In longing in Gujarati Short Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | ઝંખનામાં

Featured Books
Categories
Share

ઝંખનામાં

=: ઝંખના :=

// नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मण:।

शरीरयात्रापि च ते न प्रसिद्धॺेदकर्मण:। ८ ।//

//इसलिये तू शास्त्रविधिसे नियत किये हुए स्वधर्मरूप कर्मको कर, क्योंकि कर्म न करनेकी अपेक्षा कर्म करना श्रेष्ठ है तथा कर्म न करनेसे तेरा शरीर-निर्वाह भी नहीं सिद्ध होगा। ८।//

ઝંખના....સદાયને માટે તેનો સદાય નિત્યક્રમ હતો તે મુજબ મોડી સાંજ પછી અંધારું થાય તેવા સમયે અંધારાના સહારે જ કાયમ ઘેર આવતી હતી. અનિલનું ઘર અમદાવાદ શહેરથી સારું એવું દૂર હતું. ગામડાની વસ્તીને શહેરમાં ધંધા-રોજગાર કે અન્ય કારણોસર વસવાટ કરવાને કારણે શહેરોની વસતી કૂદકે ને ભૂસકે વધતી જવા પામેલ છે. જૂના શહેરની પોળો ગલીઓ બધુંજ ક્યાંય જોજન દૂર રહી ગયું. અને શહેર નવું શહેર વિસ્તારની દ્રષ્ટિએ વધી ગયું. પરંતુ તેના પરાં વિસ્તારોમાં પણ વધારો થયો. અગાઉના સમયમાં નરોડા તેમજ નવા નરોડા, મણીનગર તેમજ ન્યુ મણીનગર, વટવા તેમજ ન્યૂ વટવા, રાણીપ તેમાં ન્યુ રાણીપ એમ વિસ્તારો વધતા ગયા. અનિલનુ મકાન પણ આ જૂના શહેરથી મુખ્ય પરાંના નવા વિકસેલ વિસ્તારમાં આવેલ હતું. અનિલને તેની સરકારી નોકરીના કારણે પગારના પ્રમાણમાં પરવડી શકે તે મુજબના માસિક ભાડામાં મકાન મળી ગયેલ હોઇ તે અહીંયા શહેરથી દૂર રહેવા આવી ગયો હતો.

ઝંખના જ્યારે આવતી ત્યારે તે પોતાની હરક્યુલીસ કંપનીની સાયકલ પર જ આવતી હતી. આજે પણ તે તેની સાયકલ લઈને જ આવતી હતી. જૂના શહેરથી આ નવા વિકસતા વિસ્તારમાં આવતાં આવતાં નાના ગામડાં જેવો ઝાડી-ઝાંખળા વાળા વિસ્તાર પસાર કરતી કરતી આવતી હતી. રસ્તામાં થોડો ઉજ્જડ વેરાન જેવો પણ વિસ્તાર આવતો હતો. જેને કારણે અમુક સમયે ભય પણ લાગતો હતો. કારણ જે મકાન ભાડે રાખ્યું હતું તે મકાન અવિકસિત વિસ્તારમાં આવેલ હતું. આ વિસ્તારનો પૂરો વિકાસ થયેલો ન હતો. જેને પરિણામે રસ્તા લાઈટની પુરી જરૂરી સગવડો હજી સત્તાધીશો ધ્વારા પૂરતા પ્રમાણમાં મળી રહેલ ન હતી. હા, આ જગાએ આવવા માટે બીજો પાકો અને સારો રસ્તો ઉપલબ્ધ હતો. પરંતુ તે રસ્તે આવવા માટે પાછું અંતર વધી જતું હતું. આથી ઝંખના જ્યારે અહીંયા આવતી તે સમયે સદાય આ રસ્તે આવવાનો આગ્રહ રાખતી હતી. આ રસ્તા ઉપર આવતા સમયે નાનીગલીઓ પણ આવતી હતી, તે સમયે ડર વધુ લાગતો હતો. ક્યાંક આજુબાજુ કોઈ છૂપાયેલ હોય અને તેને અનિલના ઘરમાં જતી પકડી તો નહીં પાડે ને આવા અનેક પ્રકારોના ભય તેને સતત સતાવતા રહેતા હતા.

