A glimpse of you - 12 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | તારી એક ઝલક - ૧૨

Featured Books
Categories
Share

તારી એક ઝલક - ૧૨

તારી એક ઝલક

ઝલકે કેયુરની કોલેજમાં ભણાવવાનો નિર્ણય લીધો. સાંજે જમીને ઝલક તેજસે આપેલી ડાયરી વાંચી રહી હતી.

ભાગ-૧૨

એક પ્રસંગ વાંચતા જ ઝલકના તેજસ પ્રત્યેનાં બધાં વિચારો બદલી ગયાં. ડાયરી લખનારો‌ તેજસ અને ઝલકની જે તેજસ સાથે મુલાકાત થઈ, એ તેજસના સ્વભાવ સાવ વિપરીત હતાં. ડાયરીનો તેજસ એડવોકેટ બનવા માંગતો હતો. જ્યારે હાલનો‌ તેજસ‌ ગુંડો બની ફરતો હતો. ૨૦૧૫ માં જે તેજસ ભણવા પ્રત્યે તકેદારી રાખતો, એ જ તેજસ ૨૦૧૮ માં સાવ અભણ જેવી ભાષા બોલી રહ્યો હતો.

ઝલક તેજસ વિશે જે જાણતી હતી, તેજસ એનાથી સાવ અલગ હતો. એ વાત ઝલકને તેજસની ડાયરીનો‌ એક પ્રસંગ વાંચતા જ ખબર પડી ગઈ હતી.

તેજસ લંડનની ટુ વ્હાઈટહોલ સીટી, વેસ્ટ મિનિસ્ટર માં આવેલી ધ રોયલ હોર્સગાર્ડસ્ હોટેલનાં રૂમમાં બેઠો હતો. અચાનક અહીં આવતી વખતે અહીં શું કરવાનું છે, એ વિશે તેજસે વિચાર જ કર્યો નહોતો. સતત બે દિવસથી તેજસે પોતાનો મોબાઈલ પણ બંધ રાખ્યો હતો. તેને ઝલક સાથે અને પોતાનાં પરિવાર સાથે વાત કરવાની ઈચ્છા હતી. પણ વાત કરીને કહેવું શું?? એ વિચાર આવતાં જ તેજસે પોતાનો મોબાઈલ બંધ જ રાખ્યો હતો.

બધાં મિત્રોને યાદ કરતાં કરતાં તેજસે બેડ પર લંબાવ્યું. પાંચેક મિનિટ થતાં જ હોટેલ રૂમનાં દરવાજે કોઈક આવ્યું. તેજસે ઉભાં થઈને દરવાજો ખોલ્યો. સામે હોટેલનાં સ્ટાફનો એક વ્યક્તિ ઉભો હતો. તેનાં હાથમાં એક પાર્સલ હતું. એ પાર્સલ તે તેજસને આપીને જતો રહ્યો. તેજસે દરવાજો બંધ કરી, એ પાર્સલ કાચની ટીપોય પર મુક્યું, ને પોતે એ ટીપોય સામે રહેલાં સોફા પર બેઠો. થોડીવાર આંખો બંધ કરી તેજસ સોફા પર બેસી રહ્યો.

"તેજસ તારે આજે જ લંડન જવાનું છે."

"પણ શાં માટે?? ને તમે કોણ છો??"

"હું તારાં પપ્પા જગજીવનભાઈનો પાક્કો મિત્ર છું. તારાં પપ્પા અને ઝલક એક મોટી મુસીબતમાં છે. તારે એ મુસીબત ભેંસાણ પહોંચે એ પહેલાં તેને લંડનમાં જ ખતમ કરી દેવાની છે."

"ખતમ!! મતલબ??"

"એ તને લંડન પહોંચતા ખબર પડી જાશે."

લંડન આવતી વખતે અનિકેતભાઈ સાથે થયેલી છેલ્લી વાત યાદ કરીને તેજસે ટીપોય પર પડેલું બોક્સ ખોલ્યું. એ બોક્સની અંદર એક મોબાઈલ હતો. એ મોબાઈલ ચાલું કરતાં જ તેજસને એક નંબર પરથી કોલ આવ્યો.

