Mazatantra in Gujarati Comedy stories by Chetan Pagi books and stories PDF | મજાતંત્ર - બે હાસ્ય લેખ

Featured Books
Categories
Share

મજાતંત્ર - બે હાસ્ય લેખ

1.
તબિયત કેવી છે, એવું ક્યારે પૂછાય?


‘કૌન બનેગા..’માં જેમ અમુક લેવલ પાર કરો પછી અઘરા સવાલો શરૂ થાય છે એ જ રીતે અસલી જીવનમાં પણ 35 વર્ષની વય પાર કર્યા પછી ચોક્કસ પ્રકારના અણિયારા સવાલો પૂછાય છે. આ જ કેટેગરીનો એક સવાલ છે-‘તબિયત-પાણી કેવાં છે?’ એટલું જ નહીં પાંત્રીસ પછી આવતા બર્થ ડેમાં પણ ‘વીશ યુ અ હેલ્ધી લાઇફ’ જેવી શુભેચ્છાઓ મળવાની શરૂ થાય છે. પચ્ચીસ-ત્રીસ સુધી આ પ્રકારના સવાલો-શુભેચ્છાની પળોજણ નથી હોતી. ટૂંકમાં મૂળ ડખો પાંત્રીસ-ચાળીસ પછી શરૂ થાય છે. આપણે ભલે મરીએ ત્યાં સુધી જીવવાનું કે પચાસ-પંચાવને પણ યુવાન છીએ એવું ફીલ કરવાનું નક્કી કર્યું હોય તો પણ મિત્રો-સ્વજનો કાયમ આપણને વધતી વયની યાદ અપાવવા ટાંપીને બેઠા હોય છે.
મોટેરાઓને પોતે ‘હજુ તો મારી ઉમર ક્યાં થઈ છે?’ જેવી સ્વઘોષિત માન્યતામાં રાચતા હોય છે. બીજી તરફ બાળકોના કેસમાં સ્થિતિ તદ્દન જુદી હોય છે. મોટેરાઓને પોતે મોટા થયા એવું સ્વીકારવા તૈયાર નથી જ્યારે બાળકો પોતે ‘બાળક’ છીએ એવું માનતા નથી. હવે તો ચાર વર્ષના બાળકને પણ ‘હું નાનો હતો ત્યારે દરિયામાં ન્હાવા ગયો હતો.’ જેવું બોલતા સાંભળવા મળે છે. હવે એ ભોળા જીવને કેવી રીતે સમજાવવું કે ‘ભઈલા તું હજુ પણ બાળક જ છે.’ આવતા દસેક વર્ષમાં ચાર-પાંચ વર્ષના બાળકો સોફામાં બેસીને સેન્સેક્સની ચડઉતર વિશે ચર્ચા કરતા જોવા મળે એવી શક્યતાને જરા પણ નકારી શકાય એમ નથી.
બાળકો પણ જન્મજાત પોલિટીશ્યન હોય છે. એમને પાક્કી ખબર હોય છે કે કઈ જરૂરિયાત વેળાએ પોતાની ઉમર કેટલી રાખવી. એટલે કે સેન્સર બોર્ડે જેને પુખ્તવયનાઓ માટેનું પ્રમાણપત્ર આપ્યું છે એ ‘ડેડપુલ-2’ જોવા માટે જે બાળક ‘હું તો હવે મોટો થઈ ગયો છું.’ એવું જાહેર કરે છે, એ જ બાળક શોપિંગ દરમ્યાન ગમતું રમકડું ખરીદવા માટે ફરી બાળક બની જાય છે. કુદરતી ગોઠવણ મુજબ પુખ્ત થયા પછી બાળક બની શકાતું નથી પણ ખરેખર બાળક હોય તેઓ મરજી પ્રમાણે વયમાં વધઘટ કરી શકે છે. પણ આવી સુવિધા મોટા થયા પછી મળતી નથી. હા, એ જુદી વાત છે કે સરકારી ચોપડે પુખ્ત બનેલી વ્યક્તિ માનસિક સ્તરે બાળક હોય એ બની શકે છે. નિકાસ અને આયાત વચ્ચેની ખાધ મોટી હોય એ અર્થતંત્ર માટે સારી વાત નથી એ જ રીતે શારીરિક વય અને માનસિક વય વચ્ચેની ખાધ પણ પહોળી હોય તો ગડબડ થવાના ચાન્સીસ વધી જાય છે. એક જૂની રમૂજ છે કે ‘તું મોટો થઈને શું બનીશ?’ એ પૂછવા પાછળનો મોટેરાઓનો આશય ખરેખર તો પોતે શું કરવું જોઈએ એ અંગેનો આઇડિયા મેળવવાનો છે.

