ઓહ માય ગોડ
‘‘પપ્પા, આ અન્ના હજારે કોણ છે?" સોફા પર, લૂંગી પહેરીને બેઠા-બેઠા સાંધ્ય દૈનિક વાંચી રહેલા પ્રફુલભાઈ પટેલના પગ પાસે જાજમ પર ઊંધા સૂતા-સૂતા ક્રોસવર્ડ પૂરી રહેલા અગિયાર વર્ષના અભિએ મોં ઊંચકી પપ્પા તરફ તાકતા પ્રશ્ન કર્યો. ત્યારે જ પત્ની માલતી ટ્રેમાં ચાનો કપ તથા કાચનો પાણી ભરેલો ગ્લાસ લઈ પ્રવેશી. છાપું વાંચવામાં ડૂબેલા પિતાએ જવાબ ન આપ્યો એટલે અભિમન્યુ ઊભો થઈ, છાપું લઈ પપ્પાની બાજુમાં સોફા પર ગોઠવાતાં બોલ્યો,
"પપ્પા! જવાબ આપો ને. આ અન્ના હજારે કોણ છે?"
માલતીએ ધરેલી ટ્રેમાંથી કાચનો ગ્લાસ ઊંચકી બે ઘૂંટ પાણી પી, ગ્લાસ પાછો ટ્રેમાં મૂકી, ગોઠણ પર પાથરેલું અખબાર વાળી, બાજુની ટીપોય પર મૂકી, પેલી ટ્રેમાંથી ચાનો કપ ઉઠાવતા, પત્ની સામે પ્રેમભરી નજર ફેંકી, પુત્ર તરફ મોં કરી પ્રફુલ પટેલ બોલ્યા, "એ એક નેતા છે."
"નેતા નહીં." પુત્રની બીજી બાજુ ગોઠવાતાં માલતીએ તરત જ પતિની ભૂલ ટપારતાં કહ્યું, "અન્ના હજારે એક સામાજીક કાર્યકર છે."
પ્રફુલે ચાની ચૂસ્કી લીધી ત્યાં પુત્રનો બીજો પ્રશ્ન એના કાને અથડાયો. "સામાજીક કાર્યકર એટલે?"
"એ તારી મમ્મી સમજાવશે." જાણે તોપનું મોં દુશ્મન તરફ કરતો હોય તેમ પ્રફુલે પુત્રનું મોં એક હાથ વડે મમ્મી તરફ ફેરવ્યું એટલે પુત્રે ફરી એ જ જીજ્ઞાસાથી મમ્મીને પ્રશ્ન પૂછયો, "સામાજીક કાર્યકર એટલે?"
છેલ્લા દસ-બાર દિવસથી આખા દેશમાં અન્ના હજારે, અન્ના હજારે થઈ રહ્યું હતું. છાપાંઓ, ટીવી ચેનલો, ઇવન ઓફિસ કાર્યાલયોમાં પણ અન્ના હજારે અને ભ્રષ્ટાચાર એ બે જ વિષયો પર ચર્ચા ચાલી રહી હતી. "ભ્રષ્ટાચાર વિના આ દેશ એક ડગલું પણ માંડી શકે એમ નથી." બપોરે બે વાગ્યાની રિસેસમાં શશીકાંત ભટ્ટે બોલેલું આ વાકય પ્રફુલ પટેલને યાદ આવી ગયું. "અન્ના હજારેની લડાઈ ખોટી નથી, પણ પ્રેક્ટિકલી ભ્રષ્ટાચારમાંથી સંપૂર્ણ મુક્તિ મળે એવું લાગતું નથી." કહી સિગારેટનો કશ મારી એણે પ્રફુલની આંખમાં આંખ પરોવી પૂછયું હતું. "તું જ કહે, આર.ટી.ઓ. મેદાનમાં રોજની સો ગાડી લાયસન્સ ટ્રાય આપે છે. એમાંથી ખરેખર કેટલી પાસ થઈ શકે એમ હોય છે?" સિગારેટનો ધૂમાડો બંને વચ્ચે ઉડતો હતો.