"તેજસ, હું અનિકેતભાઈ બોલું છું. હવે લંડન રહ્યાં સુધી તારે તારો જૂનો મોબાઈલ ચાલું કરવાનો નથી. આ મોબાઈલથી જ બધી વાતો કરવાની છે. તારાં પરિવાર કે કોઈ મિત્રો સાથે જ્યાં સુધી તું લંડન રહે, ત્યાં સુધી વાત કરવાની નથી. કાલ જાદવ પણ લંડન આવી જાશે."

અનિકેતભાઈએ બધી જાણકારી આપીને કોલ કટ કરી નાંખ્યો. લંડન કેટલો સમય રહેવું પડશે, એ વાતની તેજસને ખબર નહોતી. એવામાં હવે જાદવ પણ લંડન આવે છે, એ વાત સાંભળી તેજસને ખુશ થવું કે પરેશાન એ તેને ખુદને સમજાતું નહોતું.

અનેક વિચારોનું મગજ પર દબાણ વધતું જતું હતું. પણ હજું સુધી અહીં આવ્યાનો હેતુ એમ જ અકબંધ હતો. લંડન તેજસ‌ માટે સાવ નવી જગ્યા હતી. અહીં સેટલ થતાં તેને બહું સમય લાગશે, એ વાત તેજસ સારી રીતે જાણતો હતો. પણ પહેલાં અહીં કરવાનું શું છે, એ ખબર પડે તો પણ થોડો બોઝ હળવો થાય. પણ એ અનિકેતભાઈ નાં જણાવે ત્યાં સુધી તો શક્ય જ નહોતું.

થોડાં વિચારો કરી તેજસ હોટેલનાં ગાર્ડનમાં ગયો. હોટેલ તો બહું જ ભવ્ય અને સુંદર હતી જ!! સાથે તેનું ગાર્ડન પણ એટલું સુંદર હતું, કે કોઈ એકવાર ત્યાં બેસી જાય. પછી ત્યાંથી જવાનું મન જ નાં થાય. તેજસ ગાર્ડનમાં રાખેલ લાકડાની કોતરણીવાળી ખુરશી પર બેઠો. ત્યાં આવ્યાને પાંચેક મિનિટ જેવું થતાં જ હોટેલનાં સ્ટાફનો એક વ્યક્તિ આવીને તેજસની મનપસંદ આદુવાળી ચા તેજસના ટેબલ પર મૂકી ગયો. પોતાની મનપસંદ ચા જોઈને તેજસને થોડું આશ્ચર્ય થયું. ભેંસાણ થી દૂર, એ પણ લંડન જેવી વિશાળ જગ્યાએ હોટેલનાં સ્ટાફને કેવી રીતે ખબર પડી, કે તેજસને આદુવાળી ચા પસંદ છે!! તેજસ પાસે હાલ કોઈ સવાલના જવાબ નહોતાં. જ્યારથી પોતે લંડન આવ્યો, ત્યારથી એક પછી એક ઝટકા જ લાગતાં હતાં.

તેજસ એક જ ઘૂંટમાં ચાનો કપ ખાલી કરીને પોતાનાં રૂમમાં જતો‌ રહ્યો. રૂમમાં આવીને પણ તેજસને ક્યાંય ચેન નાં પડ્યું. વિચારોનાં લીધે મગજ ચકરાવે ચઢ્યું હતું.

ભેંસાણ તેજસના મિત્રો અને તેનો પરિવાર બસ એક જ વાત વિચારતો હતો. તેજસ પ્રોજેક્ટ માટે માન્યો કેવી રીતે?? જાદવ બધાં સામે ખોટું બોલીને લંડનની ફ્લાઈટમા બેસી ગયો હતો.

