blossoms of love.... in Gujarati Love Stories by Vishakha Makadia books and stories PDF | વસંત પ્રીતની....

Featured Books
Categories
Share

વસંત પ્રીતની....

વસંત પ્રીત ની.....

વસંતમાં પાંગરતા પ્રેમ ના પુષ્પો ને ઉજાગર કરતી લઘુ નવલકથા

“નિશુ....... જલ્દી કર ને..... કેટલું તૈયાર થઈશ? લેટ થઈ જાશું યાર આપણે.....” રિધિમાએ એની ફ્રેન્ડને ઘરની બહારથી જ અવાજ કર્યો..... નિશીતાના રૂમની બાલ્કની ગેટ સાઇડ જ પડતી એટ્લે એ તરત સાંભળી ગઈ.....

“હા પણ આવું છુ...... અમારી કઈ તમારા જેવી સ્પીડ નઈ મેડમ.... એન્ડ કમ સે કમ આજે તો તૈયાર થવા દે..... પ્રયાગ પણ ત્યાં આવવાનો છે... “ નિશીતાએ પોતાના રૂમમાંથી જ અવાજ કર્યો......

રિધિમા સમજી ગઈ કે આ મેડમ હજુ અડધો કલાક લેશે. આટલા વર્ષોની ફ્રેન્ડશિપ હતી, એટલી તો ઓળખે જ ને. એટલે રિધિમા એની સ્કૂટી પાર્ક કરીને અંદર ગઈ. નિશીતાના મમ્મી કિચનમાં હતા. રિધિમા એટ્લે એને બીજી દિકરી એટલે તરત જ બોલ્યા, “એના રૂમમાં જઈ એની ઉપર ઊભી રે બાકી તો એ ગરબા પૂરા થવાના ટાઈમ એ જ રેડી થશે.”

“તો શું..... પ્રયાગ હારે ફોનમાં લાગ્યા હશે મેડમ અને હવે તૈયાર થવામાં કલાક કરશે.” રિધિમા ઉપર નિશીતાના રૂમમાં પહોચી.

આખો રૂમ ફેલાવેલો હતો નિશીતાએ. રિધિમા ગુસ્સામાં તેની સામે ઊભી રહી. “તે હજુ ખાલી કપડાં જ ચેન્જ કર્યા છે????”

નિશીતા રિધિમાને જોતી જ રહી ગઈ. “કેવું પડે તારું હો પણ.... માલ લાગે છે આજ તો તું..... ડ્રેસિંગ સેન્સ હોય તો તારા જેવી....”

*******

રિધિમા એક પ્રમાણસર ભરાવદાર શરીર અને 5’5” ની હાઇટ ધરાવતી ઘઉંવર્ણી છોકરી. આજે નવરાત્રિનો પહેલો દિવસ હતો એટલે ખૂબ સિમ્પલ એવો ગળી બ્લૂ કલરનો લાઇટ મિરર વર્ક વાળો ઘાઘરો, મરૂન રંગના બેકલેસ તો નહીં છતાં લગભગ આખી પીઠ ખુલ્લી દેખાય એવા બ્લાઉઝ અને ગોલ્ડન કલરના દુપટ્ટામાં શોભતી હતી. કાનમાં લાંબા ઇયરરિંગ્સ, માથામાં ભળતો માંગટીકો અને પફ લઈને બાંધેલા એના રેશમી ઘાટા વાળ એના ચહેરાની નમણાઈને વધુ નિખારતા હતા. સુરાહી નાજુક ડોક પર કોઈ જ ઘરેણું નહતું તો પણ તેને છાજતી હતી. પાતળી કમર પર એક કમરબંધ અને હાથમાં મરૂન અને ગોલ્ડન કલરનો ચૂડો. પગમાં પહેરેલ પાયલ એની લચકભરી ચાલને એક સંગીત આપતી હતી. સામે, નિશીતા એક 5’3” ની હાઇટ વાળી પાતળા પણ આકર્ષક દેખાવની ગૌરવર્ણ ધરાવતી છોકરી. રૂપ અને નમણાઈમાં જાણે ભગવાને તેને નવરાશના સમયમાં બનાવી હોય એવું લાગતું. જોનારા બધા જોતાં જ રહી જાઈ એવું મંત્રમુગ્ધ કરી દેતું એનું ચંચળ વ્યક્તિત્વ. છતાં પોતાની ડ્રેસિંગ સેન્સને લીધે રિધિમા પણ કોઈ રીતે ઓછી ઉતરે એવી નહતી. એનું શાંત વ્યક્તિત્વ એના દેખાવને એક અલગ જ પ્રભાવ આપતું.

આ બંને ફ્રેંડ્સ લગભગ સ્કૂલ શરૂ થઈ ત્યારથી યુવાની સુધી સાથે જ હતી. બંનેના પરિવાર પણ આ બંનેના લીધે એકબીજા સાથે ખૂબ સારા સબંધે જોડાયેલા. કોલેજના સમય માં પોતાના ચંચળ સ્વભાવને લીધે નિશીતા બધાના ધ્યાનમાં આવી જતી અને એનું રૂપ લોકોની આંખોમાં વસી જતું. એને તૈયાર થવાનો શોખ પણ ખરો અને એમાં એને રિધિમાની મદદ મળતી રહેતી એટલે કોલેજના લગભગ બધા યુવાનોના આકર્ષણ નું તે કેન્દ્ર રહેતી. જ્યારે રિધિમાના ઓછાબોલા સ્વભાવ અને નહિવત તૈયાર થઈ સાદાઈથી જ કોલેજ જવાને લીધે તે ખૂબ ઓછી કેન્દ્ર માં રહેતી. હા, નિશીતાની ફ્રેન્ડ તરીકે એને લગભગ બધા ઓળખતા.

કોલેજના પહેલા વર્ષ થી જ એમનું ફ્રેન્ડ સર્કલ ખૂબ મોટું. સિનિયર અને જુનિયર બધા લોકો તેમના ગ્રુપમાં હતા. જ્યારે તે બંનેએ કોલેજના ફર્સ્ટ યર માં એડ્મિશન લીધું ત્યારે પ્રયાગ ફાઇનલ યરમાં હતો. ત્યારથી જ નિશીતા અને પ્રયાગ વચ્ચે સારી એવી દોસ્તી. ધીમે ધીમે આ સબંધ પ્રેમમાં પરિણમ્યો અને પરિવારોની સહમતીથી હજુ થોડા દિવસ પહેલા જ તેમની સગાઈ કરવામાં આવી. કોલેજ પત્યા પછી બધા પોતાની લાઇફમાં વ્યસ્ત થઈ ગયા એટલે છેલ્લી નવરાત્રિ તો કોઈ સાથે નહતું. પણ આ નવરાત્રિ બધા સાથે ગરબા રમવાના પ્લાનિંગમાં હતા. ખાસ તો પ્રયાગ અને નિશીતાની સગાઈના સેલિબ્રેશન તરીકે જ આ પ્લાનિંગ હતું.

*******

નિશીતાએ કરેલા વખાણથી રિધિમાના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. તો પણ બનાવટી ગુસ્સો કરી એણે નિશીતાને કીધું, “હા હવે મારા વખાણ કરવાનું બંધ કર અને જલ્દી તૈયાર થા. પ્રયાગ કાઈ તને પહેલી વાર નથી જોતો.”

“ભલે ને, પણ સગાઈ પછી તો અમે મળી જ નહોતા શક્યા એના કામને લીધે. સો ઓફિશિયલી તો સબંધ નક્કી થયા પછી પહેલી વાર મળશુને યાર.....” નિશીતા શરમાળ સ્મિત સાથે બોલી.

“એ સારું.... લાવ હવે જલ્દી તૈયાર કરું તને બાકી પ્રયાગ જોડે ગરબા રમવા જ નહીં મળે તને.” નિશીતાને ચીડવતા રિધિમાએ એને તૈયાર કરી. અને બંને ફટાફટ નીચે આવ્યા.

બંનેને આટલી સારી રીતે તૈયાર થયેલી જોઈને નિશીતાના મમ્મીએ વખાણ કર્યા અને પછી રિધિમાને કહ્યું, “હવે તું યે કોઈ પાર્ટનર શોધી લે એટ્લે અમે બંને દીકરીઓને પરણાવીને નિરાંત લઈએ.” રિધિમા એ હસતાં હસતાં કહ્યું, “ના હો, મને આની જેમ કોઈ ઉતાવળ નથી લગન કરવાની... હું તો હજુ ચાર-પાંચ વર્ષ ક્યાય જવાની નથી.....” એટલે નિશીતા બોલી, “હા એને તો કોઈ છોકરા ગમતા જ નથી. એના માટે તો કોઈ રાજકુંવર જ ગોતવો પડશે... સ્વયંવર કરાવીને....” રિધિમાએ આ સાંભળી નિશીતાને કોણી મારી અને ચાલતી થઈ. બંને રિધિમાની સ્કૂટી પર બેસીને જ્યાં ગરબા થવાના હતા એ પાર્ટી પ્લોટ પર પહોચી ગઈ.

ત્યાં પહોચીને રિધિમા સ્કૂટી પાર્ક કરવા ગઈ અને નિશીતાએ પ્રયાગને કોલ લગાવ્યો. ત્યાં જ પ્રયાગનું ધ્યાન પડતાં તે નિશીતા પાસે આવ્યો.... પ્રેમથી એની સામે જોયું અને સ્માઇલ કરતાં બોલ્યો, “શું વાત છે ને, આજ તો મારે તારી સાથે જ રે’વું પડશે... ક્યાંક કોઈ બીજું તારા પર મોહી ના પડે.”

“બસ બસ હવે.” નિશીતા શરમાઇને બોલી.

એટલામાં જ એક અજાણ્યો છોકરો આવીને પ્રયાગને બોલ્યો, “ભાઈ, અમારી યે ઓળખાણ કરાવો હો.” એટલે પ્રયાગે નિશીતાને કહ્યું, “ નિશું, આ મારો કઝીન તન્મય. મે તને કહ્યું હતું ને આના વિશે. ભાઈ કમ ફ્રેન્ડ છે. મારો બેસ્ટી. બિઝનેસમાં તો એક્કો છે જ, એટલે તો આપણી સગાઈમાં યે નો’તો આવ્યો(તન્મય સામે બનાવટી ગુસ્સો દેખાડે છે....) અને સાથે ગર્લફ્રેંડ્સ ફેરવવામાં યે એક્કો. કોલેજથી લઈને અત્યાર સુધીમાં હાફ સેન્ચુરી મારી હશે પણ એની એક પણ એક્સ એના વિશે આજે પણ ખરાબ નહીં બોલે એટલો વ્યવસ્થિત માણસ હો. હાલ તો ભાઈ સિંગલ જ છે, પણ હવે કાકાના પ્રેશરને લીધે લગન કરવાનું વિચારે છે.”

આ સાંભળીને તન્મય પ્રયાગને ધબ્બો મારીને બોલ્યો, “ભાઈ, પેલા તો એ કે, વખાણ કરતો’તો, મજાક ઉડાવતો’તો કે પછી ટોન્ટ મારતો’તો હે?” પછી નિશીતા તરફ ફરીને બોલ્યો, “ભાભી અમારા ભાઈની વાતો પર ધ્યાન ના દેશો હો. ને જોજો, મારા લગન આના કારણે જ નહીં થાય. બધાને તન્મય-પુરાણ કહી કહી ને.. “ આ સાંભળી ને ત્રણેય હસવા લાગ્યા.

એટલામાં ગાડી પાર્ક કરીને રિધિમા આવી. એટલે નિશીતા કહે, “રીધુ, મારી બેન, ઘરે ગઈ’તી બાઇક પાર્ક કરવા કે શું?”

એટલે રિધિમા બોલી, “તું તો રેવા જ દે. તારા તૈયાર થવાના ચક્કરમાં લેટ થયા તે કેટલું દૂર જવું પડ્યું પાર્ક કરવા.” પછી પ્રયાગ સામે જોઈને સ્માઇલ સાથે કહે, “હેલ્લો ઓફિશિયલ જીજાજી..”

એટલે પ્રયાગે હસીને કહ્યું “હાઇ…” અને પછી બોલ્યો, “ચાલો તો અંદર જઈએ? બાકીના ફ્રેન્ડ્સ અંદર જતાં રહ્યા. અમે તમારી રાહ જોઈને ઊભા હતા.”

આ બધી વાત ચાલુ હતી ત્યાં સુધી તન્મયનું ધ્યાન સતત રિધિમાના ચહેરા પર જ હતું. નિશીતાએ આ વાત નોટિસ કરી લીધી પણ કઈ બોલી નહીં, ખાલી પ્રયાગને ઈશારો કર્યો. પ્રયાગએ પણ તન્મય સામે જોયું અને પછી એને ખભે હાથ રાખીને હસતાં હસતાં બોલ્યો કે “ભાઈ ચાલો અંદર જઈએ?” આ દરમિયાન રિધિમાને કોઈનો ફોન આવતા તે વાત કરતી કરતી આગળ ચાલતી થઈ ગઈ એટલે એને ખબર ના પડી કે તન્મય એની સામે જ જોતો હતો.

અંદર જઇને એ લોકો બધા જૂના ફ્રેન્ડ્સને મળ્યા અને ગરબાનો પહેલો રાઉન્ડ ચાલુ થઈ ગયો હોવાથી બધા રમવા ચાલ્યા ગયા. ગરબા રમતી વખતે પણ તન્મય નું ધ્યાન સતત લયબદ્ધ રીતે ઝૂમતી રિધિમા પર જ હતું. આ વખતે રિધિમાએ પણ નોટિસ કર્યું કે તન્મય એને જોવે છે. પણ કઈ રિએક્શન આપ્યા વિના રમ્યા કર્યું. પ્રયાગ અને નિશીતા પણ તન્મયને વચ્ચે નોટિસ તો કરતાં જ હતા પણ એ તો ક્યારેક વચ્ચે વચ્ચે જ. પોતાના માટે પણ આ સ્પેશિયલ નવરાત્રિ જ હતીને, આથી મોટેભાગે તો બંને પોતાની નજરોના ટકરાવમાં જ ખોવાયેલા હતા. રાઉન્ડ પૂરો થતાં બધા ગ્રાઉંડની બહાર પથરાયેલી લૉન પર એક ખૂણા માં જઇને બેઠા. રિધિમાને તરસ લાગી હોવાથી એ અને નિશીતા પાણી પીવા માટે ગયા. નિશીતાએ વાત છેડતા કહ્યું, “રિધુ તે કઈ નોટિસ કર્યું?” એટ્લે રિધિમાએ એની સામે જોઈને ઇશારા થી પુછ્યું કે શું? નિશીતા કહે, “પેલો તન્મય છે ને પ્રયાગનો કઝીન એ આપણે આવ્યા ત્યારથી તને જ જોવે છે. તારા સામેથી એની નજર હટતી જ નહોતી.” રિધિમાએ પણ નોટિસ તો કર્યું જ હતું, એકાદ નજરમાં એણે પણ તન્મયને જોયો હતો, હેન્ડસમ પણ લાગ્યો હતો, પણ અત્યારે નિશીતા સામે ખોલાવવા નહોતી માંગતી એટલે એ બોલી, “ના યાર, મારૂ એવું કઈ ધ્યાન નહોતું.” અને પછી પાણી પી ને બંને ફ્રેન્ડ્સ પાછી સર્કલમાં આવી બેસી ગઈ અને બધા જોડે વાતો અને મજાક મસ્તીમાં લાગી ગયા. નવા નવા સગાઈ થયેલા કપલને લીધે પ્રયાગ અને નિશીતાની પણ બધા ફ્રેંડ્સ મળીને ઘણી મસ્તી કરતાં હતા. આ સમયે પણ તન્મય રિધિમાના બોલવાની સ્ટાઈલ અને વાતોમાં જ ખોવાયેલો હતો. થોડી વાર વાતો કર્યા બાદ ફરીથી બધા ગરબા રમવા જતાં રહ્યા.

રાતે મોડેથી ગરબા પૂરા થતાં જ બધા ઘરે જવા નીકળતા હતા ત્યારે પ્રયાગે નિશીતાને કહ્યું કે કાલ થી એ પોતાની કારમાં નિશીતા અને રિધિમાને પિક કરવા આવશે જેથી રાતે બંનેને એકલા ઘરે જવું ના પડે આથી રિધિમા હસવા લાગે છે અને કહે છે,

“ઓફિશિયલ જીજાજી, જવા દ્યો ને હવે, એકલા જવું ના પડે એટલે કે તમને સાથે જવા મળે એટલે? અમે પણ બધુ જ સમજીએ હો.”

આથી પ્રયાગ હસતાં હસતાં કહે છે, “હવે કઈક સારું સેવાનું કામ કરતાં પોતાને પણ ફાયદો મળતો હોય તો એને તો સેવાનું ફળ કે’વાય. હે ને નિશીતા?” આમ કહી નિશીતા ને આંખ મારે છે એટ્લે તે શરમાઇ જાય છે અને બાકીના બધા હસવા લાગે છે.

“તો પછી હું નહીં આવું હો. નકામું સેવાનું ફળ મળતા રહી જશે... “ આમ કહીને બંને ની મજાક ઉડાવે છે. આથી નિશીતા કહે છે, “ચૂપ, તને એકલી આવવા દેતી હોઈશ હું કઈ? છાનીમાની અમારી કારમાં બેસી જજે.”

“જોવો જીજાજી, મારો વાંક નઇ હો...” આથી પ્રયાગ હસતાં હસતાં કહે છે, “ના ના, અમારા રાણી ખુશ એમાં અમે ખુશ....” આથી ફરીથી બધા હસવા લાગે છે. એકબીજાને બાય કરીને બધા છૂટા પડ્યા અને નિશીતાને ઘરે ડ્રોપ કરી રિધિમા પણ ઘરે જતી રહી.

બીજા દિવસે રિધિમાએ ગરબા સ્પેશિયલ કચ્છી વર્ક વાળા ઓરેંજ અને બ્લૂ કલરના ચણિયાચોળી પહેર્યા સાથે જ વાળનો બનની મદદ થી અંબોડો બાંધીને એના પર ફૂલની વેણી બાંધી લીધી. બ્લૂ કલરની બિંદી સાથે બધા જ ઓર્નામેંટ્સથી અલંકૃત થઈને એને દુપટ્ટો એવી રીતે ઓઢયો હતો કે નાભીથી નીચે બાંધેલ ઘાઘરાને લીધે એની કમરના વણાંકો કોઈપણની નજર ખેચે. આમ છતા તેના દેખાવમાં અશ્લીલતાને બદલે પરંપરાગત પોશાકમાં સજ્જ ગરવી ગુજરાતણનું ઢાંકેલું જોબન દેખાતું હતું.

તૈયાર થઈને તેણે નિશીતાને ફોન જોડ્યો કેમ કે આજ નિશીતાને પિક કરીને પ્રયાગ તેને લેવા આવવાનો હતો.

“હા રીધુ, અમે બસ તારા ઘર પાસે પહોચવા આવ્યા... બહાર આવી જા...” નિશીતાનો આવો જવાબ સાંભળી ઘરે કહીને રિધિમા બહાર આવી ઊભી રહી.

કાર આવી એટલે તરત નિશીતા બહાર નિકળીને રિધિમા પાસે આવી, “ઓયે હોયે.... મસ્ત લાગે છે યાર તું....” જવાબમાં રિધિમા બોલી “તું યે કઈ ઓછી નહીં લાગતી... પ્રયાગનો જાદુ દેખાય છે જો તો..” એમ કહી મજાક કરી....

નિશીતા આ સાંભળી થોડી શરમાઇ ગઈ અને પછી આંખ મારી ને સ્માઇલ સાથે બોલી, “ઉહુ, મારો જાદુ પ્રયાગ પર ચાલ્યો....” પછી કહ્યું, “વેઇટ હું આંટીને મળી આવું...” કહીને તે અંદર જતી રહી... રિધિમા હસતાં હસતાં તેની રાહ જોઈને ઊભી હતી.

આ બાજુ કારમાં બેઠા બેઠા તન્મય ફરીથી રિધિમાને જોવામાં ખોવાઈ ગયો. પ્રયાગએ તેને હલાવ્યો અને પુછ્યું “ભાઈ કાલનો જોવ છુ કે તું રિધિમાને જોવામાં આજુબાજુનું ભાન પણ ભૂલી જાય છે. શું ચાલે છે મગજ માં? જો પેલા જ કહી દઉ, રિધિમા તારી બીજી બધી એક્સ gf જેવી નથી. એક્દમ સીધી છોકરી છે. જો નેક્સ્ટ gf બનાવવાનું વિચારતો હોય તો રે’વા દેજે.”