આજે તે આવી રહેલ હતી તે પણ તેનાં નિત્ય ક્રમ અને નિત્ય સમય મુજબ જ આવી રહેલ હતી. જે આ નવા વિકસતા વિસ્તારમાં મકાન ભાડે રાખેલ હતું તે મકાન સોસાયટી વિસ્તાર નો હતો, પરંતુ મકાનો બધા બંધાયેલ નહોતા જે મકાનોના બાંધકામ થયેલ તે છૂટા છવાયા મકાનો હતા. તેમાં પ્લોટ પાડીને આપી દેવામાં આવેલ હોય તેમ હોવું જોઈએ. જેને કારણે પ્લોટ માલિક પોતાની મરજી અનુસાર પોતાની બાંધણી વાળુ મકાન બાંધી શકે. આથી અમુક પ્લોટ માલિકોએ તેઓની મરજી અનુસાર મકાનનું બાંધકામ કરેલ હતુ. જેમાં કેટલાંક બંધાયેલ મકાન પણ ખાલી હતા. કારણ શહેરમાં રહેતા સુખી-સંપન્ન પરિવાર ફક્ત મૂડીના રોકાણ માટે મકાન બનાવેલ હોય તેમ બની શકે. અનિલ તો હજી ઘેર આવેલો જ નહીં હોય તેમ ઝંખના જાણતી હતી. કારણ ઓફિસથી છૂટીને તે બજારમાં જઈને પછી ઘેર આવવાનો હતો. પરંતુ આટલું બધું મોડું થશે એવી તેને કલ્પના નહોતી.

ઝંખના ઘર પાસે આવી ગઈ હતી. તેણે તેના મકાનનો આગળ નો લોખંડનો નાનો દરવાજો હતો તે ખોલીને ફટાફટ તેની સાયકલ અંદર વરંડાને અઢેલીને મૂકી દીધી.

સાયકલ મૂકી ઘરનાં પગથિયાં હતા તે ચઢીને બારણા પાસે આવી. થોડું-ઘણું બહારના પ્રકાશનું અજવાળું આવતું હતું તેના સહારે પર્સમાંથી મકાનને તાળું મારેલ તેની ચાવી શોધી કાઢી. અનિલના મકાનના તાળાંની એક ચાવી તેણે તેની પાસે રાખેલ હતી. આથી જ્યારે તેને આવવું હોય ત્યારે તે તેના સમયે આવતી હતી અને મકાન ખોલીને ઘરમાં રહેતી હતી.

મકાનનો દરવાજો ખોલી તે અંદર આવી. નાનુ ત્રણ રૂમ રસોડાનું મકાન હતું. વચ્ચે ગેલેરી જેવો પેસેજ બનાવેલ હતો.. એક બાજુ બે બેડરૂમ એક હોલ બે બાથરૂમ અને રસોડું બનાવવામાં આવેલ. તે અંદર આવી તેનું પર્સ બાજુના ટેબલ પર મૂકીને બેસી ગઈ. કારણ આઠ-દસ કિલોમીટર જેટલો વિસ્તાર સાયકલ ચલાવીને આવેલ હોવાથી અને ઉનાળાનો સમય પણ હતો જેથી થાકી ગયેલ. થોડી વખત પછી ઊભી થઈ તેણે ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી બે ત્રણ ગ્લાસ ઠંડુ પાણી ખુરશીમાં બેઠાં બેઠાં પીધું જેને કારણે તેને થોડોક આરામ અને ઠંડક લાગતી હતી.

ઝંખના આ ઘરમાં કાયમ આવતી જતી હતી. અને આ મકાનની આજુબાજુમાં ખુલ્લા પ્લોટ હતા કે જ્યાં હજી મકાન બાંધકામ થયેલ ન હોવાને કારણે ખુલ્લી જગા હતી. જેથી અજવાળી રાતે ચંદ્રમાનો પ્રકાશ બારીઓના કાચમાંથી આરપાર ઘરમાં પ્રવેશ કરતો હતો. જેને કારણે ઘરની લાઈટ પણ ચાલુ ન કરો તો પણ ચાલે. તે હાલ બહાર રસ્તા પરના નહીં પરંતુ મકાનના અંદરના અંધકારમાં એકલી અટુલી ઊભી હતી. સવારે ઓફિસમાં જતાં સમયે જમવા માટે ઘરમાં રસોઇ બનાવેલ હશે તો તેની સોડમ હજી પણ આવી રહેલ હતી. કારણ મકાન બંધ હતું જેથી આ સોડમ પણ મકાનમાંથી બહાર ગયેલ ન હતી.. જેનો તે હાલ આનંદ મેળવી રહી હતી.

તે મકાનની વચ્ચે આવેલ બેઠક ખંડમાં ઉભી રહેલ અને ત્યાં પડેલ સોફાસેટ, ટીપોઈ, નાના ટેબલ પર મુકેલ એક નાનું ટીવી હતું. ઘરમાં અંદરના રૂમમાં બાંધેલી દોરી ઉપર નાહીને સુકવેલ કપડા એમને એમ લટકતા હતા. ઝંખનાના હૃદયના ધબકારા હાલ થોડા થોડા વધી રહ્યા હતા, પરંતુ તે કોઈ ભયના કારણે નહીં પરંતુ આજે પણ અગાઉ આવતી હતી તે મુજબ અહીંયા આવેલ હતી, તેના આવવાના સમય દરમિયાન તેને કોઈએ જોયેલ ન હતી તેનો મનમાં આનંદ અને એક હિંમત ભરી તેનું કામ પૂરું થયું હોય એમ તેને લાગતું હતું. તે હવે પોતાને આજની રાત પૂરતી તો સુરક્ષિત છે તેમ તે માનતી હતી.

