ભરયુવાનીના કપરા પચ્ચીસ વર્ષ એકલા ગાળ્યા... નાના બાળકોને રડતાં મૂકીને ચાલ્યા ગયેલા નિષ્ઠુર પતિને માફી આપવા માટે લક્ષ્મીબાનું મન જરાપણ તૈયાર ન હતું.પોતાના જીવનમાં જ્યારે તેમની જરૂર હતી,
ભરયુવાનીમાં લોકો અને આ સમાજ જ્યારે પોતાની સામે ખરાબ દ્રષ્ટિથી જોતા હતા, પોતે અને પોતાના બાળકો ભૂખ-તરસથી વલખાં મારતા હતા ત્યારે તેમને બધાંને રડતાં-ટળવળતાં મૂકીને ચાલ્યા જતાં તેમને જરાપણ શરમ કે દયા માત્ર ન હતા અને હવે આટલા વર્ષોના વહાણા વાયા પછી અચાનક અમારી યાદ આવી ગઈ...?? જેવા અનેક સવાલો લક્ષ્મીબાના મનને અકળાવી રહ્યા હતા.
એક સમયના શેરબજારના કિંગ ગણાતા વિજય મહેતાએ એકાએક દેવુ થઈ જતાં, ડરપોક લુચ્ચા શિયાળની જેમ બૈરી-છોકરાને રખડતા મૂકી દીધા હતા. ઘરબાર વેચી રોડ ઉપર લાવી દીધા હતા. અને એટલું ઓછું હોય તેમ માંગનારા હજી લોહી પીતા હતા એટલે રાતોરાત મુંબઈની ટ્રેન પકડી, મહાનગરી મુંબઈ પહોંચી ગયા હતા.
પછી ન તો કદી પત્નીની કે ન તો બાળકોની ચિંતા કરી કે તેઓ જીવે છે કે મરી ગયા તેની તપાસ શુધ્ધા ન કરી. અને હવે અઢી દાયકા ગુજરી ચૂક્યા બાદ અચાનક પત્ની અને બાળકોની યાદ કઈ રીતે આવી...??
લક્ષ્મી ખૂબજ રૂપાળી હતી. પતલો અને ગોરો વાન, કમરથી પણ નીચે અડે તેટલા લાંબા વાળ, મોટી આંખો અને ઘાટીલો ચહેરો, લક્ષ્મીના પિતા મોહનભાઈના મિત્ર બલરામભાઈએ પ્રણવભાઈ જેવા સુખી અને પૈસાપાત્ર ઘરમાં લક્ષ્મી શોભે તેવી રૂપાળી છે તે વિચારે વિજય માટે લક્ષ્મીનું માંગું મૂક્યું.
સારા ઘરેથી માંગું આવે છે એટલે જવા દેવુ નથી એ વિચારે લક્ષ્મી વીસ વર્ષની હતી અને લક્ષ્મીના પિતા મોહનભાઈએ લક્ષ્મીને પરણાવી દીધી હતી.
લક્ષ્મીના સાસુ જીવીત ન હતા અને સસરા પણ દિકરાએ આટલું બધું દેવું કર્યું છે જાણીને હાર્ટએટેક આવવાથી મૃત્યુ પામ્યા હતા.
લક્ષ્મી પરણીને આવી ત્યારે શામળાની પોળમાં વચ્ચોવચ્ચ ઊંચી ગલીમાં વિજય મહેતાની ચાર માળની હવેલી હતી. લક્ષ્મીના સસરા ધીરધારનો ધંધો કરતાં એટલો રૂપિયો ઘણોજ હતો. પણ કહેવાય છે ને કે " વિનાશ કાળે વિપરિત બુધ્ધિ "
શરૂઆતમાં તો હસબન્ડ-વાઈફનું ખૂબ બનતું હતું. વિજય લક્ષ્મીને પૂછ્યા વગર પવાલું પાણી પણ પીતો ન હતો. લગ્નને એક વર્ષમાં જ અપેક્ષા જેવી એકદમ ક્યુટ અને રૂપાળી દીકરીને લક્ષ્મીએ જન્મ આપ્યો હતો. અને પછી અક્ષતનો જન્મ થયો. વિજય લક્ષ્મીને ખૂબજ પ્રેમ કરતો હતો અને ખૂબજ ખુશ પણ રાખતો હતો.
ઓલાદ સારી પાકે તો પૈસો અવેરી જાણે નહિ તો ખાલી ઉડાડી જાણે એમ વિજય મહેતાએ પણ વધુ કમાવાની લાલચમાં બાપનો પૈસો શેરબજારમાં રોકયો શરૂઆતમાં શેરબજારનો બેતાજ બાદશાહ બન્યો અને પછી કમાવાને બદલે બાજી ઉલ્ટી થતી ગઈ અને પૈસો ડૂબતો જ ગયો, ડૂબતો જ ગયો.
લક્ષ્મીએ તેને પાછો વાળવા માટે ખૂબ કોશિશ કરી તેને ખૂબ સમજાવતી પણ લક્ષ્મીનું કહેલું એક ન માને અને હાર્યો જુગારી બમણું રમે તેમ વિજય મહેતાએ બાપનું ભેગુ કરેલું બધું જ શેરબજારમાં મૂકી દીધું. પોતે રહેતો તે હવેલી પણ વેચી દેવી પડી. અને છેવટે માંગનારાના ત્રાસે બૈરી-છોકરાને છોડીને ચાલ્યો ગયો.
લક્ષ્મી પોતાના મા-બાપની એકની એક દીકરી હતી. પિતાજીના ત્યાં એટલો રૂપિયો નહતો કે લક્ષ્મીના કુટુંબનું ભરણપોષણ કરી શકે. પિતાજી પાસે જે કંઈ હતું તે લક્ષ્મીને પરણાવવામાં જ ખર્ચ થઈ ગયું હતું. પોતે ભાડાના મકાનમાં રહેતા હતા અને તેમની પણ ઉંમર થતાં માતા-પિતા બંનેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું તેથી આગળ-પાછળ પોતાનું કહેવાય તેવું લક્ષ્મીનું કોઈ ન હતું.
પણ ઉપરવાળાની દયાથી લક્શ્મીની કૂખે રૂપ રૂપના અંબાર જેવા બે સંતાનો હતાં તેની સામે જોઇ લક્ષ્મી મરવાના વાંકે જીવી રહી હતી.
લક્ષ્મી શામળાની પોળમાં જ એક ઓરડીમાં ભાડે રહેવા લાગી અને આજુબાજુ વાળાના ઘરકામ કરી પોતાનું અને પોતાના બે છોકરાઓનું ગુજરાન ચલાવતી, કેટલીયે વાર લક્ષ્મી ભૂખ્યા પેટે સૂઇ જતી.
વિજયના મિત્રોને તે પૂછ્યા કરતી હતી કે વિજયના કોઈ સમાચાર મળે છે કે નહિ પણ હંમેશાં તેને નિરાશા જ મળતી....અને હવે આટલા વર્ષે વિજયના સમાચાર આવ્યા....આ વાતની જાણ અપેક્ષાને કરું કે ન કરું....?? લક્ષ્મી વિચારી રહી હતી...વધુ આગળના પ્રકરણમાં....