story of coffee in Gujarati Adventure Stories by શિતલ માલાણી books and stories PDF | કોફી કથા

Featured Books
Categories
Share

કોફી કથા

"આજ સાંજે કોફી શોપમાં મળું પછી, વાત કરું !"
આ એમના છેલ્લા શબ્દો હતા. આ એમની યાદમાં હું છેલ્લા દસ વર્ષથી રાહ જોતો હતો પણ.... આ શબ્દો એક દીકરાના હતા જેના પિતા એક ઉધોગપતિ હતા અને એમને સતત કોઈનો ભય સતાવતો હતો. એક ટૂરમાંથી પાછા ફરતી વખતે રસ્તામાંથી એને એના દીકરાને આ ફોન કરેલો હતો.

" પછી, એ આપને મળ્યા જ નથી કે શું ?"

" ના, પણ આ કોફીશોપના માલિકે કહ્યું હતું કે "એ આપના માટે સંદેશો મોકલશે. આપને અહીં રાહ જોવા માટે કહ્યું હતું એમને."

બે-ચાર વર્ષ રાહ જોઈ પછી એ માલિક પાસેથી આ કોફીશોપ મેં બમણી કિંમતે ખરીદી હવે કાયમ અહીં જ બેઠક કરી દીધી. હા, મને આશા જરૂર હતી કે મારા પિતાનો સંદેશો જરૂર આવશે જ.

"પછી ?"

" રોજિંદી ટેવની જેમ મેં અહીં જ ખુરશી નાંખી. હું રોજ આવવા લાગ્યો હતો એટલે બધા ચહેરા સારી રીતે ઓળખતા શીખી ગયો. બધાની ટેવ પણ ખબર પડી ગઈ. લગભગ દસેક વર્ષ પછી એક લંગડી વ્યક્તિ અહીં ખાસ્સી પાંચ કલાક બેઠી. એના ફોન પર ફોન ચાલુ જ હતા. મને પણ રસ જાગ્યો. હું કયારેય શેઠિયાની જેમ નથી ટક્યો આ ખુરશીએ. માણસોની સાથે હું પણ કામકાજ કરતો. "

" ઓહહહહહહહહ ! તો એ લંગડી વ્યક્તિ કોણ હતી ?"

" એ વ્યક્તિ રાજુલ શેઠ હતા. મુંબઈના મોટા ઉધોગપતિ. એણે એ પાંચ કલાકમાં આખું ટેબલ પેનથી કશુંક લખી કોતરી કાઢ્યું. બહુ ગુસ્સામાં હતો એ. મેં એને આઠ કપ કોફી પીવડાવી ત્યાં તો એણે ટેબલ પર કોડવર્ડમાં કંઈક લખી નાખ્યું હતું અને મારો કાંઠલો પકડીને મારા હાથમાં રુપિયા આપતાં આપતાં એટલું જણાવ્યું કે અહીં એક કાળા શર્ટ અને માથે ટોપી પહેરેલો માણસ આવે એ જ બેસશે. એ આવે પછી જ આ ટેબલ સાફ કરાવજે."

" હે પ્રભુ, આપને ડર ન લાગ્યો ?"

" ના, મને સમજાયું કે હવે મારો રસ્તો મળશે ! મારા પપ્પા સુધી પહોંચવાનો."

" પછી પેલો માણસ આવ્યો કે નહીં ?"

" હા, બે કલાક પછી કાળો શર્ટ અને હાથમાં સિગારેટ સાથે મૂંછાળો તેજોમલ શેઠ આવ્યો. એણે ફરતી બાજુ નજર કરતાં કરતાં એ ટેબલ પર જ આસન જમાવ્યું. એણે પણ બે કલાક સુધી ટેબલના શબ્દોને ઉકેલ્યા. એણે પણ સાત કપ કોફી પીધી. "

" પછી, હવે તો તમે એને પુછી જ લીધું હશે ને તમારા પપ્પા વિશે !"

" ના, મેં આટલા વર્ષ ધીરજ રાખી તો બે દિવસ હજી વધુ એમ સમજી રાહ જોઈ. મેં એમના કહ્યા મુજબ જ ટેબલ સાફ કરાવ્યું અને એણે મારી પાસે ટીશ્યુ મંગાવ્યા. મેં જોયું એ ટીશ્યુ પેપર પર કંઈક ચિતરામણા કરી કરીને એક ચોક્કસ જગ્યાએ જ ફેંકતો હતો."

" ઓહહહહ, તો તમારા આયોજન પર પાણી ફરી વળ્યું એમ જ ને !"

" ના, બિલકુલ નહીં. એના ગયા પછી એક કચરાની ગાડી આવી અને એ ટિશ્યુ સિવાય કોઈ જ કચરો ના લેતી ગઈ. મેં એને બીજો કચરો ઊઠાવવા સમજાવ્યું. પણ, એ ન જ લઈ ગયો. "

" હવે તો તમે હિંમત હારી જ ગયા હશો. કારણ, તમે ભૂલ કરી. તમારે પોલિસને બોલાવવી જરૂરી હતી એ સમયે."

