મંગલ
Chapter 27 -- લક્ષ્મીનું આગમન
Written by Ravikumar Sitapara
ravikumarsitapara@gmail.com
M. 7567892860
-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,
દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં સત્યાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે નાનપણનાં સાથી મંગલ અને ધાની અંતે એકબીજાની સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સત્યાવીસમું પ્રકરણ
મંગલ Chapter 27 – લક્ષ્મીનું આગમન
Chapter 27 – લક્ષ્મીનું આગમન
ગતાંકથી ચાલુ
ધાની અને મંગલ અંતે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા. દુ:ખ અને વિરહનાં લાંબા અંતરાલ પછી લાખીબહેનનાં ઘરે હરખનો પ્રસંગ હતો. કુળદેવી ચામુંડા મા ને ત્યાં માથું ટેકવીને આશીર્વાદ પ્રાપ્ત કરીને જાન ઘર આંગણે પહોંચી. લાખીબહેને તેઓની આરતી ઉતારી ઓવારણાં લીધા. આંગણે ચોખાનો કળશ મૂકવામાં આવ્યો અને ગૃહલક્ષ્મીએ તેને હળવેથી ઠોકર મારીને ગૃહપ્રવેશ કર્યો. બંને નવદંપતિઓએ વડીલોનાં આશીર્વાદ લીધા. પિતા વાલજીભાઈનાં ફોટાને પ્રણામ કર્યા. ચોમેર આનંદ અને કિલ્લોલનું વાતાવરણ સર્જાયું હતું. નવવધુએ પોતાનાં હાથે પહેલી વાર રસોઈ બનાવી સૌને જમાડ્યા. પ્રસંગ પૂરો થયા પછી સૌ મહેમાનો પાછા પોતપોતાનાં ઘરે પાછા ફર્યા.
રાત્રે પોતાની ઓરડીમાં ફૂલોથી સજાવેલા પલંગમાં શણગાર સજેલી ધાનીને પોતાની પત્નીનાં સ્વરૂપમાં જોઈને મંગલ મુગ્ધ થઈ ગયો. તે તેની પાસે આવીને બેઠો અને તેનાં હાથ પર પોતાનો હાથ મૂક્યો. ધાનીનાં હાથમાં થતાં સંકોચનથી હાથમાં બંગડીઓમાં થતાં રણકાર મધુર સ્વર સંગીત ઊભું કરી રહ્યું હતું.
“ધાની...”
“હં...”
“એક સમય હતો કે આપણે સાથે ભણ્યા, સાથે મોટા થયા. તને યાદ છે નાના હતા ત્યારે પેલી દરિયાની રેતીમાં આપણે આપણું રેતીનું ઘર બનાવતા હતા. એ સમયે તું મારી પત્ની બનતી અને હું તારો ઘરવાળો. આપણે ઘર ઘર રમતા. હું લાકડીઓ વીણીને આવતો ને તું મારા માટે રસોઈ બનાવી રાખતી.”
ધાનીએ હસીને કહ્યું, “તને હજું યાદ છે, મંગલ ? એ તો ઘણા નાના હતા ત્યારે કરતાં હતા ?”
“યાદ કેમ ના હોય ? રમત રમતમાં જ એ સમયે આપણાં હૃદયમાં જાણે અજાણ્યે પ્રેમનાં અંકુર ફૂટ્યા. આપણે સાથે રમતાં અને અંદરોઅંદર લડતાં પણ ખરા. પણ આજે આપણે પતિ-પત્ની બની ગયા છીએ. કાનજી કાકા કહેતા કે જોડીઓ ઉપરથી બને છે. આપણી જોડી પણ ઉપરથી જ બની હશે ને ?” મંગલે કહ્યું.
“હા, આપણી જોડી પણ સ્વર્ગમાંથી જ બની છે.” ધાનીએ કહ્યું.
“ધાની, સાચું કહું આજે તો મને ડર લાગે છે.”
“ડર ? શેનો ડર ?” ધાનીએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
“આજ સૂધી માડી પૂરતી મારી જવાબદારી હતી. હવે તું પણ મારી જવાબદારી છો. મને ડર એ છે કે હું તને જીવનનાં પૂરતાં સુખ તો આપી શકીશ ને ?” મંગલે પોતાની મનની વ્યથા કહી.
