My Better Half
Part – 11
Story By Mer Mehul
નવ વાગ્યે હું ઘરે પહોંચ્યો. CCDમાં જવાનો તો સવાલ જ નહોતો. વૈભવીનાં દસ મિસ્ડકૉલ આવી ગયાં હતાં, ચાર મૅસેજ હતાં, જે આ મુજબ હતાં.
‘ફોન કેમ રિસીવ નથી કરતો, ક્યાં છે તું’ સાતને ચાલીશે પહેલો મૅસેજ.
‘જલ્દી આવ, મને કંટાળો આવે છે’ સાતને પિસ્તાલીશે બીજો મૅસેજ.
‘તું પાંચ મિનિટમાં ન આવ્યો તો હું જાઉં છું’ આઠ વાગ્યે બીજો મૅસેજ.
‘હું નીકળી ગઈ છું’ સવા આઠ વાગ્યે છેલ્લો મૅસેજ.
આ બધા મૅસેજ મેં અંજલીનાં ઘરેથી નીકળ્યો ત્યારે જ વાંચી લીધાં હતાં. એ ગુસ્સામાં હશે એ મને ખબર હતી, રસ્તામાં કૉલ કરીશ તો સરખી વાત નહિ થાય એમ વિચારીને ‘જમીને વાત કરું’ એવો મૅસેજ મોકલીને હું ઘરે આવી ગયો.
સવા નવ વાગ્યે ફ્રેશ થઈ, પોતાનાં રૂમમાં આવીને મેં વૈભવીને કૉલ કર્યો. પુરી રિંગ વાગી તો પણ કૉલ રિસીવ ન થયો. થોડીવાર પછી મેં બીજીવાર કોશિશ કરી, ફરી કૉલ રિસીવ ન થયો. મેં નિરંતર ફોન કરવાનું શરૂ રાખ્યું, ફોન તેની પાસે જ હશે એ મને ખબર હતી, જાણીજોઇને એ કૉલ રિસીવ નહોતી કરતી.
સતત પંદર મિનિટ કૉલ કર્યા પછી પણ તેણે ફોન રિસીવ ન કર્યા. હું હજી એકવાર કૉલ કરવા જતો હતો ત્યાં તેનો ટેક્સ્ટ મૅસેજ આવ્યો,
‘જ્યારે કોઈને સતત કૉલ કરીએ અને કૉલ રિસીવ ન થાય તો કેવું ફિલ થાય એ સમજાય છે ને તને”
મને વૈભવી પર ગુસ્સો આવી ગયો. મેં છેલ્લીવાર કૉલ કરવાનું નક્કી કર્યું, જો હવે કૉલ રિસીવ ન થાય તો ફોન સાયલન્ટ કરીને હું સુઈ જવાનો હતો. મેં છેલ્લી કોશિશ કરી, તો પણ ફોન રિસીવ ન થયો. મેં ફોન સાયલેન્ટ કરી દીધો. હું ફોનને લોક કરવા જઈ રહ્યો હતો ત્યાં સામેથી તેનો કૉલ આવ્યો. મેં ગુસ્સામાં ફોન રિસીવ કર્યો.
લગભગ એક મિનિટ માટે અમારાં બંનેમાંથી કોઈ એક શબ્દ પણ ના બોલ્યું. આખરે કંટાળીને મેં કહ્યું,
“બોલીશ હવે કંઈ ?”
“ક્યાં હતો ?, કેમ મળવા ન આવ્યો ?, પુરી એક કલાક મેં તારી રાહ જોઈ…!” ગુસ્સામાં વૈભવીએ મારાં પર પ્રશ્નોનો મારો કર્યો.
“સૉરી..” મેં શાંત પડતાં કહ્યું, “કામમાં વ્યસ્ત હતો”
“કૉલ રિસીવ નહોતો કરી શકતો” એ બોલી, “મને તારી ચિંતા થતી હતી”
“સૉરી તો કહ્યું”
“સૉરીનું અથાણું કરવું મારે ?” એ હજી ગુસ્સામાં જ બોલતી હતું, “પુરા દસ ફોન કર્યા તને”
“કામમાં વ્યસ્ત હતો” મેં ફરી કહ્યું.