જગજીવનભાઈ હવે સ્વસ્થ થઈ ગયાં હતાં. તેની પાછળ બસ એક જ કારણ હતું. તેમણે આસુતોષભાઈ પાસેથી જાણી લીધું હતું, કે અનિકેતભાઈએ ખરેખર તેજસને કોઈ પ્રોજેક્ટ માટે મોકલ્યો છે કે નહીં!! જેમાં તેમને જાણવાં મળ્યું, કે અનિકેતભાઈ જે પ્રોજેક્ટની વાત કરતાં હતાં. એવો કોઈ પ્રોજેક્ટ છે જ નહીં. તેનો મતલબ સાફ હતો, કે તેજસ લંડન બીજાં કામ માટે ગયો છે. જગજીવનભાઈ એ કામ‌ વિશે સારી રીતે જાણતાં હતાં. સાથે-સાથે ખુશ પણ હતાં, કે તેજસ માત્ર તેમનાં માટે લંડન ગયો છે.

"તેજસને લંડન કેટલો સમય રહેવું પડશે?? મારો દીકરો ક્યારેય મારાથી આટલો દૂર નથી ગયો. તમે એકવાર તેને ફોન તો કરી જુઓ." જગજીવનભાઈ શાંત થઈ ગયાં. પણ બધી વાતોથી અજાણ જીવદયાબેનની ચિંતા હજું પણ એમને એમ જ હતી. તેમની માતા સહજ ચિંતા વારેવારે તેજસની યાદ અપાવી જ દેતી હતી.

"તેજસ કામ પતાવીને આવી જાશે. એમાં આટલી ચિંતા કરવા જેવું કાંઈ નથી. આમ પણ તેણે જીવનમાં પડતાં, અથડાતાં, તૂટતાં અને ફરી ઉભાં થઈને લડતાં બધું જ શીખી લીધું છે. તો તેને લંડન તો‌ શું, પાતાળલોકમાં પણ કોઈ નહીં હરાવી શકે."

"તમારો દિકરો‌ ખાલી મારપીટ કરી જાણે છે. વકીલ નથી છતાંય બધાંને ન્યાય અપાવી જાણે છે. પણ એ કાંઈ ભગવાન નથી, કે અમરત્વ લઈને આવ્યો નથી, કે પાતાળલોકમાં પણ જીતી જાય."

"અમરત્વ નાં હોય તો કાંઈ નહીં. વકીલ નાં હોય તો કાંઈ નહીં. તેને ભેંસાણ ની જેમ લંડનમાં પણ ન્યાય જ અપનાવવાનો છે. થોડું અઘરું છે, પણ અસંભવ નથી." જગજીવનભાઈ બધી વાતો પોતાનાં મનમાં જ કરી રહ્યાં હતાં. જીવદયાબેન ક્યારનાં તેમની પાસે જવાબ સાંભળવાની આશાએ ઉભાં હતાં. પણ જગજીવનભાઈ એ વાત ભૂલી જ ગયાં.

"હવે જવાબ આપવાનું પણ મુહુર્ત કઢાવવું પડશે?"

"નહીં, મેં કહ્યું તો ખરું, કે કામ પૂરું થતાં એ આવી જાશે."

જીવદયાબેનની ચિંતાનો કોઈ અંત નહોતો. પણ હકીકત તેમને જણાવી શકાય એમ નહોતી. વર્ષોથી એક વાતનો બોજ જગજીવનભાઈ પોતાની છાતી પર લઈને બેઠાં હતાં. એ ખત્મ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. પણ એનો અંત શું આવશે, એ વાતથી પોતે પણ અજાણ હતાં. એવામાં જીવદયાબેનને કાંઈ પણ કહીને પરેશાન કરવા, એ વાત યોગ્ય નહોતી. બધું જેમ ચાલતું હતું, એમ ચાલવા દેવામાં જ બધાંની ભલાઈ હતી. એવું જગજીવનભાઈ વિચારતાં હતાં, ત્યાં જ તન્વી તેમનાં રૂમમાં આવી.

"આજે તું હોસ્પિટલે નથી ગઈ??"

"જાવ જ છું. બસ મમ્મીનું ધ્યાન રાખજો, એમ કહેવા આવી હતી."

