"પાનખર-પ્રકૃતિનો વૈભવ"
*******************
સમયચક્ર તો ચાલતું રહછે નિયતીના નિયમ મુજબ.જેના લીધે આપણે દિવસ-રાત,માસ- વર્ષ અને ઋતુનો અનુભવ કરી શકીએ છીએ.
આંગણામાંના કેટલાક વૃક્ષો,વેલાઓએ પોતાના પાન ઘરના ઉંબર સુધી ખરતાં મેલીને પાનખરની પધરામણીનો સંદેશો મોકલ્યો છે...!આ ખરેલા પાંદડાં માંથી કેટલાક ચીમડાઈને કોડિયા જેવા બની ગયા છે. આ પર્ણ કોડિયામાં જ વાસંતી જ્યોત પ્રગટવાનો અંદેશો મળે છે....!!!
એટલે જ પાનખર એ વસંતની પહેલી શરત છે.
પાનખર હોય કે વસંત ...બને માં મહત્વ તો પાંદડાનું જ...!! પ્રકૃતિ પાનખરમાં પાંદડાંનો ખર્ણોત્સવ ઉજવે છે... ને વસંતમાં પર્ણોત્સવ....!!!!
સામાન્ય રીતે આપણે ફૂલોના ચાહક- ઉપાસક બન્યા છીએ...પણ સાથો સાથ પાંદડાં ના અપ્રતિમ સોંદર્યની જરાય અવહેલના થઈ શકે તેમ નથી.
ઉંબરા આગળ ઢગલો થઈને ખરેલા સુવર્ણપર્ણોની, તેનું ઐશ્વર્ય આજે અહીં મજબૂર કરે છે ...ફૂલો વિરૂદ્ધ પાંદડાની વકીલાત કરવા માટે...!!!!!!!
પાનખર પછી તરત જ છમમલીલી ચાદર બિછાવતા હોય તો તે છે કાચા- કુણા-પોપટીયાં રંગના પાંદડાં...!
વૃક્ષ પોતાની ડાળી માંથી પાંદડાં ખખેરે ના ખખરેને તરતજ દેખા દે છે કાચી કૂપણો...!! ને થોડા જ સમય માં આખું વનરાવન લીલોતરીથી લીપાઈ જાય છે..ખર્ણોત્સવમાંથી તરત જ પર્ણોત્સવ પાંગરે છે...ત્યારે પણ પ્રથમ તો ફૂલ કે ફળ નથી આવતા.. પાંદડાંનું જ સહુ પ્રથમ પગલું પડે છે...!
કોલેજીયન યુવતી હોય કે પછી લટકાળી લલના.. તેના કેશગુંફનમાં ખોસેલા ફૂલ સાથે બે-ત્રણ નાના નાજુક પાંદડાં તો જરૂરથી હોય છે... નહિ તો પાંદડાં વગરનું આ ફૂલ ....!!
ખેર...!
દુલહનના શણગારમાં ફૂલોનું મહત્વ ખૂબ જ છે તેની ના નહીં પણ દુલહનના હાથની મહેંદી ક્યાંથી આવી???? પાનમાંથી જ ને? વળી પોતે લીલું ને રંગ રાતો...!!!! છે ને પાંદડાંનો અલબેલો મહિમા??!!!!
...તો વળી હસ્તકલના હુન્નરોમાં ભરતગુથણ જેવી કલામાં ભમમરીયાળી ભાત ઉપસાવવામાં વેલ અને પાનનું મહત્વ અદકેરું છે.
ફૂલોના ગીતો ભલે ગવાતા હોય પણ લોકસાહિત્યમાં પાંદડાના ગીતો કાઈ ઓછા લોક જીભે નથી!!!!!
આજે આપણે અહીં પાનખરમાં પર્ણમહિમા ગાવાનું શરૂ કર્યું જ છે ત્યારે ધાર્મિક રીતે પાંદડાનું મહત્વ જરાય ઉતરતું નથી.
ભગવાન શંકરને ફૂલો ચડે તેની ના નહિ પણ જ્યાં સુધી બિલિપત્ર ના પાન ના ચડે ત્યાં સુધી ભોળીયો રીઝે??
પીપળાના વૃક્ષ નીચે બેઠેલા જટાળા જોગીને ઊંડી સમાધિ સુધી લઈ જવા માટે, પીપળાના પાનમાંથી ઉતપન્ન થતો પર્ણમર્મરનો મંદમંદ મધુર ધ્વનિ સહાયક બને છે.તો ઋષિમુનિઓ પોતાનું ભજન-સાધન પર્ણફૂટીમાં કરતા ફૂલ ફૂટી માં નહિ....!
અને હા .... શુભ પ્રસંગે ..માંગલિક અવસરે બારસાખ પર ફૂલોના હાર બંધાતા હશે, પણ જ્યાં સુધી આંબાના કે આસોપાલવના પાનના તોરણો ના બધાય ત્યાં સુધી મંગલ થાય? એ વાત જવા દયો... ભગવાનને થાળ ધરાવીએ તેમાં તુલસીપત્ર ના નાખીએ તો ભગવાન થાળ જમે????
અરે ભાઈ ગમે તેટલા સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે, પણ છેલ્લે પાન ખવડાવવામાં ના આવે તો ભોજનીયા અધુરા ગણાય કે નહીં?ક્યાંય સાંભળ્યું છે કે જમ્યા પછી ફૂલ ખાધા?????
