Vicious - 10 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | શાતિર - 10

Featured Books
Categories
Share

શાતિર - 10

( પ્રકરણ : દસ )

‘કાંચી બેટા ! બસ હવે હું થોડીવારમાં જ તને હરમનના શિકંજામાંથી છોડાવી લઈશ.’ મનોમન બોલી જતાં કબીરે ચોપાટી તરફ આગળ વધી રહેલી ટેકસીની ઝડપ ઓર વધારી હતી.

અત્યારે કબીરના ચહેરા પર અધીરાઈ અને બેચેની હતી. તે ટેકસીનું હોર્ન વગાડતો, ઝડપભેર વાહનોને ઓવરટેક કરતો આગળ વધી રહ્યો હતો. કબીરને હવે ખબર પડી ચૂકી હતી કે, હરમન તેની દીકરી કાંચીને એની ટેકસીની ડીકીમાં પૂરીને ચોપાટી પર ઊભો હતો. હરમન ત્યાંથી વળી ટેકસી લઈને આગળ કયાંક નીકળી જાય એ પહેલાં જ તે હરમન પાસે પહોંચી જવા માંગતો હતો, અને કાંચીને હરમનના શિકંજામાંથી છોડાવી લેવા માંગતો હતો.

કબીરે ટેકસીને જમણી બાજુના રસ્તા પર વળાવી અને એટલી જ ઝડપે આગળ દોડાવી.

હવે અહીંથી ચોપાટી ખાસ દૂર નહોતી.

ત્યારે આ તરફ, જયસિંહના ઘરમાં ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલે તપાસ કરી રહ્યા હતા.

સાઈરસની રિવૉલ્વરની ગોળીથી ઈજા પામેલા અને બેહોશ થયેલા જયસિંહને સાઈરસે હૉસ્પિટલે રવાના કરી દીધો હતો.

જે રીતના કબીર ‘‘હરમન જીવતો હતો અને હરમને તેની દીકરી કાંચીનું અપહરણ કર્યું છે,’’ એવી વાત સાથે એની ઑફિસે એની મદદ માટે આવ્યો હતો, અને એની પાસેથી નીકળ્યા પછી કબીર સીધો અહીં જયસિંહ પાસે પહોંચ્યો હતો, એની પરથી સાઈરસને કબીરની હરમન વિશેની વાતમાં થોડી-ઘણી સચ્ચાઈ હોવાનું લાગી રહ્યું હતું.

કબીર અહીં જયસિંહ પાસે હરમન વિશે પૂછપરછ કરવા આવ્યો હોય અને જયસિંહે હરમન વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હોય એટલે એ બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હોય એવું સાઈરસ માની રહ્યો હતો.

સાઈરસે એક તરફ પડેલા ટેબલ પર જોયું. ટેબલ પર કબીરની ઍકસ વાઈફ સોનાલીના ઘરનું એડ્રેસ લખાયેલી ચિઠ્ઠી પડી હતી.

સાઈરસે એ ચિઠ્ઠી ઊઠાવી અને એની પર નજર દોડાવી. સાઈરસે કબાટ ખોલીને એમાંની વસ્તુઓ ચૅક કરી રહેલા સબ ઈન્સ્પેકટર ગોખલે સામે જોયું. ‘ગોખલે !’ સાઈરસે કહ્યું : ‘અહીં કબીરની ઍકસ વાઈફ સોનાલીના ઘરનું ઍડ્રેસ લખાયેલું છે. કબીર  અને સોનાલીની દીકરી કાંચી સોનાલીને ત્યાં જ રહે છે. સોનાલીના-કાંચીના ઍડ્રેસવાળી આ ચિઠ્ઠી અહીં પડી છે, એના પરથી મને એવું લાગી રહ્યું છે કે, કબીરની વાતમાં જરૂર કંઈક સચ્ચાઈ હોઈ શકે. કાંચીનું અપહરણ થયું હોઈ શકે ! જોકે, હરમનની લાશ મળી આવી હતી, એટલે હરમન જીવતો હોવાની કબીરની વાત કંઈ મગજમાં બેસતી નથી !’

અને સાઈરસની આ વાતના જવાબમાં ગોખલે કંઈ કહે-કોઈ દલીલ રજૂ કરે એ પહેલાં જ ગોખલેના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી.

