તારી એક ઝલક
ઝલકને કેયુર સાથે શું બન્યું, એ જાણવાં માટે એક રસ્તો મળી ગયો હતો. પણ,એ રસ્તે ચાલવું થોડુંક અઘરું હતું. કેમકે,માનવ બધાંથી અલગ છોકરો હતો.
ભાગ-૧૬
તન્વી અને કૃણાલ ઉપરકોટ કિલ્લાનો ઢળતો સૂર્ય જોઈ રહ્યાં હતાં. એ ઢળતા સૂર્યની કેસરી લાલીમા વાતાવરણને ખૂબ જ સુંદર બનાવી રહી હતી. ચારે તરફ છવાયેલી લીલોતરી જોયાં પછી સંધ્યા સમયની કેસરી લાલીમા જોવી, આંખોને ટાઢક વળે, એવું દ્રશ્ય હોય છે.
સૂરજ ઢળતાં જ અંધારું થવા લાગ્યું. તન્વી ઉભી થઈને ચાલવા લાગી. કૃણાલ પણ તેની પાછળ પાછળ ગયો. ઉપરકોટ કિલ્લાની બહાર આવતાં જ જૂનાગઢની સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ તન્વીના ચહેરા પર પડ્યો. આખું જૂનાગઢ એ સ્ટ્રીટ લાઈટોથી ઝળહળી રહ્યું હતું.
કૃણાલ અચાનક જ તન્વીની સામે જઈને ઉભો રહી ગયો. તન્વી કૃણાલની સામે જોવાં લાગી. કૃણાલ પણ તન્વીની આંખોમાં જોવાં લાગ્યો. તન્વીની આંખોમાં જોતાં જોતાં કૃણાલ સંપૂર્ણપણે તેની આંખોમાં ડૂબી ગયો.
"આઈ લવ યૂ.... તન્વી" કૃણાલે એકાએક જ તન્વીને ભેટીને કહ્યું.
કૃણાલની એવી હરકત પછી તન્વી કાંઈ વિચારવા સક્ષમ જ નાં રહી. તે કૃણાલની તરફ એક અલગ જ પ્રકારનું આકર્ષણ અનુભવી રહી હતી. તન્વી કોઈ પણ કાળે કૃણાલથી અલગ થવા નહોતી માંગતી. તન્વી થોડીવાર સુધી એમનેમ જ ઉભી રહી. પણ, કૃણાલ જેવો તન્વીથી અલગ થવા ગયો. એવાં જ તન્વીએ તેની ફરતે પોતાનાં હાથ વીંટાળી કૃણાલને પોતાની બાહોમાં સમાવી લીધો.
કૃણાલ તન્વીની એ હરકતથી ખુશ થયો. બે મિનિટ પહેલાં તેને પોતાની હરકત પર જે પસ્તાવો હતો. એ હવામાં ઉડી ગયો.
ઝલક અને માનવ બંને અમદાવાદમાં કોલેજ નજીકનાં કાફેમાં બેઠાં હતાં. ઝલક કેયુર સાથે શું થયું. એ જાણવાં ઉતાવળી થતી હતી. પણ,માનવ સીધી વાત કરી જ નહોતો રહ્યો.
"માનવ, તું વાતોને ગોળ ગોળ ફેરવવાને બદલે કોઈ બીજી વાત કરીશ?? કોલેજ બંધ થતાં હું તારાં કહેવાથી અહીં આવી. પણ, તું છે કે કાંઈ જણાવતો જ નથી." ઝલકે થોડો ગુસ્સે કરીને કહ્યું.
"તારો ભાઈ મોનાલીસાને પસંદ કરતો હતો. પોતાનાં મિત્રોના કહેવાથી એ મોનાલીસાને આખી કોલેજ સામે પ્રપોઝ કરવા ગયો. પણ, મોનાલીસાએ તેને આખી કોલેજ સામે નાં કહેવાનું કહી દીધું.
કેયુર ત્યારે કાંઈ પણ બોલ્યાં વગર કોલેજેથી જતો રહ્યો. પણ, મોનાલીસા માટે એટલું કાફી નહોતું. તેણે કોલેજની વેલકમ પાર્ટીનાં દિવસે કેયુરને દારુ પીવડાવી, પોતાની સાથે જબરદસ્તી કરવાનો આરોપ લગાવી, ફરી એકવાર બધાં સામે બદનામ કર્યો." માનવે થોડી ગંભીરતાથી બધી વાત કરી.