ઝંખના આ બધા વિચારોના ગડમથલમાં ડૂબેલી બેઠક રૂમમાં ઉભા ઉભા જ આ બધા વિચારોને વાગોળ્યા કરતી હતી. ભૂલથી કોઈ વાહન આવ જા કરે ત્યારે તેની હેડ લાઇટનો પ્રકાશ ઘરમાં ઠેઠ સુધી ડોકાચિયા કરી જતો હતો. જતી વખતે મકાનની અંદરના બાથરૂમમાં નળ સરખી રીતે બંધ નહીં કરેલ હોય જેથી તે નળમાંથી ટપક..ટપક..ટપક પાણીના ટીપાંનો અવાજ અંધકારના સન્નાટામાં ચોખ્ખો સંભળાતો હતો. આ ટપકતાં પાણીના ટીપાને ગણતરી કરીને તેની સાથે રમત રમી રહેલ હતી.

અનિલ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આ રીતે જ સમય પસાર કરવાનો હતો. બહારથી આવતા પ્રકાશને કારણે એને ઘરની રૂમમાં લાઈટ પણ કરેલ નહોતી. તે આગળ દોરી પર કપડાં સુકવેલ હતા ત્યાં ગઈ અને નાહીને સુકવેલ રૂમાલમાં તેનું મોં છુપાવીને એની એ સ્થિતિમાં થોડો સમય ત્યાં ઉભી રહી અને મજા માણતી રહી.

અનિલની રાહ જોવા છતાં હજી સુધી ન આવતા દોરી પર સૂકવેલ બધા કપડા ઉતારી દીધા અને ગડી કરીને બેડરૂમના એક દિવાલ સાથેના કબાટમાં જઈને તે ખોલીને તેણે તેમાં મૂકી દીધા. મકાન મોટું હતું પરંતુ એકલો માણસ રહેતો હોઈ બધા રૂમનો ઉપયોગ થતો ન હતો. અનિલ પોતાના માટે જે બેડરૂમનો ઉપયોગ કરતો હતો એનાથી ઝંખના પૂરેપૂરી રીતે માહિતગાર હતી. તેના બેડરૂમના ગાદલા, ઓશીકા, ટેબલ લેમ્પ, વગેરેથી પૂરેપૂરી રીતે જાણકાર હતી. આ બધી ચીજો તેની સાક્ષી છે તેવું તેને તેના મનમાં લાગતું હતું. પરંતુ આ બધી જીવ વગરની ચીજો હતી, એ ક્યારેય કંઈ બોલી શકવાની ન હતી.

ઘરમાં માણસ એકલો રહેતો હોય એટલે બધું વેરણછેરણ, અસ્તવ્યસ્ત પડેલું જ હોય. જતી વખતે કપડા બદલાયેલા હશે તે સમયે લૂંગી પણ તે ત્યાં જ પલંગ ઉપર નાખીને જતો રહેલ હશે. પલંગની ચાદર પણ સરખી કરી નહોતી. છાપું નાખનારો છાપું નાખી જતો રહ્યો, છાપુ વાંચેલ પરંતુ તેના બધા પાના અલગ-અલગ પડેલ હતા તે પણ સરખી રીતે મુકવાની તસ્દી લીધી ન હતી .

તે બેડરૂમમાં જ હતી, બહાર કંઈક અવાજ આવ્યો. નજર કરી તો અનિલ આવી ગયેલ હતો. અને તે નાની ઝાંપલી ખોલીને અંદર આવતો હતો. દરવાજા આગળ આવી ઉભો રહ્યો હતો કારણ તેને મૂકવા માટે ઓફિસની જીપ આવેલ હતી તે જીપમાં તેની સાથે ઓફિસમાં કામ કરતી કોઈ વ્યક્તિ સાથે હશે. આથી તેને હાથ હલાવીને હાથના ઈશારે આવજો કહી રહ્યો હતો. જીપ દેખાતી તેને બંધ થતાં તે અંદર ઘરમાં આવ્યો. તે અંદર જઈ તેને માટે પાણીનો ગ્લાસ લઈ આવી. બાજુમાં પડેલ ખુરશી પર બેસીને બુટ મોજાં કાઢી રહેલ હતો. તેની સામે તે તાકીને જોઈ રહેલ હતી.