પ્રફુલે પાનના પડીકાનો દોરો ખોલતા કહ્યું, "આજે સવારે જ એક ડોબો ડ્રાઈવર આવેલો. કાર ચાલુ જ ન થઈ, પેલા એ.બી.સી. ડ્રાઇવિંગ સ્કૂલવાળાનો કસ્ટમર હતો. પછી પાછું શું થયું ખબર છે? એ.બી.સી. વાળા પેલા અબ્દુલ ડ્રાઈવરે જેમતેમ ગાડી ચાલુ કરી આપી તો ભાઈથી ગિયર ન ફરે. બધું લોલમલોલ. અબ્દુલને ય મારે તતડાવવો પડયો.’’ કહી દોરો ડસ્ટબીનમાં નાંખી ટેબલ પર શશીકાંત તરફ ઝૂકતા પ્રફુલ પટેલે જરા ભારપૂર્વક કહ્યું, "આર.ટી.ઓ.ના તમામ નિયમોનું પાલન કરીને જો આપણે લાયસન્સ આપીએ ને, તો સોએ માંડ બે-પાંચ જ લાયસન્સ આપી શકાય."
બંનેના ચહેરા ઉપર અફસોસ દેખાયો. ભ્રષ્ટાચારે દેશને લીધેલો ભરડો કેટલો સજ્જડ છે, મજબૂત છે એની જાણે સ્વયં પ્રતીતિ કરી રહ્યા હોય એમ બંને જણાં બે-પાંચ મિનીટ મૌન બેસી રહ્યા. થોડીવારે એમનું ધ્યાન જમણાં ટેબલ પર ફાઈલોમાં ખૂંપીને સૂનમુન બેઠેલા તુલસીભાઈ પર પડયું. એના ચહેરા પરની ચિંતાઓ ઉડીને આંખે વળગે એવી હતી. બંનેને ખબર હતી કે તુલસીભાઈને મેમો મળેલો.
હોસ્પિટલ ચોક પાસેના ટ્રાફિક પોઇન્ટ ઉપર, ગઈકાલે સાંજે એક લાયસન્સ વગરની કાર વાળા પાસેથી પાંચસો રૂપિયાની કટકી કરવા ગયેલા તુલસીભાઈની વિરૂધ્ધમાં એ કારવાળાએ ઓફિસમાં ફરિયાદ કરેલી અને તુલસીભાઈને મેમો મળેલો. ‘‘આ રીતે સરકારી સત્તાનો દુરૂપયોગ કરવા બદલ આપને સસ્પેન્ડ શા માટે ન કરવા?’’ એ અંગે
તુલસીભાઈએ લેખિત ખુલાસો આપવાનો હતો.
શશીકાંત અને પ્રફુલ બંનેને ખબર હતી કે તુલસીભાઈ સીધો માણસ છે. પૈસા ખાવાનું એનું ગજું નથી. પરંતુ વાત બીજી જ હતી. પંદર દિવસ પહેલા નવા આવેલા આર.ટી.ઓફિસર આનંદકુમારનો ટાર્ગેટ પાર કરવામાં તુલસીભાઈ નિષ્ફળ રહ્યા હતા, નિષ્ફળ કરતાં નાકામ વધુ. મૂળ તો તુલસીભાઈ સ્વભાવે ભોળો અને સજજન માણસ. સતસંગના રવાડે ચઢેલા પિસ્તાલીસ વર્ષની ઉંમરના આ માણસની વ્યવહારુ બુદ્ધિ બિલકુલ શૂન્ય. ત્રણ દિકરી અને એક દિકરાનો પિતા હોવાં છતાં, ઘરની જવાબદારીનો ખર્ચ વધુ અને સરકારી
પગારની આવક ઓછી હોવાં છતાં, ‘કટકી’ કરતાં એનો જીવ કોચવાય.