2.
પ્રભાતે મોબાઇલ ફોન દર્શનમ
બસ હોય, ટ્રેન હોય કે વિમાન. વિન્ડો સીટનું આકર્ષણ બધાને હોય છે. ખાતરી ના થતી હોય તો કોઈ મુંબઈગરાને પૂછી લેવું. ત્યાંની લોકલ ટ્રેનમાં વિન્ડો સીટ મળ્યા પછી જે હરખ થાય એટલો હરખ નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહોંચ્યા પછી અને ધરતી પર હેમખેમ ઉતર્યા પછી પણ નહીં થયો હોય. પણ હવે પાન-મસાલાપિચકારીબાજોને બાદ કરતા અન્ય લોકોમાં વિન્ડો સીટનું આકર્ષણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. તેનું કારણ સાડા પાંચ ઇંચનું રમકડું નામે મોબાઇલ ફોન છે. આ રમકડાની ખુબી એ છે કે એનાથી રમી શકાતું નથી એ એના માલિકને દિવસરાત રમાડી જાણે છે. મોબાઇલ ફોનનો વાવડ ફેલાયા પછી લોકોને વિન્ડો સીટ પર બેસવાનો મોહ પહેલા જેવો રહ્યો નથી. કારણ કે મોબાઇલની સ્ક્રીન પર બસ-ટ્રેનની બારી કરતા વધારે દૃશ્યો જોઈ શકાય છે. મોબાઇલના લીધે આજનો માણસ જરા જુદા અર્થમાં ગ્લોબલ બન્યો છે. એટલે કે એ મોબાઇલ થકી સોશિયલ મીડિયા પર પર્યાવરણ બચાવવાની વાતો કરી શકે છે પણ સોસાયટીના નાકે ઉભેલું ઝાડ શેનું છે તેનાથી એ અજાણ હોય છે.
પણ આ તો મોબાઇલ ફોનનો જરા માન્યામાં આવે અથવા તો બધાને ખબર છે એવો ફિચરની વાત થઈ। વાત કરવા, મેસેજ મોકલવા તથા સોશિયલ મીડિયા પર મિત્રોને લાઇક અને શત્રુઓને ફાઇટ આપવા ઉપરાંત પણ મોબાઇલ ફોનના અનેકવિધ ફાયદા આપણે વિકસાવ્યા છે. જેના વિશે મોબાઇલ ફોનના શોધકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય. હવે મોબાઇલના એકેય ફીચરમાં લખ્યું નહીં હોવા છતાં છોકરાઓ છાના રાખવાનો એ સૌથી ઉત્તમ વિકલ્પ છે. મહેમાનો કે પાડોશીઓ સાથે ગપ્પાગોસિપ કરતી વખતે સુપ્રીમ કોર્ટની જેમ વારંવાર દખલ કરે નહીં એ માટે બાળકોને મોબાઇલ પકડાવી દેવાનો નવો રિવાજ આવ્યો છે. એવું જ ઓફીસમાં કે જાહેર સ્થળોએ અણગમતી વ્યક્તિઓને ટાળવા માટે પણ મોબાઇલ ફોન ઉપયોગી જણસ છે. એટલે કે અચાનક મોબાઇલમાં માથુ ખૂંપી દેવાથી કે ફોન પર ખરેખર વાત કરીને કે વાત કરતા હોવાનો ડોળ કરીને જગતની કોઈ પણ સત્તાને આસાનાથી અવગણી શકાય છે.
જેને બદલી શકાય એવી બાબતોની યાદી દિવસેને દિવસે ટૂંકી થઈ રહી છે. પણ મોબાઇલનું નામ આ યાદીમાં હજુ અકબંધ છે. મોબાઇલ ફોનમાં સૌથી મોટું સુખ એ છે કે એને બદલી શકાય છે. ધંધો, નોકરી કે સરકાર બદલવી આપણા હાથની વાત ન હોય ત્યારે એનો સંતાપ મોબાઇલ ફોન બદલવાથી થોડો હળવો કરી શકાય છે. જો કે જે લોકો મોબાઇલ ફોન બદલી શકતા નથી તેઓ મોબાઇલનું વૉલપેપર બદલીને સંતોષ માની લે છે. પરિવર્તન સંસારનો નિયમ છે. અને એટલીસ્ટ, મોબાઇલ કે વૉલપેપરમાં પરિવર્તન હજુ માણસના હાથની વાત છે. બાકી બધું ઠીક છે.