The Magic of Relationships - 14 (Final Chapter) in Gujarati Fiction Stories by Jimisha books and stories PDF | સંબંધોની માયાજાળ - 14 (અંતિમ પ્રકરણ)

The Author
Featured Books
Categories
Share

સંબંધોની માયાજાળ - 14 (અંતિમ પ્રકરણ)

સંબંધોની માયાજાળ_14

ગ્રંથ પર ભૂમિજાનો ફોન આવે છે. ગ્રંથ કઈ બોલે એ પહેલા જ ભૂમિજાએ "હું પરમ દિવસે મારા ફેમિલી સાથે ખોડલ ધામ આવવાની છું." જણાવી ફોન કટ કરી નાખ્યો.

આમ અચાનક જ ભૂમિજાએ ખોડલધામ આવવાની વાત કરી અને એ પણ પોતાના પરિવાર સાથે!! એટલે ગ્રંથને ટેન્શન થવા લાગ્યું. આખો દિવસ એ જ વિચારતો રહ્યો એ કે આખિરમાં એવું તો શું થયું કે ભૂમિજા આમ અચાનક જ ખોડલધામ આવે છે!!

આખા દિવસની ચિંતાના કારણે રાત્રે ઉંઘ પણ ના આવી. ઊંઘ ના આવી એટલે એનો થાક બીજે દિવસે ગ્રંથના ચેહરા પર સાફ દેખાઈ આવતો. ગરિમા બહેનને ગ્રંથના ચેહરા પરની ઉદાસી જોઈને લાગ્યું તો ખરું કે કઈક તો છે, જે ગ્રંથ એમનાથી છૂપાવી રહ્યો છે. પરંતુ એ કઈ પૂછે એ પહેલા જ ગ્રંથ એના કામથી બહાર ચાલ્યો ગયો. ગ્રંથના ગયા બાદ ગરિમા બહેને ગૌરાંગ ભાઈને બધી વાત કરી. એટલે ગૌરાંગ ભાઈએ સાંજે જ્યારે ગ્રંથ ઘરે આવે ત્યારે એની સાથે વાત કરવાનું નક્કી કર્યું.

ભૂમિજા એના પરિવાર સાથે ખોડલધામ આવવાની છે એ વાત ગ્રંથે તેજસને જણાવી. ભૂમિજા કેમ ખોડલધામ આવવાની છે એ જાણવા માટે તેજસએ પણ એણે ફોન કર્યો. પરંતુ એનો ફોન વ્યસ્ત આવી રહ્યો હોય છે.

આ તરફ ભૂમિજા સવારે જ પોતાના ગામડાના ઘરે આવે છે. આવીને તરત જ એ પોતાના મમ્મી પપ્પા એટલે કે ભક્તિ બહેન અને ભાવિન ભાઈને આવતીકાલે સવારે ખોડલધામ જવા વિશે જણાવે છે. આમ અચાનક ભૂમિજાનું ઘરે આવવુ અને બીજે જ દિવસે સવારે ખોડલધામ જવાનો નિર્ણય પોતાને જણાવી દેવો, આ બધું ભક્તિ બહેનની સાથે સાથે ભાવિન ભાઈને પણ થોડું અજીબ લાગે છે. અને એટલે જ ભાવિન ભાઈ ભૂમિજાને "કેમ આમ અચાનક જ તું ખોડલધામ જવાનું કહે છે?? કઈ થયું છે?? અને આમ કોઈને કંઈ પણ જાણ કર્યા વિના જ તું ઘરે આવી?? બધું ઠીક તો છે ને ભૂમિજા??" જેવા સવાલો પૂછવા લાગ્યા.

"બધું ઠીક જ છે પપ્પા. ચિંતા જેવું કંઈ જ નથી. આ તો મારી કંપનીને એક બહુ જ મોટો પ્રોજેક્ટ મળ્યો હતો. એટલે મેં માનતા માની હતી કે જો આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે ને તો હું ખોડલધામ જઈશ. અને એટલે જ હું કોઈને પણ કંઇ પણ જણાવ્યા વગર જ અહી ઘરે આવી." ભૂમિજાએ સાચી વાતને છુપાવતા જણાવ્યું.

"હા તો એવું જ હોય તો આપને પરમદિવસે જઈશું. આજે જ તો તું આવી છે. એક બે દિવસ આરામ કર." ભક્તિ બહેને પોતાની દીકરીની ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

"આરામનો જરાક પણ સમય નથી મારી પાસે મમ્મી. આવતી કાલે જ જવું પડશે. કારણકે પરમદિવસે સવારે તો હું પુણે પાછી જતી રહેવાની છું. અને હા!! પપ્પા તમે મોટાપપ્પા અને મોટીમમ્મીને પણ કહી જ દેજો કે એમને પણ આવવાનું છે આપની સાથે. અને બીજી એક વાત ભર્ગ અને ભૂમિત ભાઈને પણ જણાવી દેજો કે સવારે તૈયાર રહે."

"ઠીક છે. હું બધું કરી દઈશ. પણ અત્યારે તો તું આરામ કર." ભાવિન ભાઈને ખેતરે જવાનું મોડું થતું હોવાથી એમને જતા જતા કહ્યું.

ભાવિન ભાઈના ગયા બાદ ભૂમિજા એની મોટી મમ્મી એટલે કે ભારતી બહેનને મળવા ગઈ. મળીને આવ્યા બાદ એણે એની મમ્મીને કહ્યું કે એ ખેતરમાં જાય છે. સાંજે પપ્પાની સાથે જ પાછી આવશે. અને ભક્તિ બહેન કઈ બોલે કે એણે રોકે એ પહેલા જ ભૂમિજા ઘરની બહાર નીકળી ગઈ.

ભૂમિજાના બન્ને મોટા પપ્પા એટલે કે સૌથી મોટા ભગીરથ ભાઈ અને નાના ભાર્ગવ ભાઈ ખેતરમાં જ હોય છે. એટલે ભાવિન ભાઈએ ખેતરે પહોંચીને સૌથી પહેલા ભૂમિજાએ કહેલી વાત જણાવી દીધી.

ભગીરથ ભાઈએ તો હા પાડી દીધી. પરંતુ ભાર્ગવ ભાઈએ ના પાડી. બધા લોકો કામ પતાવીને બેઠા હોય છે ત્યાં જ ભૂમિજા આવે છે. આવતાની સાથે જ ભાર્ગવ ભાઈના બંને દીકરા ભુમિત અને ભ્રમિતની વચ્ચે જઈને બેસી જાય છે. અને એ બંનેને પજવવા લાગે છે. ભૂમિજા બંને ભાઈઓને પજવતી હોય છે એટલે મોટો ભ્રમિત ભાવિન ભાઈને કહે કે, "કાકા!! કોને આ ભૂતને!! અમને પજવવાનું બંધ કરે!!"