તન્મયે આ સાંભળીને પ્રયાગ સામે જોયું અને બોલ્યો, “ભાઈ, એનામાં એક અલગ જ આકર્ષણ છે યાર, અને હું એને gf બનાવાવનું યે નહીં વિચારતો. બસ ખોવાઈ જ જાવ છુ જોતાં જોતાં જ. બીજા કઈ વિચાર જ નઇ આવતા.”

પછી ફરીથી રિધિમા સામે જોયું અને બોલ્યો, “પ્રયાગ, ભાઈ, જો બાપા લગન જ કરાવવા માગતા હોય તો આની જોડે કરાવે. મને કોઈ જ પ્રોબ્લેમ નથી... I am ready….”

આ સાંભળીને પ્રયાગને આશ્ચર્ય થયું અને સાથે ખુશી પણ કેમ કે એક તો તન્મય લાઇફમાં પહેલી વાર લગ્ન કરવાની હા પાડે છે, અને એ પણ રિધિમા જેવી એક્દમ વ્યવસ્થિત છોકરી એને પસંદ આવી છે. પરંતુ પ્રયાગ હજુ તન્મયને ચકાસવા માગતો હતો કે એ સમજી વિચારી ને બોલે છે કે પછી રિધિમાથી અંજાઈ ગયો છે એટલે?

આથી પ્રયાગ એ કહ્યું “ભાઈ, કંટ્રોલ, એ તો તું એનું રૂપ જોઈને અંજાઈ ગયો છો એટલે. બાકી તું અને લગ્ન? હા..હા..હા....” પણ તન્મયે એની સામે જોઈને દ્રઢતાથી કહ્યું, “ભાઈ સિરિયસલી કહું છુ. જરાય મજાકમાં ના લેતો.” ત્યાં જ નિશીતા અને રિધિમા આવી જતાં તેઓ નીકળે છે.

આજે એ લોકો વહેલા પહોચી ગયા હોવાથી બીજા બધાની રાહ જોઈને બહાર ઊભા હતા. પ્રયાગ અને નિશીતા પોતાના પ્રેમાલાપમાં વ્યસ્ત હતા અને તન્મય રિધિમાને નજરો થી માણવામાં. અચાનક જ રિધિમાનું ધ્યાન જાય છે કે તન્મય એકીટસે પોતાની સામું જ જોવે છે. એટલે રિધિમા થોડી uncomfortable થઈ જય છે. તન્મય તો એને ઉપરથી નીચે સુધી નિહાળવામાં જ ખોવાયેલો હતો. અચાનક એની નજર રિધિમાની કમર પર અટકી જાય છે. રિધિમાને પણ આ ખબર પડી જવાથી તે હાથેથી પોતાની કમર ઢાંકી દે છે. ત્યારે તન્મયને સમજાય છે કે રિધિમા uncomfortable છે એટલે એ નજર ત્યાંથી હટાવીને રિધિમાની આંખોમાં જોવે છે. આથી રિધિમા તરત જ નજર ફેરવીને બીજી બાજુ જોઈ જાય છે.

આ પછી પણ તન્મય પોતાની નજરને હટાવી નથી શકતો. મનમાં તો તે પોતાને જ ખીજાય છે કે “બસ હવે તન્મય એને આવી રીતે જોવાનું બંધ કર. એને ખોટું લાગી જશે. કંટ્રોલ યોર સેલ્ફ યાર....” પણ આજે તો જાણે એની નજર પણ એના કાબૂમાં ના હોય એમ રિધિમા પરથી હટતી જ નથી.

થોડી વાર માં ફરી રિધિમા તન્મય સામું જોવે છે. એ હજુ પણ રિધિમા ને જોતો હોય છે. એક સેકંડ માટે બંનેની નજર મળે છે અને રિધિમા તન્મયની આંખો માં પોતાના માટે એક અલગ જ ભાવ જોવે છે. રિધિમા સમજી જાય છે કે કોઈ જ ખરાબ વિચારથી નહીં પણ એના પર મુગ્ધ થઈને તન્મય એને જોવે છે. પછી પોતે ત્યાંથી થોડે દૂર જતી રહે છે કેમ કે એને ઓકવર્ડ ફીલ થતું હોય છે.

ત્યારે તન્મયને રિયલાઇઝ થાય છે કે પોતે ઘણી વારથી એને આમ જોઈ રહ્યો છે અને એ કદાચ રિધિમા ને પસંદ નથી એટલે એ જતી રહી. એટલે તન્મય એની પાસે જાય છે અને કહે છે, “I am sorry to make you feel uncomfortable. આજે તમે કઈક વધારે જ સુંદર લાગો છો એટલે મારી નજર પણ મારા કાબૂ માં નહોતી. સોરી.” અને આટલું કહીને કોઈ જ રિસ્પોન્સની રાહ જોયા વિના ત્યાંથી જતો રહે છે.

રિધિમા વિચારે છે કે ‘ગજબ નો સ્માર્ટ છે. આમ તો એણે પોતાના બિહેવિયર માટે માફી યે માંગી લીધી અને મારા લૂકના વખાણ પણ કરી લીધા.’ આટલું વિચારી એના ફેસ પર સ્માઇલ આવી જાય છે.

એટલી વારમાં જ બીજા ફ્રેન્ડ્સ આવી જવાથી બધા ગરબા રમવા જાય છે. આજે પણ કાલની જેમ જ તન્મયનું ધ્યાન રિધિમા તરફ હોય છે. પણ તેને ખરાબ ના લાગી જાય માટે તે રિધિમાથી નજર બચાવીને તેને જોવે છે. પણ આજે રિધિમા પણ તન્મયને વધુ ઓબ્ઝર્વ કરતી હોય છે અને વચ્ચે બે-ત્રણ વખત બંનેની નજરો સામ-સામે ટકરાય છે. પણ કોઈ જ જાતના રિસ્પોન્સ વિના બંને પોતાની રીતે ગ્રુપમાં એન્જોય કરે છે. આવો જ ક્રમ રોજ ચાલતો હોય છે. પ્રયાગ અને નિશીતા આ બધુ ઓબ્ઝર્વ કરે છે.

નવરાત્રિનો પાંચમો દિવસ રવિવાર હોવાથી સવાર સવારમાં જ પ્રયાગ નિશીતાને કોલ કરીને મળવાનો પ્લાન ફિક્સ કરે છે અને બંને એક કોફી શોપમાં મળે છે. થોડી વાર માટે બંને પોતાની પ્રેમગોષ્ઠિમાં જ ખોવાઈ જાય છે. એટલામાં પ્રયાગને ફોન આવે છે.

“હા તન્મય બોલ ભાઈ................. હા અમે અહી જ છીએ. હું તને લોકેશન મોકલું વેઇટ.......... તું અત્યારે ક્યાં છો?........... હા તો તારે હજુ પંદર મિનિટ લાગશે...... તું આવી જા, અમે અહી જ છીએ.”

આ સાંભળી નિશીતા આશ્ચર્યથી પ્રયાગને પૂછે છે, “તન્મય અત્યારે અહી આવે છે?”

“હા. એક્ચુઅલી મારે તને એના વિશે જ વાત કરવી છે. આપણે બંનેએ ઓબ્ઝર્વ કર્યું એ સાચું જ છે. અને હવે વાત આગળ વધારવી પડશે.” પ્રયાગએ કહ્યું.

“મતલબ? કઈ સમજાયું નહીં.” નિશીતાએ પૂછ્યું.

“એ હું તને કહું. પહેલા તું મને એ કે, રિધિમાને કઈ આઇડિયા છે કે તન્મય રોજ એને જોવે છે કે એમ કહું કે એને લાઈક કરે છે? તમારી કોઈ વાત થઈ છે આ ટોપિક પર?” પ્રયાગ એ રિધિમાના મનનો તાગ મેળવવા પુછ્યું.

“આમ તો તમે લોકો જ રોજ લેવા માટે અને ડ્રોપ કરવા આવો છો એટલે અમારે એકલામાં કઈ ખાસ વાત નથી થતી, પણ કાલે મેસેજમાં મારે એની જોડે થોડી વાત થઈ હતી....” આમ કહી નિશીતા પોતાનું અને રિધિમાનું ચેટ પ્રયાગને બતાવે છે.

*****

નિશીતા – “હાઇ રિધુ, મારે તને એક વાત પૂછવી હતી. પેલા જ કહી દઉં છુ, જવાબ સરખો આપવો હોય તો જ પૂછું. વાત ઉડાવવાની નથી....”

રિધિમા – “o my god yaar…. આવું કે તો બીક લાગી જાય કે શું યે પૂછી લેશે..... હા...હા...હા...”

નિશીતા – “મજાક નહીં... seriously કહું છુ.....” અને ગુસ્સા વાળું smiley મોકલે છે.

રિધિમા – “હા બાબા બોલ ને. તને ક્યારેય સરખો જવાબ ના આપ્યો હોય એવું બન્યું છે ડિયર? પૂછ ચલ.”

નિશીતા – “મે તને પહેલા નોરતે કીધું હતું કે તન્મય તને જ જોવે છે. તે એ નોટિસ કર્યું આટલા દિવસમાં?”

રિધિમા પહેલા તો થોડું વિચારે છે કે શું કરું? બધું શેર કરું? પછી પોતાની બેસ્ટી થી કઈ છુપાવવું ઠીક ના લાગતા તે બધુ શેર કરે છે કે કેવી રીતે બીજા દિવસે તન્મયએ સોરી કહ્યું’તું અને પછી પણ તેણે ઘણી વાર તન્મયને પોતાને છૂપી રીતે ઓબ્ઝર્વ કરતાં જોયો છે.

નિશીતા – “તું તન્મય વિશે કઈ વિચારે છે?”

રિધિમા – “જો ડિયર અત્યારે તો હું એવું કઈ જ વિચારતી નથી. અને તું પણ આ વિશે બહુ બધુ ના વિચાર. આઈ હોપ તું સમજી ગઈ મારી વાત.”

***********

“આવી રીતે વાત થઈ હતી રિધુ જોડે.” નિશીતા પ્રયાગને બધુ જણાવે છે.

“ ok…” પ્રયાગને આમ વિચારમાં જોઈને નિશીતા પૂછે છે કે શું થયું છે.

“વાત એમ છે નિશું કે આપણાં તન્મય ભાઈ રિધિમાને લઈને સાચે જ serious છે.” પ્રયાગએ કહ્યું.

“સિરિયસ મીન્સ? કઈક ખૂલીને કહો તો સમજાય ને મને....” નિશીતાએ વાતને વધુ સમજવા માટે પૂછ્યું.

“નિશું તને યાદ છે? જ્યારે મે તન્મયની ઓળખાણ તારી જોડે કરાવી ત્યારે મે કહ્યું હતું કે ભાઈને મેરેજમાં રસ નથી, બસ gf બનાવવી ગમે.”

“હા, યાદ છે ને.”

“તન્મય બસ બે દિવસ માટે જ ગરબા રમવા અહી રાજકોટ આવ્યો’તો, એ પણ સગાઈમાં ના આવવાની સજાના લીધે.... કેમ કે અમદાવાદ અને બરોડાનો બધો બિઝનેસ તે એકલો જ સંભાળે છે. પણ રિધિમાને જોયા પછી એ ઘણો ઇમ્પ્રેસ છે અને અહી એ એના માટે જ રોકાયો છે.”

“પ્રયાગ, જો એ રિધિમાને gf બનાવવાનું વિચારતા હોય તો એમને સમજાવજો કેમ કે તમને ખબર છે કે રિધિમા ક્યારેય હા નહીં કહે.”

“નિશું મને પણ પહેલા એવું જ લાગ્યું અને એટલે જ મે એને ચેતવ્યો હતો. પણ હું યે આશ્ચર્યમાં છુ કે એ ભાઈ gf નહીં પણ wife બનાવવા માટે સિરિયસ છે.”

આટલી વાત થઈ ત્યાં તન્મય કોફી શોપમાં પહોચી જાય છે.

તન્મય – “હાઇ ભાઈ..... કેમ છો ભાભી.....”

નિશીતા – “આવો આવો તન્મય ભાઈ.... તમે તો બહુ રોકાઈ ગયા ને અમારા રાજકોટમાં....”

પ્રયાગ આ સાંભળી તન્મય સામે જોઈને હસવા લાગે છે.

“એમાં એવું છે ને ભાભી, રાસ્તો કો મંઝિલ મિલ ગઇ... અબ તો યહી અપના બસેરા બન જાયેગા....” તન્મય આવી રીતે શાયરની અદાથી પંક્તિ સંભળાવે છે. આ જોઈને પ્રયાગ અને નિશીતા હસવા લાગે છે.

પ્રયાગ – “ઓહો ભાઈ.... તું તો શાયર બની ગયો ને કાંઈ....”

તન્મય – “એ જ તો સમજાવું છું કે કઈક કર તારા ભાઈ નું.... ભાભી, પ્લીઝ તમારી યે મદદ જોઈશે.”

નિશીતા – “પહેલા તો આ ભાભી ભાભી બંધ કરો તન્મય ભાઈ, કેવું વિચિત્ર લાગે છે. નિશીતા જ બરાબર છે.”

તન્મય પ્રયાગ તરફ જોઈ ને – “ભાઈ તને કઈ પ્રોબ્લેમ નથીને તારી નિશુંને હું નિશીતા કહીને બોલાવું તો?”

એટલે પ્રયાગ હસતાં હસતાં કહે છે “તું અમારી મજાક બંધ કર અને પહેલા તારી સ્ટોરીને આગળ વધાર.”

એટ્લે તન્મય સિરિયસ થતાં બોલે છે, “એ જ તો નહીં સમજાતું મારા ભાઈ કે આગળ કેમ વધારુ. કેટલી યે ગર્લ્સને પ્રપોઝ કરી છે, કેટલીયે ગર્લફ્રેંડ ફેરવી છે. ખબર નહીં આ એક જ જગ્યા એ તારા ભાઈની બોલતી બંધ થઈ ગઈ છે. ખબર નહીં એનામાં એવો તે શું જાદુ છે કે સામાન્ય રીતે વાત કરવામાં પણ હિમ્મત લાગે છે. ખૂબ નજીકથી ઓળખતો નથી કે એને સમજતો નથી. જરાય નથી ઇચ્છતો કે વિચાર જ્યારે લાઈફટાઈમના રિલેશનનો છે ત્યારે ઉતાવળ કરવામાં કોઈ ગરબડ થઈ જાય.”

નિશીતા આ સાંભળીને વિચારે છે કે તન્મયની વાત પર થી તો એ આ વાતને લઈને ઘણો ગંભીર લાગે છે. પણ છતાં વધુ પાક્કુ કરવા વાત આગળ વધારે છે.

નિશીતા – “તન્મય ભાઈ, પહેલા તો મને એ કહો, જેમ તમે જ કહ્યું કે તમે રિધુને પર્સનલી ઓળખતા નથી, જસ્ટ છેલ્લા પાંચ દિવસથી ઓળખો છો અને ખાલી જોવો છો. તો તમે આટલા શ્યોર કેવી રીતે છો તેને લાઇફ પાર્ટનર બનાવવા માટે?”

તન્મય – “નિશીતા, મને ખુદ નથી ખબર. કદાચ સિક્સ્થ સેન્સ જેવુ કઈક કામ કરતું હશે. હા પણ એટલું જરૂર કહીશ, કે રોજ ઘણા લોકોને મળું છુ, કોઈ વ્યક્તિથી એમ જ તો નહીં જ અંજાઈ જાવ. આ વાત ખાલી લૂકની જ નથી કે ખાલી હું એની પર્સનાલિટી, વાત કરવાની સ્ટાઈલ, સાદગી, આ બધાથી પ્રભાવિત છું એવું પણ નથી. ઘણી બધી રિલેશનશિપમાં રહ્યો છું પણ કોઈ જોડે એવું નથી થયું કે આખી લાઇફ એની જોડે શેર કરવાનું વિચારું. બસ તમારી આ ફ્રેન્ડને જોઈ ત્યારથી એક જ વાત ફીલ થાય કે આની જોડે ખુશ રહીશ, આખી લાઇફ.” આ બોલતા બોલતા તન્મયના ચહેરા પર એક અલગ જ મુગ્ધતાના નહીં પણ જીવનભરના સબંધ માટે વિચારતા હોય એવા ભાવ દેખાઈ આવે છે.

તન્મય આ બધુ બોલતો હતો ત્યારે પ્રયાગ અને નિશીતા એના ભાવ વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કરતાં હતા. પ્રયાગએ નિશીતા સામે જોઈને કહ્યું, “નિશું, હું મારી જવાબદારીએ કહું છું કે વાત આગળ વધારીએ. અને મારા ભાઈને એટલો તો ઓળખું જ છું કે રિધિમા પણ એની જોડે ખુશ જ રહેશે.”

નિશીતા થોડી વાર વિચારે છે, પછી કહે છે “ પ્રયાગ, તન્મય ભાઈ, હું વાત બધી સમજુ છું. અને જો તમે ખરેખર લગ્નની વાત મુકવા ઇચ્છતા હોય તો નવરાત્રિ પછી હું મારા મમ્મી પપ્પા જોડે જઇને રિધિમાના ફૅમિલીને આ વિશે વાત કરું. પણ આમ ડાઇરેક્ટ....”

તન્મય આમ નિશીતાના અટકી જવાથી થોડો અસ્વસ્થ થઈ જાય છે. પણ પ્રયાગ સમજી જાય છે કે નિશીતા શું વિચારે છે.

પ્રયાગ કહે છે, “હું સમજી ગયો નિશું, પણ આ બધા પહેલા રિધિમા અને તન્મયે એકબીજા જોડે વાત કરવી જોઈએ, એકબીજાને થોડા ઓળખે તો સારું. એમ જ ને?”

નિશીતા – “હમમ.... પરંતુ સવાલ એ છે કે રિધિમાને કેમ રેડી કરવી તન્મય જોડે વાત કરવા માટે. જ્યાં સુધી હું મારી ફ્રેન્ડને ઓળખું છું, આ થોડું અઘરું કામ છે.”

તન્મય – “મને કોઈ ઉતાવળ નથી નિશીતા. તમે ટાઈમ લઈ શકો છો. પ્રયાગ તું પણ આમાં નિશીતાની હેલ્પ કરી શકે અગર જરૂર લાગે તો. આમ પણ હું કાલે તો વડોદરા જવા નિકળું છું.”

નિશીતા – “ઓહ.. તમે નીકળો છો... વેઇટ.. મને વિચારવા દો.....” થોડી વાર એ વિચાર કરે છે પછી કહે છે “ આજે રાતે ડિનર આપણે ચારેય જોડે જ લઈએ છીએ.”

પ્રયાગ આ સાંભળી પૂછે છે , “પ્લાન શું છે નિશુ? કઈક સમજાવ તો ખરા.”

નિશીતા – “પ્લાન કઇ જ નથી. બસ રિધુ તન્મય જોડે થોડી વાતો કરે એવો મોકો મળે એ જ ઇચ્છું છું. તો જ એ આગળ કોઈ સબંધની વાત પર વિચાર કરી શકશે ને. ગરબામાં આપણને ટાઈમ નથી મળતો આવો. જો તમે બંને ફ્રી હોય તો.....”

પ્રયાગ અને તન્મય તરત જ સંમતી આપે છે એટલે નિશીતા તન્મયને થોડો હેરાન કરતાં કહે છે, “થોડું નોર્મલ રે’વાની ટ્રાય કરજો હો. ત્યાં પણ ખોવાઈ ના જતાં.” પ્રયાગ અને નિશીતા હસવા લાગે છે જ્યારે તન્મયનો ચહેરો ખુશી થી બ્લશ થવા લાગે છે.

“ચાલો તો અત્યારે નિકળીએ.. સાંજે 6:30 વાગે નિશુના ઘરે મળીએ. નિશુ આજ હું અને તન્મય બાઇક પર આવશું. સો તું રિધિમાને કેજે એની બાઇક લઈને તારી ઘરે આવી જાય.” પ્રયાગે કહ્યું. નિશીતા એનો પ્લાન સમજી ગઈ એટલે મુસ્કુરાઈને હા પાડી.

અચાનક તન્મય બોલ્યો, “પણ એણે આવવાની ના પાડી તો?” એટલે નિશીતા એ સ્માઇલ સાથે કીધું કે “એ મારા પર છોડી દો.” પછી તન્મય સીધો પ્રયાગના ઘરે જય છે જ્યારે પ્રયાગ નિશીતાને રિધિમાના ઘરે ડ્રોપ કરીને પછી ઘરે જાય છે.