“હું તારી જવાબદારી નથી, મંગલ. પત્ની છું. આજથી આ ઘરની, માડી પ્રત્યેની, બાપુ પ્રત્યેની બધી જવાબદારીમાં આપણે બંને સરખા ભાગીદાર છીએ. તું ન હતો ત્યારે પણ મેં માડીનું ધ્યાન રાખેલું હતું. એ સમયે તો આપણાં લગ્ન પણ થયા ન હતા. આપણી વચ્ચે એવો કોઈ સંબંધ જ ન હતો કે ત્યારે હું આ પરિવારની સભ્ય પણ ન હતી.”
મંગલ ધાનીને સાંભળી રહ્યો. સ્નેહીજનોની સાક્ષીએ લગ્ન સમયે તો સાત ફેરા લીધા હતા, પણ ફરીથી એકાંતમાં ધાનીએ પોતાનાં બંને હાથોમાં તેનો હાથ લઈને એ જ વચનો આપ્યા.
“આગલા જન્મનાં કોઈ સારા કામોને કારણે આજે તમે મારા પતિ સ્વરૂપે છો. આજથી એક પત્ની તરીકે હું ઈશ્વરની સાક્ષીએ કહું છું કે તમે જ મારુ સર્વસ્વ છો. તમારો પરિવાર, માડી આજથી મારા છે. તેની બધી જવાબદારી મારી પણ રહેશે. હું વચન આપું છું કે હું મારા આ પરિવારનું, તેનાં સભ્યોનાં પોષણની જવાબદારી લઉં છું. તમારા દરેક કામમાં હું સહકાર આપીશ. સુખ અને દુ:ખનાં તમામ પ્રસંગોમાં હું તમારી સાથે બરાબરની ભાગીદાર રહીશ. માડીની ચિંતા હવે મારા માથે છોડજો અને કોઈ ચિંતા વગર તમે પોતાનું કામ કરજો.”
મંગલ ધાનીને સાંભળી રહ્યો. ધાનીએ તેની આંખોમાં આંખ પરોવીને તેને વિશ્વાસ અપાવ્યો. સુખી દાંપત્યજીવનનાં પ્રથમ દિવસે મંગલે ધાનીને પત્ની તરીકેનાં માન સન્માન અને પ્રેમ આપવાનું વચન આપ્યું. પોતાનાં આવનારા સંતાનોનાં સંસ્કારી ભવિષ્યનાં ઘડતર માટે તે પણ પોતાની પત્ની સાથે પોતાની જવાબદારી નિભાવશે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ નવદંપતિ પોતાનું વિવાહિત જીવનનાં પ્રથમ ચરણમાં ડગ માંડી રહ્યા હતા. આ શરીરથી શરીરનું મિલન માત્ર ન હતું, આત્માથી આત્માનું મિલન હતું. સ્વર્ગમાંથી જાણે લક્ષ્મી અને વિષ્ણુ, ઉમા અને શિવ તેમને આશીર્વાદ આપી રહ્યા હતા.
થોડા દિવસોમાં મંગલની રજાઓ પૂરી થઈ. તેણે માડીને કહ્યું, “માડી, મારી રજા પૂરી થઈ છે. મારે હવે જવું પડશે. ધાની અહીં તમારું ધ્યાન રાખશે.”
“ધાની મારુ ધ્યાન રાખશે ? ધાની તારી સાથે આવતી નથી ? કેમ ? બે ય વચ્ચે ઝગડો થયો નથી ને ?” લાખીબહેન ગભરાટમાં બોલ્યા.
“અરે ! ના ના માડી. એવું કંઈ જ નથી.” ધાની રસોડામાંથી બહાર નીકળતા બોલી, “મેં જ મંગલને કહેલું હતું કે એ ભલે જાય, હું અહીં રહીશ અને તમારું ધ્યાન રાખીશ.”
“એ મારી ધાની... ! બહું મોટી થઈ ગઈ ! મારી ચિંતા ના કરીશ. દીકરા, હવે તમારા લગ્ન થઈ ગયા છે. તમારે હવે સાથે રહેવું જોઈએ.” લાખીબહેન બોલ્યા.
“પણ માડી !” મંગલ બોલ્યો પણ તેને વચ્ચે અટકાવતાં જ લાખીબહેન બોલ્યા, “જો મંગલ, ધાની તારી સાથે જ અલંગ જશે. મારો હુકમ છે.”
“ઠીક છે, તમારે પણ સાથે આવવું પડશે.” ધાની બોલી.
