રહ્યો છે,’ એ કહેવાની સાથે જ વહેલી તકે પૂના હાઈવે પર ચઢવા માટે ડાબી બાજુ વન-વે પર જીપ વળાવી અને સાઈરન વગાડતાં જીપ આગળ વધારી.

એેની જીપની પાછળ ત્રણેય જીપો પણ આવવા માંડી.

દૃ દૃ દૃ

અત્યારે કબીર કારમાં પૂના હાઈવે પર ફૂલ સ્પિડમાં આગળ વધી રહ્યો હતો.

અત્યારે સાંજના સાત વાગવા આવ્યા હતા અને સૂરજ લગભગ ઢળી ચૂકયો હતો અને ચારે બાજુ અંધારું ઊતરી આવી રહ્યું હતું.

કબીરે કારની હેડ લાઈટ ચાલુ કરી.

હરમને તેને બરાબર એડ્રેસ સમજાવ્યું હતું. એ એડ્રેસ પર તે આ સ્પિડ પર જ પહોંચે એમાં હજુ પણ ઓછોમાં ઓછો અડધો કલાક લાગે એમ હતો.

અને કબીરને એક-એક સેકન્ડ વરસ-વરસ જેટલી લાંબી લાગી રહી હતી.

દૃ દૃ દૃ

રાતના પોણા આઠ વાગવા આવ્યા હતા. કબીર પૂના હાઈવે પર કાર દોડાવી રહ્યો હતો.

અત્યારે તેણે કારની ઝડપ ધીમી કરી નાંખી હતી. તે કારની હેડલાઈટના અજવાળામાં ડાબી બાજુ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો.

હરમને તેને ડાબી બાજુ, એક જુની-બંધ હોટલ આવે એ પછી, સહેજ આગળ વધતાં જ ડાબી બાજુ જે કાચો રસ્તો દેખાય એ તરફ વળી જવાનું કહ્યું હતું.

અને એટલે કબીર ખૂબ જ ધ્યાનથી બંધ હોટલને જોતો આગળ વધી રહ્યો હતો. તે હરમને બતાવેલા રસ્તાથી આગળ વધી જાય અને ખોટો સમય વેડફાય એવું ઈચ્છતો નહોતો.

અત્યારે હવે કબીરને થોડેક જ આગળ બંધ હોટલ દેખાઈ.

તેની આંખોમાં થોડીક રાહત દેખાઈ.

તે હવે તેની દીકરી કાંચીથી વધુ દૂર નહોતો.

તેણે ધીમી ઝડપે એ બંધ હોટલ પાસેથી કાર પસાર કરી અને આગળ વધારી. કાર થોડીક આગળ વધી, ત્યાં જ ડાબી બાજુ કાચો રસ્તો દેખાયો.

કબીરે કાર વળાવીને એ કાચા રસ્તા પર આગળ વધારી.

કાર થોડીક આગળ વધી, ત્યાં જ જમણી બાજુ મોટા-મોટા ગોડાઉનો ઝાંખા-ઝાંખા દેખાયા.

કબીરે કાર ઊભી રાખી અને જમણી બાજુ-બે ગોડાઉનો વચ્ચેના રસ્તા તરફ નજર દોડાવી.

પણ એ રસ્તા પર અંધારું પથરાયેલું હતું, એટલે વધુ  લાંબે સુધી જોઈ શકાય એમ નહોતું.

કબીર એ રસ્તા પરથી નજર પાછી વાળવા ગયો, ત્યાં જ એ રસ્તા પર ટેકસીની હેડલાઈટ ચાલુ થઈ અને એ હેડલાઈટનો લિસોટા કબીરની આંખો અંજાઈ. તે સમજી ગયો. એ હરમની ટેકસીની જ હેડલાઈટ હતી. એ ટેકસી થોડેક દૂર ઊભી હતી.

કબીરે કાર એ ટેકસી તરફ આગળ વધારી.

કબીરે એ ટેકસીથી ત્રણ-ચાર મીટર દૂર કાર ઊભી રાખી દીધી.

ટેકસીની આસપાસ કોઈ દેખાતું નહોતું.

કબીર કારમાંથી બહાર નીકળ્યો : ‘હરમન !’ તેણે બૂમ પાડી : ‘હું આવી ગયો છું !’

અને ટેકસીની સીટ પર આડો પડેલો હરમન સીધો થયો અને ટેકસીની બહાર નીકળ્યો.

એના હાથમાં રિવૉલ્વર પકડાયેલી હતી.

