માલજી શામળ ઉર્ફે એમ એસ....... દિનેશ પરમાર ' નજર '
******************************************
જબ તક બિકા ન થા કોઈ પૂછાતા ન થા
તુને ખરીદકર મુઝે અનમોલ કર દિયા
- અજ્ઞાત ( શાયર)
******************************************
બરાબર રવિવારની રાત્રે જ તકલીફ થઈ.......
વાડજ ચંદ્રવિહાર એપાર્ટમેન્ટસ ખાતે રહેતા,હરીશભાઈના દીકરા રોકી ઉર્ફે રશૅષને રાત્રે સાડા અગિયાર વાગે જોરદાર ઉલ્ટી થઇ. અવાજ સાંભળીને, પોતાના બેડરૂમમાં સુતા, હરીશભાઈ દોડતા ટોયલેટ તરફ ગયા.
"શું.. થયું... રશૅષ...???"
" કાંઈ નઈ પપ્પા આતો ઊબકા જેવું થતું હતું. પણ હવે સારું લાગે છે."
પરંતુ....
કલાક પછી, પાછી જોરદાર ઉલ્ટી થઇ અને સાથે લુઝ-મોશન, હરીશભાઈ ગભરાયા, અને દવાનો ડબ્બો શોધી લાવ્યા. એટલામાં તેમના પત્ની લીલાબેન પણ ઉઠી ગયા. તે રસોડામાં જઈ લીંબુ-પાણી બનાવી લાવ્યા.એવોમાઈન અને લોપામાઈડ આપી એટલે થોડી રાહત થઇ. પણ સવાર સુધીમાં ફરી ઉપરા- ઉપરી બે થી ત્રણ વખત ટોયલેટ જવું પડયું.
સવારે રાહ જોયા વગર હરીશભાઈ, રશૅષને લઈ તેમના ફેમિલી ડોક્ટર શ્યામલ પટ્ટણીને ત્યાં પહોંચી ગયા.
તપાસતા તપાસતા પટ્ટણી સાહેબ બોલ્યા, " હરીશ ભાઇ, અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણીની અને ગટરની નવી લાઇનનું ખોદાણ ચાલે છે. ક્યાંક મેઇન લાઇનમાં પાણી મિક્સ થયું હોય તો પણ આવા પ્રોબ્લેમ થતા હોય છે, ગભરાવાની જરૂર નથી. ઈન્જેક્શન આપી દઉં છું અને દવા ચાલુ કરી દઈએ. લગભગ બે દિવસમાં આરામ થઈ જશે."
પણ દવાથી બે દિવસ સારું રહ્યા પછી, એજ પ્રોબ્લેમ હળવો ખોરાક પણ કલાકમાં નીકળી જતો હતો. ફરી પટ્ટણી સાહેબનો સંપર્ક કરતા તેમને પરિસ્થિતિ અસાધારણ લાગતા, કેસ ડોક્ટર રાકેશ મણિયાર ( ગેસ્ટ્રો-એન્ટ્રોલોજીસ્ટ ) ને રીફર કર્યો.
ડોક્ટરે પ્રાથમિક તપાસ અને લીધેલ દવાઓ જોયા પછી કહ્યું, " આપણે સ્ટૂલ-ટેસ્ટ કરાવીએ, સાથે સાથે એન્ડોસ્કોપી પણ કરી લઈએ."
હરીશભાઈ હાથ જોડી બોલ્યા, " તમને જે યોગ્ય લાગે તે સાહેબ."
સેમ્પલ લેબમાં મોકલાવી અને એન્ડોસ્કોપી કરાવી, તેઓને બીજે દિવસે સવારે સાડા દસ વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપી.
******
એપોઇન્ટમેન્ટના દિવસે સવારે વહેલા કામથી, હરીશ ભાઈ ફલેટમાં નીચે પાર્કિંગમાં આવ્યા. ત્યારે ત્યાં સફાઈ કામ કરતા માલજીને જોઈ તેમનો પિત્તો ગયો.
"એ... માલીયા... તું બરાબર કામ કેમ કરતો નથી..? તને એસોસિયેશન તરફથી પગાર તો પૂરો મળે છે. તો પછી તને સરખી સાફ-સફાઈ કરવામાં કેમ જોર આવે છે ? કે પછી મફતનું ખાવાની આદત પડી ગઈ છે?."