“ઓયે રિધલી, ક્યાં છો?” નિશીતા રિધિમાના ઘરમાં પ્રવેશતા જ એની ફ્રેન્ડને અવાજ લગાવે છે. પછી રિધિમાના મમ્મી જોડે વાતોમાં લાગી જાય છે. ત્યાં પાછળથી રિધિમા આવીને નિશીતાને હગ કરે છે...

“મેડમ, તમારી સવારી અચાનક આ બાજુ કેમ આવી? પ્રયાગ ને મળવા જવાની હતી ને?” રિધિમા એ પુછ્યું.

“લે બસ એમ જ... એને મળી લીધું તો હવે તને મળવા આવી ગઈ. કઈ પ્રોબ્લેમ છે?” નિશીતાએ ખોટા ખોટા રિસાતા કહ્યું.

એટલે રિધિમાના મમ્મી બોલ્યા, “એને પ્રોબ્લેમ હોય તો પણ શું લે. મારી દીકરી મારી પાસે આવી છે.” એમ કહી નિશીતાને લાડ કરે છે એટલે રિધિમા હસવા લાગે છે કે “લો, આવી ગઈ જુગલ-જોડી.. હા..હા...હા...”

પછી રિધિમાના મમ્મી નિશીતાને લગ્નની તારીખ અને પ્લાનિંગ વિશે પૂછે છે અને પછી કહે છે, “નિશીતા, હવે આને ય કોઈ છોકરો બતાવજે એટલે અમારે પણ ચિંતા ઉતરે.”

આ સાંભળીને નિશીતા તીર મારે છે, “આંટી હું તો વિચારું છું કે મારી સાસરીમાં જ કોઈ શોધું જેથી અમે બંને ફ્રેન્ડ સાથે રહી શકીએ.” આ સાંભળીને રિધિમા એની સામે એવી રીતે જોવે છે જાણે કહેતી હોય કે ‘શું ખિચડી પાકે છે તારા મનમાં?’

આ જોઈને નિશીતા હસવા લાગે છે અને પાછું કહે છે, “શું ક્યો છો આંટી? બતાવું કોઈ સારો છોકરો મારી સાસરીમાં જ? હું સાચેમાં પૂછું છું હો.” એટલે એને જવાબ મળે છે “હાસ્તો બેટા, પાક્કુ બતાવજે.” આ સાંભળી રિધિમા વધુ ચિડાય છે અને પોતાના રૂમમાં જતી રહે છે. નિશીતા એની પાછળ રૂમમાં જાય છે એટ્લે તરત રિધિમા રૂમ બંધ કરીને થોડી અકળામણથી પૂછે છે, “શું ચાલે છે તારા મગજમાં? કે મને ચલ.”

નિશીતા – “કઈ જ નહીં. હું તો તને એ કેવા આવી’તી કે આજે સાંજે આપણે ડીનર માટે બહાર જઈએ છીએ.”

રિધિમા – “ આપણે એટલે? તું અને હું કે પછી તું, હું અને પ્રયાગ?”

નિશીતા – “તું, હું, પ્રયાગ અને તન્મય.”

આ સાંભળીને રિધિમાના મનમાં ક્લિયર થઈ જાય છે કે આ કઈક તો મગજ દોડાવે છે. એટલે એ નિશીતા પાસે જઇને બેસે છે અને કહે છે,

“જો નિશું, મને ખબર છે તારા મગજમાં કઈક તો ચાલે જ છે. મે તને એ દિવસે પણ કહ્યું હતું કે હું તન્મય વિશે હજુ કઈ જ વિચારતી નથી. સો પ્લીઝ તું આ ગણિત લગાવવાનું બંધ કરને.”

નિશીતા – “રિધુ, જો આજ હું જે વાત કરું એને એકદમ સિરિયસલી લેજે. તન્મય તને પસંદ કરે છે અને લગ્નની વાત પણ મૂકવા ઇચ્છે છે. આ વાત મને પણ આજે જ ખબર પડી. હા, ઘણી બધી gf અને રિલેશનશિપમાં રહી ચૂક્યો છે, પણ પ્રયાગ એ કહ્યું કે આટલો સિરિયસ રિલેશનને લઈને એ ક્યારેય નથી થયો.” રિધિમા કઈક બોલવા જતી હતી પણ એને વચ્ચે અટકાવીને નિશીતા કહે છે, “પેલા મારી વાત સાંભળી લે ડિયર. પછી તું કહે એ ફાઇનલ. છોકરો સારો છે, એજ્યુકટેડ છે, અત્યાર થી બધો બિઝનેસ પોતે એકલા જ હેન્ડલ કરે છે. છતા પણ મેરેજ ની વાત પર આવતા પહેલા હું અને પ્રયાગ ઇચ્છીએ કે તું એને ઓળખે અને પછી ઠીક લાગે તો આગળ વધીએ. આવું અમે વિચાર્યું છે. અને તને ખબર છે કે જ્યાં સુધી મને ખુદ ભરોસો ના હોય, હું તને ઇનસિસ્ટ ના જ કરું. તું વિચાર કરજે મારી વાત પર અને ઠીક લાગે તો આજે ડિનર પર આવજે અમારી સાથે. જે નક્કી કર એ મને ટેક્ષ્ટ કરજે. બસ? અત્યારે કઈ જ જવાબ આપવાની જરૂર નથી.”

રિધિમા એની ખાસ ફ્રેન્ડ ની વાત સાંભળી ને વિચાર માં ખોવાઈ જાય છે. કેમ કે એને પણ ખબર હતી કે પ્રયાગ અને નિશીતા આટલું સિરિયસલી કહેતા હોય તો ખરેખર વિચારવું જોઈએ. એ કહે છે, “નિશું, મને તારી વાત સમજાય છે પણ ખબર નહીં, હજુ મન તૈયાર જ નથી લગ્ન વિશે વિચારવા.”

“જો રિધુ, તને પણ ખબર છે કે તારા મમ્મી પપ્પા પણ હવે તારા માટે છોકરો શોધવાના જ છે. અને તન્મય એક સારો છોકરો છે તો વિચાર કરવામાં શું ખોટું છે બકા?” નિશીતા એને સમજાવતા આગળ કહે છે “અને ક્યાં તારે એની જોડે લગ્ન કરી જ લેવાના છે, ખાલી એક વાર એને ઓળખવાની ટ્રાય તો કર. જો પસંદ પડે તો ઠીક બાકી વાત આગળ નહીં વધારવાની.”

“ચલ વિચારી ને મને કે’જે તું ડીનર પર આવે છે કે નહીં.” આમ કહી એક હગ આપીને પોતાની ફ્રેન્ડ ને બાય કરી નિશીતા એની ઘરે જતી રહે છે. અને રિધિમા આ બાજુ નિશીતા એ કહેલી વાતો પર વિચારવા લાગે છે.

ઘણો વિચાર કર્યા પછી નિશીતા ની વાત એને સાચી લાગે છે અને પોતાને જ કહે છે કે “ગ્રુપ માં બધા જોડે જવામાં અને એને થોડો ઓળખવામાં કઈ જ ખોટું નહી.” આથી એ એક ટેક્ષ્ટ એની ફ્રેન્ડ ને મોકલે છે , “I will join you on dinner.” થોડી વારમાં એને રિપ્લાઇ મળે છે કે “થેન્ક્સ ડિયર. 6:00 વાગે મારા ઘરે આવી જજે. ગરબા માટે તૈયાર થઈને જ ડીનર પર જાશું અને ત્યાંથી ડાઇરેક્ટ ગરબામાં.”

ત્યાર પછી નિશીતા તરત જ પ્રયાગ અને તન્મયને બંને ફ્રેંડ્સ વચ્ચે થયેલી બધી વાતોથી વાકેફ કરે છે અને રિધિમાના ડિનર પર આવવાના ખુશખબર આપે છે.

રિધિમાએ પોતાનો અને નિશીતાનો ડિનર પ્લાન એના મમ્મી સાથે શેર કર્યો અને તૈયાર થઈ ગઈ. એક વાર પોતાની જાતને અરીસામાં જોઈ અને જોતી જ રહી ગઈ. એકદમ ડાર્ક ગ્રીન કલરના ઘેરદાર કોડી વર્કના લહેંગાને નાભીથી નીચે બાંધેલો હતો. એની ઉપર એવા જ રંગ અને વર્કનું બ્લાઉઝ એની ખુલ્લી પીઠને કઈક વધુ જ ગૌર દેખાવ આપતું હતું. ઉપર સફેદ રંગનો કોટનનો ભરતકામ વાળો દુપટ્ટો કમરબંધમાં જકડાઈને એની શોભા વધારતો હતો. કાનમાં લાંબા અને પોષાક સાથે ભળતા ઝૂમખા, માંગટીકો અને સુરાહી ગરદન પર પહેરેલ નેકલેસ એક ગુજરાતી યુવતીના ઠાઠને અનેરો લૂક આપતા હતા. લાંબા કાળા કેશનો એક સુંદર રીતે ગૂંથેલો ખજુરી ચોટલો એની સુડોળ પીઠ પર શોભતો હતો અને ગૂંથાઇ જવામાં નિષ્ફળ એવી બે-ત્રણ લટો થોડા અટપટા વળાંકો લઈને એના નમણા ચહેરા પર ઝૂલતી હતી. આંખોનું કાજળ અને ઘેરા લીલા રંગ ની મોટી ગોળ બિંદી એના આછા ગુલાબી હોઠ સાથે મળીને એના થોડા લંબગોળ ચહેરાને અલગ જ નિખાર આપતા હતા. થોડી ક્ષણો માટે પોતાને જ જોતી રહી ગયેલી રિધિમાના ચહેરા પર પોતાને શણગારવામાં કરેલા શ્રમનો ફળસ્વરૂપ સંતોષ ઝળહળતો હતો. ઝડપથી તે નિશીતાના ઘરે જવા માટે સ્કૂટી પર નીકળી ગઈ.

આ બાજુ પ્રયાગે જ્યારે કેસરિયા રંગના ભરતકામ વાળા કુરતા અને બ્લેક કલરના પટિયાલા સ્ટાઈલ પાયજામામાં સજ્જ તન્મયને જોયો ત્યારે એના ચહેરા પર એક સ્માઇલ આવી ગઈ.

તરત બોલ્યો, “તો ભાઈએ પાક્કુ મન બનાવી લીધું લાગે છે કે રિધિમાને ઇમ્પ્રેસ કરીને જ રે’વી.”

એટલે હસતાં કસતા તન્મય એ કહ્યું, “ભાઈ, પેલી વાર કોઈને જોઈને લગ્ન કરવાના વિચાર ને ટેકો મળ્યો છે. તો થયું થોડી વધુ મહેનત કરી લઉને એને જીતવાની....” આમ કહીને પ્રયાગ સામે આંખ મારી. એટલે બંને ભાઈ હસવા લાગ્યા.

પ્રયાગ એ કહ્યું, “ભાઈ, તારે ક્યાં સજવું-ધજવું પડે એમ છે. આમ પણ તું હેન્ડસમ, હાઇટ અને જિમ માં કસાયેલા શરીર સાથે bearded લૂક માં તું હીરો તો લાગે જ છે. કોઈ તારાથી ઇમ્પ્રેસ થયા વિના રહે જ નહીં ને.”

તન્મય એ કહ્યું, “ભાઈ, મને ય એમ જ હતું પણ રિધિમા તો મારાથી જરાય ઇમ્પ્રેસ થઈ હોય એવું લાગતું નથી. ઉપરથી એની સામે તારા આ ભાઈની બકરી બરફ ગળી ગયા જેવી હાલત થઈ જાય છે... એટલે આજે થોડું લૂકમાં જોવું પડ્યું. ચલ હવે થોડા વહેલા જઈએ તો સારું.”

આ સાંભળીને પ્રયાગ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, “ચાલો. એમ પણ તને હવે થોડી વાર પણ બેસાડી રાખવો મુશ્કેલ છે.”

“બે બાઇક લઈને જાશું. કારણ તને રસ્તામાં સમજાવું.” આમ કહી તન્મય એ બીજી બાઇકની ચાવી લીધી અને વાતો કરતાં કરતાં બંને નિશીતાના ઘરે પહોચ્યા.

એ લોકો પહોચ્યા ત્યારે રિધિમા આવી ગઈ છે આ વાત એની બહાર પડેલી સ્કૂટી બોલતી હતી. પ્રયાગે ફરી એક વાર તન્મયને હસતાં હસતાં ટકોર કરી, “ભાઈ, ચોંટી ના જાતો હો....” અને બંને અંદર ગયા. નિશીતાના મમ્મીએ બંનેને આવકાર્યા અને જણાવ્યુ કે નિશીતા તૈયાર થાય છે અને નાસ્તો લેવા કિચનમાં જતાં રહ્યા. એટલામાં રિધિમા નીચે આવી. એણે મનને પહેલેથી જ શાંત રાખ્યું હતું કે એકદમ ફ્રેન્ક રહેશે. એટલે નીચે આવીને તરત બંનેને હેલ્લો કર્યું અને પછી પ્રયાગને હસતાં હસતાં કહ્યું,

“તમારી નિશું હજુ તૈયાર થાય છે તો રાહ જોવી પડશે. આવો સંદેશો આપવા કહ્યું છે.”

એટલે પ્રયાગે કહ્યું, “બિલકુલ, રાહ જોવાની તો મને એમ પણ આદત છે જ ને. તને તો ખબર છે.” એટલે બધા હસવા લાગે છે.

પછી રિધિમા ફરી નિશીતાને તૈયાર કરવા એના રૂમમાં જતી રહે છે. આ બાજુ પ્રયાગ તન્મય સામે જોવે છે તો એને આશ્ચર્ય થાય છે કેમ કે તન્મય આજે એકદમ નોર્મલ હતો અને ઘુરવાને બદલે એને જોતો હતો. એટલે પોતે હસવા લાગે છે અને આ વાત તન્મયને સમજાઈ જતાં એ પણ સ્માઇલ કરવા લાગે છે.

થોડીવારમાં જ નિશીતા અને રિધિમા નીચે આવે છે. પણ આજે ઊલટું બન્યું. પ્રયાગ બ્લૂ રંગની ચણિયાચોળી અને અંબોડામાં સજ્જ નિશીતાને જોતો જ રહી ગયો. એટલે તન્મયએ એને કોણી મારીને જગાડયો. આ જોઈને રિધિમા અને નિશીતા બંને ખડખડાટ હસી પડ્યા. બધા નિશીતાના મમ્મીને આવજો કરીને બહાર નિકળ્યા. રિધિમાને અચાનક યાદ આવ્યું એટલે એ પાણીની બૉટલ લેવા માટે ફરીથી અંદર ગઈ. ત્યાં નિશીતાએ જોયું કે પ્રયાગ અને તન્મય અલગ અલગ બાઇક લઈને આવ્યા છે એટલે એણે કારણ પૂછ્યું.

“તન્મયએ જ કહ્યું હતું. કદાચ રિધિમા એની સાથે બાઇક પર નહી જ બેસે. તો આપણે બંનેને અલગ ના રહેવું પડે માટે.” પ્રયાગ એ ચોખવટ કરી. આ સાંભળીને નિશીતાના ચહેરા પર સ્માઇલ આવી ગઈ કે બંનેને જોડે જ જવા મળશે.

રિધિમા આવતા જ એ લોકો સિટિની બહાર આવેલા એક ગાર્ડન રેસ્ટોરેંટ પર ડિનર લેવા માટે નીકળી ગયા. એક બાઇક પર પ્રયાગ અને નિશીતા, એક બાઇક પર તન્મય અને સ્કૂટી પર રિધિમા. ત્યાં ચારેય એ સાથે ઘણો સમય વિતાવ્યો અને ઘણી વાતો કરી. આ દરમિયાન તન્મય અને રિધિમા પણ સાહજિકતાથી વાતો કરતાં હતા. તન્મયના વર્તાવ અને વાક-ચાતુર્યથી રિધિમા ઇમ્પ્રેસ થતી હતી, તો રિધિમાની બુદ્ધિમતા અને નિખાલસતાથી તન્મય અંજાતો હતો. ગરબાનો સમય થતાં જ તેઓ પાછા સિટિ તરફ આવવા નીકળ્યા. આ વખતે અંધારું હોવાથી અને પ્રયાગ-નિશીતા ને એકલા થોડો ટાઈમ મળે એટલા માટે રિધિમા સ્કૂટી થોડી નિરાંતથી ચલાવતી હતી. આ સમય દરમિયાન ઘણી વાર રિધિમા પાછળ રહી જતી ત્યારે તન્મય પોતે થોડી સ્પીડ ધીમી કરી દેતો જેથી તે પાછળ એકલી ના રહી જાય. તન્મય દ્વારા જતાવવામાં આવતી આ કેરથી રિધિમાના મનમાં તન્મય માટે એક સોફ્ટ કોર્નર બનતો હતો.

રાત્રે ગરબાની રમઝટ પતાવ્યા પછી જ્યારે બધા બહાર નિકળા ત્યારે પ્રયાગે રિધિમાને પૂછ્યું કે તે એકલી ઘરે જતી રહેશે કે કેમ, તો પોતે નિશીતાને બહાર ફરવા લઈ જવા માગે છે. રિધિમા એ બંનેને હામી ભરીને પોતે સ્કૂટી તરફ જાય છે. તન્મય પણ પેલા બંનેને બાય કહીને રિધિમાની પાછળ જાય છે અને તેને સાદ કરીને બોલાવે છે. રિધિમાને થોડું આશ્ચર્ય થાય છે કે અત્યારે તન્મય શા માટે બોલાવે છે. તે વિચારતી હોય છે ત્યાં તન્મય એની નજીક આવે છે.

“હું તમને તમારા ઘર સુધી ડ્રોપ કરવા આવી શકીશ. If you don’t mind…” તન્મયએ ખૂબ વિનમ્રતા થી પુછ્યું.

રિધિમા થોડી ક્ષણો વિચારવા લાગી પછી કહ્યું, “અરે એની જરૂર નહીં, વધુ દૂર નથી. હું જતી રહીશ.” આમ કહી સ્માઇલ કરી નીકળવા જ જતી હતી પણ ત્યાં તન્મયનો અવાજ સંભળાયો.

“I would like to… જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો જ.....”

થોડી ક્ષણો વિચાર્યા પછી રિધિમા તેને હા પાડે છે અને બંને પોતપોતાની બાઇક પર રિધિમાના ઘર તરફ નીકળી જાય છે. રસ્તામાં બંને વચ્ચે થોડી ઘણી વાતો થાય છે. અને રિધિમા નું ઘર આવી જતાં, તે સેફલી અંદર જતી રહ્યા પછી તન્મય પણ ઘરે જવા નીકળે છે.

બીજા દિવસે તન્મય વડોદરા જવા નીકળી ગયો એ રિધિમાને રાત્રે ગરબા રમવા ગયા ત્યારે જ ખબર પડે છે. ઘરે આવી ને રિધિમા અજાણતા જ તન્મયના વિચારોમાં ખોવાઈ જાય છે. હકીકતમાં તો છેલ્લા દિવસનો તન્મયનો સંયમ પૂર્વકનો વ્યવહાર, તેની વાતો અને પર્સનાલિટીથી રિધિમા ઇમ્પ્રેસ થઈ હોય છે. તેને તન્મય ગમવા લાગ્યો હોય છે. પણ ના તો તન્મયએ એને પોતાની ફીલીંગ્સ કહી, ના તો આગળ કોઈ કૉન્ટેક્ટ રાખવા માટે નંબર માગ્યા. એટલે એ થોડી કંફ્યૂઝ થઈ જાય છે. આથી નવરાત્રિ પત્યા પછી તે નિશીતાને મળીને પોતાના મનની બધી વાત જણાવે છે. નિશીતાના ચહેરા પર એક સ્માઇલ આવી જાય છે.

“રીધુ, તન્મય ભાઈને તું ખૂબ જ પસંદ છે અને તેમણે ઘરે પહોચતાં જ એના પેરેંટ્સને બધી વાત કરી છે. બસ એ નહોતાં ઇચ્છતાં કે એમની કોઈ પણ જાતની ઉતાવળને લીધે વાત બગડી જાય. એ તને પૂરતો ટાઈમ આપવા માગે છે. એટલા માટે મને કહીને ગયા છે કે જો તને ઈચ્છા હોય એમને વધુ ઓળખવાની, એમની સાથે વાત કરવાની અથવા કોઈ રિલેશન આગળ વધારવાની તો હું તને એમના નંબર આપું. અથવા તો એમને તારા નંબર આપું. પછી એ વાત કરશે.”