“મારે વાત જ નથી કરવી તારી સાથે..” કહી તેણે ફોન કાપી નાંખ્યો. હું સમસમી ઉઠ્યો. ભૂલ મારી હતી, મારે તેને અગાઉ ફોન કરીને નહિ મળી શકાય એની જાણ કરવી જોઈતી હતી.
મેં તેને કૉલ કર્યો. તેણે કૉલ કાપી નાંખ્યો. મેં ફરી કોશિશ કરી, તેણે ફરી કૉલ કાપી નાંખ્યો. આખરે મેં ‘સૉરી’ નો મૅસેજ મોકલીને ફોન બાજુમાં રાખી દીધો અને સુઈ ગયો.
હું જાગ્યો ત્યારે આઠ વાગ્યા હતાં. કોઈએ માર શરીર પર ચાબુક મારી હોય અને હું ઉઠી જાઉં એવી રીતે હું સફાળો ઉઠી ગયો. મારાં સપનામાં વૈભવી આવી હતી. અમારાં બંનેના લગ્ન થઈ ગયાં હતાં. કોઈ વાતને લઈને અમે ઝઘડો કરતાં હતાં, બાજુમાં નાનું બાળક રડતું હતું. અમારી બંને વચ્ચે શું વાતચીત થઈ એ મને યાદ નહોતું પણ વૈભવીએ ખેંચીને મને એક તમાચો માર્યો એ મને બરાબર યાદ હતું.
મેં ફોન હાથમાં લીધો. વૈભવીનાં બીજા પાંચ મિસ્ડકૉલ હતાં. છોકરીઓને સમજવી ખરેખર ખૂબ મુશ્કેલ છે. જ્યારે હું તેને કૉલ કરતો હતો ત્યારે તેણે કૉલ રિસીવ ન કર્યા અને પાછળથી ફોન કર્યા. મેં ફોનને બાજુમાં રાખ્યો.
ફ્રેશ થઈ, સ્નાનાદી ક્રિયા પતાવી, નાસ્તો કરી, દાદુને મળીને હું ઓફિસે જવા નીકળ્યો. આજથી હું બાઇક પર ઓફિસે જવાનો હતો. સમયસર હું ઓફીસ બહાર પહોંચી ગયો.
હું ઓફિસમાં પહોંચ્યો તો મારી આંખો રીતસરની અંજાઈ ગઈ હતી. અંજલી મારી ડેસ્કની બાજુમાં ઉભી હતી. એ મારી તરફ જોઈને મુસ્કુરાઈ રહી હતી. તેણે બ્લેક લેગીસ પર પીળું કુર્તુ પહેર્યું હતું. કુર્તાની કૉલર કાળા રંગની હતી. અંજલીએ થોડો મેકઅપ કર્યો હશે એવું તેનાં ચહેરાને જોઈને લાગી રહ્યું હતું. તેનાં ચહેરા પર આજે જુદો જ નિખાર હતો.
“અરે વાહહ…આજે મૂડમાં લાગે છે” મેં કહ્યું.
“બધું તારાં કારણે જ છે” તેણે મુસ્કુરાઈને કહ્યું, “તારાં કારણે પેલાં ભાઈ હવે હેરાન નથી કરતાં, તે બોસને કહીને બાજુમાં ડેસ્ક અપાવી દીધું”
“મેં ક્યાં અપાવ્યું ?” મેં ખભા ઉછાળ્યાં.
“જુઠ્ઠું ના બોલ, બોસે જ મને કહ્યું”
“બોસે કહ્યુંને, હું તારી વાત નથી સ્વીકારતો” મેં આંખ મારીને કહ્યું. એ હસી પડી. તેની એ સ્માઇલથી મને ‘બજરંગી ભાઈજાન’ માં જેમ હીરો નાની બેબલીની સ્માઈલ જોઈને ખુશ થઈ જાય એવી રીતે હું ખુશ થઈ ગયો. જો કે અહીં નાની બેબલી નહોતી, મોટી બેબલી હતી.
