Sakaratmak Vichar in Gujarati Philosophy by DIPAK CHITNIS. DMC books and stories PDF | સકારાત્મક વિચાર

Featured Books
Categories
Share

સકારાત્મક વિચાર

કારાત્મક સંકલ્પ દ્વારા માનવ જીવનમાં ખુશીનો અનુભવ કરી શકીએ છીએ. પરંતુ આ કોઇ જાદુ નથી કે જેને આપ એક દિવસમાં શીખી જશો અને આપ સકારાત્મક બની શકશો. તેના માટે તમારે અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો પડશે. કારણ કે  ઘણાં લાંબા સમય વર્ષોથી તમે જે વિચારધારા સાથે ચાલી રહ્યા છો તેમાં બદલાવ (પરિવર્તન) લાવવા માટે વધુ સમય થઇ શકે છે. સકારાત્મક વિચારો શરૂ કરવા ચાલુ કરતાં આપણે ફક્ત એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે, પરિસ્થિતિઓ તથા વ્યક્તિઓના વ્યવહાર પ્રત્યે આપણે ધ્યાન રાખીએ છીએ, તેની સાથે-સાથે આપણે આપણા મનના વિચારો (સંકલ્પો)નું પણ ધ્યાન રાખીએ.

જીવન અને જીવનનો પ્રવાહ નિરંતર પરિવર્તનશીલ હોય છે, અત્યંત આનંદ અને યાતના એકબીજાના પૂરક છે. હંમેશા અત્યંત આનંદની પાછળ અત્યંત દુઃખ આવે છે અને આ ચક્કર પાછું ફરે છે. આ એક અનંત (અંત વગરનું) ચક્ર છે. આપણા સંજોગો આપણા કર્મપર પૂર્વનિર્ધારિત છે, તેથી ત્યાં નકારાત્મક સંજોગો, (ભૌતિકદ્રષ્ટિએ) દેખીતી રીતે ટાળવા શક્ય નથી, પરંતુ તમારી જાતને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે બચાવવા માટે અને નકારાત્મક પરિસ્થિતિને લાભદાયીમાં ફેરવી શકે એવો એક માર્ગ છે. શું તમે આ નિરંતર ચડતીપડતીના અત્યંત ભયંકર ઘટના ચક્રમાંથી ખરી છટકબારી શોધી રહ્યા છો? તો તેની ચાવી પોઝિટિવ રહેવું તે છે. આ દુનિયામાં, ફક્ત હકારાત્મકતા (Positivity) જ તમને સુખ આપશે, જયારે નકારાત્મકતા (Negativity) તમને માત્ર દુઃખ જ નહિ આપે, પરંતુ તમારો વિનાશ પણ કરશે. તમારો દરેક વિચાર, આવનારા કાર્યનું બીજ છે. તેથી આપણે શા માટે હકારાત્મક ના રહેવું જોઈએ ? કે જેથી તમને તેનું સારું ફળ મળે. જયારે મુશ્કેલ સમયમાં તમે હકારાત્મક વિચારો છો ત્યારે, તે તમારા કડવા સંજોગોને મધુર સંજોગોમાં ફેરવી શકે છે. જયારે તમારું મન હકારાત્મક બની જાય છે ત્યારે તમે દિવ્ય બનો છોકારણ કે હકારાત્મકતા એ ચિત્તની શુદ્ધિ છેઅને શુદ્ધચિત્ત એ અંતિમ સ્થિતિ છે. ભગવાન મહાવીર સમજાવે છે કે, જે લોકો પોઝિટિવ (Positivity) છે તે મોક્ષ તરફ જશે, તેથી જ નકારાત્મકતાને દૂર રાખવી ખુબ જ અગત્યની છે.

જ્યારે દુ:ખ ભરી પરિસ્થિતિ આવે છે ત્યારે હકારાત્મક (પોઝિટિવ) રહેવું ખુબ જ મુશ્કેલ છે, તો તમે કેવી રીતે નકારાત્મકતાનો સામનો કરશો જેથી તે તમારો વિનાશ ના કરે? તમે નકારાત્મક સંજોગોમાં તણાય ના જાવ તેવું કેવી રીતે કરશો? તમારી પરિસ્થિતિને તમારા અભિગમથી જુદી રાખવામાં તમે કેવી રીતે માસ્ટર બની શકો? કોઈ પણ કપરી પરિસ્થિતિમાં તમે હકારાત્મકતા કેળવવામાં કેવી રીતે પારંગત થશો?