ઝલક હકીકત સાંભળીને દંગ રહી ગઈ. પણ,તેને વધું આઘાત નાં લાગ્યો. કેમકે, ઝલક મોનાલીસાને પહેલીવાર જોયાં પછી જ એને સારી રીતે ઓળખી ગઈ હતી. એમાં તેણે કેયુર સાથે જે કર્યું, એ કાંઈ નવી વાત નહોતી.
"મોનાલીસાને તેની ભૂલનો અહેસાસ કરાવવો છે. તું એમાં મારો સાથ આપીશ??" ઝલકે માનવને પૂછ્યું.
"એ કામ તો મેં ઘણાં સમય પહેલાંથી જ શરૂ કરી દીધું છે." માનવે કોફીનો એક ઘૂંટ ભરીને કહ્યું.
"મતલબ??" ઝલકે પૂછ્યું.
"મોનાલીસા અત્યારે મારાં પ્રેમમાં છે. હવે હું તેને શીખવાડીશ, કે બધાંની સામે બદનામ થવું કોને કહેવાય..!!" માનવે આંખોમાં બદલાની આગ સાથે કહ્યું.
"તું જે કરે એનો મને કોઈ વાંધો નથી. પણ, મોનાલીસાની ઈજ્જત સાથે કોઈ ખિલવાડ નાં થવી જોઈએ. એ એક છોકરી છે. તે વાતનો જ તેણે ફાયદો ઉઠાવ્યો હતો. પણ,આપણે એવું કરવાનું નથી.
મોનાલીસાએ જે કાંઈ કર્યું. એ તેની નાદાની હતી. પણ,આપણે સમજદારીથી કામ લેવાનું છે. તેની બદનામી પણ નાં થાય, ને આપણું કામ પણ થઈ જાય. એ રીતે પ્લાન બનાવવાનો છે." ઝલકે કહ્યું.
ઝલકની વાત સાંભળીને માનવ કંઈક વિચારવા લાગ્યો. એક-બે મિનિટ પછી તે અચાનક જ હસવા લાગ્યો.
"કેમ અચાનક હસે છે??" ઝલકે પૂછ્યું.
"એક જોરદાર પ્લાન છે. કામ કાલથી જ ચાલું કરીશું." માનવે કહ્યું.
માનવ પ્લાન કહ્યાં વગર જ કાફેનો દરવાજો ખોલીને જતો રહ્યો. ઝલક પણ થોડો વિચાર કરીને ઘરે જતી રહી. માનવ શું કરવાનો હતો. એ વિશે ઝલક જાણતી નહોતી. છતાંય કેયુરની મદદ કરી શકે એવું કોઈ હતું. એ વાતથી ઝલકને શાંતિ મળી.
ઝલક ઘરે આવીને કેયુર પાસે જઈને બેઠી. કેયુરની હાલતમાં ઘણો સુધારો આવી રહ્યો હતો. કેયુર હવે ઝલક સાથે થોડીઘણી વાતો પણ કરી લેતો. ઝલક કેયુરને થોડાં ફ્રુટસ્ ખવડાવી, તેને દવા આપીને, બહાર હોલમાં આવીને બેઠી.
"કેયુરની આવી હાલતનુ જવાબદાર કોણ છે, એ વિશે ખબર પડી??" રામજીકાકાએ આવીને પૂછ્યું.
"હાં, એક છોકરી વિશે થોડી જાણકારી મળી તો છે. પણ,હવે તેણે જ એ બધું કર્યું છે. એ તેનાં જ મોંઢે સાંભળવાં એક પ્લાનની જરૂર છે. જેમાં કોઈ મારી મદદ કરી રહ્યું છે." ઝલકે કહ્યું.
ઝલકની વાત સાંભળીને રામજીકાકા ખુશ થયાં. પણ,ઝલકે આખી વાત રામજીકાકાને નાં જણાવી, કે કોણ તેની મદદ કરી રહ્યું છે. રામજીકાકા બધી વાત સાંભળીને પોતાનું કામ કરવાં લાગ્યાં. રાતે રામજીકાકા કેયુરના રૂમમાં જઈને સૂઈ ગયાં. પછી ઝલક ફરી તેજસની ડાયરી લઈને બેઠી.
