Shaatir - 1 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | શાતિર - 1

Featured Books
Categories
Share

શાતિર - 1

એચ.એન.ગોલીબાર

( પ્રકરણ : એક )

મોડી રાતના ત્રણ વાગ્યા ને ઉપર સુડતાળીસ મિનિટ થઈ હતી. દિવસે ધમધમતા રહેતા મુંબઈના આ કોમર્શિયલ એરિયામાં અત્યારે એકદમ સન્નાટો છવાયેલો હતો. મુંબઈના નંબર વન ગણાતા ‘ડાયમંડ જ્વૅલરી’ના ભવ્ય શો રૂમ ‘દિવાન જ્વેલર્સ’ની આસપાસ પણ શાંતિ પથરાયેલી હતી. શો રૂમની સામેની ફૂટપાથ પર, ક્રાઈમ બ્રાન્ચના પંદર હથિયારધારી પોલીસવાળા અંધારા સાથે ભળીને ઊભા હતા. એ બધાંની નજર અત્યારે ‘દિવાન જ્વેલર્સ’ અને તેની આસપાસમાં ફરી રહી હતી. જોકે, ‘દિવાન જ્વેલર્સ’ પાસેથી આ પોલીસવાળાઓમાંથી એકેય નજરે પડી શકે એમ નહોતો.

‘બધી તૈયારી થઈ ગઈ ને ?’ એ પંદર પોલીસવાળાની પીઠ પાછળના કૉફી શૉપમાં, કાચની દીવાલની અંદર ઊભેલા પચાસ વરસના ઈન્સ્પેકટર સાઈરસે ચાળીસેક વરસના પોતાના સાથી સબ ઈન્સ્પેકટર ગોખલેને પૂછયું.

‘હા, સર !’ ગોખલેએ જવાબ આપ્યો.

સાઈરસે બાજુના ટેબલ પર પડેલા લૅપટોપના સ્ક્રીન પર દેખાઈ રહેલા ‘દીવાન જવૅલર્સ’ના અંદરના દૃશ્યો પર નજર નાંખતાં, લૅપટોપની સામે બેઠેલા ઑપરેટરને પૂછયું : ‘બધી સિસ્ટમ બરાબર કામ કરી રહી છે, ને !’

‘યસ, સર !’ ઑપરેટરે જવાબ આપ્યો.

‘સર !’ ગોખલેએ કહ્યું : ‘બની શકે કે, બાતમી ખોટી હોય !’

‘બાતમી સાચી છે !’ સાઈરસે કહ્યુંં.

‘પોણા ચાર વાગ્યા ને ઉપર બે મિનિટ થઈ ચૂકી છે, અને બાતમીદારે તો બરાબર પોણા ચાર વાગ્યાનું કહ્યું હતું !’

સાઈરસે કોઈ જવાબ આપ્યો નહિ, પણ એણે મન સાથે વાત કરી, ‘...એ આવશે ! જરૂર આવશે ! !’

અને સાઈરસના મનની આ વાત બિલકુલ સાચી હતી.

એ.., એટલે કે, કોઈ હૅન્ડસમ હીરો જેવો, પાંત્રીસ વરસનો કબીર અહીં આવવા માટે તૈયાર જ હતો ! એ અત્યારે થોડેક દૂર ઊભેલી કાળી વેનમાં પોતાના બે સાથીઓ સાથે બેઠો હતો.

વેનના ડીવીડી પ્લેયરમાં, ધીમા અવાજમાં આઠ-દસ વરસ પહેલાંની હિન્દી ફિલ્મનું સૉન્ગ વાગી રહ્યું હતું. કબીર બંધ આંખેે તલ્લીનતાથી એ સૉન્ગ સાંભળી રહ્યો હતો.

વેનની પાછળની સીટ પર બેઠેલી અઠ્ઠાવીસ વરસની, ઈંગ્લિશ ફિલ્મની હિરોઈન જેવી લાંબી-ગોરી-ચીટ્ટી અને માંજરી આંખોવાળી તાન્યા પણ આ સૉન્ગની મજા લઈ રહી હતી, પણ કબીરની બાજુની સીટ પર બેઠેલા વિલન જેવા લાગતા, સાડત્રીસ વરસના હરમનના ચહેરા પર કંટાળો વર્તાતો હતો.

