My Better Half - 6 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | My Better Half - 6

Featured Books
Categories
Share

My Better Half - 6

My Better Half

Part - 6

Story By Mer Mehul

‘કેવો રહ્યો દિવસ ?’ તેનો મૅસેજ હતો. તેની સાથે તેણે થોડી સેલ્ફી પાડી હતી એ મોકલી. મેં પહેલાં ફોટા ડાઉનલોડ કર્યા અને ધરાઈને જોયાં. ત્યારબાદ તેનાં મેસેજનો જવાબ આપ્યો,

‘બપોર પછી કંટાળો આવ્યો, તારી સાથે વધુ વાતચીત ના થઇ એ વાત સાલતી હતી’ મેં લખ્યું.

‘કંઈ વાંધો નહિ, લગ્ન પછી આપણી પાસે વાતો કરવા ઘણો બધો સમય હશે’ તેનો સ્માઈલવાળા ઇમોજી સાથે મૅસેજ આવ્યો. એ લગ્ન માટે તૈયારી બતાવતી હતી એ જોઈને મારાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

‘તારો દિવસ કેવો રહ્યો ?’ મેં મૅસેજ કર્યો.

‘સવારે કોલેજ ગઈ હતી, ત્યાંથી મોલમાં શોપિંગ માટે…પછી તને મળી અને….’ તેણે વાત અધૂરી છોડી દીધી.

‘એ બધી ઘટનાં તો મને ખબર છે, બપોર પછી ?’ મેં મૅસેજ કર્યો.

‘કંઈ ખાસ નહિ, સવારે જે પ્રેક્ટિકલ કર્યું હતું તેની થિયરી લખતી હતી’ તેની મૅસેજ આવ્યો.

‘મમ્મી તારા વિશે પૂછતાં હતા’ તેની બીજો મૅસેજ આવ્યો.

‘શું ?’ મેં લખ્યું.

‘મમ્મી તને પસંદ કરે છે, મારી મરજી પૂછતાં હતાં’

‘અચ્છા.., તે શું કહ્યું ?’ મેં પૂછ્યું.

‘એ જ..જે આપણે નક્કી કર્યું છે.. મેં કહ્યું એક મહિના પછી ખબર પડી જશે’ તેણે જવાબ આપ્યો.

‘અંકલ ?, તેઓએ શું પૂછ્યું ?’ મેં તેનાં પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

‘પપ્પા તો મારી ખુશીમાં જ ખુશ થાય છે. તમે લોકો ગયા પછી પપ્પાએ મને કહ્યું હતું કે હું એક મહિનો ગમે તેટલીવાર મળી શકું છું, પપ્પાની કોઈ રોકટોક નથી’ તેનો રીપ્લાય આવ્યો.

‘મને પણ ઘરેથી એમ જ કહેવામાં આવ્યું છે’ મેં લખ્યું, ‘એક મહિનામાં તને સારી રીતે ઓળખી લેવાની છે’

‘અચ્છાછા…’ તેનો લાંબો મૅસેજ આવ્યો, ‘કેવી રીતે મને ઓળખીશ બોલ’

‘તારી જાણ બહાર તારી પરીક્ષા લઈને, ઘણીવાર હું તને ગુસ્સો આવે વાતો કહીશ, એવી હરકત કરીશ. ત્યારે તું કેવું રીએક્ટ કરે છે એ હું જોઇશ. ક્યારેક હું પ્રોબ્લેમમાં ફસાઈ જઈશ ત્યારે તારી પાસેથી સલાહ લઈશ. ક્યારેક પુરી રાત જગાડીશ તો ક્યારેક પૂરો દિવસ વાતો જ.નહિ કરું’ મેં એક લાઈનનાં સ્માઇલી સાથે મૅસેજ સેન્ડ કર્યો.

થોડીવાર માટે તેનો રીપ્લાય ન આવ્યો. અહીં હું ટેંશનમાં આવી ગયો. પાંચ સેકેન્ડ બાદ એ કંઈક ટાઈપ કરતી જણાય.

‘હું પણ આવું કરી શકું ને ?’ તેણે પૂછ્યું.

‘હાસ્તો…મારે એકલાને થોડી તને ઓળખાવની છે. તારે પણ એ જ કરવાનું છે’ મેં લખ્યું.