“તે થોડા દિવસ પહેલા મારી પાસે સલાહ માંગી હતીને” અંજલીએ કહ્યું, “તારે કોઈ છોકરીને ગિફ્ટ આપવાની જરૂર જ નથી, કારણ કે તું લોકોની ખુશી માટે વિચારે છે એ જ મોટું ગિફ્ટ છે”
“બસ બસ, મને ડાયાબીટીસ થઈ જશે” મેં હસીને કહ્યું.
“સાચું કહું છું, જે છોકરી તારી પત્ની બનશે એ ખુશનસીબ હશે”
ફરી પત્નીનું નામ સાંભળીને મને વૈભવી યાદ આવી ગઈ. કાલે સાંજે કોલમાં અમારે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેણે મને પાંચ કૉલ કર્યા હતાં પણ હું ફોન સાયલન્ટમાં રાખીને સુઈ ગયો હતો. રોજ સવારે તેના ‘ગુડ મોર્નિંગ’નાં મૅસેજ આવતાં પણ આજે કોઈ મૅસેજ નહોતો. એ મારાથી સખત નારાજ હશે એવું મને લાગ્યું. મેં એનું સોલ્યુશન પણ અંજલી પાસેથી જ મેળવવાનું નક્કી કર્યું.
“અચ્છા..મને હજી સલાહ આપીશ…” મેં કહ્યું, “કોઈ છોકરી નારાજ હોય, કૉલ રિસીવ ના કરતી હોય તો શું કરાય ?”
“વૈભવીની વાત કરે છે ?” તેણે પૂછ્યું.
“હા.., એક્ચ્યુઅલી કાલે સાંજે અમારે મળવાનું હતું. હું તારી સાથે હતો એટલે હું ન મળી શક્યો. રાતે કૉલ પર મેં વાત કરવાની કોશિશ કરી પણ તેણે સરખી વાત ન કરી અને કૉલ કાપી નાંખ્યો” મેં પુરી ઘટનાં અંજલીને કહી સંભળાવી જેથી એ મને સાચી સલાહ આપી શકે.
“એ મળવા આવશે ?” તેણે પૂછ્યું.
“મને નથી લાગતું, એ મારાં કૉલ પણ રિસીવ નહિ કરે” મેં ગઈ કાલનાં અનુભવ પરથી કહ્યું.
“ગુડ” અંજલીએ કહ્યું, “સીધો તેનાં ઘરે પહોંચી જા”
“શું…સીધો ઘરે ?”
“હા..સીધો ઘરે પહોંચી જા અને કોઈ મસ્ત ગિફ્ટ અને સાથે એક ગુલાબનું ફૂલ લઈને જજે”
“હવે ગુલાબનું ફૂલ ક્યાંથી શોધવું ?”
“અહીં નાકા પર જ એક ફૂલની દુકાન છે” તેણે કહ્યું, “તેની બાજુમાં જ ગિફ્ટ શોપ પણ છે. તારે વધુ મહેનત નહિ કરવી પડે”
“ગિફ્ટમાં શું લઈ જઉં ?” મેં પૂછ્યું.
તેણે મને કાન પાસે લાવવા કહ્યું. હું તેની નજીક સરક્યો. તેણે મને જે વાત કહી એ સાંભળીને હું ખુશ થઈ ગયો. સાચે..!, એક છોકરી જ બીજી છોકરીની માનસિકતા સમજી શકે…!
*
સાંજના સાડા છ થયાં હતાં. હું હાથમાં એક બેગ લઈને વૈભવીનાં ઘર બહાર ઉભો હતો. મારું દિલ જોરથી ધડકતું હતું. અંકલ દરવાજો ખોલશે તો હું શું જવાબ આપીશ ?, વૈભવી દરવાજો ખોલશે તો હું કેવું રિએક્શન આપીશ ?