અત્યારે હવે હરમનથી રહેવાયું નહિ ને એણે વેનના બંધ કાચ પર મુઠ્ઠી પછાડતાં કહ્યું : ‘શું મારે પૂરી સાત મિનિટ અને એંસી સેકન્ડનું આ સૉન્ગ પૂરું સાંભળવું પડશે ? !’

‘હરમન !’ કબીરને આ ગમ્યું નહિ : ‘તું દર વખતે આ નકામો સવાલ કેમ પૂછે છે ? !’

‘કબીર ! મને ખબર છે કે, આ તારું લકી સૉન્ગ છે, અને સૉન્ગ પણ એટલું બકવાસ નથી, પણ આપણે સૉન્ગનું ફકત મુખડું સાંભળી લઈએ તો, કારણ કે..,’ હરમન બોલ્યો : ‘...આપણે આ સૉન્ગ પાછલા છ વરસમાં છ લાખ, છન્નું હજાર, છસો છત્રીસ વખત સાંભળી ચૂક્યા છીએ !’

કબીર બોલવા ગયો, ત્યાં જ સામે ડેસબોર્ડ પર પડેલા તેના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી. તેણે મોબાઈલ ફોનના સ્ક્રીન પર જોયું, તો તેની સાત વરસની દીકરી કાંચીનો કૉલ હતો. તેણે મોબાઈલ ફોન કાન પર મૂકયો અને કાંચીને સીધું જ પૂછયું : ‘કાંચીબેટા ! તું આટલી વહેલી કેમ જાગી ગઈ ? !’ અને સામેથી તેને કાંચીનો જવાબ મળ્યો, એટલે તેણે કહ્યું : ‘ઓહ ! તો તું ઊંઘી જ નથી !’ અને તેણે સૉન્ગના અવાજને ધીરો કરી નાંખ્યો : ‘કઈ..? !’ તેણે મોબાઈલ ફોનમાં કાંચી સાથે આગળ વાત કરી : ‘..પેઈન્ટિંગ બુક ? ! હા-હા ! શું ? ! એ અડધી બુકમાં મારે કલર કરવાના છે ? ! ઑ. કે. ! ઑ. કે. !’ અને કબીરે બાજુની સીટ પર કંટાળાભરી નજરે તેની સામે જોઈ રહેલા હરમન તરફ જોઈ લઈને પાછી મોબાઈલ ફોન પરની દીકરી સાથેની વાત આગળ વધારી : ‘ના, કાંચીબેટા ! તને તો ખબર છે, અત્યારે હું ઑફિસમાં છું. પણ હું જેવો ઘરે પહોંચીશ, એટલે બુકમાં કલર કરી નાંખીશ. તું અત્યારે બિલકુલ ચિંતા કર્યા વિના સૂઈ જા. અને હા ! સાંભળ, કાંચીબેટા ! હું ઘરે આવીશ એટલે તારા માટે તારી મનપસંદ ચોકલેટ કૅક પણ બનાવી નાંખીશ !’ અને કબીરના ચહેરા પર મુશ્કુરાહટ આવી ગઈ : ‘આઈ લવ યુ ટૂ, કાંચીબેટા ! ઑ. કે. બાય કાંચીબેટા !’ અને કબીરે મોબાઈલ ફોન પાછો ડેસબોર્ડ પર મુકયો.

કબીરે બાજુમાં બેઠેલા હરમન સામે જોયું.

હરમન હજુય તેને તાકી રહ્યો હતો.

‘હરમન !’ કબીર બોલ્યો : ‘તને નહિ સમજાય, એક બાપ-દીકરીનો સંબંધ-એમની વચ્ચેના પ્રેમ ને લાગણી !’