ભાવિન ભાઈ કઈ પણ બોલે એ પહેલા જ ભાર્ગવ ભાઈ ભૂમિજાનું ઉપરાણું લેતા કહે છે, "ખબરદાર ભાવિન!! જો તે મારી લાડલી ને કંઈ પણ કહ્યું છે તો!!"

"ઠીક છે મોટાભાઈ. કઈ નઈ કહું એણે. પરંતુ તમે તો એણે કહો કે હવે એ નાની નથી. લગ્નની ઉંમર થઈ ગઈ છે એની. તોયે આમ નાના બાળકની જેમ ધમાલ મસ્તી કરે છે." ભાવિન ભાઈ ભ્રમિત અને ભૂમિતનું ઉપરાણું લેતા બોલ્યા.

એટલામાં જ ભગીરથ ભાઈના બંને દીકરા ભાગ્યેશ અને ભવ્યેશ પણ ત્યાં આવ્યા. પોતાના બંને મોટા ભાઈને જોતા જ ભૂમિજા ઉભી થઈને એ બંનેની પાસે ગઈ. અને ભેટી પડી. ત્યાં તો ભર્ગ પણ આવી પહોચ્યો બપોરનું ભોજન લઈને. ભોજન મૂકીને એ પણ ભ્રમિત તથા ભૂમીત સાથે એમના મોટાભાઈ ભાગ્યેશ અને ભવ્યેશ પાસે આવ્યા. અને 6 એ ભાઈ બહેન એકબીજાને ભેટી પડ્યા. આજે ભૂમિજાની આંખોમાં આંસુ હતાં. કારણકે 8 મહિના પછી એ પોતાના ભાઈઓને, પોતાના પરિવારને મળતી હતી.

પોતાની લાડલી બહેનને રડતા જોઈ ભાગ્યેશ તરત જ ભ્રમિત અને ભુમીત પર ગુસ્સે થયો. અને બોલ્યો, "કેમ રડાવી તમે બન્નેએ ભૂમિજાને?? થોડીક મસ્તી તમારાથી સહન નથી થતી??"

પોતાના કારણે ભાગ્યેશ ભાઈ ભ્રમિત તથા ભૂમિતને લડી રહ્યા હોય છે એ જોઈ ભૂમિજા ભાગ્યેશને અધવચ્ચે રોકતા બોલે છે, " ભાગ્યેશ ભાઈ!! હું ભ્રમિત ભાઈ કે ભૂમિત ભાઈના લીધે નથી રડતી. મને તો તમારા લોકોની બહુ યાદ આવે છે પુણેમાં. તો આજે આટલા સમય પછી તમને બધાને મળી એટલે રડવું આવ્યું."

વાતાવરણને હળવું કરવા માટે ભગીરથ ભાઈ એ "અમે બધા પણ અહી જ છે ભૂમિજા દીકરા." કહ્યું.

"હા મોટા પપ્પા!! મને ખબર છે." એમ કહી ભૂમિજા ભગીરથ ભાઈ અને ભાર્ગવ ભાઈ પાસે ગઈ. અને બંનેને પગે લાગી. ભૂમિજા એ બંનેને પગે લાગી એટલે ભાર્ગવ ભાઈ બોલ્યા, "મે તને કેટલી વાર કહ્યું છે દીકરા કે આપના પરિવારમાં દીકરી પગે નથી લાગતી!!"

"અરે મોટા પપ્પા!! મને ખબર છે. પરંતુ તમને પણ ખબર છે મારો જવાબ કે.."

"પગે લાગીને આશીર્વાદ મેળવવાનો હક શું માત્રને માત્ર વહુઓને જ છે!!" ભૂમિજા આગળ કઈ પણ બોલે એ પહેલા જ એના બધા ભાઈઓ એકસાથે બોલી ઉઠ્યા.

પોતાના ભાઈઓને આમ એની નકલ કરતા જોઈ ભૂમિજા ચિડાઈ ગઈ. પણ એ કઈ પણ કહે એ લોકોને એ પહેલા જ ભગીરથ ભાઈ બોલી ઉઠ્યા, "એવું કઈ નથી દીકરા. પરંતુ તું તો અમારા ઘરની લક્ષ્મી છે. અને લક્ષ્મીનું સ્થાન હૃદયમાં હોય. પગમાં નહી. અને રહી વાત આશીર્વાદની!! તો એ તો કાયમ તારી સાથે જ હોય છે."

આમ ઘણા સમય સુધી વાતો કર્યા બાદ બધા લોકો જમવા બેઠા. જમતાં જમતાં ભૂમિજાની મજાક ઉડાવવાના હેતુથી ભ્રમિત બોલ્યો, "ભૂમિજા તે કોઈ છોકરો પસંદ કર્યો કે નહી??"

"શા માટે??" ભૂમિજાએ એકદમ શાંતિથી સામો સવાલ પૂછ્યો.

"લગ્ન માટે." ભ્રમિતએ જવાબ આપતા કહ્યું.

"મોટા પપ્પા!! ભાઈને કહી દો કે હજુ મારે લગ્ન કરવાની વાર છે. એટલે મારા લગ્નની વાત તો એ ના જ કરે!!" ભૂમિજાએ ભાર્ગવ ભાઈને ભ્રમિતની શિકાયત કરતા કહ્યું.

"ભ્રમિતએ શું ખોટું કહ્યું એમાં!! તારી ઉંમર તો થઈ જ ગઈ છે ને લગ્નની." ભાવિન ભાઈએ ભ્રમિતનો બચાવ કરતા કહ્યું.

"મોટા પપ્પા!! તમે જ સમજાવો હવે પપ્પાને. મારે અત્યારે લગ્ન નથી કરવા. અને એમ પણ ભ્રમિત ભાઈ અને ભૂમિત ભાઈ મારા કરતાં મોટા છે તો પહેલા એ બન્નેના લગ્ન થશે. પછી જ હું લગ્ન કરીશ." ભૂમિજા પોતાનો અંતિમ નિર્ણય જણાવતી હોય એમ ભગીરથ ભાઈ સામું જોતા બોલી.

ભગીરથ ભાઈએ પણ ભૂમિજાનું ઉપરાણું લેતા કહ્યું કે, "અત્યારે ચૂપચાપ જમી લો.આ વિષય પર પછી વાત કરીશું."

જમી રહ્યા બાદ ભૂમિજા એના ભાઈઓ સાથે ખેતરમાં ચક્કર મારવા ગઈ. બાળકોના ગયા બાદ ભાવિન ભાઈએ ભગીરથ ભાઈને પૂછ્યું, "મોટાભાઈ!! ક્યાં સુધી આપણે એના લગ્નની વાતને ટાળતા રહીશું!! એની બધી બહેનપણીઓ પરણીને સાસરે જતી રહી. અને આપની ભૂમિજા માટે આપને હજુ છોકરો પણ નથી જોયો!!"

