My Better Half - 7 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | My Better Half - 7

Featured Books
Categories
Share

My Better Half - 7

My Better Half

Part - 7

Story By Mer Mehul

હું બપોલ ચાર રસ્તા નજીક ઉભો હતો. સવારનાં દસ થયાં હતાં. હું છેલ્લી એક કલાકથી વૈભવીની રાહ જોઇને ઉભો હતો. મારે ગુસ્સે થવું જોઈએ પણ આજુબાજુની હરિયાળીને કારણે એક કલાક કેમ પસાર થઈ ગઈ તેનો મને ખ્યાલ ન આવ્યો. મેં આસમાની રંગના પેન્ટ પર વાઈટ પ્લેઇન શર્ટ પહેર્યો હતો. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારાં સફેદ શર્ટ પર છોકરીઓ આફરીન હતી. સફેદ શર્ટ મારાં પર વધુ સારો લાગે એવું કહેતી. ત્યારથી મેં સફેદ રંગના શર્ટ પર વધુ ધ્યાન આપ્યું હતું. મારી પાસે પ્લેઇન, લાઇનિંગ, ચેક્સ, ડિઝાઇન, રજવાડી છાપથી લઈને બધા જ પ્રકારનાં સફેદ શર્ટ હતાં. આજે મેં પ્લેઇન શર્ટ પસંદ કર્યો હતો. સાથે બે દિવસ પહેલાં વૈભવી દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલી ક્લાસિક કાંડા ઘડિયાળ હતી.

હું આમતેમ હરીયાળી જોઈને આંખો ઠંડી કરતો હતો એટલામાં મને દૂરથી વૈભવી આવતી નજરે ચડી. મેં બધી હરિયાળીને ઇગ્નોર કરીને તેનાં પર ધ્યાન આપ્યું. વૈભવી બેશક સુંદર હતી જ પણ આજે એ કાતિલ લાગી રહી હતી. બ્લૅક બોડી ફિટ જીન્સ પર તેણે બોડી ફિટ વાઈટ ટીશર્ટ પહેર્યું હતું. તેનાં કંડારેલા અંગોનો વળાંક અને ઉભાર સ્પષ્ટ જોઈ શકાતો હતો. ઉરોજ પ્રદેશનાં ટીશર્ટનાં ભાગ પર કાળા રંગે ‘Smile' લખ્યું હતું.

આવી અદભુત કલાકૃતિ જોઈને કોઈ પાગલ અથવા દુઃખિયારા લોકો જ સ્માઈલ નહિ કરી શકતાં હોય. મેં વધુ નિરક્ષણ કર્યું, હંમેશાની જેમ તેનાં વાળ બંધાયેલા હતાં. ચહેરા પર જરા કહી શકાય એટલો પણ મેકઅપ નહોતો. તેનાં ડાબા હાથમાં સ્લિમ કાંડા ઘડિયાળ અને જમણા હાથમાં પાતળું કડું હતું. કાંડે કાળા રંગનો દોરો હતો જે કદાચ તેને નજર ન લાગી જાય એ માટે બાંધવામાં આવ્યો હતો. તેણે વાઈટ સ્પોર્ટ શૂઝ પહેર્યા હતાં.

એ નજીક આવી ત્યાં સુધી હું તેને આંખો ફાડીને તાંકતો રહ્યો. જ્યારે મને ભાન થયું ત્યારે મેં તેને જોઈને સ્માઈલ આપી.

“અશક્ય..!” એ બોલી, “એક કલાક મારી રાહ જોઇને પણ તું સ્માઈલ આપે છે ?”

“ગુસ્સે થવાનો વિચાર તો હતો પણ તને જોઈને વિચાર બદલી ગયો” મેં ફ્લર્ટ કર્યું.

“ઓહહ.. મેં વિચાર્યું કાલે તે મને રાહ જોવરાવી હતી તો આજે હું અજમાવી લઉં” તેણે કહ્યું.