‘...એમાં સમજવાનું શું છે !’ હરમન બોલ્યો : ‘દરેક બાપ ખતરનાક ક્રાઈમ કરતાં પહેલાં પોતાની દીકરી સાથે વાત કરે જ છે ! સો સ્વીટ !’

પાછલી સીટ પર બેઠેલી તાન્યા બન્નેની આ વાતચીત પર હસી પડી.

‘હરમન !’ કબીરે ઘડિયાળમાં જોયું : ‘જયસિંહે મોડું કરી દીધું !’

હરમને પોતાના મોબાઈલ ફોનમાંની કલૉકમાં જોયું : ‘ચાર મિનિટ એ કંઈ મોડું ન કહેવાય !’

‘આપણે આ કામ વીસ મિનિટમાં કરવાનું હતું !’ કબીર બોલ્યો : ‘વીસમાંથી ચાર ગઈ એટલે સોળ બચી ! બે મિનિટ અંદર જવાની, ત્રણ દીવાલ તોડવાની, અને દસ મિનિટ ડ્રીલિંગ ! આપણે પંદર મિનિટ અંદર જ હોઈશું, એનો અર્થ એ કે ગરબડ થઈ શકે છે !’ કબીરે એક નિશ્વાસ નાંખ્યો : ‘આપણે આ કામ ફરી કયારેક કરીશું !’

‘જયસિંહ ફકત ચાર મિનિટ લેટ છે..,’ હરમને ગુસ્સાથી બારીના કાચ પર મુઠ્ઠી પછાડી : ‘...એ કદાચ કયાંક અટવાઈ ગયો હશે ! આપણે આ કામ કર્યા વિના અહીંથી નહિ જઈએ !’ અને જાણે હરમને કબીરને સમજાવવનો પ્રયત્ન કર્યો : ‘આ એક ખૂબ જ મોટો મોકો છે, કબીર ! આજ પછી આપણને આટલો મોટો મોકો કયારે મળશે ? !’

‘આવો મોકો આપણને કયારે મળશે, એની મને ખબર નથી, પણ..,’ કબીર હરમન તરફ તાકી રહેતાં બોલ્યો : ‘...મને અત્યારે હવે કંઈ સારું નથી લાગતું !’

‘તું આરામ કર !’ હરમન ધૂંધવાટ સાથે બોલ્યો : ‘અહીં જ બેસીને તારું ફેવરિટ સૉન્ગ સાંભળ !’ અને એ જ પળે હરમન તેમજ કબીર અને તાન્યાના કાનમાં ગોઠવાયેલા બ્લુ ટૂથમાં અવાજ ગૂંજી ઊઠયો : ‘જયસિંહ બોલી રહ્યો છું, દોસ્તો ! હું મેઈન ફ્રેમમાં છું. ફિલ્મ શરુ થઈ ચૂકી છે. ફાયર એલાર્મ બંધ થઈ ચૂકયું છે. આ ઑડિયો બંધ થયો, અને હવે હું વીડિયો પણ બંધ કરી રહ્યો છું !’

અને આ સાથે જ ‘દિવાન જ્વેલર્સ’ની સામેના કૉફી શૉપમાં, ટેબલ પર પડેલા લૅપટોપના સ્ક્રીન પર દેખાઈ રહેલા ‘દિવાન જ્વેલર્સ’ની અંદરના દૃશ્યો દેખાવાના બંધ થઈ ગયાં, અને ‘નો સિગ્નલ’વાળી સૂચના દેખાઈ.

ઈન્સ્પેકટર સાઈરસે પોતાની બાજુમાં ઊભેલા સબ ઈન્સ્પેકટર ગોખલે સામે જોયું, ‘મેં કહેલું ને, એ જરૂર આવશે.’

ગોખલે કંઈ બોલ્યો નહિ. એણે સાઈરસ સામેથી નજર ફેરવીને કાચની દીવાલમાંથી સામેના ‘દિવાન જ્વેલર્સ’ તરફ નજર દોડાવી.

બરાબર એ જ પળે એક કાળી વેન ‘દિવાન જ્વેલર્સ’ પાસેે ઊભી રહી !

