Vicious - 8 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | શાતિર - 8

Featured Books
Categories
Share

શાતિર - 8

( પ્રકરણ : આઠ )

જયસિંહના ઘરમાંથી બહાર નીકળીને ગલીના નુકકડ તરફ દોડી જઈ રહેલા કબીરને રોકવા માટે ઈન્સ્પેકટર સાઈરસે ધમકી આપી : ‘‘કબીર ! ઊભો રહે, નહિતર ગોળી છોડી દઈશ !’’

પણ કબીર રોકાયો નહોતો.

‘ચાલો જલદી, પકડો એને..!’ સાઈરસ હુકમ આપતાં બારીમાંથી બહાર નીકળીને ગલીમાં આવ્યો હતો ને એણે કબીર તરફ રિવૉલ્વરની અણી તાકી હતી.

અત્યારે હવે સાઈરસ ગલીના નુક્કડ પર પહોંચી ચૂકેલા કબીર તરફ રિવૉલ્વરની ગોળી છોડે એ પહેલાં જ કબીર નુક્કડની ડાબી બાજુના રસ્તે વળી ગયો ને દેખાતો બંધ થઈ ગયો.

સાઈરસ ગલીના નુક્કડ તરફ દોડયો, તો એની પાછળ-પાછળ જ જયસિંહના ઘરની બારીમાંથી બહાર નીકળી આવેલા સબ ઈન્સ્પેકટર ગોખલે અને અને એના બે સાથી પોલીસવાળા પણ ગલીના નુક્કડ તરફ દોડયા.

ત્યારે ગલીના એ નુક્કડ પરથી ડાબી બાજુ વળી ગયેલો કબીર થોડાંક પગલાં દોડયા પછી ડાબી બાજુની બીજી ગલી પાસે પહોંચી ચૂકયો હતો. તે પળવારનો પણ વિચાર કરવા રોકાયો નહિ અને એ ગલીમાં વળી ગયો અને જાણે આંખો મિંચીને દોડવા માંડયો.

બરાબર આ પળે જ, જે ગલીના નુક્કડમાંથી કબીર થોડીક પળો પહેલાં બહાર નીકળી આવ્યો હતો, એ ગલીના નુક્કડ બહાર ઈન્સ્પેકટર સાઈરસ એના સાથી પોલીસવાળાઓ સાથે આવી પહોંચ્યો.

સાઈરસે ડાબી બાજુ નજર દોડાવી.

કબીર દોડી જતો દેખાયો નહિ.

એ તરફ, થોડેક આગળ ડાબી બાજુ એક ગલી હતી.

‘એ ગલીમાં કબીર ગયો હશે કે કેમ ? !’ એ નક્કી નહોતું, છતાં સાઈરસે ચાન્સ લીધો. સાઈરસ એ ગલી તરફ દોડયો. એની પાછળ ગોખલે અને બીજા બે પોલીસવાળા પણ દોડયા.

ત્યારે એ ગલીની અધવચ્ચે પહોંચેલો કબીર જમણી બાજુ આવેલા રસ્તા તરફ વળી ગયો.

અને આની ત્રીજી જ સેકન્ડે એ ગલીના પાછલા નુક્કડ પાસે સાઈરસ પોતાના સાથી પોલીસ-વાળાઓ સાથે આવી પહોંચ્યો.

સાઈરસે ગલીમાં નજર દોડાવી.

કબીર દેખાયો નહિ.

‘ઊફ્‌ !’ સાઈરસે એક લાંબો શ્વાસ બહાર છોડતાં વિચાર્યું, ‘હવે ગલીઓમાં ખોટા ભાગવા-ભટકવાનો અર્થ નહોતો. એમની નજરથી દૂર નીકળી ગયેલા કબીરને એટલી સેકન્ડો મળી જ ગઈ હતી કે, એ કોઈ ટેકસીમાં બેસીને એમનાથી દૂર નીકળી જઈ શકે.’ અને સાઈરસે તેની આજુબાજુમાં આવીને ઊભેલા તેના સાથી ગોખલે તેમજ બે પોલીસવાળાઓ સામે જોતાં કહ્યું : ‘કબીર છટકી ગયો ! ચાલો, પાછા !’ અને સાઈરસ પાછો જયસિંહના ઘર તરફ સરક્યો.

એની સાથે ગોખલે અને બાકીના બે પોલીસવાળા પણ આગળ વધ્યા.