“અરે ના બેટા ! હું અહીં જ રહીશ. મને ત્યાં ન ફાવે. મંગલ કહેતો હતો કે ત્યાં ધુમાડિયું વાતાવરણ જ હોય. મને નહીં ફાવે. અહીં વર્ષો નીકળી ગયા છે. તારા બાપુની યાદો પણ છે.” લાખીબહેને કહ્યું.
ધાનીએ કહ્યું, “માડી, ચાલો ને હવે. થોડા દિવસો ત્યાં રહેશો તો ત્યાં પણ ફાવી જશે. બાપુનો ફોટો પણ આપણે સાથે લઈ જઈએ છીએ ને ! અને આ તમારો મંગલ મને હેરાન કરશે તો હું ફરીયાદ કરવા ત્યાંથી છેક અહીં કેમ આવીશ ?” માડીને વળગી રહેતાં ધાનીએ થોડી મશ્કરી કરતાં કહ્યું.
મંગલનાં ભવાં તંગ થઈ ગયા. લાખીબહેન અને ધાની હસી પડ્યા.
“મારી દીકરીને હેરાન ના કરતો. એને દુ:ખ ના પહોંચવું જોઈએ.” લાખીબહેને મંગલને કહ્યું.
“હા માડી, હું ધાનીનું ધ્યાન રાખીશ પણ તું સાથે આવતી હોત તો ? અહીં તારું ધ્યાન કોણ રાખશે ?”
“મારુ ધ્યાન ઉપરવાળો રાખશે. બધો સામાન લેવાઈ ગયો છે ને ? ધાની, તું તારો પણ સામાન બાંધી લે. થોડા વાસણો, કપડાં બધું તૈયાર કરી લો. આજે સાંજે ધાની અને તું ધાનીનાં ઘરે જજો અને તેની રજા પણ લેતાં જજો.” લાખીબહેને કહ્યું.
લાખીબહેન ખૂબ મનાવ્યા છતાં વર્ષો જૂનું ઘર છોડવા તૈયાર ન હતા. અંતે બંનેએ નમતું જોખ્યું. સાંજે ધાનીનાં ઘરે બંને જમીને તેની રજા લીધી. સવારે બંને માડીને પગે લાગીને સામાન બસમાં ચડાવીને અલંગ ભણી રવાના થયા.
અલંગ એક નાનકડી ભાડાની ઓરડીમાં બંનેએ પોતાનો ઘરસંસાર માંડ્યો. ધાનીએ આખા ઘરને સાફ કરીને કપડાં, વાસણો ગોઠવ્યા. દુકાનેથી સસ્તા ભાવે જરૂરી કબાટ અને થોડું રાચરચીલું વિકસાવ્યું. કરકસરથી બંનેએ જીવવાનું ચાલુ કર્યું. મંગલ ફરીથી પોતાનાં કામ ધંધે લાગી ગયો. જવાબદારી વધતી ગઈ એટલે વધારાનાં સમયનું કામ પણ કરવા માંડ્યુ. માડીની ચિંતા પણ હતી અને ધાનીને પણ પૂરતો સમય આપી શકાતો નથી એ પણ દુ:ખ રહેતું છતાં ધાનીએ ક્યારેય ફરીયાદ ન કરી. ચારેક મહિને તેઓ પોતાનાં વતન ભણી જતાં અને એકાદ અઠવાડિયું રોકાતા. માડી પણ એ સમયે પોતાની એકલતા ભૂલીને આનંદમાં આવી જતાં.
લગ્નને એક વર્ષ ઉપર થઈ ગયું હતું. મંગલ અને ધાની ઘરે આવ્યા હતા. સવારથી ધાનીની તબિયત બરાબર લાગતી ન હતી. મંગલને સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. તેણે માડીને પૂછ્યું. લાખીબહેન ઝટ દોડતા આવીને તેનાં કપાળે હાથ મૂકીને, નાડી જોઈને હરખમાં આવીને કહ્યું, “આ તો હરખની વાત છે. આમાં ચિંતા જેવુ કશું નથી.”
“શું વાત કરો માડી, ધાનીને મજા નથી ને તું કહે કે રાજી થઉં ?”
“અરે ગાંડા, ધાની મા બનવાની છે. તું બાપ બનીશ. ઘરે નાના પગલાં પાડનારું કોઈ આવશે. હું દાદી બનીશ.” લાખીબહેને કહ્યું.
