( પ્રકરણ : પાંચ )
‘તને કહું હું કોણ બોલું છું ?’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી એ આદમીનો અવાજ સંભળાયો : ‘હું તારી લાડકી દીકરી કાંચીને કિડનેપ કરનાર કિડનેપર બોલું છું !’ અને આની સાથે જ સામેથી કૉલ કટ્ થઈ ગયો.
કબીર ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેણે હોટલમાં ઝડપી નજર ફેરવી. તેની પુરાણી સાથી અને હાલમાં અહીં વેઈટ્રેસ તરીકે કામ કરતી તાન્યા દેખાઈ નહિ.
કબીર હમણાં જે નંબર પરથી કૉલ આવ્યો હતો, એ નંબર પર કૉલ લગાવીને, મોબાઈલ કાન પર મૂકતાં હોટલની બહારની તરફ ધસ્યો. તે હોટલની બહાર નીકળીને ફૂટપાથ પર ઊભો રહ્યો, ત્યારે મોબાઈલમાં સામેથી બીજી રિંગ સંભળાઈ ને પછી તુરત જ તેનો કૉલ લેવામાં આવ્યો.
‘હૅલ્લો ! હૅલ્લો !’ કબીરે મોબાઈલ ફોનમાં અધીરાઈ સાથે પૂછયુુંં : ‘તેં-તેં મારી કાંચીને શા માટે કિડનેપ કરી છે ? ! તું...તું છે, કોણ ? ! ?’
‘હું..,’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી એ આદમીનો અવાજ સંભળાયો : ‘હું એક ખતરનાક ખૂની છું ! હું એક પાગલ હત્યારો છું ! હું શયતાનને પણ સારો કહેવડાવે એવો બૂરો ઈન્સાન છું ! !’
અને વરસો પહેલાં સાંભળેલો અવાજ કબીર અત્યારે હવે ઓળખી ગયો : ‘તું...! !’ કબીર અધીરાઈ સાથે બોલી ઊઠયો : ‘...તું હરમન બોલી રહ્યો છે, ને ? ! !’
‘હા !’ મોબાઈલ ફોનમાં સામેથી અવાજ આવ્યો, એટલે કબીરનો અધ્ધર થયેલો જીવ હેઠો બેઠો : ‘તેં તો મને ગભરાવી માર્યો, હરમન !’ અને કબીરે રાહતનો શ્વાસ લેતાં આગળ કહ્યું : ‘શું વાત છે, યાર ! તેં તો મને ખુશ કરી દીધો ! તું જીવતો છે ! બધાંએ તો કહ્યું કે, ‘‘તું મરી ચૂકયો છું !’’
‘દરેકના મોતનો એક અલગ મતલબ છે !’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી હરમનનો અવાજ સંભળાયોે : ‘પણ જે રીતના હું જીવી રહ્યો છું, એને જીવવું ન કહી શકાય !’ અને સામેથી વળી હરમનની ખાંસીનો અવાજ સંભળાયો.
‘હરમન ! તું કયાં છે ? ! શું આપણે મળી શકીએ ? !’ કબીરે પૂછયુુંં : ‘તને થયું છે, શું ? !’
‘મારો સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે,’ મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો અવાજ સંભળાયો : ‘મેં જેની-જેની પાસેથી રૂપિયા ઉધાર લીધા છે, એમણે મારું જીવવું હરામ કરી દીધું છે.’
‘મને આ બધું સાંભળીને ખૂબ જ અફસોસ થઈ રહ્યો છે.’ કબીરે હરમનને કહ્યું.
‘હં.., અફસોસ !’ મોબાઈલ ફોનમાં સામેથી હરમનની ખાંસીનો અવાજ સંભળાયો : ‘છોડ બધી ખોટી વાતો ! તારા જેવા દોસ્તને કારણે એક જ રાતમાં મારી જિંદગી પલટાઈ ગઈ. તેં મારા પગમાં મારેલી ગોળીને કારણે મારે પગ કપાવવાનો વારો આવ્યો.’