ત્યારે અહીંથી ખાસ્સે દૂર નીકળી ચૂકેલો કબીર હજુય મુઠ્ઠીઓ વાળીને દોડી રહ્યો હતો.

તે એક ગલીમાં વળ્યો.

અને બરાબર એ જ પળે એ રસ્તા પરથી સ્પીડમાં આવી રહેલી ટેકસીની ડ્રાઈિંવંગ સીટ પર બેઠેલા ટેકસીવાળાને કબીર દેખાયો. ‘એ...ય !’ ટેકસીવાળાના મોઢેથી ગભરાટભર્યો શબ્દ નીકળી જવાની સાથે જ એણે કબીરને ટેકસીની ટક્કરથી બચાવવા માટે જોરથી બ્રેક મારી દીધી.

ચીઈંઈંઈંઈંની બ્રેકની ચીચીયારી સાથે ટેકસી રોકાઈ તો ખરી, પણ એ કબીર સાથે ટકરાયા વિના રહી નહિ. ટેકસી સાથે ટકરાઈને કબીર પાછો પાછળના રસ્તા પર ફેંકાયો !

‘તું આખરે કરી શું રહ્યો છે ? !’ ટેકસીવાળાએ બારીમાંથી પોતાનો ચહેરો બહાર કાઢીને રસ્તા પર બેઠા થઈ રહેલા કબીરને રોષભેર કહ્યું : ‘મરવા માટે તને તે વળી મારી જ ટેકસી મળી ?’

કબીર બચી ગયો હતો. તે હાથ ખંખેરતાં ઊભો થયો, ત્યાં જ તેની નજર ટેકસી પર લખાયેલા ટેકસીની કંપનીના નામ પર પડી. અને એ સાથે જ તેની નજર સામે, થોડાંક કલાક પહેલાં તેની દીકરી કાંચી કૉફી શૉપ પાસેથી જે ટેકસીમાં બેઠી હતી, એ ટેકસી તરવરી ઊઠી.

-એ ટેકસી પણ આ કંપનીની જ હતી !

‘આ...તો.., આ તો કાંચી જે ટેકસીમાં બેસીને ગઈ હતી એ હરમનની કંપનીવાળી જ ટેકસી છે !’ બબડતાં કબીરે ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી અને ટેકસીવાળા તરફ તાકતાં ટેકસી તરફ ધસ્યો.

ટેકસીવાળાના ચહેરા પર ડર આવી ગયો.

કબીરે ટેકસીની ડ્રાઈવિંગ સીટ તરફનો દરવાજો ખોલ્યો, એટલે ટેકસીવાળોે ગભરાટથી બાજુની સીટ પર હટી જતાં બોલ્યો : ‘સૉરી-સૉરી, દોસ્ત ! એ તો તું અચાનક રસ્તા વચ્ચે આવી ગયો, એટલે હું તારી પર ગુસ્સે થઈ ગયો, પણ તું આમ...’ અને ટેકસીવાળાનું વાકય પૂરું થાય એ પહેલાં જ કબીર ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો, ને તેણે ટેકસીવાળા તરફ રિવૉલ્વરની અણી તાકી.

‘હું કહું નહિ ત્યાં સુધી ચુપચાપ બેસી રહે !’ અને કબીરે એક આંચકા સાથે ત્યાંથી ટેકસી દોડાવી મૂકી.

ત્યારે અહીંથી થોડેક દૂર, હરમન પોતાની ટેકસી આગળ વધારી રહ્યો હતો.

હરમનની ટેકસીની ડીકીમાં પુરાયેલી કાંચી હજુ પણ તેણે સીટની પીઠમાં પાડેલા હૉલમાંથી બે આંગળીઓ કાઢીને, સીટ પર પડેલો પેલા યુવાનનો મોબાઈલ ફોન પકડીને ખેંચવાનો પ્રયત્ન કરી રહી હતી.

એ મોબાઈલ ફોન તેની બે આંગળીઓ વચ્ચે પકડાતો તો હતો, પણ પછી તે મોબાઈલ ફોનને અંદરની તરફ ખેંચવા જતી હતી, ત્યાં જ એ આંગળીમાંથી સરી જતો હતો.