એ વેનની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો કબીર હાથમાં એક મોટી-કાળી લૅધરની હેન્ડબેગ સાથે બહાર નીકળ્યો.

વેનની બીજી બાજુથી હરમન પણ એટલી જ મોટી કાળી હેન્ડબેગ સાથે બહાર નીકળ્યો.

વેનની અંદર-પાછળની સીટ પર બેઠેલી તાન્યા બે સીટ વચ્ચે થઈને આગળની ડ્રાઈવિંગ સીટ પર આવીને બેસી ગઈ. એ કબીર અને હરમનને હાથમાં બેગ સાથે ‘દિવાન જ્વેલર્સ’ની પાડોશમાં આવેલા રમકડાંના મોટા સ્ટોર ‘બબલુ એન્ડ બબલી ટૉય માર્ટ’ તરફ આગળ વધતાં જોઈ રહી.

કબીર અને હરમન બન્ને જણાં એ સ્ટોરના શટર પાસે પહોંચીને ઊભા રહ્યા. હરમન આસપાસમાં નજર દોડાવવા માંડયો, તો કબીર ઘુંટણિયે બેસીને શટરનું તાળું ખોલવા માંડયો. કબીર આવા અનેક લૉક જાણે રમત કરતો હોય એમ ખોલી ચૂકયો હતો.

કબીરે ગણતરીની સેકન્ડમાં જ લૉક ખોલી નાંખ્યું ને શટર અડધું અદ્ધર કર્યું. તે વાંકો વળીને હેન્ડબેગ સાથે સ્ટોરમાં દાખલ થઈ ગયો. તેની પાછળ-પાછળ હરમન પણ એ સ્ટોરમાં દાખલ થયો અને અંદરથી શટર પાછું બંધ કરી દીધું.

વેનમાં બેઠેલી તાન્યાએ વેન ચાલુ કરી ને ત્યાંથી હંકારી મૂકી.

‘દિવાન જ્વેલર્સ’ની સામેના કૉફી શૉપમાં ઊભેલા ઈન્સ્પેકટર સાઈરસે મન સાથે વાત કરી : ‘તો કબીરે ‘રમકડાંના સ્ટોર’ અને ‘દિવાન જ્વેલર્સ’ વચ્ચેની દીવાલ તોડીને ‘દિવાન જ્વેલર્સ’ની અંદર દાખલ થવાનો પ્લાન બનાવ્યો છે.’

અહીં સાઈરસ આવા વિચારમાં હતો, ત્યારે તાન્યાએ અહીંથી થોડેક દૂરના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં વેન પહોંચાડીને ઊભી રાખી.

ત્યાં જ સામેની સીડી પાસેથી એક પચાસ વરસનો, જાડિયો માણસ હાથમાં લૅપટોપની બેગ સાથે બહાર નીકળ્યો અને તાન્યાની વેન તરફ આગળ વધ્યો.

-એ કબીરનો ત્રીજો સાથી જયસિંહ હતો.

જયસિંહે કબીર અને હરમન બિલકુલ આસાનીથી ચોરી કરી શકે, એ માટેની વ્યવસ્થા પોતાના લૅપટોપ અને આવડતથી કરી આપી હતી.

જયસિંહ પોતાની લૅપટોપની બેગ સાથે વેનમાં તાન્યાની બાજુમાં ગોઠવાયો. ‘ઠીક છે, દોસ્તો !’ જયસિંહે બ્લુ ટૂથની મદદથી કબીર અને હરમન સાથે વાત કરી : ‘હું તૈયાર છું, અને તાન્યા પણ તૈયાર છે !’

‘જયસિંહ !’ તાન્યા ખિજાઈ : ‘તું કહેવા શું માંગે છે ?’

‘એ જ કે, એ બન્ને આવે એટલે તું અમને બધાંને ભગાડી જવા તૈયાર છે !’

‘આવા ટાઈમે પણ તને મજાક સૂઝે છે ?’ તાન્યાએ બીજી બાજુ જોતાં કહ્યું.