‘હરમન !’ કબીરે હરમન સામે જોતાં સીધું જ પૂછયું : ‘મારી કાંચી કયાં છે ? !’

હરમન કંઈ બોલ્યો નહિ. એ કબીર તરફ હોઠના ખૂણે મલકતાં જોઈ રહ્યો.

‘શું મારી કાંચી ટેકસીની ડીકીમાં છે ? !’ કબીરે પૂછયું.

‘તું તો આવતાં જ તારી દીકરી વિશે પૂછવા લાગ્યો !’ હરમન બોલ્યો : ‘આઠ વરસ પછી તારા આ દોસ્તને મળી રહ્યો છે, તો એની તબિયત વિશે પૂછ ! તારા કારણે એનોે આ જે પગ કપાયો છે, એના વિશે જરાક અફસોસ કર-થોડુંક દુઃખ જાહેર કર !’

કબીરે એક નિશ્વાસ નાંખ્યો.

‘હરમન ! મને એ વખતે જે કંઈ બન્યું એનો ખરેખર અફસોસ છે ! હું એ બદલ તારી માફી ચાહું છું અને દિલગીરી વ્યકત કરું છું.’ કબીર બોલ્યો : ‘ચાલ ! હવે તું મને એ કહે, કયાં છે, મારી કાંચી ? !’

‘તારી લાડકી કાંચી જ્યાં છે, ત્યાં સલામત છે ? ! હું તને પછી એની સાથે મેળવી આપું છું !’ હરમન બોલ્યો : ‘પહેલાં તું મને મારા પ્યારા પચાસ કરોડ રૂપિયાના દર્શન કરાવ !’

કબીર હરમન સામે જોઈ રહ્યો.

‘ખોટો સમય ન બગાડ !’ હરમન બોલયો : ‘હું જેમ કહું એમ ફટાફટ કરતો જા !’

કબીર કારની ડીકી તરફ વળ્યો.

તે કારની ડીકી પાસે પહોંચ્યો.

તેણે કારની ડીકી ખોલી. એમાંથી રૂપિયાથી ભરાયેલી બન્ને હેન્ડબેગ એક-એક કરીને ડીકીની બહાર કાઢી, અને પછી તેણે હરમન જોઈ શકે એવી રીતના એ બન્ને હેન્ડબેગ ઊઠાવીને જમીન પર મૂકી : ‘લે, તારા રૂપિયા !’

‘બેગ ખોલીને બતાવ !’ હરમને કબીરને હુકમ આપ્યો.

કબીરે બન્ને હેન્ડબેગ એવી રીતના ખોલી કે, અંદર પડેલા હજાર-હજાર રૂપિયાની નોટોના બંડલો ટેકસીની હેડલાઈટમાં હરમન આસાનીથી જોઈ શકે.

રૂપિયાના બંડલો જોઈને હરમનની આંખો ચમકી ઊઠી.

‘હરમન !’ કબીરે અધીરાઈ સાથે પૂછયું : ‘હવે પ્લીઝ ! જલદી કહે, કાંચી કયાં છે ? !’

હરમન બોલ્યો નહિ, એ કબીર તરફ તાકી રહ્યો.

‘હરમન !’ કબીર ધુંધવાઈ ઊઠયો : ‘તને રૂપિયા જોઈતા હતા, એ રૂપિયા મેં તને આપી દીધા ! હવે તો મને કહે કે, કાંચી ક્યાં છે ? !’

‘કબીર !’ હરમન બોલ્યો : ‘એ વખતે તેં આપણી વરસોની દોસ્તી એક કચરાવાળા માટે તોડી નાંખી ? ! એ વખતે તેં એ અજાણ્યા કચરાવાળા માટે મારા પગ પર ગોળી મારી દીધી ? !’

‘એ...,’ કબીર ગુસ્સા પર કાબૂ કરવાનો પ્રયત્ન કરતાં બોલ્યો : ‘...એ વખતની આ બધી વાતોથી મારી દીકરી કાંચીને કોઈ લેવા-દેવા નથી, હરમન !’

‘છે...,’ હરમન અવાજમાં વજન લાવતાં બોલ્યો : ‘....લેવા-દેવા છે, કબીર ! !’

કબીર લાચારી સાથે હરમનને જોઈ રહ્યો.