‘સારું હવે રસોઈનો સમય થઇ ગયો છે, જમીને વાત કરીએ’ તેનો મૅસેજ આવ્યો. અમે બંનેએ એકબીજાને ‘બાય’ કહ્યું.

મેં ઘડિયાળમાં સમય જોયો. સાત વાગી ગયા હતા. મોટાભાઈ અને ધરમશીભાઈનો આવવાનો સમય થઇ ગયો હતો. તેઓની સામે કોઈ ફજેતી ના થાય એ માટે મેં ફોન બાજુમાં રાખ્યો અને રસોડામાં જઈને વંશને તેડી આવ્યો. મેં શરૂઆતમાં કહ્યું એમ મને નાના બાળકોને વ્હાલ કરવું ગમે પણ પાંચ મિનિટ માટે જ. વંશને તેડીને મેં તેને ઊંધો કર્યો.

“અંકલ..લેવા દો ને” વંશ કાલીઘેલી ભાષામાં બોલ્યો. બહાર આવી મેં તેને સોફામાં સુવરાવી દીધો.

“માલે બા પાસે જવું છે” ખિજાઈને તેણે કહ્યું.

“મારાં ખિસ્સામાં શું છે એ તો જો પેલાં” મેં કહ્યું. એ સોફા પરથી નીચે કુદ્યો અને મારું પેન્ટ પકડીને ખેંચવા લાગ્યો. મેં ખિસ્સામાંથી ચોકલેટ કાઢી.

“આપોને અંકલ” તેણે કહ્યું.

“પહેલાં ડાન્સ…” હંમેશાની જેમ કહ્યું. એ બે હાથ ઊંચા કરીને કૂદવા લાગ્યો. મેં તેને તેડી લીધો અને ગાલ પર એક પપ્પી ભરીને ચોકલેટ તેનાં હાથમાં આપી.

“બા પાસે જવું છે” તેણે ફરી કહ્યું. મેં તેને નીચે ઉતારી દીધો.

“અંકલ ચોકલેત લાવા, અંકલ ચોકલેત લાવા” કહેતાં, કૂદતો કૂદતો એ રસોડામાં દોડી ગયો. મેં સોફા પર બેઠક લઈને ટીવી શરૂ કરી.

*

‘આ રવિવારે શું પ્લાન છે ?’ વૈભવીએ સામેથી પૂછ્યું. જમીને હું મારાં રૂમમાં બેડ પર સૂતો હતો.

‘ખાસ નહિ, મળવું છે ?’ મેં પૂછ્યું.

‘હા તો એટલે જ પૂછતી હોઉં ને.!’

મેસેજમાં વાત કરીને મને કંટાળો નહોતો આવતો પણ મને ટાઈપિંગ કરવામાં આળસ ચડતી હતી. મોબાઈલમાં કૉલનો ઓપ્શન આપવામાં આવ્યો છે તો એનો ઉપયોગ કરવામાં શું વાંધો છે ?

‘કોલમાં વાત થશે ?’ મેં પૂછ્યું.

‘એક મિનિટ…હું કરું છું’ તેનો મૅસેજ આવ્યો. મેં અંગૂઠો બતાવ્યો. અડધી મિનિટ પછી તેનો કૉલ આવ્યો. મેં અત્યારે ચશ્મિશનાં નામથી તેનો નંબર સેવ કર્યો હતો.

“હાય..ચશ્મિશ” મેં કૉલ રિસીવ કરીને ઉત્સાહિત થઈને કહ્યું.

“હેલ્લો હેન્ડસમ” તેણે એ જ અદાથી કહ્યું. અમે ચેટમાં ઘણીબધી વાત કરી હતી પણ કોલમાં વાત શરૂ થઈ ત્યારે પહેલીવાર વાત કરી રહ્યા હોય એવું લાગતું હતું. જો કે ચેટ કરતાં કોલમાં વાત કરવામાં મારી સારી એવી આવડત હતી એટલે અહીં બાજી મારાં હાથમાં હતી.

“તારો અવાજ…બોઉં મીઠો છે” મેં કહ્યું.

“મને ખબર છે” તેણે કહ્યું.

“અરે પહેલાં પુરી વાત તો સાંભળ…જો તને એવું લાગતું હોય કે તારો અવાજ બોઉં મીઠો છે તો તારી ભૂલ થાય છે…ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જેમ પ્લાન્ટમાં અવાજ આવતો હોય એવો છે” કહેતાં હું હસવા લાગ્યો.