આ સાંભળીને રિધિમા વિચારમાં પડી જાય છે. એટલે નિશીતા ફરીથી એને વિશ્વાસ અપાવે છે કે તે જે વિચારે છે એ બરાબર જ છે અને પ્રયાગ પોતે પણ તન્મયની તરફ થી શ્યોર છે. આથી રિધિમા નિશીતાને તન્મયને પોતાના નંબર આપવા કહે છે. ત્યાર પછી નિશીતાની ઇચ્છા હોવાથી રિધિમા એની જોડે એના મેરેજની થોડી શોપિંગ શરૂ કરે છે. બંને ફ્રેંડ્સ માર્કેટમાં ઘણો ટાઈમ સાથે સ્પેન્ડ કરે છે અને ખૂબ એન્જોય કરે છે. રાતે ઘરે પહોચીને નિશીતા જેવી ફ્રી થાય છે, કે પહેલું કામ પ્રયાગને ફોન લગાવવાનું કરે છે. પોતાની શોપિંગ વિશે વાતો કરે છે અને પછી રિધિમા જોડે તન્મય વિશે થયેલી બધી વાતો કરે છે.

“રિધિમાએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે તન્મય ભાઈને એના નંબર આપવા માટે.” ખુશ થતાં થતાં નિશીતા કહે છે.

“તો ફાયનલી તમારી જિગરજાન દોસ્તને અમારો સ્માર્ટ હેન્ડસમ ભાઈ ગમી જ ગયો એમ ને?” નિશીતાની ખુશીમાં પોતાની ખુશી ભેળવતા પ્રયાગે કહ્યું.

“ઑ મિસ્ટર, તમે અને તમારા ભાઈ હવામાં ના ઉડતા હો.... મારી રીધુએ ખાલી વાત કરવાની હા પાડી છે. લગ્ન કરવાની નઇઇઇઇઇ.... તો કે’જો તમારા હેન્ડસમ ભાઈને કે હજુ તો શરૂઆત છે. મહેનત ઘણી બાકી છે.” પોતાની ફ્રેન્ડ અને એની ઊંચી પસંદગી વિશે ગુમાન દેખાડતા નિશીતા કહે છે.

“હા હા સમજી ગયો..... અને મારા ભાઈને પણ સમજાવી દઇશ. તારી બે’નપણી તો મોંઘી જ છે ને.... સમજી ગયા અમે..... હા...હા...હા...” આમ કહી પ્રયાગ મજાક કરે છે એટલે નિશીતા હસવા લાગે છે.

“નિશુ, એક કામ કરીએ. આપણે તન્મય જોડે કોન્ફરન્સમાં વાત કરીએ. થોડો હેરાન કરીએ એને. મજા આવશે. પછી જ એને રિધિમાના નંબર આપીશું.” પ્રયાગે નિશીતાને કહ્યું અને પછી તન્મય જોડે કોલ કનેક્ટ કર્યો. “હા તન્મય.....”

“હા પ્રયાગ ભાઈ બોલ..... અત્યારે અમારી યાદ કેમ આવી. અને પાછા તો કોલ ઉપાડીએ તો લોકો 2 મિનિટ રાહ જોવડાવે.” તન્મય એ કહ્યું.

“એ હા હા સંભળાવી લે. તારી ભાભીને એડ કરતો તો કોલમાં ભાઈ. એટલે રાહ જોવડાવી.” પ્રયાગએ ચીડતા અવાજમાં કહ્યું.

“તન્મય ભાઈ, તમે મારા પ્રયાગને આમ ના કહો બાકી હું ખીજાઈ જઇશ તો રિધુ જોડે મેળ નઈ પડવા દઉં..” મજાક કરતાં કરતાં નિશીતા બોલી....

“અરે બાપા રે.... આ તો મોટી ધમકી.... માફ કરજો હો પ્રયાગભાઈ.... “ તન્મયએ પણ મજાક કરતાં આમ કહ્યું એટ્લે ત્રણેય હસી પડ્યા.

ત્યાર પછી ઘણો વખત સુધી ત્રણેયે અઢળક વાતોના પટારા ખુલ્લા મૂકી દીધા પરંતુ આ બધી વાતોમાં જાણી જોઈને પ્રયાગ અથવા નિશીતાએ રિધિમા વિશે એક પણ વાત ના કરી. જ્યારે કે તન્મયના મનમાં તો કોલમાં શરૂઆતમાં નિશીતાએ મજાક કરેલી ત્યારથી રિધિમા...રિધિમા... જ ચાલતું હતું, આમ છતાં એણે જાત પર સંયમ રાખ્યો હતો. પણ હવે એ પોતાનો કંટ્રોલ ગુમાવી રહ્યો હતો. અને આખરે એણે નિશીતાને પૂછી જ લીધું..

“નિશીતા, પ્રયાગ, તમે બંને થોડી વાર બધી વાતો સાઇડમાં મૂકોને યાર.... નિશીતા પે’લા મને એ કહો, મારા માટે કઈ સારા સમાચાર છે?”

એટલે નિશીતાએ બનાવટી ભોળપણ સાથે તરત કહ્યું, “એટલે? કઈ સમજાયું નહીં તન્મયભાઈ, તમે શું પુછો છો?”

“ભાભીજી, જવા દ્યો હો હવે, તમને બધી જ ખબર છે હું શું પૂછું છુ. પ્રયાગ, તું તો મારો ભાઈને... ચલ કે મને. કઈ આગળ વધ્યું?” પ્રયાગને પણ વાતમાં વચ્ચે લાવતા તન્મયએ કહ્યું.

“ભાઈ શું કે છો તું?” પ્રયાગે સાવ અજાણ બનીને પુછ્યું એટલે તન્મય સમજી ગયો કે આ બંને મારી ફીરકી લેવા માટે જ બેઠા છે. એટલે તરત ડાઈલોગ મારતા કહ્યું,

“હા.... હા.... લઈ લ્યો મજા તમે બેય પણ. હું યે મારા બિચારા દિલથી મજબૂરના હોત તો કોઈની મજાલ કે આમ મારી મજા લ્યે.....”

આ સાંભળી બંને ખડખડાટ હસી પડયા. અને પછી નિશીતા બોલી “એમાં એવું હોય ને તન્મય ભાઈ, સીધી રીતે સવાલ પુછો તો સીધી રીતે જવાબ મળી જાય.....”

“મારો ભાઈ એટલો સીધો હોત તો તો તમારી ફ્રેન્ડ જોડે કેમ ચાલત નિશિતાજી?” હસતાં હસતાં પ્રયાગે મજાક કરી.

“નિશીતા, તમારી દોસ્ત રિધિમા ને હું યાદ પણ છુ કે કેમ?” તન્મય એ સીધો જ સવાલ પૂછી લીધો કેમ કે એ સમજી ગયો હતો કે નહીં તો આ બંને હેરાન કરવાનું બંધ નહીં કરે.

બંને ને લાગ્યું કે હવે વધારે હેરાન ના કરતાં કહી દેવું જોઈએ. આથી પ્રયાગે કહ્યું, “ભાઈ એમાં એવું છે ને કે........” આટલું બનાવટી મુંજાયેલા અવાજમાં કહીને પછી હસતાં હસતાં કહ્યું, “એને પણ તારામાં ઇન્ટરેસ્ટ તો પડ્યો છે, પણ જોજે હો, હજુ તો ખાલી વાત કરવાની હા પાડી છે કોઈની બે’નપણી એ, લગનની નઈ. એમ કોઇક કે’તુ હતુ મને....” આમ કહીને સાથે નિશીતાને પણ ચીડવી લીધી.

તન્મય આ સાંભળીને હસી પડ્યો અને કહ્યું, “જરૂર.. પણ પહેલા મને કોઈ નંબર તો આપો.... અને જલ્દી આપો ભાઈ.... એમ પણ બોવ રાહ જોવડાવી છે.”

“બસ હમણાં જ નંબર સેન્ડ કરું છુ.” નિશીતાએ જવાબ આપ્યો અને પછી એક બીજાને બાય કરીને કોલ કટ કર્યો. તુરંત જ નિશીતાએ તન્મયને નંબર સેન્ડ કર્યો અને ફરીથી પ્રયાગ અને નિશીતા બીજા બધા કપલની જેમ જ વાતોમાં પરોવાઈ જાય છે.

આ બાજુ રિધિમા ઘરે આવ્યા પછી થોડી વાર પોતાના ફૅમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરે છે. થોડી વાર પછી પોતે રૂમમાં આવે છે. અચાનક જ એને યાદ આવે છે કે પોતાના નંબર તન્મયને આપવાની હા પાડીને આવી છે નિશીતાને. એટલે અનાયાસે જ પોતાનો મોબાઇલ હાથમાં લઈ ને મેસેજ ચેક કરે છે પરંતુ કોઈ મેસેજ હોતો નથી. થોડી વાર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ ચેક કર્યા પરંતુ મન તો એક જ વાત પર અટકેલું હતું ‘નિશું એ નંબર આપ્યા હશે કે હજુ નહી આપ્યા હોય? કેમ હજુ કોઈ મેસેજ નથી?........ નિશુને પૂછું?.... ના ના નકામી મારી મજાક ઉડાવશે..... શું રીધુ તું પણ.... થોડીક તો પેશન્સ રાખ.’ અને પોતાની તન્મય સાથેની નવરાત્રિ દરમિયાન થયેલ મુલાકાત યાદ કરતાં કરતાં જ તે વિચારોમાં ખોવાઈ જાય છે.

આ બાજુ પ્રયાગ અને નિશીતાની મજાકના લીધે તન્મયને નંબર થોડો મોડો મળ્યો. એટલે તરત જ પહેલા નંબર સેવ કરીને whats app ખોલીને એમાં રિધિમા નું ચેટ ઓપન કરે છે અને એક સિમ્પલ મેસેજ નાખે છે.

“Hi…. Tanmay here…..”

ત્યાર બાદ તે રિધિમા નું dp ચેક કરે છે પણ તેને કોઈ જ dp બતાવતા નથી.

અહી રિધિમાને કોઈ અજાણ્યા નંબર પરથી whats app મેસેજનું નોટિફિકેશન આવતાં તરત જ ચેક કરે છે. આ મેસેજ તન્મયનો જ છે એવું ખબર પડતાં તે પણ સામે “Hii..” નો રિપ્લાઇ મોકલે છે.

“Thanks for giving me your number…” આવો વળતો રિપ્લાઇ તન્મય આપે છે અને પછી પૂછે છે, “તમે dp સેટ કરવામાં નથી માનતા કે શું?”

આ વાંચીને રિધિમા મનમાં મલકાય છે કેમ કે તે તન્મયનો મતલબ સમજી જાય છે કે પોતાનો ફોટો જોવાની લાલચમાં આમ પૂછે છે. એટલે તરત પોતાના મોબાઇલમાં તન્મયનો નંબર સેવ કરે છે. અને તન્મયને ખાલી એટલો જ રિપ્લાય આપે છે કે “સવાલ સારો હતો...”

આ વાંચીને તન્મયના ચહેરા પર એક સ્માઇલ આવી જાય છે. તે રિધિમાને એના dp માં નિહાળતો હોય છે ત્યાં જ રિધિમાનો good night નો મેસેજ આવી જતાં પોતે પણ good night કહીને રિધિમાના વિચારો કરતાં કરતાં જ સૂઈ જાય છે.

સવારમાં ઉઠતાંની સાથે જ તન્મય સૌથી પહેલા પોતાનો મોબાઇલ લઈ ને whatsApp ચેક કરે છે. કોઈ મેસેજ નથી હોતો રિધિમા તરફથી. પણ જ્યારે પ્રેમ અને સબંધોને પણ મેચ્યોરિટી સાથે મિક્સ કરવામાં આવે ત્યારે તેની સફળતાના ચાન્સ વધી જાય છે. આ વાત સારી રીતે સમજતા તન્મયએ એક સિમ્પલ એવો good morning નો મેસેજ કરી દીધો અને પોતાના રૂટીનમાં વ્યસ્ત થઈ ગયો. બપોર સુધીમાં ઘણી વખત એણે જોયું, મેસેજમાં delivered ની સાઇન તો હતી, પણ એમાં એને blue કલરની happiness ના જોવા મળી. બપોરે જ્યારે થોડો સમય આરામ લેતો હતો એ ટાઈમે એક મેસેજ ટોન વાગી જે તન્મયના ચહેરા પર સ્માઇલ લઈ આવી. હા, રિધિમા તરફથી એક good afternoon નો મેસેજ હતો.

“ઓહો.... ઘણા બીઝી હતા ને.... “ આમ કરીને એક સ્માઇલી સાથે તન્મયએ રિપ્લાઇ મેસેજ મોકલી દીધો.

“હા બીઝી તો હતી. હું લેક્ચરમાં હતી. હજુ જસ્ટ ફ્રી જ થઈ.”

રિધિમાનો તરત જ રિપ્લાય તન્મયને એક નવો ઉત્સાહ આપી ગયો. પણ લેક્ચરની વાત સાંભળી તન્મય કન્ફ્યુઝ થયો. “લેક્ચર માં?” તન્મયએ સામે પુછ્યું.

રિધિમા આ મેસેજ જોઈને વિચારે છે કે તન્મય જોડે પોતાના વિષે બીજી કઈ ડીટેઇલમાં વાત તો થઈ જ નથી સો એને કદાચ મારી કોલેજ વિશે નહીં ખબર હોય. આમ વિચારીને એક રિપ્લાઇ કરે છે. “હા, કોલેજમાં હતી. હજુ ઘરે આવી. I am doing my masters.”

“Oh…. Is that so…..મને આ ખ્યાલ નહોતો.”

“હમમમમ...”

“ઓકે સો તમારે રેસ્ટ કરવાના ટાઈમમાં હું ડિસ્ટર્બ નહીં કરવા માગતો. ટેક કેર.... cya.”

“ઓકે.... ટેક કેર.... સી યૂ લેટર...”

આવી રીતે થોડા થોડા સમયની વાતોથી બંને વચ્ચે વાતોનો દોર શરૂ થાય છે. થોડા દિવસોના સમયગાળા પછી બંને એક બીજા વિશે થોડું જાણવા લાગે છે. થોડું સમજવા લાગે છે. સાચા અર્થમાં એક બીજાને ઓળખવાની શરૂઆત કરે છે. સમયની પાબંધી કે રોજે વાત કરવાના નિયમોના બંધન વિના બંને પોતાની લાઇફમાં એકબીજા માટે થોડી સ્પેસ બનાવતા શીખે છે. રિધિમાના મેનેજમેંટ સ્ટડી અને તન્મયની બિઝનેસની કુશળતા એ બંને વચ્ચે વાતો નો સેતુ બાંધવામાં ઘણી મદદ કરી હતી, દરેક ફ્રી ટાઈમમાં એમને વાતો માટેનો ટોપિક આસાનીથી મળી જતો. અને એકબીજાની સ્કીલ્સથી ઇમ્પ્રેસ પણ થતાં હતા. વચ્ચે રિધિમાની એક્ઝામ સમયે વાતોમાં થોડો અલ્પવિરામ આવ્યો પરંતુ ફરીથી એ સેતુ જોડાય ગયો.

આ જ સમયગાળામાં નિશીતા અને પ્રયાગના લગ્નની તૈયારીઓ પણ ચાલતી હતી. સાથે સાથે દિવાળી જેવા તહેવારો ઉત્સાહને બેવડાવવાનું કામ કરતાં હતા. દિવાળી પછીના સમયગાળામાં નિશીતા અને રિધિમા અવાર નવાર મળતા રહેતા. ક્યારેક શોપિંગ માટે, ક્યારેક પાર્લરના ઓર્ડર અને જ્વેલરી નક્કી કરવા, તો ક્યારેક બસ એમ જ ચિટ-ચેટ કરવા. ડિસેમ્બરના પોતાની એકઝામના સમયગાળામાં પણ રિધિમાએ પોતાની પ્રિય મિત્ર માટે સમય કાઢવાનું નહોતું છોડયું. બસ બીજા જ દિવસે એક્ઝામ હોવાથી 31st સેલિબ્રેટ ના કરી શક્યાં. પણ પાછળ થી બંનેએ ખૂબ મજા કરી. બંને બેસ્ટી નિશીતાના મેરેજ પહેલાનો આ સમય એક બીજા સાથે ખૂબ સારી રીતે વિતાવવા માંગતા હતા કેમ કે પછી કદાચ આટલો ટાઈમ એક સાથે મળે કે ના પણ મળે. નિશીતા અવાર-નવાર એની અને તન્મયની રિલેશનશિપ વિશે રિધિમાને પૂછતી અને રિધિમા પણ એની બેસ્ટીથી કઈ જ ના છુપાવતી.

એક દિવસે સાંજના સમયે રિધિમાના ફોનમાં રિંગ વાગી અને જોયું તો તન્મયનો ફોન હતો. રિધિમાને ઘણું વિચિત્ર લાગ્યું. કેમ કે અત્યાર સુધી બંનેએ મેસેજ માં જ વાતો કરી હતી. આજે અચાનક ફોન જોઈને રિધિમા વિચારમાં પડી ગઈ. પોતે 2-3 દિવસથી કોઈ કામથી બહાર હતી પોતાના ફૅમિલી જોડે અને વાત નહીં થઈ એટલે આમ ફોન કર્યો હશે? પણ કોલ તો ના જ કરે..... આવું તો ઘણી વાર થાય છે. ક્યારેય કોલ નહીં આવ્યો. કોઈ બીજી વાત હશે?..’ આમ વિચારતા વિચારતા તેણે કોલ રિસીવ કર્યો.

“હેલ્લો.....”

“I am sorry ridhima તમારી પરમિશન વિના અચાનક આમ ફોન કરું છુ. પરંતુ થોડું જરૂરી કામ હતું. વાત થઈ શકશે?”

તન્મયના અવાજમાં થોડ ટેન્શનના ભાવ લાગતાં રિધિમાએ પુછ્યું, “હા કોઈ વાંધો નહીં. શું થયુ? થોડા ટેન્સ્ડ લાગો છો.”

“તમારી નિશીતા જોડે હમણાં કઈ વાત થઈ છે?”

“આમ તો અમે લગભગ રોજ મળીએ છીએ પરંતુ હમણાં 2 દિવસથી એ બીઝી હતી અને હું પણ આઉટ ઓફ સ્ટેશન હતી સો કઈ જ વાત નહીં થઈ. કેમ શું થયું?”

“પ્રયાગ ભાઈ જોડે વાત થઈ પરમ દિવસે. થોડો ડિસ્ટર્બ હતો. અત્યારે વાત કરી તો પણ એ જ પરિસ્થિતી. આમ તો એ કોઈને કહે નહીં પણ અમે ય તમારી જેમ જ બેસ્ટી રહ્યા ને. તો પણ ખાલી એટલું જ કીધું કે બંને વચ્ચે કઈક ટેન્શન થયું છે તો થયું તમને પૂછું કઈ ખબર હોય તો. કેમ કે પ્રયાગને મે આટલો ડિસ્ટર્બ ક્યારેય નહીં જોયો. અને એ પણ ત્યારે જ્યારે મેરેજને એક મહિનો યે બાકી નથી.”

“ઓહ આવી તો મને કઈ જ ખબર નથી. હજુ ઉત્તરાયણ પર અમે સાથે જ હતા. ત્યારે તો કઈ જ પ્રોબ્લેમ નહોતો. આમ તો બંને ઘણી વાર ઝઘડે અને પાછા અડધો કલાકમાં તો બોલ્યા વિના રહી યે ના શકે. ખબર પણ ના પડે કે કઈ થયું. પણ 2 દિવસ સુધી.... જોવું પડશે. હું હમણાં જ નિશું જોડે વાત કરું છુ કઈ ખબર પડે તો. આમ તો હું માનું છુ કે બંને વચ્ચે ના પડવું જોઈએ પણ તમારી વાત સાચી છે. મેરેજને થોડો જ ટાઈમ બાકી છે. જોઈએ ચાલો....”

“હા…. આમ તો તમારી વાત પણ સાચી છે. બંને વચ્ચેના પ્રોબ્લેમ્સ એમણે જ સોર્ટ કરવા જોઈએ. છતાં, ક્યાય મારી જરૂર લાગે તો કે’જો.”