“પપ્પા મને કહેતાં હતાં, અમુક બાબતોમાં આદત પાડી લેજે” મેં હસીને કહ્યું, “કોશિશ જારી છે”

“અંકલ સાચું જ કહેતાં હતાં” તેણે કહ્યું અને કૂદીને મારી બાઇક પાછળ સવાર થઈ ગઈ.

મેં બાઇક ચલાવી. એ મારાથી એક વેંત જેટલી દૂર બેઠી હતી. મેં બાઇકની.સ્પીડ વધારી અને અચાનક.આગળની બ્રેક મારી. એ સરકીને નજીક આવી ગઈ.

“સીધી રીતે નહોતો કહી શકતો ?” તેણે મારાં ખભે ટાપલી મારી.

“તારે સમજી જવાય” મેં કહ્યું. તેણે મારાં ખભા પર હાથ રાખી દીધો. શેકહેન્ડ બાદ આ અમારો પહેલો સ્પર્શ હતો. મારું રોમરોમ રોમાંચિત થઈ ગયું. કોઈ મોરપીંછ વડે મારાં શરીર પર ગુદગુદી કરી રહ્યું હોય એવું મને મહેસુસ થયું. પળભર માટે મારી આંખો પણ બંધ થઈ ગઈ હતી. બીજી જ ક્ષણે મેં બાઇક ચલાવવા પર ધ્યાન આપ્યું. ત્યારબાદ મેં ધીમી સ્પીડે બાઇક ચલાવી. અમે બંને વાતો કરતાં હતાં.

“પહેલાં ક્યાં જવું છે ?” મેં પૂછ્યું.

“મુવી જોવા જવું છે ?” તેણે મને સામે સવાલ પૂછ્યો, “મુવીમાં ત્રણ કલાક વેડફાશે એવું નથી લાગતું. એનાં કરતાં કોઈ સારી જગ્યાએ નિરાંતે બેસીને વાતો કરીએ તો કેમ રહેશે ?”

“બરોબર વિચાર્યું તે…હું તને મારી ફેવરિટ જગ્યા પર લઈ જાઉં” મેં કહ્યું.

“ચાલ તો…રાહ કોની જુવે છે ?” તેણે કહ્યું. મેં ઇસ્કોનથી એસ.જી. હાઇવે પર બાઇક ચડાવી. અમે ગાંધીનગર તરફનાં રસ્તે જઈ રહ્યાં હતાં. આગળ જતાં મહેસાણા ચોકડીએથી મેં બાઇક જમણી તરફ વાળી લીધી. એ રસ્તો એસ.પી. રિંગ રોડ થઈને નરોડા તરફ જતો હતો. ગાંધીનગર નજીક હોવાથી અહીં રસ્તાની બંને બાજુ પર ઘટાદાર વૃક્ષો હતાં. મોટાં ડિવાઈડર પર પણ વૃક્ષોની હારમાળા હતી.

“આ તરફ આવેલી કોઈ દિવસ ?” મેં.પૂછ્યું.

“હા, એરપોર્ટ જઈએ ત્યારે અહીંથી જ નીકળીએ” તેણે કહ્યું.

આગળ જતાં સાબરમતી નદી પહેલાં આવતાં વળાંકમાં મેં.બાઇક વાળી લીધી. ત્યાંથી બે પટ્ટીનો રોડ શરૂ થઈ ગયો.

“આ તરફ…?” મેં પૂછ્યું.

“ના..” તેણે કહ્યું.

આગળ જતાં મેં ફરી એક વળાંક લીધો. હવે સિંગલ પટ્ટીનો રોડ શરૂ થઈ ગયો હતો. આ રસ્તો ખેતરમાં થઈને સાબરમતીનાં કાંઠે પૂરો થઈ જતો હતો એટલે વાહનોની અવરજવર નહિવત હતી. હું ફરીવાર તેને પુછવા ગયો એ પહેલાં, ‘નથી આવી આ બાજુ’ એમ કહીને તેણે મારી કમર ફરતે હાથ વીંટાળી દીધાં અને મારાં શરીર પર માથું ઢાળી દીધું. મારાં માટે આ અનપેક્ષિત, અણધાર્યું, આકસ્મિક હતું. મને રીતસરનો ઝટકો લાગ્યો હતો. હું ટટ્ટાર થઈ ગયો.