૧ ફેબ્રુઆરી, ૨૦૧૫
આજ નવાં મહિનાની શરૂઆત થઈ. આ મહિનો આખો જલ્સા કરવાનો જ છે. કેમ કે,આ મહિનામાં વેલેન્ટાઇન ડે આવે છે. મતલબ, આખો મહિનો બસ પ્રેમ જ પ્રેમ...પણ,મને આ શબ્દથી કાંઈ ખાસ લગાવ નથી. જે લોકોનાં જીવનમાં તેની પાર્ટનર હશે. એ છોકરાંઓ માટે આ મહિનો ખુશનુમા સાબિત થવાનો છે.
આજનાં દિવસમાં કાંઈ ખાસ થયું નથી. કોલેજમાં બધાનાં મોંઢે વેલેન્ટાઈન ડેની તૈયારીઓ વિશે સાંભળી સાંભળીને જ આખો દિવસ પસાર થયો. આજ તો મોબાઈલ પણ હાથમાં લેવાની ઈચ્છા નથી થતી. કોઈ પણ એપ ખોલો...રોઝ ડે, આટલી તારીએ...ટેડી ડે, આટલી તારીએ...બસ એવાં જ મેસેજીસ અને પોસ્ટ્સ જોવાં મળે છે. લોકો આ મહિનામાં સાવ પાગલ બની જાય છે. એ વાત તો પાક્કી જ છે.
મહિનાની શરૂઆતમાં તો બધાં બહું ખુશ હોય છે. પણ, જ્યારે મહિનાનો અંત થાય, ત્યારે ઘણું બધું બદલાઈ ગયું હોય છે. જે લોકો શરૂઆતમાં ખુશ હોય એનાં ૫૦% લોકો જ મહિનાનાં અંતે ખુશ રહે છે. કેમ કે, જે લોકોને તેનો પ્રેમ નાં મળ્યો હોય, એ બિચારા કેમના ખુશ રહે....!?
મારી પાસે તો આ બધી વસ્તુઓનો સમય જ નથી. મેં તો કોલેજ પૂરી થાય, ત્યાં સુધી આ બધાંથી દૂર રહેવાનું જ વિચારી લીધું છે.
હું તો વેલેન્ટાઇન ડેના દિવસે પણ મારી સિગારેટ સાથે જ રહેવાનો છું. હાલ તો મારો પ્રેમ એ જ છે. વ્યસની હોવામાં કોઈ વાંધો નથી. હાં, હું વ્યસની છું. પણ,મને કોઈનાં દિલ સાથે રમત રમતાં આવડતું નથી. એ મારી સારી આદત પણ છે.
આજ એક મિત્રએ કહ્યું, કે તું પણ આ વેલેન્ટાઈન ડેના દિવસે કોઈ સારી છોકરીને પ્રપોઝ કરી દેજે. પણ,સારી એટલે કેવી સારી છોકરી...? મનથી સારી કે તનથી...? આ કોઈએ એ નાં કહ્યું. આપણે પ્રેમ કરીએ છીએ. એવું માત્ર બીજાંને બતાવવા માટે કોઈનાં જીવન સાથે રમત થોડી રમી શકાય...!? પ્રેમ તો મનથી થાય...દિલથી થાય...તનથી કે ખુબસુરતીથી નાં થાય. પણ, એ સમજવું છે કોને...!?
મેં તો બધાંને જણાવી દીધું, કે મને આ બાબતે ફરી કોઈએ સલાહ નાં આપવી. પ્રેમ કરવાથી નાં થાય. એ તો તેની જાતે જ થઈ જાય. તો ખોટું એ ચક્કરોમાં શાં માટે પડવું. જ્યારે જે થવાનું હોય, એ થઈ જાય.
પ્રેમ પ્રત્યે વફાદાર છું, જીવન મારાં નિયમથી જીવું છું, બસ આમ જ એક વિચાર પર અટલ રહું છું.
પ્રિય ડાયરી...
ઝલક ડાયરી વાંચીને એક અલગ જ દુનિયામાં ખોવાઈ ગઈ. તેજસ જેવો બનવાનું નાટક કરતો હતો. એવો એ હતો નહીં. તે બધી છોકરીઓની ખૂબ જ રિસપેક્ટ કરતો. એ વાત ઝલક આજનાં લખાણ પરથી જાણી ગઈ હતી.
ઝલક ડાયરીનો આજનો પ્રસંગ વાંચીને એકલી એકલી જ હસી રહી હતી. રોજે તેજસના નવાં રૂપ જોવાં મળી રહ્યાં હતાં. તેજસે પોતાની આદત, વિચારો અને સપનું બધું જ સારી રીતે ડાયરીમાં વર્ણવ્યું હતું.
(ક્રમશઃ)