"હાં.." જગજીવનભાઈ એકાક્ષરી જવાબ આપીને રૂમની બહાર નીકળી ગયાં. તન્વી ને એમનું એવું વર્તન અજીબ લાગ્યું. પણ તેજસની ચિંતામાં હશે, એમ સમજી તન્વી હોસ્પિટલે જવાં રવાનાં થઈ ગઈ.

અનિકેતભાઈ પોતાનાં જૂનાગઢનાં બંગલામાં બેસીને ફાઈલો ફંફોસી રહ્યા હતા. ઢગલાબંધ ફાઈલોની વચ્ચે એક ફાઈલ હાથમાં આવતાં જ તેમની આંખોમાં એક ચમક વ્યાપી ગઈ. 'ધ ઝેડ.એ. પ્રાઈવેટ લિમિટેડ' નામની લાલ કલરની ફાઈલ અનિકેતભાઈની આંખોની ચમકનુ કારણ હતી.

"હવે બધું મારાં હાથમાં છે. વર્ષો પહેલાં જે રમત ચાલું થઈ હતી. એનો અંત હવે નજીક છે." આનિકેતભાઈ એકલાં એકલાં બોલીને જ હસવા લાગ્યાં.

અનિકેતભાઈના બંગલામાં કામ કરતી સુલક્ષણા અનિકેતભાઈના એવાં વર્તનથી અચંબિત બની ગઈ હતી. તેણે તરત જ બધી વાતની માહિતી આપવા અનિકેતભાઈના પત્ની અનુપમાબેનને ફોન જોડ્યો.

"હાં બોલ સુલક્ષણા, શું કામ હતું??" લાલ કલરનુ નાઈટ ગાઉન, ખંભા સુધીનાં લાલ અને બ્લુ હાઈલાઈટ કરેલાં વિખરાયેલા વાળ, દૂધ કરતાં પણ મુલાયમ ત્વચા, એકદમ ગોરો વાન અને ભૂરી કીકીઓ વાળી આંખો ખોલીને, બેડ પર સૂતાં સૂતાં જ મોબાઈલ કાને રાખીને અનુપમાબેન તેમનાં મધુર અવાજમાં બોલ્યાં. પાંત્રીસ વર્ષની ઉંમર હોવાં છતાંય ત્રેવીસ વર્ષના દેખાતાં અનુપમાબેન સ્વભાવે એકદમ સરળ અને નિખાલસ હતાં. બધાં પ્રત્યે સારું વર્તન ધરાવતાં અનુપમાબેન નોકરો સાથે પણ પરિવારની જેમ વર્તતા. એટલે જ સુલક્ષણા તેમની સૌથી વધું નજીક હતી. બધી વાતો તેમની સાથે શેર કરતી.

"દીદી, આજે માલિક કંઈક અલગ રીતે જ વર્તે છે. એકલાં એકલાં બોલે છે, ને એકલાં એકલાં જ હસે છે."

સુલક્ષણાની વાત સાંભળી અનુપમાબેન જોરજોરથી હસવા લાગ્યાં. તેમનાં હસવાના અવાજથી સુલક્ષણાને વધું નવાઈ લાગી.

"હવે તમે કેમ હસો છો?? મેં કાંઈ આડા અવળું તો નથી પૂછી લીધું ને??"

"અરે નાં, એવું કાંઈ નથી. પણ તે જે કહ્યું એ પરથી લાગે છે, હવે વર્ષો જૂની ઈચ્છા પૂરી થવાની છે. તું બસ આવનારી ખુશીઓની રાહ જો."

સુલક્ષણાને અનુપમાબેનની કોઈ વાત સમજમાં નાં આવી. પોતે અનુપમાબેનને કાંઈ પૂછે એ પહેલાં તેમણે ફોન પણ કાંપી નાંખ્યો. સુલક્ષણા પણ વધું વિચાર્યા વગર પોતાનાં કામે વળગી ગઈ.


(ક્રમશઃ)