“શ્યોર. ચાલો પછી વાત કરું. બાય.”

“બાય”

ફોન મૂકીને રિધિમા તરત જ તૈયાર થઈને નિશીતાની ઘરે જવા નીકળી.

“આંટી.... કેમ છો.... કેવી ચાલે મેરેજની તૈયારી...” ત્યાં પહોચીને નિશીતાના મમ્મી જોડે વાતોમાં લાગી ગઈ. અને થોડી વાર પછી પણ નિશીતા ક્યાંય ના દેખાતા પુછ્યું.

“નિશુ ક્યાં ગઈ આંટી?”

“એ રૂમમાં જ હશે. હેર વોશ કરવાનું કહેતી હતી.”

“હું મળી આવું” એમ કહીને એ ઉપર એના રૂમમાં ગઇ. નિશીતા હજુ બાલ્કનીમાં પોતાના વાળ સુકવવા જતી હતી ત્યાં જ એના રૂમનો ડોર નોક થયો. દરવાજો ખોલતા જ રિધિમાને જોઈને તે ખુશ થઈ ગઇ અને એને હગ કરતાં બોલી,

“રિધુ..... I missed you yaar….”

સીધું જ કઈ પૂછવાને બદલે રિધિમાએ થોડી મજાકનું વાતાવરણ બનાવતા કહ્યું, “લે, પ્રયાગને બદલે તું મને મિસ કરતી હતી? અરે વાહ, ચાલો, જીજુના પોઇંટ્સની સામે અમે ય એક પોઈન્ટ તો જીત્યા. હા...હા...હા...” પણ એણે નોટિસ કર્યું કે કઈક વાત તો છે જેથી નિશુ પરેશાન છે.

“જા ને હવે. એવું કઈ નથી. હું તને યાદ ના કરું? તું તો મારી બેસ્ટી છે.” એમ કહીને રિધિમાને ફરીથી હગ કરી.

“આઈ લવ યૂ નિશુ........” સ્માઇલ કરતાં કરતાં રિધિમા બોલી. અને વાત આગળ ચલાવી. “કેવી ચાલે તૈયારી? આ 2 દિવસમાં મને મૂકીને કઈ નવી શોપિંગ તો નથી કરી આવી?”

“ના ના... બસ ઘરમાં જ હતી....”

આવો નીરસ જવાબ સાંભળી રિધિમાને લાગ્યું કે હવે વાત કરવી જોઈએ.

“લે, કેમ? સન્ડે હતો. તમારા એ જી ઑ જી ફ્રી નહતા? કેમ ઘરમાં જ હતી?”

“રિધુ.... પ્રયાગ મારી જોડે વાત નથી કરતો.” રડમસ અવાજે નિશીતાએ કહ્યું.

“કેમ????? પાછા ઝઘડયા કે શું બંને? અને હોય એ તો. ચાલ્યા રાખે. તમારો ઝઘડો આમ પણ ક્યાં લાંબો ટકે છે.” એક વિશ્વાસની સ્માઇલ સાથે રિધિમાએ કહ્યું.

“લાંબો ચાલ્યો. આ વખત 2 દિવસથી વાત જ નહીં કરી.”

“પણ કેમ? એવું તે શું થઈ ગયું તમને બંનેને?”

“એ બસ..... થોડી વાત થઈ ગઈ હતી.... પ્રયાગને ગુસ્સો આવ્યો અને મારી વાત સમજ્યા વિના જ વાત બંધ કરી દીધી.”

“તો તારે વાત સમજાવવાની ધરારથી.... એમાં શું મુંજાઈ છે દિકુ....”

“એ વાત જ નહીં કરતો. મે ફોન કર્યો હતો, એણે ના ઉપાડ્યો. પછી મને પણ ગુસ્સો આવ્યો તો મે પણ ના કર્યો.”

“જો નિશું, આટલા વર્ષોથી સાથે છો. એક બીજાને સમજો છો. તને ખબર છે કે એને તારી વાત સમજાઈ નથી. કદાચ સમજી જાય તો ગુસ્સો ના પણ કરે... સાચું ને? તું એક ટ્રાઈમાં જ છોડી દઇશ કોશિશ? વાત બંધ કરવાથી વાત વધે છે. વાત કરવાથી સોલ્વ થાય છે. સિમ્પલ.”

“એ જ તો રિધુ.... એ પણ આટલા ટાઈમથી મને ઓળખે છે. એને ય સમજવું જોઈએ ને. આમ વાત પણ ના કરે?”

“બકા.... આવી જીદ ના હોય. તમારી લાઇફના આવા ગોલ્ડન મોમેન્ટ્સ કેમ જવા દ્યો છો?”

નિશીતા પણ એની ફ્રેન્ડની વાત સમજે છે. એને પણ ફીલ થાય છે કે પોતે સામો ગુસ્સો નહોતો કરવો જોઈતો.

“અરે ગાંડી, હવે આ લે ફોન. ચલ, વાત કર પ્રયાગ જોડે અને તરત બધુ સોલ્વ......”

નિશીતા પ્રયાગને કોલ કરે છે પણ રિંગ પૂરી થવા છતાં કોલ ઉપડતો નથી.

“જોયું, એને વાત સાંભળવી જ નથી. હવે હું કોલ નહીં કરું.”

થોડી વાર વિચાર્યા પછી રિધિમા બાલ્કનીમાં જઇને તન્મયને ફોન લગાવે છે કેમ કે એને ખબર હતી કે ખાલી નિશીતાને સમજાવવાથી નહીં ચાલે. બીજી સાઇડ પણ પ્રેશર જોશે. તન્મય વ્યસ્ત હતો પરંતુ રિધિમાનો કોલ જોઈને તરત જ રિસિવ કરે છે કેમ કે એના માટે આ મોટી વાત હતી – ગમે તે કારણથી પણ પહેલી વખત એના ફોનમાં રિધિમાનો સામેથી કોલ આવ્યો હતો.

“હા રિધિમા બોલો....”

“can we talk? તમે બીઝી ના હોય તો.”

“ના ના બસ થોડો કામમાં હતો. તમે બોલો ને.”

“નિશુની ઘરે છું. વાત શું હતી એ મે ડિટેઇલમાં નથી પુછ્યું, પણ કઈક misunderstanding હોય એવું લાગે છે. અત્યારે પણ મે પ્રયાગ જોડે વાત કરવા સમજાવીને કોલ કરાવ્યો પણ પ્રયાગ રિસીવ નહી કરતા. માટે હવે કદાચ તમારી મદદ વિના કામ નહીં થાય.”

થોડી વાર તન્મય વિચારે છે અને પછી જવાબ આપે છે. “સારું, તમે અત્યારે થોડીવાર રહેવા દો. હું પે’લા ભાઈ જોડે વાત કરી લઉ કે શાનો ભાવ ખાય છે. તમે ત્યાં રોકાયા છો હજુ કે?”

“હા નિશુ ને અત્યારે એકલા નહીં મૂકું. એ થોડી અપસેટ છે. સો અહી જ છું. પણ આપણે ઉતાવળ નથી કરવી. એકાદ દિવસ લાગી જાય તો પણ વાંધો નઇ. તમારી રીતે વાત કરીને મને કેજો.”

“ok… ચાલો હું જોવ છું. ટેક કેર. બાય.”

“બાય”

ત્યાર પછી રિધિમા નિશીતા જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરે છે જેથી તેને સારું લાગે. બંને ઘણી વાતો કરે છે અને નિશીતાના આગ્રહથી તે સાંજે ત્યાં જ જમીને મોડી આવશે એવું એના ઘરે જણાવી દ્યે છે. રિધિમાના આવવાથી નિશીતા પણ ઘણી રિલેક્સ થઈ જાય છે.

આ બાજુ તન્મય તરત તો પ્રયાગ જોડે વાત નથી કરતો કેમ કે એક તો પોતે એક અગત્યની મીટિંગમાં ફસાયેલો હતો અને બીજું કે એના ભાઈ કમ બેસ્ટીને ઓળખે છે કે તેને જરાય પસંદ નથી કોઈ પોતાની વાતમાં માથું મારે. પરંતુ થોડીવારમાં એના એક ક્લાયન્ટ જોડે એને નેક્સ્ટ શુક્રવારે રાજકોટમાં જ મીટિંગ હોવાનો મેઈલ આવતા એને પ્રયાગને ફોન કરવાનું બહાનું મળી જાય છે. અને કામ પતાવીને તરત કોલ કરે છે.

“હા તન્મય બોલ.... “તન્મયનો ફોન રિસીવ કરતાં પ્રયાગે કહ્યું.

“શું ભાઈ... કેવી ચાલે તૈયારી.......”

“બસ ચાલ્યે રાખે છે.” કોઈ જાતના ઉમળકા વિના પ્રયાગે જવાબ આપ્યો કેમ કે થોડી વાર પહેલા નિશીતાનો કોલ આવવાથી તે પણ થોડો વધુ ડિસ્ટર્બ થઈ ગયો હતો.

“લે હજી તું સરખો નથી થયો? શું થઈ ગયું ભાઈ? એક તો તમે કઈ બોલો પણ નઇ કે અમને સમજાય.....”

“તન્મય એ વાત નઇ કરવી. અને તે પાછો અત્યારે કેમ ફોન કર્યો? બપોરે તો કહેતો હતો કે બેંગલોર એક મીટિંગમાં છુ.” પ્રયાગ ચિડાઇને પૂછે છે કેમ કે એને શંકા જાય છે કે પોતે કોલ રિસીવ ના કર્યો એ ખબર પડી હશે ભાઈને કોઈ પાસેથી? કદાચ એટલે જ ફોન કર્યો હશે.

“લ્યો બોલો, હવે તમને ફોન કરવાના કારણ આપવાના અમારે? બાય ધ વે, ટાઈમ જો. હવે તો મીટિંગ પૂરી થાય ને. મે તો તને એ કે’વા ફોન કર્યો’તો કે આવતા શુક્રવારે એક ક્લાયન્ટ જોડે મીટિંગ ફિક્સ થઈ છે ત્યાં રાજકોટમાં તો હું આવું છું વીકેન્ડમાં. કઈ કામ હોય મારા જોગું તો રાખજે અને બાકી આપણે સાથે થોડો ટાઈમ રહેશું. પણ આ ભાઈને તો કોઈ સાથે સરખી વાત કરવાનો મૂડ જ નઇ લાગતો. સારું ત્યારે ચલ પછી મળીએ.” આમ કહી પોતાને ખોટું લાગ્યું હોવાનું નાટક કરે છે.

“અરે સોરી યાર ભાઈ, હવે તું શું રિસાય છે છોકરીઓની જેમ.”

“તું કરે છે નખરાં છોકરીઓની જેમ.. બોવ આવ્યો દુખી રે’વા વાળો. ભાઈ જોડે તો સીધી રીતે વાત કર. તમારા ઝઘડા તમે જાણો. એમાં માર પર શું ચિડાય છે.....”

“સોરી સોરી.... નિશુંના ફોનને લીધે થોડો...” પ્રયાગે દુઃખી અવાજે જવાબ આપ્યો.

“થોડું ચીલ માર મેરેજ પેલા... ભાભીજીને ફરિયાદ કરવી પડશે કે તમે અમારા ભાઈને દેવદાસ બનાવી દીધા.... હા..હા...હા....”

પ્રયાગ કઈ જ રિસ્પોન્સ નથી આપતો આથી તન્મય થોડો સિરિયસ થઈને વાત શરૂ કરે છે.

“પ્રયાગ, આ શું મેરેજ ટાઈમ એ તમે બંનેએ નવા નાટક શરૂ કર્યા છે? બે દિવસ પેલા તને ફોન કર્યો ત્યારે પણ આવું જ. આજે પાછું આવું જ. અત્યારથી રોજ રોજ ઝઘડવાની પ્રેક્ટિસ કરો છો કે શું?” થોડી હળવી મજાક સાથે વાત પૂરી કરતાં તન્મયએ કહ્યું.

“અમે બે દિવસ થી વાત જ નથી કરી.” પ્રયાગ છેલ્લે પોતાનું દુઃખ ભાઈ પાસે ઠાલવતાં બોલ્યો.

થોડી વાર તન્મય કઈ જ ના બોલ્યો. પછી,

“જો ભાઈ, હું તમારી વાતમાં વચ્ચે પડવા નથી માગતો. પણ એટલું કહીશ કે લાઇફ ટાઈમ સાથે રેવાનું નક્કી કર્યું છે, લગ્ન કરો છો, આટલા વર્ષોનો સબંધ છે. વાત ના કરવાથી નહીં પરંતુ વાત કરવાથી બધુ સરખું થશે. આઈ હોપ તું સમજે છે. બી હેપ્પી. બાકી તું તારી રીતે બધુ હેન્ડલ કરી શકે એમ જ છે ભાઈ.” તન્મયએ પોતાની રીતે પ્રયાગને સમજાવતા કહ્યું.

“હમ્મ.....”

“સારું ચલ, કઈ કામ હોય તો કેજે અને આ બધુ સોર્ટ કરી લે. મેરેજ લાઇફમાં એક જ વખત કરવાનો છો અને હવે ટાઈમ પણ ઓછો છે. સો એન્જોય. બાકી મળ્યા શુક્રવારે.”

“થેંક્સ ભાઈ. ચલ મળ્યા...” આમ કહીને પ્રયાગ ફોન રાખે છે.

તન્મયની વાત સાંભળી એને પણ ફીલ થાય છે કે ખાલી ખોટી વાત ખેંચાય છે. અને કહે છે ને કે જ્યારે માણસ ગુસ્સાનો પડદો હટાવે ત્યારે બીજાના પ્રયાસ દેખાય છે એમ જ એને પણ નિશીતા એ આજે કોલ કરેલો તે યાદ આવે છે. આથી જરાય સમય બગાડયા વિના તે નિશીતાને કોલ લગાવે છે.

આ સમયે રિધિમા પોતાની ઘરે જવા નીકળતી જ હોય છે ત્યાં નિશીતાને પ્રયાગનો ફોને આવે છે આથી બંને ખુશ થઈ જાય છે.

“ચલ તું વાત કર. અને બધી જ પ્રોબ્લેમ સોલ્વ કરી લેજો. Then give me the good news.” આમ કહી સ્માઇલ સાથે પોતાના ઘરે જાય છે.

નિશીતા અને પ્રયાગ એકબીજા જોડે વાત કરે છે એટલે બધુ ક્લિયર થઈ જાય છે. અને તેઓ પાછા પોતાની પ્રેમગોષ્ઠિમાં લાગી જાય છે અને રિધિમાએ કહેલી ગુડ ન્યૂઝના મેસેજની વાત તો ક્યાય ખોવાઈ જાય છે...

ઘરે જઈ રિધિમા પોતાનો મોબાઇલ ચેક કરે છે તો તેમાં તન્મયના મિસ્ડ કોલ અને મેસેજ હતા. તરત તે મેસેજ ખોલીને વાંચે છે.

“મે ભાઈ જોડે વાત કરી છે. એ જ કહેવા ફોન કર્યો હતો.”, “હોપ કે બધુ ઠીક થઈ જાય.”

આથી રિધિમા તરત જ રિપ્લાય કરે છે,

“સોરી, હું રસ્તામાં હતી અને ડ્રાઇવ કરતી હતી સો કોલ રિસીવ ના થયા. અને હા, હું નીકળતી હતી ત્યારે પ્રયાગનો કોલ આવ્યો નિશુ પર. લાગે છે કે બધુ ઠીક થઈ જ જશે.”

તન્મય ઓનલાઈન જ હતો આથી તરત જ તેણે મેસેજ વાંચી લીધો.

“ઓહ.... ધેટ્સ ગ્રેટ. એ બંને પણ ખરા છે. વાત કરીને સોલ્યુશન લાવવાના બદલે વાત ના કરીને વધુ કન્ફ્યુઝન ઊભા કરે.”

“તો શું.... એ પણ મેરેજના આટલા દિવસ પહેલા.”

“બાય ધ વે, મારે તો બંનેને થેન્ક્સ કહેવું છે. એ લોકોના કારણે જ સહી, પણ મને એક મીઠો અવાજ સાંભળવાનો મોકો તો મળ્યો.”

ઢગલાબંધ સ્માઇલી સાથેનો આ મેસેજ જ્યારે રિધિમાના ચેટ બોક્સમાં આવે છે ત્યારે તન્મયે પહેલી વાર કરેલી આવી ફ્લર્ટથી એના ચહેરા પર એક ગુલાબી મુસ્કુરાહટ પથરાઈ જાય છે. હજુ એ શું જવાબ આપવો એના વિચારમાં હોય છે અને કઈ જ નક્કી નથી કરી શકતી. ઘણી વાર સુધી typing નું indication દેખાતા તન્મય બીજો મેસેજ કરે છે.

“અને ખાલી અવાજ જ નહીં, મનગમતા નામનો આજે પહેલી વાર મારા ફોનમાં કોઈ કોલ પણ આવ્યો. ધન્ય થઈ ગયો મારો મોબાઇલ પણ આજે.”

તરત જ એક આઇસ્ક્રીમનો કપ આવે છે અને ફરીથી એક સ્માઇલી સાથે લખેલું આવે છે, “let’s celebrate this……”

આ વાંચીને રિધિમા ઘણા બધા હાસ્યની છોળો વરસાવતા સ્માઇલી એક સાથે મોકલી આપે છે. અને અંતમાં એક શરમાળ સ્મિત કરતું emoticon મોકલીને પોતાના મનના ભાવ તન્મય સુધી પહોચાડે છે.

“ફોન પર વાત થઈ શકશે? તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો જ.” તન્મયે પોતાના સબંધ આગળ વધારવા માટે એક નાનું સ્ટેપ લઈ જ લીધું.

“કેમ, મેસેજ પર પણ વાતો થાય જ છે ને.” રિધિમા એ સીધું જ હા કે ના કહેવાને બદલે આવો જવાબ આપ્યો.

“હા પણ મેસેજમાં એ મીઠો અવાજ ક્યાથી લાવું? થોડી લાલચ તો થાય ને માણસની પ્રકૃતિ પ્રમાણે.” આવો એક નોટી મેસેજ કર્યા પછી તરત જ બીજો મેસેજ મોકલ્યો. “બેંગલોર એક બિઝનેસ મીટિંગમાં આવ્યો છુ. ઘણી બધી વાતો હતી જે કદાચ MBA સ્ટુડન્ટ તરીકે તમને પસંદ પણ આવે. અને એવું છે ને કે આટલું ટાઈપ કરવામાં થોડી આળસ પણ આવે...” અને એક નોટી સ્માઇલી મોકલ્યું.

આ વાંચી રિધિમા મલકાઇ ને મનમાં જ બોલી ‘કેટલો બદમાશ છે. વાત કરવાના બહાના તો જોવો જનાબના....’ પરંતુ પછી એક સ્માઇલી સાથે મેસેજ મોકલે છે,

“સારું ચાલો આજે તમારી વાત અને ઇચ્છાનું માન રાખીએ.”

આ મેસેજ વાંચીને તન્મય એક પણ ક્ષણ રોકાયા વિના જ રિધિમાને ફોન લગાવે છે. બંને અત્યારે એક અલગ જ અનુભવ માંથી પસાર થવાના હોય છે. આ પહેલા એક બે વાર બંનેએ ફોન પર વાત કરી ત્યારે કામ થી જ કરી પરંતુ અત્યારે બંને કોઈ જ કામ કે કારણ વિના ખાલી પોતાના સંબંધથી જ એક બીજા સાથે વાત કરવાના હતા.

રિધિમા કોલ રિસીવ કરી ને જવાબ આપે છે, “હેલ્લો....”

એનો મીઠો અવાજ થોડીવાર તો તન્મયને જાણે ભાવસમાધિમાં મોકલી આપે છે. અમુક ક્ષણો આ અવાજના પડઘા કાનમાં ઝીલ્યા પછી તન્મય મુશ્કેલીથી એમાંથી બહાર આવીને એક એવો જ મીઠો જવાબ આપે છે.

“આહા.... જોવો જોઈએ, આ રણકાર મેસેજમાં થોડો મળે મને?”

આ સાંભળીને રિધિમાના ચહેરા પર એક અનોખી જ સુરખી ફેલાય ગઈ. ચહેરો એકદમ બ્લશ બ્લશ થવા લાગ્યો. પરંતુ ભાવમાં ઓગળી જાય તો તો એ રિધિમા શાની. તરત જાતને રોકી લેતા તે આગળ વાતોમાં વળગી.

“તન્મય જી, તમે તો કઈક બિઝનેસ વિશેની વાતો કરવાના હતા ને.”