‘ક્યારે આવી ?’ તેણે તેણે પૂછ્યું.

થોડી વાર થઈ. કેમ આજે આવતાં બહુ મોડું થયું.

‘હા......’ સામે જવાબ મળ્યો. આજે ઓફિસથી કામ પુરુ કરીને બજારમાં ખરીદી માટે ગયેલ હતો અને ખરીદી વધારે કરવાની હતી એટલે થોડી વાર વધુ થઈ.

‘મને કહેવું જોઈએ ને ?’

‘શું ?’ પ્રશ્ન ભરી નજરે અનિલે તેની સામે જોયું અને કહ્યું.

‘આ....બધી ખરીદી....... ઝંખના બોલતા બોલતા વચ્ચેથી અટકી ગઈ. કારણ કે તે અનિલના પૂછાયેલ સવાલને સમજી શકેલ ન હોય તેમ માનવાને કારણ હતું. આમ તો કોઈ નવી વાત નહોતી કારણ કે ઘણી વખત તેને જોઈતી ચીજ વસ્તુઓ બજારમાંથી ખરીદી કરી લાવતી હતી.

મને આજે તું આવીશ એમ ચોક્કસ ન હતું, અનિલે જવાબ આપ્યો.

‘કેમ ?’

આપણા વચ્ચે વાત તો થઈ હતી. અનિલે વાતને બદલી નાખતાં કહ્યું. જો આજે થોડી ખરીદી વધારે કરવાની હતી. અને સાયકલ ઉપર લઈ આવવામાં તકલીફ પણ પડે ને. બીજું હું આજે ઓફિસની જીપમાં આવવાનો હતો એટલે સામાન જીપમાં આવી જાય એટલે જ બજારમાં ગયો અને સામાન લઈ ઘેર આવી ગયો.

અનિલે બૂટ મોજા કાઢી બીજા ઓરડામાં મુકવા ગયો ત્યાં તેની નજર બેડરૂમમાં નાઈટ લેમ્પ ચાલુ હતો તેના પર પડી. ‘શું કરતી હતી અંદર ?’

કંઈ નહીં.....પલંગ એમને એમ મૂકી જતા રહેલ અને ચાદર પણ સરખી કરેલ ન હતી તે બધું સરખું કરી રહેલ હતી.

અનિલ, ઝંખનાના જવાબ સામે તાકીને જોઇ રહ્યો. તે કંઈ અપેક્ષા સાથે ઊભી રહી હોય તેમ તેને લાગ્યું. પરંતુ તે બાબતે સમજી શક્યો નહીં. અનિલની પાસે ગઈ, દિવસભરની તેના શરીરમાંથી તેના કપડામાંથી સ્વેદનની વાસ આવી રહેલ હતી. તેણે વધુ નજીક જઈ તેના ગળામાં હાથ નાંખી તેણે બાંધેલ ટાઈ ખોલીને કાઢીને કબાટમાં મૂકી આવી.

‘ન્હાવું છે ? ઝંખનાએ સવાલ કર્યો.

‘હા ઈચ્છા તો છે, પણ થોડીવાર પછી’.

ઝંખના અનિલના ગાલ પર હાથ ફેરવવા લાગી. સવારે ઉઠી ફ્રેશ કરેલ દાઢી અત્યારે કરકરી થઇ ગયેલ હતી. તેના કાન બાજુ હાથ ફેરવવા લાગી. અનિલે તેનો હાથ પકડી લીધો.

‘કેમ..? ઝંખનાએ પૂછ્યું.

‘કઈ નહિ, કઈ નહિ.. આજે બહુ થાકી ગયો છું.’

‘આજે ઓફિસમાં બહુ કામ રહ્યું હશે કેમ ?’

‘હા.. રજા લેવી પડશેને મારે એટલે થોડું કામ અત્યારથી પતાવતો રહું છું.’

‘રજા......’ ઝંખનાને લાગ્યું કે એ જે વાતથી દૂર ભાગવા માગતી હતી તે વાત અચાનક નજીક આવતી હોય તેમ તેને લાગ્યું. આ બાબતોથી તેને છૂટકારો મેળવવો હતો. છૂટવા માટે જ તેણે પૂછ્યું.

‘ખાવાનું શું બનાવું ?’

‘તુ અહી રોકાવાની છે ?’

‘રોકાઈ જઉં ?’ આજની રાત ? ઝંખનાના અવાજમાં કંઈક અલગતાં તરી આવતી હતી. પ્રશ્ન પૂછતાં પૂછી લીધો પરંતુ અનિલના ચહેરા પર દ્રશ્યો દ્રષ્ટિમાન થતાં તેના જવાબની અપેક્ષા રહી ન હતી.