અરે, આપણાં સ્વસ્થ આરોગ્ય માટે પણ બિચારા આ પાંદડા જ ચિંતા કરે છે. પોતાનો સમગ્ર જીવન રસ નિચોવીને ન્યોછાવર કરી દે છે. અરે ભાઈ તેમાં આશ્ચર્ય શાનું ?? આયુર્વેદમાં વિવિધ વનસ્પતિઓનાં પાંદડાના રસનું જ મહત્વ છે ને???
ઋતુચક્રમાં પાનખર ચાલી રહી છે ત્યારે પાન એ વૃક્ષના સમગ્ર અસ્તિત્વનું એક અંગ છે. પાંદડાં ના લીધે જ તો વૃક્ષ ઘટાટોપ લાગે છે...!પાંદડાનું ઐશ્વર્ય - પાંદડાનો વૈભવ જ સમગ્ર પ્રકૃતિને નયનરમ્ય બનાવે છે..! અરે, એમ કહેવાનું મન થાય કે પાંદડે પાંદડે પરમ તત્વના પુરાવા પ્રાપ્ત થાય છે....!!!! કારણકે દરેક પાંદડે પ્રભુના હસ્તાક્ષર હાથ લાગે છે...!!
..ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે જેના પર હરિના હસ્તાક્ષર છે તેવા પાંદડાંને - પર્યાવરણને પણ માણસજાત અભડાવી નાખે છે....!!કોઈ પ્રાકૃતિક સ્થળે , મંદિરના પટાંગણમાં વડ કે રબ્બર પ્લાન્ટના જાડા લીલા પાનમાં કોઈ પ્રેમી પંખીડા પોતાની સહી કોતરતાં હોય કે પોતાના નામ લખતા હોય ત્યારે હૈયું ચિરાઈ જાય છે...!!!
પાન એ તો દરેક વનસ્પતિ -વૃક્ષનું ઓળખપત્ર છે...આઈકાર્ડ છે.કોઈ કંદમૂળ વાળી વનસ્પતિ ની ઓળખ માત્ર તેના પાદડાંથી જ શક્ય બને છે...! દુર્લભ વનસ્પતિઓ તેના પર્ણો દ્વારા પોતાની ઓળખ છતી કરે છે.
રામાયણ જેવા મહાન ગ્રંથમાં પણ પર્ણ મહિમા અદભુત ગવાયો છે. મૂર્છિત લક્ષમણજી માટે હનુમાનજી ઔષધિ લેવા જાય છે, ત્યારે તે ઔષધિય વનસ્પતિના પાન જગારા મારે છે...ચમકે છે ને પોતાની ઓળખ છતી કરે છે.
પાન એ વૃક્ષના સમગ્ર અસ્તિત્વની ઓળખ છે. પાનખર એ પ્રકૃતિના વૈભવનો જ એક પ્રકાર જ છે...!!ભીડ ના આતંકમાંથી જ્યારે સીમાડાની નીરવ શાંતિ માણવા જઈએ ત્યારે પગરવની સાથોસાથ સુકાપર્ણોના ખખડાટ નો નાદ પણ શ્વાસમાં ભરી લઈએ. ચૂપ ચાપ કોઈ વૃક્ષ નીચે ઉભા રહીને માથા પર પડતા સુવર્ણપર્ણોનો વરસાદ માણી લઈએ...!
આવા મોંઘેરા પાનને જ્યારે ખરવાની ઋતુ બેઠી છે ત્યારે ઋતુ ચક્રની આ પાનખર સાથે જીવન ચક્રની ઋતુ પણ સમજી લઈએ...!
કોઈ આપણને ખખેરે તે પહેલાં ખરે સમયે સ્વેચ્છાએ સમગ્રતા થી ખરી જવાનો સઁદેશ આ પાનખર આપે છે.
જીવનના ખોટા વળગણો, ખોટી માયાને ખરે સમયે જ ખખેરીને નિજમાં સ્થિર થવાનો ઊંચો આધ્યાત્મિક સઁદેશ આ પાનખરમાંથી પ્રાપ્ત થાય છે. કહેવાની જરૂર નથી કે હાલની કોરોનાની વૈશ્વિક મહામારી એ આ સઁદેશ આપી દીધો છે..
........પર્ણોના આ ખરણોત્સવ વેળાએ એટલું જ કેવાનું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આ ઝડપી યુગમાં માનવીના નસીબ આડે પાંદડું ભલે ખસી ગયું હોય પણ આ પાંદડાં- પર્યાવરણના નસીબ આડે આજે માનવી આડો આવી ને ઉભો છે...તેનું શું??????
પર્યાવરણને આપણે સહુ એ જેટલી જફા પહોંચાડી છે તેનો હવે અંદાજ કાઢવો પણ મુશ્કેલ છે...એ જફા નો રેલો આપણા જ પગ પાસે પહોંચ્યો છે...ને જીવસૃષ્ટિના અનેક પ્રકારના જોખમો ઉભા થયા છે..ત્યારે આપણે સહુ આજે પર્યાવરણનું જતન કરવાની નેમ લઇએ અને પાનખરના પર્ણોનો ખરણોત્સવ ઉજવીયે..તો જ આપણે સહુ પૃથ્વી વાસીઓ ખરા અર્થમાં બે પાંદડે થઈશું.....!
સી.ડી.કરમશીયાણી
------------------------
9426243122