ગોખલેએ મોબાઈલ ફોનનું બટન દબાવીને, મોબાઈલ કાન પર મૂકીને, સામેની વ્યક્તિ સાથે વાત કરી અને પછી મોબાઈલ ખિસ્સામાં મૂકતાં એણે સાઈરસને કહ્યું : ‘સર ! કબીર જેવા દેખાતા આદમીએ બલ્લુ નામના એક ટેકસીવાળાની ટેકસી ચોરી છે. કબીરે એ ટેકસીવાળા બલ્લુની મદદથી ટેકસીની કંપનીમાં એક નકલી પગ અને હાથની કપાયેલી આંગળીઓવાળા ટેકસીવાળા વિશે પૂછપરછ કરી હતી. ‘‘નકલી પગ અને હાથની કપાયેલી આંગળીવાળો એ ટેકસીવાળો પોતાની ટેકસી સાથે ચોપાટી પર ઊભો છે,’’ એ જાણીને કબીરે બલ્લુને ટેકસીમાંથી ઊતારી દીધો હતો અને બલ્લુની ટેકસી લઈને ચોપાટી તરફ ગયો છે.’

‘ચાલો ! આપણે ત્યાં પહોંચીએ અને એને ઝડપી લઈએ !’ કહેતાં સાઈરસ બહારની તરફ આગળ વધી ગયો.

ગોખલે પોતાના સાથી રવિન્દર તેમજ બીજા બે પોલીસવાળાઓને સાથે લીધા અને એમને સૂચનાઓ આપતો સાઈરસની પાછળ જયસિંહના ઘરની બહારની તરફ આગળ વધી ગયો.

બહાર રસ્તા પર આવીને ગોખલે જીપની ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો. સાઈરસ એની બાજુની સીટ પર બેઠો તો એક સાથી પોલીસવાળો પાછળની સીટ પર બેસી ગયો.

જ્યારે રવિન્દર બીજા સાથી પોલીસવાળા સખાજી સાથે બીજી જીપમાં સવાર થયો.

અને થોડીક પળોમાં તો ગોખલે અને રવિન્દરની જીપ પૂરપાટ ઝડપે ચોપાટી તરફ આગળ વધી રહી હતી.

દૃ દૃ દૃ

કબીર મારતી ટેકસીએ ચોપાટી નજીક પહોંચ્યો, ત્યારે ટ્રાફિક જામ હતો.

તે ટેકસીમાંથી બહાર નીકળ્યો. તેણે આગળ દૂર સુધી નજર દોડાવી.

આગળ વાહનો જાણે એકબીજાને અડીને ઊભા હતા, એટલે એ વાહનોની વચમાંથી ટેકસી પસાર કરીને આગળ નીકળવાનો સવાલ જ નહોતો.

કબીર પળવારની મૂંઝવણમાં પડયો, પછી તે સીધો જ તેની ટેકસીના બૉનેટ પર ચઢયો અને આગળ એકબીજા સાથે અડીને ઊભેલી ટેકસીઓની લાઈનની આગળની તરફ નજર દોડાવી.

આગળ ખાસ્સે દૂર સુધી કાર અને ટેકસીઓની લંગાર લાગેલી હતી.

કબીરે બાજુના રસ્તાની ફૂટપાથ પર નજર દોડાવી, અને તેની નજર ત્યાં સળંગ પાર્ક થયેલી ટેકસીઓની વચમાં ઊભેલી એક ટેકસી અને એના નંબર પર પડી અને કબીરની આંખો ઝીણી થઈ.

કબીરે ખૂબ જ ધ્યાનથી એ નંબર જોયો.

હા ! એ નંબર હરમનની ટેકસીનો જ હતો !

કબીર ટેકસીના બૉનેટ પરથી છલાંગ લગાવીને રસ્તા પર આવ્યો, અને બે ટેકસીઓ વચ્ચેની સાંકડી જગ્યામાંથી પસાર થઈને બન્ને રસ્તા વચ્ચેની રેલિંગ પાસે આવ્યો. રેલિંગ કૂદીને તે બાજુના રસ્તા પર આવ્યો અને થોડેક દૂર ઊભેલી પેલી ટેકસી તરફ દોડયો.