આ સાંભળીને તન્મય ખડખડાટ હસવા લાગ્યો. અને મનમાં જ કહ્યું, (‘તમારી દોસ્ત સાચી તો ખરા.... અઘરા તો છો જ પણ હું યે કોઈ કોશિશ બાકી નહીં રાખું રિધિમાજી.... મન તો તમારું જીતીને જ રહીશ. આખી જિંદગી માટે તમને મારા જો બનાવવા છે.....)

“હા એ પણ કહું જ ને. આ તો થયું પહેલા થોડી મનની વાત કરું અને પછી મેનેજમેન્ટની. આવું હસતાં હસતાં કહ્યું.”

“તો બેંગલોર છો એમ ને.”

“હા હો. વડોદરા બિઝનેસ અસોશિએશનનો મેમ્બર છુ સો બીજા 2-3 મેમ્બર સાથે અહી એક મીટિંગ માટે આવ્યો હતો.”

આવી રીતે શરૂ થયેલી વાતો પછી તો મોડે સુધી ચાલતી રહી. અને પછી તો બિઝનેસ અને મેનેજમેન્ટ છોડીને આ વાતો ઘણા જનરલ ટોપિક પર પણ ચાલી. આ બહાને બંને એક બીજાને વધુ સારી રીતે ઓળખવાનો પ્રયાસ કરતાં રહ્યા. પરંતુ બંને હજુ આવી સામાન્ય વાતોથી આગળ નહોતા વધ્યા. ના તો તન્મયએ પોતાના સબંધ અને રિધિમાને લઈને પોતાના વિચારો વિશે કોઈ વાત કરી, અને ના તો બધુ જાણવા છતાં રિધિમા આ વાતો પર આવી. હા, પણ આટલી બધી સામાન્ય વાતો અને કોમન ઇન્ટરેસ્ટના લીધે બંને સારા એવા દોસ્ત જરૂર બની ગયા. કહેવાય છે ને કે દોસ્તીના મજબૂત પાયા પર ચણાયેલી પ્રેમની ઇમારત જીવનભર અડીખમ ઊભી રહે છે. આ બંને પણ પોતાની સમજદારી અને ધીરજથી પોતાના સબંધનો પાયો મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યા હતા.

બીજા દિવસે સાંજે વાત વાતમાં તન્મયએ રિધિમાને જણાવ્યુ કે પોતે એક મીટિંગ માટે આ વીકેન્ડમાં રાજકોટ આવવાનો છે. આ વાત રિધિમા અને નિશીતા વચ્ચે થઈ અને રિધિમાની પણ ઇચ્છા હોવાથી નિશીતા ચારેય સાથે મળી શકે એ માટે પ્રયાગ જોડે વાત કરે છે અને મેરેજના દાંડિયા ફંકશન માટે પ્રયાગ અને નિશીતાના મેચિંગ કપડાંની ખરીદી કરવા શનિવારે સાથે માર્કેટમાં જશે એવો પ્લાન બનાવે છે. એ દિવસે રાત્રે રિધિમા તન્મય જોડે વાતો કરતી વખતે આ પ્લાન વિશે તેને જણાવે છે.

“પેલા બંનેના દાંડિયા માટેના ક્લોથ્સની શોપિંગ બાકી છે તો અમે શનિવારે શોપિંગ જવાનો પ્લાન કરીએ છીએ. અને તમે પણ વીકેન્ડમાં અહી જ હશો સો તમારે પણ અમને જોઇન કરવું હોય તો કરી શકો જો ફ્રી હોય તો.”

“હા એ પ્રયાગ નો પણ ફોન આવ્યો તો મને સાથે આવવા. મારે એમ પણ કઈ ખાસ કામ તો છે જ નહીં સો ભાઈ જોડે તો આવીશ જ ને. અને જો સારો મેળ પડી જાય તો મારી યે શોપિંગ કરી લઇશ. તમારી ડ્રેસિંગ સેન્સ સારી છે તો મને ય મદદ મળી રહેશે. બરાબર ને?” આમ કહી તન્મય પોતાની ઇચ્છા રિધિમાની ચોઇસ પ્રમાણે શોપિંગ કરવાની છે એમ ઈશારો આપી દ્યે છે.

આ સાંભળી રિધિમાના ચહેરા પરના ભાવ એને તન્મયની આવી વાત ખૂબ ગમ્યાની ચાળી ખાય છે. “હમમ બિલકુલ, પણ જોજો ક્યાંક આપણી બંનેની ચોઇસ એક્દમ અલગ ના હોય અને તમારી શોપિંગ અધુરી જ ના રહી જાય.” આવું હસતાં હસતાં કહે છે.

સામા જવાબમાં તન્મય પણ મોકો જોઈને ડાયલોગ મારી જ દ્યે છે, “ના ના અલગ નહીં જ હોય. અને જો એવું થશે તો તમારી ચોઇસને જ ફાઇનલ કરીશું.”

તન્મય તરફથી આવી વાત સાંભળીને થોડીવાર રિધિમા વિચારોમાં ખોવાઈ જાય છે કેમ કે પહેલી વાર એને તન્મય બંનેના રિલેશનને આગળ વધારવા માગતો હોય એવા ઇશારા મળે છે.

“હેલ્લો, રિધિમા, ક્યાં ખોવાઈ ગયા?”

“હમ્મ? ના કઈ જ નઇ..”

તન્મય હવે સાચે જ આ સબંધ આગળ વધારવા માગતો હોઈ રિધિમાને ડેટ માટે પૂછવાનું વિચારે છે પરંતુ ડરે છે કે ક્યાંક એને ખોટું ના લાગી જાય. કહેવું કે ના કહેવું એવા વિચારમાં અટવાયેલો તન્મય રિધિમાના અવાજથી વિચારો માંથી બહાર આવે છે.

“હવે તમે ક્યાં ખોવાઈ ગયા?”

“રિધિમા, મારે તમને એક વાત પૂછવી હતી. બસ શરત એટલી કે તમારા આ દોસ્તની વાત અગર પસંદ ના આવે તો ખોટું ના લગાડશો. I hope I can call myself as your friend. May I?”

રિધિમા ને આ સાંભળી વિચાર આવી જાય છે કે ખબર નહીં તન્મયને શું પૂછવું હશે. પણ પોતાની સ્વસ્થતા જાળવતા કહે છે, “sure. We r friends.”

“જવાબ આપવો કે ના આપવો તમારી ઇચ્છા...............” થોડી વાર અટકી ને કહે છે, “રિધિમા, મને તમારો નેચર ગમે છે, તમારી સાથે વાતો કરવી ગમે છે. આ વીકેન્ડ આમ તો હું કામ થી આવું છુ, પરંતુ શનિવારે સાંજે થોડો સમય તમારી સાથે વિતાવવા માગું છુ. Will you come on dinner with me?”

રિધિમા સમજી જાય છે કે આ તન્મય તરફથી ક્લિયર ડેટ પર જવાનો જ ઈશારો છે. આમ તો એને આટલા સમયમાં તન્મય ને સારી રીતે સમજી લીધો હોઈ છે. અને આ રીતે એની સાથે બહાર જવાથી પોતે વધુ સારી રીતે એને જાણી શકશે. છતાં પણ પ્રયાગ અને નિશીતા હોઈ તો હજુ ઠીક, પણ સાવ એકલા એની જોડે જવું કે કેમ એનો નિર્ણય નથી લઈ શકતી.

થોડી વાર રિધિમા તરફ થી કોઈ જવાબ ના આવતા તન્મય થોડો પરેશાન થઈ જાય છે. છતાં પોતાને શાંત રાખતા કહે છે,

“રિધિમા? ખોટું લાગ્યું હોઈ તો I am sorry. તમે ના પણ કહી જ શકો છો.”

“તન્મય, હું અત્યારે તમને કોઈ જ જવાબ નથી આપી શકું એમ આ વાત નો. મને થોડો સમય આપો.”

“કોઈ જ વાંધો નહીં. અને હા, ફ્રેન્ડ છો, આથી ના પણ એટલા જ હકથી પાડી શકો છો.”

“હું વિચારીને કહીશ. ચાલો અત્યારે તો લેટ થઈ ગયું છે. પછી વાત કરીએ?”

“જરૂર. ચાલો good night.”

“good night”

ફોન મૂકતાં જ બંનેના મનમાં વિચારો શરૂ થઈ જાય છે. તન્મયને થોડી રાહત થાય છે કે ના તો રિધિમાએ વાત ને ખોટી રીતે લીધી કે તરત ના પણ નથી કરી. આથી એના મનમાં ઇંતેજારીની સાથે થોડી આશા પણ વધે છે. આ બાજુ રિધિમાનું મન એક જ વિચાર પર અટકી જાય છે કે એને મળવા જવું કે કેમ. આમ જોઈએ તો રિધિમા પણ હવે આ સબંધ ને લઈ ને સિરિયસલી વિચારતી હતી માટે જવાની ઇચ્છા તો એની પણ હતી. ઘણા વિચારો પછી તે આ ડેટ પર જવાનું નક્કી કરે છે. નાનપણથી લઈને યુવાની સુધી એના પેરેન્ટસે એને જમાના સાથે બદલાતી વિચારસરણીમાં સપોર્ટ આપ્યો છે. એને સમય પ્રમાણે બધી છૂટ આપવામાં આવી છે અને સાથે પેરેંટ્સને બદલે એના મિત્રો બનીને એને બધી રીતે સલાહ અને સાથ આપ્યા છે. આથી ઘરે સ્પષ્ટ કહીને જવામાં પણ એને કોઈ જ સમસ્યા આવે એમ ન હતી.

બીજા દિવસે તન્મય તરફથી ગૂડ મોર્નિંગ થી લઈ આખો દિવસ રોજની જેમ સિમ્પલ મેસેજ જ મળતા રહ્યા અને એણે સામેથી જવાબ જાણવાની કોઈ ઉતાવળ ના દર્શાવી આથી રિધિમાને ઘણું સારું લાગ્યું. સાંજે પોતાના પેરેન્ટસ સાથે તન્મય વિશે બધી વાતો શેર કરી – પ્રયાગનો કઝીન, નવરાત્રિમાં થયેલ મુલાકાત, પોતાની તન્મય સાથેની મિત્રતા, એનો સ્વભાવ સારો લાગતો હોવાની કબૂલાત – બધી જ વાત તન્મય વિશે બધી ડીટેલ સાથે પોતાના પેરેન્ટસ સાથે શેર કરી અને,

“આ વીકેન્ડ એ કોઈ મીટિંગ માટે આવે છે. શનિવારે અમારે બધાએ પ્રયાગ અને નિશીતાની શોપિંગમાં હેલ્પ કરવા તો જવાનું જ છે પરંતુ એણે મને સાંજે ડિનર માટે પુછ્યું છે. હું જવાનું વિચારું છું.”

“તને ઇચ્છા હોય તો જા. મળીશ તો વધુ સારી રીતે ઓળખી શકીશ. અમારા તરફથી છૂટ છે.”

પેરેંટ્સને બધી વાત કરવાથી અને એમની રજા મળવાથી રિધિમા હળવું ફીલ કરતી હતી. થોડો વિચાર કર્યા પછી પોતે ડિનર પર જવાના અંતિમ નિર્ણય સાથે એકદમ રિલેક્સ થઈ જાય છે અને ત્યારે જ તન્મયને એક મેસેજ મોકલી આપે છે,

“We can plan for dinner.”

સાંજના સમયે તન્મયના WhatsApp માં પહોચેલો આ મેસેજ એના ચહેરા પર ખુશીની એક ચમક લઈને આવે છે કેમ કે આ ડિનર ડેટ પર હા પાડવાનો સીધો મતલબ રિધિમાની પણ આ સબંધ આગળ વધારવાની ઇચ્છા દર્શાવતો હતો. એટલામાં જ પોતાની અમદાવાદ માટેની ફ્લાઇટનું અનાઉન્સમેન્ટ થતાં તે તરત રિપ્લાય નથી કરી શકતો. ફ્લાઇટમાં બેઠા પછી થોડીવાર પછી તે રિધિમાને રિપ્લાય મોકલે છે.

“થેન્ક યૂ સો મચ રિધિમા. અને સોરી, હું ફ્લાઇટમાં બોર્ડ કરતો હતો એટલે રીપ્લાય આપવામાં મોડુ થયું.”

‘મેસેજ વાંચી લીધા પછી પણ કોઈ જવાબ કેમ ના આવ્યો...’ આવું વિચારતી રિધિમાને વગર પૂછયે એના સવાલનો જવાબ મળી જતાં તેના ચહેરા પર એક મીઠી સ્માઇલ આવી જાય છે.

“ફ્લાઇટ? મીટિંગ પૂરી?”

“હા બસ હજુ નીકળો.”

“ok….”

“રિધિમા, ડિનર માટે રેસ્ટોરેંટની ચોઇસ તમે કરી શકો છો. તમારું સિટિ છે, તમને જ્યાં નું ફૂડ ભાવતું હોઈ તે.” ફરીથી ડિનર વિશેની વાત છેડતા અને રિધિમાની ચોઇસને ફરીથી મહત્વ આપતા તન્મયએ મેસેજ કર્યો.

“I would like you to do the choice. તમે પણ ઘણી વાર રાજકોટ આવ્યા જ છો ને.” સુંદર સ્માઇલી સાથે રિધિમાએ મેસેજ મોકલી દીધો.

તન્મયને તો ભાવતું’તું ને વૈધ એ કીધું. અને રિધિમાની વાત સાચી જ હતી, તન્મયને રાજકોટના લગભગ બધા સારા રેસ્ટોરેંટ ની ખબર હતી. આથી તરત “ok as u wish friend…” આવો એક મીઠો મેસેજ મોકલી દીધો.

“ચાલો, આજે મારે થોડું અસાઇમેન્ટનું કામ છે સો કદાચ વાત કરવાનો ટાઈમ નહીં મળે. એન્ડ તમે પણ રેસ્ટ લઈ લો. પછી વાત કરીએ. ટેક કેર.”

“હા હા શ્યોર. Talk to you later. Cya.”

આ પછી વચ્ચેના દિવસોમાં બંને વચ્ચે સામાન્યની જેમ જ વાતો થતી રહી. હા, એ વાત અલગ છે કે મનમાં તો બંનેને એક અલગ જ ઉત્સાહ હતો. રિધિમા માટે આવો સમય પહેલી વાર આવતો હતો કે તે કોઈ સાથે ડેટ પર જાય. તન્મય આમ તો ઘણી છોકરીઓ સાથે ડિનર માટે જઇ આવ્યો હતો, પણ આ વખત એ એવી કોઈ છોકરી સાથે જવાનો હતો જેને એ પોતે પોતાની લાઈફ પાર્ટનર બનાવવા ઇચ્છે છે. બંને પોતાની રીતે આ પળના હજારો વિચારો મનમાં કરી લેતા હતા.

શુક્રવારે તન્મય રાજકોટ આવીને રિધિમાને એક મેસેજ મોકલે છે..

“Hi, Good Morning…… In your city….”

રિધિમા કોલેજ જતી વખતે સવારમાં જ આવો મેસેજ વાંચે છે. આથી એના મનમાં કઈક અલગ જ લાગણી થાય છે. પરંતુ એક સિમ્પલ રિપ્લાઇ મોકલે છે.

“ઓહ... Welcome…”

“Going to college… talk to u later….”

આખો દિવસ તન્મય પોતાની મીટિંગ્સમાં અને રિધિમા પોતાની કોલેજમાં વ્યસ્ત રહે છે. સાંજે રિધિમા જ્યારે નિશીતાને મળવા માટે જાય છે ત્યારે નિશીતા એની મસ્તી કરતાં પૂછે છે,

“ઑ રિધિમા મેડમ, તન્મયજી આપણાં ગામમાં જ છે. ખબર છે કે નહીં?”

“હા ખબર છે. સવારે મેસેજ હતો”

“ઓહો... શું વાત છે, હવે તો અમારા પહેલા તમને ખબર પડી જાય ને કાંઈ...”

“જા ને નિશૂળી ખોટી ખેચમાં મારી હો. એક તો એમ પણ ટેન્શન હોય ને અહિયાં.”

“લે ટેન્શન કેમ? મારી દોસ્ત પહેલી વાર ડેટ પર જશે કાલે..... ખુશ થવું જોઈએ લે.” આમ કહી નિશીતા થોડી વાર રિધિમાની મજાક કરે છે.

“તને તો કાંઈ કે’વાની જ જરૂર નો’તી..... નિશું, મારૂ છોડ, તને યાદ છે કે કાલે આપણે તારા દાંડિયાની શોપિંગ માટે જવાનું છે?”

“ હા હા યાદ છે ને..... ત્યાં તન્મય પણ આવશે એ ય યાદ છે..... હા...હા...હા...”

“ઓહ રીયલી? તો તો મેડમે વિચારી રાખ્યું હશેને કે કેવી ટાઈપની ચણિયાચોળી લેવી? થોડી ડિઝાઇન પણ જોઈ રાખી હશે …. હે ને?”

“શીટ, એવું તો કઈ વિચાર્યું જ નહીં.......” આમ કહી નિશીતા થોડી વાર પરેશાન થઈ જાય છે. આ જોઈને રિધિમા ખડખડાટ હસવા લાગે છે.

“હવે બાઘાની જેમ બેઠી છે શું... ચલ આપણે જોઈએ થોડી ડિઝાઇન અને ટ્રેન્ડ પણ ચેક કરીયે.”

આમ બંને બહેનપણીઓ રાત સુધી ફરીથી પોતાની વાતોમાં મશગુલ થઈ જાય છે. રાતે ઘરે પહોચીને છેક રિધિમાને યાદ આવે છે કે આજે આખો દિવસમાં તેણે પાછો પોતાનો મોબાઇલ તો ચેક કર્યો જ નહીં. તન્મયનો મેસેજ હશે તો? આમ વિચારી ને એ WhatsApp ખોલે છે. તન્મયના ઘણા બધા મેસેજ હતા.

“હેલ્લો... કોલેજથી ફ્રી થયા?”

“મારી મીટિંગ પણ પૂરી... હવે વીકેન્ડ જેવુ લાગશે.”

“કાલે કેટલા વાગે નીકળશુ શોપિંગ માટે કઈ ફાઇનલ કર્યું??”

“ક્યાં ખોવાઈ ગયા રિધિમા? કેટલી વાર થઈ ગઈ.”

“પ્રયાગ જોડે વાત થઈ, સવારે 9 વાગે નીકળવાનું કહે છે.”

આવા મેસેજ થોડા થોડા સમયાંતરે મેસેજ બોક્સમાં હતા. આથી રિધિમાએ તરત જ રિપ્લાઇ કર્યો.

“સોરી સોરી... નિશુની જોડે હતી તો મોબાઇલ પર ધ્યાન જ ના ગયું. જસ્ટ ઘરે આવીને જમીને ફ્રી થઈ.”

આ તરફ તન્મય કયારનો મોબાઇલ હાથ માં લઈને રિધિમાના મેસેજની રાહ જોતો બેઠો હતો અને એને આમ જોઈને પ્રયાગ એને ચીડવતો હતો...

“કેમ રિપ્લાઇ નથી કરતી એ ભાઈ? ક્યાંક તારી ડેટનું ફૂસ્સ તો નથી થઈ ગયું ને? હા..હા...હા...”

“એલા ભાઈ છો કે દુશ્મન? બિવડાવ નહીં મને. એક તો અહી એમ પણ BP હાઇ હોય ને પાછો તું યે....” પરેશાન થતાં તન્મયે કહ્યું.

“અરે નિશું જોડે હશે એ... એટલે જ તો મારો ફોન પણ નથી રણક્યો કયારનો. શું તું યે.... આવો બીકણો નહોતો હો મારો ભાઈ....” આમ કહી પ્રયાગ ફરી હસવા લાગે છે.

તન્મય કઈક કહેવા જતો હોય છે ત્યાં બંનેના મોબાઇલમાં એક સાથે જ મેસેજની ટોન રણકે છે.

“નિશુ...” પ્રયાગ બોલ્યો અને એની સાથે જ તન્મય પણ બોલ્યો, “રિધિમા જ..”

આથી બંને હસવા લાગે છે અને સમજી જાય છે કે બંને ફ્રી થઈ ગઈ એટલે આપણે યાદ આવ્યા. પ્રયાગ નિશીતાને કોલ કરીને વાતોમાં વ્યસ્ત થઈ જાય છે અને તન્મય રિધિમાને રિપ્લાય કરે છે.