‘હજી પણ તારે મને પૂછવાની જરૂર પડે છે ?’

અનિલે મક્કમ અવાજે કહ્યું.

બીજી રાતની વાત અલગ છે.

આજની રાતની વાત અલગ છે. કારણ કે તમારે વહેલાં સૂઈ જવાનું હોય અને વહેલાં ઉઠી જવાનું હોય.

કારણ બીજા દિવસે સવારે અનિલની પત્ની તેના સંતાનો સાથે અહીંયા આવનાર હતી. એ ત્રણેયને લેવા માટે અનિલને સવારે વહેલાં ઊઠીને રેલવે સ્ટેશને જવાનું હતું. અનિલ બે વર્ષ પહેલા તેના વતનમાંથી બદલી થતાં અહીં રહેવા આવેલ હતો. ત્યારબાદ પહેલી વખત અનિલની પત્ની અને તેના સંતાનો સાથે અહીંયાં આવી રહેલ હતી. આમ તો તે રજા લઇને ત્યાં કાયમ ત્યાં જઈ આવતો હતો.

હા..તારી વાત સાચી છે. સવારે વહેલા ઉઠવાનું તો છે જ.. કદાચ બને કે આપણે સુઈ પણ ન શકીએ...... તેણે હળવાશથી કહ્યું.

ના.. કાંઇ નહીં..... ઝંખના અટકી ગઈ. પાછી ફરી રસોડામાં ચાલી ગઈ. તેની પાછળ આવી અનિલે તેના ખભા પર હાથ મૂક્યો. તે આંખો બંધ કરીને એમને એમ ઊભી રહી હતી.

‘તને આજે કંઈ થયું છે ?’ અનિલે પૂછ્યું

‘મને..? ના.. મને તો કંઈ થયું નથી. મને શું થવાનું.

ઝંખના રસોડામાં મૂકેલ સામાનની થેલીમાંથી બધી વસ્તુઓ કાઢીને મૂકતી હતી આટલી બધી ચીજ-વસ્તુઓ આજે પહેલી વખત ખરીદીને લાવેલ હતો.

‘તું રહેવા દે.’ અનિલે એને કામ કરતી અટકાવી કહ્યું.

‘કેમ ?’

કાલે તે આવશે પછી તેની રીતે જાતે કરશે.

ઝંખના રસોડાના પ્લેટફોર્મ પર મુકેલ બધી ચીજવસ્તુને એકીટસે નીરખી રહી હતી. કારણ આ બધી વસ્તુ સાથે તો શું પણ આ અનિલ સાથે પણ કયો સબંધ હતો. તેને પૂરો ખ્યાલ હતો કે આ બધી વસ્તુ તેને માટે ન જ હતી.

અનિલ બાથરૂમમાં ન્હાવા ચાલ્યો ગયો. તે બાથરૂમમાં નાહી રહ્યો હતો. તેના નળનો અને તેના ગણગણાટ નો અવાજ તેને સંભળાઈ રહ્યો હતો. તે રસોડામાં ઊભી હતી અને કબાટમાં પડેલ વસ્તુઓને સરખી રીતે ગોઠવી રહેલ હતી.

ટુવાલ......બાથરૂમમાંથી અવાજ આવ્યો. આ અનિલની નહિ પણ દરેક પુરુષની આદત પડી ગઇ હોય તેમ હતું. બાથરૂમમાં જાય પણ ટુવાલ લઈ જવાનું તો કાયમ ભૂલી જ જવાતું. ફરીથી બૂમ પડતાં દોડતી ગઈ અને બેડરૂમમાં મુકેલ ટુવાલ લઈને બાથરૂમ તરફ ગઈ. બાથરૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અવાજ કર્યો ટુવાલ લઇ લીધો.

એ બહાર આવી કાચમાંથી પાછી બહાર એની નજર પડી. તમરાં ઊડી રહેલ હતાં તેનો તીણો અવાજ આવતો હતો. બાકી બહાર બધું વેરાન લાગતું હતું. ઘણો સમય તો તેને રાતે શિયાળના રડવાનો અવાજ પણ સંભળાતો હતો.

બારીના સથવારે તે ઊભી રહેલ હતી. તે ઉભી હતી તે આજુ બાજુ મકાનના રૂમ હતા તેમાં અંધકાર જ હતો. માત્ર બેડરૂમમાંથી પ્રકાશના કિરણો આવતા હતા. બારીના કાચમાંથી વાડની બાજુમાં વરંડો, અંધકારમાં છુપાયેલ ઝાડી-ઝાંખરા, તેની સાયકલ વગેરે તે જોઈ રહી હતી. આ બધી બહારની દુનિયા હતી, અને અંદરની દુનિયામાં ઝંખના એકલી જ હતી !