“શું થયું ?” તેણે એ જ અવસ્થામાં પૂછ્યું, “ના રાખું માથું ?”

મેં કોઈ જવાબ ન આપ્યો. માત્ર તેનાં હાથ પર હાથ રાખીને તેનો હાથ પંપાળ્યો. પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી, તેનાં કપડામાં રહેલો પરફ્યુમ મારાં કપડામાં ભળી રહ્યો હતો. તેની આંખો પર રહેલા ચશ્માંની ફ્રેમને મારાં શર્ટ સાથે સ્પર્શતાં હું મહેસુસ કરી રહ્યો હતો. તેનાં મગજમાંથી ઉદ્દભવતાં વિચારો મારાં મગજમાંથી પસાર થઈને આગળ વધી જતાં હતાં. અમે બંને મૌન રહીને વાતો કરી રહ્યાં હતાં.

‘કિસ થશે..?’ મને વિચાર આવ્યો. મારો આ વિચાર સાવ નાંખી દેવાનો હતો. એ કોઈ મારી ગર્લફ્રેન્ડ નહોતી, મારે તેની સાથે એવી કોઈ હરકત નહોતી કરવાની જેને લઈને તેનાં મગજમાં મારી ખરાબ છાપ ઉભી થાય. પણ લાગણીઓને ક્યાં કોઈ બંધન નડે છે. તેનો ચહેરો હાથમાં લઈ, તેનાં નાજુક ફૂલ જેવાં હોઠને ચૂમી લેવા મારું દિલ બેચેન થતું હતું.

મેં વિચારો પર કાબુ મેળવ્યો અને બાઇક ચલાવવા પર ધ્યાન આપ્યું. થોડીવારમાં અમે સાબરમતીનાં કાંઠે પહોંચી ગયાં. અહીં સાબરમતી નદી વળાંક લઈને આગળ વધતી હતી, જેનાં કારણે કોતર રચાઈ હતી.

“આપણે પહોંચી ગયા, ચશ્મિશ..” મેં ધીમેથી કહ્યું. તેણે ચહેરો ઊંચો કરીને આજુબાજુ નજર ફેરવી. અહીં પહોંચતા સુધીમાં તેની આંખો બંધ રહી હશે એવું મેં અનુમાન લગાવ્યું. એ બાઇક પરથી નીચે ઉતરી. મેં બાઇક સ્ટેન્ડ કરી.

“ઓહ માય ગોડ…!” વૈભવી અભિભૂત થઈ ગઈ હતી, “મુવી કરતાં અહીં સો ગણી વધુ મજા આવે…!”

અમે બંને ચાલીને નદી કાંઠે ગયાં. નદીનાં સામા કાંઠે રહેલી કોતર અમે જોઈ શકતાં હતાં. થોડી સાફ જગ્યા જોઈને અમે ત્યાં બેસી ગયાં.

“જ્યારે હું આ કાનને થકવી નાંખનારા ઘોંઘાટથી હું કંટાળું છું ત્યારે દોસ્તો સાથે અહીં બેસવા આવી જાઉં છું” મેં કહ્યું, “અહીં કોઈ જ વાહનનો અવાજ નહિ, કોઈ જ માણસ કે મશીનનો અવાજ નથી. અવાજ છે તો માત્ર કુદરતે સર્જેલા તત્વોનો અને આપણાં મનનો”

“મને આ જગ્યા વિશે અગાઉ જાણવા ન મળ્યું એ માટે મને દુઃખ થાય છે” વૈભવીએ કહ્યું, “હું પણ ક્યારેક કંટાળી જાઉં છું આ અવાજોથી”

“આ જગ્યા વિશે જૂજ લોકોને જ ખબર છે” મેં કહ્યું, “આમ તો આ જગ્યામાં એવું કશું ખાસ જોવા જેવું નથી પણ નજરીયો બદલો તો આનાથી કોઈ સારી જગ્યા પણ નથી”

“એક વાત કહું અની…” વૈભવીએ મારી તરફ જોઈને કહ્યું.