કબીર ગણતરીની પળોમાં જ એ ટેકસીની નજીક પહોંચ્યો. તેણે ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી. તેણે બીજા હાથે ટેકસીની ડ્રાઈવિંગ સીટ તરફના દરવાજાનું હેન્ડલ પકડીને દરવાજો ખોલી નાંખ્યો અને અંદર બેઠેલા લાંબા વાળવાળા આદમીની બોચી પકડીને એને બહાર ખેંચી કાઢયો ને એના કપાળે રિવૉલ્વરની અણી મૂકી દીધી.

પણ...,

...પણ એ આદમીનો ચહેરો જોતાં જ કબીરના ચહેરા પર નિરાશાની સાથે જ ધૂંધવાટ આવી ગયો.

-એ આદમી હરમન નહોતો !

-એ કોઈ બીજો જ આદમી હતો.

‘શું-શું થયું, ભાઈસાહેબ !’ એ આદમી ગભરાટભર્યા અવાજે પૂછી ઊઠયો : ‘તમે આમ...’

‘આ તારી ટેકસી છે ? !’ કબીરે એ આદમીની બોચી પકડેલી રાખતાં પૂછયું.

‘હા-હા !’ આ આદમી બોલ્યો : ‘આ મારી જ ટેકસી છે, કેમ ? !’

‘અને આ...’ કબીર એ આદમીને ટેકસીની ડીકી પાસે ખેંચી ગયો અને ડીકી પરની નંબર પ્લેટ બતાવતાં બોલ્યો : ‘આ નંબર...!’

‘આ...,’ એ આદમી આશ્ચર્યના આંચકા સાથે બોલી ગયો : ‘....આ નંબર તો મારી ટેકસીનો નથી ! આ નંબર તે વળી કેવી રીતના આવી ગયો ? !’

કબીરે ધ્યાનથી નંબર પ્લેટ જોઈ.

નંબર પ્લેટ પર પ્લાસ્ટિક ચોંડાડ્યું હોય એવું લાગતું હતું.

કબીરે હાથ લંબાવીને એ નંબર પ્લેટ પરનું પ્લાસ્ટિક ખેંચી કાઢયું.

હવે ટેકસીનો અસલ નંબર દેખાયો.

‘આ-આ તે વળી કોણે ને શા માટે મારી ટેકસીની નંબર પ્લેટ પર નકલી નંબર ચોંટાડ્યો ? !’ એ ટેકસીવાળો ગભરાટ સાથે બોલી ઊઠયો, એટલે કબીરે એ ટેકસીવાળાને હુકમ આપ્યો : ‘ડીકી ખોલ !’

‘હા, ખોલું છું !’ ટેકસીવાળો બોલ્યો,

ત્યાં જ થોડેક દૂર સબ ઈન્સ્પેકટર ગોખલેના સાથી પોલીસવાળા રવિન્દર અને સખાજીની જીપ આવી પહોંચી.

ગોખલે અને સાઈરસની જીપ થોડેક પાછળ ટ્રાફિકજામમાં અટવાઈ ગઈ હતી.

‘એ રહ્યો કબીર !’ રવિન્દરની નજર ટેકસીવાળા સાથે ટેકસીની ડીકી પાસે ઊભેલા કબીર પર પડી, એટલે એ બોલી ઊઠયો.

‘ચાલ, એને ઝડપી લઈએ !’ સખાજી બોલી ઊઠયો.

એમની જીપ હવે આગળ વધી શકે એમ નહોતી, એટલે એ બન્ને જણાં જીપમાંથી ઊતર્યા અને હાથમાં રિવૉલ્વર સાથે કબીર તરફ ધસ્યા,

બરાબર એ જ પળે ટેકસીવાળાએ ટેકસીની ડીકી ખોલી એટલે કબીરે ડીકીમાં નજર નાંખી.

-ડીકીમાં કાંચી નહોતી.

-ડીકીમાં જીપીએસ પડયું હતું.

‘અરે ! આ શું ? !’ ટેકસીવાળો બોલી ઊઠયો : ‘આ તો કોઈ બીજાની ટેકસીનું જીપીએસ છે !’

કબીરે ધૂંધવાટભેર ધમ્‌ કરતાં ટેકસીની ડીકી બંધ કરી.