"પ્રફુલભાઈ.. ફાઇલો, કાગળિયાં તપાસવા અને પાસ કરવા એ તો આપણી ફરજ કહેવાય ને? એનો તો પગાર આપણને સરકાર આપે છે. એમાંય હવે તો છઠ્ઠું પગારપંચ મળ્યું છે. આવડાં મોટાં પગાર પછી કટકી કરતાં મારો તો જીવ ચૂંથાય. મને તો સરકાર આનાથી અર્ધો પગાર આપે ને તોય ઘણો કહેવાય, મારા કામની સરખામણીએ! એટલે કટકી કરવા જાઉં તો તો મારો ‘જીવ’ જતો જ રહે.’’ ઘણીવાર આવા મતલબની વાત તુલસી કરતો ત્યારે પ્રફુલને એની આંખમાં સચ્ચાઈ પણ દેખાતી. પોતાનો જીવેય જરા-તરા કોચવાતો, પણ એ જ તુલસી જ્યારે બાળકોની ફી ભરવા માટે પાંચ-પંદર હજાર ઉછીના માંગતો ત્યારે પ્રફુલનું મન ફરી બેઠું થઈ જતું.
તુલસીભાઇની સજજનતાને ઓળખી ગયેલા કેટલાક માથાભારે આર.ટી.ઓ. એજન્ટ્સ કયારેક તુલસીભાઈ સાથે ઊંચા અવાજે વાતેય કરી લેતા. એક-બે વાર તો શશીકાંત અને પ્રફુલે માથે રહીને આવા બે-ચાર શખ્સોની ફાઈલોને તુલસીભાઈ મારફત ટલ્લે ચઢાવીને એ લોકોની ‘ખો’ ભૂલાવી દીધી હતી.
તુલસીભાઈને આ ગણિત સમજાવાનું ન હતું. સરકારી કાયદાઓનો ચક્રવ્યૂહ એટલી હદે ગૂંચવાયેલો છે કે ‘ભ્રષ્ટાચાર’ વિના દેશમાં એક પણ કામ ‘કાયદેસર’ થઈ શકે તેમ નથી. હેલ્મેટ, સીટબેલ્ટ, કાચ પરની ફિલમ પટ્ટી, ચાલુ ગાડીએ મોબાઈલનો ઉપયોગ, ઇન્ડિકેટર આપ્યા વિના ટર્ન, લાયસન્સ, પી.યુ.સી., કાયદેસરની ગેસ કીટ, ગેરકાયદેસર મુસાફરો, ગાડીના કાગળિયાં, નંબર પ્લેટ.. હજજારો કાયદા છે. આ બધાંનું સો ટકા પાલન કરતી હોય એવી એક પણ ગાડી આખા ભારતમાંથી શોધી કાઢવામાં આવો તો હું કાયમ
તમારો ગુલામ બની જઈશ." સમજાવતા કયારેક બંને જણાં તુલસીભાઈને. પણ તુલસીભાઈનું જીગર બંધ પડી ગયું હતું અને નવો ઓફિસર આનંદકુમાર ખુલ્લા જીગર વાળો હતો. દરેક ઇન્સપેક્ટરે રોજનો એક હજાર રૂપિયો આનંદકુમારના ટેબલ પર ધરવાનો ફરજીયાત હતો. રોજના ચાર-પાંચ હજારનું આરામથી કરી નાખતાં શશીકાંત અને પ્રફુલ માટે આ આદેશ બહુ સામાન્ય અને સરળ હતો. તુલસીભાઈ ‘ફેઇલ’ થયો હતો. દસમા જ દિવસે આનંદકુમારનો રોષ તુલસીભાઈ ઉપર ભભૂકી ઉઠયો હતો. ‘આ દસ હજારનું નુકસાન કોણ ભરશે?’થી શરૂ કરી આનંદકુમારે તુલસીની ઘોર ખોદી નાંખી હતી. તોયે તુલસીભાઈ હિંમત કરી શક્યા નહીં, એટલે આનંદકુમારે પોતાની તાકાત - પાવર દેખાડ્યો હતો. મજા તો એ હતી કે સત્તાના દુરૂપયોગ બદલ મેમો તુલસીને મળ્યો હતો.
"એને સમજાવો." શશીકાંત અને પ્રફુલ જયારે આનંદકુમારની ચૅમ્બરમાં બેઠા હતા ત્યારે એ હળવી પળોમાં આનંદકુમારે તુલસીભાઈ સંદર્ભે કહેલું. શશીકાંત અને પ્રફુલ સાથે આનંદકુમારને સારી જમાવટ થઈ ગઈ હતી.
"સર.. એ માણસ સાવ પોચો છે." નરમાશથી પ્રફુલે તુલસીભાઈનો પક્ષ રાખ્યો હતો.