*

અમે ઘર તરફ જઈ રહ્યા હતાં. મારી બાઇક ફૂલ સ્પીડે દોડતી હતી. વૈભવી મારી પાછળ બેસીને રડતી હતી. મેં પણ એને રડવા જ દીધી હતી. અડધી કલાક પહેલાં બધું જ બરાબર હતું. અમે બંને નદી કિનારે આવીને બેઠા હતા, અમે બંને ખુશ હતાં. મેં વૈભવીને આ જગ્યાનું મહત્વ સમજાવ્યું હતું. વૈભવી પણ અહીં આવીને ખુશ જણાતી હતી.

“એક વાત કહું અની…” વૈભવીએ મારી તરફ જોઈને કહ્યું હતું.

“બોલને..” મેં પણ કહ્યું.

“હું બીમાર છું” તેની સપાટ ભાવે કહ્યું. હું તેની સામે જોઈ રહ્યો, મને એ બીમાર નહોતી જણાતી.

“ઓવર થીંકીંગને કારણે હું પોતાનાં પર કંટ્રોલ નથી રાખી શકતી” એ બોલતી રહી, “કોઈ વાતને લઈને હું એટલી હાયપર થઈ જાઉં છું કે મારે રાત્રે ઊંઘની દવા લઈને સુવું પડે છે. ઓવર થીંકીંગ સારું નથી એ હું જાણું છું, મેં ઘણી ટ્રાય કરી પણ એક વિચાર આવે પછી લાઈનમાં એક પછી એક વિચાર આવ્યા જ કરે છે”

“તું પરીક્ષા લે છે ને મારી..!, મેં હસીને કહ્યું, “કાલે મેં તારી પરીક્ષા લીધી એટલે આજે તું નક્કી કરીને આવી છે”

વૈભવી હળવું હસી. તેનાં હાસ્યમાં મને ખુશીનાં કોઈ ભાવ ન દેખાયા.

“બોલને…” મેં ફરી કહ્યું.

“ના અની…હું કોઈ ટેસ્ટ નથી લેતી, હું તને અંધારામાં નથી રાખવા માંગતી એટલે અત્યારે જણાવું છું” તેણે કહ્યું.

હું તેની તરફ ફર્યો. તેનાં ગાલ બંને હાથમાં લીધાં. તેનાં કોમળ મખમલી ગાલનો સ્પર્શ હું મહેસુસ કરી શકતો હતો. મને કિસ કરવાની કોઈ ઈચ્છા નહોતી. મેં તેની આંખોમાં આંખ પરોવી અને કહ્યું,

“એ કોઈ બીમારી નથી ઓકે..!, આગળ જતાં આપણે બંને તારાં વિચારો વહેંચી લઈશું”

હું શું બકતો હતો એ મને નથી ખબર. વિચારો વહેંચવાની વિધિ પણ મને નહોતી ખબર. હું તો એને અત્યારે શાંત રાખવાની કોશિશ કરતો હતો. કોઈ પણ ભોગે.

તેણે સ્માઈલ કરી, મેં પણ. વાતાવરણ થોડું તંગ થઈ ગયું હતું. મેં નોટિસ કર્યું, વૈભવી હોઠો પર હસતી હતી.

ઓહહ…!, પરીક્ષા…

મારો ચહેરો જોઈને એ મોટેથી હસવા લાગી. હું પણ હસી પડ્યો.

“બાય ધ વે, આ વિચારો વહેંચવાની વાત સમજાય એવી નહોતી પણ સાંભળવામાં મજા આવી” તેણે હસતાં હસતાં કહ્યું.