એક મિનિટ વિચાર કરીને મેં ડોરબેલ દબાવી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. મારી સામે રોશની હતી.
“ઓહ જીજુ…” રોશનીએ મુસ્કુરાઈને કહ્યું, “આવોને..!”
હું ઘરમાં પ્રવેશ્યો. અંદર અંકલ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યાં હતાં. તેઓની પાસે જઈને મેં ચરણ સ્પર્શ કર્યા. વૈભવી હજી બહાર નહોતી આવી. એ ઘરમાં હતી કે નહીં એ પણ મને ખબર નહોતી.
“રોશની પાણી લઈ આવ અનિરુદ્ધ માટે” અંકલે રોશનીને ઉદ્દેશીને કહ્યું. રોશની રસોડામાં ચાલી ગઈ.
“રોશની વિશે ખબર પુછવા આવી ગયો” મેં કહ્યું, “કેમ છે એને હવે ?”
“એને તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ટબુ સવારની ગુસ્સામાં છે” અંકલે કહ્યું.
“ટબુ ?” મેં પુછ્યું.
“વૈભવીદીદી…” રોશનીએ બહાર આવતાં કહ્યું, “અમે ઘરે એને હુલામણા નામથી બોલાવીએ છીએ”
મેં પાણીનો ગ્લાસ હાથમાં લઈને બે ઘૂંટ પાણી પીધું.
“એનાં ગુસ્સાનું કારણ તને ખબર છે રોની ?” અંકલે રોશની માંથી ‘શ’ કાઢીને કહ્યું.
“શું તમે પણ પપ્પા” રોશની હસી, “જીજુ આવે છે એ વાત દીદીને પણ નથી ખબર તો તમે સમજી ના ગયા ?”
“એક્ચ્યુઅલી અંકલ….” હું કહેવા જતો હતો ત્યાં અંકલે મને રોકી લીધો.
“એ મારે નથી જાણવું…એ અંદર રસોડામાં છે. જા મનાવી લે” અંકલે કહ્યું. અંકલ મને મદદ કરતાં હતાં…!, હું તો ધન્ય થઈ ગયો…
“હું આવું થોડીવારમાં” કહીને હું ઉભો થયો અને રસોડા તરફ ચાલ્યો. રસોડાનાં બારણે હું પહોંચ્યો ત્યારે વૈભવીની પીઠ મને દેખાય. એ ઉભી ઉભી ઓટલા પર કંઈક સમારી રહી હતી. હું દબે પાવ તેની પાસેપહોંચી ગયો. તેનાં કાન પાસે ચહેરો લઈ જઈ મેં ધીમેથી કહ્યું,
“ઓય ટબુ…”
“હં.. પપ્પા” એ પાછળ ફરીને બોલી. તેનું કપાળ મારાં નાક સાથે અથડાયું. મને તમ્મર ચડી ગઈ, આંખોમાં આંસુ પણ આવી ગયાં.
“સૉરી..સૉરી..સૉરી…” મારો ચહેરો હાથમાં લઈ તેણે કહ્યું. મેં તેનાં હાથ મારાં હાથમાં લીધાં અને કહ્યું,
“પપ્પા નહિ, આપણાં બેબીનાં પપ્પા” મેં એક આંખ ખોલીને કહ્યું.
“હટ્ટ…બેશરમ..” કહેતાં એ ફરીને પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગઈ, “હું તારાથી નારાજ છું”
હું હળવું હસ્યો.
“પાછળ ફરીને તો જો એકવાર…” મેં કહ્યું. એ એક ઝટકા સાથે પાછળ ફરી. મારાં હાથમાં ગુલાબનું ફૂલ હતું.
“સૉરી..!” મેં સ્માઈલ કરીને કહ્યું. તેણે મારાં હાથમાંથી ગુલાબ છીનવી લીધું.