"ભાવિન!! પહેલી વાત તો એ કે આપણી ભૂમિજા સૌથી અલગ છે. એટલે એની તુલના બીજી છોકરીઓ સાથે ના કર. અને બીજી વાત કે બની શકે ને કે એણે કોઈ છોકરો પસંદ હોય. પરંતુ એ આપણને કહેતા ડરતી હોય. એટલે એના મનની વાત જાણ્યા વગર આપણે કોઈ નિર્ણય પર ના પહોંચી શકીએ." ભગીરથ ભાઈએ સમજાવતા કહ્યું.

"હા તો મોટા ભાઈ!! એવુ કઈ હોય તો એણે મને કે તમને કે ઘરમાં કોઈને પણ કઈ તો જણાવવું જોઈએ ને!! મે એણે પહેલા જ કહી દીધું હતું કે જો એને કોઈ છોકરો પસંદ હોય અને જો એ છોકરો બધી રીતે યોગ્ય હશે તો હું એના લગ્ન એની પસંદના છોકરા સાથે કરાવી આપીશ." ભાવિન ભાઈએ પોતાના મનની મૂંઝવણ જણાવતા કહ્યું.

"તું ચિંતા ના કર. આજે ઘરે જતા પહેલા જ હું એની સાથે આ વિષય પર વાત કરીશ." ભગીરથ ભાઈએ ભાવિન ભાઈની મુંઝવણ દૂર કરવા માટે થઇને કહ્યું.

થોડી જ વારમાં બધા બાળકો ઓરડીએ આવી ગયા, જ્યાં ત્રણેય ભાઈઓ બેઠા હોય છે. સાંજ પડી ગઈ છે એટલે બધા ઘરે જવાની તૈયારીઓ કરી રહ્યા હોય છે. ભાગ્યેશ ટ્રેક્ટર ચાલુ કરે છે. ત્યાં જ ભગીરથ ભાઈ બધા બાળકોને બોલાવે છે પોતાની પાસે. બધા બાળકો આવીને ભગીરથ ભાઈ પાસે બેસે છે.

"પપ્પા!! કોઈ ઈમપોર્ટન્ટ વાત છે??" ભવ્યેશએ પૂછ્યું.

"હા!! મોટા ભાઈને ભૂમિજા સાથે એક મહત્વની વાત કરવી છે. ખાલી 10 મિનિટ. પછી ઘરે જઈએ." ભાવિન ભાઈએ ભગીરથ ભાઈના બદલે જવાબ આપ્યો.

"જો મોટા પપ્પા!! હું પહેલા જ કહી દઉં છું કે જો તમારે મારા લગ્ન માટે વાત કરવાની હોય તો મારે નથી કરવી." ભૂમિજાએ ચોખવટ કરતા કહ્યું.

"જો દીકરા!! હું તને સીધેસીધું જ પૂછી લઉં છું. ભાવિન સાચું જ કહે છે કે તારી ઉંમર તો થઈ જ ગઈ છે લગ્ન માટેની. તેમ છતાં અત્યાર સુધી અમે લોકોએ તને ક્યારેય ફોર્સ નથી કર્યો લગ્ન માટે. હંમેશા તને તારી રીતે જીવવાની આઝાદી આપી છે. તે લીધેલા દરેક નિર્ણયોને માન્ય રાખ્યા છે. તારી દરેક વાતને ઘરનાં બધાં સભ્યો માને છે. તો શું તું અમારી એક વાત નહી માને??" ભગીરથ ભાઈએ ઈમોશનલ થતા કહ્યું.

"એવું કઈ નથી મોટા પપ્પા. હું જાણું છું કે આપણા ઘરમાં દીકરા દીકરી વચ્ચે ક્યારેય ભેદભાવ કરવામાં નથી આવ્યો. આજના જમાનામાં તમે લોકોએ આમ મને એટલે કે એક છોકરીને ઘરથી દૂર રહીને ભણવાની પરમિશન આપી. નોકરી કરવા માટે જવા દીધી. અને એ પણ એવા વિશ્વાસ સાથે કે તમારા સંસ્કાર તમારી દીકરીને ક્યારેય કોઈ અવળા માર્ગે નઈ જવા દે. 5 ભાઈઓ વચ્ચે એક ની એક બહેન છું. એટલે બધા ભાઈઓની લાડલી છું. એક જ છોકરી છું ઘરમાં એટલે ઘરમાં મને સૌથી વધારે પ્રેમ મળ્યો છે." ભગીરથ ભાઈને ઈમોશનલ થતા જોઈ ભૂમિજા પણ ભાવુક થતા બોલી.

"અમને જેટલો વિશ્વાસ ઘરનાં દીકરાઓ પર છે એટલો જ વિશ્વાસ તારી પર છે. અને એટલે જ ગોળ ગોળ વાતો કરવાને બદલે સીધું જ તને પૂછું છું. શું તારી લાઇફમાં કોઈ એવું છે જેને તું પસંદ કરતી હોય!! જો હોય તો અમને કહી દે. અમને પ્રેમ લગ્નથી કોઈ જ વાંધો નથી. તારી ખુશીઓમાં જ અમારી ખુશી છે." ભગીરથ ભાઈએ કહ્યું.

"એવું કોઈ જ નથી મારા જીવનમાં મોટા પપ્પા. અને બીજી વાત કે આ વાત પુણે જતા પહેલા જ પપ્પાએ મને કહી હતી. અને જો કોઈ હશે તો હું પોતે જ તમને જણાવી દઈશ." ભૂમિજા એ વાતને ખતમ કરવા માટે થઇને કહ્યું.

"જો ભૂમિજા!! હું તને આખરી વાર કહું છું. તારી લાઇફમાં કોઈ હોય તો કહી દે. નહિતર હું પોતે જ તારા માટે કોઈ છોકરો શોધી લઈશ. અને તારે એ છોકરા સાથે લગ્ન કરવા જ પડશે." ભાવિન ભાઈએ ધમકીના સૂરમાં ભૂમિજાને કહ્યું.

"ભાવિન!! તારી દીકરી છે એ. અને તું એણે ધમકી આપે છે!!" ભગીરથ ભાઈએ પોતાના નાના ભાઈને રોકતા થોડા મોટા અવાજે કહ્યું.

"રહેવા દો મોટા પપ્પા. પપ્પાને કઈ ના કહેશો. અને પપ્પા!! આવતીકાલે આપને ખોડલધામ જવાનાં છે ને!! આઈ ખોડલ આપણી કુળદેવી છે. તો તમે આઈ ખોડલને પ્રાથના કરજો. કદાચ તમારી પ્રાથના એમના દરબારમાં સ્વીકાર થઈ જાય એવું બને ને!!" ભૂમિજાએ બહુ જ સ્માર્ટલી કહ્યું.