‘આ બધું શું બોલી રહ્યો છે, તું ? !’ કબીર બોલ્યો : ‘શું એ બધું યાદ કરવું જરૂરી છે ? ! એ બધું તારે કારણે તો બન્યું હતું. પણ ખેર ! હું એ બધું ભૂલી ચૂકયો છું. તું પણ..,’
‘ના ! તું ભલે બધું ભૂલી ગયો હોય, પણ હું ભૂલી શકું એમ નથી.’ મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો અવાજ આવ્યો : ‘તારે કારણે મારે જીવતેજીવ મરવું પડયું અને મરવાનું નાટક કરવું પડયું. નામ બદલીને ભટકવું પડયું.’
‘હરમન તું...’
‘હું આઠ વરસથી આ પળની જ વાટ જોઈ રહ્યો હતો !’ કબીરના કાને મુકાયેલા ફોનમાંથી પહેલાં હરમનની ખાંસીનો અવાજ અને પછી હરમનનો અવાજ સંભળાયો : ‘હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હવે મને આપણે ચોરેલા પચાસ કરોડ રૂપિયામાંથી મને ફકત મારો ભાગ નહિ, પણ મને એ પચાસે પચાસ કરોડ રૂપિયા જોઈએ. એ રૂપિયા મારી જિંદગી બદલી નાંખશે !’
‘હરમન !’ કબીરે મોબાઈલ ફોનમાં હરમનને કહ્યું : ‘મારી પાસે રૂપિયા નથી !’
મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો હસવાનો અવાજ સંભળાયો : ‘કબીર ! મને ખબર જ હતી કે, તું આવું જ કંઈક કહીશ !’
‘હરમન !’ કબીરે મોબાઈલ ફોનમાં હરમનને કહ્યું : ‘ઈન્સ્પેકટર સાઈરસે મને ગિરફતાર કર્યો, એ પહેલાં જ મેં એ કોમર્શિયલ કૉમ્પ્લેક્ષમાં, પતરાના ડ્રમમાં સળગી રહેલા તાપણામાં એ રૂપિયા નાંખીને સળગાવી દીધાં હતાં !’
‘જૂઠ્ઠું ન બોલ !’ મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો.
‘હું સાચું બોલું છું !’ કબીરે કહ્યું.
‘મેં કહ્યું ને..,’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો અવાજ સંભળાયો : ‘...મને ખબર જ હતી કે, તું આવું જ કંઈક કહીશ. તારી પાસેથી સીધી આંગળીએ ઘી નહિ જ નીકળે, અને એટલે જ મેં પહેલાંથી જ આંગળી વાંકી કરી નાંખી છે !’
‘તું-તું કહેવા શું માંગે છે ? !’
‘એ જ કે, મેં તારી દીકરી કાંચીને કિડનેપ કરી છે !’ મોબાઈલ ફોનમાંથી હરમનનો અવાજ આવ્યો.
‘પ્લીઝ, તું આવી મજાક ન કર, હરમન !’ કબીરે કહ્યું, ત્યાં જ તેના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી તેને છોકરીનો ધીમો અવાજ સંભળાયો : ‘....આટલી બધી વાર કેમ લાગી રહી છે ?’
અને કબીર એ અવાજને ઓળખી ગયો. ‘આ તો..., આ તો તેની દીકરી કાંચીનો જ અવાજ હતો !’ કબીર ખળભળી ઊઠયો.
તો અહીંથી ખાસ્સે દૂરના રસ્તા પર ટેકસીને આગળ વધારી રહેલા હરમને પાછળ બેઠેલી કાંચી સામે જોતાં કહ્યું : ‘ટ્રાફિક વધારે છે, એટલે વાર લાગી રહી છે, પણ આપણે હમણાં પહોંચી જઈશું.’