“મને ગુલાબ પસંદ છે…તો પણ હું તારાથી નારાજ છું” કહેતાં એ ફરી ગઈ.
“હજી એકવાર પાછળ ફરીને જો…” મેં કહ્યું. ફરી એ ઝટકા સાથે પાછળ ફરી. મેં બેગમાંથી એક નાનું ટેડ્ડી કાઢ્યું. જેનાં ગળામાં ‘સૉરી’ લખ્યું હતું.
“આપણાં પહેલાં ઝઘડાને યાદગાર બનાવવા માટે..” મેં કહ્યું. તેણે ટેડ્ડી પણ લઈ લીધું.
“મનાવવાની કોશિશ સારી છે પણ વાત બનવાની નથી” કહીને એ પાછી ફરી ગઈ.
“છેલ્લીવાર પાછળ ફરીને જોઈ લે” મેં મુસ્કુરાઈને કહ્યુ. વૈભવી ફરી પાછળ ઘૂમી. આ વખતે તેનાં ચહેરા પર સ્માઈલ હતી પણ મારાં હાથમાં કંઈ જ નહોતું. મેં બંને હાથ ફેલાવ્યાં અને વૈભવીની કમર પર રાખીને તેને પોતાનાં તરફ ખેંચી.
“શું કરે છે..?, છોડ મને…કોઈ જોઈ જશે” તેણે છૂટવાનાં નાહક પ્રયાસ કર્યા. મારી પકડ મજબૂત હતી. એમ થોડીને છોડું..!
“જલ્દી ઇટ્સ ઑકે બોલ નહીંતર હું રાડ પાડીશ” મેં ફરી મુસ્કુરાઈને કહ્યું.
“ઇટ્સ ઑકે બાબા, હવે તો છોડ..”
“ના..હું નહિ છોડું” મેં કહ્યું. એ મારી સામે જોઇને મુસ્કુરાઈ.
હું મારાં ભવિષ્યનાં સસુરનાં ઘરમાં મારી ભવિષ્યની બેટર હાફને વળગીને ઉભો હતો. બહાર મારાં ભવિષ્યનાં સસુર અને ભવિષ્યની સાળી હતી. તેઓ કોઈપણ ક્ષણે અંદર આવી શકે એમ હતાં. કદાચ રસોડાનું બારણું પણ ખુલ્લું હતું. આ બધી સંભાવનાને સાઈડમાં રાખી હું વૈભવી સાથે આંખોનાં માધ્યમથી વાતો કરી રહ્યો હતો.
સહસા વૈભવીનાં ચહેરાનો રંગ ઉડી ગયો. હસતો ચહેરો એક જ ક્ષણમાં કરમાય ગયો.
“રોશની છે…” તેણે બારણાં તરફ આંખ વડે ઈશારો કરીને ધીમેથી કહ્યું.
“હું હવે તારી વાતોમાં નહિ આવું” મેં તેનાં ગાલે પિચ કરીને કહ્યું. તેણે મને જોરદાર ધક્કો માર્યો. મેં આવા ધક્કાની અપેક્ષા નહોતી રાખી. હું તેનાંથી દુર ખસી ગયો.
“રોશની…” વૈભવી થોડાં મોટા અવાજે બોલી, “શું જોઈએ છે ?”
મેં પાછળ નજર ફેરવી. બારણાં પર સાક્ષતા રોશની ઉભી હતી.
“હું તો પપ્પા માટે પાણી લેવા આવી હતી” રોશની મારી તરફ જોઈને હસી.
“હું બહાર જાઉં છું” મેં કહ્યું. હું અત્યારે ભોંઠપ અનુભવતો હતો, કદાચ વૈભવી પણ.
“ના..તમે કાન્ટિન્યુ કરો…હું પાણી ભરીને જતી રહું છું” રોશનીએ કહ્યું અને પાણી ભરીને જતી રહી.