“હા તું મજાક ઉડાવી લે…” મેં કહ્યું, “તારાં ટેસ્ટમાં મારી સિચુએશન ટાઈટ થઈ ગઈ”

એ ફરી મોટેથી હસવા લાગી. સહસા તેનો ફોન રણક્યો. તેણે પોકેટમાંથી મોબાઈલ બહાર કાઢ્યો.

“પપ્પા છે…કંઈ બોલતો નહિ..” તેણે નાક પર આંગળી રાખીને મને ચૂપ રહેવા ઈશારો કર્યો.

“બોલો પપ્પા…” તેણે કહ્યું.

અંકલ અને વૈભવી વચ્ચે શું વાતચિત થઈ એ મને નથી ખબર પણ જ્યારે વૈભવી ફોન કાપ્યો ત્યારે એ રડવા લાગી હતી.

“શું થયું ?” મેં ગભરાઈને પૂછ્યું.

“રોશની…રોશની…” એ માત્ર એટલું જ બોલી શકી.

“શું થયું રોશનીને ?” મેં પૂછ્યું.

“તેણે.. સ્યુસાઇડ કરવાની કોશિશ કરી…” કહેતાં એ મોટેથી રડવા લાગી.

“અત્યારે ક્યાં છે લોકો ?” મેં ઉતાવળથી પૂછ્યું.

“ઘરે…આપણને ઘરે બોલાવ્યાં છે” વૈભવી હજી રડતી જ હતી.

“પહેલા તું રડવાનું બંધ કર..” મેં કહ્યું, “ચાલ આપણે જઈએ”

મેં બાઇક સ્ટેન્ડ પરથી ઉતરીને શરૂ કરી. વૈભવી પાછળ બેસી ગઈ એટલે મેં ફૂલ સ્પીડે બાઇક ચલાવી. અમે ઘર તરફ જઈ રહ્યા હતાં. મારી બાઇક ફૂલ સ્પીડે દોડતી હતી. વૈભવી મારી પાછળ બેસીને રડતી હતી. મેં પણ એને રડવા જ દીધી હતી. તેની આંખોમાંથી નીકળતાં આંસુઓ મારાં શર્ટને ભીંજવતાં હતાં. મેં બાઇકની સ્પીડ વધારી. એક કલાકનો રસ્તો અમે અડધી કલાકમાં કાપ્યો અને વૈભવીનાં ઘરે પહોંચી ગયાં.

અમે જ્યારે ઘરમાં પ્રવેશ્યાં ત્યારે વાતાવરણ તંગ હતું. અંકલ સોફા પર માથું ઝુકાવીને બેઠાં હતાં. તેનો હાથ નમણે હતો. આંટી બાજુમાં સોફા ખુરશી પર બેઠાં હતાં. અમને આવતાં જોઈ એ ઊભાં થઈ ગયાં.

“રોશની ક્યાં છે ?” વૈભવીએ પૂછ્યું.

આંટીએ રૂમ તરફ ઈશારો કર્યો. વૈભવી બેઠકહોલ ચીરીને રૂમમાં દોડી ગઈ. મારે શું કરવું એ મને સમજાતું નહોતું. અંકલ હજી એ જ અવસ્થામાં બેઠા હતાં. આંટીએ પરાણે સ્માઈલ કરીને બેસવા આગ્રહ કર્યો. હું અંકલ પાસે જઈને બેસી ગયો. હું સોફા પર બેઠો એટલે અંકલે માથું ઊંચું કર્યું. તેઓની આંખો ભીંની હતી. મેં પહેલા આવી પરિસ્થિતિનો સામનો નહોતો કર્યો, હજી હું અંકલનાં ફેમેલીનો સભ્ય બનીશ કે નહીં એ પણ મને ખબર નહોતી. મેં મૌન રહેવાનું પસંદ કર્યું.

“રોશની જવાબ જ નથી આપતી” અંકલે મૌન તોડ્યું, “શું થયું છે એ જ મને નથી ખબર”

“અંકલ બધું ઠીક થઈ જશે” મેં તેઓને દિલાસો આપ્યો.