‘ઓ. કે.’ કહેતાં કાંચીએ પોતાના કાનમાં ફરી હેડફોન લગાવ્યો અને મોબાઈલમાંનું સૉન્ગ સાંભળવા લાગી.
હરમને ટેકસીને આગળ વધારવાનું ચાલુ રાખતાં મોબાઈલ ફોનમાંની કબીર સાથેની વાતચીત આગળ વધારી : ‘તેં સાંભળ્યો ને તારી દીકરી કાંચીનો અવાજ...!’
‘પણ એ..., ....એ તારી પાસે કેવી રીતના આવી...? !’
‘અસલમાં હું ટેકસીવાળો છું.’ હરમને મોબાઈલ ફોનમાં કહ્યું : ‘મેં થોડીકવાર પહેલાં કૉફી શૉપની બહારથી-તારી સામેથી કાંચીને મારી ટેકસીમાં બેસાડી હતી. અત્યારે એ સાઈકિયાટ્રિસ્ટ પાસે જઈને એ વાત કરવા માટે અધિરી બની છે કે, ‘‘આખરે એ પોતાના ગુનેગાર પપ્પાને કેટલી નફરત કરે છે.’’
‘આ-આ બધું તું શું કરી રહ્યો છે, હરમન ? !’ મોબાઈલ ફોનમાં સામેથી કબીરનો અવાજ સંભળાયો.
‘હું હવે શું કરું ? ! એ વાતનો બધો જ આધાર તારી પર છે.’ હરમન બોલ્યો : ‘‘તેં ચોરીના રૂપિયા સળગાવી દીધા છે,’’ એવી તેં કરેલી વાત તું કેવી રીતના બદલે છે, એની પર જ હવે તારી ફૂલ જેવી કોમળ અને ખૂબસૂરત દીકરી કાંચીની સલામતીનો આધાર રહેલો છે.’
‘જો તેં કાંચીને હાથ પણ લગાડયો તો હું તારા ટુકડે-ટુકડાં કરી નાંખીશ.’
‘કદાચ તેં મારી વાત ધ્યાનથી સાંભળી નથી.’ હરમને મોબાઈલ ફોનમાં કબીરને કહ્યું : ‘હવે તારી દીકરીની હાલત બૂરી થશે કે, પછી ભલી જ રહેશે ? ! એનો બધો આધાર તારા પોતાના પર જ છે !’ અને આ સાથે જ હરમને મોબાઈલ ફોન કટ્ કરી દીધો, અને સામે લાગેલા અરીસામાંથી દેખાઈ રહેલી કાંચી સામે જોયું.
કાંચી કાનમાં હેડફોન ભેરવીને, સીટ પર માથું ટેકવીને, બંધ આંખેે સૉન્ગ સાંભળવામાં મશગૂલ હતી. તેની સાથે શું બની રહ્યું છે ? કે શું બનવા જઈ રહ્યું છે ? ? એ હકીકતથી તે બિલકુલ અજાણ હતી.
તો ત્યાં, હોટલની બહાર ઊભેલો કબીર ‘તેની દીકરી કાંચી હરમનના કબજામાં હતી,’ એ જાણીને બેચેન બની ગયો હતો. હરમન મગજનો ફરેલો હતો. પાગલ હતો. એ કાંચી સાથે કેવું વર્તન કરશે ? ! એનો અંદાજો લગાવવો મુશ્કેલ હતું.
‘હરમનના બચ્ચા સાથે કેવી રીતના કામ પાર પાડવું ? ! કેવી રીતના કાંચીને હરમનની ચુંગાલમાંથી હેમખેમ બહાર કાઢવી ? !’ એ વિશે વિચારતાં કબીર ત્યાંથી આગળ વધ્યો.