‘તો હરમનના બચ્ચાએ પોતાની ટેકસીનું જીપીએસ આની ટેકસીમાં મૂકીને, તેને બેવકૂફ બનાવ્યો હતો. અત્યારે હવે હરમનનો બચ્ચો તેની કાંચી સાથે કયાં હશે ? ! ?’ કબીરના મગજમાંથી આ સવાલ પસાર થયો, ત્યાં જ તેના કાને રવિન્દરની ધમકી અફળાઈ : ‘કબીર ! હાથ ઊંચા કર અને ઘૂંટણિયે બેસી  જા !’

‘પણ...’ કબીરે ધીરેથી પાછળના ખિસ્સામાં હાથમાંની રિવૉલ્વર સરકાવી દીધી અને રવિન્દરને પૂછયું : ‘...પણ મારો ગુનો શું છે ? !’

ત્યાં જ ટેકસીની બીજી તરફથી આવેલા રવિન્દરના સાથી પોલીસવાળા સખાજીએ કબીર તરફ પોતાના હાથમાંની રિવૉલ્વરની અણી તાકતાં કહ્યું : ‘એ તો સાઈરસ સર તને કહેશે, અત્યારે તો તું ચુપચાપ હાથ અધ્ધર કર અને ઘુંટણિયે બેસી જા !’

કબીરે હાથ અધ્ધર કર્યા અને ઘુંટણિયે બેસી ગયો.

રવિન્દર અને સખાજી કબીરની પીઠ પાછળ પહોંચી ગયા. ‘ચાલ, તારો મોબાઈલ ફોન આપી દે !’

કબીરે રાહત અનુભવી. તો આણે જોયું નથી કે, તેની પાસે રિવૉલ્વર હતી.

કબીરે આનાકાની વિના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો અને પાછળની તરફ હાથ કર્યો.

રવિન્દરે કબીરના હાથમાંથી મોબાઈલ ફોન લઈ લીધો.

‘ચાલ, ઊભો થા ! અને ચુપચાપ આગળ વધ !’ રવિન્દરે કબીરને હુકમ આપ્યો.

કબીર ઊભો થયો અને સામે-થોડેક દૂર ઊભેલી જીપ તરફ આગળ વધ્યો.

રવિન્દર અને સખાજી બન્ને જણાં કબીર ભાગે નહિ એની સાવચેતી સાથે એની પાછળ-પાછળ ચાલ્યા.

જીપ પાસે પહોંચીને સખાજી જીપની ડ્રાઈવિંગ સીટ પર બેઠો.

રવિન્દરે કબીરને પાછળની સીટ પર બેસાડયો અને એ કબીરની સામેની સીટ પર બેઠો. રવિન્દરે મોબાઈલ ફોન પર સબ ઈન્સ્પેકટર ગોખલે સાથે વાત કરી : ‘સર ! કબીરને અમે પકડી લીધો છે. તમે કયાં છો ? !’

‘ગુડ !’ મોબાઈલ ફોનમાં સામેથી ગોખલેનો અવાજ આવ્યો : ‘તમે સીધા સાઈરસ સરની ઑફિસે પહોંચો.’

‘આ. કે. સર !’ કહેતાં રવિન્દરે મોબાઈલ ફોન કટ્‌ કરીને ખિસ્સામાં મૂકયો : ‘સખાજી ! જીપ ઑફિસે જવા દે.’ સખાજીએ જીપ આગળ વધારી.

‘તમે મારી વાત તો  સાંભળો !’ કબીરે રવિન્દરને કહ્યું.

‘અમારે તારી કોઈ વાત નથી સાંભળવી !’ રવિન્દરે કહ્યું.

‘પ્લીઝ ! તમે મારી વાત સાંભળો..,’ કબીર કરગર્યો : ‘..નહિતર હરમન મારી દીકરી કાંચીને મારી નાંખશે.’

‘અમે તારી આ વાર્તા વિશે સાંભળ્યું છે !’ રવિન્દર બોલ્યો : ‘એક મરેલો આદમી હરમન ફરીથી જીવતો થયો છે, અને એણે તારી દીકરીનું અપહરણ કર્યું છે, એ તારી વાર્તા ખરેખર રોમાંચક છે.’

‘રવિન્દર !’ જીપ ચલાવી રહેલા સખાજીએ કહ્યું : ‘જો હરમન જેવો આદમી ફરીથી જીવતો થાય તો એ કંઈ કોઈની છોકરીને કિડનેપ ન કરે, પણ કોઈ હીલ સ્ટેશન પર જાય અને ત્યાં જલસા કરે !’