"જો પટેલ.." આનંદકુમારે સ્પષ્ટતા કરી હતી. "એ પોચો છે, હું નથી. બીજી વાત.. જો એ પબ્લિક પાસેથી કટકી ના કરી શકતો હોય તો પોતાના પગારમાંથી આપે." કહી ખૂબ ભારે અવાજે એમણે કહ્યું હતું, "મારે તો ઉપર ‘ફિક્સ’ રકમ આપવાની જ હોય છે એટલે આઇ વીલ નોટ ટોલરેટ ધીસ."
ચૅમ્બરમાં શાંતિ પથરાઈ ગઈ હતી. કરપ્શનની જાળ છેક ઉપર સુધી ફેલાયેલી છે. અન્ના હજારેથી કાચો પાપડ પણ ભાંગવાનો નથી. હા, એક જ ઉકેલ થઈ શકે. કરપ્શનને પણ કાયદેસર બનાવી નાંખવામાં આવે. જેમ ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ પીવો એ ગુનો ગણાય છે, પણ મહારાષ્ટ્રમાં દારૂ પીવો એ ગુનો નથી કારણ કે ત્યાં દારૂ પીવાની કાયદેસર છૂટ છે. એમ જો કરપ્શનની પણ કાયદેસર છૂટ આપવામાં આવે તો આ પ્રશ્ન થોડો ઘણો હળવો બની શકે. બાકી આવા તો કેટલાય અન્ના હજારે આવે ને જાય. "પણ આ અરવિંદ કેજરીવાલ જેવો આઇ.આઇ.એમ.નો સ્ટુડન્ટ રહી ચૂકેલો માણસ આ રવાડે કેમ ચઢયો હશે?" એક વખત ચર્ચા દરમિયાન પ્રફુલને આ પ્રશ્ન થયો ત્યારે શશીકાંતે જરા દૂર-દૂર દ્રષ્ટિ ફેંકતા હોય તેમ કહેલું કે "ઈમાનદારીનો કીડો માણસના માનસને બધિર કરી નાંખતો હોય છે એવું મારું તો માનવું છે. કોઈ પણ વસ્તુની અતિ છે ને
એ પોઇઝન છે. પછી ભલે ને એ ઈમાનદારીની હોય, સજજનતાની હોય કે દેશભક્તિની હોય. અતિ સર્વત્ર વર્જયેત્. મહાભારતમાં પણ યુધિષ્ઠિરની અતિ સત્યપ્રિયતાએ જ વેર-ઝેર ઉભાં કર્યાં ને!’
શશીકાંતનું આ વાક્ય સાંભળી પ્રફુલ ખરેખર એની સામે માનથી તાકી રહ્યો હતો. દૂર પહોંચી ગયેલી દૃષ્ટિ પાછી વાળી પોતાને તાકી રહેલા પ્રફુલ પટેલની
આંખમાં આંખ પરોવતા શશીકાંતે બ્રહ્મવાક્ય ઉમેર્યું હતું. "માણસે હંમેશા ભાનમાં રહેવું જોઈએ, હકીકતનો સામનો કરવો જોઇએ અને કોઈ પણ સમસ્યાનો પ્રેક્ટિકલ ઉકેલ કાઢવો જોઈએ."
"પણ શશીકાંતભાઈ.. માણસે ઈશ્વરથી તો ડરવું જોઇએ કે નહીં?" ડરપોક તુલસી કયારેક આ બંને સમક્ષ દલીલ કરતો.