"ઠીક છે. જેવી તારી મરજી." ભાવિન ભાઈએ હાર સ્વીકારી લેતા કહ્યું. ભાવિન ભાઈએ હાર સ્વીકારી એટલે તે જ સમયે ભૂમિજાના ચહેરા પર એક અજીબ મુસ્કાન આવી ગઈ. આ વાત કોઈએ નોટિસ ના કરી, સિવાય કે ભ્રમિત અને ભર્ગે!!

અને ત્યાર બાદ બધા ઘરે ગયા. ઘરમાં પગ મૂકતાંની સાથે જ ભાગ્યેશની પત્ની ભૂમિ કટાક્ષથી બોલી, "આવો નણંદ બા!! તમારા ઘરમાં તમારું સ્વાગત છે."

"ભાભી કેમ આમ બોલો છો??" ભૂમિજાને ભૂમિનું આમ બોલવું ના ગમ્યું એટલે એણે સામું પૂછ્યું.

ભૂમિ કઈ જવાબ આપે એ પહેલા જ ભવ્યેશની પત્ની ભાવિ બોલી, "એમાં એવું છે ને કે તું ઘરે આવી, પરંતુ અમને મળ્યા વગર જ ખેતરે જતી રહી એટલે ભાભી તારાથી નારાજ છે."

"ઓહ!! એમ વાત છે." આમ બોલી ભૂમિજા ભૂમિ પાસે ગઈ.

"હા નઈ તો!! તને ખાલી તારા ભાઈઓ જ વ્હાલા છે, અમે ભાભીઓ નહી. આ તો ભક્તિ કાકીએ કહ્યું એટલે અમને ખબર પડી." ભૂમિએ રીસાવાનું નાટક ચાલુ રાખતા કહ્યું.

"આઈ એમ સોરી ભાભી. પરંતુ સાચું કહું!! હું તમને તો શું કોઈને જ નથી મળી. મારો સામાન પેલા ઘરે મૂકીને ખેતરે જતી રહી હતી." ભૂમિજાએ પોતાના કાન પકડતા કહ્યું.

"હવે કાન છોડી દે તારા. નહિતર દર્દ થશે. અને જો તને દર્દ થયું ને તો તારા ભાઈઓ અમારી ખબર લઇ નાખશે." ભૂમિએ ભૂમિજાના કાન છોડાવતા કહ્યું.

"ભ્રમિત ભાઈ, ભૂમિત ભાઈ!! બન્ને ગાડીઓ ઠીક છે ને!!" ભૂમિજાએ એના ભાઈઓને પૂછ્યું.

"હા!! કેમ?? ક્યાંય બહાર જવાનું છે??"

"હા!! આવતી કાલે સવારે આપણે બધા ખોડલધામ જવાનાં છે." ભૂમિજાએ ફોડ પાડ્યો.

"તમે બધા જજો. હું અને તારી મોટી મમ્મી નહી આવીએ." ભાર્ગવ ભાઈએ કહ્યું.

"કેમ મોટા પપ્પા??" ભૂમિજાએ તરત જ એમને સવાલ કર્યો.

"જો દીકરા!! બધા લોકો જઈશું તો ખેતરે કોણ ધ્યાન રાખશે?? ખેતરનું ધ્યાન રાખવા માટે કોઈએ તો રોકાવું પડશે ને!!" ભાર્ગવ ભાઈએ કારણ આપતા જણાવ્યું.

"તમારે રોકાવાની જરૂર નથી પપ્પા. કાના ભાઈ છે ને ખેતરે. એક દિવસ એ સાચવી લેશે ખેતરને. અને એમ પણ, આપને સાંજે તો પાછા જ આવી જવાનાં છે." ભ્રમિતએ એના પપ્પાની વાતને સોલ્વ કરતા કહ્યું.

"ભ્રમિત ભાઈની વાત એકદમ સાચી છે મોટા પપ્પા. અને ના પાડતા પહેલા એક વાર મોટી મમ્મી સામું જોઈ લો. તમે ના પાડી એટલે એમનો ચહેરો કેવો ઉતરી ગયો છે જુવો જરાક!!" ભાર્ગવ ભાઈની પત્ની એટલે કે ભૈરવી બહેન તરફ આંખ મિચકારતા ભૂમિજા બોલી.

ભૈરવી બહેન ભૂમિજાનો ઈશારો તરત જ સમજી ગયા એટલે એમને પણ પોતાના ચહેરા પર ઉદાસીના ભાવ લાવી દીધા. એટલે નાછૂટકે ભાર્ગવ ભાઈએ હા પાડી દીધી. બધા લોકો માની ગયા એટલે ભૂમિજાએ ભૂમિત ને કહ્યું, "ભૂમિત ભાઈ!! કાના ભાઈને ફોન કરીને કહી દો. અને હા!! ભાવિ ભાભી!! ભવ્ય અને ભાગ્ય ક્યાં છે??"

"એ બંને સવારના તારા વિશે પૂછી રહ્યા હતા. હમણાં આવતા જ હશે. તારા આવ્યા પહેલા જ એ બંને રમવા ગયા." ભાવીએ ભૂમિજાની વાતનો જવાબ આપતા જણાવ્યું.

એટલામાં જ બહારથી ભવ્ય અને ભાગ્ય આવ્યા. આવીને તરત જ એમની ફોઈને એટલે કે ભૂમિજાને ભેટી પડ્યા. જમવાનો સમય થઈ ગયો હતો એટલે બધા જમવા બેઠા. જમી રહ્યા બાદ પરવારીને ઘરના બધા લોકો આંગણામાં આવીને બેઠા. અને વાતોએ વળગ્યાં.

આ તરફ જૂનાગઢમાં ગ્રંથનો આજનો દિવસ પણ એ જ વિચારમાં વીત્યો કે ભૂમિજા આમ અચાનક કેમ ખોડલ ધામ આવવાની હશે!! ગ્રંથ જ્યારે ઘરે આવ્યો ત્યારે ગરિમા બહેન અને ગૌરાંગ ભાઈ એની રાહ જોઈને જ બેઠા હોય છે. ગ્રંથ આવ્યો એટલે તરત જ ગૌરાંગ ભાઈએ એણે પૂછ્યું, " શું થયું છે તને??"

"કઈ નઈ પપ્પા!!" ગ્રંથે વાત છુપાવતા જણાવ્યું.