“તું મજાકિયા સ્વભાવનો જ છે કે મારી સામે બનાવની કોશિશ કરે છે ?” તેણે પૂછ્યું.

“બંને…” મેં કહ્યું, “તું જે રીતે સમજ”

“સારું છે…મને એક જ અંદાજવાળા લોકો નથી પસંદ” તેણે કહ્યું, “પરિસ્થિતિ અનુસાર મૂડ બદલાવવો જોઈએ. એક મૂડમાં રહીને કંટાળો આવે”

“બાય ધ વૅ…આપણે રવિવારે મળવાનો પ્લાન બનાવતાં હતાં” મેં કહ્યું.

“બોલને ક્યાં મળવું છે” તેણે કહ્યું.

“મુવી જોવા જવું છે ?” મેં પૂછ્યું.

“પછી શોપિંગ માટે પણ જઈશું” તેણે કહ્યું, “જો તને શોપિંગ કરવી પસંદ હોય તો..!”

“શોપિંગ પછી તું મને પિત્ઝા ખવરાવીશ તો હું આવીશ” મેં કહ્યું.

“પિત્ઝા તો ખવરાવીશ પણ તારે મને બાઇક પર એક લોન્ગ ડ્રાઇવ માટે લઈ જવાની” તેણે કહ્યું.

“હા અને વળતા તારું ઘર આવે એટલે હું તને ફેંકતો આવીશ” મેં કહ્યું. અમે બંને હસી પડ્યા.

“તો રવિવારનો પ્લાન ડન” તેણે કહ્યું.

“હોવ…ડન…ડના..ડન” મેં કહ્યું.

“ઘરે બધા શું કરે ?” તેણે પૂછ્યું.

“ભાઈ-ભાઈ અગાસી પર બેસીને વાતો કરતાં હશે. મમ્મી-પપ્પા અને વંશ ટીવી જોતાં હશે. દેવુ એનાં રૂમમાં હશે, દાદા-દાદી એનાં રૂમમાં અને હું મારાં રૂમમાં બેડ પર આડો પડ્યો છું” મેં પુરા ઘરનાં સભ્યોનું લોકેશન આપી દીધું.

“અમે પણ ટીવી શરૂને બેઠાં હતાં, તારો કૉલ આવ્યો એટલે હું રૂમમાં ચાલી આવી” તેણે કહ્યું.

“તે દિવસે હું તને કહેતાં ભૂલી ગયો હતો. તારાં રૂમને તું વેલ સેટ રાખે છે. તને વસ્તુ આડી-અવળી પડી રહે એ પસંદ નહિ હોય” મેં કહ્યું.

“વસ્તુ તો નહીં પુસ્તકો વિખરાયેલાં હોય છે, બાકી બધી વસ્તુઓ એની જગ્યાએ જ હોય છે” તેણે કહ્યું.

આજે પણ અમારી વચ્ચે મોડી રાત સુધી વાતો થઈ. એ પોતાનાં પરિવાર, પોતાનાં સગા-સંબંધીઓ વિશે જણાવી રહી હતી. તેની સાથે હું પણ જવાબમાં મારાં પરિવારનાં સભ્યોનાં સ્વભાવ અને સગા-સંબંધીઓ વિશે જાણકારી આપતો હતો. જો કે દાદુનાં સન્ની પ્રત્યેનાં આકર્ષણ વિશે મેં એને કંઈ જ નહોતું જણાવ્યું.

પરિવારથી દોસ્તો, દોસ્તોથી શાળાનું ભણતર, ભણતર પરથી પ્રવાસ, પ્રવાસથી સ્થળો….અમારી વાતો ક્યાંય દૂર દૂર સુધી પહોંચી ગઈ હતી. મોડી રાત્રે બે વાગ્યે તેણે ‘મારે વહેલાં પ્રેક્ટિકલ છે’ એવું કહ્યું ત્યારે અમે એકબીજાને ‘ગુડ નાઈટ’ કહ્યું.

અત્યારની વાતચીત પરથી એક મહિના પછીનું ભવિષ્ય મને દેખાય રહ્યું હતું પણ દાદા-દાદીએ કહ્યું એવી રીતે ઝઘડા વિના લગ્ન જીવન શક્ય નથી અને એકબીજાને દુઃખ લાગે એવી એકપણ વાત હજી અમારાં બંને વચ્ચે થઈ નહોતી.