તો થોડેક દૂર, પોતાના સાથી પોલીસવાળા રવિન્દર સાથે ટેકસીમાં બેઠા-બેઠા કબીર પર નજર રાખી રહેલા સબ ઈન્સ્પેકટર ગોખલેએ ટેકસીનો દરવાજો ખોલતાં કહ્યું : ‘તું ટેકસી પાછળ-પાછળ આવવા દે, હું કબીરનો પીછો કરું છું.’ અને ગોખલે દોડીને સામેની ફૂટપાથ પર, હોટલ પાસે પહોંચ્યો. અને એણે થોડેક આગળ, ઝડપી ચાલે આગળની તરફ જઈ રહેલા કબીરનો સલામત અંતર રાખીને પીછો શરૂ કર્યો !
દૃ દૃ દૃ
હરમનની ટેકસીની પાછલી સીટ પર, કાનમાં હેડફોન ભેરવીને બંધ આંખે સૉન્ગ સાંભળી રહેલી કાંચી ઊંઘમાં સરી ગઈ હતી.
અત્યારે અચાનક જ કાંચીના બાવડામાં સોંય ભોંકાઈ હોય એવું તેને લાગ્યું અને એકદમથી જ તેની આંખો ખૂલી ગઈ. આ પળે જ તેની બાજુમાં બેઠેલા હરમને તેના બાવડામાંથી ઈન્જેકશનની સોય બહાર ખેંચી કાઢી.
‘આ...? !’ કાંચી ડરથી બોલી ઊઠી : ‘...આ તેં શું કર્યું ? !’ અને તે બીજી બાજુનો ટેકસીનો દરવાજો ખોલીને બહાર નીકળી. તેણે જોયું તો તે એક મોટા ગોડાઉનમાં હતી. ગોડાઉનમાં ચારેબાજુ ખાવા-પીવાની, પહેરવા-ઓઢવાની, ઊંઘવા-બેસવાની વસ્તુઓ જેમ-તેમ પડી હતી.
‘આ !’ કાંચી કાંપતા અવાજે બોલી : ‘આ તું મને કયાં લઈ આવ્યો ? !’
‘મને આ બધું કરવાનું પસંદ નથી, પણ હું મજબૂર છું.’ કહેતાં હરમન ટેકસીની બહાર નીકળ્યો. એનો જમણો પગ નકલી હતો.
‘બચાવ ! બચાવ !’ કાંચી ચીસો પાડતાં આસપાસમાં જોવા લાગી, પણ તેની આંખોમાં જાણે ઝાંખપ છવાવા લાગી.
‘તારા ડેડીએ તારા માટે પહેલાંથી જ મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે !’ હરમન લાકડીના ટેકે કાંચી તરફ આગળ વધતાં બોલ્યો : ‘હું એ મુશ્કેલીઓને વધારવા નથી માંગતો, પણ શું કરું ? ! હું મજબૂર છું !’ અને હરમન કાંચીથી બે પગલાં દૂર ઊભો રહી ગયો. તે ખાંસી ખાઈને આગળ બોલ્યો : ‘જો, હું બીમાર છું. મારી તબિયત ખરાબ છે. તારા ડેડીએ ખરાબ સમયમાં મારો સાથ છોડી દીધો હતો, એટલે હું તારી હાલત ખૂબ જ સારી રીતે સમજી શકું છું. હું સાચું કહી રહ્યો છું, ને ? !’
કાંચીનું મગજ ચકરાઈ રહ્યું હતું. તે ડરભરી નજરે હરમનનેે જોઈ રહી. તેના હાથ-પગ જાણે જવાબ આપી રહ્યા હતા.
‘હું એ વ્યક્તિનું દર્દ સમજી શકું છું, જેનેે કબીરે દગો આપ્યો હોય !’ હરમને કહ્યું : ‘કબીર તારો અને મારો-આપણાં બન્નેનો દેવાદાર છે !’ હરમન બોલ્યો : ‘એણે આપણાં બન્નેનું દેવું ઉતારવું પડશે.’