“કહ્યું રોશની છે તો પણ સમજ્યો નહિ” વૈભવીએ ઓટલા પર રહેલું વેલણ લઈને મને માર્યું.
“હજી પકડી લઈશ હો તને” હું તેની થોડો નજીક ગયો.
“દૂર રહે મારાથી..” વૈભવીએ મને ધક્કો માર્યો. હું હળવું હસ્યો.
“તું ગુસ્સે નથીને મારાથી ?” મેં થોડાં ગંભીર અવાજે પુછ્યું.
“ના..” તેણે પણ મુસ્કુરાઈને કહ્યું, “તું અહીં મને મનાવવા આવ્યો ત્યારે જ મારો ગુસ્સો પીઘળી ગયો હતો, હું તો નાટક કરતી હતી”
“સારું…તું હવે રસોઈ બનાવ.. હું નીકળું મારે મોડું થાય છે” મેં કહ્યું.
“આજે કૉલ રિસીવ કરજે નહિતર ઘરે આવીને ટીપી નાંખીશ” વૈભવીએ મને વેલણ બતાવીને કહ્યું.
“જો હું કૉલ રિસીવ ના કરું અને તું ઘરે આવતી હોય તો હું કૉલ રિસીવ નહિ જ કરું” મેં હસીને કહ્યું.
“અની…” તેણે ગાલ ફુલાવ્યાં, “હેરાન ન કર મને..”
હું તેની નજીક ગયો અને તેનાં ગાલ ખેંચ્યા. તેનો સ્પર્શ મને હદથી વધુ પસંદ હતો.
“હું સામેથી કૉલ કરીશ” મેં કહ્યું, “ખુશ હવે ?”
તેણે હકારમાં માથું ધુણાવ્યું.
“પપ્પા…” એ ચોંકીને બોલી. હું વૈભવીથી બે ડગલાં દૂર ખસી ગયો. મને દૂર જતો જોઈ એ હસી પડી. મેં પાછળ નજર કરી તો કોઈ નહોતું.
તેને હસતી જોઈને મને સુકુન મળ્યું હતું. અમે છેલ્લે રવિવારે મળ્યાં હતાં. ત્યારબાદ સોમવારે હું અંજલીનું ઘર શોધવા ગયો હતો એટલે વૈભવીને મળી નહોતો શક્યો અને ગઈ કાલે પણ અંજલી સાથે જ હતો એટલે મળી નહોતો શક્યો.
પંદર મિનિટની આ મુલાકાત મને ઘણુંબધું આપી ગઈ હતી. હું રસોડામાંથી બહાર નીકળી બેઠકરૂમમાં આવ્યોમ અંકલ હજી ટીવી જોવામાં વ્યસ્ત હતાં. મને આવતો જોઈ તેઓએ પૂછ્યું,
“બધું બરાબર થઈ ગયું ને..?”
“હા અંકલ..” મેં કહ્યું, “થેંક્સ..!”
“ધરમશીને કહેજે કે પરમ દિવસે અમે આવવાનાં છીએ” અંકલે કહ્યું.
“ચોક્કસ અંકલ, જમવાનો સમય લઈને આવજો. મારાં મમ્મી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે” મેં કહ્યું.
“તારી આંટીને આવી જવા દે…પછી નક્કી કરીએ” અંકલે કહ્યું.
“ઑકે” મેં કહ્યું, “સારું ચાલો અંકલ હું નીકળું”
અંકલની રજા લઈને હું બહાર નીકળ્યો. હું જ્યારે ઘરમાં પ્રવેશ્યો ત્યારે મારા મનમાં ઘણાબધા સવાલ હતાં અને જ્યારે બહાર નીકળ્યો ત્યારે મારુ મન મોરપીંછ જેવું હળવું થઈ ગયું હતું. આ બધું એક વ્યક્તિને કારણે જ શક્ય બન્યું હતું, એ અંજલી હતી. હું બહાર આવ્યો ત્યારે મેં તેનો દિલથી આભાર માન્યો.
(ક્રમશઃ)