“હાશ.... તમારો મેસેજ આવ્યો. મને તો લાગ્યું કે મારાથી કોઈ વાત પર નારાજ થઈ ગયા કે શું?” આવો મેસેજ એક સ્માઇલી સાથે મોકલે છે.

આવું વાંચી ને રિધિમા મલકાતા મલકાતા મેસેજ કરે છે.

“ના ના. નારાજ શું કામે થાઉ? હું કઈ થોડી તમારી ગર્લફ્રેન્ડ છુ....” મસ્તી કરતાં કરતાં રિધિમાથી લખાઈ ગયું.

‘શીટ... આવું ક્યાં લખ્યું મે?’ આવું મનમાં વિચારતી રિધિમા તરત જ એક રિપ્લાય કરે છે,

“સોરી, ઓલી નિશુને મળીને આવી એટ્લે જરાક મસ્તી વાળો મૂડ હતો.”

આ બંને મેસેજ વાંચીને તન્મય હસી પડે છે.

“ના ના એમાં સોરી કહેવાની જરૂર નથી.. બાય ધ વે, ગર્લફ્રેન્ડ હોત તો નારાજ થાત?” આવું એક નોટી સ્માઇલી સાથે મોકલે છે.

“અમ્મમમ..... બની શકે. કઈ કહેવાય નઈ.......” રિધિમા પણ એવો જ નોટી જવાબ આપે છે.

“અને બંદા થી એવી કઈ ગુસ્તાખી થઈ છે જેથી નારાજ થવાનું કારણ મળી જાય?” એક મીઠા સ્માઇલ સાથે તન્મય વાત આગળ વધારે છે.

“લે, ગર્લફ્રેન્ડને નારાજ થવા માટે કારણ જોઈએ? તમને તો ઘણો અનુભવ છે એવું મે સાંભળ્યુ છે. શું કહો છો?” રિધિમા પણ આજે તન્મય સાથે થોડી ખૂલીને મજાક કરવાના મૂડમાં આવી ગઈ હતી.

તેનો મેસેજ વાંચીને તન્મય મુંજાઈ છે. જેને પટાવવાનું પ્લાનિંગ ચાલે એની સામે એક્સ-ગર્લફ્રેંડ્સની વાત!!!! અજીબ લાગે...... એ વિચારમાં જ હોય છે કે શું લખવું. આથી રિપ્લાઇ નથી કરી શકતો, ત્યાં રિધિમાનો બીજો મેસેજ આવે છે.

“ક્યાં ખોવાઈ ગયા તન્મય જી?”

“રિધિમા, હવે તમે એવા ટોપિક પર મને ગૂંચવી દ્યો તો હું શું જવાબ આપું?”

આ વાંચીને રિધિમા ખડખડાટ હસવા લાગે છે. તન્મયના મન માં શું ચાલે છે એ સમજી ગઈ હોય છે. પણ પોતે ઇચ્છે છે કે બંને સબંધ આગળ વધારે એ પહેલા એક બીજા સાથે બધી વાત કરી શકે એવા દોસ્ત તો હોવા જ જોઈએ. આથી ઘણા બધા સ્માઇલી સાથે રિપ્લાય કરે છે.

“લે કેમ? થોડા દિવસ પહેલા જ તો તમે કહ્યું હતું કે આપણે ફ્રેન્ડ્સ છીએ. તો પછી આટલા વિચારમાં શું પડી જાવ છો.”

તન્મય તેનો ઈશારો સમજી જાય છે આથી એકદમ હળવું ફીલ કરે છે અને ચહેરા પર એક સ્માઇલ આવી જાય છે એ વિચારીને કે ‘રિધિમા તમે ફરીથી પ્રૂવ કરી દીધું કે તમે જ મારા માટે બેસ્ટ લાઈફ પાર્ટનર છો.’ અને પછી રિપ્લાય કરે છે,

“હા, વાત તો તમારી ખરી, અનુભવ તો ઘણા છે. બસ પ્રોબ્લેમ એટલો હોય કે કારણ સાથે રિસાય એને મનાવવી સહેલી, વગર કારણે રિસાય એને મનાવવામાં ફિણા આવી જાય...” આવું ઘણા બધા લાફિંગ સ્માઇલી સાથે મોકલે છે.

આ વાંચી ને રિધિમા ફરી હસી પડે છે. ત્યાં તન્મયનો મેસેજ આવે છે. “કોલ પર વાત કરીએ?”

આથી આ વખત રિધિમા પોતે સામેથી કોલ લગાવે છે. તન્મય પોતાના મોબાઇલમાં એનો સામેથી કોલ જોઈ ને ખુશ થઈ જાય છે. તરત જ રિસીવ કરીને ઉમળકા સાથે કહે છે,

“થેન્ક યૂ.”

“લે કેમ? મે એવું શું કર્યું?”

“કોલ કર્યો.... સામેથી... જવા દો, તમને આની વેલ્યુ નહીં સમજાય...” આવું હસતાં હસતાં કહે છે. પછી આગળ કહે છે,

“બાય ધ વે, પ્રયાગ કાલે 9 વાગ્યાનું કહેતો હતો.”

“હા, નિશુ જોડે વાત થઈ. હું તેની ઘરે જ આવીશ સવારમાં”

આ પછી બંને વચ્ચે ઘણી વાતો થઈ અને પછી ગૂડ નાઇટ કહીને બંને સૂઈ ગયા. આમ તો બંનેએ એકબીજા સાથે ડિનર ડેટ વિશે કોઈ જ વાત ના કરી પણ મનમાં તો એ જ ચાલતું હતું. આમને આમ વિચારો કરતાં બંને સૂઈ જાય છે.

બીજા દિવસે સવારે પ્રયાગ અને તન્મય કાર લઈને નિશિતા ની ઘરે પહોચે છે ત્યારે હજુ રિધિમા આવી નહોતી. આથી ત્રણેય વાતો કરતાં કરતાં રિધિમાની રાહ જોઈને બેઠા હતા.

“સોરી સોરી મારા લીધે લેટ થઈ ગયું...” રિધિમા ઉતાવળથી ઘર માં આવે છે ત્યારે ફરી તન્મય એનું આ રૂપ જોઈને ચોંકી જાય છે. બ્લૂ જીન્સની ઉપર લાઇટ પિચ કલરનું ટીશર્ટ, હેરને ઉપર બાંધીને બનાવેલી પોની ટેઈલ સાથે કાનમાં પહેરેલી નાની સિલ્વર એયરરિંગ્સ અને હાથમાં એક સિમ્પલ વોચ. તડકાથી બચવા લીધેલા દુપટ્ટાને હાથમાં રાખીને ઊભેલી રિધિમા પાશ્ચાત્ય પોશાકમાં પણ આટલી સુંદર લાગતી હશે એની તન્મયને કલ્પના જ નહોતી.

“સોરી વાળી, ક્યાં રહી ગઈ હતી?” થોડી નારાજગી દેખાડતા નિશિતાએ કહ્યું.

“અરે યાર સ્કૂટરમાં પેટ્રોલ નખાવવા ઊભી હતી લાઇનમાં.”

“તને કીધું હતું કે અમે આવીને લઈ જાશું. એમ પણ કારમાં જવું છે પણ મેડમ માને?”

“અરે તમારે લોકોએ ઊલટું આવવું પડે મને લેવા. ચલ હવે લેટ શું કરે છે. ચલ.”

બધા માર્કેટ તરફ નીકળી જાય છે. ચારેયને એકબીજા સાથે સારું ફાવે છે આથી બધા શોપિંગમાં પણ ખૂબ મસ્તી કરે છે. નિશિતાના કપડાં પ્રયાગની ચોઇસથી અને પ્રયાગના કપડાં નિશિતાની ચોઇસથી લેવાના હતા. પરંતુ આ બંનેમાં રિધિમાની મદદ સામાન્ય હતી એ પણ એના ડ્રેસિંગ સેન્સના લીધે. સાથે તન્મયે પણ રિધિમાની ચોઇસ પ્રમાણે થોડી શોપિંગ કરી. વચ્ચે જમવાને બદલે આસપાસમાં જ થોડો નાસ્તો કર્યો. છેક સાંજ સુધી બધા શોપિંગ પૂરી જ કરીને પછી ઘરે જવા નીકળ્યા અને રિધિમા ત્યાંથી પોતાનું સ્કૂટી લઈને ઘરે જવા નીકળી ગઈ.

આ સમય દરમિયાન બંને વચ્ચે રાતના ડિનરને લઈને કોઈ જ વાતચીત ના થઈ હોવાથી રિધિમા વિચારે છે કે તૈયાર થાવ કે ના થાવ? ત્યાં જ એનો ફોને રણકે છે અને જોવે છે તો તન્મયનો ફોન હોય છે.

“હેલ્લો...”

“હાઈ રિધિમા. ઘરે પહોચી ગયા?”

“હા બસ થોડી વાર પહેલા જ પહોચી.”

“ઓકે... રિધિમા, તમે આજ ફ્રી જ છો ને રાતે? મીન્સ આવશો ને ડિનર પર?”

“હા ફ્રી જ છુ. ક્યાં જાઈશું? મને ટાઈમ અને જગ્યા કહો એટલે હું એ પ્રમાણે આવું.”

“કેટલા વાગ્યા સુધીમાં તમારે ફરીથી ઘરે પહોચી જવાનું છે? એ રીતે આપણે સમય નક્કી કરીએ.”

“10:30 વાગ્યા સુધી ચાલશે.”

“ઓકે તો 7:30 વાગ્યા સુધીમાં તમે તૈયાર થઈ શકશો? તો આપણે નીકળી શકીએ. અને જો તમારે થોડો આરામ કરવો હોય તો પણ મને કોઈ વાંધો નથી. જેમ તમે કહો.”

“ના ના તન્મય, આરામ તો નથી કરવો. હું રેડી થઈ શકીશ.”

“રિધિમા, એક પરમિશન જોઈતી હતી. શું હું તમને પિક કરી શકું? આપણે કારમાં જઇ શકીએ?

થોડું વિચાર્યા પછી રિધિમા કહે છે,

“ઓકે... ચાલશે. પણ જવાનું ક્યાં છે?”

“જામનગર રોડ પર. સિટિની નજીક હાઇવે પર જ છે. જો તમને ચાલે તો. તમારા ઘરથી એ બાજુ જવું નજીક પડશે એટલા માટે.”

“ઓકે વાંધો નહીં. ચાલશે. હું 7:30 સુધીમાં રેડી રહીશ.”

“તમારા ઘરે કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને હું લેવા આવીશ તો?”

“ના ના. મમ્મી પપ્પાને ખબર છે આજે હું તમારી જોડે બહાર ડિનર માટે જાઉ છુ. એ બંને ખૂબ ઓપન માઈન્ડેડ છે. સો ડોન્ટ વરી.” આ એક વાત થી રિધિમાએ પોતાના માટે એક સેફ્ટી બનાવી લીધી અને તન્મયને આશ્ચર્ય સાથે ખુશી થઈ કે એના પેરેંટ્સને ખબર છે તો કોઈ વાંધો નહીં આવે આગળ પણ કદાચ.

“ઓકે... મળીએ. હું આવી જઈશ.”

રિધિમા કારમાં જવાનો પોતાનો પ્લાન ઘરે શેર કરીને તૈયાર થવા માટે જાય છે. સાટીનની વ્હાઇટ એન્કલ ઉપર કાચા પીળા રંગનો સુંદર સ્ટેન્ડ કોલર નેકનો કુરતો એને ખૂબ શોભતો હતો. કમર સુધી લહેરાતા વાળ એણે ખુલ્લા જ મૂકેલા હતા. એક હાથમાં વ્હાઇટ કલરની ઘડિયાળ અને બીજા હાથમાં એક બ્લૂ કલરનું કડું. હાથમાં બ્લૂ કલરનું જ એક ક્લચ. કાનમાં નાના ફેન્સી ઇયરરિંગ્સ, હોઠ પર આછી ગુલાબી લિપસ્ટિક અને ઘેરા કાળા રંગના કાજળમાં રંગેલી એની આંખો જોનારને મંત્રમુગ્ધ કરી દે એવી લાગતી હતી.

તૈયાર થતી વખતે એના મનમાં ઘણી વાતો ચાલતી હતી. તે જાણતી હતી કે તન્મય એક સારો છોકરો છે. અને આથી જ આ સબંધ પર તેનો ભરોસો વધતો જતો હતો. લગભગ 7:15 એ તન્મયનો કોલ આવ્યો.

“રિધિમા હું તમારા ઘર ની નજીક જ છુ. તમે રેડી હોય ત્યારે કહેજો.”

“હું રેડી જ છુ, આવો તમે.”

તન્મય એના ઘરે પહોચીને એને કોલ કરે છે ત્યારે રિધિમા બહાર આવે છે. એટલામાં જ રિધિમાના પેરેંટ્સ બહારથી આવે છે અને એ લોકોની મુલાકાત થાય છે. રિધિમા એકબીજાની જોડે ઓળખાણ કરાવે છે. તન્મય રિધિમાને જોઈને ફરીથી જાણે કે તે એના પ્રેમમાં પડી જાય છે. પરંતુ એના પેરેંટ્સ હાજર હોવાથી જસ્ટ hi કરીને બધા સાથે વાતોમાં લાગે છે. આજે તો રિધિમા પણ તેને જોતી જ રહી જાય છે. સ્કાય બ્લૂ જીન્સ પર ડાર્ક બ્લૂ કલરના સિમ્પલ પણ સ્ટાયલીશ ટી-શર્ટમાં તન્મયની પર્સનાલિટી ખૂબ જ સરસ લાગતી હોય છે. થોડીવારમાં ઘણી બધી વાતો અને ઓળખાણ થઈ જાય છે. રિધિમાને તેના પેરેંટ્સના ફેસ પર પોઝિટિવ રિએક્શન દેખાય છે એટલે તેને પણ સારું ફીલ થાય છે.

થોડીવારમાં જ બંને ડિનર માટે નીકળે છે. કારમાં બેસતી વખતે પણ તન્મય રિધિમાને ડોર ઓપન કરીને પહેલા બેસાડવાનું ચૂકતો નથી. તેની આવી અદાથી રિધિમા પણ ખુશ થાય છે. બંને નીકળી પડે છે ગાર્ડન રેસ્ટોરન્ટ તરફ. વચ્ચે બંને ઘણી વાતો કરે છે અને એમાં મોટેભાગે તન્મય જ બોલતો હોય છે. હા, રિધિમા તરફથી રિસ્પોન્સ તેણે ઘણો સારો મળતો રહે છે અને એટલે જ વાતો નીકળતી રહે છે. ત્યાં પહોચીને તન્મય રિધિમાને ગાડીમાં જ બેસવાનું કહી અંદર જાય છે અને થોડીવાર પછી આવીને રિધિમાને લઈ જાય છે. આ સમયે સૂર્યાસ્તનું આછું અજવાળું પણ અંધારા સાથે ભળી ગયું હોય છે. તન્મય રિધિમાને રેસ્ટોરન્ટના પાછળના ભાગમાં લઈ જાય છે. ત્યાં જઈને રિધિમા જોવે છે કે ત્યાં ખાલી એક જ ટેબલ હોય છે. અને આસપાસનો ભાગ એક્દમ ખાલી પરંતુ હરિયાળી અને ફૂલોની ક્યારીથી સજાવેલો હોય છે. રેસ્ટોરન્ટના આ ભાગમાં લોકોની આવન-જાવન પણ નહિવત હોય છે, ત્યાં સુધી કે લોકોનું ધ્યાન પણ એ તરફ ના જઇ શકે, પણ સાથે જ ઓકવર્ડ ફીલ થાય તેવું એકાંત નથી હોતું કેમકે આ ભાગને ખાલી ઊંચા ફુલછોડથી જ કોમન એરિયાથી અલગ કરેલો હોય છે. તન્મય રિધિમાને ટેબલ તરફ દોરે છે અને એક ચેર પર તેને બેસાડે છે. સામે પોતે બેસે છે. રિધિમા તો બસ આસપાસનું અવલોકન કરવામાં જ મશગુલ હોય છે. સાથે તે તન્મય જે રીતે પોતાને ટ્રીટ કરે છે એ જોઈને પણ થોડી વિચારોમાં ખોવાઈ જાય છે.

“તો, કેવી લાગી તમને જગ્યા રિધિમા?” તન્મય તેની આંખોમાં જોતાં પૂછે છે.

રિધિમા તન્મયના અવાજથી વિચારોમાંથી બહાર આવે છે અને પોતાની જાતને સંભાળીને પછી જવાબ આપે છે.

“ખૂબ સરસ છે. આ રેસ્ટોરન્ટમાં તો અમે પહેલા આવ્યા છીએ પરંતુ આ રીતે કોઈ સેપરેટેડ એરિયા છે તેની તો મને ખબર જ નહોતી.”

“હા, ઘણા ને આ ખબર નથી હોતી.”

“તો તમને કેમ ખબર? કોઈ gf જોડે અહી આવ્યા’તા?” તન્મયની આંખોમાં જોઈને રમતિયાળ સ્મિત કરતાં તે કહે છે.

“રિધિમા, પહેલા તો મને એ કહો, તમને મારૂ તન્મય-પુરાણ પ્રયાગ-નિશીતાએ જ કહ્યું ને? એ બંનેને બોલ્યા વિના ચાલે નહીં. અને એ તો ઠીક, તમે ય મારી આવી મજાક કરશો?” સામે જરાય વિચલિત થયા વિના એવા જ એક સ્મિતથી તન્મય એ જવાબ આપ્યો.

“હાહા.. સોરી સોરી. હવે નહીં કરું મજાક બસ?”

“ના ના... સોરીની જરૂર નહીં. અને હા, તમાર સવાલનો જવાબ. મને કેમ ખબર આ જગ્યાની... તો એવું છે રિધિમા, મારા ઘણા ક્લાયન્ટ અહી રાજકોટમાં છે. આ રેસ્ટોરન્ટ ની જાણકારી પણ એક ક્લાયન્ટ કમ દોસ્ત દ્વારા જ મળી. જગ્યા મે પણ જોઈ ના હતી આથી જ પહેલા હું ચેક કરવા આવ્યો અને વ્યવસ્થિત છે કે કેમ એ ખાતરી કર્યા પછી તમને લાવ્યો. આમ તો મારે વહેલા ચેક કરવા આવવું હતું પરંતુ આપણે શોપિંગમાં જ ઘણું લેટ થઈ ગયું હતું.”

રિધિમા તન્મય તરફથી આટલી કેર અને મેચ્યોરિટી જોઈને ખુશ થાય છે. ત્યાર પછી બંને વચ્ચે ઘણી વાતો થતી રહે છે. સાથે જ સૂપ અને સ્ટાર્ટરની મિજબાની પણ થતી રહે છે. મેઈન કોર્સનો ઓર્ડર આપવા માટે ફરી વખત “તમે આપો... તમે આપો..” ની ખેંચતાણ વચ્ચે વારા ફરતી બંને એક એક ચોઇસ આપે છે અને એની સાથે સાથે રસોઈ અને સ્વાદ વિષે પણ ચર્ચાઓ થતી રહે છે. વાત વાતમાં જ તન્મય કૂકિંગમાં પણ સારો હોવાની કબૂલાત કરે છે અને તેના પરથી ચાલેલી વાતોમાં રિધિમાને તન્મયના ખૂબ નિખાલસ અને ઓપન વિચારો અને લેડીઝ તરફના રિસ્પેક્ટના ભાવોનો અનુભવ થવાથી તે વધુ તેના તરફ ઢળતી જાય છે. જમવાનું પૂરું થવાની સાથે વાતો પણ લગભગ ખૂટવા આવી હોય છે. બંનેને કોઈ જ નવી વાતો યાદ આવતી નથી. ડેઝર્ટ નો ઓર્ડર આપીને તન્મય રિધિમાને પૂછે છે,

“રિધિમા, ઇફ યૂ ડોન્ટ માઇન્ડ આપણે પાછળ લેક તરફ વોક માટે જઈએ?”

“સ્યોર.”