અત્યારે હવે કાંચીએ સીટના હૉલમાં જેમ-તેમ કરીને ત્રીજી આંગળી નાંખી અને મોબાઈલ ફોન પકડવા ગઈ, ત્યાં જ એકદમથી જ ટેકસીની બ્રેક લાગી-ટેકસીએ એક આંચકો ખાધો અને પછી તુરત જ ટેકસી આગળ વધી, એટલે સીટ પર પડેલો મોબાઈલ ફોન આમ-તેમ થયો અને પછી લસરીને બે સીટ વચ્ચેની જગ્યા પર જઈ પડયો.

‘ઑફ-ઑ...!’ કાંચીના મોઢામાંથી નિરાશાભર્યો ઉદ્‌ગાર સરી પડયો. તેણે એક નિશ્વાસ નાંખ્યો અને ડીકીમાં પડી રહી.

ત્યારે ટેકસી આગળ વધારી રહેલા હરમને સામે લાગેલા અરીસામાંથી પાછળની બાજુએ જોયું.

ટ્રાફિક પોલીસવાળો પોતાની મોટર-સાઈકલ પર એની પાછળ આવી રહ્યો હતો.

અસલમાં પાછળના ચાર રસ્તા પર હરમનને ખ્યાલ આવ્યો કે, આગળ-ચાર રસ્તા પર રેડ સિગ્નલ છે, ત્યાર સુધીમાં તો એની ટેકસી ચાર રસ્તાની વચમાં પહોંચી ચૂકી હતી. હરમને બ્રેક મારી હતી, પણ પછી એની ટેકસી ચાર રસ્તા વચ્ચે હતી, એટલે એણે રેડ સિગ્નલ હોવા છતાંય ટેકસી આગળ વધારી દીધી હતી.

ટ્રાફિક પોલીસવાળાએ એેને ટેકસીને એક તરફ ઊભી રાખવા માટેનો ઈશારો કર્યો હતો, પણ એણે ટેકસી રોકી નહોતી. અને એટલે એ ટ્રાફિક પોલીસવાળો પોતાની મોટરસાઈકલ પર એનો પીછો કરતો આવી રહ્યો હતો.

હરમનના ચહેરા પર ધૂંધવાટ આવી ગયો.

પાછળ આવી રહેલો ટ્રાફિક પોલીસવાળો હરમનની ટેકસીની આગળ આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ટ્રાફિક હોવાને કારણે પોલીસવાળો આગળ આવી શકતો નહોતો. અને એટલે પોલીસવાળો પાછળથી જ હરમનને ટેકસી રોકવા માટે બૂમ પાડી રહ્યો હતો.

હરમને જોયું, ડાબી બાજુની ગલી લાંબી ને સન્નાટાભરી હતી.

‘એની ગણતરી હતી કે, ડીકીમાં રહેલી કાંચી હજુ હોશમાં નહિ આવી હોય, પણ રખેને કાંચી હોશમાં આવી ગઈ હોય તો તે પોલીસવાળાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી શકે, અને એટલે એેણે આ પોલીસવાળા સાથે અંદર ગલીમાં જ પતાવટ કરવી પડશે.’ વિચારતાં હરમને ટેકસીને એ ગલીની અંદરની તરફ વળાવી દીધી.

એણે ગલીની વચમાં ટેકસી પહોંચાડીને ઊભી રાખી.

એેની ટેકસીની પાછળ-પાછળ આવી રહેલા ટ્રાફિક પોલીસ-વાળાએ ટેકસીની પાછળ મોટરસાઈકલ ઊભી રાખી દીધી.

હરમન મનોમન ધૂંધવાતો ટેકસીમાં બેસી રહ્યો.

ટ્રાફિક પોલીસવાળાએ મોટરસાઈકલને સ્ટેન્ડ પર ચઢાવી અને હરમન તરફ ચાલ્યો.

એ હરમનની બારી પાસે આવીને ઊભો રહ્યો.

હરમને પોતાની ગોગલ્સ પહેરાયેલી આંખે ટ્રાફિક પોલીસવાળા સામે જોયું.

‘તારું લાયસન્સ અને ગાડીના પેપર્સ બતાવ !’ ટ્રાફિક પોલીસવાળાએ કહ્યું.

હરમને બાજુના ખાનામાંથી ટેકસીના પેપર્સ કાઢયા અને ટ્રાફિકવાળા સામે ધર્યા.

પોલીસવાળાએ પેપર્સ પર નજર ફેરવવા લાગ્યો.