પાર્કિંગમાં હરીશભાઇનો ઘાંટો સાંભળી, ઉપર બીજા માળે રહેતા એસોસિયેશનના પ્રમુખ ભાગવતીપ્રસાદ શર્મા અને તેમની જ ઉપર રહેતા સેક્રેટરી મનહરલાલ ખત્રી બાલ્કનીમાં આવી જોવા લાગ્યા.
બિચારો માલજી સામે ઉભો ઉભો, હરીશભાઈના ગુસ્સાનું કારણ જાણ્યા-કર્યા વગર નમાલો થઈ સાંભળી રહ્યો હતો. ભગવતીપ્રસાદે ઉપરથી હરીશભાઇને બુમ પાડી પોતાને ત્યાં બોલાવ્યા.
મનહરલાલ પણ ભગવતીપ્રસાદના ત્યાં પહોંચ્યા.
"અરે હરીશભાઈ શું થયું? કેમ બિચારા માલજીને ખખડાવો છો?" ભગવતીપ્રસાદ બોલ્યા.
હરીશભાઈ બોલ્યા, " તમને ખબર નથી ભગવતીભાઈ... આ માણસ બરાબર કામ નથી કરતો. દર મહિને આપણા બ્લૉકની અંડર ગ્રાઉન્ડ ટાંકી અને ઉપરની ટાંકી માલજી જોડે કરવીએ છીએ. પરંતુ તે બરાબર કરતો નથી. એટલે જુનો કચરો પાણીમાં આવતા સ્વાસ્થય બગડે છે. "
" અરે...!! પણ એનું કામ તો પરફેક્ટ અને ચોખ્ખું હોય છે. અને તમને તો ખબર છે કે અમારા વહીવટમાં શંકા ન જાય એટલે દરેક કામમાં આપણા સભ્યોમાંથી જે હાજર હોય તેની પાસે ચકાસણી કરવીએ છીએ. અને હજુ દસ જ દિવસ પહેલા સાફ કરેલી ટાંકી, બરાબર કરી છે કે નહીં તે, તમારા દીકરા રશૅષ દ્વારા ચેક કરાવેલું, તમને અમારી વાતમાં વિશ્વાસ ના હોય તો તમારા રશૅષને પુછી લો. " ભગવતી ભાઈ એ સ્પષ્ટતા કરી.
સેક્રેટરી મનહર ભાઇએ પણ તેમાં ટાપસી પુરાવી.
" હરીશભાઈ બે મહિના પહેલા માલજી પાર્કિંગ વળતો હતો અને કચરો સામેની કમ્પાઉન્ડ તરફ એકત્ર કરી રહ્યો હતો, ત્યાં તેનું ધ્યાન ગયું તો દરવાજાની બાજુમાં કમ્પાઉન્ડને અડીને જમીનમાં પાણીની પરપોટીઓ ( એર બબલ) થતી જોઈ તેને ખ્યાલ આવી ગયો કે કોર્પોરેશનની પાણીની મુખ્ય લાઇનમાંથી આવતું પાણી જે બ્લૉકની આંતરિક લાઇનમાંથી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં જાય છે. તેમાં લીકેજ લાગે છે.
બરાબર તેને અડીને જ આપણી ગટરની પાઈપ લાઈન આવેલી છે. વર્ષો જુની ગટરની લાઇનનું ગંદુ પાણી તેમાં ભળે તો... માલજીને આની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો, તેણે તરત જ મારું અને પ્રમુખનું ધ્યાન દોરતાં ત્યાં ખોદાણ કરાવી ચેક કરતા ગટરના સાંધામાંથી ગંદુ પાણી ઝમતું હતું.
જો તકેદારી લેવામાં ન આવી હોત તો આપણાં બ્લૉકના સભ્યો રોગચાળાનો ભોગ બન્યા હોત. જે માલજીની સમયસરની જાગૃતિને કારણે ટળી હતી. "
ભગવતી ભાઈ બોલ્યા," હરીશ ભાઈ, તમને ખબર નથી પણ આપણાં બ્લૉકની ગટર લાઈનોની નિયમિત સાફ સફાઇ કરી, બ્લૉકેજ અટકાવી કેટલીય વાર માલજી શામળે રોગચાળો અટકાવ્યો છે, એટલે અમે માલજી શામળને ઉર્ફે એમ. એસ. (માસ્ટર ઓફ સર્જરી) તરીકે પણ પ્રેમથી બોલાવીએ છે. "
હરીશભાઇ કશું પણ બોલ્યા વગર મોઢું બગાડી બહાર નીકળી ગયા.