હું બધી પરિસ્થિતિઓમાં તેની પરીક્ષા લેવાં ઇચ્છતો હતો, તેથી એ મારી સાથે ઝઘડો કરે એવી પરિસ્થિતિ ઉભી કરવાનું મેં નક્કી કર્યું.

*

બીજા દિવસે શનિવાર હતો. અઠવાડિયાનો છેલ્લો વર્કિંગ ડે. આજે સાંજે કદાચ અમારી મુલાકાત થવાની હતી. મેં ફોર્મલ લાઇનિંગ વાળા બ્લ્યુ શર્ટનું ઇનશર્ટ કર્યું હતું. આજે હું એ કરવાનો હતો જેની ધારણા વૈભવીએ સ્વપ્નેય નહિ કરી હોય.

સવારે તેનો ‘ગુડ મોર્નિંગ’ નો મૅસેજ આવ્યો પણ મેં ઇગ્નોર કર્યો. રાબેતા મુજબ ડિલક્સ પાનની વિઝિટ લઈને હું ઓફિસે ગયો. આજે અંજલી નહોતી આવી. હું અને પ્રણવ બે જ હતાં. સાડા દસ વાગ્યે વૈભવીએ તેનાં બ્રેક ટાઈમમાં મને મૅસેજ કર્યો હતો. મેં એ પણ ઇગ્નોર કર્યો. દિવસ રોજનાં શેડ્યુલ મુજબ પસાર થઈ રહ્યો હતો. બપોરે ફરી વૈભવીનો મૅસેજ આવ્યો. મેં એ પણ…

સાંજે છ વાગ્યે છૂટીને હું ઘરે ગયો. ફ્રેશ થઈ, કપડાં બદલીને હું વૈભવીને મળવા નીકળી ગયો. તેણે મને કૉલ કરીને ઇસ્કોન મંદિર નજીક આવેલા CCDમાં બોલાવ્યો હતો. કોલમાં એ મને નારાજ જણાય. મેં તેનાં મેસેજના જવાબ નહોતાં આપ્યા એટલે તેનું વર્તન સહેજ બદલાયું હતું.

સાડા સાત વાગ્યે હું CCD પાસે પહોંચી ગયો. એ બ્લૅક એક્ટિવા પર બેસીને મારી રાહ જોતી હતી.

“સૉરી થોડું લેટ થઈ ગયું” તેની પાસે પહોંચીને મેં કહ્યું.

“આપણે સાત વાગ્યે મળવાના હતા હેન્ડસમ” તેણે કહ્યું.

“ટ્રાફિકમાં ફસાય ગયો હતો” મેં કહ્યું, “તને તો ખબર જ છે, સાંજે અહીં કેટલું ટ્રાફિક થાય છે”

“નેક્સ્ટ ટાઈમ વહેલાં ઘરેથી નિકળજે” તેણે કહ્યું, “ચાલ અંદર જઈએ”

મેં નતમસ્તક થઈને માથું ધુણાવ્યું. અમે બંને CCDમાં પ્રવેશ્યાં. એક ટેબલ ખાલી જોઈ અમે ત્યાં બેસી ગયાં. વૈભવી મારી સામે ગુસ્સામાં જોઈ રહી હતી. હું જાણીજોઈને મોબાઈલ મચેડવામાં બિઝી હતો.

“ઓર્ડર કરીએ ?” તેણે પૂછ્યું.

“હા…જે ઈચ્છા હોય એ મંગાવી લે” મેં મોબાઈલ જ ધ્યાન આપીને કહ્યું.

તેણે બે કૉફી મંગાવી. હું મોબાઈલમાં જોઈને હસવા લાગ્યો.

“શું થયું…કેમ હસે છે ?” તેની પૂછ્યું.

“મારી કોલજની ફ્રેન્ડને મેં તારો ફોટો મોકલ્યો હતો” મેં હસતા હસતા કહ્યું, “તેનો રીપ્લાય આવ્યો છે”

“શું કહે છે તારી કોલેજ ફ્રેન્ડ” તેણે ‘કોલેજ ફ્રેન્ડ’ ભાર મુક્યો.

“જવા દે ને, એ તો મજાક કરતી હશે” મેં કહ્યું.