"ઇશ્વર..!" એક લાંબો શ્વાસ લઈ શશીકાંતે એક વાર પ્રફુલ સમક્ષ વાત કરેલી. "સાચું કહું પટેલ.. શરૂ શરૂમાં મને પણ થતું કે ઈશ્વર બધું જુએ છે. કર્મનો સિદ્ધાંત સતત કામ કરતો હોય છે. ખાસ કરીને.." કહી શશીકાંત ક્ષણભર અટક્યો હતો. પછી આગળ ચલાવ્યું હતું. "ખાસ કરીને, આર.ટી.ઓ.માં નોકરી મળી ગયા પછીયે પાંચ વર્ષ સુધી મારું ક્યાંય ઠેકાણું ના પડયું ત્યારે થયેલું કે માળું.. ક્યાંક ભગવાન મારી પાંચ-પચાસ-પાંચસો રૂપિયાની ‘કટકી’ના હિસાબે મારા લગ્ન નહીં થવા દેતો હોય? શું આ કર્મ મને કુફળ આપતું હશે ખરું?" કહી સિગારેટ જલાવી ઊંડો કશ લેતા શશીકાંત દૂર-દૂર તાકી રહેતા બોલેલો, "મારા દાદાજી કહેતા કે માનવ જીવનની સાત બાબતો ઈશ્વરના હાથમાં છે: જન્મ, સુખ-
દુઃખ, માતા-પિતા, શિક્ષણ, જીવનસાથી, સંતતિ અને મૃત્યુ. આ સાત બાબતોમાં માનવ પ્રયત્ન કરતાં ઈશ્વર કૃપા વધુ જવાબદાર હોય છે. મારા દાદા બહુ જ ભકિતભાવ વાળા અને ભાગવત કથાકાર હતાં." ભૂતકાળના એ દૃશ્યો જાણે શશીકાંતની આંખમાં ભજવાતાં હોય એમ પ્રફુલ એકીટશે એને તાકતો. "નાનપણમાં એમની સાથે રહી ઘણાં બધાં ધાર્મિક કાર્યો મેં કર્યા છે. વરસતાં વરસાદમાં જન્માષ્ટમીના દિવસે અમે કૃષ્ણની રથયાત્રા-શોભાયાત્રા આખા ગામમાં ફેરવતાં. ભાગવત્ કથા વખતે દરેક પ્રસંગ અનુસાર વેશભૂષા ધારણ કરી વાતાવરણને ‘દેવલોક’ જેવું બનાવી નાંખતા. એ દિવસો એટલે લાઈફના ગોલ્ડન ડૅઝ.’’ સહેજ નિઃશ્વાસ સાથે શશીકાંતે ઊંડો શ્વાસ લઈ પ્રફુલ સામે જોયું. "મને આર.ટી.ઓ.માં નોકરી મળી, એ પણ મહામહેનતે મળી હતી. મારા દાદાજીએ ત્યારે કહેલું, બેટા! તારા સત્કર્મોની નોંધ ઈશ્વરે રાખી હતી. તું નાનપણમાં કૃષ્ણનો રથ
શણગારતો, ગાયોને નીણ નાંખતો, ગરબીના ચોકને સાવરણાંથી વાળી નાંખતો.. આ બધી ઝીણીઝીણી નોંધ કૃષ્ણએ ચિત્રગુપ્તના ચોપડે રાખી હતી. એટલે જ તને સરકારી નોકરી મળી ગઈ. હિંમત રાખજે.. સારી કન્યા પણ મળી જશે."
સહેજ લાલાશ છવાઈ ગઈ હતી શશીકાંતના ચહેરા પર. "દાદાની વાત સાચી પડી. પાંચ વર્ષ રખડ્યા પછી મારા વિવાહ એ જ છોકરી સાથે થયા જેને કોલેજ કાળમાં હું ખૂબ ચાહતો." અને શરૂ થતી શશીકાંતની ભાગ્યશ્રી સાથેની લવસ્ટોરીની થોડી-ઘણી રોમાંચક વાતો. શશીકાંતની એક તરફી ચાહતના એ દિવસો બંને ઓફિસ મિત્રોને લીલાંછમ
પ્રદેશમાં ફેરવતા.
"સાચુ કહું પ્રફુલ?" શશીકાંત જ્યારે આવી રીતે બોલતો ત્યારે પ્રફુલના કાન સરવા થઈ જતાં. "ઈશ્વરના અસ્તિત્વમાં હું આજેય વિશ્વાસ ધરાવું છું. એ આપણા હૃદયમાં છે જ. એટલે જ હું મારી આવકનો દસ ટકા ભાગ દાન-પુણ્યમાં અચૂક વાપરું છું. અનાથાશ્રમમાં દર મહિને બુંદી-ગાંઠીયા જમાડું છું, તો વૃધ્ધાશ્રમમાં પાંચ દિવસ ચોખ્ખું દૂધ
પીવડાવું છું. આપણો હિસાબ ચોખ્ખો છે. દસ ટકા ભગવાનનો ભાગ કાઢવામાં કોઈ દિવસ દિલ નહિ ચોરવાનું. તું જો ને! બે હાથે પ્રજાને લૂંટ્યે રાખતા બીજા હરામીઓ કરતાં આપણી જિંદગી ભગવાને કેટલી ક્લાસિકલ બનાવી છે! આવતા મહિને મારો રાહુલ બાર વર્ષ પૂરા કરી તેરમા વર્ષમાં પ્રવેશવાનો. મિયાં, બીબી ઔર બચ્ચા. ઔર જીને કો ક્યા
ચાહિયે?"