બહારની દુનિયા એટલે શહેરમાં જ નાનો એક બેડરૂમનો ફ્લેટ હતો. શહેરથી થોડે દૂર આવેલા નાના ગામમાં તેના વયસ્ક માતા-પિતા અને પરિણીત ભાઈ તેની પત્ની અને સંતાનો સાથે રહેતા હતા. ઝંખના છેલ્લા ઘણા સમયથી તેમને મળવા ગયેલ ન હતી. છેલ્લે ઝઘડો થયા બાદ તે તેના ગામે ગઈ ન હતી. ઝઘડાને કારણે તે સંબંધોથી વિખૂટી પડી ગઈ હતી. અને આ બહારની દુનિયાના અનિલના સંબંધથી સંધાયેલ હતી, પરંતુ આ સંબંધ થીગડાથી બંધાયેલ હતો જેને કોઈ કાયમી સ્વરૂપ આપી શકાય તેમ ન હતું. આ વિચારો તે બારી આગળ ઉભી રહી કર્યા કરતી હતી. અને બધું ભૂલવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ ભૂલી શકાતું ન હતું. એકાએક તેને ખ્યાલ ન રહ્યો. પાછળ તેને અનિલનો સ્પર્શ થયો.

‘ શું વિચારે છે ?’

‘કંઈ નહીં...... એ માથુ ધૂણાવતી રહી પરંતુ તેનો કોઈ અર્થ નીકળતો ન હતો.

આજે તું આવી ગઈ તે સારું થયું આજે મને બહુ જ એકલવાયું લાગતું હતું.

તે વાત માનવા લાયક ન હતી. બની શકે કે ખોટું બોલતો હોય. મને સારું લગાડવા માટે બોલતો હોય. કારણ આજની રાતમાં તેને એકલું લાગવાનો કોઈ સવાલ જ ન હતો. કારણ આવતીકાલના વિચારોમાં જ તેને આજની રાત પૂરી કરવાની હતી.

‘એ લોકો અત્યારે તો ટ્રેનમાં નીકળી ગયા હશે, નહીં ?’

અનિલ તેની સામેથી નજર ચૂકવી બહાર જોવા લાગ્યો. તે પણ બહારની દુનિયાને જોતો હશે એમ બની શકે.

થોડા દિવસો પહેલા જ અનિલે કહ્યું હતું.

‘આ વખતે એ લોકો વેકેશનમાં અહીં આવશે.’

‘કોણ......?’ ઝંખના તે વખતે સમજી નહોતી.

વિરલની દસમાની અને વીકીની બારમા ધોરણની પરીક્ષાઓ પૂરી થઈ ગયેલ છે. એટલે આ વખતે શાંતિ છે. એટલે એ લોકો અહીંયા આવવાના છે. આજુબાજુ જોવાલાયક સ્થળો છે ત્યાં અમે બધા સાથે ફરવા જઈશું.

તે સમયે ઝંખનાને કઈ થયેલ ન હતું. બધુ સ્વાભાવિક લાગેલ હતું. પરંતુ જેમ જેમ તેમના દિવસો આવવાનાં નજીક આવતા ગયા તેમ તેમ એ બાબતે સભાનતાથી વિચારવા લાગી. અને આજે માત્ર એક જ છેલ્લી રાત્રી બાકી રહી હતી. આવતીકાલે આ સમયે એ લોકો આ ઘરમાં હશે અને ઘરના બધા જ રૂમો લાઈટના અજવાળાથી ઝગમગી રહેલ હશે. અને એક બીજી સ્ત્રીએ રસોડામાં સ્થાન લીધું હશે.

અનિલે બારી સામેથી નીચા નમીને તેને પોતાની પાસે લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે તેને હાથ તાળી આપી ત્યાંથી છટકી ગઈ. અનિલનો હાથ તેમનો તેમ જ રહ્યો.

‘ જમવાનું બનાવી લઉં ?’

‘મને બહુ ભૂખ નથી.’ તમે શું ખાધું હતું બપોરે ?

‘પરોઠાં અને સબ્જી.’

‘તને તો ભૂખ લાગી હશે ને.’

‘ના મને પણ બહુ ખાવાની ઈચ્છા નથી.’

આ મુજબના વાર્તાલાપની અગાઉ ક્યારેય જરૂરત ઉભી થયેલ ન હતી. જે આજે થઇ રહેલ હતી. તે જ્યારે આવતી ત્યારે તેને પૂછ્યા વગર તેની ઇચ્છા મુજબ ખાવાનું બનાવતી હતી અને ઈચ્છા થાય તે રીતે ઘરને પણ સાફ સુંથરું રાખતી હતી.

‘આમલેટ બનાવી દઉં.’