‘આવો ખતરનાક ટાઈમપાસ કરવા માટે જ તો મજાક-મસ્તી જરૂરી છે !’ જયસિંહ વળી હસ્યો.

તાન્યા આડું જોઈ ગઈ.

ત્યારે અહીંથી થોડેક દૂર આવેલા ‘દિવાન જ્વેલર્સ’ની સામે આવેલા કૉફી શૉપમાં લૅપટોપની સામે બેઠેલા ઑપરેટરે બાજુમાં ઊભેલા ઈન્સ્પેકટર સાઈરસને કહ્યું : ‘સર ! ‘દીવાન જ્વેલર્સ’ની બહાર ગોઠવાયેલા ઑડિયોમાંથી ધરતીકંપ જેવો ધીમો અવાજ સંભળાયો !’

‘લાગે છે કે, એમણે ‘ટૉય સ્ટોર’ અને ‘દીવાન જ્વેલર્સ’ વચ્ચેની દીવાલ તોડી નાંખી !’ સાઈરસની બાજુમાં ઊભેલો ગોખલે બોલી ઊઠયો.

‘હં !’ સાઈરસ આટલું જ બોલ્યો,

ત્યારે સામેના રમકડાંના સ્ટોરની દીવાલ તોડી ચૂકેલા કબીરે પોતાના શસ્ત્ર-સરંજામ પાછા હૅન્ડબેગમાં મૂકયા અને દીવાલમાં પડેલા બાકોરામાં થઈને બીજી બાજુ ચાલ્યો ગયો.

કબીરની પાછળ-પાછળ હરમન પણ એ બાકોરામાં દાખલ થયો ને કબીર પાછળ સરક્યો.

ત્યારે આ સ્ટોરની બહાર, સામેના કૉફી શૉપમાં રહેલો સબ ઈન્સ્પેકટર ગોખલે બોલ્યો : ‘...એ લોકો આપણાં હાથમાંથી બચી નહિ શકે !’

‘નહિ !’ સાઈરસ બોલ્યો : ‘આ એટલું આસાન નથી. એ લોકો આટલી આસાન ચોરી નથી કરતા !’

‘બસ ત્રણ મિનિટ !’ ગોખલે બોલ્યો : ‘બસ ત્રણ મિનિટમાં હું એમને ઝડપી લઈશ.’ અને ગોખલે રિવૉલ્વર સંભાળતો કૉફી શૉપની બહાર નીકળ્યો, અને અંધારામાં હથિયાર સાથે ગોઠવાયેલા પોતાના સાથી પોલીસવાળાઓને હુકમ આપ્યો : ‘ચાલો એલર્ટ થઈ જાવ ! એ લોકો છટકવા ન જોઈએ !’

પંદર પોલીસવાળાઓએ પોતાના હથિયાર સંભાળ્યા અને અંધારામાંથી બહાર નીકળીને, ‘દિવાન જ્વેલર્સ’ અને ‘બબલુ એન્ડ બબલી ટૉય માર્ટ’ની બરાબર સામે અંધારામાં પોઝીશન લીધી.

બરાબર એ જ પળે કબીર એ રૂમમાં આવેલા દસ બાય દસ ફૂટના મોટા લોખંડી દરવાજા સામે પહોંચીને ઊભો રહ્યો.

‘અમે પહોંચી ગયા છીએ !’ કબીરે બ્લુ ટૂથમાં જયસિંહ અને તાન્યાને માહિતી આપી, ને હેન્ડબેગ નીચે મૂકીને ખોલી.

તો અહીંથી થોડેક દૂર આવેલા અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક થયેલી કાળી વેનમાં બેઠેલા જયસિંંહે બાજુમાં બેઠેલી તાન્યાને કહ્યું : ‘આપણાં દોસ્તોે શિકારની નજીક પહોંચી ચૂકયા છે.’

‘સરસ !’ તાન્યા બોલી : ‘ચોરી કરવા જેવા કામને પણ તું કેટલું મજેદાર બનાવી દે છે. મને તારી આ વાત જ પસંદ છે !’