‘હા !’ અને રવિન્દર આગળ કંઈ બોલવા ગયો, ત્યાં જ રવિન્દરના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી.

રિંગ ટોન પરથી કબીર તુરત જ સમજી ગયો કે, હરમને તેના માટે મોકલેલા મોબાઈલ ફોનની જ આ રિંગ છે !

‘તમારા ખિસ્સામાં રહેલા મારા મોબાઈલ ફોનની રિંગ વાગી રહી છે !’ કબીર બોલી ઊઠયો : ‘જલદીથી મને એ મોબાઈલ આપો ! મારે વાત કરવી છે.’

‘તારે મોબાઈલ પર વાત કરવી જરૂરી છે ? !’ રવિન્દર સહેજ હસીને બોલ્યો.

‘હા !’ કબીર ચિંતાભર્યા અવાજે બોલ્યો : ‘આ હરમનનો જ કૉલ છે. જો હું હરમન સાથે વાત નહિ કરું તો એ મારી દીકરી કાંચીને મારી નાંખશે !’

‘એ...ય !’ રવિન્દર બોલ્યો : ‘મગજ ન ખા ! ચુપચાપ બેસી રહે !’

રવિન્દરના ખિસ્સામાં રહેલા કબીરના મોબાઈલ ફોનની રિંગ હજુ પણ ગુંજી રહી હતી.

કબીર બેચેન થઈ ઊઠયો. ‘હરમનનો ભરોસો નહોતો. જો તે હરમનથી વાત નહિ કરે તો હરમન કાંચીને મારી નાંખતાં વિચારશે નહિ, એ વાતમાં શંકા નહોતી.’ કબીરે હવે આગળ-પાછળનું વિચારવાનું છોડીને સામે બેઠેલા રવિન્દર પર સીધો હુમલો જ કરી દીધો. તેણે ડાબા હાથે રવિન્દરનો રિવૉલ્વરવાળો હાથ પકડી લીધો અને જોરથી એના હાથને ઝટકો માર્યો.

રવિન્દરના હાથમાંથી રિવૉલ્વર છટકી ગઈ.

‘તારી તો..,’ કહેતાં રવિન્દરે કબીરને પોતાનાથી દૂર ધકેલ્યો. કબીરની કોણી આગળ જીપ ચલાવી રહેલા સખાજીને એટલી જોરથી વાગી કે, પળ બે પળ માટે સખાજીની આંખે જાણે અંધારાં આવી ગયાં. સખાજીની આંખના અંધારા દૂર થયાં, ત્યાં જ એને સામેની દીવાલ તરફ જીપ ધસી જતી દેખાઈ. સખાજી જીપને કન્ટ્રોલ કરે એ પહેલાં જ જીપ એ દીવાલ સાથે જોશભેર અથડાઈ અને પછી થોડેક આગળ સુધી ઘસડાતી ગઈ અને પછી એકદમથી જ ગુલાંટ ખાઈને રસ્તા પર ઘસડાવા લાગી.

જીપની પાછળથી આવી રહેલા વાહનો પણ આ રીતના અચાનક જીપ દીવાલ સાથે અથડાઈ અને પછી જીપે રસ્તા પર આવીને ગુલાંટ ખાધી, એટલે પોત-પોતાના વાહનોને રોકવા માટે બ્રેકો મારી.

એકસાથે બે-પાંચ વાહનોની બ્રેકોની ચિચિયારીના અવાજો ગુંજ્યા અને પછી એ બધાં વાહનોની એકબીજા સાથેની ટક્કરોના અવાજો ગૂંજ્યા.

આની ત્રીજી પળે ગુલાંટ ખાઈને ઘસડાઈ રહેલી રવિન્દરની જીપ થોડેક દૂર પહોંચીને ઊભી રહી.

આસપાસમાં બૂમાબૂમ અને ભાગદોડ મચી ગઈ હતી.

જ્યારે ઊંધી પડેલી જીપમાં કબીર, રવિન્દર અને સખાજી તરફથી કોઈ અવાજ નહોતો.

પણ હા ! રવિન્દરના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનની રિંગ હજુ પણ ગૂંજી રહી હતી !

( વધુ આવતા અંકે )