“હમ્મ..” અંકલે ટૂંકમાં જવાબ આપ્યો. દસ મિનિટ એમ જ પસાર થઈ ગઈ. અંદર રોશની અને વૈભવી હતાં, અમે બહાર મૌન રહીને એકબીજા સામે જોઇને બેઠા હતા. અચાનક અંકલને કંઈક યાદ આવ્યું એટલે તેણે આંટીને ઉદ્દેશીને કહ્યું,

“અનિરુદ્ધ માટે પાણી તો લઈ આવો”

આંટી ઉભા થાય એ પહેલાં હું ઉભો થઇ ગયો,

“તમે બેસો આંટી, હું લઈ આવું”

મેં અંકલ-આંટીને સારું લગાવવા નહોતું કહ્યું. પોતાની દીકરીએ સ્યુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને તેનું કારણ તેઓને નહોતી ખબર ત્યારે માતા-પિતા પર શું વિતતી હશે એ હું સમજી શકતો હતો. હું રસોડા તરફ ગયો. ત્રણ પાણીનાં ગ્લાસ ભર્યા અને એક પ્લેટમાં રાખીને બહાર આવ્યો. અંકલ-આંટીએ એક એક ઘૂંટ પાણી પીધું.

“હું આવું થોડીવારમાં” કહેતાં હું ફરી રસોડામાં ગયો અને પાણી પીધું. મારું ગળું પણ સુકાઈ ગયું હતું. મેં ફરી બે ગ્લાસ પાણી ભર્યું અને રસોડા બહાર આવ્યો. સામેનો દરવાજો બંધ હતો. મારે અંદર જવું કે ન જવું તેની દુવિધામાં હું થોડીવાર માટે અટક્યો. પછી નક્કી કરીને દરવાજે બે ટકોર કર્યા. લગભગ ત્રણેક મિનિટ પછી વૈભવીએ દરવાજો ખોલ્યો.

હું અંદર પ્રવેશ્યો ત્યારે રોશની બેડ પર બેસીને હાથમાં ચહેરો છુપાવીને રડતી હતી.

“શું કહ્યું રોશનીએ ?” મેં પૂછ્યું. વૈભવીએ નકારમાં માથું ધુણાવ્યું.

“જવાબ જ નથી આપતી” વૈભવીએ કહ્યું.

“તું પાણી પી’લે પહેલાં” મેં એક ગ્લાસ વૈભવીનાં હાથમાં રાખ્યો, “મને થોડો સમય આપ, હું વાત કરું છું”

વૈભવી મારી સામે જોયું. હું શું કહેવા માંગતો હતો એ તે સમજી નહોતી શકતી. મેં કોઈ દિવસ રોશની સાથે વાત નહોતી કરી અને આવા કિસ્સામાં હું રોશની પાસેથી વાત કઢાવી શકું એ વાત કોઈને માન્યામાં ન આવે. મેં આંખો પલકાવી તેને શાંત રહેવા કહ્યું. તેણે પાણીનાં બે ઘૂંટ ભર્યા અને બહાર નીકળી ગઈ. એ બહાર ગઈ એટલે મેં દરવાજો બંધ કરી દીધો.

રોશની હજી રડતી જ હતી. તેની સાથે કેવી રીતે વાત કરવી એ મને સમજાતું નહોતું. મેં ગજવામાંથી ફોન કાઢ્યો અને કાને રાખ્યો,

“હેલ્લો એમ્બ્યુલન્સ.., બપોલ વિસ્તારમાં આવેલા ‘રાધેશ્યામ એપાર્ટમેન્ટ’માં એક છોકરીએ સ્યુસાઇડ કર્યું છે. તમે જલ્દી આવો” મેં રોશનીને સંભળાય એવી રીતે કહ્યું. મારી વાત સાંભળીને રોશનીએ ઊંચું જોયું. મેં તેની સામે સ્માઈલ કરી.