“ના બોલ, શું કહે છે એ”

“એ કહે છે કે તું આ વાંદરીનાં ચક્કરમાં ક્યાં પડ્યો. રોજ એક કલાક મેકઅપ કરવામાં બગાડતી હશે” કહેતાં હું હસી પડ્યો. વૈભવીએ નાક ફુલાવ્યું.

“તારી ફ્રેન્ડને કહી દેજે કે પહેલાં પોતાનું ડાચુ કાચમાં જુએ અને મારી બ્યુટી નેચરલ છે. હું કોઈ મેકઅપ નથી કરતી” વૈભવીએ મોઢું ફુલાવીને કહ્યું. ગુસ્સામાં એ વધુ સુંદર લાગતી હતી. મેં તેની વાતને ઇગ્નોર કરી.

“એ કહે છે કે આના કરતાં તો પેલી અંજલી બરોબર હતી” મેં કહ્યું. હું તેને ગુસ્સો અપાવવા માંગતો હતો અને થોડા ઘણા અંશે હું સફળ પણ થઈ રહ્યો હતો.

“આ અંજલી કોણ છે ?” તેણે પૂછ્યું.

“મારી એક્સ…” મેં તેની સામે જોઇને કહ્યું, “અમે ત્રણ વર્ષ સુધી રિલેશનમાં હતાં”

હકીકતમાં અંજલી નામની મારી કોઈ એક્સ હતી જ નહીં. એ તો મારી સાથી એમ્પ્લોય અંજલીને હું ઓળખતો એટલે મને એ નામ યાદ આવી ગયું હતું.

“આપણે એવી વાતો કરવા માટે મળ્યા છીએ ?” વૈભવીએ આંખો કોરી કરી.

“એ મજાક કરે છે, તું રિયલમાં સુંદર છે” મેં કહ્યું. બે કોફી આવી.

“સો…કેવો રહ્યો દિવસ ?” મેં કોફીનો મગ હાથમાં લઈને પૂછ્યું.

“બોરિંગ..” તેણે કહ્યું, “તે આજે કેમ મૅસેજનાં રીપ્લાય ન આપ્યા”

“કાલે રવિવાર છે એટલે આજે વધુ કામ હતું” મેં બહાનું બનાવ્યું. મારે આગળ ‘સૉરી’ કહેવું જોઈએ પણ હું તેની પરીક્ષા લઈ રહ્યો હતો.

“અચ્છા..” તેણે કહ્યું, “આ અંજલી જોડે તે બ્રેકઅપ કર્યું એને કેટલો સમય થયો ?”

એ મારી વાતમાં બરાબર ફસાઈ ગઈ હતી. છોકરીઓ સામે બીજી છોકરીની વાત કરીએ એટલે તેઓને જેલેસ થાય જ. છોકરા આ બાબતમાં દિલદાર હોય છે, કદાચ…!

“તને જોવા આવ્યો હતો એનાં આગળનાં દિવસે અમે છેલ્લીવાર મળ્યા હતાં” મેં કહ્યું. મને હસવું આવતું હતું પણ મહામહેનતે હું કંટ્રોલ કરી રહ્યો હતો.

“ઓહહ…કંઈ વાતને લઈને ઝઘડો થયો હતો” તેણે પૂછ્યું.

“ઝઘડો નહોતો થયો..” મેં કહ્યું, “તેને હું મારી બીજી એક્સ સાથે કોન્ટેક્ટ રાખું એ પસંદ નહોતું. એ દિવસે એ મને મારી એક્સ સાથે જોઈ ગઈ હતી”

“કેટલી એક્સ છે તારે…” તેણે હસીને પૂછ્યું.

“હશે કોઈ સાત-આઠ” મેં પણ હસીને કહ્યું.

“બાજીગર છે તું…” તેણે કહ્યું, “હું તો એકથી જ કંટાળી ગઈ છું”

છું મતલબ…!,

મારો ચહેરો જેમ હસતાં બાળકને ઓચિંતા ડરાવવામાં અને એ હેતબાઈ જાય એવો થઈ ગયો હતો.

“તું તો કહેતી હતીને હું સિંગલ છું” મેં કહ્યું.