થોડીવાર પછી અનિલ આવ્યો તે સમજી ગઈ હતી કે, વ્હિસ્કીની બોટલ કાઢી લાવ્યો હતો. અને ઉંચી નીચી કરી જોઈ રહેલ હતો.

‘બહુ નથી ત્રણેક પેગ છે.’ આજે જ આ ખાલી કરવા પડશે. પછી આ અને રસોડામાં બીજી બધી ખાલી પડેલ બોટલો આજે રાત્રે જ બહાર ફેંકી દેવી પડશે.

ઝંખના સામે જોયું........પરંતુ તે હસી ન શકી. બે ગ્લાસ વોશબેસિનમાં જઈ ધોઈને લાવ્યો. તેની સામે જોઈ કહ્યું. ફ્રીજમાંથી બરફ કાઢી લાવને.

********

ઝંખના બેડરૂમમાં જઈ કબાટ ખોલીને કેટલાંક કપડાની ગડી પડી હતી. તેમાંથી પોતાનો નાઈટ ડ્રેસ કાઢ્યો. અને બીજી થપ્પી ટેબલ ઉપર જેમ ને તેમ મૂકી દીધી.

આ બધું લઈ જવું પડશે ને ? હા...... અહીંયા કોઈ વસ્તુ રહેવી ન જોઈએ.

અનિલ પલંગ પર બેસીને તેને જોઈ રહ્યો હતો. બે પેગ લેતા લેતા તેને અસર થઈ ગઈ હતી. નાઈટ ડ્રેસ લઈ તે બાથરૂમમાં જતાં જતાં અનિલની સામું જોઇ રહી હતી.

‘શું જુએ છે ?’ આમ એકી ટશે આજે પહેલીવાર મને જુએ છે કે શું ?’

‘ના કંઈ નહી.’

‘તું આજે મારાથી કંઇક છુપાવી રહેલ છે. આજે આવી ત્યારથી........

‘તે વિચારતી કે શું ? તેને કંઈ ખબર નહિ પડતી હોય ?’

અને પહેલી વખત આટલી નજીકથી ક્યારેય જોયો હતો ? બે વર્ષ પહેલા તે સમયની વાત છે. ઝંખનાના ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા. ઘરના બધા તેના લગ્ન માટે મથામણ કરી રહેલ હતા. અને દર વખતે પૈસાની જ કમી આવીને ઉભી રહી જતી હતી. તે લોકો પસંદ કરતા તે છોકરો તેને પસંદ ન પડતો અને આમને આમ ઉંમર વધતી જતી હતી. અનિલ આ બધી બાબતથી જાણકાર હતો. એક વખતે તેની ઓફિસમાં કહેલ કે, આપણે તારી તકલીફ બાબતે નિરાંતે બેસી વાતચીત કરીશું. ત્યાર બાદ પહેલી વખત તે અહીં આવી હતી. અને તે દિવસે વાતો કરતા કરતા રડી પડેલી હતી, તેની પીઠ પર હાથ ફેરવ્યો હતો. આ બધી વાતોમાં ને વાતોમાં એ દિવસે ઘણું મોડું થઈ ગયું અને એ રાત્રીએ અહીંયા જ રોકાઇ ગઇ હતી. અને રાત્રે પહેલીવાર............આ બધા વિચારો આજે મનમાં ને મનમાં મોટી ગડમથલ કરી રહેલ હતા અને તેના દિલમાં એક મોટો હડકંપ મચી ગયો હોય તેમ તે વિચારોમાં પરોવાયેલી હતી.

વ્હિસકીના બાકી રહેલ છેલ્લી બોટલના છેલ્લા ત્રણે ત્રણ પેગ પીને તે નચિંત થઈને બેડરૂમમાં સુતો હતો. તે પણ તે બેડ માં તેની બાજુમાં આવીને સુઈ ગઈ. તેણે એના વૃક્ષસ્થર પર હાથ મૂક્યો એટલે આઘો પાછો થઈ તેની બાજુમાં લગોલગ આવી એના ગાલ ઉપર ચુંબનથી તરબોળ કરી સ્મિત વેર્યું. તેના ચહેરાને જોઈ તે ખરેખર એકલો લાગે છે ? એકલો તો તેની સાથેના બંધનથી અલગ થઈ ગયેલો ? તે વિચારતી હતી પરંતુ મનોમન તે કંઈ નક્કી કરી શકતી નહોતી.

‘ સાંભળ......’ ધીમા અવાજે તે બોલ્યો.

કોઈ મહત્વની વાત કરવાની હોય ત્યારે તેની ખાસિયત હતી કે તે આ પ્રમાણે હંમેશા શરૂઆત કરતો હતો.