એ પછી બંને મિત્રો થોડી વાર સુધી એફિસના બીજા કર્મચારીઓએ આચરેલા કૌભાંડોની, એમના પરિવારમાં જન્મેલા ખોડ-ખાંપણ વાળા બાળકોની વગેરે ચર્ચાએ ચઢી જતાં. "પેલા મહાનગરપાલિકા વાળા મનીષ પારેખની દિકરીએ ભાગીને લગ્ન કર્યા તો પેલા સરકારી વકીલ મોહન જોષીના દિકરાના પગમાં પોલિયો છે. મધુસૂદન મહેતાની ઘરવાળી એના પ્રેમી સાથે ભાગી ગઈ તો ચંદુ ડાંગર કાયમ દારૂ પીને ઘરમાં ધમાચકડી મચાવે છે. એ બધાંની સરખામણીએ આપણું જીવન એકદમ સીધી લીટીનું ગણાય." અંતે શશીકાંત બ્રહ્મવાક્ય તો કહેતો જ "કટકી કરવામાંય આપણે માપ તો રાખીએ છીએ ને? અતિ સર્વત્ર વર્જયેત્."
એકધારી વાગતી ડોરબેલે પ્રફુલની તંદ્રા તોડી. કેટલો સમય વીતી ગયો? વિચારતા એણે સામેની દિવાલ ઘડિયાળમાં જોયું. ઓહો.. આઠ વાગી ગયા? બે કલાક નીકળી ગઈ? "તમે બારણું કેમ નથી ઉઘાડતા?" ડોરબેલના એકધારા અવાજથી ગભરાઈ ઉઠેલી માલતી રસોડામાંથી દોડતી દરવાજે પહોંચી, ડૉર ખોલ્યું. ત્યાં સુધીમાં ધીમે-ધીમે પ્રફુલ પણ ડોર પાસે પહોંચી ગયો હતો. દરવાજે સોસાયટીનો ચોકીદાર પરસેવે રેબઝેબ - ગભરાયેલો ઊભો હતો. "જલ્દી દોડો.. જબરો એક્સિડન્ટ થયો છે. તમારા અભિને જોરદાર વાગ્યું છે. સોસાયટીના ગૅઇટે પહોંચો." આ એક જ વાક્યે માલતીનું બ્લડપ્રશર વધારી દીધું. પ્રફુલ તરત જ અંદરના રૂમમાં ભાગ્યો. લુંગી ફગાવી પૅન્ટ ચઢાવી - ઉપર ટીશર્ટ પહેરી બે
જ મિનીટમાં એણે રીતસર દોટ મૂકી. એની પાછળ માલતી પણ દોડી. આડોશ-પાડોશના પાંચ-સાત સ્ત્રી-પુરૂષોએ એમની પાછળ ‘શું થયું? શું થયું?’ કરતા કુતુહલવશાત્ દોટ મૂકી.
મેઇન ગૅઇટની બહારના ડામર રોડ પાસે લોકોનું ટોળુ જામ્યું હતું. ટ્રાફિક રોકાતા વાહનોના હોર્નના અવાજ સંભળાતા હતા. ટોળું ચીરીને પ્રફુલ વચ્ચે પહોંચ્યો. તો એક છોકરાને બાથ ભરીને પોક મૂકીને રડતા આનંદકુમારને, બીજા લોહી લુહાણ છોકરા રાહુલને બાથમાં લઈ ચીખતા-ચિલ્લાતા શશીકાંતને અને સોસાયટી સેક્રટરીના ખોળામાં લોહીલુહાણ થઈ તરફડતા પોતાના વહાલસોયા અભિમન્યુને જોયો. ક્ષણભર માટે પ્રફુલને બધું ચક્કર ચક્કર ફરતું લાગ્યું. ત્યાં ઈમરજન્સી એકસોઆઠ એમ્બ્યુલન્સની
સાયરન સંભળાઈ.