‘અને તું...’ જયસિંહ હસીને બોલ્યો : ‘...તું મને પસંદ છે !’

‘ઑફ ! હવે હું તારી પાસે વધુ વાર બેસી નહિ શકું.’ બોલતાં તાન્યા વેનની બહાર નીકળી ગઈ.

જયસિંહ હસી પડયો.

ત્યારે થોડેક દૂર આવેલા એ રૂમમાં, લોખંડી દરવાજાનું લૉક ખોલી રહેલો કબીર બોલી ઊઠયો : ‘લોક ખુલી ગયું !’

સાંભળતાં જ હરમનના ચહેરા પર ખુશી આવી ગઈ. કબીરની આ જ તો ખૂબી હતી ! એ ગમે તેવા મજબૂત લૉક પણ એણે બનાવેલા શસ્ત્ર-સરંજામથી રમત-રમતમાં ખોલી નાંખતો હતો !

કબીર એ મોટા લોખંડી દરવાજાનું હેન્ડલ પકડીને એ દરવાજો ખોલવા માંડયો,

ત્યારે ‘દિવાન જ્વેલર્સ’ની બહાર, સબ ઈન્સ્પેકટર ગોખલેની બાજુમાં ઊભેલા ઈન્સ્પેકટર સાઈરસે હુકમ આપ્યો : ‘હવે ચાલો !’

ગોખલેએ પોતાના સાથી પોલીસવાળાઓ તરફ ફરતાં હુકમ આપ્યો : ‘ચાલો ! હવે એમને પકડીએ !’ અને ગોખલે ‘દિવાન જ્વેલર્સ’ના મેઈન દરવાજા તરફ લપક્યો, તો પંદર પોલીસવાળા પોતાના હાથમાંની બંદૂકો સાથે આગળ વધ્યા.

જ્યારે ઈન્સ્પેકટર સાઈરસ એમની પાછળ ચાલ્યો. સાઈરસના હાથમાં આટલા વરસોથી નહિ ઝડપાયેલો કબીર અત્યારે આ રીતના ‘દિવાન જ્વેલર્સ’માં ચોરી કરતાં રંગે હાથ પકડાઈ રહ્યો હતો, એ વાત જાણે સાઈરસના માનવામાં આવતી નહોતી.

‘દિવાન જ્વેલર્સ’ના મેઈન દરવાજા પાસે પહોંચેલા ગોખલેએ ‘દિવાન જ્વેલર્સ’ના માલિક પાસેથી મેળવેલું ઈલેકટ્રોનિક કાર્ડ લૉકમાં લગાવીને લૉક ખોલી નાંખ્યું. મેઈન દરવાજો ખુલી ગયો એટલે રિવૉલ્વરની અણી સામેની તરફ તાકતાં ગોખલે ‘દિવાન જ્વેલર્સ’ની અંદર દાખલ થયો.

ગોખલેની પાછળ-પાછળ એના સાથીઓ-પંદર પોલીસવાળા પણ બંદૂકની અણિ આગળની તરફ કરેલી રાખતાં ‘દિવાન જ્વેલર્સ’માં દાખલ થયા.

ત્યારે એ રૂમમાં, લોખંડી દરવાજો ખોલીને, ખાસ્સી મોટી લોખંડી સૅફ-તિજોરી પાસે પહોંચેલા કબીરની બાજુમાં ઊભેલો હરમન કહી રહ્યો હતો : ‘ચાલ હવે, કબીર ! બતાવ તારી કમાલ ! !’

અને ઈન્સ્પેકટર સાઈરસ પોતાની હથિયારબંધ પોલીસ પલટન સાથે ‘દિવાન જ્વેલર્સ’માં દાખલ થઈ ચૂકયો છે, એ હકીકતથી બેખબર કબીર એ રૂમમાંની મોટી-લોખંડી તિજોરીનું લૉક ખોલવાના કામમાં પરોવાયો.

( વધુ આવતા અંકે )