કાંચી આ પાગલ જેવા આદમીથી-એની વાતોથી ભય પામી હતી. એ ‘બચાવો- બચાવો !’ની ચીસો પાડીને અહીંથી ભાગી છૂટવા માંગતી હતી, પણ તેની જીભ જાણે લોચો વળી ગઈ હતી. તેના હાથ-પગમાંનું જોર ખલાસ થઈ ગયું હતું. તે જમીન પર બેસી પડી.
હરમન નજીકમાં જ પડેલી ખુરશી પર બેઠો. એણેે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો, અને એેણે કબીરને મોકલ્યો હતો, એ મોબાઈલ ફોનનો નંબર લગાવવા લાગ્યો.
ત્યારે અહીંથી ખાસ્સે દૂર આવેલી ફૂટપાથ પર કબીર ઝડપી પગલે આગળ વધી રહ્યો હતો.
કબીરને એ ખ્યાલ આવી ગયો હતો કે, સબ ઈન્સ્પેકટર ગોખલે તેનો પીછો કરી રહ્યો છે, એટલે તે અત્યારે ભીડ વચ્ચેથી રસ્તો કરતો ગોખલેથી પીછો છોડાવવામાં લાગી ગયો હતો.
કબીરના હાથમાં રહેલા મોબાઈલ ફોનની ઘંટડી રણકી ઊઠી, એટલે તેણે પાછળ જોયું.
પાછળની ભીડમાં ગોખલે દેખાતો નહોતો.
કબીર ડાબી બાજુની ગલીમાં વળી ગયો અને તેણે લગભગ દોડતી ચાલે આગળ વધતાં મોબાઈલ ફોનનું બટન દબાવ્યું અને મોબાઈલ ફોન કાન પર મૂકયો.
ત્યારે ત્યાં, એ ગોડાઉનમાં, ખુરશી પર બેઠેલા હરમને મોબાઈલ ફોનમાં કબીર સાથે વાત કરી : ‘હેલ્લો, કબીર !’
‘હરમન !’ મોબાઈલ ફોનમાં સામેથી કબીરનો સવાલ સંભળાયો : ‘મારી કાંચી કયાં છે ? ! ?’
‘તેં તારો ઈરાદો બદલ્યો કે, હજુ પણ તું એ જ રૂપિયા સળગાવી દીધાનું જુઠ્ઠાણું ચલાવવા માંગે છે ? !’
‘શું હું કાંચી સાથે વાત કરી શકું છું ?’ મોબાઈલ ફોનમાં સામેથી કબીરનો અધીરો-ચિંતાભર્યો સવાલ સંભળાયો.
હરમને કાંચી સામે જોયું.
કાંચી હવે હરમનની સામે જમીન પર લેટી ગઈ હતી. કાંચી બેહોશીમાં સરી રહી હતી. કાંચી મિંચાઉં-મિંચાઉં થઈ રહેલી આંખે હરમન સામે જોઈ રહી હતી. તે હરમનની વાતો સાંભળવાનો-સમજવાનો પ્રયત્ન કરી રહી હતી.
‘કબીર ! કાંચીની જિંદગીનો ફેંસલો હવે તારા હાથમાં છે !’ હરમને મોબાઈલ ફોનમાં કબીરને કહ્યું : ‘તું ઈચ્છીશ તો એને કંઈ જ નહિ થાય અને...’
‘...તું એવું કંઈ નહિ કરે !’ મોબાઈલ ફોનમાં સામેથી કબીરનો ઉતાવળો અવાજ સંભળાયો.
હરમન હસ્યો. એણે ખાંસી ખાધી : ‘હું ફોન કટ્ કરું છું.’
‘ના-ના, ઊભો રહે ! મારી વાત સાંભળ !’ મોબાઈલ ફોનમાં સામેથી કબીરનો અવાજ સંભળાયો : ‘હું તને રૂપિયા લાવી આપીશ. મને થોડોક સમય જોઈએ. રૂપિયા અહીં નથી.’