‘કબીર ! તું તારી દીકરી કાંચીને ખૂબ જ ચાહે છે અને હું...., હું પણ મારી જાતને ખૂબ જ પ્રેમ કરતો હતો !’ હરમન બોલ્યો : ‘તને ખબર જ છે ? ! એ વખતે હું કેવો હીરો જેવો હેન્ડસમ લાગતો હતો ? !  મારી ચાલ કેવી મરદાનગીભરી હતી ? ! પણ..., પણ તારે કારણે મારો પગ કપાવવો પડયો અને જો, હું અત્યારે હવે કેવો બેહાલ-બદસૂરત થઈ ગયો છું !’

‘હરમન !’ કબીર સાચા દિલે બોલ્યો : ‘મેં તારી માફી તો માંગી લીધી, પછી...!’

‘...તારા માફી માંગી લેવાથી કંઈ હું ફરી પાછો ખૂબસૂરત થોડો થઈ જવાનો છું ? !’ હરમન નફરતભર્યા અવાજે બોલ્યો : ‘તારે મને બદસૂરત બનાવવાની સજા તો ભોગવવી જ પડશે ને !’

‘એટલે...? ! !’ કબીર પૂછી ઊઠયો : ‘...એટલે તું કહેવા શું માંગે છે ? !’

‘...કહેવાની તું કયાં વાત કરે છે ? ! હું હમણાં તને બતાવી જ દઉં છું !’ અને હરમને ટેકસીની બારીમાંથી અંદર હાથ નાંખ્યો અને એક મોટી બોટલ બહાર કાઢી.

કબીર ફફડાટ સાથે જોઈ રહ્યો. ‘આ હરમનનો બચ્ચો કરી શું રહ્યો છે ? ! ?’ સવાલ સાથે કબીર ઝડપથી હરમનની હરકત સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

હરમને એક હાથમાંની રિવૉલ્વરની અણી કબીર તરફ તાકેલી રાખતાં, બીજા હાથમાં પકડાયેલી એ બોટલનું ઢાંકણું મોઢાથી ખોલ્યું અને થોડાંક પગલાં પાછળ હટીને એણે ડીકી પર એ બોટલમાંનું પ્રવાર્હી છાંટવા માંડયું.

અને કબીર પગથી માથા સુધી કાંપી ઊઠયો ! ફફડી ઊઠયો ! !

-એ બોટલમાં..., એ બોટલમાં પેટ્રોલ હતું અને એ પેટ્રોલ ટેકસીની ડીકી પર છાંટીને હરમન ડીકીમાં રહેલી કાંચીને સળગાવી નાંખવા માંગતો હતો !

‘નહિ...! આ તું શું કરી રહ્યો છે, હરમન ? !’ બોલી ઊઠતાં કબીર હરમન તરફ ધસ્યો, પણ ત્યાં જ હરમને એના હાથમાંની રિવૉલ્વરની ઘોડો દબાવી દીધો. રિવૉલ્વરમાંથી ગોળી છૂટી અને કબીરના જમણા પગમાં વાગી. કબીરના મોઢામાંથી પીડાભરી ચીસ નીકળી, તેેનો પગ વળ્યો, પણ તે પાછો સીધો થયો અને હરમન તરફ આગળ વધ્યો.

આટલી વારમાં હરમને બોટલમાંનું પેટ્રોલ ડીકી પર ઠાલવી દીધું હતું.

કબીર હરમનની નજીક પહોંચ્યો, ત્યાં જ હરમને એનો નકલી પગ કબીરને પગમાં જ્યાં ગળી વાગી હતી ત્યાં જોરથી માર્યો.

કબીર એક પીડાભરી ચીસ સાથે પાછળ ફેંકાયો, ત્યાં જ તેના કાને હરમનની ટેકસીની ડીકીમાં પુરાયેલી કાંચીની ધીમી ચીસ સંભળાઈ.

કબીર પગની પીડાને પચાવતાં પાછો ઊભો થયો, એટલી વારમાં હરમને ખિસ્સામાંથી લાઈટર કાઢી લીધું હતું.

‘નહિ, હરમન !’ કબીર બોલતાં હરમન તરફ ધસ્યો, પણ તે હરમનની નજીક પહોંચે એ પહેલાં જ હરમને હાથમાંનું સળગતું લાઈટર પેટ્રોલથી તરબતર થેલી ટેકસીની ડીકી પર ફેંકી દીધું.

-ભડ્‌ !

-ડીકી-ટેકસી ભડ્‌-ભડ્‌ કરતાં સળગવા લાગી !

-અને સળગવા માંડેલી ટેકસીની ડીકીની અંદર પુરાયેલી કાંચી ચીસો પાડવા લાગી : ‘ડેડી ! ડેડી ! મને બચાવ, ડેડી ! ! !’

( વધુ આવતા અંકે )