Kerala Tour 1997 - Part 5 in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | કેરાલા પ્રવાસ 1997 - ભાગ 5

Featured Books
Categories
Share

કેરાલા પ્રવાસ 1997 - ભાગ 5

ભાગ 5

દિવસ 9

એર્નાકુલમ અને કોચીન છે તો બે અલગ શહેર, વચ્ચેથી સમુદ્રની ખાડી તેને જુદાં પાડે છે. ઉતારતાં જ ફરી શિયાળુ ચોમાસાનો જોરદાર વરસાદ અને લાઈટ નહીં. પ્લેટફોર્મ પર જ અંધારું. એમ જ બહાર નીકળી અંધારે જ જે સામે એક ત્રણ માળની હોટેલ દેખાઈ કે કોઈએ બતાવી ત્યાં પહોંચી ઠીકઠાક પણ મચ્છરો વાળી રૂમ લીધી. એ વખતે મેક માય ટ્રીપ કે ત્રિવાગો જેવું અગાઉથી હોટેલ બુક કરી શકાય તેવું નહોતું. નજીકનાં લંચ હોમમાં ત્યાંનાં  સરગવા દૂધી જેવી અજાણી ચીજોનાં  કોપરેલમાં બનાવેલ શાક, એમની 'મેંદા જેવી સફેદ રોટલી અને પાયસમ, રસમ, સાંબાર અને એવી કેરાલી થાળી જમ્યાં. જલ્દી સવાર પડે તેની પ્રાર્થના કરતાં સુઈ ગયાં. ઉઠીને ચેક આઉટ કરીએ ત્યાં એક રાત ઉતરેલાં તો પણ બોણી માંગવા હેલો, હેલો' કરતો મુછાળો વેઈટર સફેદ લૂંગી ઉઠાવી દોડ્યો. જવા દીધો.

એર્નાકુલમ માં હોટેલ તાજ દરિયાને અડીને મરીન ડ્રાઇવ જેવા હાઇકોર્ટ રોડ પર છે તેની નજીક KTDC approved  હોટેલમાં ઉતરી એ રસ્તે ફરવા નીકળ્યાં. આગળ માછલી પકડવાની મોટાં લંગર જેવી વિશાળ નેટસ જોઈ. દરિયાની ખાડી વચ્ચે એક નાના ટાપુ પર પીકનીક પ્લેસ, બાળકો માટે હિંચકા ને એવું છે ત્યાં એકાદ કલાક કાઢ્યો.

સાંજે હું એક જગ્યાએ ભારત નાટ્યમ અને કુચિપુડી નૃત્યના શો થાય છે તે જોવા પૂછતો પૂછતો ગયો. તે વખતે એક નવું જોયું, ત્યાં પુરુષથી કોઈ સ્ત્રી સાથે વાત ન થાય.શિક્ષિત લાગતી સ્ત્રીઓને બસસ્ટેન્ડ પર રસ્તો પૂછીએ તો શરમાઈને આડું જોઈ જાય. કોઈએ કહ્યું કે કેરાલામાં પુરુષથી  એકલી સ્ત્રી સાથે વાત ન થાય.

શો શરૂ કરતાં પહેલાં મેકઅપ વગેરે કરે છે એ લાઈવ બતાવી સમજાવે છે. લીલો મેકઅપ ફેસ પર હોય તો સારો માણસ અને લાલ હોય તો વિલન જેવો એમ સમજવાનું. પર્વત, સૂર્ય ચંદ્ર, અમુક લાગણીઓ વગેરે માટે વપરાતી નૃત્યમુદ્રાઓ સમજાવી. એ પછી બે નૃત્યનાટકો એ જ રીતે બતાવ્યાં. એર્નાકુલમની બજારની રોશની જોતાં હોટેલ પર.

દિવસ 10

ખાડીના કે મોટી નદી જેવા સમુદ્રના સામે કાંઠે પબ્લિકબોટમાં બેસી કોચીન ગયાં. પેલી મોટી નેટને કદાચ ચાઈનીઝ નેટ કહે છે તે, નારીયેલમાંથી કોપરું કેમ છૂટું પડે તે, કેટલાક મસાલા કેવી રીતે બને તે બધું જોયું. મસાલાઓ ખરીદ્યા. એલચી, લવીંગ ને એવું ઘણું ત્યાં ખેતરોમાંથી ઠલવાઇ પ્રોસેસ થઈ  વેંચતી આખી બજાર છે તેમાં ફર્યાં. જ્યુ લોકોનું ખૂબ પ્રાચીન અને સારું મેઇન્ટેઇન કરેલું સુંદર ચર્ચ જોયું. આખી જ્યુ લોકોની વસાહત અને એમના ટિપિકલ ડ્રેસ, ઘરો વગેરે જોયાં. એ જ રીતે પબ્લિક બોટમાં સામે એર્નાકુલમ આવ્યાં. સાંજે ત્યાંનાં ખૂબ જાણીતાં થિયેટરમાં દિલ તો પાગલ હૈ જોવા ગયાં. આસપાસ માત્ર મલયાલી ફિલ્મો બતાવતાં થિયેટરો વચ્ચે એક જ હિન્દી ફિલ્મ બતાવતું થિયેટર. પણ લાકડાનાં ખપાટિયાની સીટો અને નંબર નહીં. શો માટે ડોર ખુલે એટલે દોડીને જગ્યા રોકવાની.

આજે તો બસસ્ટોપ પાસે કોઈ વળાંકો વાળી સીડી ધરાવતી લાલ પથ્થરની હોટેલમાં સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવા ગયાં. રાજકપુર નાં આવારા ફિલ્મમાં ઘર આયા મેરા પરદેશી ગીતમાં ગોળ ગોળ સીડી બતાવે છે તેવી સીડી. કોપરેલનું તેલ પણ ટેસ્ટ સારો.

એક રસ્તે આવેલું મુરુગન સ્વામીનું મંદીર જોયું. શિવજીના મોટા પુત્ર કાર્તિકેય. એમનું વાહન મોર હોઈ એમને મુરુગન કહે છે. હાથમાં ભાલા સાથે શ્વેત વસ્ત્રોમાં ઉભેલી મૂર્તિ. ત્યાં કાર્તિકેયનું ખૂબ મહત્વ છે જેવું મહારાષ્ટ્રમાં ગણપતિનું. આરતી પુરી થઈ હોઈ પરસાળ અને દ્વાર પર  કાળા પથ્થરની દીવીઓમાં તેલ પુરી કરેલા દીવાઓ જોયા.