આમ કહી રિધિમા ઊભી થઈ ચાલવા જાય છે ત્યાં જ તન્મય તેની સામે પોતાનો હાથ લંબાવીને તેના હાથમાં પોતાનો હાથ મૂકવા માટે રિધિમાને આંખોથી જ રિકવેસ્ટ કરે છે. રિધિમા પણ શરમાળ સ્મિત સાથે નજરો ઢાળીને પોતાનો હાથ તન્મયના હાથમાં મૂકી દ્યે છે. પહેલા સ્પર્શનો આ અનુભવ બંને માટે અમુલ્ય અને શરીરમાં એક અલગ જ ધ્રૂજારી ભરનારો હોય છે. રિધિમાની સુંદરતાના ઝરણામાં ભીંજાયેલો તન્મય તો તેને પોતાની બાહોમાં સમાવી લેવા માગતો હોય છે પરંતુ રિધિમાના સંયમિત વ્યવહારને માન આપતાં તે પણ પોતાની જાત પર કાબૂ રાખે છે અને હાથના સ્પર્શથી જરા પણ આગળ ના વધતાં તેઓ ચાલતા ચાલતા લેક સાઇડ પર આવે છે. આટલી વાર સુધી બંને વચ્ચે જાણે કે મૌન સંવાદ ચાલતો હોય એમ મનમાંથી તો ઘણી વાતો કરવા છતાં બંને ચૂપ હોય છે. ત્યાં રાખેલા એક બેન્ચ પર બંને બેસે છે ત્યારે તન્મય ધીમેથી પોતાની વાત રિધિમા સામે મૂકે છે.

“રિધિમા, મારે તમારી સાથે મારા મનની વાત શેર કરવી હતી.”

આથી રિધિમા પણ તન્મયની સામે આંખોમાં જોવે છે. રિધિમાનો હાથ પોતાના હાથમાં જ રાખીને તન્મય કહે છે,

“રિધિમા, આમ તો બધા કહે જ છે અને મને પણ ખબર જ છે કે ગર્લ્સ ને પોતાની તરફ મુગ્ધ થયેલા લોકો વિષે ખબર જ હોય છે. તમને પણ હશે જ. પરંતુ આજે મને એ તમને જાતવાવાની ઇચ્છા છે.”

તન્મયની વાત સાંભળી રિધિમા થોડી અન્કમ્ફર્ટેબલ થઈ જવાથી પોતાની નજર નીચી હટાવી લ્યે છે.

“રિધિમા પ્લીઝ મારી સામે જોવો. હું ઇચ્છું છુ કે હું જે શબ્દોથી કહેવાનો છુ એ ભાવની સાબિતી તમે મારી આંખોમાં વાંચો. અને પછી કોઈ જવાબ આપવો, ના આપવો, શું જવાબ આપવો, એ બધી તમારી મરજી. હું બધુ જ સ્વીકારીશ.”

આથી રિધિમા ફરીથી તન્મય સામે જોવે છે.

તન્મય રિધિમાનો હાથ પોતાના બંને હાથ વચ્ચે દબાવીને એની આંખોમાં જોઈને પોતાનું મન તેની સામે ખુલ્લુ મૂકે છે.

“રિધિમા, પહેલી વાર મળ્યા ત્યારથી જ હું તમારા રૂપ અને તમારી પર્સનાલિટી પર મોહી ગયો છુ. તમને ખબર જ છે કે મે ઘણી ગર્લફ્રેંડ રાખી છે. પણ હકીકત એ છે કે એ બધા સંબંધો માં કોઈ જ ઊંડી લાગણીઓ હતી નહીં. ના મારા તરફથી કે ના સામેના પાત્ર તરફથી. આ સાવ સાચી વાત છે. આઇ હોપ તમે મારો વિશ્વાસ તો કરી જ શકશો હવે. પરંતુ તમારી વાત કરું તો, તમને વધુ ઓળખતો ના હોવા છતાં ખબર નહીં કેમ, તમને જોઈને પહેલી વાર મને કોઈ સાથે કમિટ થઈને એ કમિટમેન્ટ નિભાવવાની ઇચ્છા થઈ. દોસ્તી આગળ વધાર્યા પછી જેમ જેમ તમને ઓળખતો ગયો તેમ તેમ હું તમારી તરફ આકર્ષિત થતો ગયો. અને આજની વાત કરું તો, તમે મને ગમો છો. તમારી જોડે હું મારી દરેક ક્ષણ વિતાવવા માગું છુ....... રિધિમા, I Love You….”

તન્મય તરફથી આવો સ્નેહભર્યો એકરાર સાંભળીને રિધિમા લાગણીવશ થઈ ગઈ. એને પણ તન્મયનો સાથ ગમતો જ હતો, પણ સાથે, એ પોતે એવા કોઈ પ્રેમના બંધનમાં જોડાવા નહોતી માગતી જેને આગળ લઈ જવાનો રસ્તો ના મળે. આથી એકદમથી શું જવાબ આપવો તેની અવઢવમાં ચૂપ બેઠી હતી. તન્મય પણ કદાચ આટલા સમય પછી તેને પૂરી રીતે સમજતો હતો. તે શું વિચારી રહી છે એનો થોડો અંદાજ તેને પણ હતો. આથી તેણે રિધિમા ને કહ્યું,

“રિધિમા, શું થયું? તમે મારી જોડે શેર કરી શકો જો કઈ વાત હોય તો. અને હા, મને બસ તમારા મનની લાગણીઓનો જવાબ જોઈએ છે. એ જવાબ હા હોય કે ના હોય, પછીની આગળની રાહ તમે કહેશો એ રીતે જ નક્કી કરીશું. બસ તમારી લાગણીઓને મારી સામે ખુલ્લી તો કરો. હું બધા જ જવાબો માટે સજ્જ છુ.”

રિધિમાને લાગ્યું કે પોતાનું મન તેણે પણ તન્મય સામે ખોલવું જોઈએ. આથી સમજદારી સાથે એણે પોતાના રિસ્પોન્સ માટે રાહ જોઈ રહેલા તન્મયને નીચી નજરે જ કહ્યું,

“તન્મય, આજ સુધી હું કોઈ જ રિલેશનમાં રહી નથી. પણ હા, એક વાત સ્વીકારીશ કે તમે પણ મને ગમો છો. તમારો સ્વભાવ મારા મનમાં વસી ગયો છે. તમારી સાથે વાતો કરવી, સમય વિતાવવો મને ગમે છે. પણ આ સંબંધને કોઈ પણ દિશામાં આગળ લઈ જવાનો રસ્તો જો જાણતા હોઈએ તો જ આપણે આગળ વધીએ એમ હું ઇચ્છું.” આ રીતે રિધિમા તન્મયને પોતે આગળ આ સબંધથી શું ઇચ્છે છે એ મોઘમમાં જ જણાવે છે.

રિધિમા પણ પોતાના વિષે આવું ફીલ કરે છે એ વાત એના મોં એ થી જ સાંભળીને તન્મયની ખુશી બેવડાઈ જાય છે. સાથે, રિધિમા એ કહેલી સંબંધના ભવિષ્યની વાત પણ સમજી ગયો હોવાથી તે ખૂબ જ પ્રેમ થી કહે છે,

“રિધિમા, પ્રેમ તો તમને કરું જ છુ અને તમારી વાત પણ સમજુ છુ. જો તમે પ્રેમનો સ્વીકાર કરો તો આપણે એકબીજાની સાથે જ એકબીજાના પરિવારોને જાણીએ અને પછી આગળનો રસ્તો નક્કી કરીએ. શું કહો છો?”

તન્મયના જવાબથી રિધિમાના ચહેરા પર એક અલગ જ સુરખી પથરાય જાય છે. તન્મયએ પોતાના પ્રેમના એકરાર સાથે જ રિધિમાને એક ચાન્સ આપ્યો એને અને એના પરિવાર વિશે પણ પૂરી રીતે ઓળખીને પછી જીવનભરના બંધનમાં બંધાવાનો. લગ્નના કોઈ જ ઉલ્લેખ વિના પણ બંનેએ પોતાના એકબીજાનો સાથ જીવનભર આપવાના ઈરાદાને ઉજાગર કરી દીધો.

રિધિમાએ નજર ઝુકાવીને શરમના શેરડામાં સંતાઈ જતાં સ્મિત સાથે પોતાનો હુંકાર તન્મય સુધી પહોચાડી દીધો. અને આ જોઈને ખુશ થયેલો તન્મય પોતાના હાથમાં રહેલા રિધિમાના હાથને એક સ્નેહભર્યા ચુંબનથી ભીંજવતા પોતાની જાતને રોકી નથી શકતો.

રિધિમા તન્મય એ આપેલા પહેલા હસ્ત-ચુંબન ની ઝણઝણાહટ માંથી બહાર પણ નહોતી આવી એટલામાં જ તેમણે ઓર્ડર કરેલું ડેઝર્ટ આવી જતાં તન્મય બંને આઇસ્ક્રીમ કપ માંથી એક રિધિમાને આપતાં કહે છે,

“ચાલો, સેલિબ્રેટ કરીએ?” આમ કહી કપ આપી સ્નેહ નિતરતી પોતાની આંખોમાં એક વહાલું સ્મિત ભરતા પોતાની વાત આગળ વધારે છે.

“હવે તમે પરમીશન આપો એટલે આપણે એકબીજા સાથે બનાવેલી દુનિયામાં આપણાં પરિવારોને પણ શામેલ કરીએ.”

“હવે પ્રયાગ અને નિશીતાના મેરેજને ક્યાં વધુ સમય છે. ત્યાર પછી કઈક વિચારીએ.” આવો જવાબ રિધિમા તરફથી મળે છે.

બંને રેસ્ટોરન્ટ થી નીકળે છે અને ઘર તરફ આવે છે ત્યારે પણ તન્મય મોટેભાગે રિધિમાનો હાથ પકડી રાખે છે. અને એના માટે એ રિધિમા તરફથી ગુસ્સા વાળી ટકોર પણ સાંભળે છે, “તન્મય, ગાડી ચલાવો છો. પ્લીઝ ધ્યાન એમાં રાખો...” અને સામે રિધિમાને વહાલભર્યા સ્મિત સાથે એક જ જવાબ મળે છે, “હાથ અને મન લાલચુ છે તો હું શું કરું? ચિંતા ના કરો, તમને હું કઈ જ નહીં થવા દઉ.” રિધિમાને ઘરે ડ્રોપ કરી ને તન્મય પ્રયાગના ઘરે જતાં રહ્યા પછી પણ બંનેના મનમાં આજની મુલાકાત અને પહેલા સ્પર્શની લાગણીઓ રહી રહીને તાજી થયા કરતી હતી. એકબીજાથી દૂર થવું પણ થોડું અઘરું પડ્યું હતું આજે.

આ પછીના બધા જ સમયગાળામાં બંનેની બિઝનેસ અને જનરલ ટોપિકની વાતોમાં એકબીજાના પરિવાર વિશેની વાતો પણ ભળે છે. બંને ખૂબ સારી રીતે એકબીજાના પરિવારને ઓળખે છે. બસ બાકી હતું તો બંને પરિવારને મળવાનું-મેળવવાનું. આમ તો રિધિમા એ કહ્યું જ હતું કે નિશિતાના લગ્ન પછી આપણે વાત કરીશું. પરંતુ તન્મયના મનમાં તો કઈક બીજી જ ગણતરી ચાલતી હતી જેનાથી રિધિમા સાવ અજાણ હતી. આ થોડા દિવસ પણ વિતતા રહ્યા અને સમય આવી ગયો પ્રયાગ-નિશીતાના મેરેજનો.

તન્મય પણ 2-3 દિવસ વહેલો જ પોતાના ભાઈના લગ્ન માટે પરિવાર સાથે આવી ગયો હતો. પરંતુ તેની પ્રયાગ સાથેની અને રિધિમાની નિશીતા સાથેની વ્યસ્તતાના લીધે બંને મળી શક્યા ના હતા. આજે સવારથી પણ મંડપ અને ગણપતિ-પૂજનની બધી વિધિઓ અને વરઘોડિયાની સેવામાં વ્યસ્ત રિધિમા-તન્મયને એક બીજા સાથે વાત કરવાનો પણ સમય મળ્યો ના હતો.

છેવટે આજે રાત્રે દાંડિયાના કોમન ફંકશનમાં બંને એકબીજાને મળી શકશે એવી શક્યતાઓ સૌથી વધારે હોવાથી બંને પોતાને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં લાગ્યા હતા.

તન્મય એક ગોલ્ડન-પિન્ક કુર્તા અને ડાર્ક બ્લૂ કલરના પાયજામા વાળા ઇન્ડો-વેસ્ટર્ન માં તેની મસ્ક્યુલર બોડી ને લીધે ખૂબ શોભતો હતો. પગમાં પહેરેલી રજવાડી મોજડી અને ફ્રેંચ-કટ શેવમાં ચમકતો તેજદાર ચહેરો તેને એક રાજકુમાર જેવો ઠાઠ આપતાં હતા. સાથે લગાવેલા પરફ્યુમની સ્મેલને લીધે તો wildstone cent ની એડનો રિપીટ ટેલિકાસ્ટ થતો હોય એમ છોકરીઓ એનાથી અટ્રેક્ટ થતી હતી.પરંતુ તન્મયનું ધ્યાન તો હજુ એની રિધિમાને શોધવામાં જ હતું.

થોડી જ વારમાં રિધિમા પણ દાંડિયાના વેન્યુ પર આવે છે. તન્મય એને જોતો જ રહે છે. ગોલ્ડન-પિન્ક કલરની જ બનારસી સિલ્ક ની ચણિયાચોળી અને ગોલ્ડન-પિસ્તા કલરના દુપટ્ટા સાથે લાંબા ભારી ઇયરરિંગ્સ અને ખુલ્લા વાંકળીયા વાળ સાથે રાખેલ મોટો માંગટીકો એને શોભતો હતો. નાકમાં પહેરેલ ચૂક, જાંબલી કલરની મોટી ગોળ બિંદી, નયનોમાં ભરેલું કાજલ, અધરો પર શોભતી ડાર્ક પિન્ક લિપસ્ટિક, સુરાહીદાર અને આભૂષણ-વિહોણી હરણી જેવી ડોક, હાથમાં પહેરેલી ડઝનેક બંગડીઓ, દુપટ્ટાને સાચવી લેતો નાભી પર જ બાંધેલો કમરબંધ અને નદીના વળાંકો જેવી કમર. તેની ચાલને મનમોહક બનાવતો એની પાયલનો છણકાર. એકંદરે કોઈપણને પોતાના રૂપની માયાજાળમાં સમ્મોહિત કરી લેવામાં કઈ જ બાકી નહોતું રહ્યું.

તન્મય એને જોઈને એની તરફ મળવા માટે આવતો જ હતો ત્યાં પ્રયાગે એને બોલાવી લેતા બંને વચ્ચે અત્યારે પણ વાત શક્ય ના બની. બંને પોતપોતાના બેસ્ટી સાથે બીઝી હોવા છતાં નજરોથી એકબીજા સાથે વાતો કરી લેતા હતા. તન્મયની આંખો રિધિમાને ગરબા સમયની તન્મયની મુગ્ધતા યાદ અપાવતી હતી તો તન્મયને રિધિમા તરફથી મળતું એક હળવું સ્મિત પણ જાણે કોઈ ચુંબકની જેમ પોતાને એની બાજુ ખેંચતું હોય એવી લાગણી થતી હતી.

ગરબા શરૂ થયાને થોડી જ વાર થઈ હશે ત્યાં જ રિધિમાનું ધ્યાન જાય છે કે તન્મય તેના તથા પોતાના પેરેંટ્સ સાથે એક સાઇડ ઊભો ઊભો કઈક વાત કરે છે. હજુ તો આશ્ચર્ય સાથે રિધિમા આ વિશે કઈ વિચારે ત્યાં જ બધી લાઇટ્સ એકદમ ડિમ થઈ જાય છે અને નિશીતા રિધિમાને દોરીને સ્ટેજ પર ઊભી રાખી દ્યે છે. રિધિમાને કાંઇ જ સમજાતું નથી કે શું થાય છે. ત્યાં જ તન્મય હાથમાં રેડ રોઝીઝ લઈને રિધિમા પાસે આવે છે અને કહે છે,

“રિધિમા, I am sorry તમારાથી કઈક છુપાવવા માટે.”

રિધિમાને કન્ફ્યુઝ જોઈને તન્મય એક પ્રેમ ભર્યા સ્મિત સાથે એની નજીક જાય છે અને કહે છે, “રિધિમા, આજે હું તમારા અને મારા બંનેના પરિવારની સહમતી લઈને તમને કઈક પૂછવા માંગુ છુ.” આમ કહી ઘૂંટણીયે બેસી જાય છે અને રોઝ તેની સામે રાખીને બધાની વચ્ચે તેને પ્રપોઝ કરે છે,

“રિધિમા, આ તન્મય તમારા રંગમાં રંગાઈ ચૂક્યો છે, બંધ અને ખુલ્લી આંખે તમારો જ ચહેરો જોવે છે, સૂતા – જાગતા તમારા જ અવાજનો રણકાર કાનમાં પડઘાતો રહે છે. હ્રદયના પ્રત્યેક ધબકારમાં મને મારી અંદરથી તમારા જ નામનો જાપ સંભળાય છે. તમારાથી દૂર રહેવું હવે અઘરું લાગે છે. શું તમે મારા પ્રેમનો સ્વીકાર કરી ને જીવનભર માટે મારી સંગિની બની શકશો? શું તમે મારી સાથે લગ્ન કરી શકશો? Will you be my valentine રિધિમા?”

રિધિમાને કઈ જ સમજાતું નથી કે શું કરે. ‘પોતે પણ એને પ્રેમ કરે છે, પણ પોતાના માતપિતા સાથે આ વિશે કોઈ જ વાત થઈ નથી. તન્મય એમ કેમ કહે કે બંને પરિવારની સહમતી લઈને? બંને વચ્ચે તો વાત થઈ હતી કે પ્રયાગ -નિશીતાના લગ્ન પછી પોતાના પરિવારો સાથે વાત કરશે... તો કેમ તન્મય આજે આવી રીતે બધા વચ્ચે પ્રપોઝ કરે છે?....’ વિચારોના વમળમાં અટવાઈને ઊભેલી રિધિમાને જોઈને એની બેસ્ટી એની મદદ માટે આવે છે.

રિધિમા-તન્મયના પરિવારોની વચ્ચે પ્રયાગ સાથે ઊભેલી નિશીતા કહે છે,

“રિધુ, થોડા દિવસ પહેલા અંકલ આંટી કોઈ કામ માટે એક દિવસ માટે રાજકોટ બહાર ગયા હતા યાદ છે? ત્યારે એ તન્મયભાઈના પરિવારે આપેલા આમંત્રણના લીધે જ તેમને મળવા ત્યાં ગયા હતા. આજે બંને પરિવાર પણ તન્મયભાઈની સાથે જ, તારી હા સાંભળવા માટે આતુરતાથી રાહ જોવે છે. આપી દે જવાબ આજે ડિયર...”

હવે રિધિમાને બધી જ વાતો સમજાઈ જાય છે કે તેની જાણ બહાર તન્મયએ જ આ બધુ ગોઠવી નાખ્યું અને બંને પરિવાર તથા પ્રયાગ-નિશીતા અને તન્મય તરફથી તેના માટે આ એક મોટું સરપ્રાઈઝ છે. તે પોતાના માતપિતા સામે જોવે છે અને તેમના ચહેરાની ખુશીમાં અને આંખના પલકારામાં જ રિધિમાને તેમની સંમતી મળી જાય છે.

પ્રેમભર્યા ગુસ્સાથી તે તન્મય સામે જોવે છે જાણે કે કહેતી હોય કે ‘કેમ મને ના કહ્યું? આટલી ઉતાવળ કેમ?’

તેના મનની વાત સમજી જતાં તન્મય શબ્દોથી જ જવાબ આપે છે,

“રિધિમા, આજે 14th Feb અને વસંત-પંચમી બંને સાથે છે. બે અલગ-અલગ સંસ્કૃતિના પ્રેમ-દિવસો એકસાથે એક જ દિવસે આવે એવું તો ક્યારે બને? હું આ દિવસ જવા દેવા નહોતો માંગતો. સાથે, તમારા ચહેરા પર આ ખુશી તો સરપ્રાઈઝ થી જ જોવા મળે ને.”

આવું સાંભળી ને રિધિમા શરમાઇ જાય છે....

“Will you be my valentine?” તન્મય ફરીથી ફૂલ એના તરફ કરતાં પૂછે છે. રિધિમા કોઈ જ જાતના શાબ્દિક જવાબ વિના માત્ર પાપણો ઢાળીને એક શરમાળ સ્મિત સાથે એ ફૂલો નો સ્વીકાર કરે છે અને બંનેના જીવનમાં પણ આવી જાય છે ‘વસંત પ્રીત ની......’……..

You can give reviews on:

: vishakhamakadia.9@gmail.com