**********
સવારે જ્યારે ડોક્ટર રાકેશ નવા કેસ તથા જુના કેસ તપાસવા હોસ્પિટલ આવ્યા ત્યારે, રશૅષના રિપોર્ટ આવી ગયા હતા.
બહાર રાહ જોઈ રહેલા હરીશભાઈ, લીલાબેન અને રશૅષને કાઉન્ટર પર બેઠેલી છોકરીએ ઈશારો કરી સાહેબની ચેમ્બરમાં મોકલ્યા.
સાહેબે રશૅષને સામે બેડ પર સુવાડી, પેટ પર ડાબે ભાગે હાથ મુકી હસતાં હસતાં પુછ્યું, " સાચું કહેજે આ ઉલ્ટી અને લુઝ મોશન થયા તે રવિવારે બહારનું કાંઈ ખાધું હતું?"
રશૅષ ઉર્ફે રોકીએ સુતા સુતા તેના પપ્પા તરફ જોયું.
"તું બિલકુલ ગભરાઈશ નૈ, થવા કાળ થઈ ગયું..?" ડોક્ટર બોલ્યા.
"સાહેબ... મેં અને મારા દોસ્તોએ એક સાથે પચાસ પાણી-પૂરીની શરત લગાવી હતી. મેં લગભગ પાંત્રીસ જેટલી પાણી - પૂરી ખાધી હતી. " રોકી ડરતા ડરતા બોલ્યો.
સાહેબ પાછા પોતાની જગ્યાએ આવ્યા અને હરીશભાઈ તથા લીલાબેન સામે જોઈ બોલ્યા," કેટલાક પાણી-પૂરીવાળા લોકો તેમનો મસાલો ઢોળી દેવો ના પડે એટલે જુના પાણીમાંજ નવું પાણી અને વધારાનો મસાલો ઉમેરી લોકોને ખવડાવતા હોય છે. એને તો શું? એને તો પૈસા જ કમાવા છે ને?" પછી રિપોર્ટ જોઈ આગળ બોલ્યા, " આવું બેક્ટેરિયા વાળું પ્રદૂષિત પાણી પેટમાં જવાથી ઝાડા, ઉલટી, ઘણી વાર પેટમાં અસહ્ય દુઃખાવો થવો. ખાવાનું ના ટકે વિગેરે તકલીફ થાય છે. આપણાં પેટમાં ગયેલો આવો કચરો આંતરડાની પાઈપ લાઈનમાં ભરાઈને સીસ્ટમ ચોક-અપ કરે છે. તે સાફ થવી જરૂરી છે. રિપોર્ટ જોતા આંતરડામાં આવા કચરાને લીધે ઇન્ફેક્શન થયું છે. જે બોટલ્સ ચઢાવીને તેમાં સમયસર જરૂરી દવા ઈન્જેક્ટ કરીને તેને કાબુમાં લેવું પડશે નહીંતર ઓપરેશન કરવાનો વારો પણ આવી શકે છે "
લગભગ પાંચ દિવસ હોસ્પિટલમાં રહેવું પડયું. રોગ તો કાબુમાં આવી ગયો.
પરંતુ........
સાઈંઠ કે સિત્તેર રૂપિયાની પકોડી ખાવાની રોકીની શરત, તેના પપ્પા હરીશભાઈને મેડિકલ બિલ પેટે પંદર હજારમાં પડી.
********
જ્યારે હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવ્યા, ત્યારે બ્લૉકના સભ્યો માટે નિસ્વાર્થ-ભાવે સાવ ઓછા વળતરથી સેવાના ભાગરૂપ સાફ-સફાઈ કરી રહેલા માલજી શામળ ઉર્ફે એમ એસ તરફ, હરીશભાઈ કશુંયે બોલ્યા વગર સીડી ચઢતા ચઢતા, વીલા મોઢે અપરાધ ભાવથી ક્યાંય સુધી જોતા રહ્યા..........
******************************************