મંગલ આ સાંભળીને થોડી વાર તો નિ:શબ્દ જ બની ગયો. ‘હું... બાપ બનીશ ? મને બાપું કહેનારું પણ કોઈ આવશે ?’ એવા વિચારોથી જ તે આનંદમાં આવી ગયો. તે ધાનીની પાસે બેઠો અને તેનો હાથ પોતાનાં હાથમાં લઈને કહ્યું, “તે સાંભળ્યુ, તું મા...”
હરખનાં આંસુ સાથે ધાનીએ હા પાડી. મંગલ પોતાનાં ઉત્સાહને વ્યક્ત કરી શકતો ન હતો. ‘દીકરો આવશે કે દીકરી ? નામ શું રાખીશું ?’ એવા એવા કેટલાંય વિચારો તેને આવવા લાગ્યા. ધાનીનાં પિયરમાં પણ આ સમાચાર આપ્યા. રંભાબેન પણ તેનાં દીકરા સાથે દોડી આવ્યા. પોતાની દીકરીનાં ખોળે સંતાન અવતરવાનું છે એ જાણીને તે પણ ખુશ થઈ ગયા. લાપસીનાં એંધાણ મૂકાયા.
મંગલનાં જવાનો સમય થયો. ધાની પણ જવા તૈયાર થઈ. પણ ત્યાં જ લાખીબહેન બોલી ઉઠ્યા, “તારે જવાનું નથી. તારું ધ્યાન કોણ રાખશે ? આખો દિવસ તો મંગલ તારી સાથે હોતો નથી. તું અહીં જ રહે. આમેય પહેલા ખોળો છે એટલે માવતરે જ રહેવું પડશે. તારે તો બે ય નજીકમાં જ છે. બે ય બાજુ ધ્યાન રહેશે.
મંગલ એકલો જ પરત ફર્યો. દરરોજ તે ખૂબ પ્રતીક્ષાથી દિવસોની ગણતરી કરવા લાગ્યો. અઠવાડિયે એક ચિઠ્ઠી લખીને તે ખબર અંતર પૂછતો રહેતો. ધાની પણ તેનાં પત્રની પ્રતીક્ષા કરતી રહેતી. દિવસો નજીક આવતા ગયા ને મંગલની આતુરતાનો પાર ન હતો. દુકાને બેઠા બેઠા પણ રસ્તે રમતાં કોઈ નાના બાળકને જુએ કે કોઈ મજૂરણે તેડેલા નાના બાળકને જુએ તો તરત એવી કલ્પનામાં સરી જતો કે ‘પોતાનું બાળક કેવું હશે ? કેવું એનું નાક હશે ? કોની ઉપર જશે ? પોતાનાં ઉપર કે તેનાં દાદા ઉપર ? આપણે નામ શું રાખીશું ? મારે તો દીકરી જોઈએ ? તારે શું જોઈએ ?’ આવી જેટલી વાતો તેનાં મનમાં આવતી તે બધી ધાનીને પત્રોમાં લખી નાખતો. તે પણ લખતી, “મારે તો દીકરો જોઈએ છે.” ધાની પણ તેની ઘેલછાને જોઈ રહેતી. મંગલમાં બાળકની વાત કરતી વખતે વર્ષો પહેલા તેની સાથે રમતો બાળક મંગલ યાદ આવી જતો.
નવ માસ પૂરા થવા આવ્યા. મંગલને તેડાવી લેવામાં આવ્યો. પેઢીથી રજા લઈને તે સીધો વતન ભણી આવ્યો. ધાની તેનાં માવતરે હતી. પાસે રહેતી દાયણ તેની સુવાવડ કરાવવાની હતી. મંગલ અને ઘરનાં બીજા પુરૂષો બહાર સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા અને અંતે સવારે દસ વાગ્યે નાના નાના શિશુનો રડવાનો અવાજ આવ્યો. થોડી વારમાં એક મોટી ઉંમરની સ્ત્રીએ બહાર નીકળીને સમાચાર આપ્યા, “છોડી આવી છે.” મંગલનાં એ શબ્દો ‘મારે તો દીકરી જોઈએ છે’ જાણે ભગવાને સાંભળી લીધા હોય એવું તેને લાગ્યું. તેનાં હરખનો આજે પાર ન રહ્યો. બે હાથ જોડીને તેણે ભગવાનનો ખૂબ આભાર વ્યક્ત કર્યો.