"કઈ નઈ વાળા!! હું તારો બાપ છું. તારો ચહેરો સાફ કહી આપે છે કે કઈક તો થયું છે!! ચાલ!! હવે કહી દે જે થયું હોય એ. જેથી કરીને એનું સોલ્યુશન નીકળે." ગૌરાંગ ભાઈએ એક બાપની અદાથી ગ્રંથને કહ્યું.

કઈ પણ સંતાડવાનો હવે કઈ મતલબ નથી એમ સમજીને ગ્રંથે બધી વાત એના મમ્મી પપ્પાને જણાવી દીધી. વાત જાણ્યા પછી ગૌરાંગ ભાઈ જ બોલ્યા, "બસ આટલી જ વાત!! અને આવી નાનકડી વાતમાં તું પહાડ જેવું ટેન્શન લઈને ફરે છે!!"

"પપ્પા!! આ તમને નાની વાત લાગે છે?? ભૂમિજા આવતીકાલે સવારે ખોડલધામ આવવાના છે અને એ પણ એમના પરિવાર સાથે. અને મને તો એ જ નથી ખબર પડતી કે એમને મને આ વાત કેમ કહી??" ગ્રંથે પોતાના મનની મૂંઝવણ જણાવતા કહ્યું.

"કારણકે એ ઈચ્છે છે કે તું એના પરિવારને મળે!!" ગરિમા બહેને ગ્રંથની વાતનું સોલ્યુશન આપતા કહ્યું.

"મતલબ??" ગ્રંથને કઈ જ સમજ ના પડી એટલે એણે એની મમ્મીને પૂછ્યું.

"મતલબ એમ કે આવતી કાલે આપને પણ ખોડલધામ જઈશું. અને ભૂમિજાના પરિવારને મળીશું. એ લોકોની પાસે પરંપરાગત રીતે ભૂમિજાનો હાથ માંગીશું તારા માટે!!" ગૌરાંગ ભાઈએ ગ્રંથને સમજાવતા કહ્યું.

"પણ પપ્પા!! આમ અચાનક?? હજુ તો ભૂમિજાએ હાં પણ નથી પાડી!! અને જ્યાં સુધી એ હાં નહી કહે, ત્યાં સુધી હું કે તમે એના પરિવાર સાથે આ બાબતે કોઈ જ વાત નહી કરીએ." ગ્રંથે પોતાનો આખરી નિર્ણય જણાવ્યો.

"તું છે ને ડોબો હતો ને ડોબો જ રહેવાનો!! ભૂમિજા જ એવું ઈચ્છે છે કે તું એના પરિવારને મળે. એણે ઈનડીરેક્ટ્લિ તને હા જ પાડી છે!!" ગરિમા બહેને ગ્રંથને સમજાવતા કહ્યું.

"સાચ્ચે મમ્મી!! તો તો પછી હવે મુહર્ત જોવડાવી જ દો તમે લોકો!!" ગ્રંથે ઉત્સાહથી એના મમ્મી સાથે ડાન્સ કરતા એના પપ્પાને કહ્યું.

રાત્રે સૂતા પહેલા ગ્રંથે તેજસને ફોન કરીને કહી દીધું કે એણે પણ આવતીકાલે એ લોકોની સાથે ખોડલધામ આવવાનું છે.

(( બીજે દિવસે સવારે ))

ગ્રંથ અને ભૂમિજા બંને પોતાના પરિવાર સાથે ખોડલ ધામ જવા નીકળે છે. બંનેના મનમાં ખુશી તો છે જ પરંતુ સાથે સાથે ડર પણ છે. ગ્રંથને એ વાતનો ડર છે કે ભૂમિજાના પરિવારનો જવાબ શું હશે!! અને ભૂમિજાને ડર એ વાતનો છે કે એણે આપેલો ઈશારો ગ્રંથ સમજી પણ શક્યો હશે કે નહી!!

પોતાના મનની શંકા દૂર કરવા માટે ભૂમિજાએ ગ્રંથને મેસેજ કર્યો, "હું રસ્તામાં છું. 10 વાગ્યાની આસપાસ ખોડલધામ પહોંચી જઈશ. તમે ક્યાં છો?? અને તમે આવવાના છો ને??"

છેલ્લા બે દિવસથી એ પોતે ભૂમિજાના કારણે બહુ જ હેરાન થયો હોય છે અને એટલે જ મેસેજ વાંચ્યા પછી પણ ગ્રંથે ભૂમિજાને કોઈ રિપ્લાય ના આપ્યો. ગ્રંથનો કોઇ રિપ્લાય ના આવ્યો એટલે ભૂમિજાનું ટેન્શન વધી ગયું.

ખોડલધામ જૂનાગઢથી બહુ દૂર નથી એટલે ગ્રંથની ફેમિલી તો જલ્દીથી પહોંચી જાય છે. એ લોકો દર્શન કરીને બહાર મંદિરના પ્રાંગણમાં બેસે છે ભૂમિજા અને એના પરિવારની રાહ જોતા જોતા!!

10 વાગવા માં 5 મિનિટ બાકી હોય છે ત્યારે જ ભૂમિજા અને એનું ફેમિલી ખોડલધામ પહોંચે છે. ગ્રંથ તરત જ ભૂમિજાને જોઈ લે છે. અને એના મમ્મી પપ્પાને પણ જણાવે છે.


જ્યાં જ્યાં નજર મારી ઠરે!!
ત્યાં ત્યાં મને તું મળે!!


આજે બે મહિના પછી ગ્રંથ ભૂમિજાને જોઈ રહ્યો હોય છે. એટલે એની નજર એની પરથી હટતી જ નથી. તેજસનું ધ્યાન ગ્રંથ પર જાય છે એટલે તરત જ એ ગ્રંથના હાથ પર એકદમ નાની ચિમટી ભરે છે.

ભૂમિજાનો પરિવાર પણ આઈ ખોડલના દર્શન કરીને બહાર આવે છે. ત્યાં રાદડિયા પરિવાર પહેલેથી જ એમની રાહ જોઈને બેઠો હોય છે.

ભૂમિજાને જોતા જ ગરિમા બહેન એણે પાછળથી બૂમ પાડે છે, "કેમ છે ભૂમિજા દીકરા!!"

આમ અચાનક કોઈએ એણે બૂમ પાડી એટલે ભૂમિજા ચોંકી ગઈ. એણે પાછળ ફરીને જોયું તો બૂમ પાડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગરિમા બહેન હોય છે એ જોઈ ભૂમિજા તરત જ એમની પાસે ગઈ. જઈને તરત જ એ ગરિમા બહેને તથા ગૌરાંગ ભાઈને પગે લાગી. તેજસને હાય કહ્યું તથા ગ્રંથ સામે જોઇને એક હલકી સી મુસ્કાન કરી.