‘જો તારાથી હમણાં તો અહીં આવી શકાશે નહીં. તો તું પણ થોડા દિવસો રજા લઇ ગામડે જઈ આવ. ઘણા દિવસોથી ગઈ નથી તો જઇ આવ તો સારુ. બાકી આ રીતે બધું કેટલા દિવસ ચાલવાનું છે ? અને ક્યાં સુધી ચાલશે ? એના કરતા તું ઘરે જઈશ તો ચોક્કસ કોઈને કોઈ રસ્તો નીકળશે.

રસ્તો......? કઈ વાતનો......? વીતી ગયેલો જે સમય હતો તે આજે ફરીથી તેના અંતરપટમાં આવી ગયેલ હતો. એના મનમાં જાણે ઉદ્વેગ થતો હતો કે, તે કોઈ ખોટા રસ્તે આવી ગયેલ હતી. અને સાચા રસ્તે જવા માટે તેનો સાચો રસ્તો ચીંધવાનું તેને કોઈ ફરમાન કરી રહેલ હતો. અનિલ ઉભો થઇ તેના મુખ તરફ ઝૂક્યો.

‘ તેં કોઈ જવાબ ન આપ્યો......?’

‘ રજા લઈને શું કરું......?’ મને ત્યાં પણ નહીં ગમે.

પણ એ લોકો અહીં હશે તે દિવસોમાં..........!

મને ખબર છે...... ‘

‘ના......ના તને કશી ખબર નથી.’

આ બધી વાતોનો કોઇ અર્થ નહોતો. અનિલ જાણતો હતો કે તે બધું જ જાણે જ છે. સવાલ માત્ર થોડા દિવસો પૂરતો ન હતો. કારણ અહીંયા બદલી થઈ આવ્યે ઘણો સમય થઈ ગયેલ હતો, અને અહીંયાથી તેના વતનમાં પરત બદલી કરાવવા તેનો પત્રવ્યવહાર ચાલુ હતો. અને આ સમગ્ર પત્રવ્યવહાર પણ તેના દ્વારા ટાઈપીંગ કરવામાં આવતો હતો. આમ તે આ બાબતોથી પૂરેપૂરી માહિતગાર હતી. આ ગડમથલમાં તે આકુળ વ્યાકુળ થઈ હાથ ફેરવવા જતો હતો. પરંતુ તેણે આજે નહીં...... કેમ ?

‘ના...... આવતીકાલે તો તને તારું બધું મળી જવાનું છે ને ? તો આજની આ છેલ્લી રાત્રી ફક્ત તમારી પાસે રહેવા માગું છું.

તેને ખબર હતી કે આજે તે જ્યાં સુઈ ગયેલ છે ત્યાં કાલે બીજી સ્ત્રી કે જે તેના માટે હકદાર છે તે આવવાની છે. આવા અનેક વિચારોમાં તે સૂનમૂન પડી રહેલ હતી.

હું કહું છું.... મારી વાત સાંભળ... મારી ઈચ્છા છે કે શું તું તેને મળશે ?

‘કોને......?’ એને પછી ઉમેર્યું...... વિરલ અને વિકીને......

તેણે કંઈ જવાબ ન આપ્યો. અનિલ પણ અંતરથી જવાબ સાંભળવા સવાલ પૂછેલ હોય તેમ ન લાગ્યું. તે તો આજ રાતથી મારી પાસેથી છૂટવાના કીમિયા જ શોધતો હતો. અને આવતીકાલની સવારની તૈયારી આરંભી રહ્યો હતો.

બેડરૂમમાંથી તે ઉભી થઇ ગઈ અને બાજુના બીજા ખાલી રૂમમાં આવીને ઊભી રહી ગઈ. બારી બહાર નજર કરતા જે તમરાં ના તેના તીણાં અવાજ સાંભળવામાં આવતા હતા તે અવાજો આવવાના બંધ થઈ ગયેલ હતા. અને સવારના શુભ મંગળ થવામાં એકાદ કલાક બાકી રહેવા પામેલ હતો... તેને હજી બાથરૂમમાં પાછા ટપક ટપક થતા પાણીના ટીપા વચ્ચે તે શૂન્યાવકાશને શોધવા માટે ગડમથલ કરી રહેલ હતી..... અને સવાર થઈ ગઈ હતી અને નીકળવાનો....સદાયને માટે......ઝંખનાની અંતરની વેદના બધી તેના અંતરમાં રહેવાની હતી.........ઝંખનાને તેની નસીબની ઝંખના કયાં લઈ જશે કોને ખબર ?

...સંપૂર્ણ....

ⓓⓘⓟⓐⓚ ⓜ.ⓒⓗⓘⓣⓝⓘⓢ

dchitnis3@gmail.com

(વાચક મિત્રો આપના પ્રતિભાવ મારા ઇ-મેઇલ પર આવકાર્ય છે.)