થોડા સમય પછી તે અંદર ગયો. ધાની પથારી પર સૂતી હતી. પાસે કપડામાં લપેટેલી પોતાની નાની ઢીંગલીને સૂતેલી જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. આજે તેનામાં પિતૃત્વનો ઉદય થયો હતો. પિતા તરીકે તેનો નવો જન્મ થયો હતો. નાનું, નમણું નાક અને મોટું કપાળ, આછા વાળ અને બીડેલી આંખોએ મંગલને અને પૂરા પરિવારને નવજીવન આપ્યું હતું.
“ધાની ? આ મારી... આપણી...” ગળગળા અવાજે તે આટલું બોલ્યો.
“હા મંગલ. આ આપણી દીકરી. તારે દીકરી જોઈતી હતી ને ! જો ભગવાને તારી ઈચ્છા મંજૂર કરી.”
“હા ધાની. તને ખબર છે મેં કેટલાંય સમયથી તેનું નામ પણ વિચારી રાખ્યું છે ?” મંગલે ઉત્સાહમાં આવીને કહ્યું.
“ભારે ઉતાવળ દીકરીનાં બાપાને. એક વાર રાશિ તો આવવા દો.” ધાની બોલી.
“મેં હમણાં છાપામાં રાશિ જોઈ. મિથુન રાશિ આવી છે. એમાં ‘ક’, ‘છ’ અને ‘ઘ’ ઉપર નામ રાખવાનાં આવશે.” પાડોશમાં રહેતી તેની બહેનપણીએ કહ્યું.
“હા, તો રાશિનો પણ મેળ પડી ગયો.” મંગલે કહ્યું.
“એટલે ?”
“નામ ‘ક’ પરથી જ વિચાર્યું છે.” મંગલે કહ્યું.
“પણ નામ તો છઠ્ઠીમાં ફઈ પાડશે ને ?” ધાનીએ કહ્યું.
“મારે ક્યાં બહેન છે ?”
“અરે મોટા બાપાની દીકરી લત્તા તો છે ને ! એ પાડશે નામ.” ધાનીએ કહ્યું.
નામ પોતાની ઈચ્છા મુજબનું હોવું જોઈએ એ વિચારીને મોટા બાપાની દીકરી લત્તાને સમજાવીને એક નામ રાખવા સમજાવી દીધી.
છઠ્ઠીનો દિવસ આવ્યો. બાળકનાં મા-બાપ, દાદી, ફઈ, નાના-નાની, મામા વગેરે સગાઓ હાજર રહ્યા. લત્તાએ પીપળાનાં પાન ચારે બાજુ ગોઠવી પરંપરા પ્રમાણે નામકરણ વિધિ શરૂ કરી. બાળકને પોતાનાં હાથમાં લઈને તેને ઝૂલા ઝૂલાવતી એ બોલી, “ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યું કિંજલ નામ.”
ધાની મંગલ સામે જોઈ રહી. મંગલ પણ તેની સામે જોઈને થોડું હસ્યો. ધાની બધું સમજી ગઈ.
તેને બાળપણમાં એક પ્રસંગ યાદ આવી ગયો. -
‘‘મંગલ, આ ‘ધાની’ નામ મને નથી ગમતું. આ નામ મારે બદલી નાખવું છે.’’
“અરે મૂરખ, નામ એમ કંઈ બદલાતા હશે ! એ એમ જ રહે.” મંગલ તેને સમજાવતો.
“ના, મારે બદલવું જ છે.” રીસમાં ધાની બોલી.
“એમ ? તો શું નામ રાખીશ એ તો કહે ?”
“આપણી નિશાળમાં પેલી નથી ભણતી ? જેઠા વાલાની છોકરી કિંજલ ? મને એનું નામ બહું જ ગમે છે. મારે એ રાખવું છે.” ધાની કહેતી.
“બીજાનાં નામ જોઈને પોતાનાં નામ બદલવા છે. ગાંડા જેવી છો તું.”
“હા, જાણે આખા મલકની અક્કલ તારામાં જ ભરી છે ને ! મને ગાંડા જેવી ગણે છે ? હમણાં તારી માડીને જઈને કહેવું પડશે.” ધાની ચિઢાઈને કહેતી.
**
‘બાળપણની આ વાત મંગલને હજું યાદ છે ? મારુ એ નામ યાદ રાખવાની ઈચ્છા મારી દીકરીમાં પૂરી થઈ.’ ભીની આંખે તે મંગલને જોઈ રહી. મંગલ તેની સામે સ્મિત કરી રહ્યો હતો.
To be Continued…
Wait For Next Time…