લોકો આઘાપાછા ખસ્યા. સ્ટ્રેચર્સમાં ત્રણેય બાળકોને સુવડાવાયા. તાત્કાલિક ટ્રીટમેન્ટ આપતી એકસોઆઠ હોસ્પિટલ તરફ દોડી ગઈ. આનંદકુમારના પુત્ર સોનુએ
હોસ્પિટલ પહોંચતા પહેલાં જ દેહ ત્યાગી દીધો હતો. શશીકાંતના રાહુલના બંને પગ ખતરનાક હદે ડેમેજ થયા હતા અને પ્રફુલના પુત્ર અભિનો જમણો હાથ છેક ખભા સુધી છુંદાઈ ગયો હતો. આ ભયંકર અકસ્માતનો જશ્મદીદ ગવાહ તુલસીભાઈનો અગિયાર વર્ષનો પુત્ર કિશન હતો. રડતા રડતા, ડરતા ડરતા એણે કહેલું, "અમે ચારેય સાથે રમતા હતા.
રમતા રમતા અમે સોસાયટીના ગૅઇટ પાસે પહોંચ્યા. રોડની પેલે પારથી એક માટલા ગુલ્ફીવાળો પસાર થઈ રહ્યો હતો. સોનુએ ગુલ્ફી ખાવાની ઇચ્છા વ્યકત કરી. એ ત્રણેય પાસે પૈસા હતા. મારી પાસે નહોતા એટલે હું આ તરફ બેસી રહ્યો. પેલા ત્રણેએ રસ્તો પાર કર્યો. ગુલ્ફી લીધી. ગુલ્ફીની કેટલીક ચુસ્કીઓ મારી અને પછી આ તરફ આવવા દોટ
મૂકી. બરાબર એ જ વખતે એક કાર ત્યાં ધસી આવી. બેફામ ઝડપે આડી-અવળી ચાલી આવતી આ કારે પેલા ત્રણેયને હડફેટે લીધા અને.." કિશન ફરી રડવા માંડયો.
પોલીસતંત્ર સાબદું બન્યું. ગવર્મેન્ટ સોસાયટીમાંથી સોનુની અંતિમ યાત્રા નીકળી. આટલી નાની વયે આવું કરુણ મૃત્યુ! છાપાઓમાં સમાચારો છપાયા. આડેધડ ડ્રાઇવિંગ વિશે ટીકાઓ છપાઈ. પોલીસે પેલી કાર તથા તેના ડ્રાઈવરને જપ્ત કરવામાં સફળતા મેળવી. એ ડ્રાઇવરને કસ્ટડીમાં લેવાયો. એની પાસે લાયસન્સ હતું. એ લાયસન્સ હજુ આજે જ ઇશ્યુ થયેલું. એના પર ખુદ આનંદકુમારની સહી હતી!
આનંદકુમારના ઘરે જ્યારે આખો સ્ટાફ ખરખરો કરવા પહોંચ્યો ત્યારે માયૂસ આનંદકુમાર કોણ જાણે કેમ તુલસીભાઈને વળગીને રડી પડયો હતો. એ દસ-પંદર મિનીટના સમયે પ્રફુલ તથા શશીકાંતને હચમચાવી મૂકયા હતા.
પ્રફુલ ઘરે પહોંચ્યો ત્યારે હાથ પર પ્લાસ્ટર બાંધેલા અભિને જોઈ એનું ભીતર રડી ઉઠયું. ટીવી ઉપર અન્ના હજારેના અનશનનો કાર્યક્રમ બતાવવામાં આવી રહ્યો હતો. રોજ ફાલતુ અને નીરસ લાગતો આ કાર્યક્રમ પ્રફુલને આજે એકદમ જીવંત, તાદૃશ અને પૂરેપૂરો સમજવા જેવો, અનુસરવા જેવો લાગ્યો. એ ભીની આંખે અને ધડકતા
હૃદયે પુત્ર અભિના માથે હાથ ફેરવતો રહ્યો.
= = = = ====