“તું સાંજે જોવા આવ્યો અને એ દિવસે સવારે હું સિંગલ થઈ” તેણે કહ્યું, “એ ટ્રુ લવ કરતો મને”

છોકરાઓ દિલદાર હશે, હું નથી. મેં તો મજાકમાં તેની સામે બનાવટી કહાની બનાવી હતી અને તેણે…!

“તમારે શું પ્રોબ્લેમ થઈ ?” મેં ચહેરા પર બની શકે એટલા સરળ ભાવ રાખવાની કોશિશ કરી, અંદરથી તો આગ લાગી જ ગઈ હતી.

“પ્રોબ્લેમ કંઈ નહીં, અમારું મળવું શક્ય નહોતું. હું ત્રેવીસ વર્ષની છું અને એ એકત્રીસ વર્ષનો” તેણે કહ્યું.

શું..! એકત્રીસ વર્ષનો અંકલ વૈભવીનો બોયફ્રેન્ડ હતો.

“લૂક અની…” તેણે ધીરગંભીર અવાજે, શાંતિથી કહ્યું, “તારો ઇતિહાસ મારે નથી જાણવો, તારો ભૂતકાળ કદાચ સુવર્ણ રહ્યો હશે પણ મારે વર્તમાન અને ભવિષ્યમાં તારી સાથે રહેવાનું છે. ભૂતકાળમાં તે શું કર્યું, કોની સાથે રિલેશનમાં હતો તેનાથી મને કોઈ ફર્ક નથી પડતો. અત્યારે તું આ વાંદરી સિવાય કોઈનાં વિશે ન વિચાર એવું હું ઈચ્છું છું”

સો માંથી એકસો દસ..!

વૈભવી પાસ થઈ ગઈ હતી. મારે તેની પાસેથી જે સાંભળવું હતું એ તેણે કહી દીધું હતું. હું વૈભવીને જોઈને હસવા લાગ્યો.

“શું થયું, કેમ હસે છે..?” તેણે પૂછ્યું.

“મારે અંજલી નામની કોઈ એક્સ નથી અને મેં કોઈ ફ્રેન્ડને તારો ફોટો નથી મોકલ્યો. હું તો મજાક કરતો હતો. કોઈ છોકરી વિશે સાંભળીને તું કેવું રિએક્શન આપે છે એ મારે જાણવું હતું”

“ઓહહ.. પરીક્ષા..!” એ બોલી, “તો તું મારી પરીક્ષા લઈ રહ્યો હતો”

હું મોટેથી હસવા લાગ્યો.

“તારા મજાકમાં મેં મનમાં તને કેટલી ગાળો આપી એ ખબર છે તને” તેણે કહ્યું, “જો આ થોડું લાબું ચાલ્યું હોત તું અહીંથી ભાગી જવાની હતી”

“સૉરી..” મેં કહ્યું, “તું સુંદર છે અને તારી સુંદરતાની સરખામણી મારે કોઈની સાથે નથી કરવી”

તેણે સ્મિત વેર્યું.

“મને ખબર હતી તું મજાક જ કરતો હશે” તેણે કહ્યું, “એટલે મેં પણ બનાવટી સ્ટૉરી તને કહી સંભળાવી”

“મતલબ તું પણ…”

“ના..ના.., હું તારી પરીક્ષા નહોતી લેતી પણ જેમ બીજી છોકરીની વાત સાંભળીને છોકરીને જેલેસ થાય એમ છોકરાને પણ થાય જ” તેણે કહ્યું.

“અંતે બધું બરાબર થઈ ગયું” મેં હાશકારો અનુભવ્યો.

“તો કાલે કેટલા વાગ્યે મળીએ છીએ ?” તેણે પૂછ્યું.

“તું કહે ત્યારે લઈ જઈશ તને” મેં કહ્યું.

“નવ વાગ્યે” તેણે કહ્યું, “ઘરે ના આવતો, હું તને વહેલાં કૉલ કરીશ”

“કેમ ઘરે શું વાંધો છે ?, આપણે બંને કોર્ટની પરવાનગી તો લીધેલી છે” મેં હસીને કહ્યું.

“તો પણ…પપ્પા સામે તારી સાથે આવવામાં મને સંકોચ થાય” તેણે કહ્યું, “પછી હું તને સામેથી ઘરે બોલાવીશ. ત્યારે બધાને મળી લેજે”

“જેમ તું કહે…” મેં કહ્યું.

(ક્રમશઃ)