પોતાની દીકરીને આમ અજાણ્યા મલકમાં કોઈ સાથે વાત કરતી જોઈ પટેલ પરિવારને પણ આશ્ચર્ય થયું. એટલે બધા લોકો ભૂમિજા પાસે આવ્યા. પરિવારમાંથી કોઈ કઈ પૂછે એ પહેલા જ ભૂમિજાએ પટેલ પરિવારની ઓળખાણ રાદડિયા પરિવાર સાથે તથા રાદડિયા પરિવારની ઓળખાણ પટેલ પરિવાર સાથે કરાવી.

"ભૂમિજા દીકરા!! If you don't mind, પણ મારે તારા ઘરના વડીલો સાથે થોડીક વાત કરવી છે." ગૌરાંગ ભાઈએ ભૂમિજાની અનુમતિ માંગતા પૂછ્યું.

"અરે અંકલ!! તમારે જે વાત કરવી હોય એ કરો. એમાં તમારે મને પૂછવાની જરૂર નથી. તમે બધા વડીલો શાંતિથી વાત કરો. અમે લોકો થોડીક લટાર મારતાં આવીએ ત્યાં સુધી!!" ભૂમિજાએ ગૌરાંગ ભાઈની વાતમાં પોતાની સહમતી પુરાવતા જણાવ્યું.

બધા બાળકોના ગયા પછી ગૌરાંગભાઈએ વાતની શરૂઆત કરી. "ભાવિન ભાઈ!! હું ફેરવી ફેરવીને વાત કરવામાં નથી માનતો. એટલે સીધો જ મુદ્દા પર આવું છું. આજથી 2 મહિના પહેલા જ્યારે તમારી દીકરી ભૂમિજા જૂનાગઢ આવી હતી તેજસની સગાઈમાં, ત્યારે અમે લોકોએ એણે જોઈ. અમારો દીકરો ગ્રંથ જ્યારે એણે અમારા ઘરે લઈને આવ્યો ત્યારે અમે એણે સમજી. ત્રણ ચાર કલાક જેટલું અમારા ઘરે રોકાઈ. પરંતુ અમને જરાક પણ એવું ના લાગ્યું કે આજે અમે એણે પહેલી વાર મળ્યા!! પોતાના પરિવારથી દૂર રહીને પણ જે છોકરી પોતાની મર્યાદાને ના ભૂલે એ જ છોકરી મારા ઘરની વહુ બનશે, એ વાત મે અને મારી પત્નીએ એ જ દિવસે નક્કી કરી લીધી હતી. ટુંકમાં કહું તો હું મારા મોટા દીકરા ગ્રંથ માટે તમારી દીકરી ભૂમિજાનો હાથ માંગુ છું."

"પણ અમે લોકો તમારા વિશે કઈ જાણતા નથી, તમારા દીકરા વિશે કાઈ જાણતા નથી. તો પછી એમ કેમ અમે અમારી દીકરી તમને આપી દઈએ!!" ભાવિન ભાઈએ ગૌરાંગ ભાઈની વાતને નકારતા કહ્યું.

"એક મિનિટ ભાવિન!! આપને નથી જાણતા. પરંતુ ભૂમિજા તો જાણે જ છે ને!!" ભગીરથ ભાઈએ ગૌરાંગ ભાઈના સમર્થનમાં કહ્યું.

"પણ મોટાભાઈ!! આમ અચાનક. કઈ પણ જાણ્યા વિના જ આપણે આપણી દીકરી કોઈને પણ કેમ આપી દઈએ!! છોકરો શું કરે છે?? કેવો છે?? પરિવાર કેવું છે?? એવું કઈ જ નથી જાણતા આપણે!!" ભાવિન ભાઈએ પોતાના મનની શંકા વ્યક્ત કરતા કહ્યું.

"જો તમારા દરેક સવાલોના જવાબ હું આપુ ભાવિન ભાઈ. મારા દીકરો ખેતી કરે છે. હું પોતે ક્લાસ વન ઓફિસર છું. હજુ કઈ જાણવું હોય તો આ લો મારું કાર્ડ!! આમાં મારું એડ્રેસ છે." પોતાનું વિઝિટીન્ગ કાર્ડ ભાવિન ભાઈ તરફ ધરતા ગૌરાંગ ભાઈએ કહ્યું.

"અરે ગૌરાંગ ભાઈ!! એવું કરવાની કોઈ જરૂર નથી. અમને અમારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. એ ક્યારેય કોઈ સામાન્ય વ્યક્તિને પોતાની નજીક પણ ના આવવા દે, મિત્ર બનાવવાની વાત તો બહુ દૂરની રહી!!" ભગીરથ ભાઈએ ગૌરાંગ ભાઈનું માન જાળવતા જણાવ્યું.

"તમે લોકો એક કામ કરોને!! જૂનાગઢ અહીંથી વધારે દૂર નથી. તો તમે લોકો પણ અમારી સાથે અમારા ઘરે ચાલો. એ બહાને અમારું ઘર પણ જોઈ લેશો અને તમારા મનમાં જો કોઈ શંકા હોય તો એનું સમાધાન પણ તમને ત્યાં જ મળી જશે." ગરિમા બહેને આ સંબંધ આજે જ પાકો થઈ જાય એ હેતુથી પટેલ પરિવારને આમંત્રણ આપતા કહ્યું.

"પરંતુ આમ અચાનક અમે લોકો તમારા ઘરે કેવી રીતે આવી શકીએ ગરિમા બહેન??" ભારતી બહેને ગરિમા બહેનને પ્રશ્ન પૂછતા કહ્યું.

"અરે એમ કેમ એટલે!! ભલે બંને બાળકોના લગ્ન માટે હા નથી પાડી તમે લોકોએ. પરંતુ ગ્રંથ અને ભૂમિજા એ બન્ને એકબીજાના સારા મિત્રો તો છે જ ને!!" ગરિમા બહેને ભારતી બહેન તેમજ અન્ય લોકોની મુંઝવણ દૂર કરતા કહ્યું.

"ઠીક છે. કદાચ આઈ ખોડલ આવું જ કઈક ઈચ્છતી હશે!! તો પછી બાળકોને પણ બોલાવી જ લઈએ!!" ભક્તિ બહેન બોલ્યા. અને તરત જ એમને ભર્ગને ફોન કરીને કહ્યું કે બધા લોકોને લઈને આવવા જણાવ્યું.