" અરે , તમે સાંભળો તો ખરા ! મેં એમને જવા દીધા. એના ગયા પછી રાજુલશેઠ અને તેજોમલ બીજા દિવસે બરાબર બપોરે બે વાગ્યે અલગ અલગ ગાડીમાં આવ્યાં અને એમની સાથે એક ત્રીજી વ્યક્તિ પણ હતી. જે ચાંદીની લાઠી લઈને ચાલતો હતો. એ ત્રણેય એ મને જ બોલાવી કહ્યું કે " અમે જ્યાં સુધી અહીં છીએ ત્યાં સુધી કોઈ જ કસ્ટમર ન આવવો જોઈએ. આ લે તારા રૂપિયા ! ( આમ કહી મારા માથા પર રૂપિયાનું બંડલ ફટકાર્યું.)

" શું વાત કરો છો ?"

"હા, મેં એના કહ્યાં મુજબ જ કર્યું. એ લોકો વચ્ચે બહુ ઝઘડો ચાલ્યો. હું આવતો જતો કોફી આપ્યે જ કરતો હતો. બધું સાંભળતો હતો. એ જ દરમિયાન મારા કાન ચમક્યા. મારા પપ્પાના નામનો ઉલ્લેખ થયો. પછી તો મેં ત્યાં જ નીચી નજર ઢાળી સાંભળ્યું કે છેલ્લા દસ વર્ષથી મારા પપ્પાને એ લોકોએ કેદ કરી રાખ્યાં હતા. હવે મેં મારું કામ કર્યું. મેં પણ મારી બુદ્ધિ વાપરી માણસોને કહ્યું હતું કે મારા હાથથી જ્યારે કપની ટ્રે કોફી સાથે જ પડે ત્યારે તમારે પોલિસને બોલાવવી. મારાથી એ ટ્રે પડી અને એ લોકોનું ધ્યાન મારા તરફ દોર્યું. મેં એમની માફી માંગી. એમણે મારી સામે જોયું ન જોયું કરી એની ચર્ચા ચાલુ રાખી."

એ જ સમયે પોલિસ આવી અને ત્રણેયને દબોચી લીધા. એ લોકોની સારી ખાતિરદારી પોલીસે કરી અને મને ખબર પડી કે મારા પપ્પાના અડધા ધંધા પર એ લોકોએ ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો. ત્યાં એ લોકો દેશવિરોધી કૃત્યો કરવા હથિયારો છુપાવતા હતાં. પપ્પાએ આ વાતનો વિરોધ કર્યો હતો. પરંતું, મારી હત્યા થઈ જશે એવી ધમકી મારા પપ્પાને આપતા હતા. પપ્પાની એ છેલ્લી વાત મને મગજમાં ભમતી રહેતી સત્તત. મેં પણ નિર્ણય કર્યો કે 'હું પપ્પાને શોધીને જ રહીશ. મેં પેલા ટેબલના ફોટોગ્રાફ લઈ એક જાસુસ સુધી પહોંચાડ્યા. એણે મને બહુ મદદ કરી. તેજોમલના ટિશ્યુને મેં સાચવ્યા અને એવા જ ચિતરામણા મેં બીજા પાસે કરાવડાવી કચરાની ગાડીમાં મેં જવા દીધા. એ બધી માહિતીનું તારણ એ હતું કે મારા પપ્પાને હવે જીવાડવા કે મારવા ! એમનો વારસદાર શોધીને એને ફસાવવો કે ઊડાડી દેવો...એ ચર્ચા માટે શાર્પશૂટરને અહીં બોલાવી બધી તૈયારી કરતા હતા. એ લોકો ભૂલી ગયા કે જેને મારવાનું એ આયોજન કરતા હતા એ હું જ હતો.'

એ ત્રણેયના સકંજામાંથી છોડાવ્યા પછી પપ્પાએ મિડીયાને કહેલું હતું કે " મારો ધંધો ઉતરોત્તર વધતો જતો હતો. મારી આડ હેઠળ એ લોકો મને ધમકાવતા હતા. હું દેશને નુકસાન થાય એવા કોઈ હેતુથી એમની સાથે જોડાવા નહોતો ઈચ્છતો. પણ, મને મારતા, ત્રાસ ગુજારતા અને એક સમયે તો મ.........ને ગળાટૂંપો આપી પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું. મેં સમયસૂચકતાથી મારા દીકરાને છેલ્લો સંદેશો આપ્યો કે 'આજ સાંજે કોફી શોપમાં મળું.' આ કોફીશોપ જ આ લોકોનું સેન્ટર પોઈન્ટ હતું. આ શાતિરોએ દસ વર્ષ સુધી આ કોફી શોપમાં પગ ન મૂક્યો. નસીબ મારા જોર કરતાં હશે કે આજ હું જીવું છું નહીંતર... હું કદાચ આ લોકોને લીધે દેશદ્રોહી જ ગણાત."

'આજ મારા પિતા નિવૃત અને હું આ કોફીશોપનો આભારી છું કે મને મારા પપ્પા આ કોફીને લીધે ફરી મળ્યા.' જે મિલનની મેં આશ ગુમાવી દીધી હતી. ( આમ કહી પોતે અને ઈંન્ટરવ્યુરે સાથે જ કોફીની ચુસ્કી માણી. આ ઈન્ટરવ્યુમાં પણ સાત કપ કોફી પીવાઈ હતી.)


શિતલ માલાણી"સહજ"૭

૭/૧/૨૦૨૧

જામનગર