ડીકીમાં પુરાયેલી કાંચીને ખ્યાલ આવી ગયો હતો કે, હરમન ટેકસી ઊભી રાખીને કોઈની સાથે વાત કરી રહ્યો હતો. પણ એ શું વાત કરી રહ્યો હતો ? એ કાંચીને બરાબર સંભળાતું-સમજાતું નહોતું.

‘બચાવ...!’ કાંચીએ બૂમ પાડી : ‘મને બચાવ...!’

પણ ડીકીની બહાર, ડ્રાઈવિંંગ સીટની બારી પાસે ઊભેલા ટ્રાફિક પોલીસવાળાના કાન સુધી કાંચીની બૂમ પહોંચી નહિ.

પોલીસવાળાએ હરમનની ટેકસીના પેપર્સ જોઈ લઈને પાછા હરમનને આપ્યા : ‘અને તારું ડ્રાઈવિંગ લાયસન્સ કયાં છે ? !’

હરમને પેપર્સ ખાનામાં મૂકીને ખિસ્સામાંથી લાયસન્સ કાઢીને પોલીસવાળાને આપતાં કહ્યું : ‘તમે મને ખોટો જ ઊભો રાખ્યો છે ?’

‘તેં રેડ સિગ્નલમાં ટેકસી આવવા દીધી હતી.’ પોલીસ-વાળાએ લાયસન્સ જોઈ લઈને હરમનને પાછું આપ્યું.

‘મારી ટેકસી અડધે પહોંચી ત્યારે જ સિગ્નલ રેડ થયું હતું અને મેં પળવાર માટે ટેકસી ઊભીય રાખી દીધી હતી, પણ પછી ટ્રાફિક જામ થઈ જવાની બીકે મેં ચાર રસ્તા પરથી ટેકસી આગળ વધારી દીધી હતી.’

‘પણ તો પછી મેં તને ટેકસી ઊભી રાખવા માટેનો ઈશારો કર્યો હતો, ત્યારે તારે ટેકસી ઊભી રાખવી હતી ને !’ પોલીસવાળાએ કહ્યું.

‘મને એમ કે, હું તમારા હાથમાંથી બચી જઈશ, પણ તમે જબરા નીકળ્યા !’ હરમન હસ્યો : ‘તમે મારો પીછો કરતાં અહીં સુધી આવી ગયા ! તમને એમ કે, મારી પાસે પેપર્સ કે, લાયસન્સ નહિ હોય એટલે જ મેં ટેકસી ઊભી રાખી નહિ હોય, એમ ને ? !’

‘હા !’

‘તો હવે હું જાઉં !’

‘હા !’ અને પોલીસવાળો પાછો હરમનની ટેકસીની પાછળ ઊભેલી પોતાની મોટરસાઈકલ તરફ ચાલ્યો.

-ધબ્‌-ધબ્‌ ! ડીકીમાં પુરાયેલી કાંચીએ ડીકી પર પોતાના હાથ પછાડતાં બૂમ પાડી : ‘બહાર કોઈ છે ? ! પ્લીઝ ! મને અહીંથી બહાર કાઢો !’ અને કાંચીએ ફરી ડીકી પર પોતાના હાથ પછાડયા, ધબ્‌-ધબ્‌ !

અને પોતાની મોટરસાઈકલ પર સવાર થવા જઈ રહેલા ટ્રાફિક પોલીસવાળાને એવું લાગ્યું કે, ટેકસીની ડીકીમાંથી એને કંઈક અવાજ સંભળાયો છે.

‘એ...ય, એક મિનિટ !’ પોલીસવાળાએ બૂમ પાડી : ‘ઊભો રહે !’

ટેકસી આગળ વધારવા જઈ રહેલા હરમનને થયું કે, એણે ટેકસી દોડાવી મૂકવી જોઈએ. પણ પછી એને થયું કે, એ ટેકસી ઊભી નહિ રાખે, અને દોડાવી મૂકશે તો વળી પાછો આ પોલીસવાળો એની પાછળ આવશે. એના કરતાં એની સાથે અહીં આ સન્નાટાભરી ગલીમાં જ પતાવટ કરી લેવાનું વધુ સારું રહેશે.

‘બહાર આવ..,’ ટેકસીની ડીકી પાસે ઊભા રહી ગયેલા પોલીસવાળાનો અવાજ હરમનના કાને અફળાયો : ‘...અને ડીકી ખોલ !’