હરમન મોબાઈલ પરની કબીરની વાત સાંભળી રહેતાં કાંચી સામે જોઈ રહ્યો.
કાંચીએ આંખો મીંચી. તે બેહોશીમાં સરી ગઈ.
હરમન હોઠ પર લુચ્ચાઈભરી મુસ્કુરાહટ લાવતાં મોબાઈલમાંની કબીરની વાત સાંભળી રહ્યો.
‘...એ રૂપિયા-એ રૂપિયા બીજા શહેરમાં, મારા એક વકીલ પાસે છે !’ કબીરે કહ્યું : ‘એટલે એ લાવવા માટે મને ચોવીસ કલાકનો સમય જોઈએ !’
‘નહિ, તને ફકત બાર કલાકનો સમય મળશે.’ હરમન મક્કમ અવાજે બોલ્યો : ‘હું મોબાઈલ ફોન પર તને ટ્રેક કરતો રહીશ. તારે મારા દરેક કૉલનો જવાબ આપવો પડશે. મારો એક પણ કૉલ જો તેં મિસ કર્યો, તો કાંચી જીવતી નહિ બચે !’
‘હરમન, તું...’
‘...કબીર ! મારા માટે માલદાર બનવાનો આ એક છેલ્લો મોકો છે !’ હરમને એક સાથે બે-ચાર ખાંસી ખાઈને આગળ કહ્યું : ‘હાલમાં તેં મને જોયો નથી. બસ, હું એટલું કહીશ કે, મને તારાથી ખૂબ જ આશા છે !’
‘હરમન ! મારી વાત સાંભળ,’ મોબાઈલ ફોનમાં સામેથી કબીરનો અવાજ સંભળાયો : ‘હું...’
પણ હરમને કબીરની વાત આગળ સાંભળી નહિ. એણે કાન પરથી મોબાઈલ ફોન હટાવ્યો અને મોબાઈલ ફોનનું બટન દબાવીને કબીર સાથેનો કોલ કટ્ કરી દીધો.
ત્યારે ત્યાં, રસ્તા પર આગળ વધી રહેલા કબીરે બીજી બે ત્રણ વાર મોબાઈલ ફોનમાં ‘હૅલ્લો-હૅલ્લો !’ કર્યું પછી જ જાણે તેને ખ્યાલ આવ્યો કે, ‘હરમને સામેથી કોલ કટ્ કરી દીધો છે.’
તેણે કાન પરથી મોબાઈલ ફોન હટાવ્યો અને પાછળ જોયું.
પાછળ દૂર-દૂર સુધી સબ ઈન્સ્પેકટર ગોખલે તેનો પીછો કરતો આવતો દેખાયો નહિ.
કબીર ગોખલેનો પીછો છોડાવવામાં સફળ થયો હતો.
કબીર ‘હવે પાગલ અને ખતરનાક હરમનના શિકંજામાં રહેલી તેની લાડકી દીકરી કાંચીને છોડાવવા આખરે શું કરવું ? !’ એ ઝડપભેર નક્કી કરવા લાગ્યો,
ત્યારે અહીંથી ખાસ્સે દૂર આવેલા એ ગોડાઉનમાં ખુરશી પર બેઠેલો હરમન સામે, જમીન પર બેહોશ પડેલી કાંચીને તાકી રહ્યો હતો.
હરમને કંઈક નક્કી કર્યું અને ખુરશી પરથી ઊભો થયો. એ લાકડીના ટેકે ટેકસી પાસે પહોંચ્યો. એણે ટેકસીની ડીકી ખોલી.
-કાંચી બાજુમાં-જમીન પર એ જ રીતના બેહોશ પડી હતી.
હરમને જમીન પરથી બેહોશ કાંચીને ઉઠાવીને ટેકસીની ડીકીમાં નાંખી અને ધમ્ કરતાં ડીકી બંધ કરી દીધી !
( વધુ આવતા અંકે )