એક દિવસ માટે તમે જુવો કે વિભિન્ન પરિસ્થિતિઓમાં મન કયા પ્રકારના અને કેવા વિચારો (સંકલ્પો) કરી રહ્યું છે. જો મન નકારાત્મક સંકલ્પો કરી રહ્યું છે, તો પણ કોઈ વાંધો નહીં. તેને તરત જ બદલવાનો પ્રયત્ન ન કરો. સંકલ્પ સકારાત્મક હોય કે નકારાત્મક તે અગત્યનું નથી, પરંતુ આ સંકલ્પ કોણ ઉત્પન્ન કરી રહ્યું છે? તેની આપણને જાણકારી હોવી જરૂરી છે. મારા મનના વિચારો હું પોતે જ ઉત્પન્ન કરી રહેલ છું. ધારો કે, કાલે મારી નોકરી છૂટી જાય કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય, પરંતુ તે પ્રસંગે જે પ્રકારના વિચારો મારા મનમાં આવે છે, તે હું પોતે જ પેદા કરી રહી છું. 

મારી કચેરીના ઉપરી અધિકારીએ બધાની હાજરીમાં મારા ઉપર ગુસ્સો કર્યો, એથી મને દુઃખની અનુભૂતિ થઈ. બધાની સામે મારી આબરૂ ગઈ. આવા સમયે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે, મારી તો કોઈ ભૂલ જ ન હતી. છતાં પણ તેઓ મારા ઉપર ગુસ્સે થયા. અહીં તો મહેનત કરવાનો કોઈજ ફાયદો નથી. ગમે તેટલી મહેનત કરો, અધિકારી તો ક્યારેય ખુશ થવાના જ નથી. આ પ્રકારના વિચારોથી આપણે દુઃખ તથા હતાશાનો અનુભવ કરીશું. આ બને તે પહેલા આપણે આપણા કાર્યને જોઈ લઈએ કે પછી વિચારીએ કે, શક્ય છે કે તેઓએ ધ્યાનપૂર્વક મારું કાર્ય જોયું ન હોય. એવું પણ બની શકે કે આજે અધિકારીનો મૂડ બરોબર ન હોય. જ્યારે તેમનો મૂડ બરોબર થશે ત્યારે હું તેમની પાસે જઈને સાથે સ્પષ્ટતા કરી લઈશ. જ્યારે કોઈ આપણા ઉપર ગુસ્સો કરે છે ત્યારે આપણું અપમાન થતું નથી. પરંતુ તે સમયે ત્યાં અન્ય હાજર રહેનાર વ્યક્તિઓ આ દ્રશ્યને જોઈ રહ્યા હોય છે. તેઓને ખબર છે કે કોણ પોતાની જાતને નિયત્રણ કરી શકે છે અને કોણ નથી કરી શકતા. અન્ય લોકો મારા માટે એવું જ વિચારશે જેવું હું મારા માટે વિચારતી હોઇશ. જો આવા સમયે મારી આંતરિક સ્થિતિ એકરસ રહી, મારા ચહેરા ઉપર કોઈ પ્રકારની દુઃખની લહેર માત્ર દેખાતી નથી તો બધા લોકો મારા માટે સહાનુભૂતિપૂર્વક વિચારશે.  આમ આવા સમયે અન્ય લોકો મારા માટે શું વિચારશે તેની ચિંતા કર્યા વગર હું પોતે કેવા વિચારો કરીશ? તે બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. કારણ કે લોકો શું વિચારશે? તે હું તો જાણતી નથી, પરંતુ જેવા વિચારો હું મારા માટે કરીશ, લોકો પણ તે જ પ્રકારે વિચારશે. આપણે સકારાત્મક વિચારો દ્વારા જે શક્તિ (ઉર્જા) ઉત્પન્ન કરીશું તે શક્તિ (ઉર્જા) વાતાવરણમાં ફેલાશે અને વ્યક્તિઓના વિચારોને પ્રભાવિત કરશે. આમ લોકો મારા વિશે સારું વિચારે કે ન વિચારે, પરંતુ સૌ પહેલા હું મારા પોતાના વિશે સારા વિચારો ઉત્પન્ન કરું.  નાવ ઉપર આપણે એવું પણ વિચારી શકીએ છીએ કે, તેમણે અધિકારી તરીકે તેમનો પાર્ટ ભજવ્યો.

 

 

 

                                        

 

 

 

Dipak Chitnis (DMC)