“આ જ સાંભળવું હતુંને તારે” મેં કહ્યું, “જો કે આ વાત સાંભળવા તું જીવતી ના હોત”

રોશનીએ કંઈ જવાબ ન આપ્યો. હું તેની પાસે જઈને બેસી ગયો. એ મારી સામે અચરજભરી નજરે જોઈ રહી.

“હું તને અહીં સમજાવવા નથી આવ્યો” મેં કહ્યું, “નથી મારે તારી પાસે સ્યુસાઈડનું કારણ જાણવું. હું એક જ વાત કહીશ, પછી જો તારે સ્યુસાઈડ કરવું હોય તો હું જ તને મદદ કરીશ”

રોશનીએ ફરી જવાબ ન આપ્યો. તેનાં કાન મારી વાત સાંભળવા તૈયાર હતાં એવું તેની આંખો પરથી લાગી રહ્યું હતું.

“મેં પણ સ્યુસાઇડ અટેમ્પટ કરેલું” મેં કહ્યું, “ત્યારે કદાચ હું તારી ઉંમરનો જ હતો. મારી પાસે સ્યુસાઇડ કરવાનું કોઈ કારણ નહોતું. મારે કોલેજમાં પણ કોઈ કેટી નહોતી આવી અને કોઈ છોકરીએ બેવફાઈ પણ નહોતી કરી, હું કંટાળી ગયો હતો. મેં એકસાથે દસ ઊંઘની ગોળી ખાઈ લીધી અને સુઈ ગયો. મારી આંખો ખુલ્લી ત્યારે હું હોસ્પિટલમાં બેડ પર હતો. મને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ત્યારે મને નહોતી ખબર પણ પાછળથી મને ખબર પડી હતી કે હું બે દિવસે ભાનમાં આવ્યો હતો. આ બે દિવસમાં મારું પૂરું ફેમેલી, મારાં દોસ્તોમાંથી કોઈ એક મિનિટ માટે પણ સુતું નહોતું. હું ક્યારે ભાનમાં આવું એ જ આશાએ એ લોકો સતત બે દિવસ જાગ્યા હતાં. હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારી પાસે માત્ર મારાં પપ્પા જ બેઠા હતાં. તેઓએ જે મને વાત કહી હતી એ હું તને આજે કહી રહ્યો છું,

‘આપણે જન્મીએ અને મૃત્યુ પામીએ તેની વચ્ચે જે મુસાફરી હોય છે તેનો જ આનંદ આપણે ઉઠાવી શકીએ છીએ. જન્મ-મૃત્યુ આપણાં હાથમાં નથી હોતું. આપણાં હાથમાં માત્રને માત્ર થોડાં વર્ષો જ હોય છે. એ વર્ષોમાં શું કરવું એ આપણાં હાથમાં હોય છે. આપણે ધારીએ તો એક સ્યુસાઈડથી જીવનનો અંત લાવી શકીએ છીએ અને આપણે જ ધારીએ તો જીવનનાં ઉતાર-ચડાવને સમજીને જીવનને એ અનુસાર ઢાળી શકીએ છીએ’

હવે બધું તારાં હાથમાં છે, મને તારાં પર ભરોસો છે. તું જે કરીશ એ સમજી વિચારીને જ કરીશ. હું હમણાં અહીંથી જતો રહું છું. ત્યારબાદ જો તારે સ્યુસાઇડ કરવું હોય તો કરી લેજે. પણ જો તારે આ જિંદગીનાં ઉતાર-ચડાવનો આનંદ માણવો હોય તો દરવાજો ખોલીને બહાર આવી જજે. કોઈ તને કંઈ પણ નહીં પૂછે”

મેં મારી વાત પૂરી કરી. પાણીનો ગ્લાસ રોશનીનાં હાથમાં આપીને હું ઉભો થયો. તેની આંખોમાં એકવાર જોઈને મેં સ્મિત કર્યું અને હું બહાર નીકળી ગયો.

(ક્રમશઃ)