બધા બાળકો આવી ગયા એટલે ભગીરથ ભાઈએ બધાને ગૌરાંગ ભાઈના ઘરે જવાનું છે એમ જણાવ્યું. ઘરના વડીલોએ કોઈ નિર્ણય લીધો છે તો એમાં કઈક તો તથ્ય હશે જ!! એમ વિચારી કોઈએ કઈ પણ સવાલ ના કર્યો. અને ચૂપચાપ ગાડીમાં બેસી ગયા. વડીલો એક ગાડીમાં અને બાળકો બીજી ગાડીમાં એવી રીતે પટેલ પરિવાર એમની ગાડીમાં ગોઠવાઈ ગયો. પરંતુ ભગીરથ ભાઈએ ભ્રમિતને છોકરાઓ વાળી ગાડીમાં મોકલીને ભૂમિજાને એમની ગાડીમાં આવવા કહ્યું. વડીલો વાળી ગાડીમાં ભૂમિજા સિવાય અન્ય કોઈને ગાડી ચલાવતા આવડતું નહોતું એટલે ભૂમિજાએ જ ડ્રાઈવ કરવું પડ્યું.

ગાડીઓ ખોડલ ધામની બહાર નીકળી એટલે ભગીરથ ભાઈએ જ ધીમે રહીને વાતની શરૂઆત કરી, "ભૂમિજા બેટા!! તું અને ગ્રંથ ખાલી મિત્રો જ છે કે પછી!!!!"

મોટા પપ્પા શું જાણવા માંગે છે એ વાત ભૂમિજાને બરાબર સમજાઈ ગઈ. એટલે એણે જવાબ આપતા કહ્યું, "ખાલી મિત્રો જ છીએ અમે બંને."

"જો હું કહું કે અમે લોકોએ ગ્રંથને પસંદ કર્યો છે તારા માટે તો??" ભગીરથ ભાઈએ વાતને આગળ વધારતા પૂછ્યું.

પોતાની ગેરહાજરીમાં ગૌરાંગ અંકલે એની અને ગ્રંથના લગ્નની વાત કરી છે પોતાના પરિવાર સાથે એ વાત પણ ભૂમિજાને સમજતા વાર ના લાગી. "પણ મોટા પપ્પા!! અમે બંને ખાલી મિત્રો છીએ."

ભગીરથ ભાઈ વધારે કાઈ પૂછે એ પહેલા જ ભાવિન ભાઈ બોલી ઉઠ્યા, "મોટા ભાઈ!! તમે કેમ આમ એ છોકરા સાથે ભૂમિજાના લગ્ન માટે માની ગયા?? તમે કેમ સમજતા નથી કે ગ્રંથ અને ભૂમિજા નો કોઈ મેળ છે જ નહી!! આપણી દીકરી એન્જિનિયર છે. અને છોકરો ખેતી કરે છે. ભૂમિજા એ ઘેર ખુશ કેવી રીતે રહેશે??"

ભગીરથ ભાઈના બોલતા પહેલા જ ભૂમિજા એના પપ્પાને કહે છે, "પપ્પા તમે આવું વિચારો છો!! મને વિશ્વાસ નથી થતો. તમે એ ના ભૂલો કે તમે પોતે પણ એક ખેડૂત જ છો. અને રહી વાત ગ્રંથના એજ્યુકેશનની!! તો તમને જણાવી દઉં કે જૂનાગઢ એગ્રિકલચર યુનિવર્સિટીમાંથી એમને એગ્રિકલચરમાં માસ્ટર્સ કર્યું છે. અને એક મિનિટ!! મમ્મી, બંને મોટા મમ્મી તથા બંને ભાભીઓ, તમે લોકો મને જણાવો. શું તમે લોકો ખુશ નથી આપણા પરિવારમાં??"

"તું કેમ આમ પૂછે છે દીકરા!!" ભારતી બહેને ભૂમિજાને પૂછ્યું.

"કારણકે પપ્પાનું એવું કેહવુ છે કે જો મારા લગ્ન એક એવા પરિવારમાં થયા કે જ્યાં છોકરો કોઈ નોકરી કે ધંધો નહી પરંતુ ખેતી કરતો હોય, તો હું એ પરિવારમાં ખુશ નહી રહી શકું!! હવે તમે લોકો જ મને મારા સવાલનો જવાબ આપો." ભૂમિજાએ એના ઘરની બધી સ્ત્રીઓ તરફ જોઈને પૂછ્યું.

"અમે બધા ખુશ છે એનો મતલબ એમ નથી કે તું પણ ખુશ જ રહીશ!! અમે લોકો તારા જેટલું ભણેલા નથી. એટલે અમને લોકોને ગામડામાં ફાવી ગયું. પણ તને નહી ફાવે!! તું પોતે પણ તો છેલ્લા 3-4 વર્ષથી સિટીમાં રહે છે ભૂમિજા!! એટલે હા પાડતા પહેલા એક વાર નહી પણ 100 વાર વિચારી લેજે દીકરા!!" ભક્તિ બહેને પોતાને પોતાની દીકરીની ચિંતા હોય એમ ચિંતાના સૂરમાં કહ્યું.

"એક મિનિટ મમ્મી!! હું 3-4 વર્ષથી જ શહેરમાં રહુ છું. પણ એની સામે છેલ્લા 20 વર્ષથી ગામડે જ રહેતી હતી એ તું કેમ ભૂલે છે!! અને એમ પણ માટે ક્યાં ગામડે રહેવાનું છે!! ગ્રંથ તો અહી જૂનાગઢ સિટીમાં રહે છે. એમને પોતે ખેતી કરવા માટે થઇને એક ફાર્મ હાઉસ લીધેલું છે. બીજી એક વાત કે મને એ વાતનો ગર્વ છે કે હું એક ખેડૂતની દીકરી છું. અને જો મારા લગ્ન ગ્રંથની સાથે થયા તો હું ગર્વથી કહી શકીશ કે મારા પિતાની જેમ જ મારા પતિ પણ ખેડૂત છે, જગતના તાત છે!! અને બીજી એક વાત ભ્રમિત ભાઈ અને ભૂમિત ભાઈ પણ તો ઘણું બધું ભણેલા છે, તેમ છતાં પણ તો એ બન્ને ખેતી કામ જ કરે છે ને!! ભર્ગ પણ તો C.A નું ભણેલો છે તેમ છતાં પણ પોતાની ઑફિસની સાથે સાથે પરિવારની ખેતીમાં મદદ કરે જ છે ને!! અને જો મને પણ 12માં ધોરણ પછી એગ્રીકલ્ચરમાં એડમીશન મળી ગયું હોત તો હું પણ ગ્રંથની જેમ જ ખેતી કરતી હોત!!" ભૂમિજાએ પોતાના પરિવારને પોતાનો પોઇન્ટ ઓફ વ્યુ સમજાવતા આત્મવિશ્વાસથી કહ્યું.

ભૂમિજાને આમ ગ્રંથનો પક્ષ લેતા સાંભળી ભગીરથ ભાઈ અને ભારતી બહેનને વિશ્વાસ થઈ ગયો કે એમની દીકરી પણ ગ્રંથને પસંદ કરે છે.