હરમને સ્ટીયરિંગ પર મુઠ્ઠી પછાડી. ‘સાલ્લો ! એનું મોત આવ્યું છે ને, એટલે જ એણે મને રોકયો છે !’ બબડતાં હરમન ટેકસીનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો. ‘તમે મને ખોટા પરેશાન કરી રહ્યા છો !’ હરમન બોલતાં લંગડાતી ચાલે ડીકી તરફ આગળ વધ્યો : ‘તમને ખબર છે, મારા પિતાજી કોઈકને ખોટી રીતના પરેશાન કરનારી વ્યક્તિ માટે શું કહેતાં હતાં ? !’

‘ખોટી બક-બક બંધ કર અને જલદી ડીકી ખોલ !’ પોલીસવાળાએ અવાજમાં ગુસ્સો લાવતાં કહ્યું.

હરમન ડીકી તરફ ફર્યો.

ડીકીમાં રહેલી કાંચીને પોલીસવાળા અને હરમન વચ્ચેની વાતચીતનો ધીમો અવાજ સંભળાતો હતો.

પોલીસવાળાના હુકમથી હરમન ડીકી ખોલવા માટે મજબૂર બન્યો હતો, એ વાતની રાહતની સાથે જ હવે આગળ શું થાય  છે ? એની ચિંતા અને અધીરાઈ પણ કાંચીના મનમાં આવી ગઈ હતી !

‘મારા પિતાજી કહેતા હતા કે..,’ હરમને ડીકી પાસે વાંકા વળીને, ડીકીના લૉકમાં ચાવી નાંખીને ફેરવતાં કહ્યું : ‘કોઈકને ખોટી રીતના પરેશાન કરનારી વ્યક્તિને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી !’

‘મને તારી આ બકવાસ સંભળાવવાનું બંધ....’ અને હજુ તો પોલીસવાળો પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ હરમને ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી અને પોલીસવાળા તરફ તાકીને ગોળી છોડી દીધી.

રિવૉલ્વરમાં સાઈલન્સર લગાવેલું હોવાને લીધે રિવૉલ્વરમાંથી મૂંગા મોઢે ગોળી નીકળી અને પોલીસવાળાના પેટમાં ધરબાઈ ગઈ.

પોલીસવાળો પેટ પર હાથ દબાવતાં બે પગલાં પાછળ હટયો.

હરમને પોલીસવાળાની પાછળની તરફ નજર દોડાવી.

એ બાજુના ગલીના નુક્કડ પર વાહનોની અને લોકોની અવર-જવર ચાલુ હતી, પણ કોઈનુંય ધ્યાન આ તરફ નહોતું.

‘તેં આ...’ પોલીસવાળો જમીન પર ઘુંટણિયે પડી જતાં, આશ્ચર્ય અને આંચકા સાથે પીડાભર્યા અવાજે બોલવા ગયો, ત્યાં જ હરમને એને બીજી ગોળી મારી દીધી.

પોલીસવાળો જમીન પર પડયો. એ બે-ચાર પળ તરફડયો અને શાંત થઈ ગયો.

‘હવે તું આવતા જન્મમાં ટ્રાફિક પોલીસવાળો બનીશ નહિ, અને જો બને તો આમ મને રોકીશ નહિ !’ બોલતાં હરમન પાગલની જેમ હસ્યો.

હરમનેે રિવૉલ્વર પાછી ખિસ્સામાં મૂકી. એણે ટેકસી તરફ ફરતાં જોયું, તો ટેકસીની ડીકી ખુલ્લી હતી, અને..,

..અને ડીકીમાં કાંચી નહોતી !

હરમને ટેકસીની આગળની તરફ, ગલીના સામેના નુક્કડ તરફ નજર દોડાવી.

-કાંચી ગલીના નુક્કડ તરફ દોડી જતી દેખાઈ.

હરમનના ચહેરા પર ગુસ્સાનો લાવા ભભૂકી ઊઠયો. એ લંગડાતી ચાલે, પણ ઝડપથી કારની ડ્રાઈવિંગ સીટ પાસે પહોંચ્યો ને ડ્રાઈવિંગ સીટ પર બેઠો. એણે ટેકસી ચાલુ કરીને કાંચી પાછળ દોડાવી, ત્યારે કાંચી એ લાંબી અને સન્નાટાભરી ગલીના નુક્કડ નજીક પહોંચી હતી !

( વધુ આવતા અંકે )