એટલે હવે વધારે કોઈ ચર્ચા કે બહેશ ના થાય એ હેતુથી ભગીરથ ભાઈએ પોતાના નાના ભાઈને પૂછ્યું, "ભાવિન!! જો હું ભૂમિજાના જીવનનો કોઈ નિર્ણય લઉં, તો તને મારા પર વિશ્વાસ છે ને કે હું યોગ્ય જ નિર્ણય લઈશ??"

"અરે મોટા ભાઈ!! એમાં કઈ પૂછવાનું જ ના હોય!! અમને સૌને તમે લીધેલા નિર્ણય પર પૂરો વિશ્વાસ છે. અને એમ પણ ભૂમિજા અમારા કરતા તમારા અને મોટા ભાભી સાથે વધારે રહી છે. એ અમારી વાત માને કે ન માને પણ તમારી વાત ચોક્કસથી માનશે જ!!" ભાવિન ભાઈને બદલે ભક્તિ બહેને જવાબ આપતા કહ્યું.

ત્યાર બાદ જ્યાં સુધી ગ્રંથનું ઘર ના આવ્યું ત્યાં સુધી કોઈ પણ કઈ પણ ના બોલ્યું. ગ્રંથનું ઘર આવી જતા બધા લોકો ગાડીમાંથી ઉતરીને ઘરમાં ગયા. ગર્વિત પહેલેથી જ ઘરમાં હાજર હતો એટલે ગરિમા બહેનનો ફોન આવતાની સાથેજ એણે બધી તૈયારીઓ કરી લીધી હતી.

ગરિમા બહેને બહુ જ આદરપૂર્વક પટેલ પરિવારનું સ્વાગત કર્યું. ગૌરાંગ ભાઈએ સૌને શાંતિથી બેસવા કહ્યું. ગરિમા બહેન બધા માટે પાણી લેવા રસોડામાં ગયા. એમને જતા જોઈ ભૂમિજા પણ એમની પાછળ પાછળ મદદ માટે ગઈ. ભગીરથ ભાઈએ ભુમિતને એક સાઈડ પર બોલાવીને એણે બહારથી જો શ્રીફળ મળે તો લઈ આવવા કહ્યું. મોટા પપ્પાએ કઈક કહ્યું છે એટલે એની પાછળ કોઈક કારણ જરૂર હશે એટલે કઈ પણ પૂછ્યા વિના જ એ બહાર નીકળી ગયો. પરંતુ જૂનાગઢ શહેર વિષે ભૂમિત કઈ જ ના જાણતો હોવાથી એણે ભૂમિજાને ફોન કરીને શ્રીફળ ક્યાં મળશે એના વિશે પૂછ્યું. ભૂમિજા એ "હું તેજસ ને મોકલું છું તમારી મદદ માટે!!" કહી ફોન કટ કરી નાખ્યો. અને ત્યારબાદ તેજસને ભૂમિતનો નંબર આપીને એણે ભૂમિત પાસે મોકલ્યો, એની મદદ માટે!!

તેજસ તરત જ ભૂમિત પાસે જઈને એની સાથે મળીને શ્રીફળ લઈ આવ્યો. ભૂમિતના આવતાની સાથે જ ભગીરથ ભાઈએ પૂરા રાદડિયા પરિવાર ને પોતાની સાથે બેસવા કહ્યું. બધા લોકો હૉલમાં આવ્યા એટલે ભગીરથ ભાઈએ પોતાની વાત શરુ કરી, " જુઓ ગૌરાંગ ભાઈ!! તમારી વાત સાંભળ્યા પછી અમે લોકો જ્યારે ખોડલ ધામથી અહી તમારા ઘરે આવવા નીકળ્યા, ત્યારે રસ્તામાં જ મે ભૂમિજાનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. જે રીતે ભૂમિજા ગ્રંથનો પક્ષ લઈને પોતાનો મત રજૂ કરતી હતી એ પરથી મને એટલું તો સમજાઈ ગયું કે અમારી દીકરીને આ લગ્નથી કોઈ વાંધો નથી. અને એટલે જ મે નક્કી કર્યું છે કે આજે જ્યારે અમે લોકો અહીં તમારા ઘરે આવ્યા જ છીએ તો ગ્રંથ દીકરા અહી આવ." ગ્રંથને પોતાની પાસે બોલાવીને એના હાથમાં શગુણનું શ્રીફળ અને સવા રુપિયો આપતા બોલ્યા, " આજથી આ ક્ષણથી જ તમારો દીકરો અમારો થયો અને અમારી દીકરી તમારી થઈ. રિતિરીવાજ પ્રમાણે સગાઈ પછીથી કરીશું. પણ અત્યારે આ શ્રીફળ અને સવા રુપિયો આપીને હું અમારા સમસ્ત પરિવાર વતી આ સંબંધને મંજૂરી આપુ છું."

ભૂમિજાના પરિવાર તરફથી મંજૂરી મળી જતા ગરિમા બહેન પણ રૂમમાં જઈને ચુંદડી લઈ આવ્યા અને ભૂમિજાને ઓઢાળી દીધી. બન્ને પરિવારે હસી ખુશીથી આ નવા સંબંધને મંજૂરી આપી દીધી એટલે ગ્રંથ અને ભૂમિજા બંને આનંદિત થઇ જાય છે. ગ્રંથ અને ભૂમિજા બન્ને વડીલોના આશીર્વાદ લે છે. અને ત્યારબાદ પોતાના પરિવારનો આભાર માને છે.

ગરિમા બહેન ભૂમિજા અને એના પરિવારની સ્ત્રીઓની મદદથી એકદમ મસ્ત અને ટેસ્ટફૂલ રસોઈ બનાવે છે. બધા જમી લે છે. ત્યારબાદ ભૂમિજા તેજસને પોતાનો મોબાઇલ આપીને એક ફેમિલી ફોટો ક્લિક કરવા કહે છે.

બધા લોકો ગોઠવાઈ જાય છે એટલે તેજસ બોલે છે, "સ્માઈલ પ્લીઝ!!"

(( અને આ સાથે જ શરૂઆત થઇ એક નવા અને અનોખા સંબંધની!! અને અંત થયો મારી નોવેલ "સંબંધોની માયાજાળ"નો. જે લોકોએ મારી આ નોવેલને વાંચી, પોતાના પ્રતિભાવ આપ્યા, એ સૌનો આભાર. પહેલી જ નોવેલ છે એટલે બની શકે કે ક્યાંક કઈક ભૂલ થઈ હોય!! પરંતુ હું મારી ભૂલોને સુધારીને બહુ જલદી એક નવી નવલકથા સાથે હાજર થઈશ. ત્યાં સુધી "Stay Home with lot's of Happyness." ☺️☺️☺️☺️ ))


(( Bhumija ))